Sonani Nathani books and stories free download online pdf in Gujarati

સોનાની નથણી

' સોનાની નથણી '

ધનજીના ઘરના આંગણે લોકોની અવરજવર ચાલુ હતી .ધનજીના દીકરા રવજીના લગ્નનો પ્રસંગ હોવાથી લોકોની વાતો અને ચહેરાનો ઉત્સાહ કંઈ અનેરો જ હતો . ઘી માં તળાતા મિષ્ટાનની સોડમ ચારે તરફ ફેલાઈ રહી હતી .

બાજુના ગામડે ગયેલી જાન આજે નવદંપતીને લઈને ઘરને આંગણે આવી પહોંચી હતી . ઝાંઝરના ઝણકાર સાથે નવી વહુએ ફળિયાંમાં પ્રવેશ કર્યો .
ઢોલ-નગારાના અવાજ આગળ નવી વહુના ઝાંઝરનો ઝણકાર ક્યાંય દબાઈ ગયો હતો .

ધનજી હવે સસરો બની ગયો હતો. મૂછોને વળ ચડાવતો ખુમારીથી ખુરશીએ બેઠો હતો . અને એની આસપાસ એના ખાસ ચમચાઓ અને બાકી પ્રસંગમાં આવેલા સગાવહાલાઓ બિરાજમાન હતા .

નવી વહુના આવતા જ એની ચારે તરફ સાસુ ,નણંદ એના બીજા સગાવ્હાલા અને આજુબાજુ રહેતા લોકો ગોઠવાઈ ગયા હતા .

લાલ ઓઢણામાં સજેલી નવી વહુ ઓઢણાની અંદર છુપાયેલી બે આંખો વડે આરપાર બધુ નીરખી રહી હતી .

બૈરાઓની જમાત હજુ બેઠી જ હતી ને એકબીજાના કાનમાં ગુપસુપ શરુ થઈ ગઈ .

સાંભળ્યું છે વહુને દહેજમાં કાંઈ આપ્યું નથી .
મને કાંઈ ખબર નથી હો....
આ તો ગામમાં વાતો થતી હતી . એકથી બીજા ....અને એમ આગળથી આગળ વાતો ચાલતી રહી . અને એમાં એક બે વાતોનો તીખો-મીઠો સ્વાદ હજુ ઉમેરાતો ગયો .
કોઈબીજાની વાતો કરવા બસ એક નાની સરખી ચિનગારી જોઈએ . બસ પછી શું ...

લોકોની વાતો કૈક આવી હતી .....
વહુએ જે નથણી પેરી સે ને એ ઇ પણ પિતળની હોય એવી લાગે છે દેખાવમાં જો સાવ હલ્કી છે .
અને ગળામા સાવ પાતળી ચેન જેવો તો હાર છે .કેવા માઁ-બાપ હશે ? દીકરીને સાવ કોરી મોકલી દીધી હોય એવું લાગે છે . '

જેટલા ચહેરા અને એમાંથી નીકળતી અનાપ સનાપ વાણી..
વાતોની ગપસપ ધીરેધીરે વહુની પાછળ જ બેઠેલા બૈરાઓ સુધી પહોંચી ગઈ . એટલે વહુના કાને પણ આ શબ્દો પડતા જ એનો હાથ નાકમાં પહેરેલી નથ ઉપર ફરવા માંડ્યો . જેમાં પોતાના માઁ-બાપૂની જીવનભરની મહેનત દેખાય રહી હતી . માઁ-બાપે પોતાની કેટલીય જરૂરિયાતોને માળિયે ચડાવી દીધી હશે ત્યારે અટલું માંડ ભેગું થયું હશે .

બે ઓઢણાને ફાડીને એની પાસે ચાર ઓઢણા હોવાનો દેખાવ કરતી માઁ ...
અને બાપુના ખભે પણ એકનો એક ખેસ અને ખેતીની મીઠી માટીમાં રંગાયેલ કપડાં એ પણ ખાલી બે જોડી ..
દરેક દીકરીના માઁ-બાપ પોતાની દીકરી માટે કેટલું કરતા હશે અને અંતે લોકોના મનની બેકાર ઉપજાવેલી વાતો એક ચિનગારી બનીને બધુ જ સ્વાહા કરી દે છે .

મંજુ નાની હતી ત્યારથી પોતાના માઁ-બાપુને ખૂબ મહેનત કરતા જોયા હતા . એનાં માઁ-બાપુમાં સમજદારી પણ ભારોભાર હો . આટલા વર્ષોમાં એ લોકોના ઘરમાંથી એક ઉંચી અવાજ
નો ' તી આવી .
આસપડોશ માં કોઈને અડધી રાતે પણ કોઈ તકલીફ હોયતો બંને જણા મદદ માટે તૈયાર ...

ને હું તો એમનું એકનું એક સંતાન .. મહેનત-મજૂરી કરી મને દસમા ધોરણ સુધી ભણાવ્યું હતું .
બાપુની રહી સહી જે મૂડી હતી એ અને થોડી રકમ કોઈથી ઉધાર લઈને મારા લગ્નના નામે ખર્ચી નાખ્યા હતા .
પોતાની જિંદગી જાણે દાવ પર લગાડી દીધી હોય એમ બધી મૂડી ખર્ચી નાખી હતી .
એટલે જ પોતાના માઁ અને બાપુ માટે થતી આવી વાતોથી એનું મન ભરાઈ આવ્યું . એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા . છતાં પોતાના રુદનને કાબુમાં રાખી ચૂપચાપ બેઠી રહી .

મંજુ મનમાં ને મનમાં વિચારતી રહી મારો ધણી રવજી તો સ્વભાવ તો સારો હશે ને ?
દીકરી માટે તો સાસરે આવ્યા પછી નવું ઘર , નવા લોકો .....એમ કહો પુરી દુનિયા જ નવી ..
અને એવામાં પહેલા જ દિવસે પોતાના માઁ-બાપુ માટેની આવી વાતો કંઈ દીકરી સાંભળી શકે ?

મંજુની પોતાની નણંદના લગ્ન અઠવાડિયા પછી જ હતા . એટલે મહેમાનો તો હજુ એક અઠવાડિયું અડ્ડો જમાવીને જ બેસવાના હતા .
લગ્નના બીજા દિવસની સવાર અને વ્હેલી સવારથી ચહલપહલ ચાલુ જ હતી . મંજૂના કાને શબ્દો પડે એમ લોકો બોલવાનું શરૂ થઈ ગયા .
ધનજી મોટી અવાજે પોતાની પત્નીને કહેતા બોલ્યો ...' દીકરીને દેવાની એક-એક વસ્તુઓની યાદી કરતા રહેજો . સોનાનો હાર , જુમકા , સોનાના કડા , બુટ્ટી ...

આ બધી વસ્તુઓની એક લિસ્ટ બનાવજો . દીકરીને તો સરખું દેવું જ પડે ને . આપણે કંઈ બીજાની જેમ દીકરીને ખાલી હાથે થોડી મોકલાશે ?
ચારે તરફ વહુને કંઈ ન આપ્યું ની ચર્ચા ચાલુ જ હતી . એના ગુસ્સામાં ને ગુસ્સામાં સાસુમાં પણ ધુવાંફુવા થઈને ફરી રહી હતી .

મંજુ આ બધું સાંભળતા સાંભળતા ચૂપચાપ એનું કામ કરે જતી હતી . ત્યાં આવીને નણંદબા બોલ્યા ' ભાભી તમને માઁ બોલાવે છે .
મંજુના ઓરડામાં જતા જ સાસુમાં એ હુકમ કર્યો . ' તમારા પિયરથી આવેલા સાવ હલ્કા પિતળના દાગીના લાવો સાવ દેખાવ પૂરતું સોનુ આપ્યું છે . એ મને આપી દયો તો એની નણંદોને પહેરામણીમા દેવા કામ આવશે .
ત્યાં વળી પાછળથી દાદી સાસુ ટપકીને બોલી ....
'હમણાં થોડા દી રે 'વા દયો વહુ , ઘરમાં આટલા લોકોની સામે કાનમાં કે ગળામાં કાંઈ નહીં પહેર્યું હોયતો આપણું જ નાક કપાશે . જાન આવે ત્યારે ખોટા દાગીના પેરાવી ને આ લઈ લેજો . પછી કાંઈ કોઈનું ધ્યાન નઈ જાય .

ઠીક છે બા એમ કહેતા મંજુની સાસુ ઓરડાની બાર નીકળી અને બોલતી ગઈ ' તમારા સસરાએ કેટલી મહેનત કરી દીકરી માટે ભેગું કર્યું છે અને એ પણ સાવ ઓછું નહીં . પુરા દસ લાખનું તો સોનુ છે સોનુ ને બાકી કરિયાવર આપ્યો છે એ અલગ સમજ્યા ? અને મોઢું મચકોડતા ઓરડાની બાર નીકળી ગયા .

મંજુની એક આંખમાં ગુસ્સો અને એક આંખમાં આંસુ ....
ખૂબ વિકટ પરિસ્થિતિ હતી .
એ દિવસે સાંજે દીકરીને આપવાનું આણું જોણું જોવા લોકો ભેગા થયા હતા . એનો ઓરડો અલગ જ હતો . મંજુ તો જોઈને આભી જ બની ગઈ ..અટલું બધું ?

પોતાના ધણી રવજીના કાનમાં ધીરે સાદે મંજુ બોલી ' આ અટલું બધુ નણંદબા ને દેવાનું ?

જવાબમાં રવજી બોલ્યો ' બાપુએ પોતાની સઘળી મૂડી આમાં પધરાવી દીધી . પાછળ કંઈ બચ્યું નથી . બાપુને તો દેખાવ કરવા જોઈએ નકરો દેખાવ .
મેં કેટલી ના કીધી પણ મારુ માને ઇ બીજા '

લગ્નના આગલા દિવસે વ્હેલી સવારમાં જ રાડારાડ મચી ગઇ . દીકરીને આપવાનો કરિયાવર માંથી મોટા ભાગની વસ્તુઓ ચોરી થઈ ગઈ હતી . ગણ્યું ગાઠયું થોડુંઘણું બચ્યું હતું .

રવજી પોતાના બાપુને તુરંત બોલ્યો ' મેં પેલા જ ના પાડી તી...., ઇ ઓરડામાં બધો સામાન ન મુકો પણ આ ઘરમાં મારી વાતતો માને છે જ કોણ ?

મંજુની સાસુ પણ જવાબ આપતા બોલી ' અલ્યા તારી વહુ જ અપશુકનિયાળ લાગે છે . ઘરમાં એના પગલાં પડતા જ આવો અણબનાવ બન્યો . હવે રાતા પાણીએ રોવો બીજું શું ?
મંજૂના સસરા તો માથે હાથ દઈને બેસી ગયા .
હવે શું કરશુ ? કાલે તો વેવાઈ આંગણે આવીને ઊભા રહેશે .

સગાવ્હાલા દરેકના ચહેરા પર એક મૌન છવાઈ ગયું . કોઈ વળી જઈને પોલીસમાં રિપોર્ટ લખાવીને આવ્યું .
પુરી રાત ચિંતામાં ને ચિંતામાં ....

રાતનાં રાંધેલા રાંધણ ફીકી સુગંધ ફેલાવતા એમને એમ પડ્યા રયા...
વેવાઈને શુ જવાબ આપશુ ? સવારે તો બેન્ડવાજા સહિત જાન આંગણે આવી પહોંચશે . એની ચિંતામાં તો રાત નીકળી ગઈ .

જાન આવવા પેલા બધા તૈયાર તો થયા . પણ બધાના મનની હાલત ચિંતાતુર હતી .
જાનને આવવાનો સમય અને ધનજી રાહ જોતો ઉભો હતો . બાકી કોઈનામાં હોશ નહોતી કે જાનનું સામૈયું કરે . ધનજી એ જોયું દીકરીના સાસુ , સસરા અને થનાર જમાઈ એમ ત્રણ જણા જ આંગણે આવીને ઊભા હતા .

એ લોકોને જોતા જ ધનજીના મનમાં એક મિનિટમાં તો કેટલાય વિચારો આવી ગયા.
ધનજીએ ચહેરા પર ચિંતા સાથે હાથ જોડતા બેસવા માટે કહ્યું અને ધીમી અવાજમાં બોલ્યા અમારે ત્યાં ચોરી થયાની વાત તો તમારે ત્યાં પહોંચી જ ગઈ હશે . એટલે જ તમે લગ્નનું મોકૂફ રાખ્યું લાગે છે .
' મને માફ કરજો પણ હવે બીજું કંઈ થઈ શકે એમ નથી .

દીકરીના સસરા ધનજીનો હાથ પકડતા બોલ્યા ' અરે , કેવી વાત કરો છો તમે ?
તમે તમારી દીકરી મને આપો છો એનાથી રૂડો શણગાર કોઈ હોય શકે ભલા ? '
મને તો એ પહેરેલ કપડે આવશે તો પણ ગમશે .

અને હા , દીકરીને દેવાની ક્યાં માઁ-બાપની ઈચ્છા ન હોય ?
અને સૌ પોતાની યથાશક્તિ પ્રમાણે આપે જ છે . પણ હા મારા વિચાર મુજબ પ્રમાણસર હોવું જોઈએ .
લોકોની દેખાદેખીમાં ચાલશો તો દુનિયા તો બેતરફી છે .
દુનિયાની સામે જોશો તો લોકોતો બેફામ વાણી બોલશે .

અને મેં તો તમને પેલા જ કીધું હતું કે દીકરીના લગ્નમાં લેવાદદેવડની કોઈ વાત જ નહીં .
દીકરી તો પોતે જ સોનેથી મઢેલી હોય છે . એને સોનાના દાગીનાની શી જરુર ? ,
અને બાજુમાં ઉભેલી મંજૂના માથે હાથ ફેરવતા વેવાઈ બોલ્યા . ઘરમાં ચોરી થઈ હોવા છતાં તમે તમારા ઘરની નવી વહુને કેવી સરસ શણગારી છે.

ચાલો હવે એ બધી ચિંતા છોડો અને અમને ઘરનાં આંગણે જે ભોજન બનાવ્યું હોય એ જમાડો અને અમારી દીકરી અમને સોપો .
તમને ખબર છે મેં મારા બધા જ સગાવ્હાલા ને હાથ જોડી માફી માંગી ને કહી દીધું . ' જો વહુ પણ કોઈની દીકરી છે . અને એમાં પણ આવી પરિસ્થિતિમાં હું એમની ઉપર બોજ બનવા નથી માંગતો . અમે ખાલી ત્રણ જણા જઈને વહુને લઈને આવશું . અને વહુના ઘરમાં આવ્યા પછી ખબરદાર જો કોઈએ એને ખરી ખોટી સંભળાવી છે તો .

ધનજીના ઘરના દરેકના ચહેરા પરનો ડર તો ગાયબ હતો .
પણ દરેકની આંખો શરમના કારણે ઢળેલી હતી .
પોતે નવી વહુને કરિયાવર બાબત સંભળાવેલા આક્ષેપો અને પોતાની જ દીકરીના સાસુ સસરાનો વ્યવહાર બંનેની વાતો અને વ્યવહારમાં જમીન આસમાનનો ફરક હતો .
મંજુના સાસુ ,સસરા , દાદી અને બાકીના સગાંવહાલાંના ગાલ પર કોઈએ જાણે જોરદાર તમાચો માર્યો હોય એવું લાગ્યું . દરેકની આંખો આગળ જાણે અમાવસનો અંધકાર વ્યાપી ગયો હતો . દરેકના ચહેરા શરમને કારણે તારતાર થઈ ગયા ....

ઘરમાંથી ચોરી થયાનું દુઃખ તો મંજુને પણ હતું . પણ આજે એના ચહેરા પરની ચિંતાના વાદળો હટી ગયા હતા .

મંજુની સાસુ મંજુની બાજુમાં આવી બોલી : -
' વહુ દીકરા આ ઘૂંઘટ કાઢી નાંખો તમને પીરસવુ નહીં ફાવે . સાસુના આટલા જ બોલાયેલા મીઠા શબ્દોથી મંજુની આંખમાંથી આંસુ સરી પડ્યા .

બધાએ ખૂબ હરખભેર દીકરીને વિદાય કરી . દીકરીની વિદાય પછી શાંત થયેલા વાતાવરણ વચ્ચે સૌ ફળિયામાંથી ઓરડામાં જવા રવાના થયા .
દાદી સાસુ માંડ ચાલી સકતા હતા એટલે મંજુએ દોડીને એનો હાથ પકડી લીધો . દાદીની આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા હતા .એમ તો દીકરી વિદાય પછી દરેકની આંખો રડી રહી હતી .
એ આંસુ દીકરીની વિદાયના કે પછી પશ્ચતાપના એ નો ' તી ખબર .
મંજુ ફળિયામાં રહેલ ડેલાને બંધ કરી પાછી વળી અને શાંત વાતાવરણમાં પોતાના ઝાંઝરના ઝણકાર સાથે પુરી ખુમારીથી ઓરડામાં જઈ પહોંચી .

અમુક દિવસો જતા જ ચોર પકડાઈ ગયો . અને ધનજીના ઘેરથી ચોરી થયેલો સઘળો સામાન પરત મળી જતા ઘરમાં ફરી ખુશી લહેરાઈ ગઈ .
સોનાનો દાગીનો એક એક સહી સલામત હતો .

પરંતુ આ વખતે મંજૂના સસરાએ સોનાના દાગીનામાંથી બે એકસરખા ભાગ કરી એક ભાગ મંજુને આપતા બોલ્યા
' આખરે તું પણ અમારી દીકરી જ છે ને '

" ચહેરાઓ પણ કેવા કેવા મ્હોરા પેરી લે છે . ક્યાં અને ક્યારે ? ચહેરા બદલાઈ છે ખબર જ નથી પડતી .