Gharbhani books and stories free download online pdf in Gujarati

ઘરભણી

🏡ઘરભણી🏡

હું મહેશચંદ્ર શર્મા ઉર્ફ મનિયો
બાળપણ મારુ ઉજ્જૈનમાં વીત્યું હતું ,એટલે હું હિન્દીમાં જ બોલતો .

અમુક વર્ષો પછી મારા પિતાજીની બદલી ગુજરાતમાં થઈ ગઈ . એ પછી અમને બધાને ગુજરાત એટલું ગમ્યું કે પાછા અમારે દેશ જવાની ઈચ્છા જ ન થઈ .
મારા ભણતરનો પાયો હિન્દી ભાષાનો જ એટલે ગુજરાતી સમજવા કે બોલવામાં બાર વાગી જતા .
નાનો હતો ત્યારથી ચા થી ચાહત લગોલગ હતી . એક ચા અને બીજી ચ્હા ...
બીજી જે ચાહત હતી એ કૈક વિશેષ જ હતી , મારી આત્મામાં વસેલી એવી મારી પ્રેયસી જેનું નામ હતુ આરતી , ખૂબ જ ન્યારી અને પ્યારી હતી ...
મારા જીવનની સર્જનહાર હતી એમ કહું તો ચાલે
જુવાનીમાં બંધાયેલ અમારા પ્રેમનું પારણું
હળવે હળવે અમારા બંનેના હૃદયમાં પ્રેમનું હાલરડુ ગવાઇ રહ્યું હતું . પ્રેમની સુખ ભરી નીંદરમાં પોઢવાની તૈયારી જ હતી અને ધીરે-ધીરે મને એના વર્તનમાં કશુંક ખૂટવા લાગ્યું .

વાતવાતમાં ચિડાઈ જતી ,
હું હિન્દીમાં બોલતો તો એ ખૂબ ચિડાતી ...
' અને ગુસ્સામાં બોલતી જો હવે પછી તું હિંદીનો એકપણ શબ્દ બોલ્યો છે તો ' ,
મારી સાથે તો તારે ગુજરાતી ભાષામાં જ વાત કરવાની સમજ્યો ? '
,અને હા મારી સાથે અંગ્રેજીમાં વાત કરવી હોયતો કરી સકે છે . મને નથી આવડતી એ વાત અલગ છે . પણ આ તો શું છે કે થોડું આપણું સ્ટાન્ડર્ડ દેખાય .
એવા તો અનેક વાક્યો એ હંમેશા બોલતી અને અટહાસ્ય વેરતી
એ મારા જીવનનું અભિન્ન અંગ...
એવી મારી પ્યારી આરતી અચાનક મારા જીવનમાંથી ક્યાંરે ગુલ થઇ ગઈ ખબર જ ન પડી .
એના પરિવારમાં એની મમ્મી સિવાય કોઈ ખાસ નજીકના કહી સકાય એવા સગાસંબંધી નો ' તા
આરતીના પિતા નાની ઉંમરમાં જ હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા હતા . એટલે એવું કોઈ નો તું જે આરતી વિશેના સાચા સમાચાર આપી સકે . આસપડોશ માં પણ ખાસ કોઈને કોઈ વાતની ગંધ સુધ્ધા પડી નોતી

એની સખીઓને પૂછ્યું તો દરેકના જવાબ અલગ-અલગ હતા .

અંતે એના કોઈ દૂરના સગાથી ખબર પડી કે એની મમ્મીને આરતીના લગ્ન એક NRI સાથે જ કરાવવા હતા જેમાં આરતીની મમ્મી એની જીદમાં સફળ રહી .

આ સાંભળીને તો હું સ્તબ્ધ બની ગયો , લગ્નજીવન વિશે સજાવેલા મારા રંગીન સપનાઓ પર જાણે કોઈ કાળા રંગની ચાદર પાથરી ગયું...
બંને જણાએ મળીને અલકમલકની કેટલીયે વાતો કરી હતી . અરે અમે તો ભવિષ્યમાં આવનાર અમારા બાળકોના નામ પણ નક્કી કરી લીધા હતા .

દીકરી આવશે તો શાલિની અને દીકરો આવશે તો પાર્થ ...

ચિતાર એવો ચિતરાયો મારા જીવનમાં કે હું આરતીના મનને સમજી જ ન શક્યો કે શું ? મારાથી એવું શું થયું કે ??? કાશ !!! જતા જતા એક ખુલાસો તો કરી જ સકત
બસ , અંતે મારી જિંદગીનો આવેલ એક આશ્ચર્યજનક વળાંક .... આરતીની યાદો સાથે
હું મારી જિંદગીને એકલપંડે જીવી ગયો .
🍁🍁🍁🍁🍁

વર્ષો વીતી ગયા અને આટલા વર્ષો પછી મારી ગુજરાતી ભાષા એટલી અફલાતૂન હતી કે હું કદાચ હિન્દી ભાષાને ભૂલી જ ગયો હતો . હિન્દી ભાષા લખવામાં તો ઠીક બોલવામાં પણ તકલીફ થવા લાગી ....
ઘરથી નજીકના બગીચામાં અમારું સિનિયર સિટીઝનનું ગ્રુપ સારું એવું જામી ગયું હતું .

બધાજ પરણેલા બસ હું એક જ હતો જે હૃદયમાં આરતીના પ્રેમની ફ્રેમ બનાવીને આજીવન કુંવારો બેસી રહ્યો . કોઈના સાથ સંગાથ વગર એક અધૂરા વિકલ્પ સાથે જીવી ગયો .
🍁🍁🍁🍁

ચશ્માની દાંડી સરખી કરતા કરતા લાકડીના સહારે મારા અમુક કાર્ડ રીન્યુ કરાવવા નીકળી પડ્યો .
રીન્યુ કરાવવામાં પણ ખાસ્સી એવી ભીડ હતી .

વૈશાખી બપોર હતી .મારુ કામ પૂરું થઈ જતા ધોમધખતા તડકામાં ઘર-ભણી પાછો ફરી રહ્યો હતો .

ત્યાં દૂરથી એક યુવાન દોડીને આવ્યો અને બોલ્યો ' અંકલ આ તમારું પાકીટ , તમે ત્યાં ઓફિસમાં જ ભૂલી ગયા તા

મહેશ અચંભીત બની એ યુવાનને જોઈ રહ્યો . પોતાની સામે જાણે કોઈએ યુવાનીનો અરીસો ધરી દીધો હતો . આબેહૂબ જાણે પોતે જ યુવાનીના ઉંબરે ઉભો હોય એવું લાગ્યું .

એ છોકરો એમના હાથને હલાવતા બોલ્યો ' અંકલ તમે બહુ થાકેલા લાગો છો . આવો થોડીવાર સામે પેલા બગીચામાં બાંકડા નીચે બેસીયે....

એ છોકરાએ હાથ પકડતા જ પુરા શરીરમાં ધ્રુજારી આવી ગઈ . મહેશભાઈ કપકપાતા શરીરે એ છોકરાની સાથે બાંકડે બેઠા .

પેલા છોકરાએ પોતાની પાસે રહેલી ઠંડા પાણીની બોટલમાંથી ઠંડુ પાણી પીવડાવ્યું ...
મહેશભાઈનું પૂરું શરીર અને મન એકદમ રોકાઈ ગયું .

પાણીની બોટલ અધ્ધર રાખી પાણી પીતા-પીતા મહેશભાઈની આંખો પેલા યુવાનને ટગર -ટગર જોઈ રહી હતી .

એ પછી મનમાં ને મનમાં વિચારવા લાગ્યા ...
હશે , કોઈ સારા અને સંસ્કારી માઁ-બાપનો દીકરો !!!
હું પણ નાહકને શુ વિચારવા લાગ્યો .

ફરી આરતીની યાદો તાજી થતા જ આંખોમાં આંસુ આવી ગયા . એ સમયે પેલો યુવાન ફેન્ટાની એક ઠંડી બોટલ લઈને આવ્યો . અને મારી સામે ધરતા બોલ્યો
' લ્યો અંકલ આ પીવો મજા આવશે '

' અરે ના દીકરા ના , તે ઠંડુ પાણી આપ્યું ને બસ હવે ...

ના અંકલ એક બે ઘૂંટ પીવો બાકી હું પી લઈશ .

છોકરાની હમદર્દી જોઈ મહેશભાઈ બોટલ ખોલી પીવા લાગ્યા અને પીતા પીતા પૂછવા લાગ્યા ' દીકરા આજના જમાનામાં અટલું ધ્યાન કોણ રાખે છે . તું તારો સમય કાઢીને મારી પાસે બેઠો છે એ જ મારા અહોભાગ્ય '

દીકરા શુ નામ છે તારું ? ક્યાં રહેવાનું ?

મારુ નામ પાર્થ , પછી થોડીવાર રોકાઈને બોલ્યો ' પાર્થ શર્મા

ઠંડા પીણાંનો ઘૂંટ ગળાની વચ્ચે જ અટકી ગયો .. અને આંખોમાં આશ્ચર્ય સાથે પૂછી જ બેઠો
' અને તારા મમ્મી-પપ્પા ?

અંકલ હું હજુ બે-ચાર દિવસથી જ આ શહેરમાં કાયમ માટે રહેવા આવ્યો છું . મારી માઁ ને તો કેન્સરની બીમારી હતી .
એટલે એ જેને દિલોજાનથી પ્રેમ કરતી હતી એને જરા સરખી પણ ભનક ન પડે એવી રીતે આસાનીથી એને છોડીને વિદેશ રવાના થઈ ગઈ ત્યાં કદાચ સારી ટ્રીટમેન્ટ મળશે એમ માન્યું. પણ છેલ્લા સ્ટેજે પહોંચેલી કેન્સરની બીમારી અને એમાં મારો જન્મ...!!
મને જન્મ આપવા સુધી મારી માઁ એ શારીરિક કષ્ટ ઘણું વેઠયું હતું . નાનીએ ઘણું કહ્યું કે એબોર્શન કરાવી લે ...
પણ મારી માઁ કહેતી ' એ તો મારા પ્રેમની નિશાની છે . એને મારા જીવથી અળગું કેમ કરું ? '
બસ , મને જન્મ આપીને થોડા મહિનામાં જ એનું મૃત્યુ થયું હતું . મારા નાનીએ મને મોટો કર્યો અને એમની પાસેથી મારી માઁ વિશેની બધી વાતો જાણી . હવે તો મારા નાની પણ આ દુનિયામાં નથી .

ધોમધખતા તાપમાં ઝાડની છાયા નીચે બેઠેલા એ સમયે મહેશભાઈની માનસિક સ્થિતિ કેવી સર્જાય હશે એ તો મહેશભાઈ નું મન જ જાણે

અંકલ હું વિચારતો હતો આ નવા શહેરમાં બસ એક સરસ મજાનું ઘર મળી જાય ..
તમારા ઘરની આસપાસ ક્યાંય ?
અરે , હા મેં પણ તમને ક્યાં વાતોમાં રોકી રાખ્યા !!!
તમારા પરિવાર વાળા તમારી રાહ જોતા હશે ચાલો હું તમને મૂકી જાવ ?

અંકલ હસ્તા-હસ્તા એ યુવાનના ચહેરા સામે જોઇને બોલ્યા ' મારો પરિવાર ? ' દીકરા મેં મારી જિંદગી એકલપંડે જ કાઢી છે . હું આજીવન કુંવારો જ રહ્યો છું . બોલતા બોલતા મહેશભાઈ રડી પડ્યા ..અને રડતા રડતા બોલ્યા

' જો દીકરા તને વાંધો ન હોયતો ...
અંકલને વચ્ચેથી જ બોલતા અટકાવી પેલો યુવાન બોલ્યો
' તો પછી પાર્થ મહેશકુમાર શર્મા ને તમે તમારા ઘરમાં સ્થાન નહીં આપો ?
મહેશભાઈ આ શબ્દો સાંભળી અચંભીત બની ગયા .

તમારા પાકિટમાં એ જ ફોટો છે જે મારા પાકીટમાં પણ છે . મારી માઁ પાસે આ ફોટો સાચવેલો હતો . અને હવે હું સાચવું છું .

આવો પપ્પા આપણે ઘર-ભણી ડગલા ભરીયે , મહેશભાઈના હાથમાંથી લાકડી લઈ પોતાના ખભે નાખી અને પિતાને પોતાના બીજા ખભાનો સહારો આપતો દીકરો બંને ધોમધખતા તાપમાં મનમાં વ્હેતા એક ઠંડા વાયરા સાથે ચાલી નીકળ્યા .

એકલપંડે જીવન જીવી ગયાનો વસવસો મહેશભાઈ એ મનમાંથી દૂર ફેંકી ફરી હિંમત સાથે એક નવું જીવન જીવવા ચાલી નીકળ્યા...

આજની સાંજનો ઢળતો સૂરજ આવતીકાલનો નવો ઉદય લઈને આવ્યો હતો .
🍁🍁🍁🍁🍁🍁🍁🍁