Kahi aag n lag jaaye - 11 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 11

પ્રકરણ- અગિયાર /૧૧

‘મીરાં, તે હમણાં કહ્યુંને કે જે મધુકર વિરાણીને મળવું એ પણ સૌભાગ્યની વાત છે.
તો એ મધુકર વિરાણી, મીરાં રાજપૂતને મળવા માંગે છે.’

મીરાંને તેની લાઈફમાં આવડું મોટું આશ્ચ્રર્ય ક્યારેય નહતું થયું..
મીરાંના એક્સપ્રેશન્સ જોવા લાયક હતા...

‘અંકલ.. મધુકર વિરાણી... મીરાં રાજપૂતને..

થોડીવાર સુધી તો મીરાં ચુપચાપ ચંદ્રકાન્ત શેઠની સામે જોતી જ રહી. ચંદ્રકાન્ત શેઠના સ્વભાવ મુજબ મીરાંને ખ્યાલ હતો કે ચંદ્રકાન્ત શેઠ આટલી મોટી મજાક તો ન જ કરે. છતાં પણ શહેરના કોર્પોરેટ કિંગ મધુકર વિરાણી, મીરાંને મળવા માંગે છે, એ એક સુખદ આંચકા જેવી વાતને હજુ’યે મીરાં ડાયજેસ્ટ નહતી કરી શકતી.

‘પણ, અંકલ પ્લીઝ કંઇક ડીટેઇલમાં વાત કરો તો મારા જીવને ટાઢક વળે. આઈ એમ ટુ મચ એક્સાઈટેડ.’
મધુકર વિરાણી.
ફક્ત ૩૩ વર્ષની નાની વયમાં વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે રાષ્ટ્રીય સ્તરની સન્માન જનક પ્રસિદ્ધિ મેળવનાર મધુકર વિરાણી એટલે સ્વ. અંબાલાલ વિરાણીનો નાનો પુત્ર. અંબાલાલનો મોટો પુત્ર ધનંજય કે જેને પહેલેથી જ પિતાના બીઝનેશમાં સ્હેજે રુચિ નહતી અટેલે ૨૩ વર્ષની વયે અભ્યાસના નામે ઇંગ્લેન્ડ જતો રહ્યો અને પછી સપૂર્ણ આઝાદી સાથે ત્યાના હવા,પાણીમાં ઓગળી, ભળીને સમય જતા ધીમે ધીમે તેના સ્વરમાં સ્થાઈ થવાનો ટોન સંભળાવવા લાગ્યો. પિતાના આજ્ઞાની પરવા કર્યા વગર તેનાથી વયમાં ૪ વર્ષ મોટી એક ફ્રાંસની નાગરિકતા ધરાવતી યુવતી જોડે લગ્ન કરી લીધાના ૧૫ દિવસ પછી તેને ભાન થયું કે માનવતાની દ્રષ્ટિએ પિતાને જાણ કરવી જોઈએ એટલે મેરેજ કર્યાના સમાચાર આપ્યા. એ પછી અંબાલાલએ ધનંજયને તેની તમામ મિલકત અને માયાના બંધનમાંથી હમેંશ માટે બે-દખલ કરી નાખ્યો, અને આ વાતને ધનંજયએ એક સિગરેટની માફક ફૂંકીને હવામાં ઉડાડી દીધી. એ સમયે મધુકરની વય હતી ૨૦ વર્ષની.ધનંજયના આવા કઠોર પગલાથી માયાળુ અંબાલાલના હ્રદયને સારો એવો ધક્કો લાગ્યો હતો. એ પરિસ્થિતિ જોઇને મધુકરને ખુબ લાગી આવ્યું. તે ઘડી એ મધુકરએ પિતાને વચન આપ્યું હતું કે, આપ આપણા ખાનદાનને જે ઊંચાઈએ એ જોવા માંગો છો એક દિવસ હું આપને એ કરીને બતાવીશ. એ પછી લગાતાર ૧૩ વર્ષ રાત દિવસ જોયા વગર લગનથી મહેનત કરીને મધુકરએ આજે વિરાણી ઇન્ડસ્ટ્રીઝનું નામને દેશના કોર્પોરેટ જગતમાં એક પ્રેસ્ટીજીયસ નામ બનાવ્યું હતું.

ઉતરોતર વધતી મધુકરની પ્રગતિ જોઇને પિતા અંબાલાલને જાણે કે ખુલ્લી આંખે પરિકલ્પના જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. પિતાની મિલકત અને તેની મહેનતથી વિરાણી પરિવારનું નામ ખુબ ઓછા સમયમાં મધુકર તેની બુદ્ધિબળથી જે રીતે ટોચ પર લઇ ગયો હતો તે જોઇને અંબાલાલનો હરખ કેમે’ય કરીને સમાતો નહતો. પણ અચનાક એક ધારણા બહારની ઘટના, થોડા સમયમાં જ અંબાલાલ માટે પ્રાણઘાતક નીવડી. જીવથી’યે વ્હાલા મધુકરનું લગ્નજીવન માત્ર ૧૫ દિવસમાં છિન્નભિન્ન થઇ ગયું. તેમની જ જ્ઞાતિના એક અમેરિકા સ્થિત ધનાઢ્ય કુટુંબની પુત્રીના લગ્ન મધુકર સાથે અતિથી અતિ ધૂમધામથી દેશ વિદેશના મહેમાનોની હાજરીમાં કર્યા હતા.પણ હજુ નવોઢાના હાથની મહેંદીનો રંગ પણ નહતો ઉતર્યો ત્યાં માત્ર ૧૪ જ દિવસના ટૂંકા ગાળામાં બન્ને છુટ્ટા પડી ગયા.મીડિયા તેની દુકાન ચલાવવા માટે ગોસીપની આડમાં કોઈ મોટો ઇસ્યુ ન બનાવે અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ અને પરિવારને કોઈ છાંટા ન ઉડે એટલે ચુપચાપ માત્ર બે જ સપ્તાહના લગ્નજીવન બાદ ઓફિસીયલી ડિવોર્સ લઈને તે કિસ્સાને હંમેશ માટે ત્યાંને ત્યાં જ ખત્મ કરી નખાયો હતો. પણ અંબાલાલ માટે મધુકરના લગ્નજીવનનું ભંગાણ અંતે જીવલેણ નીવડ્યું. આજથી ૬ મહિના પહેલાં જ, છેલ્લાં ૬ વર્ષથી પથારીવશ રહેલા અંબાલાલ સ્વર્ગવાસી થયાં હતા.

વિરાણી પરિવારના એક માત્ર સદસ્ય મધુકર વિરાણીએ તેના લગ્નવિચ્છેદ પછી તેનું તન અને મન બન્ને સપૂર્ણ રીતે એક તપસ્વીની માફક તેના બિઝનેશને એક આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવા માટે સતત ધ્યાનમાં લગાવી દીધા હતા.
અને આજે એ સિદ્ધિ હાંસિલ કરીને મનોમન નિર્ધારિત કરેલી ઉંચાઈને આંબી પણ ગયો હતો.

‘વર્ષો પહેલાં મધુકર વિરાણીના ફાધર અમારા પાડોશી. અને હું અંબાલાલ એક જ સ્કૂલના વિદ્યાર્થી. ધીમે ધીમે આગળ જતાં તેમને નાના પાયે શરુ કરેલા બિઝનેશમાં જંપલાવ્યું અને સમય જતાં એ વિરાણી એપ્માયારના સર્વેસર્વા બની ગયા. ત્યારની મિત્રતા ખરી. મધુકર આ ઉંચાઈએ પહોંચ્યા પછી અમારે બન્નેને વર્ષમાં એક યા બે વાર ભાગ્યેજ મળવાનું થાય. પણ, મારું કોઈપણ કામ હોય એ ૨૪ કલાકમાં થઇ જાય હજુ એટલા ક્લોઝ રીલેશન તો ખરા જ.’
ચન્દ્રકાન્ત શેઠએ મીરાંને કહ્યું,

‘હવે વાત જાણે એમ છે કે પરમ દિવસે રાત્રે ૧૦:૩૦ ની આસપાસ મને તેનો કોલ આવ્યો. પહેલાં તો જોઇને મને પણ નવાઈ લાગી. તેનો ભાગ્યે જ સામેથી કોલ આવે. અને તેની વ્યસ્તતાને કારણે હું માઈન્ડ પણ ન કરું. આશરે ૧૦ મિનીટ મારે તેમની જોડે વાત થઇ હશે. એ પછી ગઈકાલે હું આઊટ ઓફ સીટી હતો. એટલે આજે મેં તને એ દસ મીનીટની ટેલીફોનીક વાત માટે તને અહીં બોલવી છે.’

‘પણ આ તમારી આ સસ્પેન્સ સીરીયલમાં મારી ક્યારે એન્ટ્રી પડશે. ?’ ધીમેકથી હસતાં મીરાંએ પૂછ્યું.
‘તારી એન્ટ્રી તારે જાતે જ પાડવાની છે.’
વધુ એક સસ્પેન્સ ક્રિયેટ કરતાં ચંદ્રકાન્ત શેઠ બોલ્યા.
‘એટલે ?’ મીરાંએ પૂછ્યું.
‘જો મીરાં,મધુકર એ મને જે કામ માટે કોલ કર્યો અને મારે જે કામ કરવાનું છે તેનું તું મધ્યબિંદુ છે. મધુકરને તેની ઓફીસ અને તેની ઓફિસને લગતા અંગત અને ટોપ સીક્રેટ્સ વર્કને પ્રોપરલી અને સીન્સીય્લી હેન્ડલ કરી શકે તેવી પર્સનલ આસીસ્ટન્ટની જરૂર છે. હજુ આગલ બોલું કે... તું સમજી ગઈ ?”

થોડીવાર માટે તો મીરાંને શું અને કેમ રીએક્ટ કરવું તેનું ભાન ભૂલી ગઈ. થોડી ક્ષણો વિચારીને બોલી ,
‘અંકલ યુ મીન્સ ટુ સે કે, તમે મીરાં રાજપૂતને એ મધુકર વિરાણીની પી.એ. ના જોબની ઓફર કરી રહ્યા છો કે, સામાન્ય વય્ક્તિઓ એ તેને ફક્ત તસ્વીરોમાં જ જોયા છે. કે જેને મળવા નહી પણ, તેની જોડે વાત કરવા માટે પણ એક સ્ટેટ્સ જોઈએ એ મધુકર વિરાણીની પી.એ. અંકલ આઈ કાન્ટ બોલીવ ધીઝ. અંકલ, આ મારા કેપેસીટી બહારની વાત છે સોરી. આ વાતથી જ હું આટલી નર્વસ છું, તો આટલી મોટી જવાબદારી, આઈ થીંક ઇટ્સ ટોટલી ઈમ્પોસીબલ ફોર મી.’

પુશ બેક ચેરના હાથા પર તેની કોણી ટેકવીને જમણા હાથની હથેળી તેના જમણા ગાલ પર મુકીને ચંદ્રકાંત શેઠ ચુપચાપ મીરાંની વાત સાંભળયા પછી બોલ્યા,
‘તું જયારે ફર્સ્ટ ડે અહીં આવી ત્યારે તને એ વાતનો અંદાજો હતો કે એક દિવસ આજે તું જે પોઝીશન પર છે ત્યાં પહોંચી જઈશ?’
‘ના. પણ તમારી વાત અલગ છે. અહીં મને તમારો ડર ન હોય ને.’ મીરાં બોલી
‘ડર ? ડર કઈ વાતનો ? એ આપણા જેવો દેખાતો એક સામાન્ય માણસ જ છે.’

હવે મારા બે ગમતાં ફિલ્ડની વાત કહું સાંભળ.’

‘૧૯૭૧ સુધીમાં રાજેશ ખન્ના પાસે સુપરસ્ટારનું બિરુદ હતું. અને તે વર્ષે આવેલી ફિલ્મ ‘આનંદ’માં રાજેશ ખન્ના સામે પ્રથમ વખત સ્ક્રીન પર સામનો કરતાં સમયે આજના આપણા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પરિસ્થિતિ પણ કંઇક તારા જેવી જ હતી. પછી શું થયું.. ? હી ક્રિયેટ હિસ્ટ્રી.
૧૯૮૯ થી ક્રિકેટ રમતાં, ક્રિકેટના ફેન્સ જેને ભગવાન માને છે, એ સચિન તેંડુલકર સામે ૨૦૦૪ માં તેમની સામે ગ્રાઉન્ડ પર પહેલી વાર બેટ પકડતાં મહેન્દ્રસિંગ ધોનીનું પણ તારા જેવું જ હતું.
અને પછી....

‘મીરાં, તું એક વાતનો વિચાર કર કે જે માણસે વિશ્વ ભ્રમણ કરેલું છે, તેણે આવડા મોટા જવાબદારી ભર્યા કામ માટે મને શા માટે કોલ કર્યો હશે ?’ કારણ કે તે જાણે છે કે તેને પ્રોપર કઈ અને કેવી વ્યક્તિ જોઈએ છે તેનો મને ખ્યાલ છે એટલે. અને દીકરા મને તારા પર પુરેપુરો ભરોશો છે કે મધુકરની અપેક્ષા પર તું સપૂર્ણ રીતે ખરી ઉતરીશ. અને એવું પણ નથી કે તારે આવતીકાલથી જ કામ શરુ કરવાનું છે. પહેલાં ૧૫ દિવસ તેઓ તને પ્રોપર ટ્રેનીંગ આપશે. ત્યાંના રૂલ્સ રેલ્ગુલેશન, એટીટયુડથી અવગત કરાવશે. અને હું નથી માનતો કે એ બધું સમજતા તને એક વીકથી વધારે સમય લાગે. અને બીજી એક વાત કહું, જો મીરાં એક વાર તે તારા અડગવિશ્વાસ અને ફક્ત કામ કરવાની ભરપુર નિષ્ઠાથી મધુકર વિરાણીનો વિશ્વાસ જીતી લીધો તો સમજી લે કે એક સમયે લોકો એમ કહેશે કે મીરાં રાજપૂતને મળવું એ પણ એક સૌભાગ્યની વાત છે. આ મારા શબ્દો લખી રાખજે. અને ઈશ્વર આવી તક કરોડોમાં કોઈ એક ને જ આપે છે.

‘અંકલ, તમારી બધી જ વાત ૧૦૦% સાચી. આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ સર. મને વિચારવા માટે આજનો એક દિવસ આપો.’

‘અરે હા, શ્યોર કેમ નહી, ફાઈનલ ડીસીઝન તારે જ લેવાનું છે. જો કે મેં તો તને પૂછ્યા વગર જ તારો કમ્પ્લીટ બાયોડેટા તેમને સેન્ડ કરી આપ્યો હતો. અને એ જોયા પછી જ એ મળવા માંગે છે. પણ આ ઓફરમાં મારી દ્રષ્ટિએ જોઉં તો એક પણ માઈનસ પોઈન્ટ નથી. ઠીક છે, મને આવતીકાલ સુધીમાં તને જે યોગ્ય લાગે તે નક્કી કરીને કહેજે. અને હજુ પણ કોઈ કન્ફયુઝન હશે તો બેસીને ડિસ્કશન કરીશું, ચિંતા ન કરીશ ઓ.કે.’



રાત્રે ડીનર પછી મીરાંએ વૈશાલીબેન પાસે બેસીને ચન્દ્રકાન્ત શેઠએ આપેલી ઓફરની વાત કરી.

સાંભળીને સૌ પહેલાં તો વૈશાલીબેન પણ અવાચક રહી ગયા.
‘શું વાત કરે છે ? મધુકર વિરાણીના પી.એ.ની ઓફર માટે હજુ તું વિચારે છે ? મને તો આ વાતની જ નવાઈ લાગે છે મીરાં.’

‘પણ, મમ્મી આટલી મોટી જવાબદારી માટે પહેલાં હું તો માનસિક રીતે સશક્ત હોવી જોઈએ ને.’

‘આ તું બોલે છે મીરાં ? જે લોકો તને અંગત રીતે સાવ નજીકથી તારી પ્રકૃતિથી ખુબ સારી રીતે પરિચિત છે, તેને પૂછો એટલે એમ જ કહે કે.. આત્મવિશ્વાસનું બીજું નામ એટલે મીરાં રાજપૂત,’
વૈશાલીબેનનું વાક્ય પૂરું થતાં મીરાં તેમને ગળે વળગીને બોલી.

‘પણ. મારા આત્મવિશ્વાસનું પહેલું અને અંતિમ નામ તું છે મમ્મી,’

સમય જોયો ૯:૨૦. મીરાંએ તેના વ્હોટસ્પ ગ્રુપમાં મેસેજ નાખ્યો.
અરજન્ટ મળવાનું છે, શક્ય હોય તો ૧૫ મીનીટમાં સૌ અડ્ડા પર આવી જાઓ.
-હુકમ થી. મીરાં.
‘મમ્મી હું હમણાં આવું છું.’ એક કહીને મીરાં બાઈક લઈને નીકળી ગઈ ઈરાની હોટલ તરફ. ઈરાની હોટલ એટલે તેમના ગ્રુપનું એક એવું ઠેકાણું કે જ્યાં સૌ ભેગા મળીને પોત પોતાનો ઉભરો કે ઉમળકો ઠાલવતા. જેને સર્વાનુમતે નામ આપ્યું હતું અડ્ડા. ઈરાની હોટલની ચા- કોફી પીવો એટલે દિમાગની બધી બંધ નસો આપો આપ ઉધડી જાય.


જુના મિત્રોમાં હવે અર્જુન, મૌલિક અને અવની સિવાય બાકીના સૌ તેની સોશિયલ લાઈફમાં ગોઠવાઈ, ખોવાઈ અને વ્યસ્ત થઇ ગયા હતા.,

બહારે ફૂટપાથના ટેબલ પાસેની ખુરશી પર મીરાં બેઠી હતી. ત્યાં અવની અને મૌલિક એક બાઈક પર આવ્યા અને પાંચ મિનીટ પછી અર્જુન આવ્યો.


‘સૌ ડીનર કરીને આવ્યા છો ?’ મીરાંએ પૂછ્યું
‘હા.’ મૌલિક અને અવની એક સાથે બોલ્યા.
‘મને તો એવા મેસેજ મળ્યા કે ડીનર પાર્ટી છે, એટલે હું તો એમ જ ફટાફટ આવ્યો છું.’ અર્જુન બોલ્યો.
‘અરે અહીં ચા પીવી હતી અને પૈસા નહતા, એટલે મેં તમને મેસેજ કર્યા, અને તું અત્યારે ડીનરની ક્યાં માંડે છે.’ મીરાંએ અર્જુનને કહ્યું.
‘ઓહ... એવું છે, ચા પીવાના પૈસા નથી બ્યુટી ક્વીન પાસે એમ ?’
એટલે બાજુના કેશ કાઉન્ટર પર બેસેલાં ઈરાની હોટલના ઓનર ફીરદૌસનું ધ્યાન ખેંચતા અર્જુનએ મીરાં તરફ ઈશારો કરીને બોલ્યો,
‘શેઠ, યે નમુને કે ચહેરે કા ચોકઠાં જરા ઠીક સે દેખલો ના. જબ કભી ભી આયે, ચાઈ- કોફી જો ભી માંગે પીલા કે ભગા દેના, ઔર પૈસે મેરે ખાતે મેં લીખ લેના ઠીક હૈ ?’

ફિરદૌસ પણ વર્ષોથી આ ટોળકીથી ટેવાઈ ગયો હતો એટલે તેમની મજાકમાં જોડાઈ જતો. ત્યાં મીરાંએ ફિરદૌસ તરફ ઈશારો કરીને સમજાવતા ફિરદૌસએ અર્જુનને પૂછ્યું.
‘પર, ભાઈ તુમ હો કૌન ?’
આટલું સાંભળીને સૌ ખડખડાટ હસવાં લાગ્યા.
‘સાચું કહું મીરાં, યાદ નથી પણ આજે કેટલા સમય પછી અચાનક આપણે આ રીતે મળ્યાં હઈશું. તારો મેસેજ વાંચ્યો મેં બે વખત વાંચ્યો કે, ખરેખર મીરાંનો જ મેસેજ છે ? અવની બોલી.

‘આઈ એગ્રી વિથ યુ અવની. આઈ થીંક કે.. નક્કી કંઇક તો સપ્પેન્સ છે.’
અર્જુન બોલ્યો.
‘મૌલિક તને શું લાગે છે ? મીરાંએ પૂછ્યું
‘કંઈ હોય કે ન હોય, પણ આટલા લોંગ ટાઈમ પછી મને તો સૌથી વધુ ખુશી એ વાતની છે, કે મીરાં તે આ રીતે યાદ કર્યા. મૌલિકએ જવાબ આપ્યો.
વેઈટર ત્રણ કોફી અને એક ચા મૂકીને ગયો.
‘સાચે જ મીરાં. યાદ કર એ સમય, જયારે આપણા સૌની પહેલી મુલાકાત અહીં થયેલી. શાયદ છ એક વર્ષ થયા હશે એ વાતને. ટોટલ આપણું ૧૪ ફ્રેન્ડસનું ગ્રુપ હતું ત્યારે. અરે.. યાર શું ધમાલ અને મસ્તીના દિવસો હતા એ.’
અવની કોફીનો કપ ઉઠાવતાં બોલી.

‘છ વર્ષ પહેલાં, અને આજે પણ જયારે અમે અહીં આ અડ્ડા પર આવીએ છીએ ત્યારે મીરાં તારી ગેરહાજરી અચૂક ખુંચે છે. તે અને અર્જુનએ જે ધમાલ અને મસ્તી કરી છે તેટલી આપણા ગ્રુપમાં કોઈ તેની લાઈફમાં કરી તો શું, વિચારી પણ નહીં હોય. ક્યારેક એકાંતમાં વિચારીએ છીએ તો આંખ ભરાઈ આવે છે. એ દિવસો લાઈફમાં હવે ફરી કયારેય નહીં આવે. તું તો અમારા ગ્રુપની જાન છો મીરાં.’ મૌલિક બોલ્યો

‘છું નહી હતી. હવે નહીં હોઉં.... કદાચને એવું પણ બને કે આપણી આ અડ્ડા પરની આખરી મુલાકાત હોય શકે.’ ગંભીર થઈને મીરાં બોલી

‘વાળેલી મુઠ્ઠીને ટેબલ પર પછાડીને ઊભા થતાં નારાજ અર્જુન બોલ્યો,
‘તારા મેસેજની સાથે જ મનમાં એક સેકન્ડ માટે વિચાર આવ્યો કે, આ બ્યુટીફૂલ બલા જરૂર કંઇક નવું ગતકડું લઈને આવશે. વ્હોટસ ધ પ્રોબ્લેમ યાર ?’

‘અર્જુન પ્લીઝ કૂલ. અરે.. પહેલાં મીરાંને તેની વાત તો પૂરી કરી લેવા દે યાર.’ અવની બોલી.

‘ના અવની તેને બોલવા દે. એ તેની જગ્યા એ સાચો છે. પણ, આજે હું અહીં તમારો જેન્યુન ઓપિનિયન જાણવા આવી છું.’ મીરાં બોલી.
‘ફોર વ્હોટ ?’ મૌલિકએ પૂછ્યું.
‘હું મારી કેરીઅરનું એક મહત્વનું મેજર ડીસીઝન લેવા જઈ રહી છું.’ મીરાં બોલી
‘એક એક.. મિનીટ.’ બોલીને તેના વોલેટમાંથી ૧૧૦ રૂપિયા કાઢીને ટેબલ પર મુકતા બોલ્યો,
‘આ ૧૧૧, એક રૂપિયો બાકી,’
‘એટલે બધા નવાઈ સાથે હસતાં રહ્યા અને મીરાંએ પૂછ્યું,
‘આ શું છે યાર ?’
‘તારા મેરેજમાં હું નહી આવું. આ ૧૧૧ તને ચાંદલાના આપ્યા, ચાલ એન્ટ્રી પાડીને રોકડા કરી લે.’ અર્જુનએ જવાબ આપ્યો.

‘ઓહ્હ માય ગોડ, એલા તે તો ખરેખર ભારે કરી અર્જુનીયા. તારું નામ અર્જુન પાડ્યું કોણે ? આટલા હદ બહારની થર્ડ ક્લાસ નિશાને બાજી તો કોઈ આંધળાની પણ ન હોય યાર. અને ડફોળ મેરેજ કરવા માટે હું તને પૂછું ? આર યુ મેડ?’ હસતાં હસતાં મીરાં બોલી.
‘તો હવે વધારે ફૂટેજ લીધા વગર જે બ્રેકીંગ ન્યુઝ હોય તેની ફોર જી ની સ્પીડમાં ઉદ્દઘોષણા કરવાની કૃપા કરશો.’ અર્જુન બોલ્યો.

‘મને પી.એ.ના જોબની ઓફર આવી છે.પણ.. હું એ કન્ફયુઝનમાં છું કે, હું એ જોબ માટે કેપેબલ છું કે નહી ? કેમ કે મને હજુ ૧% નિષ્ફળ જવાનો છુપો ડર સતાવી રહ્યો છે. ’
મીરાં બોલી,
‘હા, તો તું એને કહી દે જે ને કે ૯૯% સેલેરી આપે એમાં શું ? એ પણ યાદ રાખશે કે કીસ ખોપડી સે પાલા પડા થા.’ હસતાં હસતાં અર્જુન બોલ્યો.
‘પણ, જોબ ક્યાં અને કોણે ઓફર કરી છે એ કહીશ ?’ મૌલિકએ પૂછ્યું.
થોડી વાર ત્રણેયની સામે જોયા કર્યા પછી મીરાં બોલી.
‘પી.એ. ઓફ મધુકર વિરાણી,’
આંખો બંધ કરીને અર્જુનએ માથું ધુણાવ્યું. અવની અને મૌલિકના મોઢાં તો અજન્તા ઇલોરાના ગુફાની જેમ ઉઘાડા જ રહી ગયા.

અર્જુનએ ફિરદૌસને કહ્યું,
‘એ શેઠ આ હોટલ વેંચવી છે ? આ મેડમ હમણાં બેઠા બેઠા ખરીદી લ્યે એમ છે બોલો.’
‘એલી ઘેલી, તે તો હદ બહારની હદ કરી હો. આ તો કુબેર તેનો ખજાનો તારા નામે કરવા આવ્યા અને તું એમ કહે હું વિચારીને કહું એવી વાત થઇ. હવે, તારામાં કેટલો કોન્ફિડેન્સ છે એ કહું, એક દિવસ તું એ મધુકર વિરાણીને આ અડ્ડા પર ચા પીવા તાણી લાવી શકે એમ છે બોલ.’ અર્જુનનું વાક્યું પૂરું થતાં મીરાં ઊભી થઈને અર્જુનના ગળે વળગીને ચુપચાપ રડવા લાગી. એ જોઈને અવની અને મૌલિક પણ ભાવુક થઇ ગયા.

‘હેય..મીરાં કેમ રડે છે ? આજે તો ખુશીનો દિવસ છે યાર.’ અવની બોલી.
‘મને દુઃખ એ વાતનું છે કે હવે પછી હું તમને સમય નહી આપી શકું.' મીરાં બોલી
‘ઓયે..મેરી જાન.. આપ કીસકે સાથ રહેતે હૈ યે જરૂરી નહી, આપ કીસ કી યાદ મેં રહેતે હૈ યે જરૂરી હૈ. સમજી’ અર્જુન બોલ્યો.

‘એક મિનીટ.’ બોલીને મીરાંએ ચંદ્રકાન્ત શેઠને કોલ લગાવ્યો સમયની ચિંતા કર્યા વગર જ.
‘હેલ્લો, અંકલ તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય એટલે જ કોલ કર્યો છે. હવે મારા તરફથી ૧૦૦% કોન્ફીડેન્ટલી હાં છે.’
‘મને ખાતરી હતી જ. ઠીક છે હું હમણાં જ તેમને અપોઇન્ટમેન્ટ માટેનો મેઈલ કરી દઉં છું. બાકીની વાત સવારે ઓફીસે આવીને કરીએ.’
‘જી’ અંકલ.
‘ગૂડ નાઈટ.’
‘ગૂડ નાઈટ અંકલ.’
એ પછી ચંદ્રકાન્ત શેઠ ખરેખર ઘસઘસાટ ઊંઘી ગયા.
એ પછી મોડે સુધી ચારેય એ ખુબ ધમાલ મસ્તી કર્યા પછી છુટ્ટા પડ્યા.

અર્જુન સૌથી વધુ ખુશ હતો. જે દિવસે મિહિરનો ધડાકો થયો તે દિવસ અને ત્યાર પછીની મીરાં હાલત જોઇને અર્જુનને વિશ્વાસ નહતો બેસતો કે આ એ જ મીરાં છે ? સમયના અનંત મહાસાગરમાં મીરાં હવે એટલે દુર નીકળી ગઈ હતી કે મિહિરનું અસ્તિત્વ મીરાં માટે તન અને મનના એક ઊંડા જખમના રુજાયેલા દાગથી વિશેષ કશું જ નહતું. એ ભયાનક વંટોળ જેવા વાવાઝોડા માંથી મીરાં સહીસલામત બહાર આવીને આજે જિંદગીની એક અનેરી સિદ્ધિને આંબાવા જઈ રહી છે એ વિચારીને અર્જુનની આંખ ભરાઈ આવી.


રોજિંદા સમય કરતાં આજે મીરાં એક કલાક પહેલાં ઓફીસ જવા માટે તૈયાર થઈને વૈશાલીબેન સામે બેસી ગઈ હતી.
‘મમ્મી, ફાઈનલી રાત્રે મેં ચંદ્રકાન્ત શેઠને કોલ કરીને જોબ ઓફર એક્સેપ્ટ કરું છું એવું કહી દીધું.’
વૈશાલીબેનના ચહેરા અને ચિત પર એક અદમ્ય આનંદની ઠંડી લહેર પ્રસરી ગઈ.
‘મને હતું જ કે આ લક્ષ્યવેધનો પડકાર તું ઝીલીને જ જંપીશ. બસ સમજી લે કે આગળ જતા આ નિર્ણય તારી લાઈફનો સૌથી સુખદ અને મેજર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈને રહેશે. આ તારી એકલવ્ય જેવી અડગ તપસ્યાનું ફળ છે એમ સમજી લે દીકરા.’

હજુ મીરાં કંઇક બોલવા જાય ત્યાં જ ચન્દ્રકાન્ત શેઠનો કોલ આવ્યો.
‘ગૂડ મોર્નિંગ દીકરા.’
‘ગૂડ મોર્નિંગ અંકલ, જય શ્રી કૃષ્ણ.’
‘સાંભળ મીરાં, આજે ૩:૪૫ પી.એમ.ની કન્ફર્મ અપોઈન્ટમેન્ટનો મેઈલ આવ્યો છે.
તારા ટોટલી ડોક્યુમેન્ટ્સ અને હાઈ ક્લાસ કોર્પોરેટ સેકટરના ડ્રેસકોડનો તો તને ખ્યાલ જ હશે. એ પરફેક્ટ જોઇશે. બીકોઝ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન. હું એવું ઈચ્છું કે આપણા તરફથી કોઈ કચાસ ન રહે. વૈશાલીબેન વાત કરી શકે એમ હોય તો તેમને ફોન આપ.’
મીરાંએ કોલ વૈશાલીબેનને આપતાં બોલ્યા
‘જય શ્રી કૃષ્ણ. મારા શબ્દો યાદ આવે છે, બેન ?’
‘હા, એક એક શબ્દ યાદ છે. પણ આ તમારા આશિર્વાદ અને અમીદ્રષ્ટિની કૃપા છે શેઠ,’
‘મારા નહી, મીરાંની મહેનત, તમારાં પરિવારના સંસ્કાર અને ઉપરવાળાની દયા.
તે દિવસે મીરાં પેંડા લઈને આવી હતી આજે તમારો વારો છે.’ બોલીને ચન્દ્રકાન્ત શેઠ હસવાં લાગ્યા.
હર્ષોલ્લાસથી છલકાતી આંખે વૈશાલીબેન બોલ્યા.
‘અરે..આ ખુશી માટે તો આપને આજીવન પેંડા ખવડાવું તો પણ ઓછુ પડે શેઠ.’
‘દીકરી સુખી થાય એથી વધુ આપણને બીજું જોઈએ પણ શું ? ઠીક છે, પછી નિરાંતે મળીએ. જય શ્રી કૃષ્ણ.’
‘એ, જય શ્રી કૃષ્ણ.’ વૈશાલી બેન બોલ્યા.
‘મમ્મી આજે ૩:૪૫ની અપોઈન્ટમેન્ટ છે. હું ફટાફટ બધી તૈયારી કરી લઉં.’
૨૦ મિનીટમાં બધા જ ઈમ્પોર્ટન્ટ ડોકયુમેટેશનની પરફેક્ટ પ્રીપેરેશન કરીને પપ્પા બળવંતભાઈની તસ્વીરને પ્રણામ કરી વૈશાલીબેનના ચરણ સ્પર્શ કરી ગળે વળગીને મીરાં નીકળતી હતી ત્યાં જ વૈશાલીબેન બોલ્યા,
‘એક મિનીટ’ બોલીને કિચન માંથી વાટકીમાં દહીં લાવીને એક ચમચી મીરાંના મોઢાં માં મુકતા બોલ્યા,
‘હા, હવે આરામ થી જા.’
મીરાંના આંખોની કોર ભીની થઇ ગઈ.



લંચ બાદ ચેન્જ કરીને મીરાં ફરી તેના ફર્મમાં ઠીક ૩ વાગ્યે એન્ટર થઇ ત્યારે તેનો ટોટલી ડીફરન્ટ લૂક જોઈને સૌ સ્ટાફ મેમ્બર્સ દંગ રહી ગયા. નેવી બ્લ્યુ કલરના ટ્રાઉઝર સાથે મેચિંગ લેટેસ્ટ ડીઝાઇનનો બેલ્ટ, ફૂલ સ્લીવ ફુલ્લી વ્હાઈટ શર્ટ ઉપર સેમ ટ્રાઉઝર કલરના બ્લેઝરમાં, ખુલ્લાં રેશમી વાળને સરખા કરતી સીધી ચન્દ્રકાન્ત શેઠની ચેમ્બરમાં જતી રહી.

થોડીવાર મીરાંને જોઇને શેઠ બોલ્યા,
‘મને લાગે છે કે તને જોઇને મધુરક વિરાણી જોબ જોઈન કર્યા પહેલાં જ તને આજે પ્રમોશન આપી દેશે.’ એ પછી બંને હસવાં લાગ્યા.’
‘હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. ચલ આપણે ફટાફટ નીકળીએ. તું કંઈ ભૂલતી તો નથી ને ?’
‘ના, અંકલ.’
બન્ને શેઠની કારમાં બેસતાં,
મીરાં બોલી,
‘છતાં પણ હજુ ૦૦૦૦૦.૧% ડર તો લાગે જ છે અંકલ.’
પાર્કિંગ માંથી મેઈન રોડ પર કાર લેતા શેઠ બોલ્યા.
‘તું એને ક્યારેય મળી છો ?’
‘મળી ? મેં તેમને ફક્ત તસ્વીરમાં જ જોયા છે.’
‘સાવ સિમ્પલ અને ડાઉન ટુ અર્થ માણસ છે. પણ હા, કામની બાબતમાં સ્ટ્રીક ખરા.’ કામ પ્રત્યે સતર્ક અને અને નિપુણ વ્યક્તિ તેનું દિલ આસાનીથી જીતી શકે.’ તે વર્કોહોલીક વ્યક્તિ છે. તેનું ધ્યાન સતત અર્જુનની માફક તેના લક્ષ્ય પર જ હોય.’

૩:૨૫ મિનીટ એ ચન્દ્રકાન્ત શેઠની કાર ૧૧ માળના વિશાળ અને અત્યંત વૈભવશાળી
‘ વિરાણી હાઉસ ’ના પાર્કિંગ ગેઇટ પાસે ઊભી રહી. સિક્યુરીટી ગાર્ડએ તેની ફોર્માલીટી પૂરી કરીને આગળ જવા સૂચના આપી.’


બેઝમેન્ટમાં કાર પાર્ક કર્યા પછી લીફ્ટમાં એન્ટર થતાં પહેલાં બન્નેનું સિક્યુરીટી ચેકિંગ કરાયું. બન્ને લીફ્ટ મારફતે ૧૧માં માળે આવી પહોચ્યા.
હળવેકથી મીરાંએ શેઠને પૂછ્યું,
‘આપણે ઇન્ડિયામાં છીએ કે વિદેશમાં ?’
‘મારી તો ખબર નથી પણ તું એક મહિના પછી વિદેશમાં જરૂર હોઈશ.’
હળવેકથી શેઠએ કહ્યું.
એક વિશાળ લોન્જના મધ્યમાં આવેલાં એક રાઉન્ડ રીસેપ્શન કાઉન્ટર પર જઈને ડીટેઈલ આપતાં રીપ્લાય આપ્યો કે ત્યાં સામેના વિઝીટર રૂમમાં આપ બેસો.’
રૂમમાં એન્ટર થતાં જ મીરાંને એમ થયું કે ક્યાંય દાગ ન પડી જાય. વર્લ્ડ ક્લાસ ટોટલી ઈમ્પોર્ટેડ ફર્નીચર અને ઇન્ટીરીઅરથી રૂમની સજાવટ અને ભવ્યતા જોઇને થોડીવાર તો મીરાંને એમ થયું કે સપનું જોઈ રહી છે કે હકીકત.’

૩:૪૦ એ એક યંગ લેડીએ વિઝીટર રૂમમાં એન્ટર થઈને બોલી.
‘મિ.ચંદ્રકાન્ત એન્ડ મીસ.મીરાં. પ્લીઝ કમ વિથ મી.’

મીરાં એક ઊંડો શ્વાસ ભરીને ચંદ્રકાન્ત અને પેલી લેડીની સાથે ચાલવા લાગી.
ફરીથી બંનેને ડીજીટલી સિક્યુરીટી ચેકના દરેક મધ્યમ માંથી પસાર કરાયા.
ત્યાર પછી એક પેસેજ પાસ કરતાં પેલી લેડીએ ચેમ્બરના ડોરની સાઈડની પેનલ પરના ડીઝીટલ ડિસ્પ્લેના કી બોર્ડ પર પાસવર્ડ એન્ટર કર્યાના પાંચ સેકન્ડ પછી ડોર ઓપન થતાં સૌ એક વિશાળ ટેનીસ કોર્ટ જેવડી સાઈઝના સેવન સ્ટાર હોટેલની ભવ્યતાને ટક્કર મારે તેવી મધુકર વિરાણીની પર્સનલ ચેમ્બરમાં એન્ટર થયા.

મીરાંનું ધ્યાન ફક્ત સામેની ચેર પર જ હતું.

ગ્રે કલરના શૂટમાં મેચિંગ ટાઈ સાથે, સાધારણ હાઈટ અને સામાન્ય દેખાતા ચહેરાની વ્યક્તિને જોતાં વેત જ મીરાંને એક સેકંડ માટે એમ થયું,’ આ મધુકર વિરાણી છે ?

‘હાઈ, શેઠ વેલકમ પ્લીઝ સીટ.’ અને મીરાંની સામે ઈશારો કરીને બેસવાનું કહ્યું.
એટલે મીરાં પણ શેઠની બાજુની ચેરમાં બેઠી.’
બન્નેની ઓળખાણ કરાવતા શેઠ બોલ્યા.
‘આ છે વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મિ.મધુકર વિરાણી અને આ છે મીસ.મીરાં રાજપૂત.’
એટલે મીરાં એ ઉભાં થઈને સ્હેજ ઝૂકીને મધુકર વિરાણી સામે હાથ લંબાવતા બોલી,
‘હેલ્લો, સર.’
‘હાઈ.’ મધુકર બોલ્યો.

‘પ્લીઝ, યુ બોથ ગો વિથ ધીઝ યંગ લેડી. વી વીલ ટોક અબાઉટ લેટર.’

મધુકરએ સાથે આવેલી લેડીને ઈશારો કરતાં પેલી લેડી બોલી,
‘સર, મેડમ પ્લીઝ કમ વિથ મી.’

માત્ર બે જ મીનીટમાં બહાર ? મીરાંને તો ખુબ જ અજુગતું લાગ્યું.
બહાર આવીને પેલી લેડીએ ફરી તેમને વિઝીટર્સ રૂમમાં બેસવાનું કહ્યું.

રૂમમાં આવીને ધીમેકથી મીરાંએ પૂછ્યું શું થયું અંકલ ? મારું થોબડું પસંદ ન આવ્યું કે ? ઓન્લી ટુ મિનીટમાં બહાર ? કંઈ સમજાયું નહી.’

-વધુ આવતાં અંકમાં.


© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.