Limelight - 46 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૪૬

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૬

રસીલી ઉપર ડીએસપી દેવરેનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમારો પીછો કોણ કરતું હતું એનો પત્તો લાગી ગયો છે ત્યારે રસીલી ચોંકી ગઇ. તેને કલ્પના ન હતી કે સાકીર ખાનને તેના પર અવિશ્વાસ ઉભો થયો હતો. તેની સાથેની મુલાકાતમાં તેને પકડાવવા માટે રસીલી પર શંકા વ્યક્ત કરીને તેણે વાત મજાકમાં કરી ન હતી. તેણે પોતાના કોઇ અંગત માણસને કહીને પીછો કરાવવાનું શરૂ કરી દીધું હતું. ડીએસપી દેવરેએ માહિતી આપી કે સાકીરનો એડવોકેટ તેનો પીછો કરાવી રહ્યો હતો. પોલીસે રસીલીનો પીછો કરતા એક માણસને ઘણી વખત એડવોકેટની ઓફિસમાં જતા જોયો હતો. પણ પોલીસે તેના માણસને હુલ આપી દીધી હોવાથી હવે પીછો કરશે નહીં. રસીલીને આ જાણીને થોડી રાહત થઇ. પણ સાકીર ખતરનાક માણસ હતો. તે કંઇ પણ કરી શકે એમ હતો. તેને મળ્યા પછીના દિવસોમાં તે એકપણ વખત પોલીસને કે તેની ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલા કોઇ માણસને મળી ન હતી કે કોઇ માહિતી કઢાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. એટલે સાકીરની મારા પરની શંકા અત્યારે તો ખોટી જ સાબિત થઇ હશે. રસીલીને હવે તેના ફ્લેટમાં રહેવાનો ક્યારેક ડર લાગતો હતો. સાકીરે ફ્લેટ તેના નામ પર કરી દીધો હોવાથી ચિંતા ન હતી. જ્યાં સુધી સાકીરના કેસનો કોઇ ચુકાદો ના આવી જાય ત્યાં સુધી તે અંગત જીવનમાં કોઇની સાથે જાહેરમાં આગળ વધી શકે એમ ન હતી. તેણે પોતાની ફિલ્મો પર જ ફોકસ કરવાનું નક્કી કર્યું. અને તેમાં અજ્ઞયકુમાર સાથેની 'પતિ, પત્ની ઔર મોબાઇલ' મુખ્ય હતી. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી તેની ચર્ચા અને હાઇપ વધી ગયા હતા. ત્યાં ડાયરેક્ટર અખિલ વર્માએ પોતાની એવા જ વિષયવાળી ફિલ્મ 'પતિ, પત્ની ઔર સોશિયલ મિડિયા' ને એ જ દિવસે રજૂ કરવાની જાહેરાત કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ બની રહી હતી. પણ નાની સ્ટાકાસ્ટ અને ઓછા બજેટની ફિલ્મ હોવાથી તેની કોઇ ચર્ચા ન હતી. અચાનક 'પતિ, પત્ની ઔર મોબાઇલ' જેવા નામવાળી ફિલ્મની તેની સાથે જ રજૂઆતની તારીખ જાહેર થયા પછી એ પણ જાહેર થઇ ગયું કે તે લાભ લેવા માગે છે. અજ્ઞયકુમાર માટે પણ આ ફિલ્મની જાહેરાત આંચકો આપે એવી હતી. તેને ખ્યાલ હતો કે તેમાં એક જાણીતી હીરોઇન સિવાય બધા જ નવોદિતો હતા. પણ એ ફિલ્મ ઘણા મલ્ટિપ્લેક્ષ રોકી લેવાની હતી. અને પોતાનું રૂ.૩૦૦ કરોડની ક્લબમાં 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ને લાવવાનું સપનું થોડા કરોડને કારણે ચકનાચૂર થઇ શકે એમ હતું. એ વાત તેણે રસીલીને કરી ત્યારે તે પણ ચિંતામાં પડી ગઇ હતી. મિડિયામાં સમાચાર હતા કે અજ્ઞયકુમારે ડાયરેક્ટર અખિલ વર્મા સાથે વાત કરી તેની ફિલ્મને બે સપ્તાહ મોડી રજૂ કરવાની વિનંતી કરી છે. પણ તે માન્યા નથી. હવે બોક્સ ઓફિસ પર એકસરખી ફિલ્મોની ટક્કર ટળી શકે એમ નથી. અજ્ઞયકુમાર માટે હવે પરિસ્થિતિનો સ્વીકાર કર્યા વગર કોઇ રસ્તો નથી. 'પતિ, પત્ની ઔર સોશિયલ મિડિયા' થી અજ્ઞયકુમારની ફિલ્મને કેટલું નુકસાન થશે એનો અંદાજ ટ્રેડ એનાલીસ્ટો લગાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

***

'પતિ, પત્ની ઔર મોબાઇલ' મોટી હિટ ફિલ્મ સાબિત થવાની હતી. પણ કોણ જાણે કેમ અજ્ઞયકુમારના દિલમાં ખુશી ન હતી. તેને રીંકલના સમાચારોથી આંચકો લાગ્યો હતો. તેને કલ્પના ન હતી કે રીંકલ આ રીતે તેને જવાબ આપશે. રીંકલનું નામ મોનિશ સાથે જોડાયા પછી બંને સાથે હરતા-ફરતા હોવાની વાતો વધુ આવી રહી હતી. હવે તો એવા સમાચાર આવ્યા હતા કે મોનિશ રીંકલને ફરી અભિનયમાં લાવવાનો છે. તેણે રીંકલ માટે એક સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું લેખકને સોંપી દીધું છે. રીંકલ માટે એક મહિલાપ્રધાન ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ રહી છે. બીજી તરફ અજ્ઞયકુમારના રસીલી સાથેના અફેરની વાતો પણ એટલી જ ચાલી રહી હતી. બંનેને ફિલ્મના પ્રચારમાં સતત સાથે જોઇને હવે તો પત્રકારો પૂછવા લાગ્યા હતા કે બંને વચ્ચે કેવો સંબંધ છે? અજ્ઞયકુમાર તેને ખાસ દોસ્તીનું નામ આપી રહ્યો હતો. રસીલી પણ અજ્ઞકુમાર સાથે સારું ટ્યુનિંગ રહ્યું હોવાનું જણાવી રહી હતી. અને તે એક પતિ તરીકે સારો માણસ હોવાનું કહી રહી હતી. દિલમાં અજ્ઞયકુમાર પ્રત્યે આકર્ષણ ઊભું થયું હોવાનું તેને લાગતું હતું. પણ સાકીર ખાન સાથેની ડબ્બામાં બંધ થયેલી ફિલ્મ વિશે જ્યારે પ્રશ્ન થતો ત્યારે તેના દિલમાં તણાવ ઊભો થતો હતો. સાકીરથી તેને થોડો ડર લાગતો હતો. તેણે નક્કી કર્યું હતું કે તે હવે ક્યારેય સાકીરને મળશે નહીં. રસીલીના દિલમાં ત્રીજો પુરુષ મોન્ટુ પણ પોતાનું એક અલગ સ્થાન બનાવી રહ્યો હતો. એક સાથે ત્રણ-ત્રણ પુરુષ વચ્ચે દિલ અને મન ઝોલા ખાતા હતા. તેણે 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ની રજૂઆત પછી દસ દિવસનું વેકેશન લઇને વિદેશમાં જતા રહેવાનું નક્કી કર્યું હતું. અને પછી શાંતિથી વિચારવાનું મન બનાવ્યું હતું. ત્યાં ડીવાયએસપી દેવરેનો ફોન આવ્યો અને તેમણે જે સમાચાર આપ્યા એ આંચકો આપનારા હતા. સાકીર અંગેનો ચુકાદો આવી ગયો હતો. આ ચુકાદો આટલો જલદી અને આવો આવશે એવી તેની ગણતરી ન હતી. આ સમાચારનો કેવો પ્રત્યાઘાત આપવો એ જ તેને સમજાતું ન હતું. પરંતુ આ સમાચારના દૂરગામી પરિણામો તે વિચારી શકતી હતી.

***

રીંકલને મોનિશ કપૂર સાથે થોડા દિવસ પ્રેમનો-દોસ્તીનો ઢોંગ કરવાનો હતો. વધારે તો એવી વાતોને હવા આપવાની હતી કે રીંકલને નવો સાથી મળી ગયો છે. અને મિડિયા આવી ચટપટી વાતો ઝડપથી ફેલાવી રહ્યું હતું. બંને વચ્ચેના અફેરની વાત ચગવા લાગી હતી. હવે એ માટે એક-બે વખત જાહેરમાં સાથે દેખાવાનું હતું અને તાલ જોવાનો હતો. અજ્ઞયકુમાર પર તેની કેવી અસર થાય છે એ જાણવાનું હતું. નક્કી થયા મુજબ રીંકલ અને મોનિશની એક સેવન સ્ટાર હોટેલમાં મુલાકાત ગોઠવવામાં આવી. એ માટે બંનેએ નક્કી કરેલા સમય પર હોટેલના મુખ્ય ગેટ પર આવવાનું હતું અને એકબીજાના હાથ પકડી અંદર દાખલ થવાનું હતું. એ દરમ્યાનમાં નતાશાનો માણસ ખુફિયા લાગે એ રીતે તેના ફોટો પાડવાનો હતો. અને ફોટાને વાઇરલ કરવાનો હતો. બધું જ આયોજન મુજબ થયું. રીંકલ અને મોનિશ હોટેલમાં દાખલ થઇ ગયા. અને નતાશાના માણસે તેના ફોટા લઇ નતાશાના ઓળખીતા પત્રકારને તેના વોટસએપ પર મોકલી આપ્યા. બંને હોટેલના ખાસ રીઝર્વ રાખેલા અને અંગત કહી શકાય એવા એક કેબિનનુમા ટેબલ પાસે ખુરસી પર સામસામે બેઠા. રીંકલ આજે સજીધજીને આવી હતી. તે અત્યાધિક સુંદર લાગી રહી હતી. રીંકલને પણ થયું કે તે કેટલા લાંબા સમય પછી આ રીતે તૈયાર થઇ હશે. અને બહાર નીકળવા સેક્સી લાગે એવા કપડાં પહેર્યા હતા. મોનિશ તેના ખૂબસૂરત ચહેરાને જોઇ જ રહ્યો. અને હસીને બોલ્યો:'રીંકલ, આજે તો તું ખીલી ઊઠી છે!"

રીંકલ મુસ્કુરાઇ પણ એમાં રહેલું દર્દ મોનિશની નજરમાં ના આવ્યું. એ તો તેના રૂપને પોતાની નજરથી પી રહ્યો હતો. રીંકલ સહેજ શરમાઇ. અને બોલી:"જીવનમાં ખીલેલા જ રહેવું જોઇએ ને!"

મોનિશ તેના રૂપ પાછળ પાગલ થવા લાગ્યો હતો:"રીંકલ, તું આટલી સુંદર હોવા છતાં અજ્ઞયકુમાર કેમ આવું કરી રહ્યો છે. એના સ્થાને હું હોઉં તો એ હીરોઇન સાથેની ફિલ્મ છોડી દઉં પણ તને ના છોડું. અને તમારી જોડી પણ કેવી સરસ જામે છે...."

"મને એ જ સમજાતું નથી કે મારામાં કોઇ એબ નથી છતાં પેલી રસીલીમાં એવું તે શું ભાળ્યું કે મારાથી અલગ થવા માગે છે..." રીંકલના સ્વરમાં વેદના છલકાઇ.

"રસીલી છે તો સુંદર અને સેક્સી! કોઇપણ પુરુષનું દિલ ડોલાવી દે એવી છે. પણ તું પોતાને કમ ના માનતી. તારામાં હજુ એવો જ જાદૂ છે. એની અસર હું અનુભવી રહ્યો છું! તારા સાથે ફ્લર્ટ કરવાનું ગમશે!" મોનિશ બે પેગ ચઢાવ્યા પછી પોતાના દિલની વાત બોલી ગયો.

રીંકલ ચેતી ગઇ. તે બોલી:"ચાલ, આપણે હવે જઇએ. આપણા ફોટાનું કામ થઇ ગયું છે, મેસેજ આવી ગયો છે. તારો આભાર!"

"અરે! શું ઉતાવળ છે. આવ્યા જ છીએ તો થોડું જમી લઇએ. એ બહાને સાથે થોડો સમય વીતાવીએ. એકબીજાને ઓળખીએ." કહી મોનિશે તેના હાથ પકડીને દબાવ્યા.

રીંકલે નારાજગી વ્યક્ત કરતી હોય એમ તેના હાથ છોડાવ્યા.

"અરે! ડાર્લિંગ! આજે આપણા અફેરને સેલિબ્રેટ કરવાનું છે!" મોનિશ પર વ્હીસ્કી સાથે રીંકલના રૂપનો નશો ચઢી રહ્યો હતો.

"મોનિશ, મર્યાદામાં રહે. આપણે એક હોટલમાં બેઠા છીએ...." રીંકલે તેને ધીમા સ્વરે કહીને અટકાવ્યો.

"ઓહો! તો એમ કહે ને. અહીં લોકો જોઇ જશે. તું ચિંતા ના કર મેં આ હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો જ છે...." મોનિશ રંગમાં આવીને બોલ્યો.

"બદતમીઝ..." કહી રીંકલે ઊભા થઇ મોનિશને એક લાફો જડી દીધો. અને ચાલવા લાગી. હોટેલમાં ચાલતા ધીમા સંગીતમાં રીંકલની થપ્પડની ગુંજ કોઇને સંભળાઇ નહીં. મોનિશના કાનમાં તેના પડઘા પડી રહ્યા હતા. મોનિશનો ગાલ લાલ થવા સાથે આંખોમાં પણ લોહી ધસી આવ્યું હતું. તેનો નશો પળવારમાં જ ઊતરી ગયો. અને ગાલ પંપાળતો બોલ્યો:"સાલી....તને છોડીશ નહીં...."

એટલીવારમાં રીંકલ હોટેલ છોડી ચૂકી હતી. ત્યારે બંનેને ખબર ન હતી કે કોઇ ખુફિયા કેમેરાથી તેમનું વિડિયો શુટિંગ કરી રહ્યું છે.

વધુ આવતા સપ્તાહે....

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ-બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***