Engineering Girl - 5 - 1 books and stories free download online pdf in Gujarati

એન્જિનિયરિંગ ગર્લ - 5 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૫

ભાગ - ૧

તીરાડ

ઇર્ષ્યા, દ્વેષ અને અભિમાનનો જન્મ હંમેશા અસંતોષમાંથી જ થતો હોય છે. ખરેખર તો ઇચ્છાઓ પણ અંતોષની જ પુત્રીઓ છે. અને અત્યારે મારી લાઈફમાં જે પણ બની રહ્યું હતું એ ઇચ્છાઓના ખેલ સિવાય શું હતું ? અત્યારે હું આસપાસ નજર કરું છું તો મને બધે જ ઇચ્છાઓના જંગલ સિવાય કશું જ દેખાતું નથી. મને તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું પ્રેમ એ પણ ઇચ્છા જ છે? જો પ્રેમ ઇચ્છાઓથી પરે હોય તો પ્રેમની શું જરૂર છે? જો અંસોષ ન હોય તો તો પ્રેમની શું જરૂર? નો ડાઉટ હવે તો મને પણ લાગી રહ્યું છે કે પ્રેમ પણ એક ઇચ્છા સિવાય કંઈ જ નથી. અસંતોષ વિના આ દુનિયા ચાલી જ કેમ શકે ? અસંતોષ વિના એ દિવસે જે થયું એ થયું જ ના હોત.

અમે બધાં એ દિવસે ઇચ્છાઓના પોટલા લઈને જ ગરબા રમવા ગયા હતાં. નિશાની ઇચ્છા કોઈ કારણ વિના બદલો લેવાની, ફેન્સીના મતે એની ઇચ્છા પોતાની જાતને ગરબામાં ડુબોવી દેવાની, તન્મયા અને વિશાખાની ઇચ્છા જે સમય મળ્યો છે એને બધાંની સાથે ખુશીથી પસાર કરવાની, તન્મયાના હઝબન્ડની ઇચ્છા હતી કે તન્મયા અને રીંકુ એન્જોય કરી રહ્યા છે તો એમાં ખલેલ પહોંચાડ્યા વિના એમની ખુશીઓમાં વધારો કરવાની. પ્રતિક અને જિગ્નેશ કંઈ સંતોષી વ્યક્તિ તો નહોતા જ લાગી રહ્યા, કદાચ ઇચ્છા હશે એમની એકલતા દૂર કરે એવી વ્યક્તિની મેળવવાની. કૃપાની ઇચ્છા એના સ્વભાવ પ્રમાણે અટૅન્શનની, એ વધારે બોલતી એના પાછળનું એક કારણ એના અટૅન્શનની ઇચ્છા જ હતી. પણ શાંત સોનુની ઇચ્છા શું હોઈ શકે ? હું જે ફિલોસોફીમાં રમમાણ કરતી એમાં એવું પણ હતું કે જે જ્ઞાન પ્રાપ્ત કરી લે એની બોલતી બંધ થઈ જાય. કદાચ સોનુ ઓછું બોલતી એનું કારણ એનો સંતોષ પણ હોઈ શકે…! પણ ઇચ્છા તો સોનુની પણ હતી, સોનુએ એકવાર મને કહેલું કે ‘હું વધારે એડવેન્ચરસ લાઈફ નથી ઇચ્છતી, એડવેન્ચર મારાં સ્વભાવમાં પણ નથી, નો ડાઉટ હું ઓછું બોલું છું, બટ એનો મતલબ એ નથી કે હું એન્જોય નથી કરતી, મારી કોઈ મોટી મોટી ફેન્ટસી નથી, બટ હું ઇચ્છુ છું કે ૧૦ વર્ષ પછી જ્યારે પણ હું સુખમાં કે દુખમાં હોવ ત્યારે મારી પાસે કેટલીક એવી યાદો હોય કે જે મને આરામ આપે. કેટલીક એવી પળોની યાદો હોય જે ખરેખર મારી સજ્જડ કઠોર થઈ ગયેલી આંખોને આંસુ આપી શકે.’

એ દિવસે મેં સોનુને પહેલી વાર આટલું લાંબુ વાક્ય બોલતા સાંભળી હતી. તો સોનુની ઇચ્છા પણ હતી, કેટલીક પળોને ઘડવાની. જે એ યાદ કરી શકે. વિવાનની ઇચ્છાઓ….? એક્ચ્યુઅલી ત્યારે એ સહજ લાગતું હતું, એને ઇચ્છા કહેવાય કે નહીં એના વિશે મને ખયાલ પણ નહોતો, પણ આટલા વર્ષો પછી તો મને જે દેખાઈ રહ્યું છે એ કહી શકું અથવા હું જજમેન્ટલ બનીને કહી રહી હોવ, કે વિવાનની પણ ઇચ્છાઓ હતી. કહેવાય છે કે પ્રેમમાં કોઈ ઇચ્છાઓ ના હોય, તદ્દન ખોટી વાત. વિવાનની ઇચ્છાઓ પણ હતી, મને સ્પર્શ કરવાની, મારાં હોઠોને સ્પર્શ કરવાની. ખબર નહીં બીજી કઈ ઇચ્છાઓ લઈને તે એ દિવસે આવ્યો હશે..? અને હું તો ઇચ્છાઓનું પોટલું જ લઈને આવી હતી, ચોલીથી લઈને ચાંદલા સુધી, કપાળ પર લટકતા ટીકાથી લઈને ચોલી પર ટાંકેલી ટીકી સુધી, બધી જ વસ્તુઓ મારી ઇચ્છાઓનું પ્રદર્શન કરતી હતી. મારી સૌથી મોટી ઇચ્છા વિવાનને પામવાની હતી. પણ ઇચ્છાઓની પૂર્તી પછી પણ કોને સંતોષ થયો છે ?

***

જ્યારે હું અને વિવાન પાર્કિંગ શેલ્ટરની બહાર નીકળ્યા ત્યારે હું ઠંડીને કારણે થોડી થોડી ધ્રૂજી રહી હતી, વરસાદ ઝરમર ઝરમર હજુ આવી રહ્યો હતો, જોકે એ ઘણો ધીમો પડી ગયો હતો, બે મિનિટ પહેલાં જે વરસાદને આવવા માટે હું ના પાડી રહી હતી એ વિચાર પૂરેપૂરો બદલાઇ ગયો હતો. જો વરસાદ ના આવ્યો હોત તો વિવાન સાથેની આ અમુલ્ય પળો મને ના મળી હોત. એટલે હવે હું વરસાદનો આભાર માની રહી હતી, ધ્રૂજવાના કારણમાં થોડો ડર પણ હતો, જ્યારે તમે કંઈક ખોટું કરી રહ્યા હો ત્યારે તમને ડર તો હોવાનો જ. બે મિનિટ પહેલાં હું પ્રાર્થના કરી રહી હતી વરસાદ ના આવે, હવે હું ફરી એકવાર ભીખ માંગી રહી હતી કે પ્લીઝ નિશાએ બધાંની સામે ફેન્સી સાથેના ઝઘડાનું કંઈ બાફ્યુ ના હોય. નિશાનો સ્વભાવ તો હું જાણતી જ હતી, એ જ્યારે બોલતી ત્યારે બધે બધું સટા સટ, જેવુ હોય એવું કહી દેતી. એ કોઈની પરવા ન કરતી. બસ મને એના આ સ્વભાવનો જ ડર હતો. હું મનમાં જ પ્રાર્થના કરી રહી હતી કે કોઈ મોટી બબાલ ના હોય તો સારું.

વિવાનનો એક હાથ મારાં ખભા પર હતો, અમે ગ્રાઉન્ડમાં રીએન્ટ્રી કરી ત્યારે એણે એનો હાથ મારાં ખભા પરથી હટાવી લીધો. એણે વિશાખાને કૉલ કરીને પૂછ્યું કે એ લોકો ક્યાં છે. કૉલ પછી અમે બંનેએ કોઈ જ ખાસ વાત નહોતી કરી. હું જસ્ટ વિવાનને કહી રહી હતી કે ‘બધું જ બરાબર થઈ જશે.’ પણ ખરેખર તો આવા દિલાસાની જરૂર એ સમયે મારે હતી. અમે લોકો હેવમોરના સ્ટોલ પાસે પહોંચ્યા. ત્યાં મારી રૂમ પાર્ટનરો સિવાય બધાં હતાં. સૌથી પહેલાં મારી નજર ફેન્સી પર જ પડી. એની આંખો પરથી લાગી રહ્યું હશે કે એ રડી હતી, એની ચોલી કીચડથી થોડીક ખરડાયેલી હતી. ગ્રાઉન્ડમાં થોડું કીચડ જામી ગયું હતું અને અમુક જગ્યાએ પાણીના ખાંબોચિયા પણ ભરાઈ ગયા હતાં.

‘શું થયું?’, વિવાને પહોંચતા જ પૂછ્યું. ફેન્સી મારી સામે જોઈ રહી, મારી ગભરામણ વધવા લાગી. મારી અંદરનો ડર થોડો વધવા લાગ્યો. મેં ફેન્સીની આંખો સાથે આંખો ના મેળવી. મેં વિશાખા દીદી સામે જોઈ ને પૂછ્યું કે ‘ક્યાં છે એ લોકો ?’, વિશાખા દીદીએ મને ઇશારો કરીને બે સ્ટોલ છોડીને ઉભેલા એ લોકોને બતાવ્યા.

‘એક્સક્યુઝ મી.’, કહીને હું નિશા, કૃપા અને સોનુ ઊભા હતાં ત્યાં પહોંચી.

નિશા મોં ફૂલાવીને ઊભી હતી. એની ચોલી કીચડવાળી હતી, અલબત પાછળનો ભાગ પૂરેપૂરો કીચડ વાળો થયો હતો. લાગી રહ્યું હતું કે તે પડી હતી. બાબત કીચડની આસપાસ જ હતી, મેં અનુમાન લગાવ્યું.

‘શું કર્યુ હવે તે?’, મેં નિશાની પાસે જઈને પૂછ્યું.

‘મેં શું કર્યુ? તને થઈ શું ગયું છે? પેલી કુત્તી ને પૂછ એણે શું કર્યુ?’, નિશા મારાં તરફ એગ્રેસિવ થઈને બોલી. એ ગુસ્સામાં હતી.

‘ઓકે ઓકે કામ ડાઉન. સોનુ કૃપા મને કહેશો શું થયું?’, મેં સોનુ અને કૃપા તરફ જોયું. એ લોકો ચુપચાપ ઊભા હતાં. શું સમજાવવુ અને કેવી રીતે સમજાવવુ એની મુંજવણમાં. હું સોનુના મોઢે જવાબ સાંભળવા માંગતી હતી એટલે મેં સોનુ સાથે આંખો મેળવી.

‘એક્ચ્યુઅલી વરસાદ આવ્યો એટલે અમે બધાં થોડી વાર પલળ્યા અને પછી આ તરફ આવતા હતાં, તો નિશાના સેન્ડલ પર પાછળથી ભૂલથી ફેન્સીનો પગ આવી ગયો. અને નિશા લપસી પડી.’ સોનુએ ધીમે ધીમે બોલીને કહ્યું.

‘પણ મને નથી લાગતું કે એનો પગ ભૂલથી આવ્યો હોય. એ એની પાછળ હતી તોય એણે નિશાને જરાંય ઊભા થવામાં હૅલ્પ પણ ના કરી.’, કૃપા વચ્ચે બોલી. મૅટર ખૂબ નાની હતી, પણ નિશાની એક ઇચ્છાને કારણે આ મૅટરે મોટી સિચ્યુએશન ઊભી કરી હતી. હું નિશા તરફ ફરી.

‘પછી? ફેન્સી કંઈ બોલી?’, મેં નિશાને પૂછ્યું.

‘એનો પગ ભૂલથી ન્હોતો પડ્યો. સાલીને જલન થતી હતી. એ કુત્તી બોલે તે પહેલાં મેં એના ગાલ પર એક જોરદાર તમાચો ચોડી દીધો. બોલે શું?’, નિશાને જરાય ખયાલ પણ નહોતો કે તે ગુસ્સામાં અને આ તમાચા વાળા એક્સપ્રેશન્સમાં કેટલી કદરૂપી લાગી રહી હતી. નિશા પર મને થોડો ગુસ્સો આવી રહ્યો હતો.

‘તે બહુ જ ગ્રેટ કામ કર્યુ છે નિશા. બહુ જ ગ્રેટ.’, મેં નિશા સામેં દયાથી વ્યંગ્ય કરતા જોયું.

‘મને નથી ખબર અડધા કલાકમાં વિવાન સાથે તે શું કર્યુ છે. પણ તું ઘણી બદલાઇ ગઈ છે. એમ કહી દેને તું કોની સાઇડમાં છો એટલે વાત પતે.’, નિશાનો ગુસ્સો વધી રહ્યો હતો, હવે મને ખ્યાલ આવી ગયો હતો કે નિશા સાથે અત્યારે વાત કરવી બેકાર હતી.

‘હું એજ અંકિતા છું, અને જે બોલવું હોય તે ચોખ્ખે ચોખ્ખું બોલ. અડધા કલાકમાં શુ કર્યુ એવી રીતે વાતને ગોળ ફેરવવાની જરૂર નથી.’, મેં નિશાની સામે આંખો બતાવીને કહ્યું. વિવાને મને બૂમ મારી. મારી નજર એ સાઇડ ગઈ. વિવાને મને એ તરફ આવવાનો ઇશારો કર્યો.

‘ચાલો. અને નિશા, ફેન્સીને સૉરી કહેજે.’, મેં નિશા સામે દાબથી કહ્યું.

‘હું નહીં કહું, શા માટે કહું? મેં કોઈ ગુનો કર્યો છે? એણે મને કીચડમાં પાડી, એક તમાચાની હકદાર તો એ પણ હતી.’, નિશાએ એ જ ગુસ્સામાં કહ્યું.

‘પ્લીઝ નિશા…’, મેં વિનંતી કરતા કહ્યું. નિશાએ કોઈ જ જવાબ ના આપ્યો. હું તો બસ એ જ વિચાર કરતી હતી કે બધાંની સામે હું કઈ રીતે રિએક્ટ કરીશ. બધાંની સામે હું શું બોલીશ. હું શરમથી પીડાઇ રહી હતી.

‘સૉરી ફેન્સી, નિશાને થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. એ પણ ઘણું ગીલ્ટી ફીલ કરે છે.’, મેં ફેન્સીના ખભા પર હાથ મૂકીને કહ્યું. મેં નિશા સામે જોયું. એનો કોઈ જ રિસ્પોન્સ નહોતો. મેં થોડી આંખો પહોળી કરી. છતાં નિશા કંઈ જ ના બોલી. મેં વધારે આંખો બતાવી.

‘આઈ એમ સૉરી, ઇટ વોઝ અ મિસ્ટેક.’, નિશાએ પહેલાં મારી તરફ જોયું અને પછી ફેન્સી તરફ નજર ફેરવીને કહ્યું. ફરી નિશાએ મારાં તરફ નજર કરી. ફેન્સીની સાથે એણે મને પણ સૉરી કહ્યું હતું એ હું સમજી ગઈ હતી, બટ શા માટે ? એ મને નહોતું સમજાણું.

‘સૉરી યાર, તમારાં લોકોનો મૂડ મારાં લીધે ખરાબ થયો. નિશાનો એવો કોઈ ઇરાદો ન્હોતો. ઇટ વોઝ જસ્ટ સીલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ.’, મેં બધાંની સામે જોઈને કહ્યું. તન્મયા દીદીએ મારાં ખભા પર હાથ મુક્યો અને ‘ઇટ્સ ઓકે.’ કહ્યું. ત્યારે મને તન્મયા દીદી મારાં મોટા બહેન જેવા લાગ્યા.

‘ચલો આપણે જઈએ, આપણે લેઇટ થશે.’, નિશા પાછળથી એ જ ગુસ્સાવાળા ટોનમાં બોલી.

‘અમે એ તરફ જ આવી રહ્યા છીએ, અને તમે ચાર લોકો તો સમાઇ જશો..! તમને વચ્ચે ડ્રોપ કરતા જઈશુ.’, તન્મયા દીદી બોલ્યા. મેં ડોકુ હલાવીને ‘ઓકે’ કહ્યું. અમે લોકો બોલ્યા વિના જ બહાર નીકળ્યા. વાતાવરણ જરમર વરસાદ વચ્ચે રોમેન્ટિકમાંથી સિરિયસ બની ચૂક્યું હતું. થોડા ટાઈમ પહેલાં હું ચાહતી હતી કે વરસાદ ના આવે, પછી હું વરસાદ આવ્યો એનો આભાર માનતી હતી અને હવે હું અફસોસ કરી રહી હતી કે વરસાદ ના આવ્યો હોત તો સારું હતું. ત્યારે એક્સપિરિયન્સ થયો કે જીવન એ માત્ર પળ પળનો જ ખેલ છે.

અમે દિપેશની i10 માં પાછળની સીટ પર બેઠા. તન્મયા દીદી આગળની સીટ પર હતાં અને એમના ખોળામાં રીંકુ હતી. મેં તન્મયા દીદી પાસે એમના નંબર લેવા માટે વાત કરી એના સિવાય અમે કોઈ કંઈજ નહોતા બોલ્યા. ધેટ વોઝ ધ લોંગેસ્ટ ડ્રાઇવ. એન્ડ ધેટવોઝ ધ મોસ્ટ સાયલન્ટ ડ્રાઇવ ઑફ માય લાઈફ આઈ એવર હેડ.

***

શું નિશાના લીધે અંકિતા અને વિવાનની લાગણીઓ ઘટશે ? વાંચવાનું ચુકતા નહીં એન્જિનિયરિંગ ગર્લ

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.