CHALENGE books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ

વાર્તા-ચેલેન્જ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

રંગીલા પાર્ટી પ્લોટમાં રાસ ગરબાની તૈયારી થઇ ગઇ હતી.મહેમાનો આવી રહ્યા હતા.ખાસ કરીને યુવાનો અને યુવતીઓ લેટેસ્ટ ડ્રેસ માં સજ્જ થઇને ડી.જે.ના તાલે ઝૂમવા થનગની રહ્યા હતા.ચા-કૉફી અને અવનવા નાસ્તા નાં કાઉન્ટર ગોઠવાઇ ગયા હતા.અને નાસ્તાના શોખીનો ડીસો લઇને લાઈન માં ઊભા રહી ગયા હતા.વેઈટરો પાણી ની તથા જ્યુસની બોટલો લઈને ફરી રહ્યા હતા.

રાકેશભાઇ અને અનિલાબેન ગેટ ઉપર ઊભા રહીને મહેમાનોને આવકારી રહ્યા હતા.રાકેશભાઇ નો આગ્રહ હતોકે રાસ ગરબા શરૂ થાય એ પહેલા થોડીવાર શરણાઇ ના સૂર રેલાવો.એટલે મ્યુઝિક પાર્ટી ના યુવાન કલાકારો દિલ ડોલી જાય એવા શરણાઇના સૂર રેલાવી રહ્યા હતા.મોટાભાગના મહેમાનો આવી ગયા હતા.અને સોફામાં ગોઠવાઇ ગયા હતા.રાકેશભાઇ થોડીથોડી વારે ઘડિયાળ સામે જોતા હતા.અનિલાબેન તેમની વિહવળતા નું કારણ જાણતા હતા.રાકેશભાઇ ને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો હતા.મોટી દીકરી હેપ્પી અને નાની દીકરીનું નામ લકી હતું,દીકરો સૂરજ એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.રાકેશભાઇ અતિ શ્રીમંત નહીં પણ શ્રીમંત ની કેટેગરીમાં જરૂર આવતા હતા.

મોટી દીકરી હેપ્પી કુંવારી હતી છતાં નાની દીકરીના લગ્ન લેવા પડ્યા હતા એ એમને થોડું વસમું લાગતું હતું.ત્રણ વર્ષ પહેલા હેપ્પી ગ્રેજ્યુએટ થઇ કે તુરંત તેની સગાઇ સારા ઘરમાં કરી હતી.હેપ્પી અને રાજા એકબીજાને પસંદ કરતાં હતાં.લકી એ વખતે કોલેજ કરી રહી હતી.પણ સંજોગોએ કરવટ બદલી અને હેપ્પી ઉપર કુદરત રૂઠી હોય એમ તેના શરીરના અમુક ભાગો ઉપર સફેદ ડાઘ દેખાવા લાગ્યા.બધા ટેન્શનમાં આવી ગયા.થોડો સમય વિત્યો હશે અને તેના ચહેરા ઉપર ડાઘ દેખાવા માંડ્યો.લકી કરતાં પણ હેપ્પી રૂપાળી વધુ હતી.કોલેજની સૌન્દર્ય સ્પર્ધા માં દર વર્ષે હેપ્પી નો જ પ્રથમ નંબર આવતો.રાકેશભાઇ અને અનિલાબેનની ઊંઘ ઉડી ગઇ હતી.હેપ્પીને વિશ્વાસ હતો કે સગાઇ નહીં તૂટે.રાજા તેને બહુ ચાહતો હતો.પણ રાજાએ સગાઇ તોડી નાખી.હેપ્પીને જોરદાર આઘાત લાગ્યો.સૂનમૂન થઇ ગઇ.ચાર દિવસ સુધીતો તેના રૂમમાં પુરાઈ રહી.

પણ પાંચમા દિવસે હેપ્પી સ્વસ્થ થઇને રૂમમાંથી બહાર આવી અને ઘરના બધા સમક્ષ એલાન કર્યું કે હવે મારે લગ્ન કરવા નથી.મારે આગળ ભણવું છે અને કંઇક કરી બતાવવું છે.સફેદ ડાઘ ના કારણે મારું જીવન અટકી જતું નથી.હું કુદરત ના પડકારને ઝીલી લઉં છું અને ચેલેન્જ આપું છું કે સફેદ ડાઘ મારું કંઇ નહીં બગાડી શકે.’તેના ચહેરા ઉપરની ખુમારી જોઇને બધાને નવાઇ લાગી.’પણ બેટા’ રાકેશભાઇ વચ્ચે બોલવા ગયા પણ હેપ્પી એ તેમને અટકાવ્યા અને કહ્યું ‘પપ્પા તમે મારી ચિંતા કરશો નહીં અને લકી માટે છોકરા જોવાનું ચાલુ કરીદો અને એના લગ્ન બાબતનું જ વિચારો.’લકીને કોલેજનું એક વર્ષ બાકી હતું એટલે હાલ પૂરતું આ બાબતનું પૂર્ણ વિરામ મૂકાઇ ગયું.અને હેપ્પીએ UPSC પરીક્ષા ની તૈયારી ચાલુ કરી.રાત દિવસ સખત મહેનત,ટ્યુશન ક્લાસ બસ એકજ ધૂન મારે જીલ્લા કલેકટર બનવું છે.એક વર્ષ સુધી તનતોડ મહેનત કરીને હેપ્પી એ UPSC પરીક્ષા પાસ કરી.રાકેશભાઇ અને અનિલાબેનનું સમાજમાં ગર્વથી માથું ઊંચું કર્યું હેપ્પીએ.અને છ મહિના પછી હેપ્પી ની ભાવનગર જીલ્લા કલેકટર તરીકે નિમણૂક થઇ.

રાકેશભાઇ ની વિચારતંદ્રા તૂટી.એટલામાં કોઇ બોલ્યું હેપ્પીબેન આવી ગયા.હેપ્પી સીધી રાકેશભાઇ અને અનિલાબેન પાસે ગઇ અને ચરણ સ્પર્શ કર્યા.’હેપ્પીબેન મજામાં?’ ‘રાકેશભાઈએ હસતાં હસતાં પૂછ્યું. ‘પપ્પા તમારા માટે પણ હેપ્પીબેન? અહીં હું જીલ્લા કલેકટર નથી આપની લાડકી દીકરી હેપ્પી છું.’ બંનેએ હેપ્પીના માથે હાથ ફેરવ્યો.પછી હેપ્પી સીધી લકીને મળવા દોડી.

રાસ ગરબાની રમઝટ જામી.રાત્રે ત્રણ વાગ્યા સુધી બધાએ આનંદ કર્યો.હેપ્પીને ખુશ જોઇને બધાના જીવમાં જીવ આવ્યો હતો.

બીજા દિવસે લકીના ધામધૂમ થી લગ્ન થયા.અને લકીને વિદાય કરી.ઘરમાં વાતાવરણ ભારેખમ હતું.બે દિવસ સુધી કોઇને જમવાનું પણ ભાવ્યું નહીં.કન્યા વિદાય નો પ્રસંગ દીકરીના માબાપ સિવાય કોણ સમજી શકે?

હેપ્પીને હવે ફરજ ઉપર હાજર થવાનું હતું.બપોરે જમવાના સમયે હેપ્પીએ ઘરના બધા સભ્યોની હાજરીમાં કહ્યું’ પપ્પા,મારે એક વાત કરવી છે.વાત થોડી ગંભીર છે એટલે કહેવાની મૂંઝવણ છે.’

‘બેટા,અહીં અત્યારે આપણા ઘરના સભ્યોજ હાજર છે.જે હોય એ કહે’અનિલાબેને હેપ્પીનો હાથ પંપાળીને કહ્યું.

હેપ્પીએ હવે ઊંચું જોયું અને ‘પપ્પા-મમ્મી-સૂરજ, રાજાનો ફોન આવ્યો હતો.મારી માફી માગતો હતો.તેને પસ્તાવો થાયછે.તમે સહુ જાણોછો અમે એકબીજાને બહુ ચાહતા હતા.મારી સાથે લગ્ન કરવાની તેણે તૈયારી બતાવી છે.તમે બધા કહો એમ કરું.’

‘પણ બેટા આવું હૃદય પરિવર્તન અચાનક કેવી રીતે થયું? જીલ્લા કલેકટર ના પતિ બનવાનો ગર્વ લેવાની લાલચ જાગી કે શું?’ રાકેશભાઈના સ્વરમાં થોડો ગુસ્સો પણ ભળ્યો

‘ના પપ્પા એની પાછળ કારણ જુદું છે.રાજાની નાની બહેન પ્રીતિ પણ પરણાવવા જેવડી છે.પણ.....’

‘કેમ અટકી ગઇ હેપ્પી જે હોય એ વિના સંકોચે કહીદે ‘સૂરજે કહ્યું.

‘ સૂરજ ,પ્રીતિને પણ મારા જેવી સફેદ ડાઘ ની તકલીફ થઇ છે.હવે રાજાને પણ થયું છે કે મારી બેનનો કોણ હાથ પકડશે.રાજા એની ભૂલ સુધારવા માગેછે.’ વાત પૂરી કરીને હેપ્પી નીચું જોઇને બેસી રહી.થોડીવારની ખામોશી પછી રાકેશભાઈએ કહ્યું ‘બેટા તારી મરજી હોય તો કરીએ કંકુના.રાજાએ થોડું વહેલું કહ્યું હોતતો એકજ માંડવે બે દીકરીઓના હાથ પીળા થઇ જાત ‘

ઘરમાં ખુશી આનંદની છોળો ઉડવા લાગી.રાજાના ઘરે જઇને બધાએ વાત પાકી કરી અને સગાઈની જાહેરાત કરી અને જલ્દી લગ્ન કરી દેવા એવું નક્કી કર્યું.

લગ્ન ની તારીખ નક્કી થઇ.કંકોત્રી છપાવવાની તૈયારી કરી.અને રાકેશભાઇએ રાજાના પપ્પા ને ફોન કર્યો ‘વેવાઇ,થોડી અગત્યની વાત કરવી છે સાંજે સમય હોયતો તમે ઘરના બધા અમારા ઘરે આવો.કંકોત્રી હાલ છપાવતા નહીં ’વેવાઈએ સાંજે આવવાનું જણાવ્યું.

આ બાજુ રાજાના ઘરે ઉચાટ વધી ગયો.શું કામ હશે? કોઇ પ્રોબ્લેમ હશે? રાજાએ હેપ્પીને ફોન કરીને પૂછ્યું તો તેણે પણ હું કશું જાણતી નથી એવું કહ્યું.

રાત્રે બંને ફેમીલી ભેગા થયા.ચાપાણી પતાવ્યા પછી રાકેશભાઇ એ વેવાઈને કહ્યું ‘ જો તમને વાંધો ના હોય તો કંકોત્રીમાં એક નહીં પણ બે લગ્ન છે એવું છપાવવાનું છે.’ હું કંઇ સમજ્યો નહીં વેવાઇ ‘રાજાના પપ્પા ગિરીશભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

અનિલાબેને કહ્યું ‘ જો તમે તૈયાર થાઓ તો સૂરજ માટે અમે પ્રીતિનો હાથ માગીએ છીએ.’

વેવાઇ ઊભા થઇને રાકેશભાઇ ને ભેટી પડ્યા.પ્રીતિ આશ્ચર્ય થી સૂરજ સામે જોઇ રહી.હવે સૂરજ ઊભો થયો અને ‘ હું પ્રીતિ ઉપર કોઇ ઉપકાર નથી કરતો.પ્રીતિ મને ગમેછે.સફેદ ડાઘ ના કારણે ઘણી કન્યાઓના જીવતર બગડ્યા છે.અમારા જેવા વેલ એજ્યુકેટેડ લોકો હિંમત નહીં કરેતો આ સમસ્યા નો અંત જ નહીં આવે.હું પ્રીતિનો હાથ માગુછું.’

શરણાઈના સૂર દિલ ડોલાવી રહ્યા હતા.દેવો પણ કદાચ પુષ્પવર્ષા કરી રહ્યા હશે કેમકે હેપ્પી એ પડકાર સામે જીત મેળવી હતી અને સૂરજે નવો ચીલો પાડ્યો હતો.