kahi aag n lag jaaye - 4 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | કહીં આગ ન લગ જાએ - 4

Featured Books
Categories
Share

કહીં આગ ન લગ જાએ - 4

પ્રકરણ- ચોથું/૪

હવે મીરાંને અણસાર આવવા લાગ્યો કે તેનાથી ઉશ્કેરાટમાં કંઇક કાચું કપાઈ ગયું એ નક્કી છે. એટલે મીરાં બોલી.

‘અર્જુન આ મિહિરના જવાબની ‘હા’ અને ‘ના’ વચ્ચેનો ભેદ મને સમજાવીશ? અને.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. હવે આ સરપ્રાઈઝના ચેપ્ટર પર ફૂલસ્ટોપ મૂકીને કોઈ મને કહેશે કે આખરે ખરેખર આ માજરો છે શું ?’
‘અરે.. મીરાં, સુપર સરપ્રાઈઝનું સુપર સસ્પેન્સ તો હજુ અકબંધ છે.’
મૌલિક આખા મુદ્દાને એક નવો વણાંક આપતાં બોલ્યો.

‘અર્જુન, તને નથી લાગતું કે હવે તમે સૌ કંઇક વધારે જ ફૂટેજ ખાઈ રહ્યા છો?’
મીરાંને પહેલીવાર હદ બહાર અકળાઈ જતા જોઇને સૌ હસવા લાગ્યા એ પછી અર્જુન બોલ્યો.

‘ઓ.કે. મીરાં પ્લીઝ વેઇટ વન મિનીટ.’ આટલું બોલીને મેકઅપ રૂમમાંથી
નાટકના નિર્માતા સમીર શાહને સ્ટેજ પર બોલાવીને અર્જુન મનોમન હસતાં બોલ્યો .

‘ભાઈ, પણ હવે જેમ બને તેમ જલ્દીથી તું જ તારી આ સિક્રેટ સ્ક્રિપ્ટના નાટક પર પડદો પાડ તો સારું. કેમ કે લેખિકા આપણી આ ભવાઈથી સખ્ત નારાજગી સાથે ગુસ્સાના મૂડમાં છે.’
એટલે સમીર મીરાંને સંબોધીને બોલ્યો.

‘સોરી મેડમ, હું આ સૌના વતી આપની માફી માગું છું. સરપ્રાઈઝ આપવાની શરતો મુજબ હું આપને અગાઉથી કોઈપણ વાતને લઈને અવગત ન કરી શક્યો. મેં તમારી બધી જ વાતો સાંભળી. તમારી દલીલ તથ્યસભર છે, આઈ એગ્રી વિથ યુ. અને તમે આ બધા સવાલો કરશો જ, એટલે તેનું હોમવર્ક અમે પહેલેથી કરી રાખ્યું છે.’

‘પણ મિ. સમીર કોઈ બીજાની વાર્તાને આ રીતે... .’ મીરાં સામે હથેળીથી ઈશારો કરીને તેનું વાક્ય કાપતાં સમીર બોલ્યા,

‘પ્લીઝ, જસ્ટ એ મિનીટ, પણ એ કોઈએ જ આ વાર્તાના સપૂર્ણ કોપીરાઈટ તમારા નામે કરી આપ્યા છે.’ સમીર ખુલાસો કરતાં બોલ્યા.

‘પણ કોઈ તેની પોતાની આટલી ઉત્કૃષ્ઠ કૃતિ મારાં નામ પર શા માટે ચડાવે?’
આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.

‘હવે આ અટપટા અને આકરા સવાલનો જવાબ તો એ લેખક પાસેથી જાણવા અમે પણ ઉત્સુક છીએ.’ સમીરે કંઇક આવો જવાબ આપ્યો.

‘તો આપ પુછોને તેમને, કે મારી જાણ બહાર આવું કરવાનું કારણ શું?’
મીરાં બોલી.


‘જી, પણ આ સવાલનો જવાબ હું ફક્ત તમને જ આપીશ.’

આટલું સાંભળીને મીરાં અતિ આશ્ચર્યના આંચકા સાથે ચોંકી ઉઠી. કેમ કે આ પ્રત્યુત્તર મિહિરે આપ્યો હતો. પ્રથમ વખતની આકસ્મિક મુલાકાતથી માંડીને આ ક્ષણ સુધીની મિહિર સંબંધિત દરેક ઘટના, તેની અંતિમ ઘડીએ મીરાં માટે, મિહિરનાં અકળ વ્યક્તિત્વનું એક નવું પ્રશ્નચિન્હ અંકિત કરતું રહ્યું હતું. છેલ્લાં અડધો એક કલાકથી ચાલતાં ગડમથલની ગૂત્થીના ઉકેલના અંતે મિહિરના પ્રત્યુતરે માંડ શાંત થવા જઈ રહેલા મીરાંના વિચાર વમળમાં એક કાંકરીચાળાનું કામ કરીને અસંખ્ય વલયોનો વધારો કરી દીધો. હાલ પુરતું મિહિરના કેરેક્ટરને હાંસિયામાં ધકેલીને ચર્ચાની મેઈન સ્ટ્રીમ પર ફોકસ કરવાના આશય સાથે મીરાં બોલવા જઈ રહી હતી ત્યાં સમીર બોલ્યો,

‘મેડમ, આપ જેને કોઈની વાર્તા માની રહ્યા છો, તેના ઓરીજીનલ રાઈટર, આ મિહિર ઝવેરી છે. અને હવે આ આજના દિવસની અંતિમ સરપ્રાઈઝ છે બસ,’
અને એ પછી સૌની સાથે જોડાઈને મીંરાએ પણ મિહિરનું તાળીઓ પાડીને અભિવાદન કર્યું.

મીરાં આજે મિહિરને કંઇક ડીફરન્ટ લૂકમાં પ્રથમવાર ધ્યાનથી નિહાળી રહી હતી. પ્રભાવશાળી મધ્યમ કદની ઉંચાઈ. તેની આંખોનું ચુંબકીય તત્વસભર આકર્ષણ, બન્ને હથેળીઓના અંગુઠા બહાર રાખીને લેટેસ્ટ ફેશનના લાઈટ ઓરેન્જ કલરના ચેક્સ વાળા હાલ્ફ સ્લીવ, બ્રાન્ડેડ શર્ટ નીચેના ડાર્ક બ્લ્યુ જીન્સના ફ્રન્ટ પોકેટમાં ખોસેલી હથેળીઓ સાથે શિસ્તબદ્ધ ટટ્ટાર ઊભા રહેવાની અદા, આત્મવિશ્વાસ અને વર્ચસ્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરતું સોહામણું સ્મિત, ઝીણી એવી ઉગેલી દાઢી, અવસર અનુસારના તેના ડ્રેસ સેન્સની સાથે સાથે અન્ય અનન્ય એસેસરીઝનું પણ પરફેક્ટ મેચિંગ હતું. અને સૌથી વધુ મીરાંને ટચ કરી ગઈ, મિહિરની સ્ત્રીની બાહ્ય સુંદરતાની પેલે પાર જોઈ શકવાના ક્ષમતાની સમજણ.
‘પણ.. હવે આપનો પરિચય તો આપો, મિહિર.’ મીરાં બોલી,

એટલે મિહિર તેના શાંત સહજ સ્વભાવગત મીરાં સામે હાથ જોડીને બોલ્યો,

‘મારા પરિચય પહેલાં સૌ પ્રથમ આપના અભિનંદનીય સર્જનની સફળતા માટે ઢગલાબંધ ધન્યવાદ અને શત શત શુભેચ્છા. અને મારા નામ અને કામથી જેટલા આપ અવગત છો, બસ, એટલો જ સંક્ષિપ્ત છે મારો પરિચય. અને મારી વાર્તાને સંબંધિત પરિચય સમીર અને અર્જુન આપશે.’

‘આભાર તો આપનો મિ. મિહિર. કેમ કે આ અનેરી સિદ્ધિના ખરા હકદાર તો આપ જ છો. હું તો નિમિત માત્ર છું.’
મિહિર સાથે હાથ મિલાવતા મીરાં બોલી.

‘થેન્ક યુ સો મચ એવેરીવન એન્ડ સ્પેશિયલી થેન્ક્સ ટુ મેડમ મીરાં. આપ સૌએ આજના આ અનેરા અવસર માટે મને ભાગીદાર બનાવ્યો. બટ સોરી ટુ સે, કાફી મોડું થઇ ચુક્યું છે. તો હવે હું રજા લઈશ. કારણ કે કદાચ અર્લી મોર્નિંગ મારે આઉટ ઓફ સીટી જવાનું છે. થેન્ક્સ અગેઇન.’
‘અરે, મિહિર આમ અચાનક જ જતા રહેશો. હજુ તો..’ અર્જુન બોલ્યો.
‘ફરી કયારેક આપ સૌની અનુકુળતાએ મળીશું.’ મિહિર બોલ્યો.
‘પણ, મિ. મિહિર એક મિનીટ..’ મિહિરની આ રીતની અચાનક વિદાયથી આશ્ચર્ય સાથે મીરાં બોલી.
‘જી, બોલો.’ મિહિર બોલ્યો
‘તમારી મુલાકાત માટે મેં સમય માંગ્યો હતો જો તમને યાદ હોય તો..’
મીરાંએ પૂછ્યું
‘યસ, હન્ડ્રેડ પરસન્ટ યાદ છે. હું જરૂરથી આપને કોલ કરીશ. પણ હાલ જરા ઉતાવળમાં છું તો.. બાય.’ આટલું બોલીને મિહિર જતો રહ્યો.
ફરી એકવાર અનપ્રીડીકટેબલ બિહેવિયર સાથે એક નવા અનુસંધાનના અનુમાનના આધારે છોડી જતા મિહિરને મીરાંએ ‘બાય,’ કહ્યા પછી..

૧૨:૫૫ નો સમય જોતા મીરાં બોલી.
‘અર્જુન મને લાગે છે હવે આપણે પણ નીકળવું જોઈએ. કારણ કે મને એવું લાગી રહ્યું છે કે તારી આ સિક્રેટ સરપ્રાઈઝની સીરીઝ એકતા કપૂરની સીરીયલનો રેકોર્ડ બ્રેક કરે, એ પહેલા હું ઘર ભેગી થઇ જાઉં.’
આ સાંભળીને સૌ ખડખડાટ હસતાં હસતાં સમીરનો આભાર માન્યા બાદ એકબીજાને અલવિદા કહીને કારમાં ગોઠવાઈને નીકળ્યા, કાર મીરાંના ઘર તરફ હંકારતા અર્જુને મીરાંને પૂછ્યું.
‘સાચું કહેજે મીરાં કેવું લાગ્યું નાટક?’
‘કયું નાટક! પડદા પરનું કે પડદા પાછળનું?’ હસતાં હસતાં મીરાં આગળ બોલી,
‘બન્ને માટે સ્પીચલેસ. પણ પડદા પાછળના નાટકની સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે તેનું રહસ્ય હજુ અકબંધ છે. સમગ્ર સસ્પેન્સયુક્ત સરપ્રાઈઝનું માસ્ટર કાર્ડ રહ્યો મિહિર. કેમ સાચું ને અર્જુન?

‘પણ, મીરાં, મિહિર આ સરપ્રાઈઝ પ્લાનિંગનો હિસ્સો છે જ નહી. અને તું એને કઈ રીતે ઓળખે છે એ મને નવાઈ લાગી.’
એ પછી મીરાંએ મિહિરના નામથી જે રીતે પરિચિત થઇ તે વિગત કહી સંભળાવી.
‘પણ.. અર્જુન, તેં મારી જોડે કયારેય આ સ્ક્રિપ્ટના અનુસંધાનમાં મિહિરનો ઉલ્લેખ કેમ ન કર્યો એ કહીશ?’

‘એ વાતની મિહિરે જ મનાઈ ફરમાવી હતી, તેણે કહ્યું હતું કે મારું ક્યાંય નામ ન આવે તેની તકેદારી રાખજો એટલે.. અને જયારે નાટક ફાઈનલ થયું ત્યારે આ વાતની સરપ્રાઈઝ જેણે વાર્તા લખી હશે તેને મિહિર ખુદ જાતે જ આપશે એવું નક્કી થયેલું. પણ વાર્તાની સ્ક્રિપ્ટ તું લખી રહી છે એ વાતની મિહિરને ક્યાં જાણ જ હતી! તારો અને મિહિરનો પરિચય નાટકના શો ના અંતે જ કરાવવાનો હતો એવું અમારા સૌ વચ્ચે નક્કી થયેલું.’

વાક્યના અંત સાથે અર્જુને કાર મીરાંના ઘર પાસે સ્ટોપ કરી.
અંતે મીરાં બોલી,
‘અર્જુન, તારું ને મિહિરનું કેમ, ક્યાં, કેટલું, અને કેવું કનેક્શન છે, આઈ ડોન્ટ નો. બટ બેટા બી કેરફુલ. સ્ક્રિપ્ટના સહારે સરપ્રાઈઝની આડમાં તારા ખભા પર બંદુક રાખીને અંધારામાં હજુ કોઈ મીરાં રાજપૂતને ટાર્ગેટ કરીને કવર કરી લે, એ વાતમાં દમ નથી સમજી લેજે. ચલ બાય, નાઉ ટુ લેટ. ગૂડ નાઈટ એન્ડ થેન્ક્સ ફોર અનફોરગેટેબલ સરપ્રાઈઝ. અને હા સાંભળ, હું તને મોર્નિંગમાં ૧૦ વાગ્યા સુધીમાં કોલ કરું છું.’

‘મીરાં, હવે આને કહેવાય ભવાઈ. તું ઓળખે છે મિહિરને? અરે..યાર સાવ આવા કંઈપણ ધડમાથા વગરના સ્ટેટમેન્ટ? આર યુ ગોન મેડ? એક કામ કર તું કાલથી સી.બી.આઈ. જોઈન કરી લે. ચલ બાય.’ આટલું બોલીને નારાજગી સાથે અર્જુને સ્પીડમાં યુ ટર્ન લઈને કાર દોડાવી.

હળવેકથી ડોર ઓપન કરીને ઘરમાં દાખલ થઇ, વૈશાલીબેનની ઊંઘમાં સ્હેજ પણ ખલેલ ન પડે તેમ ધીમા પગલે ફર્સ્ટ ફ્લોર પરના તેના બેડરૂમમાં આવી ફ્રેશ થયાં બાદ બેડ પર પડતાં મીરાંએ સમય જોયો તો ૧:૩૫.

પાંચ કલાક પહેલાં રોજિંદી સામાન્ય રમૂજના રંગથી રંગાઈને શરુ થયેલી એક અવિસ્મરણીય સંધ્યા, અવસર પૂરો થતાં થતાં જાણે કોઈ ખુટતી કડી જેવા ખટરાગના રંજ સાથે રંગાઈ ગઈ. એ ખુટતી કડીનું નામ હતું મિહિરનું વિસંગતતા ભર્યું વ્યક્તિત્વ.
અનાયસે આવેલાં મિહિરના સંપર્ક પછીના આજ દિન સુધીના એક પછી એક ઘટનાચક્રએ હવે મીરાંના અશાંત ચિત્ત પર મંડાવા જઈ રહેલા શતરંજની શંકા-કુશંકાના પ્યાદાઓ હજુ કોઈ ઉલટી ચાલીને મીરાંને ઘેરવાની કોશિષ કરે એ પહેલાં એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર મોબાઈલ લઈને કોલ જોડ્યો સીધો
મિહિરને.. સમય હતો ૧:૫૫.

ઠીક ગાઢ નિંદ્રામાં સરી જવાની ઘડીએ અચનાક મોબાઈલની રીંગના રણકારથી ઝબકીને સેલફોનની ડિસ્પ્લે પર મીરાં રાજપૂતનું નામ અને સમય જોઇને મિહિરને અચરજ થતાં,
અત્યારે શું કામ હશે ? એવું વિચારતા કોલ રીસીવ કરીને બોલ્યો,
‘હેલ્લો’
‘હેલ્લો, મિહિર હું એમ વિચારતી હતી કે... જો હું તમારી પરવાનગી વગર, મારી
મનમરજી મુજબ તમારી વાર્તા લખી શકું, તો મારી વાત તમને કહેવા માટે મને તમારી પરવાનગીની કંઈ જરૂર ખરી.. ?’ આટલું બોલીને મીરાં હસવા લાગી.

‘ઓહ.. માય ગોડ. આઈ એમ રીયલી શોક્ડ. સાચું કહું, થોડીવાર તો હું ગભરાઈ ગયો કે આટલી મોડી રાત્રે કોલ આવ્યો તો કંઈ અજુગતું નથી બન્યું ને. જી ફરમાવો કેમ યાદ કર્યો? આંખો ચોળતાં ચોળતાં મિહિરે પૂછ્યું.

‘માત્ર યાદ નહી, ફરિયાદ પણ છે. યાદ કેમ કર્યા તેની યાદીનું લીસ્ટ તો એટલું લાંબુ છે કે કહેવાનું શરુ કરીશ તો કદાચ સવાર પડી જશે. અને ફરિયાદ વિશે ફરી ક્યારેક નિરાંતે ચર્ચા કરીશું. પણ હાલ તો...
મને આવતીકાલે તમારી અચૂક હેલ્પ જોઈએ જ છે, એટલે જાણી જોઈને ડીસ્ટર્બ કર્યા છે, સોરી.’
‘સોરી, સિવાય કંઈપણ બોલો.’ મિહિર બોલ્યો
‘હમ્મ્મ્મ.. ઓ.કે. મને જસ્ટ હમણાં જ મેસેજ આવ્યો કે આવતીકાલે ચેન્નાઈથી
મારા પાંચ ગેસ્ટનું એક ગ્રુપ આવે છે. અને તેઓને એક દિવસ માટે કારની જરૂર છે.
તો, ટોટલ સેવન પર્સનના સીટીંગ કેપેસીટીનું વ્હીકલ વિથ મિહિર ઝવેરી આવતીકાલે સવારે ૧૧ વાગ્યા પછી. ‘હા’ કહો ને ‘ના’ કહો પણ, કારણ જરૂર આપજો. ‘
‘હમ્મ્મ્મ.. ના પાડવાનું તો કોઈ કારણ નથી પરંતુ, હા પાડવાનું કારણ છે.’
એવું મિહિર બોલ્યો.
‘શું ?’ નવાઈ સાથે મીરાં એ પૂછ્યું
‘તમારી મારા પ્રત્યેની ફરિયાદના નિવારણ માટે મેં હા પડી છે.’
‘હા.. હા.... હા...’ હસતાં હસતાં મીરાં બોલી,
‘તો તો હવે તમારી એ નબળી કડી મારું હાથવગું હથિયાર બની ગયું સમજો. અને તમારી દ્રષ્ટીએ પહેલી નજરે જોતા જાણી જોઈને ઊંઘમાં લીટરલી ખલેલ પાડવાના નાપાક ઈરાદાથી કરવામાં આવેલા કોલ બદલ નાઉ આઈ એમ રીઅલી સોરી વન્સ અગેઇન.’ મનોમન હસતાં બોલી
‘તમને એવું નથી લાગતું કે તલવાર પણ તમારી ને ઢાલ પણ તમારી?
હસતાં હસતાં મિહિરે જવાબ આપ્યો.
‘હા.. હા.. હા..’ હસ્યાં પછી મીરાં આગળ બોલી,
‘પણ સાચું કહું? આટલી વાતમાં જ તમારાં પ્રત્યેની ૫૦% ફરિયાદનું નિવારણ થઇ ગયું સમજો. હું મોર્નિંગમાં ઉઠીને તમને કોલ કરું છું, ઓ.કે. હવે મને લાગે છે કે સવારે ઊઠવા માટે સુવું તો પડશે ને! થેન્ક યુ સો મચ એન્ડ ગૂડ નાઈટ.’
‘ગુડ નાઈટ.’ કહીને મિહિરે વાત પૂરી કરી.
બેડ નજીકની ટીપોઈ પર પડેલી પાણીની અડધી બોટલ ગટકાવ્યા પછી મનોમન હસતાં હસતાં સુઈ ગયો.

મીરાંએ સમય જોયો ૨:૨૫.ઘણી માનસિક ગડમથલ પછી પણ મીરાંએ તેના અભ્યાસ અને અનુભવના આધારે આંકલન કરેલી મિહિરના આંશિક વર્તણુકની પઝલના ચોકઠાં તેના અનુમાન મુજબ ફીટ નહતા બેસતાં. સૌમ્ય,શાલીનતા અને વિનય સાથે, એક લયમાં સુસંયોજિત શબ્દાવલિની સરગમના આરોહ અવરોહને, કર્ણપ્રિય સંવાદમાં રૂપાંતરિત કરવાની છટાને ત્યારે ચાર ચાંદ લાગતાં, જયારે મિહિર આ બધું જ એક અંતર સાથે સામેની વ્યક્તિને કમ્ફર્ટ ઝોનમાં હોવાનું ફીલ કરાવી શકતો. આવા અંતહીન વિચારવનમાં ભૂલી પડીને અંતે ગાઢ નિંદ્રામાં સરી જતા પહેલાં અર્જુન સાથે મિહિર અંગેના કરેલા મનઘડંત મંતવ્ય વિશેના શબ્દપ્રયોગ થોડા
ઓડ લાગ્યા, એવું મીરાં ફીલ કરી રહી હતી.

સવારે જયારે હળવેકથી મીરાંના બેડરૂમનું ડોર ઉઘાડીને વૈશાલીબેન અંદર દાખલ થતાં, મીરાંને તેના બેડ પર તેની ઉટપટાંગ અવસ્થામાં સુતેલી જોઇને મનોમન હસતાં તેના માથા પર વ્હાલથી હાથ પસરાવીને કપાળે ચુંબન કરતાં બોલ્યા,
‘ઓ, રાની સાહિબા, સાંભળ ૮:૩૫ થઇ રહી છે. હું નીકળું છું જોબ પર જવા માટે. તારું જે કંઈ શેડ્યુલ હોય એ નિરાંતે કોલ કરીને કહી દેજે.’
આંખો ખોલ્યા વગર જ મીરાં માત્ર એટલું બોલી. ‘હ્મમ્મ્મ્મ.’
‘સમગ્ર સૃષ્ટીના સુખ સામે પણ તારી ઊંઘનું પલડું ભારે પડે હોં.’
આટલું બોલીને હસતાં હસતાં વૈશાલીબેન જોબ પર જવા રવાના થયા.
થોડા સમય પછી બંધ આંખોએ જ મોબાઈલ શોધતા શોધતા, ઓશિકાની ફરતે હાથ ફેરવ્યા પછી પણ હાથમાં ન આવતાં માંડ અડધી આંખો ઉઘાડીને જોયું તો બેડની નીચે પડેલા મોબાઈલ પર નજર પડી. સમય જોયો ૯:૨૦. મોબાઈલ ઉઠાવીને સૌ પહેલાં સાઇલેન્ટ મોડ ઓફ કરીને અર્જુનને કોલ કર્યો.
‘હેલ્લો,ક્યાં છે તું? શું કરે છે? મીરાંએ પૂછ્યું
‘જસ્ટ કારમાં બેઠો અને તારો કોલ આવ્યો, ૧૧ વાગ્યે સમીરને મળવા જવાનું છે, ત્યાર પછી ઓફીસ. એ પહેલાં લોંગ ટાઈમથી પેન્ડીંગ એકાદ બે કામ નીપટાવવાનો વિચાર છે એટલે વહેલો નીકળ્યો છું, બોલ.’
અર્જુને કહ્યું.
‘સાંભળ, તું ૧૦ મિનીટ માટે ઘરે આવી જા’
‘કેમ,કંઈ ઈમ્પોર્ટન્ટ કામ છે?’ કાર સ્ટાર્ટ કરતાં અર્જુને પૂછ્યું.
‘હું કહું છું એટલે આવી જવાનું સમજ્યો, ડોન્ટ બી ઓવર સ્માર્ટ ઓ.કે.’ મીરાં બોલી
‘હા હા..આવ્યો અનારકલી, ચલ પોહંચું છું ૧૫ મિનીટમાં.’ અર્જુને ફોન મૂકતા કહ્યુ.
મીરાં ફ્રેશ થઇને ડ્રોઈંગરૂમના સોફા પર લંબાવી ટી.વી.ઓન કરીને ન્યુઝ પેપર હાથમાં લઈને ચાઈની ચૂસકી ભરે ત્યાં ડોરબેલ વાગતાં મીરાંએ કહ્યું,
‘આવી જા.. ડોર ઓપન જ છે.’
હાથમાં એકદમ ફ્રેશ હથેળીની સાઈઝનું દાંડી સાથેનું લાલ ગુલાબ લઈને અર્જુન ઘરમાં એન્ટર થઈને મીરાંને આપતાં બોલ્યો,
‘રાની સાહિબા, તોહફા કબુલ હો.’
એટલે મીરાં એ કહ્યું,
‘અલ્યા સવાર સવારમાં ક્યાંય મોગલ-એ આઝમના સલીમની એંઠી ચા પીને તો નથી આવ્યો ને? અને આ આટલું મસ્ત ગુલાબ ક્યાંથી શોધી લાવ્યો?’
‘બહાર તારા જ કુંડામાંથી જ તોડીને લાવ્યો છું. હા.. હા.. હા..’
ખડખડાટ હસતાં અર્જુને જવાબ આપ્યો.
‘અલ્યા તારી તો...આ રીતે મફતમાં જ તું બારોબાર ક્યાંય અકબરના સલ્તનતની મા પઈણી નાખીશ. અલ્યા શું કહેવું તને હવે મારે. હવે બોલ શું લઇશ? ચા, કોફી કે જ્યુસ?
‘એના કરતાં રોકડા જ આપી દે ને.’ અર્જુને ફરી ટીખળ કરી
‘બહુ નાટકિયા વેડા કર્યા વગર બોલને.’ મીરાં બોલી
‘ના ખરેખર કંઈ જ ઈચ્છા નથી, હા, બોલ શું કહેતી હતી ગઈકાલે રાત્રે તું?’ અર્જુને પૂછ્યું
‘તને કંઈ ઉતાવળ છે?’ મીરાંએ પૂછ્યું.
‘ના, ખાસ તો કંઈ નહી, સમીરને મળવાનું છે એ જ.’ અર્જુને જવાબ આપ્યો.
‘સમીરને તો મારે પણ મળવું છે.’ મીરાંએ ઝીણી આંખો કરીને અર્જુન સામે જોતા મનોમન હસતાં બોલી.
‘કેમ આ રીતે જોઇને બોલે છે?’ નવાઈ સાથે અર્જુને પૂછ્યું.
‘એ હું તને પછી કહીશ. અત્યારે તો મને તું અને મિહિર બંને કઈ રીતે પરિચયમાં આવ્યા જે જાણવામાં વધુ ઇંટરેસ્ટ છે,’ મીરાંએ બીગ સાઈઝનું પિલો તેના ખોળામાં લઇ જમણા હાથની હથેળીને તેની હડપચી નીચે રાખતાં પૂછ્યું
‘હમ્મ્મ્મ.. પહેલાં મને એ કહે તને કોનામાં વધુ ઈંટરેસ્ટ છે?
મિહિરમાં કે, અમે કેમ પરિચયમાં આવ્યા તેમાં? ’
અર્જુનએ મીરાંની ખીચાઈ કરતાં પૂછ્યું,
સોફા પર બાજુમાં પડેલા પિલોને અર્જુનના મોં પર ઘા કરતાં મીરાં બોલી,
‘બન્નેમાં બોલ. હવે કંઈ કહેવું છે તારે? તું હમણાં તારી બધી ચાલાકીઓને બાજુ પર મૂક અને હું પૂછું તેનો સીધે સીધો અને સાચો જવાબ આપ. સમજ્યો?’
‘હા,, હા..હા..સાંભળ. આશરે એકાદ મહિના પહેલાં સમીરને એક ડ્રામા કોપીટેશનના રીહર્સલ અને તેની પ્રીપેરેશન માટે એક એકસ્ટ્રા વિહિકલની જરૂર પડી. તો સર્ચ કરતાં મિહિરનો સંપર્ક થયો. પુરા એક વીકનું શેડ્યુલ હતું. ટેન એ.એમ. ટુ ટેન પી.એમ.
'સાત દિવસ સુધી આટલો સમય મિહિર પણ તમારી સાથે જ રહેતો'તો. એ દરમિયાન તેની વાતચીત અને વર્તુણુંક પરથી તે એજ્યુકેટેડ અને ઇન્ટેલીજેન્ટ હોય એવું લાગ્યું?'
'એક દિવસ રીહર્સલ હોલ પર સમીર તેના ગ્રુપ સાથે વાત કરતાં કરતાં કહ્યું કે,
‘લીંકથી હટકે કોઈ વિષય આધારિત સ્ક્રિપ્ટ મળે તો મને એક તગડા નિર્માતાની ઓફર આવી છે ન્યુ પ્લે માટે. જો કોઈ સારી વાર્તા મળી જાય તો ક્યારના અટકેલા મારા એ ડ્રીમ પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ આવી જાય!’
એક ખૂણે ચુપચાપ બેઠેલો મિહિર અમારી વાતોને ધ્યાનથી સાંભળતો હશે એવો અમને કોઈ અંદાજ નહતો. થોડીવાર પછી મિહિર વિનમ્રતાથી બોલ્યો કે,
‘સર, તમારી પાસે સમય હોય તો મને ૧૫ મિનીટ સાંભળશો?
સમીરે કહ્યું, ‘અરે રાજા, બોલો બોલો બિન્દાસ બોલો. શું કહેવું છે બોલો ?’
‘સર, એક વાર્તા છે, તેના પરથી નાટક થઇ શકે કે કેમ તે મારો વિષય નથી પણ મારી ઈચ્છા એવી છે કે હું તમને સંભળાવું.’ સાવ શાંતિથી મિહિર બોલ્યો.
‘ભાઈ, મિહિર વાર્તા છે તો તમે વાર્તાના સ્વરૂપમાં જ સંભળાવો, જેથી કરીને તમારા શબ્દચિત્રને અમે જીવંત જોઈ શકીએ. તમે સમજી ગયા મારી વાત? ’
‘જી. સર.' એટલું બોલીને મિહિર વાર્તા શરુ કરે એ પહેલાં, સમીરે સૌને કહ્યું કે આફટર ધ એન્ડ ઓફ સ્ટોરી ટેલીંગ હું ન કહું ત્યાં સુધી કોઈપણ તેનું કોઈ જ રીએક્શન નહીં આપે. ઇટ્સ ક્લીઅર.
ઓ.કે. મિહિર યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.’
એ પછી થોડો સ્વસ્થ થઈને વાર્તા સંભળાવાની શરુ કરી. સમીર સહિતનું અમારું પૂરું ૧૧ જણનું ગ્રુપ હતું. ૧૫ થી ૨૦ મિનીટમાં વાર્તાને તેની આરોહ અવરોહની લયમાં મિહિરે એ ઢબે રજુ કરી કે જાણે અમે કોઈ દિલચસ્પ ચલચિત્રમાં ઓતપ્રોત થઈને સમય અને સ્થળનું ભાન ભૂલી ગયા હોઈએ.

વાર્તાના અંતે પીનડ્રોપ સાઈલેન્ટ છવાઈ ગઈ. સૌ એકબીજાની સામે જોઈ રહ્યા. હજુ મિહિર કંઈ સમજે એ પહેલાં સમીરે ચેર પરથી ઊભા થઈને મિહિરને તેની પાસે બોલાવીને કહ્યું,
‘પ્લીઝ, મિ. મિહિર તમારું ખરું સ્થાન મારી આ ચેર પર છે.’
સમીર આટલું બોલતાં જ બધા એ તાળીઓના અભિવાદનથી સહર્ષ મિહિરને વધાવી લીધો.
‘એ પછી મિહિરની ડાયરીમાંથી એ રફ વાર્તા કાઢીને સ્ક્રિપ્ટ લખવા માટે મેં તને આપી પણ મિહિરની શરત સાથે.’ આમ કહીને અર્જુનએ તેની વાત પૂરી કરી.
‘શરત? કઈ શરત?' મીરાંને નવાઈ લગતા પૂછ્યું
‘એટલું જ કે ક્યાંય પણ મારું નામ આ વાર્તા કે નાટક સાથે ન જોડાય, એ શરતે આ વાર્તાને તમે તમારી રીતે ઉપયોગમાં લઇ શકો છો.’
અર્જુબે જવાબ આપ્યો.
ત્યાર બાદ મીરાં બોલી
‘અરે.. આ કેવી વિચિત્ર શરત?
એક મિનીટ અર્જુન! હું એક કોલ કરી લઉં. પછી આપણે આગળની ચર્ચા કરીએ.’ આટલું બોલીને મીરાંએ અર્જુનને ખ્યાલ ન આવે તેમ મિહિરને કોલ જોડીને એક જ વાક્યમાં વાત પૂરી કરતાં બોલી,
‘હેલ્લો, શેડ્યુલમાં ચેન્જીસ થયું છે તો હવે આપણે એક વાગ્યે મળીએ છીએ. હું તમને એડ્રેસ સેન્ડ કરું છું. આઈ વીલ કોલ યુ આફ્ટર વન અવર. ઓ.કે.’
‘જી, ઠીક છે.’ મિહિરે માત્ર ટૂંકો ઉત્તર આપતાં મીરાંએ કોલ મૂકતાં પૂછ્યું,
‘અર્જુન, મિહિરની આ શરતમાં તને કંઈ અજુગતું નથી લાગતું? માત્ર શરત જ અજુગતી લાગે છે કે વ્યક્તિ પણ? મિહિર વિશે તારો શું અંગત અભિપ્રાય છે? આઈ મીન કે કેવી વ્યક્તિ છે?’
‘એકદમ મિતભાષી, શાંત અને સૌમ્ય સહજ સ્વભાવ. આપણે ચાર વાક્ય બોલીએ ત્યારે એ એક વાક્ય માંડ બોલે. અને ટેક્ષી ચલાવે છે. બસ આથી વધારે કોઈ જ પરિચય નથી, બટ આઈ થીંક કે તેનામાં કોઈ હિડન ટેલેન્ટ છે.’
‘પણ, અર્જુન તે પહેલી કહેવત તો સાંભળી છે ને કે... શાંત પાણી ખુબ ઊંડા હોય.’
મીરાં એ ફેસ એક્સપ્રેશન ચેન્જ કરતાં કહ્યું.

-વધુ આવતાં રવિવારે..


- વધુ આવતાં રવિવારે..