Ant Pratiti - 4 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 4

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૪)

સુંદર જીવનનો શુભારંભ

“હું અને તું મટીને બન્યા આપણે, દંપત્તિ બન્યા એકમેકના હુંફના તાપણે...”

ધ્વનિના મુખ પર દાંપત્યજીવનની અનેરી ચમકની આભા ઝળકી રહી હતી.

મનસુખરાય અને મનોજની ઈચ્છાથી ધ્વનિએ પણ ઓફિસમાં જવાનું શરૂ કરી દીધું હતું. મનોજ પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરતો હતો. મોટા ભાઈ અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી તો દિલથી આશીર્વાદ આપતા હતાં અને ભગવાનનો ઉપકાર માનતા હતાં. ધ્વનિ પોતાના સ્વભાવને લીધે ઘરમાં તેમજ ઓફિસમાં બધાની ખૂબ જ લાડકવાયી બની ગઈ હતી. ધ્વનિ અને મનોજ એકબીજાને દરેક કામમાં સાથ સહકાર આપતાં હતાં. મિત્રો સાથે પાર્ટી, પિકનિકની મજા પણ માણતા હતાં. આધુનિક જીવન જીવવાની સાથે તેઓ પોતાનો ધર્મ ક્યારે પણ ભૂલ્યા ન હતાં. આમ સમયચક્ર ફરતું હતું. એક દિવસ સવારના અચાનક ધ્વનિની તબિયત બગડી. મનોજ ખૂબ જ ગભરાઈ ગયો. પરંતુ ઉષાબહેન અને મીનાક્ષીભાભીની અનુભવી આંખોએ પારખી લીધું હતું કે કંઈ સારા સમાચાર હોવા જોઈએ. મનસુખરાયે તરત જ ફેમિલી ડોક્ટરને ફોન કરીને ઘરે બોલાવ્યા. ચેક અપ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે ઘરમાં નવા મહેમાનનું આગમન થવાનું છે. દાદા બનવાની ખુશીમાં મનસુખરાય તો જાણે નાચવા લાગ્યા. તરત જ નવનીતરાયને ફોન કર્યો અને ખુશીના સમાચાર આપ્યાં. ઘરમાં આનંદની છોળો ઉછળવા લાગી. બધા એકબીજાને વધામણાં આપવા લાગ્યા. સમીર અને વર્ષાને ખબર પડતાં જ તેઓએ બધા મિત્રો સાથે મળીને મનોજ અને ધ્વનિને રાતના સરપ્રાઈઝ પાર્ટી આપી. નવનીતરાય અને સવિતાબહેન હરખ કરવા આવી પહોંચ્યા.

જલદર્શન આજે બધાના હરખથી રોશન બની ગયું. હવે તો ધ્વનિ એટલે કે જાણે કાચની પૂતળી... આખું ઘર એને સંભાળવામાં જ મશગુલ હતું. એને ભાવતું ખવડાવવું, એને ગમતું જ કરવાનું. એણે કોઈ ભારે કામ કરવાનું નહીં. ઘરની પ્રત્યેક વ્યક્તિ આવવાવાળાની અને લઈ આવવાવાળાની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતાં. મીનાક્ષીભાભી ધ્વનિને ધર્મની સારી સારી વાતો સંભળાવતા, જેથી આવનારા બાળક પર સારા સંસ્કાર પડે. ધ્વનિ પણ મોટેરાઓનું માન રાખતી હતી. અને કોઈપણ જાતના નખરા કર્યા વગર ખાવાપીવામાં ઉષાબહેનનું કહ્યું માનતી.

એક રાત્રે મનોજ અને ધ્વનિ બધું કામ પતાવીને પોતાની રૂમમાં ગયા. થોડી વાર પછી દરવાજો કોઈકે ખખડાવ્યો... મનોજે દરવાજો ખોલ્યો, તો સામે ઉષાબહેન હતાં. મનોજ કંઈ પણ બોલ્યા વગર દરવાજા પાસેથી હટી ગયો અને મમ્મીને રૂમમાં આવવા માટેની જગ્યા કરી આપી. અંદર આવીને તેઓ ધ્વનિ પાસે બેઠા. તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “બેટા, મનમાં એક પણ વાર વિચાર ન કરવો કે શું આવશે? દીકરી કે દીકરો? આપણા ઘરમાં એ જ વાતની ખુશી છે કે મનોજ અને તમારું બાળક આવવાનું છે... એ જ મોટી વાત છે.” ધ્વનિ ઉષાબહેનને ભેટી પડી અને કહ્યું, “મમ્મી, તમે કેટલા સારા છો. મારા મનના વિચારો તમે વાંચી લ્યો છો અને સમજી શકો છો.” ઉષાબહેને કહ્યું, “ધ્વનિ, હું પણ એક સ્ત્રી છું અને જો સ્ત્રી થઈને સ્ત્રીની વાત ન સમજો તો તે સ્ત્રીત્વનું અપમાન છે.” ત્યારે ધ્વનિએ જવાબ આપ્યો, “મમ્મી, જો બધી સ્ત્રીઓ એવું સમજે તો કદાચ કોઈ સાસુ વહુમાં ઝઘડા થાય જ નહીં. પણ, હું તો એ બાબતમાં નસીબદાર છું... કારણકે આ ઘરની સ્ત્રીઓ એકબીજાને બરોબર સમજે છે.”

હવે મનોજ બંને પાસે આવીને બેઠો અને મજાકથી બોલ્યો, “એટલે જ તો આ ઘરના પુરુષો સ્ત્રીઓથી ડરે છે કારણકે આ ઘરની સ્ત્રીઓમાં સંપ છે. જે ઘરમાં સ્ત્રીઓનો સંપ ન હોય એ જ ઘરમાં પુરુષોનું રાજ હોય.” મનોજની વાત સાંભળી ઉષાબહેન ઉભા થયા અને હસીને બોલ્યા, “મનોજ, એવા સપના તું ક્યારેય જોતો પણ નહીં દીકરા, કારણ આ ઘરની સ્ત્રીઓનો સંપ કોઈ તોડી શકે એમ નથી.” મનોજ એની મમ્મીને ભેટીને બોલ્યો, “મમ્મી, તમારા બધામાં સંપ છે, એ જ તો અમારી શક્તિ છે. એટલે તો અમે સુખી છીએ, શાંતિથી અમારો કારોબાર સંભાળી શકીએ છીએ.” રૂમમાંથી બહાર નીકળતાં નીકળતાં ઉષાબહેને કહ્યું, “ચાલો, જલ્દી સુઈ જાવ હવે, બહુ મોડું થઈ ગયું છે. ગુડ નાઈટ... બચ્ચા લોકો અને જય જિનેન્દ્ર.”

ધ્વનિની તબિયત એક દિવસ સારી તો બીજે દિવસે ખરાબ રહેતી હતી. પણ ઘરમાં બધા એટલું બધું સાચવતા હતાં કે ધ્વનિને બીમાર પડવું પણ ગમતું હતું. બાળક જ્યારે પેટમાં હોય એ નવ મહિના સ્ત્રી માટે ખૂબ જ આનંદદાયક હોય છે... સાથે એ પણ જરૂરી હોય કે એમાં પરિવારનો સાથ સહકાર મળે... અને ધ્વનિ એ બાબતમાં ખૂબ જ નસીબદાર હતી. ખુશીના દિવસો આમ પણ જલ્દી પૂરાં થતા હોય છે. એમ ધ્વનિને સંભાળવામાં, આવવાવાળા મહેમાનની વાતોમાં દિવસો ખૂબ જ જલ્દી પસાર થઈ ગયા અને ધ્વનિને હોસ્પિટલમાં જવાનો સમય નજીક આવતો ગયો. સુવાવડ માટે ધ્વનિને પિયર મોકલી ન હતી. મનસુખરાયે પોતે જ નવનીતરાય અને સવિતાબહેનને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ બધા ધ્વનિને જોયા વગર રહી નહીં શકે. માટે સુવાવડ માટે એને ન લઈ જાય. મનસુખરાયનો અતિશય પ્રેમ જોઈને નવનીતરાય અને સવિતાબહેન કંઈ જ બોલી શકયા નહીં. એમની વાત માની લીધી. દર અઠવાડિયે એક વખત મનસુખરાય સામેથી એ લોકોને ઘરે બોલાવતાં, જેથી તેઓ પણ ધ્વનિ સાથે સમય પસાર કરી શકે.

ઘરમાં પોતાની દીકરી માનસી પછી પચ્ચીસ વર્ષે નાનકડું બાળક અવતરવાનું હતું. મનસુખરાય અને ઉષાબહેન ધ્વનિની પૂરી કાળજી રાખતા હતાં. ઘર તો જાણે રમકડાંનો શો રૂમ બની ગયો હતો. ઉષાબહેને એકવાર મનસુખરાયને ટોક્યા હતા, “બાળકના આવ્યા પછી દુનિયાભરનાં રમકડાં લઈ આવજો. હમણાં ન લાવો. ભગવાન કરે બધું સરખું જ ઉતરે પણ ક્યાંક રમકડાં જ ધ્વનિના આંસુનું કારણ બની ન જાય.” પણ મનસુખરાયે કહી દીધું, “ઉષા, આજે આ બોલી તે બોલી. આવું કોઈ દિવસ વિચારતી પણ નહીં... બાળક આપણા ઘરે સહી-સલામત આવશે, તું ફિકર નહીં કર.” આ વાત પછી ઉષાબહેન કંઈ બોલી ન શક્યા, પણ સવાર-સાંજ પ્રભુને પ્રાર્થના કરતા કે પ્રભુ બધું સરખું પાર ઉતારજો. આજે એ દિવસ આવી ગયો હતો કે જ્યારે ધ્વનિને હોસ્પિટલમાં દાખલ કરી.

મનોજ, મનસુખરાય અને મોટાભાઈ ઓફિસ જવા નીકળી ગયા હતા. પાછળથી ધ્વનિને પ્રસવપીડા ઊપડી. ઉષાબહેને એમને ઓફિસમાં ફોન કર્યો. તરત જ ઓફિસથી તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા. મનસુખરાયે નવનીતરાયને ફોન કરીને સમાચાર આપીને હોસ્પિટલમાં પહોંચવા માટે કહ્યું. ધ્વનિ બધાને મળીને લેબર રૂમમાં જવા માંગતી હતી. જતાં પહેલાં એણે મનસુખરાયને પોતાની પાસે બોલાવીને, એમનો હાથ પોતાના માથા પર મૂક્યો અને કહ્યું, “પપ્પાજી, ચિંતા ના કરો. હું બાળકને લઈને સલામત આવીશ.” મનસુખરાય પોતાનું રડવું રોકી ન શક્યા. એમણે કહ્યું, “બેટા, મને પણ ખાતરી છે. બસ જલ્દી સારા સમાચાર આપજો.” ત્યાં ઉભેલા બધાની આંખમાં આંસુ આવી ગયાં. ધ્વનિને અંદર રૂમમાં લઈ જવામાં આવી. બહાર નવનીતરાય મનસુખરાયનો હાથ પકડીને બેઠા હતા.

સુવાવડ એટલે સ્ત્રીનો બીજો જન્મ... સ્ત્રીઓ પોતાનો જીવ જોખમમાં નાખીને હસતાં હસતાં એ પીડા સહન કરે છે. કારણ સ્ત્રીને પોતાને પણ ત્યારે પૂર્ણતા લાગે છે, જ્યારે એ બાળકની માતા બને છે. આજનો દિવસ એવો હતો જ્યારે ધ્વનિ પૂર્ણ સ્ત્રી બનવાની હતી. કલાક થવા આવ્યો મનસુખરાય અતિશય વ્યાકુળ થઈને હોસ્પિટલમાં ચક્કર મારતા હતા. ઉષાબહેને વાતાવરણને હળવું કરવા કહ્યું, “કદાચ પોતાના બાળક વખતે પણ આટલા વ્યાકુળ નહીં હોય.” બધાં હસવા લાગ્યા, પણ મનસુખરાયના જીવને સુખ નહોતું. એમની નજર લેબર રૂમ પર જ હતી કે ક્યારે અંદરથી સમાચાર આવે? થોડીવારમાં લેબર રૂમનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. બધાની નજર ડોક્ટર ઉપર સ્થિર થઈ ગઈ. બધાને આમ ચિંતીત જોઈ ડૉક્ટર બોલ્યા, “અરે, ખુશીના સમાચાર છે... રાજી થાવ. દીકરો આવ્યો છે.” બધા ખૂબ રાજી થયા, પણ મનસુખરાયરાયે તરત જ ડોક્ટરને પૂછ્યું, “મારી દીકરી ધ્વનિ કેમ છે?” તેમની વાત સાંભળીને સવિતાબહેનની આંખમાં આંસુ આવી ગયાં. તેમણે વિચાર્યું કે ચાલો, સાસરાવાળાઓને ધ્વનિની ફિકર વધારે છે. ડોક્ટરે કહ્યું, “ધ્વનિ પણ એકદમ બરોબર છે. ખુશી મનાવો.” મનસુખરાયે પ્રભુનો ઉપકાર માન્યો. ત્યાં તો સિસ્ટર સફેદ કપડામાં લપેટીને બાળકને લઈ આવી. આટલાં સુંદર નવજાત શિશુને જોઈને બધા હરખઘેલા થઈ ગયા. મનસુખરાય અને નવનીતરાયે સિસ્ટરને સારી એવી બક્ષીસ આપી. અંતરના આશીર્વાદ આપતી સિસ્ટર બાળકને પાછો અંદર લઈ ગઈ. બધા હવે ધ્વનિના બહાર આવવાની રાહ જોતાં હતાં. થોડા સમય પછી ધ્વનિ બહાર આવી. ધ્વનિને એના રૂમમાં લઈ ગયા. ઉષાબહેન, સવિતાબહેન, મીનાક્ષીભાભી બધા જ ધ્વનિ પાસે આવ્યાં. બધાએ એના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. હવે બધાએ વિચાર્યું કે ધ્વનિને આરામ કરવા દેવો જોઈએ. ઉષાબહેને મનોજને ધ્વનિના રૂમમાં બેસવા કહ્યું અને બધા ઘરે જવા નીકળ્યા.

મનોજ અને ધ્વનિની ખુશીનો કોઈ પાર ન હતો. બંનેના પ્રેમના ચમનનું ખીલેલું પુષ્પ, આટલો સુંદર દીકરો... આજે બંનેને મમ્મી પપ્પા બનવાનું સુખ પ્રાપ્ત થયું હતું. સમીર અને બીજા બધા મિત્રો પણ મળવા માટે આવી પહોંચ્યા. વર્ષાને પણ છેલ્લા દિવસો જતાં હતાં, તેથી તે આવી ન શકી. ઓફિસમાં પણ આ આનંદના સમાચાર મળવાથી બધા ખૂબ જ ખુશ હતાં. મોટાભાઈ અવિનાશભાઈ તો આનંદથી તરબોળ થઈ ગયા હતાં. કુળદીપકના આગમનથી તેઓ ખૂબ જ પ્રસન્ન હતાં. એમણે ઓફિસના સ્ટાફને એક બોનસ આપવાનું જાહેર કર્યું. ઘરના બધા સદસ્યોએ પોતપોતાની રીતે આનંદ વ્યક્ત કર્યો... સગા સ્નેહીઓને આનંદના સમાચાર સાથે ભેટ અને મીઠાઈ પણ મોકલવામાં આવી.

જલદર્શનને સરસ રીતે શણગારવામાં આવ્યું, કારણકે આજે ધ્વનિ પરિવારના ચિરાગને લઈને હોસ્પિટલમાંથી ઘરે આવવાની હતી. ભવ્ય સ્વાગત સાથે બાળકનું ઘરમાં આગમન થયું.

મનોજ એ વિચારીને ખુશ થતો હતો કે હવે મને 'પપ્પા, પપ્પા' કહીને મારો દીકરો બોલાવશે. ઘ્વનિ તો બધાના હેતના હિંડોળે હીંચી રહી હતી.

મનોજ પોતાના અંશને જોઈને ખુશીથી ગણગણવા લાગ્યો...

દીકરો મારો લાડકવાયો...

દેવનો દીધેલ છે...

વાયરા જરા ધીમેથી વા'જો...

ઊંઘમાં પોઢેલ છે...

દીકરો મારો લાડકવાયો...

આ સાંભળીને મનસુખરાયને પોતાના દિવસો યાદ આવી ગયાં. મનોજને સુવડાવતી વખતે તેઓ પણ સરસ હાલરડાં ગાતાં હતાં.

એકાદ મહિના પછી મનસુખરાયે સુંદર પાર્ટીનું આયોજન કર્યું અને દીકરાનું નામ પાડ્યું 'યશ.' હવે મનસુખરાયે ઓફિસથી જલ્દી ઘરે આવવાનું શરુ કરી દીધું હતું. એમની દુનિયા જાણે યશની આજુબાજુ જ વીંટળાઈ ગઈ હતી એમની માટે યશ સર્વસ્વ હતો. દાદીમા ઉષાબહેન યશને ખૂબ જતનથી ઉછેરતાં હતાં. આમ દિવસો બહુ ઝડપથી જતાં હતાં. ધીરે ધીરે બધા મિત્રોના લગ્ન પણ થઈ ગયા હતાં થોડે થોડે વખતે મિત્રો પાર્ટી ગોઠવતા. ધ્વનિ અને મનોજને પણ જવું પડતું, પણ મનસુખરાયે કહી દીધું હતું, “યશને મૂકીને જજો. તમને પણ નહીં ફાવે અને બાળક પણ હેરાન થશે.”

યશ પણ હવે મોટો થવા લાગ્યો હતો. હવે એને સ્કૂલમાં દાખલ કરવાનો હતો. શહેરની સારામાં સારી સ્કૂલમાં એનું એડમિશન લીધું. રોજ સાંજે સ્કૂલમાંથી આવીને યશ પોતાની કાલીઘેલી ભાષામાં મનસુખરાયને બધી વાત કરતો હતો અને મનસુખરાય ખુશી ખુશી એની વાતો સાંભળતા હતાં.

દિવસો પસાર થતાં જ ધ્વનિએ બીજા બાળકને જન્મ આપ્યો. સુંદર મજાની દીકરી... એનું નામ મહેક રાખ્યું. બંને બાળકો દાદા-દાદીના અસીમ પ્રેમમાં મોટા થવાં લાગ્યાં. મનસુખરાય અને ઉષાબહેન પોતાના સ્વર્ગ જેવા ઘરને કોઈની નજર ન લાગે એ જ પ્રાર્થના કરતાં હતાં. મોટા દાદીમા એટલે કે મીનાક્ષીભાભી છોકરાઓને ધર્મના સંસ્કાર સારી રીતે આપતાં હતાં. રોજ તેમને સરસ સરસ વાર્તાઓ કહેતાં. દર રવિવારે સવારે મોટાભાઈ અને મીનાક્ષીભાભીનો પોતાની સાથે બાળકોને દેરાસર દર્શન કરવા લઈ જવાનો નિયમ હતો. આમ ધ્વનિ અને મનોજના જીવનની ગાડી સરસ રીતે સફર કરી રહી હતી. મહેક પણ હવે નર્સરીમાં જવા લાગી હતી. દાદા-દાદી, નાના-નાનીના પ્રેમમાં બાળકો ખીલી રહ્યાં હતાં. વર્ષા અને સમીર પણ મમ્મી પપ્પા બની ગયાં હતાં. એક દીકરો અને એક દીકરી...વારાફરતી બધાં જ મિત્રો મમ્મી પપ્પા બની ગયાં હતાં. મહિનામાં એકાદ દિવસ તો બધા અચૂક મળતા જ હતાં. બધા બાળકો માણી શકે એવા સ્થળે પર્યટન પણ ગોઠવતાં. માનસીનું સી. એ. નું ભણતર પૂરું થઈ ગયું હતું. તેની સાથે જ સી.એ.નું ભણતા રસેશ શાહ નામના છોકરા સાથે તેની સગાઈ નક્કી કરી દીધી હતી. આમ જિંદગી દરેકની ખૂબ જ સરળતાથી ચાલી રહી હતી.

***