Pizza ni ujawani books and stories free download online pdf in Gujarati

પિત્ઝાની ઉજવણી

?પિત્ઝા ની ઉજવણી ?

ફુથપાથની સામેની સાઈડ ડોમીનોઝ પીઝાની મોટી શોપ હતી . ડોમીનોઝ પિત્ઝામાં લોકોની ખાસ્સી એવી ભીડ હતી . રંગબેરંગી પોશાકમાં
સજ્જ-ધજ્જ લોકો ,
હસી-ઠીઠોલી ભર્યો માહોલ , સુંદર ધીમી લયમાં પીરસાય રહેલું સુમધુર સંગીત ...

ડોમીનોઝ પૂરું ભરચક દેખાય રહ્યું હતું . વેઇટિંગ માં બહાર ખુરશીમાં બેઠેલા લોકો એક ઉત્સુકતા સાથે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા . પરંતુ આજે તો કોઈ વારો આવવાનો ચાન્સ જ ન્હોતો .

પિઝા શોપની અંદર એક કિશોરવયના બાળકનો બર્થડે જોરશોરથી મનાવવાની તૈયારી ચાલી રહી હતી .

કિશોરવયના એ બાળકનું નામ હતુ રોનક.....
પરંતુ તેના ચહેરા પરની રોનક ગાયબ હતી . જન્મદિવસ હોવા છતાં એના ચહેરા પર કોઈ ખુશી નજર ન્હોતી આવતી .

પુરી ભીડમાં એ એક જ બાળક હતો .અટલી ભીડમાં એણે જોયું ક્યાંય દાદા-દાદી પણ નજર ન આવ્યા .

મમ્મી-પપ્પાએ રોનકના ફ્રેન્ડ સર્કલને બોલાવવાની ના પાડી દીધી હતી . કારણકે મમ્મીનો આદેશ હતો
' બેટા તારા પપ્પાનું અને મારું કીટી ગ્રુપનું જ એટલું લાબું લિસ્ટ છે એટલે હવે તારા ફ્રેન્ડ સર્કલને સ્કૂલમાં ચોકલેટ આપી દે જે .અને એવું હોયતો સાથે રીટર્ન ગિફ્ટ પણ આપી દે જે બસ ...
પોતાની મમ્મીના આદેશનું પાલન તો કરવું જ રહ્યું .

રોનકે માઁ ને ધીરે રહીને પૂછ્યું
' મમ્મી દાદા-દાદી તો ઘેર તૈયાર થઈને બેઠા હતા . હજુ કેમ ન આવ્યા .?

માઁ એ જવાબ આપતા કહ્યું ' હમણાં ડ્રાઇવર અંકલ લઈ આવશે . તું શાંતિથી સામેની ખુરશીમાં બેસી જા . હમણાં કેક કાપવા બોલાવું ત્યારે આવજે .

ખુરશીમાં બેઠા-બેઠા પોતાના જ જન્મદિવસ પર બીજાના ચહેરાના હાસ્યને નીરખી રહ્યો હતો .
સૌ પોતપોતાની વાંકપટુતાથી સ્વયંને ઈમ્પ્રેસ કરવાની હરોળમાં હતા .
? ? ?
પિત્ઝા શોપની સામે જ ફૂટપાથ પર બેઠેલી એક ગરીબ બાળકી એની માઁ ને કહી રહી હતી . ' માઁ આ તો જો કેટલા બધા લોકો છે અહીં '

માઁ એ પણ વિચાર્યું આજે અહીં જ બેઠી રવ કૈક તો ખાવાનું મળી જ રહેશે .

એ ગરીબ બાળકી અને માઁ જ્યાં બેઠા હતા ત્યાં થોડી જ વારમાં એક કાર આવીને ઉભી રહી .
કાર આવતા જ રોનકની માઁ પિત્ઝા શોપ માંથી બહાર નીકળીને કાર તરફ આવી રહી હતી . કારની અંદર એના સાસુ-સસરા હતા . ડ્રાઈવરને કહ્યું ' તું અંદર જા સાહેબને તારું કામ છે . અને પછી કારના ગ્લાસમાંથી ડોકિયું કરતા બોલી ' મમ્મી-પપ્પા અંદર બહુ ભીડ છે . એટલે તમને લોકોને અકળામણ થશે . હું એક કામ કરૂં છું . હું હમણાં રોનક સાથે તમારી પ્લેટ અહીંજ મોકલી દવ છું . આખરે તમારા પૌત્ર નો જન્મદિવસ છે ને શાંતિથી ખાઈ તો શકો !!!!

ચહેરા પર એક નકલી હાસ્ય સાથે સાસુમા એ હકારમાં ડોકી ધુણાવી .

ફૂટપાથ પર બેઠેલી પેલી બાઈ આ વાર્તાલાપ સાંભળી રહી હતી . અને વિચારવા લાગી આજે તો રામનવમી છે . અરે આજેતો મારી લાલીનો પણ જન્મ થ્યો તો . ચહેરા પર ખુશી સાથે એણે દીકરી સામે નજર કરી .
પરંતુ દીકરી કાંચમાંથી દેખાય રહેલા એ મસ્તીભર્યા માહોલને માણી રહી હતી .

થોડીવારે કેક કપાઈ ગયા બાદ બધા બધા લઝીઝ પિત્ઝાનો સ્વાદ લેવા લાગ્યા .
કારમાં બેઠા બેઠા દાદા-દાદી દૂરથી દેખાતા હાસ્યનો આનંદ લઈ રહ્યા હતા .

કારના અરધા ખુલ્લા કાંચમાંથી દાદી પેલી ગરીબ બાઈ અને દીકરીને જોઈ રહી હતી . માઁ દીકરીને કહી રહી હતી ' તને ખબર છે આજે તો તારો પણ જનમ વાર છે .
દીકરી પણ એક હાથ દાઢી પર રાખીને કંઈ વિચારતી હોઈ એમ માઁ સામે જોઈ સવાલ પૂછી બેઠી ' જનમ વાર એટલે શું ? '

ત્યાં થોડી જ વારમાં રોનક પિત્ઝાના બે મોટા બોક્સ અને એક નાની પ્લેટમાં કેકના ટુકડા લઈને ગાડી તરફ આવી રહ્યો હતો . કારનો દરવાજો ખોલતા જ દાદા-દાદીએ એને ચુંબનથી નવરાવી દીધો . રોનકને પણ જન્મદિવસની પરફેક્ટ ગિફ્ટ મળી ગઈ હોવાથી ખુશહાલ થઈ ગયો . તેના ચહેરા પર હવે સાચા અર્થમાં ખુશી છવાયેલી હતી .

પિત્ઝાનું બોક્સ ખોલતા જ દાદા-દાદી બંનેએ એકબીજા સામે જોયું .રોનક તરત સમજી ગયો દાદા-દાદીને પિત્ઝા ખાવામાં તકલીફ થશે . એટલે દાદાને કહેતા બોલ્યો ' દાદા ઉભા રહો તમે આ પિત્ઝા નહી ખાઈ શકો . હું સામેથી બીજું લઈ આવું છું .

રોનક દાદા-દાદી માટે બીજું ખાવાનું લેવા જવા રવાના થયો એટલે દાદાએ પૂછ્યું ' દીકરા પૈસા ?

ત્યાં હસ્તા ચહેરે રોનક બોલ્યો
' અરે દાદા આજે તો ખીસું ભરેલુ છે . '
થોડીવારમાં જ રોનક દાદા-દાદી ખાઈ શકે એવું ખાવાનું લઈને ફટાફટ આવી ગયો .

દાદીએ કારની અરધી ખૂલેલી ગ્લાસ વિન્ડોમાંથી જોયું ....પેલી માઁ-દીકરી ત્યાં જ બેઠા હતા .
દાદીએ કારનો દરવાજો ખોલ્યો અને હાથના ઇશારાથી પેલી બાળકી અને એની માઁ ને પાસે બોલાવી પિત્ઝાના બંને બોક્સ અને કેકના બે પીસ આપી માથે હાથ ફેરવતા બોલી ' લે આ કેક અને પિત્ઝા આજે તો તારો પણ જનમ વાર છે ને
એ નાની ગરીબ બાળકીને જનમવારનો મતલબ તો સમજમાં ન આવ્યો પણ ખાવાનું જોઈ ચહેરા પર સંતોષ છલકાઈ ગયો . પાછળ ઉભેલી માઁ ના ચહેરા પર ખુશી સાથે આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા હતા .

બુઢાપો અને બાળપણ આજે ખીલખીલાટ હસી રહ્યું હતું . અને સામે પિત્ઝા શોપમાં જવાની નો નાદ દૂર-દૂર સુધી સંભળાઈ રહી હતો .
અને ધીમી અવાજે એક ગીત વાગી રહ્યું હતું .

' યે તો સચ હૈ કી ભગવાન હૈ....
હૈ મગર ફિરભી અંજાન હૈ
ધરતી પે રુપ માઁ-બાપકા ઉસ
વિધાતાકી પહેચાન હૈ '

'आँसू ' और ' मुस्कान ' ने आज समझौता कर लिया था ,
आँखों से बहते आँसू और चहेरे पर हल्की सी मुस्कान
? ??????