Kahi aag n lag jaaye - 2 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | કહીં આગ ન લગ જાએ - 2

Featured Books
Categories
Share

કહીં આગ ન લગ જાએ - 2

પ્રકરણ – બીજું/૨

બધી જ ફોર્માલીટીઝ પૂરી થયાં બાદ મીરાંએ ડોક્ટરને પૂછ્યું,
‘ડોકટર, મમ્મી અહીં આવ્યાં ત્યારે કઈ કંડીશનમાં હતા?’
‘એ તો બેહોશ હતાં.’
‘પણ તો તેઓ અહીં સુધી આવ્યાં જ કઈ રીતે?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.

એટલે સ્માઈલ સાથે ડોક્ટર બોલ્યા,

‘ઇટ્સ લીટલ ઇન્ટરેસટીંગ. જેના માત્ર નામથી હું પરિચિત અને પ્રભાવિત છું, એવા મારા એક સેવાભાવી મિત્રના સહયોગ અને આપની મમ્મીના સંયોગથી. તે જાણ્યાં કે અજાણ્યાં કોઈની પણ નિસ્વાર્થ સેવા માટે તેની અનુકુળતાએ યથાશક્તિ સમય અને સહાય ફાળવે રહ્યો છે. અમારી હોસ્પિટલમાં આવતાં જતાં ઘણાં દર્દીઓ માટે ઘણીવાર પોસિબલ હોય તેટલી નિશુલ્ક સેવા તેમણે પૂરી પડી છે. અને તેણે જ મને કોલ કરીને ટૂંકમાં બનાવની બીના કહી સંભળાવી, તે તમારા મમ્મીને અહી પહોંચાડીને ઉતાવળમાં જ નીકળી ગયો.’
‘એટલે જ મેં તમારાં મમ્મીનો કેસ તાત્કાલિક ધોરણે હાથમાં લઈને ટ્રીટમેન્ટ શરુ કરી દીધી. એ વ્યક્તિએ અડધી રાત્રે પણ અમને મદદ કરી છે. બાકી તમે જોયું હશે કે બહાર ઓ.પી.ડી. પર કેટલી ભીડ છે.’

‘ઓહ.. કોણ છે એ? શું નામ છે એમનું?’ મીરાં એ આતુરતા થી પૂછ્યું.

ટેબલના ડ્રોઅરમાંથી
વૈશાલીબેનનો મોબાઈલ,પર્સ અને પેલી વ્યક્તિનું કાર્ડ મીરાંને આપતાં ડોક્ટર બોલ્યા.

‘અને જયારે થોડાં સમય પછી તમારાં મમ્મી ભાનમાં આવ્યાં, ત્યારે તેમને પૂછતાં તેમણે કહ્યું કે તેના મોબાઈલમાંથી મીરાંના નામ પર કોલ કરીને જાણ કરો. એટલે સ્ટાફ મેમ્બરે આપને કોલ જોડ્યો.’

‘હવે આશરે ૧૦ મિનીટ પછી આપ તેમને ઘરે લઇ જઈ શકો છો. અને રીપોર્ટસ ઇવનિંગ ટાઈમમાં ૬ થી ૧૦ વાગ્યાની વચ્ચે એની ટાઈમ કલેક્ટ કરી લેજો.
રીપોર્ટસ ચેક કર્યા બાદ પ્રિસ્કીપ્શન લખી આપીશ. અત્યારે તેમને માત્ર આરામની જરૂર છે બસ.’ આટલું બોલીને ડોકટર જવા લાગ્યા એટલે મીરાં બોલી,

‘થેન્ક યુ ડોકટર.’

બોલીને મીરાં વૈશાલીબેન પાસે આવતાં પેલી વ્યક્તિનું કાર્ડમાં નામ વાંચતા જ મનોમન બોલી ઉઠી.

ઓહ માય ગોડ! મિહિર ઝવેરી.

મીરાંના ચહેરા પરના એક્સપ્રેશન જોઇને વૈશાલીબેનને આશ્ચર્ય થતાં પૂછ્યું,
‘શું થયું ?
‘જે વ્યક્તિ તને અહીં મૂકી ગયો તેનું કાર્ડ છે. હું આ વ્યક્તિને ઓળખું છું એટલે મને નવાઈ લાગી. ચલ હવે ઘરે જઈએ બાકીની વાત ઘરે જઈને આરામથી કરીશું.’

મીરાંએ મિહિર ઝવેરીનું કાર્ડ સિફતથી પોતાનાં પર્સમાં મૂકી દીધું.

ત્યાર બાદ મીરાંનો મનોમન વાર્તાલાપ શરુ થયો.
અગેઇન મિહિર ઝવેરી ? આટલાં ટૂંકા સમયગાળામાં લગાતાર બબ્બે વખતના પ્રતિકુળ સમય અને સંજોગ દરમિયાન બન્ને વખતે એક જ તારણહાર, મિહિર ઝવેરી? વ્હોટ એ કો ઇન્સીડન્સ! કંઈ કેટલાં આડેધડ આવતાં વિચારોના વંટોળને મીરાંએ હાલ પૂરતાં બાય પાસ કરી દીધા, પછી વૈશાલીબેનને ટેક્ષીમાં બેસાડ્યા અને ખુદ એકટીવા લઈને બન્ને ઘર તરફ આવવાં નીકળ્યા.

ઘરે આવ્યા બાદ, સંભાળ રાખીને વૈશાલીબેનને તેમના બેડરૂમમાં સુવડાવ્યા.એ.સી. ઓન કર્યું. કિચનમાં જઈને તેમના માટે ફ્રેશ ઓરેન્જ જ્યુસ બનાવીને આપતાં પૂછ્યું,
‘પણ મમ્મી આ બધું બન્યું કઈ રીતે? અને ક્યારે?

‘અરે.. બેટા કઈ જ નહતું. તું કોલેજ ગઈ પછી થોડાં નાના મોટા કામકાજમાંથી પરવાર્યા બાદ નાસ્તો કરી અને ગૌરીબેનને મળવા જવાનું વિચાર્યું. છેલ્લાં ઘણાં સમયથી એ મળવા માટે આગ્રહ કરતાં હતા. તો થયું કે ચલો તેમને મળવા જવાના બહાને તેમના ઘરની નજીક આવેલાં પંચેશ્વર મહાદેવના દર્શનનો લાભ પણ લઇ લઈશ. ૧૦ વાગ્યા બાદ અહીં ચોકમાંથી ઓટોમાં બેસીને નીકળ્યા પછી એવો વિચાર આવ્યો કે પહેલાં મંદિરે જઈને નિરાંતે મહાદેવના સાંનિધ્યમાં થોડો સમય પસાર કર્યા પછી ગૌરીબેનને ત્યાં જઈશ.’

‘શાંતિથી દર્શન કરીને મંદિરના પગથિયા ઉતરતી હતી ત્યારે જ અચાનક થાક અને નબળાઈ જેવું ફીલ થવા લાગ્યું. ધીમે ધીમે બહારના ભાગે મેઈન રોડ પર આવતાં આવતાં સુધીમાં તો એકદમ જ ગળું શોષાવા લાગ્યું. ઓટોની રાહ જોતી ઊભી રહી ત્યાં તો અચાનક જ શરીરનું સંતુલન ન રહ્યું, આંખો સામે અંધારા આવવા લાગ્યા અને પછી.. પછી મને કઈ યાદ નથી. અને જયારે આંખ ઉઘડીને જોયું ત્યારે તો હું હોસ્પિટલમાં હતી.’

‘પણ તું બ્લડ પ્રેસરની મેડીસીન્સ તો રેગ્યુલર લ્યે છે કે નહીં?
‘હા, એ તો નિયમિત લેતી જ હતી પણ, છેલ્લાં એક અઠવાડિયાથી ખતમ થઇ ગઈ છે.. અને લાવવાનું જરા ધ્યાન બહાર રહી ગયું એટલે...’

ઠપકાના સ્વરમાં મીરાંએ કહ્યું,
‘હવે તને શું કહેવું મમ્મી? ખરેખર હદ કરે છે તું હવે. મને કહ્યા કરે છે કે હું દરેક બાબતમાં સાવ લાપરવાહ છું. અને તારી હેલ્થ જેવી ગંભીર બાબતમાં પણ આટલી બેદરકારી? ઇટ્સ ટુ મચ મમ્મી. સાંજે રીપોર્ટસ આવે પછી આપણાં ફેમીલી ડોકટર મહેતાને કન્સલ્ટ કરીને તારું ટોટલી બોડી ચેકઅપ કરાવી લેવું છે.
તને ખબર છે ને કે હેલ્થની બાબતમાં હું સ્હેજ પણ લાપરવાહી નહીં ચલાવી લઉં.
અચ્છા ઠીક છે. હવે તું થોડો ટાઈમ આરામ કર. હું મારાં રૂમમાં જઈને થોડું રીડીંગ કર્યા પછી આરામ કરવાનું વિચારું છું.’

એ પછી...
મીરાં ફર્સ્ટ ફ્લોર પર તેના બેડરૂમમાં આવીને ફ્રેશ થવા જઈ રહી હતી ત્યાં વિચાર બદલતાં સૌ પ્રથમ પર્સમાંથી મિહિર ઝવેરીનું કાર્ડ કાઢીને તેનો કોન્ટેક્ટ નંબર મોબાઈલમાં સેવ કર્યો. પછી મિહિર ઝવેરી સાથે વાત કરવાં માટે નંબર ડાયલ કર્યો અને તરત જ કટ કરી નાખ્યો. મનોમન વિચાર્યું કે હમણાં કોલ કરું કે પછી નિરાંતે કરું?
કઈ સુજ્યું નહી એટલે ફોન બેડ પર મુકીને ફ્રેશ થવા જતી રહી.

સાંજે ૭ વાગ્યાની આસપાસ સીટી હોસ્પિટલ જઈને રીપોર્ટસ કલેક્ટ કર્યા પછી ડોક્ટર સાથે ડીટેઇલમાં ચર્ચા કરી. રીપોર્ટસ ટોટલી નોર્મલ આવ્યા, એટલે સામાન્ય પરેજીની સૂચનાઓ સાથે જે પ્રિસ્ક્રીપ્શન લખી આપ્યું હતું તે મુજબ મેડીસીન્સ લઈને મીરાં ૮ વાગ્યે ઘરે પહોંચી આવી.

ઘરે આવતાં વેત જ વૈશાલીબેન એ પૂછ્યું, ‘શું કહ્યું ડોક્ટરે?
‘ડોકટરે કશું નથી કહ્યું, પણ હું કહું છું, હવે બિનજરૂરી ભાગમભાગ કરવાની કોઈ જરૂર નથી. અને મમ્મી હું તો એમ કહું છું કે તું હવે જોબમાંથી પણ નિવૃત્તિ લઇ લે.’

‘અરે, પણ મીરાં, એવું તે મને શું થયું છે? એકદમ ફીટ એન્ડ ફાઈન તો છું. કોઈપણ જાતની બીમારીના લક્ષણ નથી આજ સુધી. અને કંઈપણ કામકાજ કરતાં ક્યારેય મને કોઈ શ્રમ નથી પડતો કે થાક નથી લાગતો. અને આ બ્લડ પ્રેશરની દવા તો હું વર્ષોથી લઉં છું એમાં નવું શું છે? રીપોર્ટસમાં કઈ અજુગતું છે? નવાઈ સાથે વૈશાલીબેને પૂછ્યું.

‘અરે ના મમ્મી. રીપોર્ટસ તો સાવ નોર્મલ છે. પણ એક વાત કહું મમ્મી, તને એવું નથી લાગતું કે હવે આ ઘર, પરિવાર માટે તેં ઘણું કર્યું? હું જ્યારથી સમજણી થઇ, ત્યારથી જોતી આવી રહી છું કે તું ક્યારેય તારા માટે જીવી જ નથી. વર્ષોથી એ એક જ ઘરેડ, એક જ દિનચર્યા. સવારના પહોરમાં આંખ ઉઘડે ત્યારથી ઘર, પરિવાર અને તારી ૯ થી ૫ ની જોબ. આ સિવાય ક્યારેય તને બહારની દુનિયા વિશે જાણવા કે જોવાનો વિચાર સુધ્ધાં નથી આવતો, એવું કેમ મમ્મી?
એકીટશે વૈશાલીબેન સામે જોતા મીરાં બોલી.
મીરાંને તેની પાસે બેસાડી તેની બંને હથેળીઓ તેના હાથમાં લઈને વૈશાલીબેન બોલ્યા,

‘ઓહ....મીરાં આજે તો તારી વાતો પરથી તો એવું લાગે છે કે તું હવે ખરેખર મોટી થઇ ગઈ છો, પણ સાચું કહું, આ મારી વાતોના શબ્દોનો સચોટ શબ્દાર્થ તો કદાચ તને ત્યારે જ સ્પર્શશે અને સમજાશે જયારે તું મારી અવસ્થાએ પહોંચીશ, સમજી?
અને રહી મારી વાત તો સાંભળ...

‘દીકરા, આ ઘર જ મારી દુનિયા છે અને આજ મારું સામ્રાજ્ય! જેમ કોઈ પંખી એક એક તણખલું વીણી વીણીને જે જતનથી તેના પરિવારની સ્નેહસભર સુરક્ષા માટે માળો ગૂંથે, તેમ આ માળો મારી લાઇફ્લાઇન છે. ઘર એ સ્ત્રીનું અને સ્ત્રી એ ઘરનું ઘરેણું છે દીકરા, બન્ને એકબીજાનાં પૂરક છે. અને ઈશ્વરે તો તારાં રૂપમાં મને સંસારનું સઘળું સુખ અને ઐશ્વર્ય, વગર માંગ્યે આપ્યુ છે. પછી બીજું મને જોઈએ પણ શું? અને રહી વાત મારા જોબની, તો એ બહાને હું મારી મનગમતી પ્રવૃત્તિ સાથે મસ્ત અને વ્યસ્ત રહું છું. જે દિવસે આ શરીર સાથ નહી આપે ત્યારે સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ લઈશ એ તું ચિંતા ન કર.’

એકધારું વૈશાલીબેનના ચહેરા સામું જોઈને તેનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યા પછી મીરાં માત્ર એટલું જ બોલી,

‘એક વાત તો માનવી પડે મમ્મી કે..વિશ્વનો કોઈપણ શબ્દકોશ મા પાસે તો ટૂંકો જ પડે.પણ મને આજે તારી એક વાત ખુબ જ ટચ કરી ગઈ.’

‘કઈ વાત? વૈશાલીબેને પૂછ્યું

‘ઘર એ સ્ત્રીનું અને સ્ત્રી એ ઘરનું ઘરેણું છે.’ મીરાં એ જવાબ આપ્યો.
તેનું સાચું અર્થઘટન તો તું જયારે કોઈની પત્ની કે પુત્રવધુ બનીશ ત્યારે તને સમજાશે.’ વૈશાલીબેન બોલ્યા.

‘મમ્મી, હવે ખુબ કકડીને ભૂખ લાગી છે હો.’
‘તારી મનગમતી ડીશ તૈયાર છે, ચલ ફ્રેશ થઈને આવી જા ડાઈનીંગ ટેબલ પર.’

ડીનર પત્યા બાદ દવા આપી, અને પ્રિસ્ક્રીપ્શન મુજબ કઈ દવા ક્યારે લેવાની એ સમજાવ્યા પછી દિવસ ભરના થાકની અસરથી વૈશાલીબેનના ચહેરા પર નિંદ્રાની અસર જણાતા મીરાં તેમને તેના રૂમમાં વ્યવસ્થિત રીતે સુવડાવ્યા પછી તેના રૂમમાં આવી.
બેડરૂમમાં દાખલ થતાં જ ઘણાં દિવસથી મીરાંની આળસુ પ્રકૃતિનાં પરિણામના પ્રતાપે સાવ અસ્તવ્યસ્ત અવસ્થામાં રહેલાં બેડ રૂમને જોઇને તેને એમ થયું કે કમ સે કમ હાલ પુરતી તો કોઈપણ ભોગે, થોડાં સમય માટે તો આસુરી આળસને તિલાંજલી આપવી જ રહી. એટલે તેણે તેના છુટ્ટા કેશને બંને હાથથી ગૂંથીને બાંધ્યા પછી એક કલાકમાં બધું જ નાનું મોટું સુવ્યવસ્થિત રીતે ગોઠવીને રૂમને સુસજ્જિત કરીને, આખા રૂમની શકલ બદલી નાખ્યા બાદ પરસેવેથી રેબઝેબ થઇ ગઈ હતી એટલે,
ફ્રેશ થવા નાઈટ ડ્રેસ લઈને બાથરૂમમાં જતી રહી.

અડધો એક કલાક શાવર બાથ દીધા બાદ, આખા શરીરમાં ફૂલ જેવી હળવાશ અનુભવતા બેડ પર આડી પડીને સમય જોયો તો ૧૦:૨૦. હવે મીરાં શારીરિક અને માનસિક બન્ને રીતે રીલેક્સ ફીલ કરતાં વિચારતી રહી કે... હવે મિહિરને કોલ એટલા માટે કરવો જોઈએ કે કોઈપણ સ્વાર્થ વગર એકવાર નહી પણ બબ્બે વાર મિહિરે કારણ વગર, તેનું કર્તવ્ય બખૂબી નિભાવી જાણ્યું છે. નાણાંકીય વ્યહવાર તો તેના સ્થાને સ્વાભાવિક અને ગૌણ હતો, પણ તે એક સ્વચ્છ સજ્જનની ઈમેજની સાથે સાથે તે પોતાની માણસાઈની મહેંકની છાપ પણ છોડતો ગયો હતો.

પર્સમાં સાચવીને મુકેલું મિહિરનું કાર્ડ હાથમાં લઈને તેનો નંબર ડાયલ કર્યો પછી યાદ આવ્યું કે નંબર તો ઓલરેડી સેવ જ છે.
રીંગ ગઈ.. અને પૂરી પણ થઇ ગઈ. મીરાંએ ફરી ટ્રાય કરી. ફરી રીંગ પૂરી થઇ ગઈ પણ કોલ રીસીવ ન થયો. એટલે મીરાંએ ફોનને સાઈલેંટ મોડ પર મૂકી, લાઈટ ઓફ કર્યા પછી હેડફોન લગાવીને તેના મનપસંદ કલેક્શનમાંથી ગમતાં ટ્રેકને પ્લે કરીને આંખો બંધ કરીને કયાંય સુધી પડી રહ્યા બાદ ક્યારે તેની આંખો મીંચાઈ ગઈ તેનું ભાન ન રહ્યું.
સવારે જયારે સાડા નવ પછી પણ મીરાંના રૂમમાંથી કોઈ હિલચાલનો અવાજ ન સંભળાયો ત્યારે કિચન માંથી શાક સમારતાં સમારતાં વૈશાલીબેન એ બુમ પાડી,

‘મીરાં..... આજે બેડ ટી પીવાની ઈચ્છા હોય તો લઇ આવું.’
કોઈ જવાબ ન આવ્યો એટલે વૈશાલીબેનએ ફરી બુમ પાડી.
‘મીરાં.....’
‘મમ્મી મને હજુ થોડીવાર સુવા દે પ્લીઝ.’ બેડ પર પડ્યા પડ્યા આંખો ઉઘાડ્યા વિના ઊંઘમાં જ મીંરા એ જવાબ આપ્યા પછી એ.સી.ના ટેમ્પરેચરને ઓટો મોડ પર મુકીને ફરી સુઈ ગઈ.
‘અચ્છા ઠીક છે.’ વૈશાલીબેન એ જવાબ આપ્યો.

આશરે સવા દશ પછી બેડ પરથી ઉઠવાની હિમ્મત કરવા માટે ઊભી થઈને રહી સહી આળસને એક ઝાટકે ખંખેરીને ફ્રેશ થવા જતાં જતાં વૈશાલીબેનને બુમ પડતાં કહ્યું. ‘મમ્મી, ૧૦ મીનીટમાં આવુ છું નીચે.’
નીચે આવીને જોયું તો વૈશાલીબેન કિચનમાં નિત્યક્રમ મુજબ મીરાં માટે ચા- નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા.
‘હવે કેમ છે તને? કેવું લાગે છે?’ મીરાંએ વૈશાલીબેનના માથે અને ગાલ પર હાથ ફેરવતાં પૂછ્યું.

ખાસ્સા એવા સ્વસ્થ અને રોજિંદા સ્વભાવગત સ્વભાવમાં વૈશાલીબેને જવાબ આપ્યો.
‘એકદમ સ્વસ્થ ફીલ કરું છું. જાણે કે કશું થયું જ નથી એમ. એ તો ગઈકાલે જે અચનાક ચક્કર આવી ગયા હતા બસ એ જ. હું તો વહેલી સવારના મારા રેગ્યુલર ટાઈમ ૬/૩૦ વાગ્યે ઉઠીને હંમેશની માફક મારી દિનચર્યા મુજબ કામે વળગી ગઈ છું.’

‘અચ્છા ઠીક છે, તું કહે તો માની લઉં છું, પણ મમ્મી! તું ખરેખર તારી તબિયત માટે જરા પણ ગંભીર નથી. અચ્છા ચલ આ બધું તું રહેવા દે. તું હોલમાં જઈને બેસ. હું ચા, નાસ્તો લઈને ત્યાં આવુ છું.’

ડાઈનીંગ ટેબલની ચેર પર બેસતાં તેના છુટ્ટા વીખરાયેલા વાળને બાંધી ચાનો ઘૂંટડો ભરતાં બોલી,
‘જો મમ્મી હવે મારું લાસ્ટ સેમેસ્ટર પુરું થતાં કોલેજ સાથે હાલ પૂરતો મારો પનારો પૂરો થયો, એટલે એ સમય હવે હું તને ફાળવીશ. તેથી તારે હવે નાનાં મોટા કોઈ જ કામનો બોજો માથે લઈને ફર ફર નથી કરવાનું, સમજી? અને કામની બાબતમાં મારે બહુ શિસ્તબદ્ધ રહેવાનું એ તારો સદાબહાર સોફ્ટવેર મારાં ભેજામાં ક્યારેય ઇન્સ્ટોલ નહી થાય સમજી? હા.. હા.. હા..’

અને મીરાંની લાઈફ સ્ટાઈલ અને વિચારધારાથી વાકેફ વૈશાલીબેન પણ તેની આગવા અંદાજના સંવાદને મૂક સંમતિ આપતાં હસવાં લાગ્યા.
‘દીકરા, આજે તારો શું પ્રોગ્રામ છે? મતલબ કે લાયબ્રેરી અથવા ફ્રેન્ડસ સાથે કયાંય જવાનો પ્લાન છે? તો એ સમય મુજબ હું રસોઈની તૈયારી કરું.’

‘હમ્મ્મ્મ.. હા આજે તો અગાઉથી જ આખો દિવસ એક વિરલ વ્યક્તિત્વ સાથે પસાર કરવાનું ફાઈનલ કર્યું છે.’
‘કેટલાં વાગ્યે જવાનું છે?'
‘અરે.. પણ મમ્મી એ વ્યક્તિ કોણ છે એ તો પૂછ.’
‘તે કહ્યું, વિરલ છે, તેનો મતલબ કે તારી દ્રષ્ટિ એ આદરણીય તો છે, તો પછી શું પૂછવાનું?'
‘મમ્મી, તને કહું કોણ છે એ.’
“કોણ?" વૈશાલીબેન એ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘અચ્છા ઠીક છે, ચલ થોડી વાર આંખો મીંચી દે તો!'
‘અરે.. આ શું માંડ્યું છે? તેં સવાર સવારમાં! કોઈ જાદુ કરવાની છો કે શું ? હસતાં હસતાં વૈશાલીબેને પૂછ્યું, અને પછી આંખો મીંચી.

બે મિનીટ પછી મીરાં બોલી, ‘અચ્છા હવે આંખો ઉઘાડ.’
આંખો ઉઘડ્યાની થોડી જ ક્ષણોમાં ભીની આંખો સાથે વૈશાલીબેન અભિભૂત થઈ ગયા. મીરાં તેમના ચહેરા સામે દર્પણ ધરીને ઊભી રહી હતી.
‘જોયું.. .? આ છે મારાં માટે એકમાત્ર વિરલ વ્યક્તિત્વ!'
આટલું બોલીને મીંરા વૈશાલીબેનને વ્હાલથી બથ ભરીને ભેટી પડી.

‘મમ્મી, મારી આ ફાઈનલ એક્ઝામનાં ચક્કરમાં હું તને ક્વોલીટી ટાઈમ નથી આપી શકી. આજે આખો દિવસ બસ હું અને તું. નો લાઈબ્રેરી, નો ફ્રેન્ડસ, નો કોલ્સ. ઓ.કે. અને આજે તને ભાવતી રસોઈ પણ હું જ બનાવીશ.પણ એ પહેલાં હું મારાં રૂમમાં જઈને હમણાં આવું.’

‘મીરાં, પેલી વ્યક્તિને કોલ કરીને તેનો આભાર માન્યો કે નહી?’ વૈશાલીબેને પૂછ્યું.

‘રાત્રે બે વખત ટ્રાય કરી હતી મમ્મી, પણ કોઈ રીપ્લાઈ ન આવ્યો. એટલે હમણાં ફરીવાર પ્રયત્ન કરીને જોઈ લઉં.’
મીરાં જવાબ આપતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલાં તેના રૂમમાં આવીને મોબાઈલ પર નજર નાખતાં જોયું તો રાત્રે મીરાંના ઊંઘી ગયા પછીના અડધા કલાક સમય બાદના મિહિર ઝવેરીના બે કોલ્સ હતા. સૂતાં પહેલાં તેની નિયમિત આદત મુજબ મોબાઈલ સાઈલેંટ મોડ પર હોવાથી આવું તો અનેકવાર બની ચુક્યું હતું.

એક સાથે બબ્બે ઓશિકા પર માથુ ટેકવીને આરામથી બેડ પર લંબાવીને મિહિર ઝવેરીને કોલ જોડ્યો. કોલ રીસીવ થયો.

સામે છેડેથી અવાજ આવ્યો,
‘હેલ્લો.’
‘હેલ્લો.. ગૂડ મોર્નિંગ મિ.મિહિર ઝવેરી.’
જી, ગૂડ મોર્નિંગ, મેડમ, શાયદ હું મીરાં રાજપૂત સાથે વાત કરી રહ્યો છું. એમ આઈ રાઈટ?
‘યસ, શાયદ નહીં, શત પ્રતિશત મીરાં રાજપૂત સાથે જ વાત કરી રહ્યા છો.’
‘લાસ્ટ નાઈટ આપના બન્ને કોલ્સ મીસ થઇ ગયા, કારણ કે હું વ્યસ્ત હતો અને ત્યાર પછી મેં રીપ્લાઈ આપવાનો પ્રયત્ન કર્યો પણ મને એવું લાગ્યું શાયદ આપ વ્યસ્ત હશો. આપનો નંબર તો મારી પાસે નહતો પણ ટ્રુ કૉલર દ્વારા મીરાં રાજપૂત નામ ફ્લેશ થયું એટલે મેં એ નામથી નંબર સેવ કર્યો છે. બોલો મેડમ,’
ખુબ જ શાંત અને એક સરખી ધ્વનિની માત્રામાં મૃદુ સ્વરમાં મિહિર બોલ્યો.

‘હું એમ કહેવા માંગું છું, મિ.મિહિર ઝવેરી કે, હજુ પહેલાની તમારી બાકી રકમની ચુકવણી સમયમર્યાદની અંદર કરવાની મારી ફરજમાંથી હું ચુકી ગઈ, ત્યાં તો તમે એક નવી ઉધારી મારા નામે ઉધારી અને વધુ એક ઉપકારનો ટોપલો મારાં માથે ચડાવી દીધો અને પુણ્ય તમારાં ખાતે જમા કરી દીધું એમ કેમ?’
ગર્ભિત શબ્દપ્રયોગ સાથે મજાકના મૂડમાં મીરાં વાર્તાલાપની શરુઆત કરતાં આટલું બોલી..
‘શું.. શું.. શું..બોલ્યા? સોરી, મને કઈ સમજાયું નહીં. કંઈ ફોડ પાડીને સમજાવશો?
મીરાંની વાત મિહિરના પલ્લે ન પડતાં અસમંજસમાં અટવાઈને મિહિરે પૂછ્યું.
‘તમે ગઈકાલે સીટી હોસ્પિટલમાં આશરે પચાસેક વર્ષની કોઈ લેડીને મુકવા આવેલાં?
મીરાંએ પૂછ્યું.

‘જી, હા. અરે..એમાં એવું બન્યું કે હું એક પાર્ટીને ઈમરજન્સીમાં રેલ્વે સ્ટેશનથી પીકઅપ કરવાની ઉતાવળમાં હતો. ત્યાં પંચેશ્વર મહાદેવ મંદિરના રોડ પાસેથી પસાર થતાં મેં રોડની સાઈડમાં એ બેનને પડેલા જોયા અને આજુબાજુમાં કોઈ જ નહતું એટલે મેં એક પળનો પણ વિચાર કર્યા વગર તેમને મારી ટેક્ષીમાં સુવડાવીને ઝડપથી સીધા સીટી હોસ્પિટલ પહોંચાડીને ત્યાંના પરિચિત સ્ટાફ મેમ્બરને મારું કાર્ડ આપીને ફટાફટ નીકળી ગયો. કેમ શું થયું? તમે ત્યાં હતાં એ સમયે?’

‘અરે ના, એ મારા મમ્મી હતા.’

‘ઓહ.. તમે ખરેખર નહીં માનો પણ જે રીતે હું મારા કામની મજબુરીને કારણે તેમને એ રીતે મુકીને જતો રહ્યો, એ પછી મને પણ ઘણું ઑડ ફીલ થયું. આઈ એમ રીયલી સોરી.’
‘અરે પ્લીઝ તમે શા માટે સોરી કહો છો? તમે તો આભારના અધિકારી છો. પણ હવે મારી પર એક આખરી ઉપકાર કરશો, પ્લીઝ?’
‘હા, બોલો.’
‘જેમ એમ જલ્દી મને આ ઉપકારના બોજમાંથી મુક્ત કરીને મને હળવી કરશો?’
‘ઓહ.. અરે મેં કોઈ એવું ભગીરથ કાર્ય નથી કર્યું. બોલો હું આપના માટે શું કરી શકું.?
‘આજે આપ, કયારે અને ક્યાં મળી શકો?
‘કંઈ અગત્યનું કામ છે?’ મિહિરે પૂછ્યું.
‘શાયદ તમારા માટે નહીં, પણ મારાં માટે છે.’ મીરાં એ કૈંક આવો જવાબ આપ્યો.
થોડીવાર વિચારી કર્યા પછી મિહિર બોલ્યો,
‘સોરી,આજે તો પોસિબલ નથી. હું આવતીકાલે કહીશ આપને.’
‘ઇટ્સ ઓ.કે એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેઇન. હેલ્લો વન મિનીટ. એક વાત પૂછું, પણ પ્લીઝ જરા પણ ખોટું ન લગાડતા અને કદાચને ખોટું લાગે તો.. થાય એ કરી પણ લેજો,’
આટલું બોલીને મીરાં ખડખડાટ હસવા લાગી.
કોઈપણ જાતના પૂર્વ પરિચય વગર અચાનક જ મજાકના મૂડમાં મીરાંના વાર્તાલાપની શૈલીથી મિહિર સ્હેજ ઝંખવાઈ ગયો.અને માત્ર આટલું જ બોલ્યો,
‘જી, કહો.’
‘આ તમે જે રીતે દરેકને તમારું કાર્ડ આપો છો તેના પરથી મને એવો વિચાર આવે છે કે...જરૂરિયાત કરતાં કાર્ડ વધુ છપાઈ ગયા છે કે શું? માંડ માંડ હસવું રોકતાં બોલી પણ બોલ્યા પછી હસવું રોકવું અશક્ય હતું.

સિલેબસ બહારનો પ્રશ્ન વાંચીને જ દશા વિદ્યાર્થીની થાય તેવી હાલતમાં કશું ન સુજતા થોડીવાર રહીને મિહિર એ પૂછ્યું ‘કેમ?'

‘કેમ શું કેમ? જે રીતે બેધડક કાર્ડ આપો છો, તો એ રીતે મળતા કેમ નથી? અને સાવ સામાન્ય જવાબ આપવા માટે આટલું વિચારવું પડે. કે.. પછી તમને પણ હમણાં જ લાઈટ થઇ કે ખરેખર કાર્ડ વધુ છપાઈ ગયા છે એમ?' હાસ્યને કંટ્રોલ કરવાની સાથે સાથે અન્બેલેન્સડ થવા જઈ રહેલા તેના શરીરને સંતુલિત કરતાં ફરી બોલી,

‘આઈ એમ સો સોરી. પણ આ મારી જન્મજાત ફિઝીકલી કે મેન્ટલી જે ગણો એ ડીફેક્ટના કારણે હું કોઈ અજાણ્યાં સાથે પણ સીરીયસલી વાત નથી કરી શકતી.
ઠીક છે, તમે તમારી અનુકુળતાએ કોલ કરજો એન્ડ સોરી વન્સ અગેઇન,’

મિહિર એ જવાબમાં કહ્યું,
‘અરે, ઇટ્સ ઓ.કે. આપની પારદર્શક નિખાલસતા આગળ તમારો આ સોરી શબ્દ મને નિરર્થક અને અર્થહીન લાગે છે. વિનોદવૃત્તિના વાર્તાલાપમાં પણ મને આપની એક વાત ગમી.’

‘કંઈ વાત?’ ઉત્સુકતાથી મીરાંએ પૂછ્યું.

‘તમારી જીવંતતા.’ મિહિરે જવાબ આપ્યો.

‘ઓહહ!.. થેંક યુ. બાય.’ બોલીને મીરાંએ વાર્તાલાપ પર પૂર્ણવિરામ મુક્યું.

‘જી, બાય.’ કહીને મિહિરે કોલ કટ કર્યો.

કોલ કટ થયાં પછી મીરાંએ તેના દિમાગમાં મિહિર સાથેની વાતચીત દરમિયાન બારીકાઇથી જે વાતની વિશેષ નોંધ કરતી રહી હતી, તેનાં વિશે વિચારતી રહી.

મિહિર સાથેના ટેલીફોનીક સંવાદ-સત્સંગ પરથી તે કોઈ ટીપીકલ ટેક્ષી ડ્રાઈવર હોય' તેવો કોઈ ટોન કે ભાષાનો અણસાર નહતો આવતો. તેની ભાષાશુદ્ધિથી પણ મીરાં થોડી પણ પ્રભાવિત થઇ. આટલી વાતચીત પરથી મીરાંએ મનોમન એટલું તો સચોટ તારણ કાઢ્યું હતું કે.... મિહિર ઝવેરી માત્ર ટેક્ષીચાલક તો નથી જ.

વધુ આવતાં રવિવારે....

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવdસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.