Premma plus minus books and stories free download online pdf in Gujarati

પ્રેમમાં પ્લસ-માઇન્સ

' પ્રેમમાં પ્લસ➖માઇન્સ '
💓💔💓💔💓💔

પુરી કલાસરૂમ ખાલી થઈ ગઈ હતી .
ઉદાસીનું આવરણ ઓઢીને બેઠેલો રજત પોતાની બેંચ ઉપરથી પરાણે ઉભો થયો . ત્યાં એની નજર ડેસ્ક પર પડી , જ્યાં કોઈ પોતાની નોટબુક ભૂલી ગયુ હતુ .

નોટબૂકના પેજ આમથી તેમ કરતા જોયું ... ' નામ વગરની નોટબુક ?? ,
નોટબૂકના છેલ્લા પાને અમુક શબ્દો નજર પડ્યા ..

રજત વિચારવા લાગ્યો .. ' જેની પણ હોય હમણાં તો લઈ જ લઉ... ,

કોલેજનો પૂરો સ્ટાફ , પટ્ટાવાળા બધા જ ઘેર જવાની ઉતાવળમાં હતા .
પરંતુ રજત માટે તો ઘર એટલે કેદખાનું , ઘેર જઈને વાતો કરવા વાળું કોણ ? , એના માટે તો ઘર એટલે ચાર દિવારોથી બનેલો ખાલી માળો... ,
કોઈ સાથે સંવાદ જ ન હોય ત્યાં વાદ વિવાદ નું શુ કામ !!? ' ,
માઁ ના મમતા ભર્યા આંચલની અને પીઠ પર પિતાના હાથની જરૂર હતી ,
કોઈનો પાલવ પકડી એની પાછળ દોડવુ હતું . ,સ્કૂલેથી આવે ત્યારે પોતાના બે હાથોથી હગ કરી ચુમ્મીઓથી નવરાવી દે એટલુ વ્હાલ જોઈતું હતું . , રવિવારની રજાના દિવસે બગીચાઓમાં ફરવા જવું હતું .,
વ્હાલપ મેળવવા ઝંખતું બાળપણ તો એની જિંદગીમાંથી ક્યારનું ટાટા બાય-બાય કરી ગયું ,

ઘરમાં જાહોજલાલી તો ચારે તરફ ડોકાતી હતી . પરંતુ એને બાથમાં લઈને પ્રેમ કઈ રીતે થાય ...!! '

ઘેર પહોંચી ફરી એ નોટબૂકના પાના ઉથલાવ્યા..
એક પાના પર નજર પડતા જ હાથ રોકી લીધો , સાવ નાના અક્ષરોથી મોબાઈલ નંબર લખેલો હતો ....
રજતે એ નંબર પર ફોન લગાડ્યો ...

' ફોન રિસીવ કરતા જ સામેનું પાત્ર ખડખડાટ હસવા લાગ્યું ...હસ્તા હસ્તા જ બોલવા લાગી ' મને ખબર હતી જ કે તું ફોન જરૂર કરીશ ...

' તમે કોણ ? '

રે ' વા દે તુ નહીં ઓળખે પણ હુ તો તને રોજ જોવ છું . , અને તને મનથી પ્રેમ કરી બેઠી છું ,
હંમેશા રહેતો તારો ઉદાસ ચહેરો , અને કોલેજના ફંકશનમાં ગવાતા તારા દુઃખી ગીતો મારુ મન ખુશ કરી દે છે ... ' YOU KNOW , I LOVE MUSIC... '

' રજત વચ્ચેથી વાતને અટકાવતા બોલ્યો બસ, બસ એક મિનિટ તમારી ઓળખાણ તો આપો . '

પેલી વાત તો એ જ કે તું મને તમે નહીં , પણ તું કહીશ તો મને વધારે ગમશે .
બાકી મારો પરિચય આપું તો...હું રિચા , તારી જ કલાસમાં છુ ,
મારા માતા-પિતાનું એક માત્ર સંતાન છુ ...

' તને મારુ વર્તન બહુ છીછરું લાગ્યું હશે નહીં ? 'પણ શું કરું ? કલાસમાં તો તું સામે જોતો પણ નથી ,
અંતે હુ મારી લાગણીઓને રોકી ન શકી . , કાલે રુબરુ મળીશ જ એવી આશા સાથે ફોન મુકું છુ , બાય...
તને ખરાબ લાગ્યું હોયતો સોરી ..

એક મિનિટ મારી વાત તો... રજત હજુ બોલે એ પેલા તો ફોન કાપી દીધો .
રજતે ફટાફટ એ નંબર કોન્ટેક્ટમાં એડ કરી દીધો ... પ્રોફાઈલ ફોટો જોતા લાગ્યું આ તો પોતાના કલાસની જ છે . .... હા , એટલું ચોક્કસ હતું કે એ છોકરીઓ સામે ખાસ નજર કરતો જ નહીં .

વીતી ગયેલી રાતો કરતા આજની રાત રજત માટે કૈક અલગ જ હતી ,
ક્યાંક કશુંક ખૂટતું હતુ. ,ત્યાં હળવા ડગલાં ભરતુ ધીરેથી કોઈ ટકોર કરી રહ્યું હતું ,... ' એનું હાસ્ય વારંવાર મનને બેચેન કરી રહ્યું હતું . ' બીજા દિવસની સવાર ક્યારે પડશે એની રાહમાં જાગૃત અવસ્થામા સૂતો રહ્યો ...
સવાર પડતા જ તૈયાર થઈ પોતાની જાતને અરીસા સામે ઉભી કરી દીધી પોતાની જ આંખોથી પોતાને ભરપૂર નીરખી રહ્યો હતો .
' અને એ જોશે ત્યારે...? ,
વિચાર આવતા જ રજતનું શરીર કંપી ઉઠ્યું .. ,

કોલેજ પહોંચતા જ જલ્દીથી કલાસમાં પહોંચી ગયો ... ક્લાસ પૂરો ભરાય ગયો હતો .
પોતાના મિત્રની બાજુમાં જઇ બેસી તો ગયો પરંતુ એની નજર ચારે તરફ કોઈને શોધી રહી હતી .
પુરી કલાસમાં નજર ફરી વળી પણ એ ક્યાંય દેખાય નહિ ... ,
એક છોકરીની પાછળ એક છુપાયેલો ચહેરો હતો . ,... ' કોણ હશે ઇ , ? જોયા વગર તો કેમ ખબર પડે ... ,

કલાસમાં સર આવતા જ ચારે તરફનો કોલાહલ શાંત બની બેસી ગયો .,

પરંતુ રજતના મનમાં જે કોલાહલ મચી રહ્યો તો એનું શું ? ' ...
અચાનક એને એવું લાગ્યું કે કોઈ એને જોઈ રહ્યું છે .... પોતાની આંખોને ધીરેથી એ તરફ ફેરવતા જ કોઈ આંખો એને નીરખી રહી હતી .
ચાર આંખો મળતા જ બંનેના ચહેરા પર સ્મિત રેલાય ગયું . , આંખોની ભાષાથી મૌન શબ્દોની આપલે ચાલતી રહી .. , આંખો વચ્ચે ગજબનું યુદ્ધ છેડાયું હતું ...

એ પછી તો રજત માટે એકાંતનો અંધકાર ક્યાંય ગાયબ થઇ ગયો .
રિચાના પ્રેમમાં તરબોળ બની ન્હાવા લાગ્યો ..કોલેજની કેન્ટીન , પિકચર હોલ , બગીચા.. કોઈ પણ એવી જગ્યા બાકી ના રહી જ્યાં આ લવબર્ડ્સ પહોંચ્યા ન હોય .

ઘણા ઓછા સમયમાં બંને એકબીજાને ઘણું જાણી ચુક્યા હતા .

એકદિવસ રિચા બોલી ' રજત આજનું ડિનર તારે અમારી સાથે લેવાનું છે , ... ' મારા મમ્મી-પપ્પા બંનેનો ઓર્ડર છે . ,

રજત વાત સાંભળતા જ ચોકયો ' અરે પણ એ લોકોને આપણા પ્રેમની ખબર છે ... ? ,

' હાસ્તો વળી , એમાં નવાઈ શેની ? '

' અરે પણ હું એમ કેમ આવું ? ના, ના એમ મને સંકોચ થાય ,

અરે પણ એકવાર તો આવ એ લોકો પણ એના થનાર જમાઈને જોવા પાગલ બન્યા છે .
તું કહે તો... હું તો તારા ઘરે પણ આવવા તૈયાર છું ..

સાંજ થતા જ રજત તૈયાર તો થયો પરંતુ એના મનમાં અનેક વિચારો ગડમથલ કરી રહ્યા હતા ...
એ લોકોનો વ્યવહાર કેવો હશે ? ,
મારી સાથે વાત કરશે કે નહીં ? ,
કદાચ હું એમની પસંદમાં ખરો ના ઉતરું તો ...!!!

અંતે પહોંચી તો ગયો અને એ સમયે રિચાની મમ્મી દોડીને આવી અને હાથ ખેંચીને અંદર લઇ જતા જોરથી બોલી .... ' જલ્દી જુવો કોણ આવ્યું છે ... ? મારો દીકરો આવી ગયો છે .

રિચા બહાર આવતા તુરંત બોલી
' અરે વાહ , રજતના આવતા જ દીકરીને ભૂલી ગઈ કે શું ...

રિચાની માઁ હસ્તા હસ્તા બોલી
' હા , હો... હવે થોડીવાર મને અને પપ્પાને ગપસપ કરવા દે જે તું રસોડામાં જા... ,

રજતનો ચહેરો જોતા જ રિચા સમજી ગઈ... એ થોડો મુંજાયેલો લાગ્યો . આટલો ઉમળકાભર્યો વ્યવહાર જોઈને ગભરાઇ ગયો હશે .
રજતે પોતાના મમ્મી-પપ્પાની વાત રિચાથી શેયર કરી જ હતી .
ખેર ,પછી તો એ પણ આ વાતાવરણમાં સેટ થઈ જશે ...

ચારેય જણા વાતોમાં એવા ડૂબ્યા કે કલાક ઉપર થઇ ગયું એ પછી ડિનર માટે ટેબલ પર જઇ પહોંચ્યા . ,

જમતા જમતા રિચાના પપ્પા બોલ્યા
' રજત જમવાનું ભાવે એવું બન્યુ છે કે નહીં ? ' તારી રિચાએ બનાવ્યું છે , હવે એ અમારી મટી ને તારી થઈ જશે બોલતા બોલતા જ એમની આંખો ભીની થઇ ગઇ . ' બીજી એક ખાસ વાતનો ખુલાસો કરું ? '
આમતો આ વાત મારે પેલા જ કરવી જોઈતી હતી ...
રિચાને અમે અનાથાશ્રમથી દત્તક લીધેલી છે . રિચાની મમ્મીને અમુક પ્રોબ્લેમ હોવાથી અમારું પોતાનું સંતાન શક્ય ન્હોતું . આ વાત જો તને અયોગ્ય લાગે તો...

આ શબ્દ સાંભળતા જ રજત વચ્ચેથી જ બોલી પડ્યો .. ' અરે કેવી વાત કરો છો ? અયોગ્ય શેના માટે , તમારો તો પ્રેમ જ અદભુત છે . બાકીતો આજકાલ લોકો પોતાના સંતાનોને પણ પ્રેમથી વંચિત રાખે છે . ,..
બસ મારો એક વિચાર છે જો તમને વાંધો ન હોયતો ....

હા , બોલને ...

હુ લગ્ન સાદાઈથી કરવા માગું છુ સિવિલ મેરેજ થાય તો એનાથી વધુ સરસ કંઈ નહીં ...

રિચાના મમ્મી-પપ્પા બંનેએ સંમતિ દર્શાવી ...

રજતે બીજા દિવસે રિચાને પોતાના ઘેર બોલાવી ...રવિવાર હતો એટલે મમ્મી-પપ્પા સાથે કદાચ કંઈ વાત થઈ શકે ...

રજતે આપેલા સમયે રિચા પહોંચી ગઈ . ડ્રોઈંગરૂમમાં રજત પોતાના મોબાઈલ સાથે બીઝી દેખાયો ...
પુરા ઘરમાં નિરવ શાંતી છવાયેલી હતી . ન કોઈ શૉર ન સૂર.... ,
આગળના રૂમમાંથી એના પિતાનો રૂમ દેખાય રહ્યો હતો .. એ એમના લેપટોપમાં બીઝી દેખાયા ..

રિચાને જોતા જ રજત બોલ્યો ઓહઃહઃ હાય... પ્લીઝ વેલકમ ,...'
બેસ બેસ...
અરે તું મારી સાથે આટલો ફોર્મલ ન થા .. હું તો બેસી જ જઈશ અને એ પણ તારી બાજુમાં જ ....
ક્યાં છે તારી મમ્મી ???

એ રોટરીક્લબની મિટિંગમાં ગઈ છે અને સંદેશો આપતી ગઈ છે .
' મારા ખૂબ ખૂબ આર્શીવાદ આપજે રિચાને , હું મળી નહીં સકુ .. એનો અફસોસ છે . અને હા તમે બંને મળી લગ્નની તારીખ નક્કી કરી જ લેજો . એમ પણ સિવિલ મેરેજ છે . એટલે ખાસ કોઈ લોકોની જરૂર પણ નથી .

વાત ચાલુ જ હતી ત્યાં રૂમમાંથી પપ્પા બહાર આવ્યા ...
' અને રિચાની સામે જોતા જ બોલ્યા ,
ઓહઃહઃ નાઇસ ચોઇસ , ' વેલડન માય સન '
તમે બંને આરામથી બેસો , વાતો કરો હું મારું થોડું કામ પતાવીને આવું .... અને બોલતા બોલતા બહાર નીકળી ગયા....

ડ્રોઈંગરૂમમાં બંને વચ્ચે ક્યાંય સુધી મૌન છવાયેલું રહ્યું ...મૌનને તોડતા નિરાશ ચહેરે રજત બોલ્યો ' રિચા કેવું રહ્યું આ દસ મિનિટનું દ્રશ્ય...?
મેં તો પુરી જિંદગી આવી જ રીતે કાઢી છે ... રિચા રજતનો હાથ પકડતા બોલી ... અરે કંઈ વાંધો નહી ... તું મનમાં ના લઈશ...

🍁🍁🍁🍁🍁
કોર્ટની આપેલી તારીખના હિસાબે લગ્ન થઈ ગયા . રજતે પહેલાંથી જ એક નવું ઘર લઈ લીધુ હતુ . લગ્ન પછી ત્યાં જ શિફ્ટ થઈ ગયા ...

હસ્તા ખેલતા જિંદગીની રફતાર શરૂ થઈ ગઈ બે નાના બાળકો...
રજતે પોતાના બાળકોને બેસુમાર પ્યાર આપ્યો જેનાથી એનું બાળપણ વંચિત હતું...
ઘણીવાર માતાપિતાના ચહેરા યાદ આવતા એની આંખોમાં આસું આવી જતા ...

સમયની સરવાણી સમયાંતરે ચાલતી રહી . એકદિવસ ચા પીતા પીતા રિચા બોલી ' રજત તને એક વાત કહું , અને તારો જવાબ ' હા ' હશે એવી આશા રાખું છું .
' આપણે એકવાર મમ્મી-પપ્પા પાસે જઈ આવીએ... એ લોકોની તબિયત પણ ઉંમરના હિસાબે ઘણી નાજુક રહતી હશે . , ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હશે . ફક્ત એકવાર હાલચાલ પૂછીને આવી જઈશું .

તને મારા જવાબની ખબર જ હશે . , તું ફાલતુ ત્યાં જવાની જીદ કરે છે . એ લોકોએ મારો પણ પ્રેમથી સ્વીકાર નથી કર્યો . ત્યાં આ બાળકોને લઈને ...એમનું પણ અપમાન....,

રિચા વાતને અટકાવતા બોલી , કંઈ નહીં એ લોકોનો સ્વભાવ પેલેથી એવો જ છે . એ લોકો પ્રેમ , લાગણી એવી કોઈ ભાષા સમજ્યા જ નથી , જિંદગી છે પ્રેમમાં પ્લસ- માઇન્સ તો ચાલ્યા કરે ... આજે આપણે એક કામ કરીએ ?? રવિવાર છે એટલે થોડી શોપિંગ , એ પછી બહાર લંચ ... અને છેલ્લે થોડીવાર મમ્મી-પપ્પા આગળ ...
🍁 🍁
રજતના મમ્મી-પપ્પાની શારીરિક અવસ્થા ઘણી લથડી ગઈ હતી .
એકદમ ટટ્ટાર અને અકડ વાળી માનસિકતા સાથે જિંદગી જીવી હતી એમાં હવે પરવશતા આવી ગઈ હતી . કામ કરવા વાળા પણ ખાસ ટકતા નહીં...એકબીજાના સહારે જિંદગીનું ગાડુ ચાલી રહ્યું હતું .
ખાવું-પીવુ , દવા-દારૂ બધુ કરવુ આ ઉંમરે અસહ્ય થતું હતું ...
જિંદગીની જંજાળમાં પ્રતિષ્ઠાને પામવામાં જિંદગીનું જીવવા લાયક સાચું સ્વરૂપ હતું . એ તો હાથતાળી દઈને નીકળી ગયું હતું .
પોતાના પોત્રોને જોવા અત્યંત વ્યાકુળ હતા . પરંતુ હવે બધુ વ્યર્થ હતું . પોતાના જ આંગણે ઉછરેલા છોડની સારસંભાળ લીધી નહીં . પ્રેમપૂર્વક જતન કર્યું હોતતો આજે એ લીલુંછમ વૃક્ષ બની ઘરના આંગણામાં જ મહેકતું હોત...
ઉધરસ ખાતા ખાતા રજતના પિતાએ દવા લેવા હાથ લાંબો કર્યો પરંતુ અશક્તિ ના કારણે હાથ લંબાયો નહીં ..... ' દવાની એ નાનકડી શીશી કોઈ કોમળ હાથ વડે એમના ધ્રુજતા હાથમાં આપી રહ્યું હતું ...
હાથનો સ્પર્શ થતા જ ઝીણી આંખોથી નિરખતા બોલ્યા ... ' કોણ છે ? '
પોતાની સામે બાળકને જોતા જ આશ્ચર્યમાં પડી ગયા ...
અશક્ત બનેલા શરીરમાં જાણે જાન આવી ગઈ ... એકદમથી બેઠા થઈ ગયા .... રજત પોતાના પુરા પરિવાર સાથે સામે ઉભો હતો . , પુરા રુમમાં ફરી એવી જ શાન્તિ હતી . પરંતુ આજની શાંતિમાં રોકાયેલું રુદન પાણીના પુરની જેમ વહી રહ્યું હતું . ડુસ્કાની અવાજ એકાંતમાં શોર મચાવી રહી હતી .....
:- મનિષા હાથી