rahasymay tapu upar vasavat.. - 9 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 9

ક્લિન્ટન ફર્નાન્ડેની અજીબ તસ્વીર..
ઝરખ પ્રાણીઓની ગાડી..
ઝોમ્બો નદી ઉપર પુલનું નિર્માણ..
_________________________________

"કોણ છે..? અડધી રાતે રાજ્યાશનના શયનકક્ષમાં સૂતેલા જ્યોર્જને કોઈકે ઢંઢોળ્યો એટલે જ્યોર્જ આંખ મસળતા બોલી ઉઠ્યો. જ્યોર્જે આંખો ખોલી તો એની પથારી પાસે જ ક્રેટી ઉભી હતી

"અરે.. હું છું.. થોડોક ધીમે બોલ નહિતર પીટર જાગી જશે..' ક્રેટીએ મોંઢા ઉપર આંગળી મૂકી મલકતા ચહેરે કહ્યું.

"મારી સાથે ચાલ.' આટલું બોલીને ક્રેટીએ જ્યોર્જને એની પાછળ આવવાનો ઇસારો કર્યો.

જ્યોર્જે મનોમન વિચાર્યું અડધી રાતે આને શું કામ હશે. આખો દિવસનો થાકી ગયો છું અને રાતે પણ ચેનથી સુવા દેતી નથી. મોટુ બગાસું ખાઈ. અડધે સુધી શરીર પર ઓઢેલી ચાદરને ખસેડી તે ઉભો થયો અને ક્રેટીની પાછળ ચાલવા લાગ્યો. પાછળ ફરીને એણે પીટરની પથારી તરફ નજર કરી તો આખા દિવસનો કંટાળેલો પીટર ઊંધો પડીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.

"અરે.. ક્રેટી આમ અડધી રાત્રે મને ક્યાં લઈ જઈ રહી છે..? શયનકક્ષની બહાર નીકળતા જ જ્યોર્જ પૂછી બેઠો. અને થોડોક ઉતાવળો ચાલીને એણે ક્રેટીનો હાથ પકડી લીધો.

"જ્યોર્જ આ તમારા સાથીમિત્ર કેપ્ટ્નને જ્યારથી જોયા છે ત્યારથી હું હેરાન થઈ ગઈ છું..' ક્રેટી ચાલતા ચાલતા બોલી.

"કેપ્ટ્નને જોઈને હેરાન..! કેમ..? હું કંઈ સમજ્યો નહીં..' જ્યોર્જ નવાઈ પામીને બોલ્યો. ક્રેટી આ વાત સાંભળીને જ્યોર્જને આશ્ચર્ય થયું.

"ચાલ મારી સાથે હું તને કંઈક બતાવું.. એ જોઈને તું પણ હેરાન થઈ જઈશ..' ક્રેટીએ જ્યોર્જનો હાથ ખેંચતા બોલી.

બન્ને રાજ્યાશનમાંથી બહાર નીકળીને થોડેક સુધી ચાલતા રહ્યા. પછી એક મોટી દીવાલ પાસેના એક દરવાજામાં થઈને ક્રેટી જ્યોર્જને લઈને સામે આવેલા એક મકાનમાં પ્રવેશી.

ક્રેટીની વાત સાંભળીને જ્યોર્જના મનમાં અનેક શંકાઓ જન્મ લેવા લાગી.. એ મનોમન વિચારવા લાગ્યો કે શું હશે એવું જેથી ક્રેટી મને અડધી રાત્રે ઉઠાડીને બતાવી રહી છે.

આમ વિચારતા-વિચારતા જ્યોર્જ ક્રેટી સાથે એ મકાનમાં પ્રવેશ્યો. મકાનના દરવાજે ઉભેલા બે સૈનિકોને રાજકુમારી ક્રેટીએ તેના હાથમાં પહેરેલી વીંટી જેવી કિંમતી લીલા પથ્થરમાંથી બનેલી વસ્તુ આપી અને ચૂપ રહેવાનું કહી જ્યોર્જનો હાથ પકડીને અંદર પ્રવેશી ગઈ. ક્રેટી એની આ કિંમતી વસ્તુ સૈનિકોને શા માટે આપી એ જ્યોર્જને સમજાયું નહીં.

બહારથી જર્જરિત દેખાતું આ મકાન અંદરથી અનેક પુરાણી કલાત્મક વસ્તુઓથી શુશોભિત હતું. જ્યોર્જે પોતાના વતન સ્પેનમાં આવી વસ્તુઓ શુભટો (રાજ્યના સામંતો)ની હવેલીઓમાં જોઈ હતી. આ ટાપુ ઉપર આવી વસ્તુઓ જોઈને એનું મન વિચારોમાં પરોવાઈ ગયું અને તે ત્યાં જ ઉભો રહી ગયો.

"એય..શું વિચારી રહ્યો છે ચાલને આગળ..' જ્યોર્જને વિચારમાં ખોવાયેલો જોઈને એનો હાથ ખેંચતા ક્રેટી બોલી.

"હં..અઅઅ.. ચાલ..' ક્રેટીએ એનો હાથ ખેંચ્યો ત્યારે જ્યોર્જ વિચારોમાંથી બહાર આવતા બોલ્યો.

જેમ-જેમ જ્યોર્જ ક્રેટી સાથે આગળ વધતો ગયો એમ -એમ એને નવી-નવી વસ્તુ નજરે ચડતી ગઈ. ક્યાંક જહાજ પર વપરાતા ઓઝારો , ક્યાંક પુરાણી નાનકડી હોડીઓ , એક જગ્યાએ તો જહાજ પરનો વિશાળ કૂવાથંભ પણ એની નજરે ચડ્યો , એક ખૂણામાં ખલાસીઓ માટે વપરાતા કપડાઓ ટીંગાડેલા હતા. એ કપડાં બહુ વર્ષો પહેલાના હોય એવું જ્યોર્જને લાગ્યું. એક જગ્યાએ જુના રોમન અને સ્પેનિસ યોદ્ધાઓ જે તલવારનો ઉપયોગ કરતા હતા એ પણ એની નજરમાં આવી. પુરાણી કલાત્મક વસ્તુઓને સાચવતો આ વિશાળ ઓરડો મશાલોના પ્રકાશથી પ્રકાશમાન હતો.

ત્યાં ક્રેટી એને એક નાનકડી ઓરડી જેવા ખંડમાં લઈ ગઈ.જેવો જ્યોર્જ અંદર પ્રવેશ્યો ત્યાં સામે રહેલી એક વિશાળ તસ્વીર જોઈને જ્યોર્જની આંખો અચરજથી પહોળી થઈ ગઈ.

"અરે.. કેપ્ટ્ન હેરીની તસ્વીર અહીં ક્યાંથી..? જ્યોર્જના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા.

એ ઓરડીમાં વિશાળ લાકડા ઉપર આ તસ્વીર બનાવવામાં આવી હતી. અને સંપૂર્ણ તસ્વીર હૂબહૂ કેપ્ટ્ન હેરી જેવી જ હતી.

"અરે.. તું ફક્ત તસ્વીરજુએ છે નીચે નામ પણ લખેલુ છે એ તો વાંચ..' ક્રેટી તસ્વીરની નીચે નામ અંકિત કરેલું હતું એ તરફ ઈશારો કરીને કહ્યું.

જ્યોર્જે આગળ વધી તસ્વીરની નીચે નામ અંકિત કરેલું હતું ત્યાં જોયું..

"કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડે...' તસ્વીરની નીચે અંકિત થયેલા શબ્દો જોઈ જ્યોર્જ બોલી ઉઠ્યો.

થોડીવાર જ્યોર્જ એ તસ્વીર સામે તાકતો રહ્યો.. બસ એ તસ્વીરમાં દર્શાવેલા કપડાં સિવાયનું ક્લિન્ટન ફર્નાન્ડેનું શરીર કેપ્ટ્ન હેરી જેવું જ હતું. આ તસ્વીરમાં દેખાઈ રહેલ ક્લિન્ટન ફર્નાન્ડેની દાઢી મૂછ સહેજ નાની હતી જયારે કેપ્ટ્ન હેરીની દાઢી અને મૂછ થોડીક લાંબી હતી. બાકી આંખ , નાક , કપાળ ઉપર પડ્તો નાનકડો વળ બધું જ કેપ્ટ્ન હેરીના શરીરને મળતું આવતું હતું.

"પણક્લિન્ટન ફર્નાન્ડે છે કોણ..? અમારા કેપ્ટ્ન જેવી જ છે એની તસ્વીર..' જ્યોર્જને કંઈ ના સમજાતા તે અકળામણ અનુભવતા બોલી ઉઠ્યો.

"ચાલ બહાર બધું સમજાવું.. આ ઓરડામાં માત્ર અમારા રાજ પરિવાર સિવાય કોઈ અન્ય વ્યક્તિને પ્રવેશવાની અનુમતિ નથી.. નગરનો મુખ્ય રક્ષક હમણાં આંટો મારવા નીકળશે જોઈ જશે તો પિતાજીને કહી દેશે..' ક્રેટીએ નાનકડા ખંડમાંથી બહાર નીકળતા કહ્યું.

હવે જ્યોર્જને સમજાયું કે રાજકુમારીએ દરવાજે ઉભેલા સૈનિકોને શા માટે એની વીંટી જેવી વસ્તુ બક્ષિસમાં આપી હતી.. એ ક્લિન્ટન ફર્નાન્ડેની તસ્વીર ઉપર છેલ્લી નજર નાખીને ક્રેટી સાથે બહાર આવ્યો.

બન્ને બહાર આવ્યા. હજુ તેઓ પેલી દિવાલના દરવાજા માંથી બહાર નીકળ્યા ત્યાં તો તેમને સામેથી એક સ્ત્રી એમના તરફ આવતી દેખાઈ. એને જોઈને ક્રેટીએ જ્યોર્જને પાછળ ખેંચ્યો અને બન્ને દરવાજાની પાસે આવેલા ખૂણામાં છુપાઈને ઉભા રહ્યા.થોડીક વારમાં પેલી સ્ત્રી આ દરવાજા પાસે થઈને આગળની તરફ ઝડપથી પસાર થઈ ગઈ.

"અરે આતો મરિયમ.. પણ અડધી રાતે તે અહીંયા શું કરતી હશે..? પેલી સ્ત્રીના ગયા પછી જ્યોર્જ સામે જોઈને ક્રેટી બોલી.

"આ શું કરે છે અને ક્યાં જાય છે એની મને બધી ખબર છે પણ પહેલા મને એ બતાવ કે આ મરીયમ છે કોણ..? જ્યોર્જ ક્રેટી સામે જોઈને બોલ્યો.

"અરે એ અમારી રાજવૈદ્ય છે.. હવે તું કહે મને કે એ ક્યાં જાય છે..? અને શું કરે છે..? અને તને એની બધી ખબર કેવીરીતે પડી..? જ્યોર્જની વાત સાંભળીને ક્રેટીએ શંકાશીલ અવાજે જ્યોર્જને એકસામટા પ્રશ્નો પૂછી નાખ્યા.

"એ એના પ્રેમીને મળવા જાય છે.. મારા ઉપર શંકા ના કરતી હું એનો પ્રેમી નથી હો..' જ્યોર્જ ક્રેટી સામે જોઈ મીઠું હસતા બોલ્યો.

"મને એમ હતું કે..એણે એની પ્રેમજાળમાં ક્યાંય તને તો નથી ફસાવી દીધોને..' ક્રેટી હસતા હસતા બોલી ઉઠી..પછી જ્યોર્જ સામે જોઈને એણે આંખ મિચકારી. જ્યોર્જ શરમથી નીચું જોઈ ગયો.

"હવે આગળ બોલ એ કોને મળવા જાય છે..? થોડીક વાર થંભીને ક્રેટી આગળ બોલી. અને બન્ને દરવાજા પાછળથી રસ્તા પર આવ્યા અને રાજ્યાશન તરફ ચાલવા લાગ્યા.

"તમારા નગરના અંત ભાગમાં બહારની તરફ જવા અને આવવા માટે જે ગુફા આવેલી છે.. ત્યાં જે મુખ્ય સૈનિક છે એની સાથે મેં એને પ્રેમક્રીડા માણતા જોઈ છે..' જ્યોર્જ ચાલતા-ચાલતા બોલ્યો.

"ઓહ.. મરિયમ એક સૈનિકની સાથે..!!! જ્યોર્જની વાત સાંભળીને ક્રેટીને નવાઈ લાગી. ક્રેટીના માન્યામાં ના આવ્યું કે મરિયમ કોઈ સૈનિકને પ્રેમ કરતી હશે. કારણ કે મરિયમ તેમના નગરના પ્રતિષ્ઠિત આગેવાન અને નગર સલાહકાર બર્નીસની પત્ની હતી.

"પણ તે એને એ સૈનિક સાથે કેવીરીતે જોઈ..તું શું કરવા ગયો હતો ત્યાં..? ક્રેટી વિચારમાંથી બહાર આવીને બોલી.

"જયારે પીટરને તમારાં લોકો કેદ કરીને આ નગરમાં લઈ આવ્યા. અને હું રાત્રે પીટરની શોધ કરતા-કરતા ગુફાની પેલે પાર મશાલો સળગતી હતી ત્યાં આવી પહોંચ્યો. પછી મેં સાવચેતી પૂર્વક ગુફામાં પ્રવેશ કર્યો અને જેવો હું ગુફાની આ બાજુના છેડે બહાર નીકળ્યો ત્યારે આ મરિયમ અને એક કાળો હબસી સૈનિક એમની પ્રેમલીલામાં વ્યસ્ત હતા..' ક્રેટી સામે જોઈને જ્યોર્જ બધું એકીશ્વાસે બોલી ગયો.

"ઓહહ.. પણ એણે એક સૈનિક સાથે આવું કરવાની શું જરૂર..' ક્રેટી બોલી. અને એના અવાજમાં થોડીક નિરાશા ભળી. પછી બન્ને મૌન બનીને વિચારની દુનિયામાં ડૂબી ગયા. રાજ્યાશન આવી ગયું એમને ખબર જ ના પડી.

"ક્રેટી.. મારી વ્હાલી..' રાજ્યાશનમાં પ્રવેશીને જ્યોર્જે ક્રેટીનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.

જ્યોર્જનો આ હુંફાળો સ્પર્શ અનુભતા ક્રેટી ભાવુક અવાજે બોલી "જ્યોર્જ.. ક્યાંય સ્ત્રી પુરુષને દગો આપે.. તો ક્યાંક પુરુષ સ્ત્રીને દગો આપે.. પણ હું તને આવીરીતે દગો નહીં..' ક્રેટી પુરુ વાક્ય ના બોલી શકી અને એની આંખમાંથી દડ.. દડ.. આંસુઓ નીકળી એના રૂપાળા ગાલ પર થઈને ગાલ ઉપર આંસુઓનો રેલો બનાવતા નીચે પડવા લાગ્યા.

"અરે.. વ્હાલી આમ બીજાના કારણે તું કેમ પોતાને દોષી ઠેરવી રહી છે.. અને જે થાય છે એ માટે સ્ત્રી અને પુરુષ બન્ને જવાબદાર હોય છે.. કોઈ એકલાને દોષ આપવો યોગ્ય નથી.. એ બધું ભૂલી જા.. હજુ આપણે મહત્વની વાત કરવાની બાકી છે..' ક્રેટીના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતા જ્યોર્જ બોલ્યો.

"કઈ મહત્વની વાત..? ક્રેટી જ્યોર્જ સામે જોઈને બોલી. એની આંખો હજુ પણ આંસુઓથી ભરાયેલી હતી.

"અરે આપણે જે કામ માટે ગયા હતા એ તો હજુ પુરુ પણ નથી થયું અને આપણે આ મરિયમ અને પેલા કાળા હબસી સૈનિકની પંચાત કરવા બેસી ગયા..' જ્યોર્જ હસીને વાતાવરણ હળવું બનાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો.

"અરે હા.. તું ક્લિન્ટન ફર્નાન્ડેની તસ્વીર બાબતે પૂછવા માંગે છે ને..' ક્રેટી બે હાથે આંસુઓથી ભીના થયેલા ગાલને લૂછતાં બોલી.

"હા.. એ તસ્વીર અમારા કેપ્ટ્ન જેવી જ છે.. એની પાછળ શું રાજ છુપાયેલું છે..? રાજ્યાશનની દીવાલને અડીને આવેલી બાંકડા જેવી બેઠક ઉપર બેસતા જ્યોર્જ બોલ્યો.

"એ અમારા પૂર્વજ.. મતલબ ક્લિન્ટન દેવતાની તસ્વીર છે અને એ તસ્વીર તેમણે આ નગર વસાવ્યું ત્યારે તેમના કોઈક મિત્રએ બનાવી હતી એવું કહેવાય છે..' જ્યોર્જની બાજુમાં બેસતા ક્રેટી બોલી.

"પણ...તેઓની તસ્વીર કેપ્ટ્ન જેવી જ લાગી રહી છે એ કેવીરીતે..? મને તો કંઈ સમજાતું નથી..' જ્યોર્જ મોટુ બગાસું ખાતા બોલ્યો. આખો દિવસથી થાકેલા જ્યોર્જની આંખો હવે ઊંઘથી ઘેરાવા લાગી હતી. તેણે ક્રેટીના ખોળામાં માથું મૂકીને ત્યાં જ લંબાવી દીધું.

"મને પણ કંઈ સમજાતું નથી..કે અમારા ક્લિન્ટનદેવ અને તમારા કેપ્ટ્ન એકજેવા દેખાય એના પાછળનું કારણ શું હશે..? ક્રેટી પ્રેમથી જ્યોર્જના માથા ઉપર પોતાનો હાથ ફેરવતા ઉપર આકાશમાં રહેલા તારાઓને જોતાં બોલી.

થોડીવાર સુધી જ્યોર્જ તરફથી કંઈ પણ પ્રતિક્રિયા ના મળવાથી ક્રેટીએ જ્યોર્જના મુખ સામે જોયું તો જ્યોર્જ ઊંઘી ગયો હતો. ક્રેટીએ ઊંઘતા જ્યોર્જના કપાળ ઉપર પ્રેમથી ચુંબન કર્યું અને એ એના પ્રેમના દીવાસ્વપ્નોમાં ખોવાઈ ગઈ.

ચંદ્રની ઝાંખી ચાંદની એમના બન્નેના અડધા શરીર ઉપર પડી રહી હતી. અડધા શરીર ઉપર પાછળ ઉભેલી દીવાલનો કાળોડિબાંગ પડછાયો પડી રહ્યો હતો. ઉપર આકાશમાં દેખાતું સાત તારાઓનું જૂથ ધીમે-ધીમે દૂર ખસતું હોય એવું ભાસી રહ્યું હતું. જ્યોર્જ ક્રેટીના ખોળામાં માથું મૂકીને આરામથી ઊંઘી રહ્યો હતો અને ક્રેટી દીવાલનો ટેકો લઈને બેઠી હતી એની આંખો પણ ક્યારે મળી ગઈ એ એને પણ ખબર ના પડી.

વહેલી સવારે જ્યોર્જની આંખો ખુલી. એનું માથું હજુ પણ ક્રેટીના ખોળામાં હતું. આંખો ખુલતાની સાથે જ તેની નજર ક્રેટી તરફ ગઈ. ક્રેટી દીવાલને અડકીને બેઠી-બેઠી જ ઊંઘી ગઈ હતી એના હાથની આંગળીઓ હજુ પણ જ્યોર્જના ગાલને અડકેલી હતી. જ્યોર્જ એકદમ બેઠો થયો જેવું એનું માથું ક્રેટીના ખોળામાંથી દૂર થયું કે તરત જ ક્રેટી પણ જાગી ગઈ. જાગતાની સાથે ક્રેટીએ આંખો ચોળીને આસપાસ જોયું તો જ્યોર્જ પણ તેની બાજુમાં જ બેઠો હતો. પછી એને ભાન થયું કે રાતે તેઓ અહીંયા જ ઊંઘી ગયા હતા. પછી બન્ને એકબીજાને તરત તૈયાર થવાનું કહીને નાહવા ધોવા માટે જલ્દીથી એમના નિવાસસ્થાને ચાલ્યા ગયા.

જ્યોર્જ અને પીટર હજુ માંડ-માંડ નાહી ધોઈને તૈયાર થયા હતા ત્યાં તો ક્રેટી અને એન્જેલા તૈયાર થઈને આવી ગઈ. પછી ચારેય અલ્સ પહાડ બાજુ રવાના થયા. એમના માણસો તો સવારે વહેલા મેદાનની સાફસફાઈ કરવાં માટે નીકળી ગયા હતા.

તેઓ જયારે મેદાનમાં પહોંચ્યા ત્યારે પુરજોશમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું હતું.

કેપ્ટ્ન હેરી અને એમના સાથીદારોએ રાત્રી દરમિયાન મહત્વની કામગીરી કરી હતી. ગઈ કાલે એમણે સાફ સફાઈ કરતા લોકો પાસેથી હથિયારો લઈ લીધા હતા અને એની મદદથી એમણે રાત દરમિયાન જ લાકડાના મજબૂર અને ગોળ પૈડાં બનાવ્યા અને એ પૈડાની મદદથી એમણે ગાડી બનાવી પછી વહેલી સવારે તેમણે આદિવાસીઓની મદદથી બે તગડા ઝરખ પ્રાણીઓ પકડી લાવ્યા અને એમને પૈડાં વાળી ગાડી સાથે જોડી દીધા. એમના નાકમાં છિદ્રો પાડીને એમાં રસ્સી પરોવી દીધી જેની મદદથી ઝરખ પ્રાણીઓને કબજામાં રાખી શકાય.

પછી અલ્સ પહાડની ટેકરીઓથી લઈને ઝોમ્બો નદીના કિનારા સુધી રસ્તો બનાવવામાં આવ્યો. અને પછી ઝરખ પ્રાણીઓવાળી ગાડીમાં અલ્સ પહાડની તળેટીમાંથી પથ્થરો ભરીને જ્યાં નદી ઉપર પુલ બનાવવાનો હતો ત્યાં સુધી પથ્થરો લાવવામાં આવ્યા.

ક્રેટી અને એન્જેલાએ તો કેપ્ટ્ન અને એમના સાથીદારોની આવી અદ્ભૂત કલા કારીગરી જોઈને મોમાં આંગળા નાખી દીધા.

ફિડલ અને રોકી બીજા આદિવાસી કામદારો સાથે જઈને જંગલમાં આવેલા સો મીટર કરતા મોટા વૃક્ષો હતા એમને કાપીને લાવવા માંડ્યા. વીસ ત્રીસ હટ્ટા કટ્ટા માણસો માંડ માંડ એક સો મીટર જેટલા લાંબા વૃક્ષનો ભાગ ઉપાડીને લાવી રહ્યા હતા.

જ્યાંથી નદી જંગલમાં પ્રવેશતી હતી ત્યાં એનું વહેણ દોઢસો મીટર જેટલું લાબું અને પચ્ચીસેક મીટર જેટલું ઊંડું હતું. જો પુલ બનાવવો હોય તો પચાસ મીટર જેટલું નદીનું વહેણ પથ્થરો વડે પુરી દેવું પડે.

ધીમે-ધીમે પથ્થરો ઝરખની ગાડીની મદદથી લાવવા માંડ્યા અને નદીના વહેણમાં એ પથ્થરો નાખવા માંડ્યા.
આ કામ પુરુ કરવામાં લગભગ અડધો દિવસ પૂરો થઈ ગયો.
બિચારા ઝરખ પ્રાણીઓ પણ સવારથી પથ્થરો ખેંચી ખેંચીને થાકી ગયા હતા. એમને એક મોટા વૃક્ષના છાયામાં બાંધવામાં આવ્યા અને ફિડલ એમના માટે એક મોટા પ્રાણીનો શિકાર કરી લાવ્યો પછી એ બન્ને પ્રાણીઓને શિકાર કરેલુ પ્રાણી ખોરાક તરીકે આપવામાં આવ્યું.

ત્યારબાદ કેપ્ટ્ને એમના સાથીદારો તથા આદિવાસી લોકોની મદદથી સો મીટર કરતા વધારે લંબાઈ વાળા વૃક્ષોના લાકડાઓ નદી કિનારાના બન્ને છેડે મુકવામાં આવ્યા. અને તેમને એકબીજા સાથે મજબૂત રસ્સીની મદદથી બાંધવામાં આવ્યા. સાંજ સુધીમાં એમણે એક મજબૂત પુલ તૈયાર કરી નાખ્યો. એ લાકડાના પુલ ઉપર થઈને હવે તેઓ સરળતાથી એક મેદાનમાંથી બીજા મેદાનમાં જઈ શકતા હતા.

ઝોમ્બો નદી ઉપર પુલ બનાવવાનું મુખ્ય કાર્ય કેપ્ટ્ને પોતાની બુદ્ધિ ક્ષમતાની મદદથી પાર પાડ્યું હતું. હવે બસ નગરનું નિર્માણ કરવાનું બાકી હતું..

(ક્રમશ..)