Pratishodh - 1 - 14 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 14

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:14

મે 2002, અબુના, કેરળ

"મારે અહીં આ સેન્ટ લુઈસ ચર્ચમાં આવે ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો. આ પહેલાં હું આ ચર્ચની કોચી ખાતે આવેલી મુખ્ય શાખામાં સહાયક પ્રિસ્ટ તરીકે કાર્યરત હતો. અબુના અને અબુનાની નજીક આવેલાં સાત અન્ય ગામો વચ્ચે આ એકમાત્ર ચર્ચ છે."

ફાધર પોલે પોતાની વાત કહેવાની શરૂ કરી, જેને શંકરનાથ પંડિત અને નવ વર્ષનો એમનો પૌત્ર સૂર્યા ધ્યાન દઈને સાંભળી રહ્યાં હતાં. ફાધર પોલ કઈ હિંસાની વાત કરી રહ્યાં હતાં જેનાં લીધે અત્યારે ઈશ્વર દ્વારા નિર્મિત દસ વિપદાઓનો સામનો અબુનાવાસીઓએ કરવો પડી રહ્યો હતો; એ જાણવાની આતુરતા દાદા-પૌત્રનાં મુખ પર સાફ વર્તાતી હતી

"મારાં પહેલાં આ ચર્ચમાં ફાધર જુલિયન સેવા આપતાં હતાં, મને ફાધર જુલિયન જોડેથી આજથી સાત વર્ષ પહેલાં અબુનામાં થયેલાં રક્તપાત વિશે સાંભળવા મળ્યું."

"સાત વર્ષ પહેલાં અબુનામાં હિંદુઓની વસ્તી પ્રમાણમાં સારી એવી હતી; આજે જે હિંદુ લોકોનાં પાંચ-છ ઘર અબુનામાં છે એનાં સ્થાને સિત્તેર-એંશી ઘર હતાં. ગામમાં હિંદુ અને ખ્રિસ્તી બંને ધર્મનાં લોકો ભાઈચારા સાથે રહેતાં."

"હું તમને ખોટું નહીં કહું પણ પૂરાં વિશ્વમાં કેટલાંય કેથેલીક સંપ્રદાયો એવાં છે જે મોટાં પ્રમાણમાં ધર્માંતરણ કરતાં હોય છે. હિંદુઓમાં જાતિઓને લઈને જે ઊંચ-નીચ જોવાં મળે છે એ વાતનો ફાયદો ઉઠાવી આ સંપ્રદાયમાં કામ કરતાં લોકો એ લોકોને ધર્માંતરણ કરવા પ્રેરે છે. આ માટે એ લોકો પૈસા, માન-સમ્માન, બાળકોને શિક્ષણ, ભોજન વગેરે વસ્તુઓ થકી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા સમજાવે છે..અને સૌથી દુઃખદ બાબત એ છે કે એ લોકો આમ કરવામાં સફળ પણ રહે છે."

"આજથી આઠ વર્ષ પહેલાં એન્જલ ઓફ ગોડ નામક એક આવી જ કેથેલીક સંસ્થાનાં સભ્યો અબુના આવ્યાં હતાં, એમને અહીનાં હિંદુઓને ફોસલાવી, લલચાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની યોજના બનાવી હતી. જેને અબુનાનાં ખ્રિસ્તી લોકોએ જ નેસ્તાનાબૂદ કરી દીધી. આ ગામમાં વસતાં ખ્રિસ્તીઓ અને હિંદુઓ વચ્ચેની એકતા જોઈને ધર્મનાં નામે ઝેર ફેલાવતાં એ લોકો હચમચી ગયાં."

"એ લોકોએ નક્કી કરી લીધું કે ગમે તે ભોગે અબુનામાં વસતાં હિંદુઓ અને ખ્રિસ્તીઓની એકતા તોડવી. આ માટે એમને એક ખ્રિસ્તી યુવતી મારીયા અને હિંદુ યુવક વિજયની હત્યા કરીને એમની લાશને ક્યાંક ગાયબ કરી દીધી. મારીયા અને વિજય વચ્ચે નિર્દોષ મિત્રતાનો લાભ ઉઠાવી એન્જલ ઓફ ગોડ નામક સંસ્થાનાં અભ્યોએ અબુનામાં એવી અફવા ઉડાવી કે એ બંને ચોરીછૂપીથી લગ્ન કરીને ક્યાંક ભાગી ગયાં છે."

"એ લોકોની યોજના સફળ રહી અને અબુનામાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળ્યું. આ રમખાણમાં ચાલીસ હિંદુઓ અને પંદર ખ્રિસ્તીઓ માર્યા ગયાં. આ ઘટના પછી અબુનાનાં હિંદુઓ ખૂબ જ ડરીને રહેવાં લાગ્યાં હતાં. આ વાતનો ફાયદો ઉઠાવી એન્જલ ઓફ ગોડ નામક સંસ્થાનાં સભ્યોએ એ લોકોને ખ્રિસ્તી બની જવા માટે પ્રેરવાનું શરૂ કર્યું."

"શરૂઆતમાં તો હિંદુઓ ધર્માંતરણ કરવા માટે તૈયાર ના થાય, પણ વારંવાર થતાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેનાં ઝઘડાઓમાં પોતાનાં પક્ષે થતી જાન-માલની ખુવારીથી ત્રાસીને એ લોકો નાછૂટકે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા તૈયાર થઈ ગયાં. આ પ્રક્રિયા ધીમી પણ મક્કમ ગતિએ ચાલતી રહી અને આજનાં દિવસ સુધીમાં માત્ર પાંચ-છ હિંદુ પરિવારને છોડીને બાકીનાં બધાં હિંદુ પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો."

"આખી ઘટનાથી વાકેફ ફાધર જુલિયને એન્જલ ઓફ ગોડ સંસ્થા વિરુદ્ધ યુરોપમાં આવેલ કેથેલીક ધર્મની મોટી-મોટી સંસ્થાઓમાં ફરિયાદ કરી. એમની આ ફરિયાદોનાં પરિણામે એમને રોમાનિયા પાછા બોલાવી લેવામાં આવ્યાં. રોમાનિયા ગયાંનાં બીજાં મહિને એમની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી. એમની મૃત્યુ પાછળ કટ્ટર કેથેલીક સંસ્થાઓ જવાબદાર છે એ બધાં જાણતાં હતાં છતાં પુરાવાના અભાવે કોઈ કંઈ ના કરી શક્યું."

"મને લાગે છે એ ધર્માંતરણ માટે જે હિંસા આચરવામાં આવી હતી એનાં લીધે જીસસ ક્રાઈસ્ટ ક્રોધે ભરાયાં અને એમને આ ગામમાં વસતાં લોકોને આ વિપદાઓ આપી.!"

ફાધર પોલે પોતાની વાત પૂરી કરી એ સાથે જ સૂર્યાએ કહ્યું.

"તો પછી ક્યારેય મારિયા કે વિજયની સાથે હકીકતમાં શું થયું એ વિશે કોઈને ખબર ના પડી.?"

"સાવ એવું પણ નથી કે આ વિશે કોઈ નથી જાણતું, ગામમાં ઘણાં લોકો છે જેમને ખબર છે કે આખરે એ બંને સાથે શું બન્યું હતું." ફાધર પોલે સૂર્યાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. "પણ, હવે એ સત્ય બહાર લાવીને શું ફાયદો, જ્યારે એ બંનેની હત્યા કરવા પાછળનો ઉદ્દેશ પૂર્ણ થઈ ચૂક્યો છે."

"મેં આ પ્રકારનાં ધર્માંતરણ વિશે સાંભળ્યું હતું..પણ, આટલી હદે આ બધું થતું હશે એ સાંભળીને મને અચરજ થઈ રહ્યું છે.!" શંકરનાથ પંડિતે આશ્ચર્યાઘાત સાથે કહ્યું.

"કેરળનાં ઘણાં પછાત વિસ્તારમાં આવું ધર્માંતરણ વ્યાપક હદે ચાલુ છે જેની સામે કેરળની સરકાર આંખ આડા કાન કરે છે.! હું પણ આવી કટ્ટર માનસિકતાનો વિરોધી છું પણ મારાં એકલાંથી આને અટકાવી શકાય એમ નથી. કેમકે, જે લોકો આની પાછળ છે એમનું વૈશ્વિક કદ ખૂબ જ મોટું છે." ફાધર પોલના અવાજમાં ક્રોધ અને ગ્લાનિ સપ્રમાણ ભળેલાં હતાં.

"તમારાં કહ્યાં મુજબ અબુનામાં આ બધું સાત વર્ષ પહેલાં શરૂ થયું હતું તો પછી જીસસનાં ક્રોધનો ભોગ અબુના વાસીઓએ હવે કેમ બનવું પડ્યું.?" શંકરનાથ પંડિતે મગજ પર જોર આપતાં કહ્યું.

"એ વાત તો મારી પણ સમજની બહાર છે કે જીસસ ક્રાઈસ્ટ આ ગામનાં લોકો પર આટલાં વર્ષો બાદ કેમ કોપાયમાન થયાં છે!" ફાધર પોલ અસમંજસ ભાવે બોલ્યાં.

"વાંધો નહીં, હું કોઈપણ ભોગે આ પાછળનું નક્કર કારણ શોધીને જ રહીશ કે આખરે વર્તમાન સમયમાં એવું તે શું બન્યું છે અથવા તો શું બનવાનું છે જેનાં લીધે ટેન પ્લેગ ઓફ ઈજીપ્તનો શ્રાપ હવે અબુનાનાં લોકોને ભોગવવો પડી રહ્યો છે.!" મક્કમ સ્વરે આટલું કહી પંડિતે ફાધર પોલનો આભાર માન્યો અને ચર્ચમાંથી નીકળી હેનરી વિલિયમ્સનાં ઘર તરફ અગ્રેસર થયાં.

***********

ચર્ચથી નીકળીને જ્યારે શંકરનાથ પંડિત અને સૂર્યા અબુના તરફ જતાં કાચા રસ્તે આગળ વધી રહયાં હતાં ત્યારે ગામને જોડતાં ડામરનાં રોડની જમણી તરફ આવેલાં પાંચ-છ મકાનો પર એમની નજર પડી.

ગામનાં મુખ્ય વિસ્તારથી દૂર આવેલાં આ મકાનો નક્કી ગામનાં એ પાંચ-છ હિંદુ પરિવારનાં હોવાં જોઈએ જેમને હજુ કટ્ટર કેથેલીક સંસ્થાઓ સામે શીશ નથી ઝુકાવ્યું, એમ વિચારી શંકરનાથ પંડિત ખેતરોની મધ્યમાં આવેલાં એ મકાનો તરફ અગ્રેસર થયાં.

પાંચેક મિનિટમાં તો શંકરનાથ પંડિત અને સૂર્યા એ મકાનોની આગળ આવી પહોંચ્યાં. એમને જોતાં જ એક પચાસ-પંચાવન વર્ષનો પાતળા બાંધાનો, માથે ટાલ ધરાવતો વ્યક્તિ એમની નજીક આવ્યાં.

"બોલો મહોદય, કોનું કામ છે.?" એ વ્યક્તિએ પંડિતને ઉદ્દેશીને કહ્યું.

જવાબમાં શંકરનાથ પંડિતે પોતાની સાચી ઓળખ આપી અને પોતાનાં અહીં આગમનનું કારણ જણાવ્યું. એ વ્યક્તિએ પોતાનું નામ કેશવ જણાવ્યું અને શંકરનાથ પંડિત અને સૂર્યાને પોતાનાં મકાન સામે ખાટલો ઢાળી બેસવા આગ્રહ કર્યો. ગામમાં આવી પડેલી આ ભયાનક વિપદાઓથી પોતે પણ પરેશાન છે એવું કેશવે શંકરનાથ પંડિતને જણાવ્યું. ત્યાં સુધીમાં બે સ્ત્રીઓ, બે પુરુષો અને એક વૃદ્ધ મહિલા એમની જોડે આવીને બેસી ગયાં હતાં.

શંકરનાથ પંડિતે આ વિપદાઓ પાછળનું કારણ એ બધાંને જણાવી દીધું. સાથે અબુનામાં થયેલાં ધર્માંતરણ વિશે પણ પોતાને ખબર છે એ વાત પણ પંડિતે એ લોકોને જણાવી.

"જોવો, મને તમારાં બધાં પ્રત્યે લાગણી પણ છે અને સમ્માન પણ. તમારાં અન્ય લોકોનાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યાં પછી પણ તમે પોતાનો મૂળ ધર્મ ના છોડ્યો એ સરાહનીય બાબત છે." પ્રશંસાનાં સુરમાં શંકરનાથ પંડિતે કહ્યું.

"જ્યારે આ ધર્માંતરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે દર મહિને અમારાં એકાદ-બે પરિવાર ખ્રિસ્તી ધર્મ અપનાવી લેતાં, અને અમે એમને આમ કરતાં રોકી પણ ના શકતાં." વિલાં મોંઢે કેશવે કહ્યું. "ધીમે-ધીમે અમારાં આ છ પરિવારો સિવાય બધાં લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો."

"તમે લોકો ખૂબ હિંમતવાન છો.!" પંડિતે વખાણ કરતાં કહ્યું.

"હિંમતવાળાએ ખરાં અને બાળબચ્ચાંની ચિંતા કરવાવાળા પણ ખરાં." વૃદ્ધ મહિલાએ પોતાની વાત રાખતાં કહ્યું. "ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો અર્થ હતો, જાણીજોઈને પોતાની ઉંમરલાયક યુવતીઓને એ હેવાનોનાં હવાલે કરવી."

એ વૃદ્ધ મહિલાની આ વાત સાંભળી શંકરનાથ પંડિતે આશ્ચર્ય સાથે એમની તરફ જોતાં પૂછ્યું.

"માજી, તમે કયાં હેવાનોની વાત કરી રહ્યાં છો?"

"ઈલુ..માનિટી!" મહાપરાણે વૃદ્ધ મહિલાએ કહ્યું. "એ ખ્રિસ્તી બનેલાં હિંદુઓની યુવાન છોકરીઓની બલી ચડાવે છે. દર વર્ષે ક્રિસમસનાં બરાબર છ મહિના પછી એ લોકો ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલાં હિંદુઓની યુવાન છોકરીઓની બલી આપે છે!"

એ વૃદ્ધ મહિલાએ જે કહ્યું એ સાંભળી શંકરનાથ પંડિત અંદર સુધી હચમચી ઊઠ્યાં.. એમને જીસસના ક્રોધનું નક્કર કારણ શક્યવત મળી ગયું હતું.

"તો શું ભારતમાં પણ ઈલ્યુમીનાટીનાં લોકો કાર્યરત છે?" પોતાની જાતને જ સવાલ કરતાં શંકરનાથ પંડિતે મનોમન કહ્યું.

"દાદાજી, કાલે પચ્ચીસ મે છે..મતલબ કે ક્રિસમસનાં ફિટ છ મહિના પછીનો દિવસ!" સૂર્યાની વાત પર પંડિત કોઈ જાતનો પ્રતિભાવ આપે એ પહેલાં કાચા રસ્તા પરથી એમની તરફ આવી રહેલાં એક વ્યક્તિની બૂમો સંભળાઈ.

"બધાં ઘરમાં ઘૂસી જાઓ, ગામમાં તીડનું આક્રમણ થયું છે!"

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)