SOOR MANDIR books and stories free download online pdf in Gujarati

સૂર મંદિર

વાર્તા-સૂર મંદિર લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

ટ્રેને વ્હીસલ મારી અને હળવા આંચકા સાથે ઉપડી.પ્લેટફોર્મ વટાવ્યું ત્યાં સુધીતો ચા વાળા,ભજીયાં વાળા અને ન્યુઝ પેપરો વાળા સાથે સાથે દોડતા રહ્યા.મુસાફરોને મુકવા આવેલા લોકોના આવજો આવજો ,સાચવીને જજો,જઈને ફોન કરજો એવા અવાજો આવતા રહ્યા.સુર્યાસ્ત થઇ ગયો હતો અને અંધારૂ થવા માંડ્યું હતું.ડિસેમ્બર મહિનો હતો એટલે ઠંડી તેની પૂરી તાકાતથી બધાને ભીંસમાં લઇ રહી હતી.લોકોએ બારીઓના કાચ બંધ કર્યા.સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટ હતો એટલે મુસાફરોની ભીડ હતી.બધા મુસાફરો મોબાઇલ માં ડૂબી ગયા. ટ્રેને હવે સ્પીડ પકડી હતી.

‘ગાડી બુલા રહી હૈ,સીટી બજા રહી હૈ.ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.’બધા મુસાફરો નું ધ્યાન દોરાયું.બારી પાસે બેસેલા એક અંકલ ગીત ગાઇ રહ્યા હતા. કિશોરકુમાર પોતે જો અહીં હાજર હોય તો તેને પણ નવાઇ લાગે એટલી કિશોરકુમારની અવાજની નકલ હતી.મોબાઇલ બંધ કરીને બધા મુસાફરો ગીત સાંભળી રહ્યા.ગીત પૂરું થયું એટલે તાળીઓનો ગડગડાટ થયો.અંકલ હસવા લાગ્યા.અંકલ એજ્યુકેટેડ લાગતા હતા અને ઉંમર પચાસ આસપાસ હશે એવું અનુમાન થઇ શકે.’અંકલ,કિશોરદા નું બીજું કોઇ સુપર ગીત ગાઓ’ બધાએ ફરમાઇશ કરી.’મિત્રો,કિશોરદા ના બધા ગીતો સુપરહિટ જ છે.તમે કહો એ સંભળાવું.’અંકલે પણ ઉત્સાહ બતાવ્યો.પછીતો એક પછી એક ફરમાઇશ થતી રહી અને તાળીઓનો ગડગડાટ થતો રહ્યો.એક બહેને પછી કહ્યું’અંકલને હવે થોડો વિરામ કરવાદો.’

‘અંકલ,તમે કોઇ વ્યવસાય કરોછો કે જોબ કરોછો?’ ખુશખુશાલ મુસાફરોએ પરિચય ખાતર પૂછ્યું.

‘મિત્રો,એક ખાનગી કંપનીમાં સારા પગારવાળી જોબ છે.પણ શનિ-રવિ રજાઓ આવે એટલે હું બસ ફક્ત ફરવા ખાતર જ ટ્રેન માં મુસાફરી કરવા લાગુછું.બસ ફક્ત ફરવા ખાતર જ.મનને ખુશ રાખવાનું એટલે મન તમને પણ ખુશ રાખશે.

‘અંકલ,કિશોરકુમારના અવાજની આવી જોરદાર નકલ.ખરેખર જો તમે સ્ટેજ પ્રોગ્રામ કરો તો તમારી વાહ વાહ થઇ જાય,નોકરી કરવાની જરૂર ના રહે અને કોઇ ફિલ્મી વ્યક્તિ ની નજરે ચડી જાઓ તો રાતોરાત સ્ટાર બની જાઓ’એક યુવાને ઉત્સાહભેર કહ્યું.

‘અંકલ,કિશોરદા ને તમે કેટલા ચાહતા હશો ત્યારે તેમનો અવાજ તમારા ગળામાં આવીને વસ્યો હશે? એક કોલેજીયન લાગતી યુવતીએ પૂછ્યું.

અંકલની ઉંમરના જ એક બેન હસતાં હસતાં બોલ્યાં ‘મારી એક ફરમાઇશ છે.’ બેશક કહો બેન’અંકલે પણ રિસ્પોન્સ આપ્યો. પેલા બેને શરમાતાં શરમાતાં કહ્યું’છોટી સી યે દુનિયા પહચાને રાસ્તે હૈ ,કહીં તો મિલેંગે,કભીતો મિલેંગે તો પૂછેંગે હાલ’

અંકલે આંખો મીંચી ,ગળું ખંખેર્યું અને કિશોરદા નું આ કર્ણપ્રિય ગીત ગાયું .ફરી તાળીઓનો ગડગડાટ થયો.પણ આ ફરમાઇશ કરનાર બેન થોડા ગંભીર થઇ ગયા હતા.એક યુવાને પૂછ્યું’ બેન,ગીત ના ગમ્યું તમને? બેને નીચું જોઇને કહ્યું ‘ભૂતકાળ યાદ આવ્યો.હાલ પૂછવા છે મારે પણ મળે તો ને.’ લાગણીશીલ મુસાફરો હતા તેમના દિલના તાર ઝણઝણી ઉઠ્યા.અંકલ પણ ભાવવિભોર થઇ ગયા.વાતાવરણ હળવું કરવા એક યુવાને પૂછ્યું’અંકલ,કિશોરદા ની આટલી સુંદર નકલ તમે કરોછો તો તમે કિશોરદા ને કદી મળ્યા હતા? તમે આ મહાન કલાકારને જોયા છે કદી?’

‘મારા પ્રિય સાથીદારો,મારા આજના ગાયેલા સ્વ.કિશોરદા ના ગીતો આપને ગમ્યા અને આપે તાળીઓથી મને વધાવ્યો એ બદલ આપ સર્વેનો આભારી છું.હવે આ ભાઇ એ પૂછેલ પ્રશ્ન નો જવાબ આપું.

‘આજથી લગભગ સાડત્રીસ વર્ષ પહેલાં એટલેકે 1981 ના વર્ષમાં હું અમદાવાદ ખાતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.હોસ્ટેલમાં રહેતો હતો અને કોલેજમાં ફી માફીમાં ભણતો હતો.એક એક પૈસાની કિંમત હતી.ઘરેથી પૈસા મંગાવી શકાય તેવી સ્થિતિ નહોતી.હોસ્ટેલના વિદ્યાર્થીઓ ને પૈસા ઉડાવતા જોતો ત્યારે મને મારા દિવંગત પિતાની યાદ સતાવતી.પણ હું ભણવામાં હોશિયાર હતો એટલે ભવિષ્ય બાબતે ચિંતિત નહોતો.

એવામાં ખબર પડી કે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડીયમ માં કિશોરકુમાર નાઇટ નો ભવ્ય પ્રોગ્રામ છે.ટિકિટ રૂ.200.00 છે.હોસ્ટેલના બધા વિદ્યાર્થીઓ એ ટિકિટ લાવી દીધી.મારી પાસે તો બસો રૂપિયાની સગવડ થાય એમ નહોતી.ઉછીના લેવાનું મારા સ્વભાવમાં નહોતું અને કદાચ ઉછીના લાવું તો પાછા આપવાની ત્રેવડ નહોતી.પણ કિશોરદા નો પ્રોગ્રામ જોવાની જોરદાર ઈચ્છા હતી.બચપણથી જ જેના અવાજનો હું દીવાનો હતો એ કિશોરદા અમદાવાદ આવતા હોય અને હું જોઈ ના શકું તો મારા જેવો કમભાગ્ય કોણ હોય?’

‘પણ અંકલ એક યુવતીએ ગંભીર અવાજે પૂછ્યું’અંકલ બસો રૂપિયા ની સગવડ તમે ના કરી શક્યા?’

‘બેન,એ સમયમાં બસો રૂપિયા નું બહુ મૂલ્ય હતું અને મારા કુટુંબમાં આવકનું કોઈ સાધન નહોતું’

‘પછી શું થયું અંકલ?’ બીજા એક યુવાને પૂછ્યું.

‘સગવડ તો ના થઇ શકી.પણ પ્રોગ્રામની રાત્રે હું શાહીબાગ પોલીસ સ્ટેડીયમ પહોંચી ગયો.દસ વાગ્યા નો સમય આપવામાં આવ્યો હતો પણ કિશોરદા ની ગાડી રાત્રે બાર વાગ્યે આવી.લોકો ચિચિયારીઓ પાડી રહ્યા હતા.ગાડીના કાચ બંધ હતા અને ગાડી સડસડાટ અંદર જતી રહી.અને પાંચ મીનીટમાં તો કિશોરદા એ માઇક લઇને ગીતો ગાવાનું ચાલુ કરી દીધું.અવાજ બહાર સંભળાઇ રહ્યો હતો.મને જોરદાર અફસોસ થઇ રહ્યો હતો.મારા આરાધ્ય દેવ એવા કિશોરદા મારાથી માંડ પચાસ કદમ દૂર હતા પણ હું જોઇ શકતો નહોતો.એટલામાંતો પોલીસો બહાર ઊભા રહેલા લોકોને હટાવવા માંડ્યા.મેં માંડ માંડ મનને મનાવ્યું કે કમાતા થઇશું ત્યારે ફરી કોઇવાર મોકો મળશે ત્યારે મળીશું કિશોરદા ને. પણ 1987માં તેમનું અવસાન થયું અને ઈચ્છા અધુરી રહી ગઇ.બધા મુસાફરો પણ અંકલની કથા સાંભળીને ગંભીર થઇ ગયા હતા.હવે કોઇ ફરમાઇશ કરવા માગતા નહોતા.

‘મિત્રો,પછી તો મેં કિશોરદા ના અવાજની પ્રેકટીશ કરી અને સફળતા મળી.અને હવે આવી મુસાફરી વખતે લોકોને ગીતો સંભળાવીને આનંદ કરુંછું.’

કોઇ સ્ટેશન આવી રહ્યું હતું.ટ્રેન ધીમી પડી અને ઊભી રહી.મોડી રાત્રે પણ સ્ટેશન ઉપર ચહલ પહલ હતી.સહુએ અંકલ સાથે ચા પીધી અને પોતપોતાની જગ્યાએ ગોઠવાઇ ગયા.