વિસામો

' વિસામો '

રમા નાની હતી ત્યારથી જ પોતાના બાપની જોહુકમી સહન    કરતી હતી .

પોતાના બાપનો ત્રાસ સહન કરતા કરતા માઁ તો ક્યારની પરલોક સિધાવી ગઈ હતી .
અને હવે રોજ પોતાનો વારો પડતો .  નાની ઉંમરથી જ પારકા ઘરના કામ કરવા મોકલતો .

પુરા દિવસમાં છ-સાત ઘરના કામ કરતી .  એમા પણ જ્યાં કામ કરતી હોય ત્યાં એ લોકોની રોકટોક ...અને તાનશાહી...

ઘણી શેઠાણીઓ તો માથા પર જ બેસતી હોય . એક એક કામમાં સૂચનાઓ આપ્યા કરતી .
નાનકડું નિર્દોષ બાળપણ અને જવાબદારી બાપરે....
મહિને મળતો પગાર ઘરમાં આવતા જ એનો બાપ હાથમાંથી ઝૂંટવી લેતો .

રમાનું બાળપણ એટલે અંધકાર જ હતું .  આરામ શુ હોય એની ખબર જ નહોતી . રાત પડે ઘરની બાર પડેલા ખાટલામાં સુઈ જતી .પણ અંદર આવતી ગંદી છિછોરી અવાજો એની નીંદરમાં બાધા નાખતી .

પોતાનો અય્યાશ બાપ રોજ રાતે દારૂ પીને આવતો . અને રોજ કોઈ નવી ચુડેલને લઈને આવતો ...

રમાને માટે તો રાતની નિંદર પણ હરામ હતી . ઓરડાની અંદરથી આવતી અવાજોથી ડરને કારણે એનું કાળજું  કાંપી જતુ .

  નાની ઉંમરથી જ એને ન તો માઁ નો પ્રેમ મળ્યો . અને બાપ તરફથી તો પ્રેમ મળવાની તો કોઈ આશા જ નહોતી ....
એના કાળા કેશમાં નાની ઉંમરે જ જાણે સફેદી એ ડેરો જમાવ્યો હતો  .
જે ઉંમરમાં હજારો સપના હોય એની જગ્યાએ  આંખોની નીચે કાળા ઘેરા કુંડાળા એ સ્થાન લીધુ હતુ . વાળની દશા પણ જાણે ચીંથરેહાલ હતી .
હસ્તુ ખેલતું નિર્દોષ બાળપણ તો ક્યાંક અલોપ થઈ ગયુ હતું .

પેટ્રોલ વગરની ગાડીને જેમ ધક્કો મારવો પડે એમ રમા પણ પોતાની જાતને પોતેજ ધક્કા મારીને ચલાવતી હતી . ...

આજુબાજુ વાળા કોઈની હિંમત ન્હોતી કે રમાના બાપને કાંઈ કહે ...

ઢસરડા લેતી રમાની જિંદગી યુવાનીના ઉંબરે આવીને ઉભી રહી ...

રમાનું રોજનું એ જ કાર્ય સવારમાં સાત વાગ્યા માં કામે નીકળી પડતી . કોઈ જગ્યાએ ખાવાનુ મળે તો ઠીક નહીં તો પાણી પીને જ ઓડકાર લઈ લેતી .

બધે કામ કરવા જતી એમાંથી એક શેઠાણી સારી હતી . રોજ થોડું જમવાનું વધ્યું હોય એટલે  રમાને આપી દેતી .
રૂપિયો-પૈસો તો એનો બાપ હડપી લેતો એટલે બહારથી કાંઈ લઈને ખાઈ શકે એવી શક્યતા પણ ન્હોતી ..
એની હથેળી તો ખાલીખમ તકદીરના લીસોટાથી ભરેલી ..

રમા જે સોસાયટીમાં કામ કરવા જતી હતી . એની બાજુમાં એક સુંદર મજાનું પાણીનું ખળખળ વ્હેતું ઝરણું હતું . આવતા જતા એ રોજ જોતી .
  પાણીના ઝરણા આગળ નાના-નાના બાળકો ખૂબ મસ્તી કરતા . રમાને પણ દોડીને પાણીમાં છબછબિયાં કરવાનુ મન થતું . પણ ત્યાંજ  એના બાપનો કાળમુખો વિકરાળ ચહેરો નજર આવતો .

જેવો એનો બાપ એવા જ એના દારૂડિયા દોસ્તારો 

એક દિવસ એવાજ એક દોસ્તારે આવીને બાપુને કહ્યું ....

અલ્યા તારે કરોડો રૂપિયા કમાવા હોય તો મારી એક વાત માન
પેલા હું કહું છુ એ હામભળ
 
' તને ખબર છે ?
તારા ઘરમાં તો સોનુ છે સોનુ ...'
તું તો રોજના લાખો કમાઈશ અને વરસ દાડા માં તો મોટો શેઠ બની જઈશ ...
રમાનો બાપ બોલ્યો ' એ કઈ રીતે ?

' અરે તારી દીકરી ...
સોળેકળાએ ખીલેલી એની જવાની છે . અને એને ક્યાંક સરસ મજાની તૈયાર કરવા મોકલી દે ..... અને સરસ મજાના કપડા પેરાવી ને મોટી હીરોઈન જેવી બનાવી દે .
પછી તું જો ...તારે આંગણે તો લાઇન લાગશે લાઇન ...

' અરે વાહ અલ્યા તે તો સો ટકા હાચી વાત કીધી . પણ એના માટે મારે રમા આગળ કૈક ગોઠવીને વાત કરવી પડશે .
        ★       ★      ★

રમાને રોજ ઘેર પહોંચતા
સાડાસાત - આઠ જેવું થઈ જતું . આજે પણ એ જ ટાઈમે ઘેર પહોંચી જોયું તો ઘર એકદમ સ્વચ્છ-સુઘડ ...અને અત્તરોની સુગંધથી મહકી રહ્યું હતું .
રમાને જોતાવેંત બાપુએ પોતાના નાટક શરુ કર્યા .
એકદમથી એના પગે પડી ગયો . અને માફી માંગવા લાગ્યો . અને દયામણા ચહેરે બોલવા લાગ્યો .

દીકરા મેં તારી જિંદગી ધૂળધાણી કરી નાખી છે . મને માફ કરી દે . તારી પણ ઉંમર થઈ છે . મને તારી  સ્થિતિનું  લગીરે ભાન  નોતું

તને ખબર છે તારે માટે હારા હારા ઘરના માંગા આવેશે ....
હવે મારે તારા હાથ પીળા કરવાનો વખત આવી ગયો સે .
મારી વાત સાંભળ કાલે આ ટાઈમે તને છોકરો જોવા આવશે . એટલે હવારે તું કામે ન જતી . અને હા કાલે હવારે સરસ મજાની તૈયાર થઈ જજે . રૂપાળી મજાની લાગીશ તો છોકરો તરત હા કઈ દેશે ...

પોતાના બાપને એકધારા અટલું બોલતા જોઈને રમાને બવ નવાઈ લાગી . મનમાં ને મનમાં વિચારવા લાગી ..અટલો જલ્દી બદલાઈ જાય એ મારો બાપ ન હોય . જરૂર વાત કૈક બીજી જ છે ...

બીજા દિવસની સવાર અને રમાના બાપુએ બાજુના શહેરમાંથી એક સરસ મજાની તૈયાર કરવા વાળી છોકરીને બોલાવી લીધી .

સવાર સવારમાં બાપુના બીજા દોસ્તારોની અવરજવર પણ ચાલુ હતી . સાંજના સમય સુધી તો રમાના ચહેરાની રોનક ફરી ગઈ .. ખબર જ ન્હોતી પડતી કે આ એ જ રમા છે .
રમાના કપડા ,એની હેર સ્ટાઇલ , હોઠો પર લિપસ્ટિક , ગુલાબી ગાલ  ...વર્ષો પછી રમાનો ચહેરો જોરદાર ખીલી રહ્યો હતો . 

તૈયાર કરીને પેલી છોકરી તો નીકળી ગઈ . એના ગયા પછી સુંદર મજાનું બિછાનું બિછાવી એની ઉપર સુગંધી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો ...
ચારે તરફ પરફ્યુમથી રુમને ઔર સુગંધિત બનાવામાં આવ્યો ...

બહાર ઉભેલા બાપુના દોસ્તારોની ગુસપુસથી રમાને પુરી ગંધ આવી ગઈ .

તૈયાર થયેલી રમા રૂમની બાર નીકળી એટલે બાપુએ તરત પૂછ્યું ' અલી તું ક્યાં નીકળી હમણા અંદર જ રે , જા જલ્દી અંદર જા ....'

હા બાપુ જાવ છૂ પણ મારો વિચાર છે .એકવાર મંદિરના દર્શન કરી આવુ ....
બાપુ બોલ્યા ' હા , હા ઇ વાત હાચી જા જલ્દી જઈ આવ  , ટાઢોડા નો ટાઈમ સે ..અંધારું વેલું થઈ જશે હમજી ...

રમા હકારમાં ડોકી હલાવતા હાલી નીકળી . ઘરથી થોડું આઘુ એક ખેતર હતું . એ ખેતરમાંથી ધારીયું લઈને ફરી પોતાના ઘર તરફ ચાલી નીકળી .

રમાના ઘરની બાર એનું એ જ એના દોસ્તારોનું ટોળું હતું . રમાના  હાથમાં ધારીયું જોતા જ એનો બાપ ડઘાઈ ગયો .
' આ શુ રમા ? '
અને હજુ આગળ બોલે એ પેલા તો બાપને ગળેથી જ વાઢી નાખ્યો .
ચહેરા પર કરેલો મેકપ નો થપેડો લોહીના લાલ રંગથી રંગાઈ ગયો .
આસપાસ રહેલા દોસ્તારોનું ટોળું રમાનુ આ રૌદ્ર સ્વરુપ જોઈને પલકવારમાં ઉડન છુ થઈ ગયા .
શિયાળાની સાંજ એટલે વ્હેલું પડતું અંધારું ...
ધારીયું લઈને રમા કાળા અંધકારમાં ચાલી નીકળી ...
વ્હેતા ઝરણાંના પાણીમાં છબછબિયાં કરવા....
વ્હેતા ઝરણાની બાજુમાં રહેલ  પથ્થર પર એક શાંતિ ભર્યા શ્વાસ સાથે  ' વિસામો '  ખાવા બેઠી ...
અત્યાર સુધીની જિંદગીનો થાક જાણે એકસાથે ઉતારી રહી હતી . એક નિશ્ચિન્ત મન સાથે ...અને ઠંડા કલેજે 'વિસામો ' લેતી રમાની જિંદગી....


***

Rate & Review

Verified icon

Mili Joshi 3 months ago

Verified icon

Minal Patel 3 months ago

Verified icon

Urvi Hariyani Verified icon 3 months ago

Verified icon

Janki 3 months ago

Verified icon

Sejal Chauhan 3 months ago