Engineering Girl - 4 - 2 books and stories free download online pdf in Gujarati

એન્જિનિયરિંગ ગર્લ - 4 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – 4

ભાગ - ૨

પહેલો સ્પર્શ

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

, નિશા, સોનુ અને કૃપા ફરી ભેગા થયા. નિશાએ મને કહ્યું કે ‘એ લોકો જે છોકરીની એક્ટિવા પાછળ બેઠા હતાં તે વિવાનની નાની સીસ્ટર વિશાખા હતી, તે એર હોસ્ટેસનો કોર્સ કરી રહી છે.’ વિશાખાની હાઇટ પણ વિવાન જેટલી જ હતી, સાથે દેખાવડી પણ ખરી, મને પણ થયું કે તે એર હોસ્ટેસ માટે પરફેક્ટ હતી.

સાલા બંને ભાઈબહેનને સ્પીડનો જબરો શોખ હતો, વિવાન જમીન પર ઉડવા માંગતો હતો અને વિશાખા આકાશમાં. ઉડવુ તો મારે પણ હતું, મારે ઉડવુ હતું વિવાનના સપનામાં પરી બનીને….! અમે લોકો ભેગા થયા. વિવાને અમારું ઇન્ટ્રોડક્શન વિશાખા, જિગ્નેશ અને ફેન્સીના ભાઈ પ્રતિક સાથે કરાવ્યું. ફેન્સીના ભાઈને નિશાએ પહેલીજ નજરમાં જજ કરી લીધો હતો. ‘બહેન સેલ્ફીશ અને ભાઈ ઠરકી’, આ જ શબ્દો નિશા મારાં કાન પાસે આવીને બોલી. મને એક ક્ષણ માટે થયું કે નિશાને સમજાવું કે ખરેખર ફેન્સી એવી નથી. પણ મને નિશાનો જવાબ પણ ખબર જ હતી.

‘તુ વીસ મિનિટમાં ફેન્સીને બહુ સારી રીતે ઓળખવા લાગી નઇ ?’

‘કોઈ આવવાનું છે?’, મેં પૂછ્યું.

‘હા, તનું આવવાની છે.’, વિશાખાએ કહ્યું. તનું એટલે કે તન્મયા વિવાનની મોટી સિસ્ટર. ક્યુટ રીંકુની મમ્મી. વિવાન એમને જ કૉલ કરી રહ્યો હતો.

‘એ લોકોએ એન્ટ્રી કરી લીધી છે. ચાલો’, વિવાન ફોન પર વાત કરીને આવ્યો. એણે મારી સામે જોઈને સ્માઈલ કરી, મેં પણ સ્માઈલ આપી.

‘કાશ આજે આ વરસાદ ના આવે.’, અમે એન્ટ્રી લઈ રહ્યા હતાં ત્યારે કૃપા બોલી. સાથે એણે એ પણ કહ્યું કે જિગ્નેશ એની સામે લાઇન મારી રહ્યો છે. મેં પણ એને કહ્યું કે ‘તો સેંટિંગ કરી નાખને.’, અમે લોકો કોઈને ખબર ના પડે એમ ધીરેથી હસ્યા. નવરાત્રિના બીજા જ દિવસે વરસાદના એંધાણ હતાં, સવારના વાદળો ઘેરાયેલા હતાં અને હવે તો ઠંડો પવન પણ સૂસવાટા મારી રહ્યો હતો, હું નહોતી ચાહતી કે આજે વરસાદ પડે. હું આજે વધુને વધુ ટાઈમ વિવાન સાથે પસાર કરવા માંગતી હતી, એટલે અજાણતા જ હું વિવાનની બાજુમાં ચાલી રહી હતી. અને મારી રૂમ પાર્ટનર્સ મારાં સામે જોઈ જોઈને ધીમે ધીમે હસી રહી હતી.

‘તુ આજે કેમ કંઈ બોલતી નથી?’, મેં મારી બાજુમાં ચાલી રહેલી નિશાને પૂછ્યું.

‘શું બોલુ? ’, એ બોલી અને હું થોડી વાર માટે ચુપ જ રહી. અમે લોકો ગ્રાઉન્ડમાં આવી ગયા હતાં.

‘અમે પાણી પી ને આવીએ.’, મેં ફેન્સીની સામે જોતા બધાંને કહ્યું.

‘ઓકે..!’, ફેન્સી બોલી. હું, નિશા, કૃપા અને સોનુ ત્રણેય નાસ્તાના સ્ટોલ્સ તરફ ગયા. પાણીનું તો બહાનું હતું, મારે નિશા સાથે થોડી વાતો કરવી હતી.

‘નિશા આપણે લોકો ગરબા રમવા આવ્યાં છીએ, સો પ્લીઝ સ્માઈલ. વિવાન સાથે વાત કર, વિશાખા સાથે વાત કર. યાદ છે ને આપણે ફ્રૅન્ડશીપ વધારવાની છે.’, મેં નિશાને સમજાવતાં કહ્યું.

‘યાર, મને વિવાન સાથે બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ પેલી કુત્તી ફેન્સી છે એટલે મને ગુસ્સો જ આવે છે. હુ એનો ચહેરો એક ક્ષણ પણ જોઈ શકતી નથી.’, હું ખરેખર મૂંજવણ ભર્યુ ફીલ કરી રહી હતી. મને ફેન્સી એક સારી છોકરી લાગી રહી હતી અને એ હું નિશાને કહી નહોતી શકતી.

‘જો નિશા, આજના માટે બધું જ ભૂલી જા. આજે આપણે લોકો એન્જોય કરીએ. જસ્ટ કામ ડાઉન, ફેન્સીને તું જસ્ટ ઇગ્નોર કરને. એમ સમજ કે તે અહીં છે જ નહીં.’

‘બરાબર છે નિશા.’, સોનુ બોલી.

‘યા.’, કૃપાએ પણ સૂર પૂરાવ્યો..

‘જસ્ટ ફરગેટ એવરીથિંગ એલ્સ. હું તો કહું છું તું તારી જાતને પણ ભૂલી જા અને તું તારી જાતને માં અંબાને આપી દે. એ બધું જ ઠીક કરી દેશે.’

‘બસ હવે તારી ફિલોસોફીના ફૂવારા બંધ કર.’ એણે હસતા હસતા ચહેરો હલાવ્યો.

‘ઓકે હું એન્જોય કરીશ, બટ તને યાદ તો છે ને ફેન્સીનું શું કરવાનું છે..? ક્યાંક તું એના પ્રેમમાં ના પડી જતી.’, મેં નિશાના ચહેરા પર કદરૂપી સ્માઈલ જોઈ. મારાં હૃદય પર હથોડો જીકાયો. પણ હું મારો પેશન્સ ગુમાવું એમ નહોતી.

‘તુ જે ચાહે છે એવું જ થશે. ટ્રસ્ટ મી માય ડાર્લિંગ.’, મેં નિશાના ખભા પર હાથ મુકતા કહ્યું. બટ આ અજાણતા થયેલું પ્રોમિસ હવે મને હેરાન કરી રહ્યું હતું.

‘શું ગપ્પા મારો છો?’, ફેન્સીએ પાછળથી આવીને પૂછ્યું.

‘કંઈ નહીં, બસ કાલના પેપરની વાતો કરીએ છીએ..!’ પાણી?’, મેં કૃપાના હાથમાં રહેલી પાણીની બોટલ તરફ ઇશારો કર્યો.

‘ગુડ ગુડ. બટ આપણે અત્યારે ગરબા એન્જોય કરવા આવ્યાં છીએ, સો એન્જોય કરો.’, કૃપાએ ફેન્સીને પાણીની બોટલ આપી.

‘યા એન્જોય કરવા જ આવ્યાં છીએ.’, નિશાએ કટાક્ષ ભરેલા બોલ કહ્યા. ફેન્સીના ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ ખેંચાણી.

***

આદ્યાશક્તિની આરતી પૂરી થઈ ચૂકી હતી. સ્ટેજ પરના ગાયકોએ ધીમે ધીમે ગરબા શરૂ કરી દીધા હતાં, સ્ટેજની નજીક જ સારી જગ્યા શોધી લીધી હતી. બધાં કહી રહ્યાં હતાં કે સાદા સ્ટેપથી જ શરૂઆત કરીએ, વિવાન મારી સામે સતત જોઈને મંદમંદ મુસ્કાઇ રહ્યો હતો, હું પણ અંદર અંદર જ ખીલી રહી હતી.

‘હે કાના…! હું તને ચાહુ…! હું તને ચાહુ……! હું તને ચાહુ….! ’, ગાયકે નવો ગરબો શરૂ કર્યો. અમે બધાંએ ગરબા શરૂ કર્યા. હું આ ગરબાને વિવાન સાથે રિલેટ કરી રહી હતી. ઇનફેક્ટ મારાં પગ વિવાનના ચહેરાને જોઈને જ ઉપડી રહ્યા હતાં. વિવાનને એટલિસ્ટ સાદા ગરબા તો આવડતા હતાં. ઠંડો પવન, રોમેન્ટિક ગરબા, વિવાનનો ચહેરો, હું તો એની સામે જોઈ ફૂલ સ્માઈલ સાથે ગરબા રમી રહી હતી. એ પણ સતત મને જ જોઈ રહ્યો હતો. મેં આટલી ખુશી ક્યારેય મહેસૂસ નહોતી કરી. મારાં હાથની રૂવાટીં ઊભી થઈ ગઈ હતી, કદાચ એને પણ વિવાનનો ચહેરો જોવો હશે. નિશા પણ એન્જોય કરી રહી હતી. મારી સાથીદાર મારી પાછળ જ હોય ને. કૃપા મારી આગળ હતી, એની આગળ સોનુ, નિશા પાછળ વિશાખા હતી, એમની પાછળ તન્મયા, તન્મયા પાછળ વિવાન, વિવાન પાછળ ફેન્સી, ફેન્સી પાછળ પ્રતિક, પ્રતિક પાછળ જિગ્નેશ ઉર્ફ જીગીયો અને જીગીયા પાછળ તન્મયાના હસબન્ડ દિપેશ રીંકુને તેડી ધીમે ધીમે ચાલતા હોય એવી રીતે ગરબા લઈ રહ્યા હતાં. રીંકુ જીદ કરી રહી હતી એને એને નીચે રમવુ છે, પણ દિપેશ નીચે ‘વાગી જશે’ એવી દલીલ કરી રહ્યા હતાં. તો આ હતું અમારું ચકરડું, ધીમે ધીમે ગરબાની સ્પીડ વધી રહી હતી, એવી જ રીતે રોમાંચ પણ વધી રહ્યો હતો. કૃપા રમતા રમતા મને જિગ્નેશ વિશે કહી રહી હતી કે જિગ્નેશ એની સામે સતત જોઈ રહ્યો છે. એ આ કહેતા કહેતા હસી રહી હતી..! ‘તને ગમે છે?’, મેં પણ એને પૂછ્યું.

‘છાની માની ગરબા રમ.’, એણે મને તાળી પાડતા પાડતા મુક્કો બતાવ્યો.

‘ઉંબરે ઊભી સાંભળુ રે બોલ વાલમ ના, ઘરમાં સૂતી સાંભળુ રે બોલ વાલમ ના…! બોલ વાલમ ના……! ઉંબરે ઊભી સાંભળુ રે બોલ વાલમ ના..!’, ગરબો ચૅન્જ થયો…! અમે લોકો જોશમાં આવીને ગરબા લેતા લેતા ગરબા ગાવાનું પણ શરૂ કર્યુ.

‘ઝૂલતાં જોકો વાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને…! ઝૂલતાં જોકો વાગશે મને, કુદતા કાટો વાગશે મને…!, વાગશે રે બોલ વાલમના, વાગશે રે બોલ વાલમના,’ અમે લોકો પાગલ બનીને તાલમાં ગરબા લઈ રહ્યા હતાં. અને હું તો સાવ પાગલ બની ગઈ હતી, મારી સામે મારો વિવાન હતો…! ‘મારો વિવાન…?’, હા એ સમયે મેં આવું જ કંઈક ફીલ કર્યુ હતું. બધાં સૂરમાં ગાઈ રહ્યાં હતાં, તાલમાં રમી રહ્યાં હતાં. ધીરે ધીરે ગરબા રમવાની સ્પીડ વધી રહી હતી. હું વિવાન સામે જોઈ રહી હતી એ તન્મયા દીદીએ નૉટિસ કર્યુ. એણે મારી સામે સ્માઈલ કરી. અમે ગરબા રમવાનું શરૂ રાખ્યું. પગની ઠેસો અને હૈયાની ધડકનની સ્પીડ વધી રહી હતી. થોડી વાર પછી વિશાખાનો પગ નિશાની ચોલી પર પડ્યો. એટલે એ લોકોનો તાલ વિખાઈ ગયો, નિશા પડતા પડતા રહી ગઈ. મને ડર હતો કે નિશા કંઈ બોલે નહીં, બટ નિશાએ વિશાખા સામે સ્માઈલ કરી અને એ લોકો ચોલી ઠીક કરવા સાઈડમાં ઊભા રહી ગયાં.

‘હે મને લાગે છે બીક હાંય હાંય રે … હાંય હાંય હાંય રે… હાંય હાંય હાંય રે…’, આ ગરબો હું ઊંચા સ્વરે ગાઈ રહી હતી. જ્યારે પણ તાળી પાડવા હું ફરતી ત્યારે તન્મયા પાછળનો વિવાનનો ચહેરો હું જોઈ શકતી હતી.

‘બીક રાખો તો પ્રીત કેમ થાય રે.. થાય થાય થાય રે… થાય થાય થાય રે…’, જ્યારે મેં આ કડી વિવાનના ઊંચા સ્વરમાં સાંભળી ત્યારે મારાં હૃદયની ધડકવાની સ્પીડ અત્યાર સુધીની ટોચ પર હતી. મને ખબર હતી એ કડી વિવાન મારાં માટે જ ગાઈ રહ્યો હતો. હું એની આંખોમાં પ્રેમનો ઇઝહાર વાંચી રહી હતી.

‘હે મને લાગે છે બીક હાંય હાંય રે … હાંય હાંય હાય રે… હાંય હાંય હાય રે…’, ફરી એ કડી આવી અને અમે બધાંએ ઊંચા સ્વરે એકસાથે ગાઈ..!

‘હવે બોલી દવ ભેદ ખોલી દવ… રાખું શરમ ના આટલી.’, બોય્ઝ લોકોએ પ્રચંડ અવાજે આ કડી ગાઈ. વિવાન આ વખતે એના હાથથી ઇશારો કરી રહ્યો હતો. ‘રાખું શરમ ના આટલી…’ તન્મયા મને જોઈને ફરી સ્મિત કરવા લાગી. ગરબાની સ્પીડ સતત વધી જ રહી હતી. એક કલાક થઈ ગયો હતો. હું ચાહી રહી હતી કે આ રાતની સવાર કદી ના પડે. વિશાખા અને નિશાએ જોઈન કર્યુ. એ લોકો કૃપાની આગળ જોઈન થયા. હવે ચલતી ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી.

‘કાનુડો માંગ્યો દે ને યશોદા મૈયા… કાનુડો માંગ્યો દે.. કાનુડો માંગ્યો દે ને યશોદા મૈયા… કાનુડો માંગ્યો દે…’, ફરી એક નવી કડી અને અજાણતા જ મારી નજર તન્મયા દીદી સાથે મળી ગઈ… હું હસી પડી… હું પાગલ.. એ પણ હસવા લાગ્યાં.


‘આજની રાત અમે રંગભર રમશું… આજની રાત અમે રંગભર રમશું… હેં………… તાજૌળે તોળી તોળી..! લે ને રે યશોદા મૈયા… કાનુડો માંગ્યો દે ને યશોદા મૈયા… કાનુડો માંગ્યો દે.’, આ વખતે તો મેં કોઈ ડર વિના ગાતા ગાતા તન્મયા દીદી સાથે નજર મેળવી.

એ હસવા લાગ્યા. ‘હી ઇઝ યોર્સ.’, એ હસતા હસતા ધીમેંથી બોલ્યા. ચલતી પૂરી થઈ. વિવાને ઇશારામાં ઘણું બધું કહી દીધું હતું, દીદીએ પણ હવે તો શબ્દોમાં હાંકારો આપી દીધો હતો. અને મારી એક્સાઇટેમેન્ટ અને ખુશીઓનો કોઈ પાર જ નહોતો.

***

ગરબાના મારાં પહેલાં દિવસની પહેલી એક કલાક મારી લાઈફની સૌથી સુંદર એક કલાક હતી, હું આનંદની ચરમસીમા પર હતી. બધાં બે પાંચ મિનિટના બ્રૅકમાં રિલેક્સ થઈ રહ્યા હતાં. મારાં મનના વિચારોમાં, પગના થનગનાટમાં, મારાં ગરબામાંથી નીકળેલા બોલના હેતુમાં વિવાન સિવાય કોઈ હતું જ નહીં. આઈ વોઝ મેડ અબાઉટ વિવાન…! બધાં લોકો ડીસ્કસ કરી રહ્યા હતાં કે કોઈ નવુ સ્ટેપ રમીએ. ‘ચકરડી.’ નિશાએ તન્મયા દીદીને સજેસ્ટ કર્યુ, જે તરત જ એપ્રુવ થઈ ગયું. બધાંએ એક્સેપ્ટ પણ કરી લીધું. માત્ર વિવાન સિવાય. એ સાઇડમાં ઊભો રહી ગયો.

‘કાનાને ગરબા તો આવડતા નથી, આજની રાત તમે રંગભર કઈ રીતે રમશો..?’, તન્મયા દીદીએ મને ધીમેથી હસતા હસતા કહ્યું.

‘રાધા એને શીખવાડશે.’, મેં પણ હસતા હસતા કહ્યું. ઠંડા પવને એની સ્પીડ વધારી દીધી હતી. બધાંને એવું લાગી જ રહ્યું હતું કે વરસાદ આવશે જ. પણ મને હજુ એવું જ લાગતું હતું કે આજે વરસાદ નહીં જ પડે. જેટલો પણ સમય મળે લોકો કૂદી લેવા માંગતા હતાં.

‘કુમ કુમના પગલા પાડ્યા. માડીના હેત ઘણા. કુમ કુમના પગલા પાડ્યા. માડીના હેત ઘણા. જોવાં લોક ટોળે વળ્યા રે. માડી તારા આવવાના એંધાંણા કળ્યા.’ ગરબા ફરી શરૂ થયા. ફરી ચક્કરડું બની ગયું. હું, મારી પાછળ તન્મયા, વિશાખા, ફેન્સી, જિગ્નેશ, પ્રતિક, નિશા, સોનુ કૃપા અને ફરી હું. વિવાન અને દિપેશ - રીંકુ સાઇડમાં જોવા માટે ઊભા રહી ગયા હતાં. અમે થોડી વાર રમ્યા. ગરબાની સ્પીડ સમય જતા વધવા લાગી.

હવે હું કોઈથી ડરું એમ નહોતી. હું ચક્કરની બહાર નીકળી અને વિવાનને ચક્કરમાં લઈ આવી. હું એને સાદા સ્ટેપમાંથી ચકરડી કઈ રીતે લેવી એ શીખવાડવા લાગી. સાથે સાથે એને ટચ કરવાનો મોકો પણ મળી જતો હતો, એ પણ મને કોઈ બહાનું શોધીને મારાં હાથને સ્પર્શીને સ્માઈલ કરતો હતો, બસ આ જ સ્પર્શ મારે જોઈતો હતો. ફોર્માલિટીવાળા આઈ લવ યુ ની જરૂર કોને હતી. અમે બંનેએ મનોમન જ પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. પણ આપણને એવી આદત પડી ગઈ છે કે લાગણીઓ જ્યાં સુધી શબ્દોમાં ના આવે ત્યાં સુધી ચેન ન પડે, વિશ્વાસ ન બેસે. વિવાનને ચક્કર મારતા ભુલાઇ જતુ હતું અને એ તન્મયા દીદી સાથે વારંવાર અથડાતો હતો, એ ગણી ગણીને અને મારાં સ્ટેપ જોઈ જોઈને સ્ટેપ્સ લઈ રહ્યો હતો, મેં તેને મારાં સ્ટેપ્સ ન જોવા માટે કહ્યું, એણે એવું કર્યુ પણ હજુ એ સ્ટેપ ભૂલી જતો હતો અને એનો તાલ વિખાઇ જતો હતો, સાથે મારો તાલ પણ.

‘કોઈના સ્ટેપ જોમાં જસ્ટ ગરબાના તાલ પર ધ્યાન રાખ. કોણ શું વિચારશે એ ભૂલી જા. બિન્દાસ્ત તારા પગ જે રીતે ઇચ્છે તે રીતે એને ચાલવા દે. એકદમ ફ્રી થઈ જા. તને બધું જ મળી જશે.’, મેં વિવાનની આંખોમાં આંખો નાખીને કહ્યું. છેલ્લા વાક્યનો અર્થ પણ વિવાન સમજી જ ગયો હતો. પછી શું એક જ મિનિટમાં વિવાન બધાંની જેમ તાલમાં આવી ગયો. એ પછી તો ગરબા એવા ચાલ્યા એવા ચાલ્યા કે વિવાનને ગરબાનું સ્ટેપ આવડી ગયું એ ખુશીમાં અમે પણ સતત એક કલાક સુધી કોઈ રેસ્ટ વિના ગરબા રમતા રહ્યા. રમતા રમતા વિવાન ઘણીવાર મારાં હાથને જાણી જોઈને સ્પર્શ કરતો હતો. હું જસ્ટ એની સામે સ્માઈલ કરતી અને એના હાથને ભીંસતી. મારી ધડકનો આટલી એબનૉર્મલ અને પીક પર ક્યારેય નહોતી થઈ. મારાં આનંદની કોઈ સીમા નહોતી. એ સમયે હું જો કંઈ ચાહતી હતી તો વિવાનનો સાથ. જે ક્યારેય ના છૂટે. ગરબા પણ ચલતી પકડી રહ્યા હતાં, ઠંડો પવન અને કોઈક કોઈક છાંટા પણ હવે તો હાજરી પૂરાવી રહ્યા હતાં. હું તો વરૂણ દેવને મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે પ્લીઝ આજે થોભી જાવ. પણ હું ચલતી ગરબાને મિસ નહોતી કરી રહી. સાચું કહું તો મારી લાઈફમાં પહેલીવાર આવા ગરબા જામ્યા હતાં. સાથે સાથે મારી લાઈફ પણ જામી હતી. મારી ખુશીઓ જામી હતી

‘વગડાની વચ્ચે વાવડીને… વાવડી વચ્ચે દાડમડી… દાડમડીના દાણા રાતા ચોળ રાતા ચોળ…’, ચલતીમાં ગરબો બદલાયો… વિવાન ચકરડી ભૂલી ગયો અને મારાં માથા સાથે એનું માથું અથડાણું. પણ ખરું કહેવાયને મને જરાંય દુખ્યું નહીં. અમે લોકો ચકરડાની બહાર નીકળી ગયા. ગરબા એના બીજા રાઉન્ડમાં પણ બરાબર જામ્યા હતાં..! પવનની ગતી વધી ગઈ હતી, એક બે વાર વીજળી પણ ઝબુકી. વરસાદના ઠંડા ઠંડા છાંટાની સંખ્યા હવે વધી ગઈ હતી. હવે નક્કી થઈ ગયું હતું કે વરસાદ આવશે જ.

‘જીલણ જીલવા ગ્યા તા… કે ગરબે ઘુમવા ગ્યા તા…’, એ ગીત ચાલી રહ્યું હતું. ત્યારે જ વિવાને બધાંને બૂમ પાડીને કહ્યું કે… ‘અમે પાણી પીને આવીએ.’, નિશા અને વિશાખાએ ગરબે જુમતા જુમતા જ ‘ઓકે.’ કહ્યું. મેં વિવાન સામે જોયું. હું સમજી ગઈ હતી. ફરી એક વાર પાણી એ તો બહાનું જ હતું.

એણે મારો હાથ પકડ્યો. મારાં અને તેના હાથની પાંચ આંગળીઓ મળી ગઈ. બંને હાથ પૂર્ણ થઈ ગયા. બંનેની આંગળીઓ વચ્ચેની જગ્યાઓ પૂરાઈ ગઈ જાણે એ જગ્યા એકબીજાના હાથની જ રાહ જોઈ રહી હોય. અમે બંને એકબીજાની આંખોમાં જોતા અને હાથ પકડીને ગ્રાઉન્ડના ગેટ તરફ ચાલતા થયા. મને ખબર નહોતી કે હું શું બોલીશ કે વિવાન શું બોલશે.? પણ પ્રેમમાં શબ્દોની જરૂર ક્યાં હોય છે, પ્રેમમાં તો હુંફાળી લાગણી જ જોઈએ.

અમે સ્ટેજથી થોડા આગળ ગયા અને અચાનક ઠંડો પવન અને ધીમા છાંટા વરસાદમાં કન્વર્ટ થઈ ગયા. જોરજોરથી પવન ફુંકાવા લાગ્યો, એક જ મિનિટમાં વરસાદ પણ જાણે પાગલ બની ગયો હતો એવું લાગ્યું. વરસાદના છાંટા જાણે ફ્રીઝરમાંથી બહાર કાઢ્યા હોય એવા ઠંડા હતાં. બધાં લોકો નાસ્તાના સ્ટોલ તરફ ભાગવા લાગ્યા. મેં વિવાન સામે જોયું. મેં વિવાનને કહ્યું કે ‘આપણે પલળી જઈશુ.’ એણે મારો હાથ ભીંસીને પકડી રાખ્યો. મારી ચોલી પલળી રહી હતી, મારું ટ્રેડિશનલ ડ્રેસિંગ વિખાઇ રહ્યું હતું, મારો મેક-અપ ઉતરી રહ્યો હતો પણ હું તો વિવાનને બોલ વશ થઈ ગઈ હતી. એ જેમ બોલે એમ જ કરી રહી હતી. પાંચ જ મિનિટમાં અમને બંનેને વરસાદે ઉપરથી નીચે સુધી પલાળી નાખ્યા. મારી ચોલી પાણીથી નીતરી રહી હતી. વિવાનનું કેડીયું પાણીથી તરબોળ થઈ ગયું હતું. પણ મારાં હાથમાં વિવાનનો હાથ હતો. મારે એના સિવાય કંઈ જ નહોતું જોઈતું. ગ્રાઉન્ડમાં બધે જ કીચડ થઈ ગયો હતો, બટ કમળ અમારાં હાર્ટમાં ઉગ્યા હતાં.

વિવાન મને ગ્રાઉન્ડની બહાર લઈ ગયો. મેં પૂછ્યું ‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’ ‘જ્યાં બસ હું અને તું જ હોઈએ.’, ‘બધાં?’, મેં પૂછ્યું.

‘ટ્રસ્ટ મી, બધાં આપણને મૂકીને ક્યાંય નહીં જાય.’, એણે હસતા હસતા કહ્યું. મેં પણ સ્માઈલ કરી. અમે પાર્કિગમાં વિવાનની બાઇકે પહોંચ્યા, એણે મને બાઈક પર બેસવા હાથ આપીને હૅલ્પ કરી. એ પણ મારી પાસે બેસી ગયો. નાઉ ધીઝ વોઝ સ્ટ્રેંન્જ ફિલિંગ. આ પણ ફર્સ્ટ ટાઈમ હતું. મારી એક્સાઇટમેન્ટ અંદરથી ઉછળી રહી હતી. થોડો ડર પર લાગી રહ્યો હતો. હું શું બોલું એનો મને કોઈ જ ખયાલ નહોતો આવી રહ્યો. મને કોઈ જ વિચાર નહોતા આવી રહ્યા. એટલે જ કદાચ પ્રેમ સમાધીનો એક પ્રકાર પણ છે.

વિવાને એનો હાથ મારાં ગળા ફરતે વીંટાળ્યો. એણે મને એની બાહોમાં જકડી. હું પલળેલી, એ પલળેલો. મને ઠંડી ચડેલી હતી. પણ એનો સાથ મારી બધી જ ઠંડી ઊડાડી રહ્યો હતો. મારાં ખુલ્લા બાજુઓને એના ગરમ હાથનો સ્પર્શ થયો. મેં એની સામે જોયું. હું થોડી શરમાઇ રહી હતી. એની આંખો મદહોશ હતી, એની આંખોમાં નશો હતો, એની આંખોમાં મીઠુ ઝેર હતું, જે હું પીવા માટે તૈયાર હતી. એણે એનો જમણો હાથ મારાં ભીના વાળની અંદર ગળા પાસે મુક્યો. મારાં હૃદયના ધબકરાની ગતિની કોઈ ગતિ નહોતી. એ જોરજોરથી ધબકી રહ્યું હતું, જાણે એને બહાર આવી જવું હોય. એણે મારાં ગરદન પાસે એનો પલળેલ હાથ ફેરવ્યો. અમે બંને બસ એકબીજાની આંખમાં જોઈ રહ્યા હતાં. બસ હું ઇચ્છતી હતી કે હવે વિવાન એ ત્રણ શબ્દો બોલી નાખે. બસ એ બોલવાની તૈયારીમાં જ હતો. એણે બીજો હાથ મારાં ગાલ પર મુક્યો.

‘યુ નો? તારી આંખો એક એક પળે મારાં હાર્ટને વીંધી રહી છે.’, એણે એના ધીમા, નશાકારી સ્વરમાં કહ્યું. એની આંખોમાં પૂરેપૂરી સચ્ચાઇ હતી. હું જસ્ટ એની આંખો જોતી રહી.

‘મારાં શરીર પરનું એકેએક રૂવાટું, મારી આંખો, મારાં હોઠો, મારું એબનૉર્મલ હાર્ટ અને તેની પ્રત્યેક એબનૉર્મલ હાર્ટબીટ અને મારાં શબ્દો તને બસ એ જ કહેવા માંગે છે.

‘આઈ લવ યુ અંકિતા.’

ધેટ વોઝ ધ હાઇટ ઑફ જોય આઈ હેડ એવર ફેલ્ટ ટીલ ધીઝ ડે.


‘હું મારો દરેક દિવસ તારી યાદો અને તારા સાથ સાથે પસાર કરવા માંગુ છું. આઈ એમ ઇન લવ વિથ યુ.’, એણે મારી આંખોની ઉંડાઇમાં ઉતરીને કહ્યું. હું પાગલ થઈ ગઈ હતી. મને ડર હતો કે મારું હૃદય ક્યાંક આજે ફાટી ના જાય.

‘આઈ લવ યુ માય. બેબી.. આઈ એમ મેડલી ઇન લવ વિથ યુ. આઈ લવ યુ. આઈ જસ્ટ લવ યુ. આઈ વોન્ટુ સ્ટે વિથ યુ એવરી મોમેન્ટ. આઈ લવ યુ’ હું શું બોલી રહી હતી એ મને જ નહોતી ખબર? મેં પણ મારો હાથ વિવાનના ગાલ પર મૂક્યો, એની રફ દાઢી, એના પલળેલા લાંબા રફ વાળ, એની એ જ નશીલી ઝેરી આંખો, એનું ક્યુટ નાંક, એની કાનની કડી, ઓહ્હ્હ માય ગોઓઓઓઓડ. આઈ વોઝ મેડ, વોટ વોઝ ધેટ? હજુ મને એ નથી સમજાતુ. એ મારાં શબ્દોને સાંભળીને મને બસ જોઈ રહ્યો. ચહેરા પર મંદ સ્માઈલ સાથે. હવે હું જાણતી હતી શું થવાનું હતું. એનો ચહેરો મારાં ચહેરાથી ચાર આંગળ દૂર હતો, હું એના ગરમ શ્વાસને મહેસૂસ કરી રહી હતી, એ પણ મારાં ગરમ શ્વાસને મહેસૂસ કરી રહ્યો હતો, મારાંમાં એક તડપ હતી, મને થોડી ધ્રુજારી આવી રહી હતી. આ મારાં માટે પહેલો એક્સપિરિયન્સ હતો. એનો ચહેરો મારાં ચહેરાની થોડો વધારે નજીક આવ્યો. એના ગરમ શ્વાસોની તીવ્ર ગતી હું હવે વધુ નજીકથી મહેસૂસ કરી રહી હતી, એના પરથી જ મેં અંદાજો લગાવ્યો હતો કે એ પણ કેટલો એક્સાઇટેડ હતો. બસ હવે મારાં અને એના હોઠ વચ્ચે એક આંગળનું અંદર હતું.

હવે ૧ સેમી. ૦.૫….૦.૪……..૦.૩….૦.૨….૦.૧… એના હોઠ મારાં હોઠને સપર્શ્યા. ઇટ વોઝ હાર્ટ થ્રોબીંગ. બસ હવે મારે હું મારી જાતને વિવાનને સોંપી દેવી હતી. હું મારાં હોઠોને મુક્ત કરી દેવા માંગતી હતી, હું મારાં હોઠોને વિવાનના હોઠો સાથે પરણાવવા માંગતી હતી. ત્યાં જ, વિવાનના મોબાઈલની રીંગ વાગી. એન્ડ ધેટ વોઝ હાઇટ ઑફ ડિસ્ટર્બન્સ. મને એમ થયું કે એ મોબાઈલને ક્યાંક ફેંકી દઉં. આટલા વરસાદ પછી પણ એનો મોબાઈલ જીવતો ક્યાં રહી ગયો હતો.? વિવાનો ચહેરો મારાં ચહેરાથી થોડો દૂર ચાલ્યો ગયો. હજુ તો એકબીજાના હોઠોનો પાતળો સ્પર્શ જ થયો હતો. એણે એના કેડીયામાંથી મોબાઈલ કાઢ્યો.

એણે કૉલ રીસિવ કર્યો અને ફોન પર વાત કરતા કહ્યું કે, ‘બસ આવીએ જ છીએ..!’
‘શુ?’, એણે ચોંકતા કહ્યું.

‘કોણ કોણ?’,

‘ઓકે. આવીએ છીએ.’ એણે કૉલ કટ કર્યો.

‘શું થયું?’, મેં વિવાના ટેન્સ ચહેરાને જોઈને કહ્યું.

‘તારી ફ્રૅન્ડ….. નિશા.’

‘શું થયું પણ?’

‘નિશા અને ફેન્સી કોઈ વાતથી ઝઘડ્યા છે.’, મારી બધી જ એક્સાઇટમેન્ટ પાણીમાં બેસી ગઈ. મારાં પેટમાં ફાળ પડી. મારી હાર્ટબીટ ફાસ્ટ જ હતી, બટ હું જે મહેસૂસ કરી રહી હતી એ ફિલિંગ ગભરામણ અને ડરની હતી. મારાં મનમાં વિચારોનું પૂર શરૂ થઈ ગયું હતું.

‘શું કર્યુ હશે નિશાએ?, તું થોડી રાહ ન જોઈ શકી?’, હું બબડી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.