rahasymay tapu upar vasavat.. - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 2

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ..

ઉત્તર-પશ્ચિમ દિશામાં ઘસડાઈ રહેલું જહાજ અચાનક ધડાકા સાથે કોઈક વસ્તુ સાથે અથડાયું. નાવિકોની મરણ ચીસોના કારણે વાતવરણ ગુંજી ઉઠ્યું. અને બેરહેમી દરિયાએ બધી જ મરણ ચીસોને પોતાના ઘુઘવાટમાં સમાવી લીધી. કેપ્ટ્ન અને પ્રોફેસર જહાજની બહાર ફેંકાયા..

પરિસ્થિતિઓને જોઈને તાગ મેળવનારો કેપ્ટ્ન હેરી બહાર પછડાતા જ તેના અનુભવી માઈન્ડે ધારી લીધું કે તે જ્યાં ફેંકાયો છે એ જમીન જ છે...પોતાનું જીવન બચી જવાની ખુશી અને પોતાના સાથીદારો બચ્યા હશે કે નહીં એ વિચારો સાથે ત્યાં જ બેભાન થઇ ગયો.. પ્રોફેસર પણ કેપ્ટ્નની સાથે બહાર ફેંકાયા... એમની આંખોમાં પહેરેલા ચશ્માં પણ એમની સાથે જ બહાર ફંગોળાઈ ગયા..એટલા વેગ સાથે તેઓ પછડાયા કે બહારની જમીન પડેલા બે નાનકડા અણીદાર પથ્થર એમની પીઠમાં ઘુસી ગયા. "ઓહહ.. આહા.. ' ની વેદનાભરી ચીસ સાથે ત્યાં જ બેભાન બની ઢળી પડ્યા..

જહાજ જે ટાપુના જમીન વિસ્તાર સાથે અથડાયું હતું. તેનો કિનારો પથરાળ ખડકોનો બનેલો હતો..કિનારા પર જ નાળિયેરીના વૃક્ષો ખુબ જ મોટા પ્રમાણમાં હતા..થોડેક દૂર રેતાળ જમીનનો પટ હતો.. જહાજ જેવું અથડાયું તેવો જ કૂવાથંભ તૂટી પડ્યો. આખું જહાજ વચ્ચેથી ફાટી ગયું. ટાપુનો પ્રદેશ દરિયાની સપાટી કરતાં થોડોક ઊંચાણમાં હતો. કિનારા પાસે પણ દરિયાની ઊંડાઈ લગભગ બસ્સો અઢીસો મીટર હતી.જહાજ ફાટતાની સાથે સપાટી પર આવેલી અમૂક ચીજવસ્તુઓને દરિયાના મોજાઓએ ઝાટકા સાથે જ ટાપુ ઉપર ફેંકી દીધી..

જ્યોર્જ અને પીટર દરિયાની અંદર ફંગોળાયા..ત્યાં જ તૂટેલા જહાજનું છૂટું પડેલું એક લાકડું હાથમાં આવી જતાં બંને એ લાકડાને ચોંટી પડ્યા. પછી લાકડા સાથે તરવા લાગ્યા.પીટર ખુબ ગભરાઈ ગયો હતો.પણ જ્યોર્જ તેની સાથે હતો એટલે તેનો ડર ઓછો થયો..

પીટર થોથવાતા આવજે બોલ્યો.. "સર હવે શું થશે.. મને ખુબ ડર લાગી રહ્યો છે.

"અરે... યાર હમણાં તું આ લાકડું મજબૂત રીતે પકડી રાખ નહિતર મોજાઓ તને ક્યાંક દૂર ફેંકી દેશે.." જ્યોર્જે ધૂંધવાતા અવાજે કહ્યું..

જ્યોર્જની વાત સાંભળી પીટર ચૂપ રહ્યો.. દરિયાનું તોફાન ધીમે-ધીમે શાંત થતું હતું...જ્યોર્જ અને પીટર તેમની જીંદગી બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા.. કારણ કે તેઓ જે લાકડાને પકડીને તરી રહ્યા હતા એ લાકડું મોજાઓની સાથે આમથી તેમ ફંગોળાતું હતું.. જો તેઓ લાકડાને મજબૂત રીતે ના પકડી રાખે તો મોજાની સાથે તેઓ પણ દૂર ફેંકાઈ જાય..

આખી રાત બંને એ લાકડાના સહારે તરતા રહ્યા.પીટર બહુ જ થાકી ગયો હતો... પણ જ્યોર્જ તેને તરવામાં મદદ કરી રહ્યો હતો એટલે એનામાં થોડીક તાકાત બચી હતી.જ્યોર્જનું શરીર પણ સખત રીતે દુઃખી રહ્યું હતું.. પણ મરવાની બીક જીવવાની આશા એનામાં નવી એનર્જી ઉત્પ્ન્ન કરી તેને તરવા પ્રેરિત કરી રહી હતી..

ધીમે-ધીમે રાતરાણી ધરતી ઉપરથી વિદાય થવા લાગી. સવારનું આગમન થવા લાગ્યું..ધીમે-ધીમે અજવાસ ધરતી ઉપર પથરાવા લાગ્યો..અંધકાર દૂર થવા લાગ્યો અને બહારના દ્રશ્યો સ્પષ્ટ થવા લાગ્યા.. જ્યોર્જને સામેની બાજુએ ત્રણ-ચાર માઈલ દૂર કંઈક ભૂખરા લીલા પ્રદેશ જેવું દેખાવા લાગ્યું..તેનામાં જીવવાની આશા હતી એ થોડી વધારે જીવંત બની..

તેણે હર્ષઘેલા થઈને પીટરને કહ્યું.. " પીટરરર...જો સામે કિનારો દેખાઈ રહ્યો છે..

"ખરેખર... ' થાકેલા પીટરે હર્ષ સાથે કહ્યું.

"હા... દોસ્ત મને ત્યાં ભૂખરા લીલા પ્રદેશ જેવું દેખાય છે.. જરૂર કિનારો જ હોવો જોઈએ.. થોડીક ઝડપ કર એટલે જલ્દીથી પહોંચી જઈએ..' જયોર્જ પીટરનો ઉત્સાહ વધારતા બોલ્યો..

જ્યોર્જ અને પીટર ઝડપથી પાણીમાં એક હાથે લાકડું પકડી અને બીજો હાથ પાણીમાં વીંઝીને કિનારા બાજુ પોતાની કાયાને ઢસડવા લાગ્યા. પવન પણ એ બાજુનો હતો એટલે એમને કિનારા બાજુ જવામાં સરળતા મળી રહી હતી... લગભગ પોણો કલાક જેટલાં સમય પછી તેમને કિનારો એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યો.. કિનારો જેમ-જેમ નજીક આવતો હતો. એમ-એમ જ્યોર્જ અને પીટર વધારે તાકાતથી પોતાના શરીર કિનારા બાજુ લઈ જવાનો પ્રયત્ન કરતાં હતાં.

છેવટે કિનારાથી સો મીટર જેટલા દૂર રહ્યા હશે..ત્યારે દરિયાનો કિનારા વાળો ભાગ છીછરો આવ્યો.. માંડ-માંડ જ્યોર્જે પીટરને બહાર કાઢ્યો...તેમના પગને જેવો જમીનનો સ્પર્શ થયો.. ત્યારે જાણે સ્વર્ગની સાહ્યબીમાં પહોંચી ગયા હોઈએ એવો આનંદ જ્યોર્જ અને પીટરને થયો. બંનેએ કિનારાથી થોડાક દૂર જઈ નાળિયેરીના છાયામાં પોતાના શરીરને લંબાવી દીધું..કારણ કે આખી રાત આવા તોફાનોમાં સંઘર્ષ કરીને તેમનું શરીર થાકી ગયું હતું.. બસ એમને હવે આરામની જ જરૂર હતી..આજુબાજુ કેવો વિસ્તાર છે..ભય ડર ભૂલી કશુ પણ જોયા વગર બન્નેનું થાકેલું શરીર ગાઢ નિદ્રામાં સરી પડ્યું.

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આ બાજુ સૂર્ય ગગનમાં ચડવા માંડ્યો..એના કિરણો ધરતી પર તીવ્ર ગતિથી આવવા માંડ્યા. પ્રકાશ તથા તાપ કેપ્ટ્ન હેરીના શરીર ઉપર પડવાથી કેપ્ટ્નની આંખો ખુલી આજુબાજુ જોયું.. અપરિચિત વિસ્તાર તથા પોતાને આવી રીતે પડેલો જોઈને કેપ્ટ્નના માઈન્ડમાં રાતે બનેલી ઘટના યાદ આવવા લાગી.. તેમણે બેઠા થવાની કોશિશ કરી પણ પીડા તેમના મનોબળ કરતા એક સ્ટેપ આગળ હતી જેથી ઉઠી શકાયું નહીં... તરસના કારણે ગળું સુકાઈ રહ્યું હતું..હાથ-પગ પછડાટના કારણે સુજી ગયા હતા..આખું શરીર અસહ્ય પીડાથી દુઃખી રહ્યું હતું... મોંઢા પર જખ્મોના નિશાન ઉપસી આવ્યા હતા.. પણ આ માણસ આમ હારી જાય એમ નહોતો પૂરી તાકાત કરીને બેઠો થયો...એક બે વાર લથડ્યો પણ ખરો છતાં ઉભો થઇ નાળિયેરીના વૃક્ષ તરફ ચાલવા લાગ્યો..ત્યાં પહોંચીને બે નાળિયેર ઉઠાવ્યા. શરીરમાં જરાય તાકાત ન હતી એટલે નાળિયેર પણ માંડ-માંડ પકડ્યા.



નાળિયેર મળી તો ગયા.. પણ હવે તોડવા શી રીતે ? ત્યાં સામે જ પથ્થરની ભેખડ દેખાઈ. વળી પાછો આવ્યો ભેખડ પાસે...શરીરમાં થોડીક જ તાકાત બચી હતી એ એકસાથે અજમાવી નાળિયેર એકજ જાટકે પથ્થર સાથે અથડાવીને તોડી નાખ્યું.. નાળિયેરમાંથી અડધું પાણી ઢોળાઈ ગયું.. વધ્યું એ કેપ્ટ્ન પી ગયા..થોડીક તાજગીએ શરીરમાં પ્રવેશ કર્યો. પછી નાળિયેરની અંદરની છાલ ખાઈ લીધી.. કેપ્ટ્ને જેવું બીજું નાળિયેર તોડવા હાથ ઉંચો કર્યો કે ભેખડની પાછળથી કોઈ માણસ પીડાથી કણસતો હોય એવો અવાજ એમના કાને પડ્યો. કેપ્ટ્નને હવે ભાન થયું કે તેની સાથે અન્ય માણસો હતા એ..? એમની હાલત શું થઇ હશે..?? વિચાર આવતાંની સાથે જ નાળિયેરને ત્યાંજ મૂકીને ભેખડની પાછળ દોટ મૂકી.. હવે તેને તેના શરીરનું દુઃખ ભુલાઈ ગયું હતું.. બસ ચિંતા હતી તેના વહાલા સાથીદારોની..

કેપ્ટ્ન હેરી ઝડપથી ભેખડની પાછળ આવ્યા.આવીને જુએ છે ત્યાં તો પ્રોફેસર અલ્બુકર્ક પીડાથી કણસી રહ્યા છે. કેપ્ટ્ને ઝડપથી પ્રોફેસરનું માથું ખોળામાં લીધું..જોયું તો પ્રોફેસરની આંખો બંધ જ હતી..પણ મોઢામાંથી પીડાના અવાજો અવાજો બહાર આવી રહ્યા હતાં.. પછડાટના કારણે પ્રોફેસરનો ઉપરનો એક દાંત તૂટીને નીચેના હોઠમાં ઘુસી ગયો હતો...મોંઢા ઉપર ગાલમાંથી નીકળેલા લોહીએ લાલ રંગની ચિતરામણ કરી લીધી હતી. લોહી જામ્યું હતું એ જાગ્યાએ રેતીના કણો પણ ચોંટી ગયા હતાં.

"ઓય... પ્રોફેસર.. ઉઠો..' કહીને કેપ્ટ્ને બે-ત્રણ હળવી ટપલીઓ પ્રોફેસરના ગાલ ઉપર મારી.. છતાં પ્રોફેસરના કણસવાના અવાજો ચાલુ રહ્યા.

ઝડપથી કેપ્ટ્ન ભેખડની પાછળ દોડ્યા અને તરત પેલું નાળિયેર લઈ આવ્યા.એક પથ્થરની મદદથી નાળિયેરને તોડીને થોડું પાણી પ્રોફેસરના મુખમાં રેડ્યું. પાણી ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરીને ગળાથી નીચે ઉતરી ગયું. અને વધેલું થોડુંક પાણી પ્રોફેસરના મોંઢા ઉપર છાંટ્યું. પાણી શરીરમાં ગયું એટલે પ્રોફેસરના શરીરમાં થોડીક શક્તિનો સંચાર થયો..થોડી વારમાં પ્રોફેસરની આંખના પોપચા હલ્યા અને પ્રોફેસરે આંખો ખોલી..

પ્રોફેસરની આંખો ખુલતાની સાથે કેપ્ટ્નના શરીરમાં આનંદ લહેરો પ્રસરી ગઈ.. પ્રોફેસરે કેપ્ટ્ન સામે જોઈને હળવું સ્મિત કર્યું. ઉઠવાનોનો પ્રયત્ન કર્યો પણ પીઠમાં ઘુસેલા પથ્થર ખુબ દુખાવો કરી રહ્યા હતા..કેપ્ટ્ન હેરીએ પ્રોફેસરને ઉંચકીને નાળિયેરીના વૃક્ષ નીચે લઈ આવ્યા.ત્યાં સુવડાવીને ત્યાં પડેલા ચાર-પાંચ નાળિયેરને પથ્થર વડે તોડીને ખવડાવ્યા..

નાળિયેર ખાધા પછી પ્રોફેસરની જીભ ખુલી..
"કેપ્ટ્ન ક્યાં છીએ આપણે ??

કેપ્ટ્ને રાત્રે બનેલી જહાજ તૂટવાની ઘટનાથી માંડીને તેઓ ભાનમાં આવ્યા ત્યાં સુધીની ઘટના કહી સંભળાવી.. પછી પ્રોફેસરને ભેટીને એકદમ રડી પડ્યા.

અચાનક કેપ્ટ્નો હાથ જ્યાં પ્રોફેસરની પીઠમાં નાનકડા પથ્થર ઘુસ્યા હતા ત્યાં અડક્યો..પ્રોફેસરથી ઉંહકારો નીકળી ગયો..
કેપ્ટ્ને તરત જ પ્રોફેસરનું શર્ટ ઉંચુ કર્યું..તો બે નાનકડા પથ્થર પ્રોફેસરની પીઠના ડાબી તરફના ભાગમાં ઘૂસી ગયા હતા..
પથ્થરને જોઈને કેપ્ટ્નના મુખમાંથી ઓહહ... ઉદ્દગાર નીકળી પડ્યા..

પ્રોફેસરને ત્યાં સુવડાવી કેપ્ટ્ન બોલ્યા.. "પ્રોફેસર તમે ચિંતા ના કરો..હું કંઈક અણીદાર વસ્તુ શોધી લાવું..જેનાથી તમારી પીઠમાં ઘૂસેલા પથ્થરોને બહાર કાઢી શકાય..

"હા...મિત્ર લઈ આવો પણ ઘણા દૂર ના જતાં આ વિસ્તાર આપણા માટે અજાણ્યો છે..' પ્રોફેસર થોથવાતા આવજે બોલ્યા..

"તમે ચિંતા ના કરો..હું આ ગયો અને આ આવ્યો એમ સમજો..' કહીને કેપ્ટ્ન કિનારાની જમણી બાજુ થોડેક આગળ ગયા.. તો થોડે દૂર કંઈક ચળકતી વસ્તુ હોય એવો આભાસ થયો કેપ્ટ્નને થયો..કેપ્ટ્ન દસ બાર મીટર આગળ ગયા તો તેમને બે નાની સ્ટીલ પટ્ટી મળી.. વળી વીસેક મીટર આગળ ગયા તો અમૂક વસ્તુઓ આમથી તેમ પડી હતી. ત્યાં કેપ્ટ્નને હળવી અને ડર ભરી વાતચીત સંભળાઈ.. કેપ્ટ્ને ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો તો એ અવાજ તેમનાથી સોએક મીટર દૂર ભેખડો પાછળથી આવી રહ્યો હતો. કેપ્ટ્ન સાવચેતી પૂર્વક દબાતે પગલે એ તરફ જવા લાગ્યા..

જેમ-જેમ ભેખડની નજીક જવા લાગ્યા તેમ-તેમ ભેખડની પાછળથી આવતો અવાજ તેમને પરિચિત લાગવા માંડ્યો.તે ઝડપથી ભેખડ પાછળ ગયા..ત્યાં ભેખડની પાછળ આમ અચાનક કોઈ આવવાથી ત્રણેય જણ હેતબાઈ ગયા..



કેપ્ટ્ન તેમને જોઈને હર્ષભેર બોલી ઉઠ્યા.. "અરે જોન્સન.. ફિડલ... રોકી... તમે...??

રોકી અને ફિડલ બંને જહાજના મુખ્ય નાવિક હતાં.જયારે જોન્સન જહાજનો મુખ્ય અધિકારી. આ ત્રણેયને પણ દરિયાના મોજાએ કિનારા પર ફેંકી દીધા હતાં... ત્યાં કિનારો થોડોક રેતાળ હતો એટલે આ ત્રણેયને વધારે ઇજા થઇ નહોતી. આમ અચાનક કેપ્ટ્નને આવેલા જોઈ..જોન્સન , ફિડલ અને રોકી ખુશીના માર્યા નાચી ઉઠ્યા અને હર્ષભેર કેપ્ટ્નને ભેંટી પડ્યા.

"કેપ્ટ્ન તમે ક્યાં હતાં ?? પ્રોફેસર ક્યાં છે ?? આપણા બીજા સાથીદારો ક્યાં છે ?? જોન્સને એકસાથે સવાલો પૂછી લીધા..

"અરે મિત્રો બીજા સાથીદારોનો તો મને ખબર નથી.. પણ
પ્રોફેસર બહુ ઘાયલ છે.. ચાલો પહેલા એમની સારવાર કરીએ પછી બીજા સાથીઓને શોધીએ...' કેપ્ટ્ન બોલ્યા..

"હા..ચાલો જલ્દી... રોકી અને ફિડલ એકસાથે બોલી ઉઠ્યા.

આગળ કેપ્ટ્ન અને પાછળ આ ત્રણેય.. ઝડપથી પ્રોફેસરની પાસે આવ્યા. આ ત્રણેયને જોઈને પ્રોફેસરના મોંઢા ઉપર પણ ચમક આવી ગઈ. તેમણે સ્માઈલ આપી આ ત્રણેયનું અભિવાદન કર્યું..પછી કેપ્ટ્ને આજુબાજુથી થોડાક પાંદડાઓ
લાવી જમીન પર પાથર્યા.. પ્રોફેસરનું શર્ટ કાઢી નાખવામાં આવ્યું. અને પ્રોફેસરને પાંદડાઓની પથારી ઉપર અવળા સુવડાવ્યા.. ફિડલે આજુબાજુથી અમૂક વનસ્પતિના પાંદડાઓ લાવી... છાલ કાઢી નાખેલા નાળિયેરના ટોપલામાં એ પાંદડાઓને વાટી નાખ્યા..

કેપ્ટ્ને તેમને મળેલી બે સ્ટીલની પટ્ટીઓને પથ્થર વડે ટીપીને ધારદાર બનાવી.. આ સ્ટીલની પટ્ટીઓ તેમજ અન્ય સામાન જહાજના ફાટ્યા બાદ દરિયાના મોજાઓએ કિનારા પર ફેંકી દીધો હતો..

ત્યારબાદ પંદર-વીસ મિનિટની મથામણ બાદ તેમને સ્ટીલની પટ્ટીઓની મદદથી પ્રોફેસરની પીઠમાં ઘુસેલા પથ્થર કાઢી નાખવામાં સફળતા મળી. પ્રોફેસરની સહનશક્તિ પણ ગજબની હતી... આવા બિનઅનુકૂળ સાધન વડે પથ્થરો કાઢ્યા છતાં બધું સહન કરી લીધું.. ત્યારબાદ કેપ્ટ્ને ફિડલે વાટેલા પાંદડાઓનો લેપ પ્રોફેસરના ઘાવ ઉપર લગાવ્યો જેથી ઘાવ પાકે નહીં...

ત્યારબાદ પ્રોફેસરને નાળિયેરનું પાણી પીવડાવ્યું..અને બધાએ નાળિયેરની અંદરની છાલ ખાઈને પેટ ભર્યું..

પછી કેપ્ટ્ન બોલ્યા "મિત્રો હવે જલ્દીથી આપણે આપણા બાકી રહી ગયેલા સાથીઓનો શોધીએ.. અને ત્યારબાદ ટાપુ ઉપર પાણી શોધવું પડશે.. કારણ કે નાળિયેરના પાણીથી તરસ છીપતી નથી..

"હા પહેલા આપણે બચી ગયેલા સાથીઓનો પત્તો લગાવીએ... પછી પાણી શોધીએ.. જોન્સને કેપ્ટ્નની વાતમાં સૂર પુરાવતા કહ્યું..

"જોન્સન આપણું જહાજ જ્યાં અથડાયું છે.. એની આસપાસ પહેલા શોધ કરી લઈએ.. હું , તું અને રોકી જઈશું એમને શોધવા અને ફિડલ અહીંયા પ્રોફેસરની પાસે રહેશે... બરાબર છે ને...' કેપ્ટ્ને બધાને કહ્યું.

બધાએ સંમતિસૂચક માથું હલાવ્યું..પછી કેપ્ટ્ન , જોન્સન અને રોકી તેમના સાથીદારોને શોધવા નીકળી પડ્યા.. તેઓ હજુ થોડેક દૂર જ ગયા હશે. ત્યાં ફિડલની કારમી ચીસ સંભળાઈ.. ત્રણેય એકદમ ઉભા રહી ગયા.. તેમણે જેવું પાછળ ફરીને જોયું.. તો પાછળનું દ્રશ્ય જોઈને તેમના શરીરમાં ભયની ધ્રુજારીઓ પ્રસરી ગઈ...

********************************************

કેપ્ટ્ન અને તેમના સાથીદારોએ પાછળ શું જોયું હશે ?? જેના કારણે તેઓ ભયના માર્યા ધ્રુજી ઉઠ્યા..

પાંચ સિવાય બીજા માણસો બચ્યા હશે કે નહીં ??

પાણી મળશે કે નહીં ??

જ્યોર્જ અને પીટરનું શું થયું હશે ??

કેપ્ટ્ન તથા જ્યોર્જ અને પીટર એક ટાપુ ઉપર હશે કે અલગ-અલગ ??

બધા પ્રશ્નોનો જવાબ આગળના ભાગમાં મળશે..

********************************************

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સલાહ સૂચન અવશ્ય આપજો..