Preet ek padchaya ni - 31 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૩૧

સૌમ્યકુમાર વહેલી સવારે એક અલગ વેશ બદલીને રાજકુમાર સિંચન વિશે તપાસ માટે થોડાં સૈનિકો સાથે નીકળી ગયાં. કોઈપણ રાજ્યમાં એમ અંદર તો પ્રવેશ ન કરાય માટે સૌમ્ય કુમારે એક યોજના બનાવી....

વહેલી સવારે મળસકે તેઓ મેલાં ઘેલાં કપડાં પહેરીને પરદેશી હોય એ રીતનો પહેરવેશ અને થોડું વાગ્યું કે એમ હોય એ રીતે બધું તૈયાર કર્યું...ને નગરનાં પ્રવેશદ્વાર પાસે પહોંચ્યાં. તેમને જોઈને ત્યાંનાં ચોકીદારો ત્યાં એમની પાસે પહોંચ્યાં. એમને કોઈને પણ પુછ્યાં વિના પહેલાં એ લોકોની થોડી પ્રાથમિક સારવાર કરી. પછી એમાંનો એક ચોકીદાર ત્યાં રાજાની પાસે ગયો.

ત્યાં સૌમ્યકુમારે અજાણ રીતે બધું જાણવા માટે વાત કરવાની શરૂઆત કરી...ને પુછ્યું, "આ કયું રાજ્ય છે ?? અહીંનાં રાજા કોણ છે ??"

ચોકીદાર :" પ્રિતમનગરી " "રાજા સિંચન..." પહેલાં એમનાં પિતા રાજા વિશ્વજિત હતાં. અત્યારે એમની તબિયત સારી નથી રહેતી એટલે એમની હાજરીમાં જ એમણે એમની ગાદી પર પોતાનાં દીકરા રાજકુમાર સિંચનનો રાજ્યાભિષેક કરી દીધો છે...."

સૌમ્યકુમાર : " અહીંની પ્રજા બહુ સુખી લાગે છે નહીં ??"

ચોકીદાર હસીને બોલ્યો, " એ તો આગલાં જન્મમાં બહું સારાં કર્મો કર્યા હોય તો આવાં રાજા મળે... બહું ઉદાર ને સરળ, પણ બહું બુદ્ધિચાતુર્ય અને અગમચેતીવાળા રાજા છે."

સૌમ્યકુમાર : "એ તો રાજા વિશ્વજીતને ?? કે પછી રાજા સિંચન પણ એવાં જ છે ??"

ચોકીદાર : " અરે એમનું તો કહેવું જ શું ?? બેય બાપદીકરા એકબીજાંની હરિફાઈમાં એકબીજાને પાછાં પાડે એમ છે... નાનું પણ બહુ સુખી રાજ્ય છે."

સૌમ્યકુમાર કંઈ બોલે એ પહેલાં બીજો ચોકીદાર ઝડપથી આવ્યો અને બોલ્યો, "ચાલો તમને બધાંને રાજા દરબારમાં બોલાવે છે."

સૌમ્યકુમાર ગભરાવાનું નાટક કરતાં બોલ્યાં, " ના ભાઈ અમે તો ના આવીએ. રાજા અમને કંઈ સજા આપે તો. આ તો અમને ઈજા થઈ એટલે આ મારગે આવવું પડ્યું. ભાઈ માફ કરો..અમને તો રહ્યાં ગરીબ અમને આવું રાજાને મળવું ન ફાવે. અમે તો જઈએ."

ચોકીદાર : " જરાય ગભરાઓ નાં આપ..." આપ અમારાં રાજાજીને મળીને ખુશ થઈ જશો....ને એ પરાણે આગ્રહ કરીને રાજદરબારમાં એ લોકોને લઈ ગયો..."


******************

સૌમ્યાકુમારી અને પ્રિયંવદારાણી એક કક્ષમાં બેસીને વાતો કરી રહ્યાં છે...

સૌમ્યાકુમારી બોલ્યાં, " આપણે એ તો જણાવી દીધું રાજા વિરાજસિંહને કે હું સ્વયંવર રાખવાં ઈચ્છું છું અને પછી જ રાજકુમાર પસંદ કરીશ. પણ ધારો કે સ્વયંવરમાં રાજકુમાર સિંચન નહીં આવે તો ?? હાલ પુરતી તો વાત ટાળી દીધી પણ મને એવું થાય છે કે આના કારણે આપણાં નગર પર કોઈ પણ પ્રકારની આપત્તિ ન આવે."

પ્રિયંવદા : " રાજકુમારી ચિંતાતુર ન બનો. સૌમ્યકુમાર બનશે એટલુ જલ્દી બધી જ સિંચનકુમારની જરૂરી માહિતી લઈ આવશે."

રાજકુમારી : મને હવે ચિંતા થાય છે કે કદાચ આ બધાં પછી પણ રાજકુમાર સિંચનને બીજું કોઈ પસંદ હોય કે પછી એમને હું ન ગમું તો શું થશે ?? "

પ્રિયંવદા : " તમે બહું ચિંતા કરો છો રાજકુમારી. બધું સારૂં જ થશે. વળી તમારામાં શું ખોટ છે કે એ તમને ના કહેશે ?? અને વળી જો ના કહે તો તમને ક્યાં બીજાં કોઈ નથી મળવાનાં રાજકુમાર ?? તમારાં પિતાજી અને ભાઈ કેટલાંય રાજકુમારોની લાઈન કરી દેશે..."

રાજકુમારી :" પણ સિંચનકુમાર તો નહીં જ ને ?? હું તો મનથી એમને જ વરી ચુકી છું..."

પ્રિયંવદા : " અત્યારે આટલું બધું જ વિચારો. ભગવાન પર ભરોસો રાખો. જે થશે તે સારૂં જ થશે. તમારાં નસીબમાં હશે તો કોઈ છીનવી નહીં શકે."

"તમારૂં કહેલું સાચું પડે..." એમ કહીને રાજકુમારી તેમનાં માતાને ભેટી પડ્યાં."

**************

સૌમ્યકુમાર છુપાવેશમાં રાજદરબારમાં પધારે છે... ચોકીદાર તેમને સાથે લઇને આવે છે. સિંચનકુમાર મુખ્યગાદી પર બેઠેલાં
છે. એમણે અતિથિને આવકાર્યા. બાજુમાં જ એક ગાદી પર એક સ્ત્રી બેઠી છે એમને જોઈને સૌમ્યકુમારને અંદાજો આવ્યો કે આ તેમની માતા હશે. પણ સિંચનકુમારની બાજુમાં રહેલી એક સુંદર સ્ત્રીને જોઈને એ ન સમજાયું કે એ કોણ હશે ??

પરંતુ એમને સમજાયું નહીં કે એ એમની બહેન હશે કે પછી કદાચ એમની રાણી ?? કદાચ એમનાં લગ્ન થઈ ગયાં હોય...જાણે અજાણે એમની નજર એનાં પર ઠરી ગઈ...પણ પછી કદાચ રાજકુમારની પત્ની હોય એમ વિચારીને એ ફરી એનાં મનને પાછું વાળી દીધું...

રાજાએ સૌમ્યકુમારને ક્યાંથી આવો છો ?? શું કામ કરો છો બધું ઘણું બધું બહું નમ્રતાથી પુછ્યું...સૌમ્યકુમારે એમનાં નક્કી કરેલાં પ્લાન મુજબ બધાં જવાબો આપી દીધાં...પછી રાજાએ એમને હજું એમને થોડું આરામ માટે જરૂર હોય તો રોકાવવા માટે કહ્યું... એનાં માટે વિશ્રામગૃહની પણ વ્યવસ્થા કરી આપવા જણાવ્યું...

સૌમ્યકુમારે વાતવાતમાં જણાવ્યું કે અમારે આગળ એક સુવર્ણસંધ્યા નામની નગરી છે ત્યાં પહોંચવાનું છે... મેં સાંભળ્યું છે કે ત્યાંનાં રાજા બહું સારાં છે અને મને કામ પણ આપે છે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિઓને. એવી મારાં પિતાએ સલાહ આપી છે...બાકી તો ત્યાં ગયાં પછી ખબર પડે.....

સૌમ્યકુમારે ત્યાં પહોંચવા માટે ઉતાવળ છે એવું કહીને આજે જ અહીંથી રવાના થવા માટે પરવાનગી માગી...અને કહ્યું આપ બહું સારાં છો...બાકી કોણ આવાં પરદેશી આને એ પણ ગરીબ વટેમાર્ગુને અહીં રાજદરબારમાં પણ આવવાં કહે.

સિંચનરાજા : "મારાં રાજ્યમાં કે ત્યાંથી પસાર થતાં કોઈને પણ તફલીક ન પડવી જોઈએ. પ્રજા સુખી હોય તો જ રાજા સુખી કહેવાય સાચાં અર્થમાં... આવું અમારાં પિતાજીએ અમને ગળથુથીમાં જ આપ્યું છે....."

સૌમ્યકુમારે "ખુબ સરસ આવા પ્રજાપાલક સહુને મળજો" કહીને ત્યાંથી વિદાય લીધી...

ફરી નગરદ્વાર પાસે પહોંચ્યા પછી સૌમ્યકુમારને એકવાત તો પુછવાની રહી જ ગઈ હોય એવું લાગ્યું.અંતે પુછી લીધું." રાજાનાં વિવાહ થઈ ગયાં હશે ને ??"

ચોકીદાર : " ના રે ભાઈ ના... કેટલાંય રાજકુમારીઓ માટે કેટલાંય રાજાઓ પુછે છે પણ એ કોઈને પસંદ કરતાં નથી. રાજા કોઈને પસંદ કરતાં નથી. બધાં એવું કહે છે કે કદાચ એમનાં મનમાં કોઈ રાજકુમારી વસી ગઈ છે કે શું ??" એવું મેં સાંભળ્યું છે. સાચું ખોટું અમને નાનાં માણસોને બહું ખબર નાં હોય."

સૌમ્યકુમાર : " હમમમ... રાજકુમાર એકલાં જ મતલબ કોઈ ભાઈ કે એમ ??"

ચોકીદાર : " ના બહેન છે...જે એમની પાસે બેઠેલાં હતાં. એ પણ મોટો પરણે નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરવાનું નક્કી કરી લીધું છે."

સૌમ્યકુમાર જાણે મનમાં ખુશ થતાં બોલ્યાં, "સારું ભાઈ ત્યારે અમે જઈએ. બહું આગળ જવાનું છે. હજું તમારો આભાર."ને સૌમ્યકુમાર અને એમનું નાનકડું સૈન્ય થોડું આગળ વધીને ફરી તેમનાં રાજકુમારનાં વેશમાં આવી ગયાં.

સાવજ એ સૌમ્યકુમારનો ખાસ સેવક છે. પણ સૌમ્યકુમારને એની સાથે બહુ ફાવે. અને વળી વિશ્વાસુ પણ એટલો જ છે..એટલે આ વાત એમણે સાવજને કરી છે કે એ લોકો અહીં કયા કારણસર આવેલાં છે... બાકીનાં ચાર જણાને આવી કોઈ ખબર નથી.

સાવજ અને સૌમ્યકુમાર એકલાં બેઠાં છે...સૌમ્યકુમાર બોલ્યાં, સાવજ હવે આપણે ફરી રાજકુમાર બનીને ત્યાં જવાનું છે...આ તો થઈ એમની સામાન્ય માણસો સાથેનો એમનો વ્યવ્હાર....હવે એક રાજપરિવાર મુજબ પણ એમની પરિક્ષા કરવી પડશે ને...

સાવજ : "એક વાત કહું ?? તમે ગુસ્સે તો નહીં થાઓ ને ??"

" સાવજ તારાં પર મેં ક્યારેય હજું સુધી ગુસ્સો કર્યો છે ?? બોલ જે હોય તે."

સાવજ : "મને લાગે છે રાજા સિંચનની બેન પર તમારી નજર ઠરી ગઈ લાગે છે.... શું કહો છો તમે ?? "

" અરે એવું કંઈ નથી...એ તો જરાં...આપણે પહેલાં બહેના માટે જે કામ કરવા આવ્યાં છે તે પતાવીને ફટાફટ પાછાં ફરવું પડશે... બહું સમય નથી આપણી પાસે."

સાવજ (હસીને ): " એકની હા પડે પછી બીજાં માટે વિચારીએ એમ જ ને...??"

સૌમ્યકુમાર : " ચાલો હવે હું આગળની યોજના જણાવું એ મુજબ આપણે આપણે આપણી અસલી ઓળખ મુજબ ત્યાં રાજાને મળવાનું છે..‌"

સાવજ : "જી રાજકુમાર" થઈ જશે....

**************

હજું સુધી અન્વયનો હાથ પકડીને શાંતિથી બેઠેલી લીપી બોલી, અનુ હવે આગળ તો બોલ શું થયું ?? રાજકુમાર સિંચન ને સૌમ્યકુમાર મળ્યાં કે નહીં ??

અન્વય : "લીપી હવે આમાં આગળનાં પાનાં એકદમ કોરાં છે....આમ તો ધીમે ધીમે જેમ જેમ આગળ વધતો હતો એમ આગળ આવતું જતું હતું. પણ હવે અચાનક આવું કેમ થયું ?? "

અપુર્વ : " તો ભાઈ હવે શું કરીશું ?? "

" કદાચ એવું હોય કે કોઈ એવો સમય હોય કે તમે આગળ ન વધી શકો ?? "

અન્વય બુકને ફરીથી ખોલીને આગળપાછળ જુએ છે કંઈ રસ્તો મળે તો.... ત્યાં તો આગળનાં વાંચેલા પાનાં પણ હવે કોરાં છે કંઈ પણ લખાણ વિનાના....

" અરે આતો બધાં જ પાનાં કોરાધાકોર છે...."

અપુર્વ પોતાનાં હાથમાં પુસ્તક લઈ ફરી ફંફોળે છે તો વચ્ચે એક પેજ પર લાલ અક્ષરે લખેલું દેખાય છે..." છ થી સાતનો સમય ફક્ત ઈષ્ટદેવનું સ્મરણ...પછી આગળ વધો..."

અપુર્વ : " એક કલાકનો સમય છે પછી જ કંઈ થશે...આપણે થોડું જમી લઈને નજીક ક્યાંક હોટેલમાં જઈને.."

અન્વય 'સારૂં' કહીને ગાડી સ્ટાર્ટ કરવાં જાય છે તો ગાડી ચાલું જ નથી થતી...બહાર આવીને ચેક કરે છે તો ગાડીમાં કોઈ તફલીક દેખાતી નથી....

લીપી ફરી એકવાર બેધ્યાનપણે બોલી, " આમાંથી તમે આત્માને મુક્તિ આપ્યાં વિના તમે તમારી સામાન્ય જિંદગીમાં પાછાં ફરી શકો નહીં... માટે થોડી રાહ જોઈ ફરી આગળ વધવું એ જ યોગ્ય છે."

કોઈ વિકલ્પ ન જણાતાં ગાડીમાં જ બધાંએ આરામ કરવાનું નક્કી કર્યું....

આગળ અપુર્વ આરાધ્યાને યાદ કરતો એનો ફોટો જોવાં લાગ્યો...ને મનમાં જ બોલ્યો, "આરૂ...ખબર નહીં આપણે ફરી હવે ક્યારેય મળી શકશું કે નહીં.... સોરી..." ને એમ જ એ યાદોમાં એની આંખ મળી ગઈ. અન્વય લીપીનાં ખોળામાં માથું ઢાળીને સુવા લાગ્યો... લીપી પ્રેમથી એનાં માથા પર હાથ ફેરવી રહી છે...અને બધાં સાત વાગવાની રાહ જોઈ રહ્યાં છે.....

****************

સાંજના સાડા સાત વાગી ગયાં છે. બધાં થાકેલા હોવાથી સુતેલા જ છે... ત્યાં જ અચાનક કંઈક અવાજ થતાં અન્વયની આંખો ખુલે છે... મોબાઈલ તો બધાંનાં ખાલી સમય જોવાં માટે જ છે એવું કહી શકાય...એણે સમય જોયો ને એણે સફાળા બેઠાં થઈને લીપી અને અપુર્વ બંનેને જગાડ્યા...

ફરી એકવાર પુસ્તકમાં લખાણ દેખાવા લાગ્યું...ને ફરીથી વાત આગળ શરૂં થઈ..... સૌમ્યકુમાર યોજના મુજબ દરબારમાં પહોંચી ગયાં છે...

શું રાજકુમાર સિંચન એ સૌમ્યાકુમારી માટે યોગ્ય ઠરશે ?? તેઓ રાજકુમારીને પસંદ કરશે ?? આ કહાની અને આ આત્માને શું સંબંધ હશે ??

જાણવા માટે વાંચતાં રહો, પ્રિત એક પડછાયાની - ૩૨

મળીએ બહું જલ્દીથી એક નવાં ભાગ સાથે....