kahi aag n lag jaaye - 3 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 3

પ્રકરણ- ત્રીજું/૩

કોલ કટ થયાં પછી મીરાંએ તેના દિમાગમાં મિહિર સાથેની વાતચીત દરમિયાન બારીકાઇથી જે વાતની વિશેષ નોંધ કરી હતી તેના વિશે વિચારતી રહી.
મિહિર સાથેના ટેલીફોનીક સંવાદ સત્સંગ પરથી તે કોઈ ટીપીકલ ટેક્ષી ડ્રાઈવર હોય તેવો કોઈ ટોન કે ભાષાનો અણસાર નહતો આવતો. તેની ભાષાશુદ્ધિથી પણ મીરાં થોડી પણ પ્રભાવિત થઇ. આટલી વાતચીત પરથી મીરાંએ મનોમન એટલું તો સચોટ તારણ કાઢ્યું હતું કે.... મિહિર ઝવેરી માત્ર ટેક્ષીચાલક તો નથી જ.

થોડો સમય રહીને તેના બેડરૂમમાંથી નીચે કિચનમાં આવીને મીરાંએ મનગમતી રસોઈ બનાવી. મીરાને માત્ર રસોઈ નહી પણ, સ્વાદિષ્ટ રસોઈ બનાનાવાનો જબરો શોખ ખરો. અને એ પણ એવી પૂર્વશરત સાથે કે કોઈપણ રેસીપી માટે સંપૂર્ણ સામગ્રી હાથવગી હોય તો જ કોઈ વાનગી બનાવવાનો મૂડ આવતો. સ્વાદ સાથે સમાધાન કરવા કરતાં તે ભૂખ્યા રહેવું વધુ પસંદ કરતી. રસોઈમાં કોઈપણ વાનગી બનાવતા સમયે કંઈપણ ખૂટતી સામગ્રીની અવેજીમાં કઈ ચાલવી લેવું એટલે અસ્સલ સ્વાદપ્રકૃતિને તેના પર્યાયની અવેજીમાં પરાણે કોઈના ગળે ઉતર્યા પછી સ્વના અહંના આત્મસંતોષને પોષવા ખાતર અન્યના પંડમાંથી સંતુષ્ટિના ઓડકારની અપેક્ષા રાખવી એ મીરાંની માન્યતા મુજબ જાણે કે કોઈ અક્ષ્રમ્ય અપરાધ કરવાં બરોબર લાગતું.
લંચ લીધા પછી વૈશાલીબેનને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપ્યા બાદ ઘરના નાના મોટા કામ આટોપીને મીરાં તેના રૂમમાં આવીને સૂતા પછી બપોરની ઘોર નિંદ્રા માંથી ઉઠતાં જયારે આંખ ઉઘાડીને જોયું તો સમય સાંજના ૬/૨૫. હજુ પણ બેડ પરથી ઉઠવાની ઈચ્છા નહતી થતી પણ આળસ તેને ઘેરી વળે એ પહેલાં ઉઠી શાવર બાથ લઈને ફટાફટ ફ્રેશ થઈને નીચે આવતાં વૈશાલીબેનએ મીરાંના ટેસ્ટ મુજબની કડક, મીઠી, મસાલેદાર ચા નો મગ ટીપોઈ પર મૂકતાં પૂછ્યું,
‘મીરાં કઈ ભાળ મળી પેલા ટેક્ષી વાળાની ?
ટોવેલમાં બાંધીને વીંટેલા ભીનાં કેશને ખુલ્લાં કરતાં મીરાં બોલી,
‘હા .મમ્મી વાત થઇ ગઈ છે, તે દિવસે મને જે કોલેજ ડ્રોપ કરી ગયો હતો એ જ વ્યક્તિ છે,’
‘અરે.. આ તો કેવું જોગાનુજોગ કહેવાય નઈ ? શું નામ છે તેનું ?
આશ્ચર્ય સાથે વૈશાલીબેન બોલ્યા.
‘મિહિર ઝવેરી.’ મીરાં એ કહ્યું
‘ભલો ઇન્સાન લાગે છે.’ વૈશાલીબેન બોલ્યા
હા, પણ સામાન્ય રીતે કેવું હોય છે મમ્મી, કે આપણે સૌ, કોઈપણ અપરિચિત વ્યક્તિને તેના વ્યવસાય વિશે સાંભળેલી કે અધકચરી માહિતીના સ્ત્રોત પરથી તેના વ્યક્તિત્વ અને માનસિક સ્તર અંગે બાંધેલી ગ્રંથિથી સજ્જડ રીતે સંકળાયેલા હોઈએ છીએ. પણ ક્યારેક કોઈ’ક અપવાદ પણ હોઈ શકે. અત્યારે તો આ વ્યક્તિને હું અપવાદ રૂપે જોઈ રહી છું’
ચા નો મગ ખતમ કરતાં કરતાં મીરાં બોલી.

‘તારી વાત સાચી છે, હોઈ શકે કોઈ એવું, લાખોમાં એક. અચ્છા મીરાં, માતાજીની આરતીનો સમય થયો છે તો હું દીવા,બત્તી કરી લઉં.’

‘ઠીક છે મમ્મી, હું થોડીવાર મારાં રૂમમાં જાઉં છું.’
એમ બોલતા મીરાં તેના રૂમમાં દાખલ થઈને તેના બૂકસેલ્ફમાં ગોઠવેલા કલેક્શનમાંથી તેની અધુરી રહી ગયેલી વિજયશ્રી તનવીરની
‘અનુપમા ગાંગુલી કા ચૌથા પ્યાર’ લઈને બેડ પર આડી પડી. હજુ માંડ દશેક પેઈજ વાંચ્યા હશે ત્યાં.. તેના ફ્રેન્ડ અર્જુનનો કોલ આવતાં રીસીવ કરતાં બોલી,

‘હાઈ અર્જુન.’
‘હાઈ, શું કરે રાણી જોધાબાઈ ?’
‘હમ્મ્મ્મ....અત્યારે તો જોધાબાઈ પરકાયા પ્રવેશ કરીને જુલીએટના પંડમાં ઘૂસીને બેડ પર પડ્યા પડ્યા પ્રેમકહાની વાંચે છે બોલ. અરે જસ્ટ નોવેલ લઈને વાંચવાનું સ્ટાર્ટ કર્યું ને તારો કોલ આવ્યો. બોલ કેમ યાદ કરી ?’
‘યાદ નહી, એલર્ટ રહેવા કોલ કર્યો છે, મિસ.યુનિવર્સ.’
‘એલર્ટ ? ફોર વ્હોટ ? શાંતિથી મીરાંએ પૂછ્યું
‘તારા અપહરણનું પ્લાનિંગ ઘડાઈ રહ્યું છે.”
‘ઓહ.. માય ગોડ રીયલી ? અરે પરંતુ.. કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર ?
‘અરે.. યાર, હી ઈઝ એ કીડનેપર, નોટ એ સેલ્સમેન કે તને સેમ્પલ કે ટ્રીઝર બતાવે સમજી. મેં તને જસ્ટ એલર્ટ રહેવા માટે કોલ કર્યો છે બસ.’
અર્જુનના ટોન પરથી અંદાજો લાગવીને મીરાં બોલી,
‘તારી વાત સાંભળીને હવે ખરેખર સાચે સાચું કહું, અર્જુન ?
‘હા.. હા.. બોલ ધબકારા વધી ગયા કે પરસેવો છુટ્ટી ગયો.’
એક્સાઈટ થઈને અર્જુનએ પૂછ્યું
‘અરે ના યાર, મારા દિમાગમાં પણ આજે કંઇક આવો જ ખુરાફાતી આઈડિયા આંટા મારી રહ્યો છે કે, કાશ....મને કોઈ સારી ઓફર આપે તો સ્વેચ્છાએ કીડનેપ થઇ જવાના મૂડમાં છું બોલ.’
‘અરે.. યાર તે તો મારા મિશન સેટેલાઈટના સસ્પેન્સનું સૂરસૂરયું કરી નાખ્યું.’
મીરાંને ગભરાવી દેવાના પ્લાનમાં ફેઈલ થઇ જતાં હતાશ થઈને અર્જુન બોલ્યો
‘પણ, બચ્ચા તે હોમવર્ક બરાબર નથી કર્યું તો આવું જ થાય ને, તારે કિડનેપ કરવો છે દાઉદને અને તારો ટોન છે રાજપાલ યાદવ જેવો તો પછી બકા કેમનો મેળ પડે તારો.’
આટલું બોલીને મીરાં ખડખડાટ હસવા લાગી.
‘અચ્છા અચ્છા ઠીક હવે ડોન્ટ બી ઓવર સ્માર્ટ ઓ.કે. બી રેડ્ડી એટ શાર્પ ૯:૩૦ ફોર કિડનેપર.’
હસતાં અર્જુન બોલ્યો.
‘મોસ્ટ વેલકમ ડીયર.’ મનોમન હસતાં મીરાંએ રીપ્લાય આપ્યો.
‘અને સાંભળ મીરાં, સાથે સાથે એક બીગ સરપ્રાઈઝ પણ છે,’
‘હ્મ્મ્મમ્મ્મ.. આઈ થીંક કે આ વાતમાં કઈંક દમ લાગે છે.’ મીરાં બોલી
‘યસ, હવે તું સાચું અનુમાન લગાવી જાણે તો તને હું માનુ બોલ ? અર્જુન એ કહ્યું
‘પણ અર્જુન, મને રહસ્યમાં રાચવું ગમશે. આમ પણ માનસિક વ્યાયામની મારા કરતાં તને વધુ જરૂર છે સમજ્યો.’હા .. હા.. હા..’ હસતાં હસતાં મીરાં એ જવાબ આપ્યો અને અર્જુનએ કોલ કટ કર્યો.

ડીનર કરતાં કરતાં મીરાંએ વૈશાલીબેનને કહ્યું કે,
‘૯ વાગ્યા પછી અર્જુન આવશે હું તેની સાથે જઈ રહી છું. નીકળીને હું તને જાણ કરું કે અમને પાછા ફરતાં કેટલો સમય લાગશે. પણ તું મારી રાહ ન જોઇશ સમયસર સુઈ જજે.’
‘કેમ અચાનક ? કંઈ ખાસ આયોજન છે, ? વૈશાલીબેન એ પૂછ્યું.
‘કંઈક છે તો ખરું પણ સાચું કહું મમ્મી મને કંઈ જ ખબર નથી.’
‘ગમે તે કહે મીરાં પણ મને તારા મિત્રો પર પણ તારા જેટલો જ ગર્વ છે.’
‘એ તો, મમ્મી હું માનું છે કે ઈશ્વરે મને અંગત પ્રાધાન્યના ફરમાન સાથે વરદાનમાં આપેલી મિરાત છે.મારી આન, બાન અને શાનની સાથે સાથે મારાં આંખ, હૈયું ને કાન છે. અચ્છા મમ્મી હું તૈયાર થઈને હમણાં આવી.’

સમય થયો ૯:૨૦ ડીનર લઈને વૈશાલીબેન કોમ્પુટર પર તેના એકાઉન્ટને લગતા કામમાં વ્યસ્ત હતા અને મીરાં બ્લેક કલરના પ્લાજો ઉપર બ્લેક કલરના સ્લીવલેસ બ્લાઉઝ પર ની લેન્થ સુધીની યલ્લો બોર્ડર સાથેની ફૂલ લેન્થ સ્લીવની ટ્રાન્સપરન્ટ કોટીના ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસમાં આજે મીરાં કઈંક ડીફરન્ટ જ લૂક અને મૂડમાં હતી.
ઠીક પાંચ થી સાત મિનીટ બાદ ગેઇટ પાસે કાર સ્ટોપ કરીને અર્જુનએ હોર્ન વગાડીને આવી ગયાની જાણ કરતાં, મીરાં બોલી.
‘ચલ મમ્મી હું નીકળું છું. બસ થોડી જ વારમાં કોલ કરું છું.’
‘સાચવજે દીકરા.’
બહાર આવીને મીરાં કારમાં અર્જુનની બાજુની સીટમાં ગોઠવાઈ એટલે મીરાંએ પૂછ્યું,
‘એ અર્જુન સૌથી પહેલાં એ કહે કેટલો સમય લાગશે ? એટલા માટે કે હું મમ્મીને ટાઈમ આપી દઉં તો એ મારી રાહ ન જુએ.
‘આશરે ત્રણથી ચાર કલાક તો ખરા જ.’ અર્જુન બોલ્યો
એટલે મીરાં એ વૈશાલીબેનને એ રીતે કોલ કરીને જાણ કરી દીધી.

એ પછી જે સ્ટાઈલથી મીરાંને એકીટશે જોઈને મનોમન હંસતા અર્જુનને નવાઈ સાથે
મીરાંએ પૂછ્યું,
‘ઓયે, તું જે અદાથી જુએ છે એ તો ઠીક છે પણ હસે છે કેમ એ કહે તો પહેલાં મને ?’
‘શું કામ હસું છું એ કહેવાની તો અત્યારે એકલો છું એટલે હિંમ્મત નથી. પણ તને જોઇને આજે કિડનેપર જરૂર બેહોશ થઇ જશે એ તો સ્યોર છે.’
કાર સ્ટાર્ટ કરીને મેઈન રોડ પર લાવતાં અર્જુન એ જવાબ આપ્યો.
‘અચ્છા હવે બોલ, મારા રાજપાલ યાદવ, ક્યાં, અને કેટલા દિવસ માટે કિડનેપ કરવાની છે ?’
‘બસ, આપણે અડ્ડા પર પહોંચીએ ત્યાં સુધી ૧૫ થી ૨૦ મિનીટ વેઇટ કર.’
‘ઓહ.. મતલબ બધાં એ ભેગા મળીને કઈંક કારસ્તાન રચ્યું છે એમ ?’
‘આમ પણ કોઈ એકલુ તારી જોડે પંગો લેવાની હિંમત પણ કોણ કરે ?’
‘કોણ કોણ છે એ તો કહે ? ’
‘મને કોઈ જ આઈડિયા નથી. મને તો ફક્ત તને કિડનેપ કરીને સહી સલામત પહોંચડાવાની જવાબદારી સોપાઈ છે, બસ.’ બિન્દાસ થઈને અર્જુન બોલ્યો
‘અલ્યા તો તું કોના ઈશારે આ કારસ્તાન કરવા ઉપડી પડ્યો છે ?’ મીરાં એ પૂછ્યું
‘મને તો અનનોન નંબર પરથી ધમકીના ટોનમાં કોલ આવ્યો હતો કે તને કિડનેપ કરીને ઠેકાણે લગાવવાની છે.’ અર્જુન તેની મસ્તીમાં બોલ્યો.
‘અચ્છા ઠીક છે, મારું તો હું ફોડી લઈશ પણ જો કંઈ આડું ફાટ્યું તો આજે તું તો મર્યો સમજી લે જે.’ મીરાં એ પણ સાવ નિશ્ચિંત થઇને જવાબ આપ્યો
ઠીક પાંચ મિનીટ પછી ઠીક અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા કાર સ્ટોપ કરીને અર્જુનએ ઈશારો કરતાં જેવા બંને કારની બહાર આવ્યાં ત્યાં જ....
અવની, ઉત્પલ, નિમિત, મૌલિક શ્વેતા અને અર્જુન સૌ ચીચયારી સાથે મીરાંને ઘેરી વળ્યા ત્યાં અર્જુનને સંબોધીને મીરાં બોલી,
‘આ દેઢ ફૂટયો જે રીતે કારમાં રટેલા ડાયલોગ્સ બોલતો હતો તેના પરથી મને શંકા તો હતી જ આજે જરૂર કંઇક યુનિક અને સંયુક્ત સાહસ સાથેનું કોઈ કાવતરું ગોઠવાયું છે, પણ અલ્યા હવે તો કહો કે શું છે ?

‘હજુ ઠેકાણું નથી આવ્યું મીરાં, આ તો નેક્સ્ટ પીક-અપ પોઈન્ટ હતો. ચલો ચલો સૌ બેસો કારમાં એટલે ફટાફટ નીકળ્યે.’ મૌલિક બોલ્યો.

મીરાંના ક્લોઝ ફ્રેન્ડ સર્કલમાં અર્જુન અને મીરાં બન્નેના એકબીજા પ્રત્યેના સમજણની સપાટીનું અંતર લગભગ શૂન્યતાની લગોલગ હતું. કોઈપણ હદની મજાક યા ગંભીર મુદ્દા માટેની વાર્તાલાપના અંતે પણ બન્નેએ એકબીજા વચ્ચે સ્હેજે કયારેય કોઈ ખટરાગ, અણગમો કે મનભેદને સ્થાન નહતું આપ્યું.

મૌલિક અને અર્જુન બન્નેની કારમાં સૌ ગોઠવાઈ ગયા અને પાચ થી સાત મીનીટના ડ્રાઈવ પછી બન્ને કાર જેવી રંગભવન નાટ્યગૃહના પાર્કિંગમાં સ્ટોપ થઇ ત્યાં જ મીરાં બોલી.
‘ઓહ.. તો આ છે તમારું સરપ્રાઈઝ એમ.’
બન્ને કારમાંથી ઉતરીને સૌ નાટ્યગૃહના કેમ્પસમાં એન્ટર થયા ત્યાં અર્જુન બોલ્યો.
‘અરે મીરાં તું બસ જોયા કર આજે તો તારા માટે સરપ્રાઈઝની પૂરી સીરીઝ પ્લાન કરી છે.’
‘અરે પણ આ આઈડિયા છે કોનો.’ મીરાં એ પૂછ્યું
‘હજુ એ નક્કી કરવાનું બાકી છે.’ અવની બોલી.
‘ફર્સ્ટ સરપ્રાઈઝ, આજે આ એ નાટક છે કે જેની સ્ટોરીનું તે નાટકની સ્ક્રિપ્ટમાં રૂપાંતરણ કર્યું છે. સેકન્ડ સરપ્રાઈઝ, આજે આ નાટકનો ફર્સ્ટ શો છે અને એ પણ ઓન્લી ફોર સ્પેશિયલી ઇન્વાઇટીઝ ઓડીયન્સ માટે જ. અને થર્ડ સરપ્રાઈઝ... ‘ હજુ ઉત્પલ વાક્ય પૂરું કરવા જાય ત્યાં જ અર્જુન બોલ્યો.
‘એ.. એ...અરે યાર એ હમણાં રહેવા દે કયાંક એના ધબકારા વધી જશે તો પડદો ખુલતા પહેલાં જ પડી જશે.’
અને એ સાથે સૌ ખડખડાટ હસ્યાં.

એક મહિના પહેલાં અર્જુન એ તેના ફ્રેન્ડના પ્લે પ્રોડક્શન માટે મીરાંને એક રફ સ્ટોરીને એક પરફેક્ટ નાટકની સ્ક્રિપ્ટના ફોરમેટમાં લખી આપવાની જવાબદારી સોંપી હતી. તે નાટકનું આજે તખ્તા પર પ્રથમ મંચન હતું અને પ્રોડક્શન હાઉસએ સરપ્રાઈઝના રૂપમાં મીરાંને નાટકની સ્પેશિયલ ક્રેડીટ આપવાનું નક્કી કર્યું હોવાથી આ વાતથી મીરાંને અજાણ રાખીને તેના ફ્રેન્ડ સર્કલએ અત્યાર સુધી આ રીતે મજાકમાં વાતોમાં વળગાળીને મીરાંને અહીં સુધી લઇ આવ્યા હતા.

હોલમાં એન્ટર થઈને બેક સ્ટેજમાં જઈને અર્જુનએ પૂરી પ્રોડક્શન ટીમ સાથે મીરાંનો પરિચય કરાવ્યો. પ્રથમવાર બેકસ્ટેજની ગતિવિધિથી અવગત થઈને મીરાં રોમાંચિત થઇ ગઈ. થર્ડ બેલ વાગ્યો એટલે હોલમાં આવ્યા પછી સૌ શહેરના અગ્રણી વી.આઈ.પી. નાટ્ય જગતની તમામ હસ્તીઓની સાથે મીરાં તેના ફ્રેન્ડસર્કલ સાથે બેઠકની પ્રથમ હરોળમાં ગોઠવાયા અને અચાનક જ ઠીક પડદો ઉંચકાયાની ૧૦ સેકન્ડ્સ પહેલાં જ મીરાંની નજર ફર્સ્ટ રો માં તેનાથી થોડે દુર બેસેલાં મિહિર ઝવેરી પર પડતાં જ મીરાંને ખુબ જ નવાઈ લાગી.

સ્ટેજ પણ પ્લેના દ્રશ્યો ભજવાઈ ને બદલાઈ તેની સાથે સાથે મીરાંએ તેના માનસપટલ પર એક પછી એક સર્જાતી કંઇક વિચારોની હારમાળાને હાલ પુરતી સ્થગિત કરીને નાટકમાં ધ્યાન પોરવ્યું.

જેમ જેમ નાટક ભજવાતું ગયું તેમ તેમ તેના જ શબ્દચિત્રને નજર સમક્ષ જીવંત થતાં જોઇને મીરાંની આંખોની કોર ભીની થઇ ગઈ. આ મીરાંનો પ્રથમ અનુભવ હતો.

એ પછી જયારે મધ્યાંતરમાં મીરાં તેની બેઠક પરથી ઉઠીને હજુ મિહિર તરફ જાય એ પહેલાં મિહિર બેક સ્ટેજમાં જતો રહ્યો હતો. હવે મીરાંએ અંત સુધી રાહ જોવાનું મુનાસીબ સમજ્યું.

હવે મીરાંના વિચારતંતુનો અંત નાટકના અંત સાથે જ આવવાનો હતો.

જાનદાર અભિનય, લાઈટ્સ, સંવાદ, મંચ સજ્જા, સંગીત અને નાટકનું સૌથી અગત્યનું અને મહત્વનું જમા પાસું કહી શકાય તેવા તેની કથાવસ્તુ દ્વારા શરુઆતથી અંત સુધી જકડીને રાખેલા પ્રેક્ષકગણ એ જયારે દ્વિઅંકી નાટકના બીજા અંકના અંતે પડદો પડતાં જ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે નાટ્ય પ્રસ્તુતિનું અભૂતપૂર્વ અભિવાદન કરતાં ટોટલી ઓડીયન્સના સતત પાંચ થી સાત મિનીટ્સ સુધીના તાલબદ્ધ તાળીઓના ગડગડાટ અને આફરીન આફરીનના પોકારોથી રંગભવનના હોલને ગુંજતો કરી દીધો.

સંચાલક તરફથી પાત્ર પરિચય અને નાટકસર્જન વિશે જાણકરી આપતાં સૌ દર્શકો એ ફરી પોતાની બેઠક પર સ્થાન લીધું.

આ નાટક સાથે સંલગ્ન તમામ પાસાઓ અને કલાકારના પરિચય પછી અને અંતે બાકી રહ્યું નાટકનું સૌથી સશક્ત અને આધારસ્તંભ ગણી શકાય એવું પાસું તેની સ્ટોરીલાઈન. પ્રેક્ષકગણને અવિરત તાળીઓના અભિવાદનથી લેખકને સહર્ષ વધાવવાનું આહ્વાન આપ્યા પછી નાટ્યલેખકને સ્ટેજ પર આવવાની અરજ કરતાં નાટય નિર્માતા સમીર શાહ તરફથી મોટા અવાજે નામ જાહેર કરાયું.....
‘શ્રી મીરાં રાજપૂત’

‘અચાનક જ એક સાથે બે થી ત્રણ લાડવા મોંમાં જતા રહે એવડા મોટા પોહળા ગયેલા મોં ને બન્ને હથેળીઓથી મીરાંએ કવર કર્યું. એ સાથે અગિયાર હજાર વોલ્ટના વીજળી જેવા સુખદ આંચકાના આશ્ચર્ય સાથે પોહળી થઇ ગયેલી મીરાંની નજરોનો નજારો પણ જોવાલાયક હતો.
હળવેકથી મીરાં તેની બેઠક પરથી ઊભી થઈને સ્ટેજ પર જઈ સમગ્ર નાટ્યટીમની હરોળની વચ્ચે આવીને ઊભી રહે ત્યાં સુધી સળંગ તાળીઓથી પ્રેક્ષકગણ તેનું અભિવાદન કરતું રહ્યું.

અચાનક આશ્ચર્યજનક અભિવાદનની અને અનેક લાગણીઓના અનુભતિની સાથે સાથે અત્યંત આનંદવિભોરથી અભિભૂત થયેલી મીંરાએ આંખના ખુણે આવેલા અશ્રુઓને ટચલી આંગળીએ ટેકવીને, ઓડીયન્સ તરફ ઝુકીને બન્ને હાથ જોડીને નમન કરીને આભાર માનતા માત્ર એટલું જ બોલી શકી.
‘થેંક યુ સો મચ.’
ફરી એ જ ગર્મજોશીથી તાળીઓનો લાગલગાટ ગડગડાટ.

મીરાંનું ધ્યાન મિહિરની બેઠક તરફ ગયું પણ એ ત્યાં નહતો.

પડદો પડતાં જ સૌ મિત્રો મીરાંને ગળે વળગવા રીતસર તૂટી પડ્યા. મીરાં હજુયે આવડા મોટા સુખદ આઘાતને માનસિક રીતે પચાવવા માટે સમર્થ નહતી. નાટકની ટીમના દરેક કલાકાર અને સભ્યો સાથે એક પછી એક હેન્ડશેક કરીને મીરાંને ધન્યવાદ અને અભિનંદનની સરવાણીથી જે રીતે વધાવી રહ્યા હતાં તે જોઇને
મીરાંને એવો ભાસ થતો હતો કે જાણે તે કોઈ ઉઘાડી આંખે અકલ્પનીય સપનું જોઈ રહી છે.

થોડી વાર પછી માત્ર મીરાં અને તેના મિત્રો સ્ટેજ પર હતા એટલે મીરાં બોલી.
‘અલ્યા, પ્લીઝ પ્લીઝ, પહેલાં મને કોઈ પાણી પીવડાવો અને જરા શ્વાસ લેવા દો યાર.’
સેન્ટ્રલી એ.સી. હોલમાં પણ મીરાંએ પરસેવો વળી ગયો હતો.
‘હાઉ ડુ યુ ફીલ મીરાં ?’ એકદમ જ એક્સાઈટમેન્ટ સાથે ઉત્પલએ પૂછ્યું.
સૌ મીંરાની ફરતે વીંટળાઈને મીરાંને ફૂલપ્રૂફ આપેલી સરપ્રાઈઝનું રીએક્શન તેના શબ્દોમાં સાંભળવા આતુર હતા ત્યાં મીરાં બોલી,
‘તરતાં ન આવડતું હોય તેને મધદરિયે લઇ જઈને દરિયામાં ધક્કો માર્યા પછી પૂછો કે કેવું લાગ્યું? આ આવડી મોટી શરારત સુજી કોને એ કહો તો પહેલાં મને?

એટલે સૌ ખડખડાટ હસીને એકબીજા તરફ જોવા લાગ્યા. અવની એ મીરાને વોટર બોટલ આપતાં કહ્યું,
‘એ તો તારી લખેલી સ્ક્રિપ્ટ ફાઈનલ થઇ ગઈ અને નાટક તખ્તા પર ભજવાઈ એ પહેલાં જ આ ફૂલપ્રૂફ સસ્પેન્સનો તખ્તો ઘડાઈ ચુક્યો હતો. ડાર્લિંગ’
અડધી બોટલ પાણી ગટગટાવી ગયા પછી એક ઊંડો શ્વાસ લઈને સાવ ચુપકીદી સાથે બદલાયેલા આંખોના એક્સપ્રેશન અને ચહેરા પર નારાજગી ભાવ સાથે થોડા ગુસ્સાના ટોનમાં મીરાં બોલી

‘અનબિલીવેબલ.. સાવ જ થર્ડ ક્લાસ સરપ્રાઈઝ. તમે મારી જોડે નાટક નહી ભવાઈ કરી છે ભવાઈ.’ મીરાંના અણધાર્યા સ્ફોટક નિવેદનથી સૌ એકદમ ડઘાઈ જ ગયા હજુ કોઈ કશું પૂછે એ પહેલાં જ તેની વિચલિત માનસિક અવસ્થાને વાચા આપતાં મીરાં આગળ બોલી,

‘ધીસ ઈઝ ટોટલી રોંગ અર્જુન. યુ નો વેરી વેલ, આ વાર્તા મેં નથી લખી. મેં જસ્ટ વાર્તાને સ્ક્રિપ્ટના બંધારણમાં લખી આપી છે, ધેટ્સ ઈટ. અને કોઈ અન્યની વાર્તાને આ રીતે સરેઆમ મારાં નામે ચડાવી દઈને સાવ લુખ્ખી વાહ વાહી લુંટવાના કોન્સેપ્ટને હું સરપ્રાઈઝના રૂપમાં એક્સેપ્ટ કરીને ખુશ થઇ જઈશ, એવું તમે કેમ માની લીધું? અને તમે સૌ મારા સિદ્ધાંતોથી સંપૂર્ણ રીતે વાકેફ છો છતાં પણ?

અત્યંત આનંદવિભોર માહોલની મસ્તીમાં મશગુલ સૌ સડન્લી મીરાંની અસાધારણ અભિવ્યક્તિથી થોડી ક્ષણો માટે સાવ ચુપ થઈને મીરાંના ધારદાર પ્રશ્નોના પ્રમાણિત પ્રત્યુતરના પર્યાય વિશે મનોમંથન કરતા હતા ત્યાં સ્હેજ અકળાઈને અર્જુન બોલ્યો,

‘એ.. હેલ્લો, સમાપ્ત થઇ ગયું તારું ભાષણ કે હજુ પણ કોઈ સીન ક્રિએટ કરવાના બાકી છે?

મીરાંના તીખાં અને તીક્ષ્ણ વ્યંગબાણો પછી પણ અર્જુનના પ્રતિકારના રૂપમાં આવા સવાલની સામે સવાલ કરવાની ચેષ્ઠાથી હવે મીરાંને હજુ કંઈ નવું થવાની આશંકા થઇ.

‘અર્જુન આઈ એમ ટોટલી સીરીયસ નાઉ. તું કહેવા શું માંગે છે?’ મીરાં બોલી.

જે ગતિ એ પિસ્ટલમાંથી બુલેટ છૂટે એ રીતે તે તારી ફાયર બ્રાન્ડ ઈમેજ તારા પર હાવી થઈને અમારા ફૂલપ્રૂફ પ્લાનિંગની તો તે બેન્ડ વગાડી નાખી યાર. અંધાધૂંધ ફાયરિંગ કરતાં પહેલાં એક વાર તો વિચારવું હતું કે યાર કે અમે સૌ તારા માટે કેટલું.... તેના આવેશને અંકુશમાં લઈને આગળ બોલતા અર્જુન અટકી ગયો.

મીરાં અને અર્જુનના વાકયુદ્ધથી વાતાવરણ હજુ થોડું વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં મીરાંની પીઠ પાછળથી એક ધીમા સ્વર સાથે અવાજ આવ્યો,

‘એક્સક્યુઝ મી. સોરી ટુ ડીસટર્બ. હું કંઈ બોલી શકું?’
કોણ બોલ્યું? એ જાણવા મીંરાએ ફરીને પીઠ પાછળ નજર કરીને જોયું તો ક્ષણમાં મીરાંના ગુસ્સાનો પારો ન્યુનતમ સ્તરથી પણ નીચે ઉતરી ગયો હોય એવું મીરાંના ફેસ એક્સપ્રેશન પરથી સૌને લાગ્યું. હજુ મીરાં કંઇક બોલવા જાય એ પહેલાં અર્જુનએ મીરાંને તે વ્યક્તિનો પરિચય આપીને અવગત કરાવતા બોલ્યો કે..
‘આ છે મિસ્ટર...’ હજુ અર્જુન વાક્ય પૂરું કરે એ પહેલાં અધવચ્ચેથી વાક્યને કાપતાં મીરાં જ બોલી..
‘મિસ્ટર.. મિહિર ઝવેરી.’ એમ આઈ રાઈટ અર્જુન ?’
હજુ કોઈને પણ તેની અવાચક મુદ્રામાંથી બહાર આવીને એક શબ્દ બોલવાની તક મળે એ પહેલાં જ મિહિર બોલ્યો,
‘હેલ્લો, મીરાં રાજપૂત.’

મિહિરના વિસ્મયકારક વાણીથી અચરજ થતાં અધીરાઈથી અર્જુનએ મિહિરને પૂછ્યું,

‘મીરાં રાજપૂત તમને ઓળખે છે, મિહિર ?’

બે-ચાર સેકન્ડ વિચાર્યા બાદ માઈલ્ડ સ્માઈલ સાથે મિહિર અર્જુનની સામે જોઇને બોલ્યો.
‘તમે જે સંદર્ભમાં પૂછવા માંગો છો તો ના, અને મારા પક્ષે કહું તો હા,’

જાણે કે આંખના પલકારામાં જે રીતે સ્ટેજ પર ભજવતા નાટકનું દ્રશ્ય બદલાઈ જાય તેની માફક થોડી ક્ષણો પહેલાંની પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પળવારમાં પલટાઈ જતા જ મીરાં અને મિહિર સિવાય સૌ ગેલમાં આવીને તાળીઓ પાડવા માંડ્યા. આ જોઇને મીરાં આ બધું શું ચાલી રહ્યું છે તેની ગડમથલમાં ગૂંચવાયા પછી મિહિર તેના ફેસ એક્સપ્રેશન્સ જોઇને જે રીતે મંદ મંદ હસતો હતો તે પણ મીરાંએ માર્ક કર્યું.

હવે મીરાંને અણસાર આવવા લાગ્યો કે તેનાથી ઉશ્કેરાટમાં કંઇક કાચું કપાઈ ગયું છે એ નક્કી છે. એટલે મીરાં બોલી.

‘અર્જુન આ મિહિરના જવાબની હા અને ના વચ્ચેનો ભેદ મને સમજાવીશ ? અને.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. હવે આ સરપ્રાઈઝના ચેપ્ટર પર ફૂલસ્ટોપ મૂકીને કોઈ મને કહેશે કે આખરે ખરેખર આ માજરો છે શું ?’
‘અરે.. મીરાં, સુપર સરપ્રાઈઝનું સુપર સસ્પેન્સ તો હજુ અકબંધ છે.’
મૌલિક આખા મુદ્દાને એક નવો વણાંક આપતાં બોલ્યો.

– વધુ આવતાં રવિવારે

@ વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવdસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.