kahi aag n lag jaye - 8 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લાગે જાએ - 8

પ્રકરણ- ૮/ આંઠમું

‘મીરાં..... હી ઈઝ મર્ડરર.એ ખૂની છે.’
‘કોણ...??’ મીરાંએ થરથરતાં પૂછ્યું.
‘એ મુસલમાન છે.. અનવર સિદ્દકી. એ વોન્ટેડ છે.. ક્રિમિનલ છે. મીરાં...’
સ્હેજ મોટા અવાજે અર્જુન બોલ્યો.
‘કોણ અર્જુન કોણ..?’ આટલું બોલતાં મીરાંના ડોળા ફાટી ગયા.
‘મિહિર ઝવેરી....એ ભાગી ગયો. ૩ રાજ્યની પોલીસ તેને શોધે છે અત્યારે...'

‘અઅઅ.. અર્જુન તું તું આ...આવી મજાક ન કરીશ પ્લીઝ.’ ધ્રુજતા ધ્રુજતા હાથે અર્જુનનો હાથ પકડતાં આટલાં શબ્દો તો મીરાંના સુકાવાં લાગતાં ગળામાંથી માંડ માંડ નીકળ્યા.

એક સેકંડ માટે મીરાંની સામે જોયા પછી અર્જુન પર અચાનક વીજળીની જેમ તૂટી પડેલા આઘાતી સમાચારને લઈને છેલ્લાં ચાર કલાકથી તેના સમગ્ર શરીરમાં ચાલતાં ધમાસાણ ગતિવિધિથી તેના દિમાગની ફાટવા જઈ રહેલી નસોનો અસહ્ય દુઃખાવો કંટ્રોલ ન થતાં, ટીપોઈ પર પડેલા ગ્લાસને હાથમાં લઈને સામેની વોલ પર ઘા કરવાં જ જતો હતો ત્યાં તેના રુદનનો બાંધ તૂટી જતા ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યો,

‘આ મજાક નથી. મીરાં.. આ મજાક નથી. એ તો ગયો અને આપણને મારતો ગયો.’

બસ, અર્જુનના આટલા જ શબ્દો મીરાંના કાને પડતાંની બીજી ક્ષણે મીરાંને અસંભવ અસહ્ય વજ્રઘાત સમા આઘાતના અતિરેકથી ચક્કર આવતાં મૂર્છિત થઈને સોફા પર ઢળી પડી. મીરાંનું આખું શરીર સાવ ઠંડુ પડી ગયું. થોડીવાર માટે તો અર્જુન પણ ગભરાઈ ગયો. કોણ, કોને સંભાળે? અર્જુનનું એક જ વાક્ય મીરાં માટે પ્રાણઘાતક સમાન હતું.

મીરાંના સ્થાને કોઈપણ વ્યક્તિ માટે એ અનુમાનને કળવું અશક્ય જ હતું, કે જે વ્યક્તિ એ માત્ર ૬ કલાક પૂર્વે સળંગ અને સાહજિક સર્જાવા જઈ રહેલાં પરીકથા જેવા સ્નેહાળ સંબંધનાં દળદાર પુસ્તકના કથાનકની રૂપરેખાનું એવું તાદ્દશ ચિત્ર ખડું કર્યું હતું, કે જે હજુએ દ્રષ્ટિ સામેથી ખસતું નહતું અને તે જ વ્યક્તિ, તે જ કથાનાં અનુસંધાનમાં કોઈનાં પણ અસ્તિત્વનાં મૂળિયાં હલબલાવી નાંખે, તેવી પારાવાર પીડાદાયક, પૂર્વ અને પશ્ચિમ જેટલા તફાવત જેવી પ્રસ્તાવના લખી શકે ??? અરે વિધાતા પણ તેનાં ચોપડે કોઈનું આવું ચિત્ર ચીતરતાં બે વાર જરૂર વિચારે.

ફટાફટ અર્જુને કિચનમાંથી પાણીનો ગ્લાસ લાવીને મીરાંના મોઢા પર પાણી છાંટ્યું, પણ મીરાંનાં શરીરમાં કોઈ સંચારની સંજ્ઞા ન મળતાં, ફટાફટ ફોન હાથમાં લઈને એક પછી એક તેમનાં પુરાં સર્કલનાં ફ્રેન્ડ્સ અવનિ, ઉત્પલ, નિમિત્ત, મૌલિક અને શ્વેતાને ફોન લગાવવાનું ચાલુ કર્યું. અને સૌને એક સરખી જ સૂચના આપી કે શક્ય એટલાં ઝડપથી મીરાંના ઘરે પહોંચો.

દસેક મિનીટ પછી સૌ પ્રથમ અવનિ અને ઉત્પલ આવ્યાં. એટલે અર્જુન બોલ્યો.
‘શું થયું છે તેની ચર્ચા આપણે પછી કરીશું, પહેલાં આ મીરાંને ભાનમાં લાવવી જરૂરી છે.’

એટલે અવનિએ તેની બંને હથેળીથી પાંચેક મિનીટ સુધી મીરાંની હથેળી અને પગના તળિયાં ઘસ્યા કર્યા, અને ફરી એકાદ વખત મોં પર જોરથી પાણીની છાલક મારી. એટલે બે મિનીટ બાદ આંખો ઉઘાડ્યા બાદ જેમ કોઈ મુઢમાર પડ્યા પછી ધીમે ધીમે તેની કળ વળે, તેવી હળવી પીડાથી પીડાતાં મીરાંએ અવનિનો હાથ પકડીને સોફામાં સરખી રીતે બેસવાનો પ્રયત્ન કર્યો. અવનિએ પાણી પીવડાવ્યું. હજુયે મીરાંના હાથ ધ્રુજતાં હતા.
એટલામાં અધીરાઈથી ઉત્પલે પૂછ્યું,

‘હવે તો કહે કે શું થયું છે? આટલી વહેલી સવારમાં?' ઉત્પલ હજુ તેનું વાક્ય પૂરું કરે ત્યાં નિમિત્ત એન્ટર થયો. તે પણ ગભરાયેલો જ હતો.

હજુ અર્જુન કશું આગળ બોલવા જાય, એ પહેલાં મીરાંનું રુદન શરુ થઈ ગયું. એટલે અવનિ તેને બાથમાં લઈને શાંત રાખવાની કોશિષ કરવા લાગી. ઉત્પલ અને નિમિત્ત, કોઈપણ જાતની પૂર્વભૂમિકાની જાણ બહારના તમાશાને ચુપચાપ જોતા રહ્યા.

‘ મીરાં..’ હજુ અર્જુન આગળ કંઈ બોલવા જાય એ પહેલાં મીરાં, ઈશારાથી અર્જુનને બોલતો અટકાવીને ઝડપથી દોડીને વોશરૂમમાં જતી રહી.

‘શું મેટર છે અર્જુન, હવે કહીશ કંઈક?’ અવનિએ પૂછ્યું.
હજુ અર્જુન કશું બોલવા જાય ત્યાં જ મૌલિક અને શ્વેતા પણ આવી પહોંચ્યા.

મીરાં વોશરૂમમાંથી પરત આવે ત્યાં સુધીમાં અર્જુને મીરાંને જેટલી વાતથી અવગત કરી હતી, તેટલી વાત સૌની સાથે શેર કરીને પૂરી કરી. ત્યાં મીરાં આવીને સોફા પર પગ વાળીને બંને ગોઠણ પર માથું ટેકવીને આંસુ સારતી બેઠી રહી. સૌની નજર મીરાં પર હતી. મીરાંની લાલચોળ આંખો, સામેની દિવાલ પર ટીંગાડેલી તેનાં પપ્પાની તસ્વીર પર સ્થિર થઈને ખોડાઈ હતી. તેનાં રીએક્શન પરથી એવું લાગતું હતું, જાણે કે તેની આસપાસ કોઈ છે જ નહીં .

‘મીરાં.. હું કંઈ બોલું?' અર્જુને પૂછ્યું.
અર્જુનના પ્રશ્નનો પ્રત્યુતર આપતાં મીરાંએ માત્ર તેની સામે જોઇને મૂક સંમતિ આપી.
એ પછી અડધો ગ્લાસ પાણી પીને અર્જુને વાત શરુ કરી.

‘હું ભર નિંદ્રામાં સૂતો હતો. આશરે બે વાગ્યાની આસપાસ મને કેદારનો કોલ આવ્યો. કેદાર એટલે મારાં એડવોકેટ કેશવમામાનો મોટો દીકરો જે ક્રાઈમ બ્રાંચની હેડ ઓફિસમાં જોબ કરે છે. તેણે મને એક નંબર સેન્ડ કરીને પૂછ્યું કે આ નંબર કોનો છે? તે નંબર ડાયલ કરતાં માલુમ થયું કે થયું કે તે નંબર મિહિર ઝવેરીનો હતો. એટલે મેં મિહિરનું નામ આપ્યું એટલે તેણે કહ્યું કે એ સીમ કાર્ડ પેરેડાઈઝ ટ્રાવેલ્સ વાળા કોઈ સૂર્યકાંત જોશીના નામનું છે. અને હૈદરાબાદ ક્રાઈમ બ્રાંચમાંથી કોલ આવ્યો છે કે આ નંબરના યુઝરને શક્ય તેટલી ઝડપે એરેસ્ટ કરીને પોલીસ કસ્ટડીમાં લેવાનો છે.’

‘પણ કેમ?' નિમિત્તે પૂછ્યું.

‘કેદારનું કહેવું એમ છે, કે સાત વર્ષ પહેલાં હૈદ્રાબાદના એસ.પી.ની હત્યાના આરોપમાં, ત્યાંના પોલીસ રેકોર્ડમાં મિહિર ઝવેરીનું નામ ફરાર ખૂની તરીકે નોંધાયેલું છે. અને મિહિર ઝવેરી જે સીમકાર્ડ યુઝ કરતો હતો તે તેના ઓનર સૂર્યકાંત જોશીનું હતું,’

‘સાત વર્ષ પહેલાં... ?' અચનાક મીરાં બોલી.
‘હા... કેદારે મને સાત વર્ષ કહ્યા. પણ એ વાતથી તને કેમ આટલી નવાઈ લાગે છે મીરાં?' નવાઈ સાથે અર્જુને પૂછ્યું. સૌની નજર મીરાં પર હતી.

‘પણ મારે મિહિર જોડે જ્યારે વાત થઈ, ત્યારે તો તેણે મને એમ કહ્યું હતું કે આ શહેરમાં તેને આવ્યાં ને માત્ર ૧૪ મહિના જેવો સમય થયો છે. અને હૈદરાબાદ સાથે તો તેના કોન્ટેક્ટ રેગ્યુલર છે. તો પછી .. ??’ મીરાંએ કહ્યું.

‘મીરાં. આ બધું સાંભળ્યા પછી પણ હજુ તને મિહિરની ઘડી કાઢેલી વાર્તાઓ પર ટ્રસ્ટ છે?”
‘પણ હૈદરાબાદ ક્રાઈમ બ્રાંચને સાત વર્ષ પછી મિહિરના અહીંના કોન્ટેક્ટ નંબરનું પગેરું મળ્યું કઈ રીતે? અને બીજી એક ખાસ નોટ કરવાં જેવી ઇન્ટરેસ્ટીંગ વાત તો એ છે કે એ નંબર મિહિરનો તો છે જ નહીં.’ ઉત્પલે શંકાસ્પદ રીતે રજૂઆત કરી.

‘હા.. હવે મને તેની એ વાત પર શંકા જાય છે, કે મિહિરે નાટક જોડે તેનું નામ ન જોડવાની શરત શા માટે રાખી હતી.’ શ્વેતા બોલી.
‘ તો હવે સૂર્યકાંત જોશીને તો પુરેપુરો પ્રોબ્લેમ થશે ને.’ અવનિએ પૂછ્યું.

‘પ્રોમ્લેમ થશે? સૂર્યકાંત જોશી તો રાતના બે વાગ્યાથી પોલીસ કસ્ટડીમાં જ છે. હૈદરાબાદથી જે રીતે આ સમગ્ર ઘટના માટે ચારે તરફ ટેલીફોનનાં દોરડાં ધણધણ્યાં છે, તેના પરથી મિહિરના ટેલીફોનીક કોન્ટેક્ટમાં આવેલાં તમામને એકવાર તો પોલીસ ચાર પગે કરી જ દેશે. કારણ કે આ એસ.પી.નાં મર્ડરનો મામલો છે. અને ક્રાઈમ બ્રાંચ ઇન્વેસ્ટીગેશન કરે છે. હૈદરાબાદથી કોલ આવ્યાની ત્રીસ જ મીનીટમાં સૂર્યકાંત જોશી પોલીસ કસ્ટડીમાં હતો. હવે તમે વિચારી લો તંત્ર કેટલું એલર્ટ અને મામલો કેટલો સંગીન હશે?’ એકી શ્વાસે અર્જુને સમગ્ર ઘટનાની ગંભીરતા કહી સંભળાવી.

‘હવે લેટેસ્ટ અપડેટ શું છે? અને કેદારનું શું કહેવાનું થાય છે આપણી બાબતમાં?'
મીરાંએ અવનિના ખોળામાં માથું ઢાળતાં પૂછ્યું.

‘મિહિરના નંબરની કોલ ડીટેલ્સ કાઢતાં, મારો નંબર કેદારનાં ધ્યાનમાં આવતાં, તરત જ મને ઘણી બધી સૂચનાઓ સાથે એલર્ટ કરી દીધો. સૂર્યકાંતને એરેસ્ટ કર્યા પછી, તેની પૂછપરછમાં તેને મિહિરના ઘરે લઈ જવાયો. આજુબાજુવાળાની પુછપરછ કરી. ઘરનું તાળું તોડીને સર્ચ કરતાં શંકાસ્પદ મુદ્દામાલ તરીકે ફક્ત તેનું લેપટોપ કબજે કરીને તેમાં સર્ચ કરતાં ઈન્વેસ્ટીગેશન ટીમને એક અતિ ચોંકાવનારુ પગેરું મળ્યું છે.’
અર્જુન જાણે કે કોઈ રહસ્યમય ગુનાહિત ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવતો હોય, એમ તેની સામે સૌ ડોળા ફાડીને જોઈએ રહ્યાં હતાં.

‘શું ?'મીરાંએ પૂછ્યું.
‘તેનું આધારકાર્ડ. નામ છે અનવર સિદ્દીકી અને રહેવાસી છે લખનૌનો.’

અર્જુનના ઘટસ્ફોટ પછી સૌની શારીરિક અને માનસિક પરિસ્થિતિનો તાગ મેળવતાં થોડા સમય માટે એવું જણાઈ રહ્યું હતું કે જાણે સૌ મૂક અને બધિરનાં કિરદારમાં જોડાઈને જડાઈ ગયાં હોય! જાણે કે કોઈ ફૂટબોલના બોલને પૂરી તાકાતથી લાત લગાવીને એક છેડેથી બીજે છેડે ફંગોળી રહ્યું હોય એવું મગજમાં ફીલ થઈ રહ્યું હતું.
‘ હવે આપણે શું કરવાનું છે ? ‘ ઉત્પલે પૂછ્યું.

મીરાંની સામે જોઇને અર્જુન બોલ્યો.

‘મને જયારે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ત્રણ કોલ કરીને આટલી અપડેટ આપ્યા પછી, મેં કેદારને સૌ પહેલાં મીરાંનો નંબર આપીને ચેક કરવાનું કહેતા, મીરાંની કોલ ડીટેઈલમાં આપણા ગ્રુપમાંથી મેક્ઝીમમ કોલ્સ મિહિર જોડેના છે. અત્યારે મને સૌથી વધુ ટેન્સ મીરાંનું છે. અને..’
હજુ અર્જુન આગળ બોલવા જાય ત્યાં જ કેદારનો કોલ આવ્યો. એટલે કોલ અર્જુને સ્પીકર ફોન ઓન કર્યું.

‘હેલ્લો. અર્જુન સાંભળ તું જેમ બને તેમ આપણા ઘરે પહોંચ. પપ્પાને ઉઠાડીને બધી ડીટેઇલથી સરખી રીતે વાકેફ કર. ઓન પેપર કંઈ પણ પ્રોસીજર શરુ થાય, એ પહેલાં આપણે મીરાંને કવર કરી લેવાની રહેશે. અને સૌથી સીન્સેટીવ બાબત એ છે કે, આ બર્નિંગ ઈસ્યુ સાથે કનેક્ટેડ તમારાં ગ્રુપમાંથી કોઈના નામની ગંધ મીડિયા સુધી ન જ પહોંચવી જોઈએ નહીં તો પછી એ મીડિયા જે રાયતું ફેલાવશે, તેને ભેગું કરવું અને ભોગવવું આકરું થઈ પડશે. પપ્પા બધું જ સેટિંગ કરી આપશે. આપણી પાસે સમય ખુબ જ ઓછો છે. તું જેમ બને તેમ ઘરે જઈને મને ફોલોઅપ આપ.’
ફટાફટ એટલું કહીને કેદારે કોલ કટ કર્યો.
કેદાર એટલે અર્જુનના સગા મામા અને શહેરના ખ્યાતનામ ક્રિમીનલ એડવોકેટ કેશવલાલનો મોટો પુત્ર.
‘મીરાં મમ્મી કયારે પરત આવવાના છે?’ અર્જુને પૂછ્યું.

‘કદાચ આવતીકાલે સવારે.’ રડતી આંખે મીરાંએ જવાબ આપ્યો.
‘પણ, યાર તું આટલું બધું રડે છે કેમ?’ એ હરામીએ તેની જાત બતાવી. તેમાં તું શા કારણે આટલી દુઃખી થાય છે? તારું શું ગયું, હેં? તારું કયું એવું રાજપાટ લુંટાઈ ગયું છે, તે તું અત્યારે આવાં વગર કારણનાં રોદણાં રોવા બેસી ગઈ છો? સારું થયું આપણે તેની જોડે વધુ ઈન્વોલ્વ ન થયાં. નહીં તો જીવલેણ છુપા વાઈરસ જેવો જીવતો બોંબ આપણા બધાની જિંદગી ઝેર જેવી કરી નાખત. હવે સાંભળો કોઈ એક અહીં મીરાં પાસે રહે. હું મામાને ત્યાં જાઉં છું. હવે મામા કેવી અને કેટલાંની માયાજાળ પાથરે છે એ જોવાનું રહ્યું.’ સ્હેજ અકળાઈને અર્જુન બોલ્યો.

‘કેટલાની મતલબ?’ શ્વેતાને અર્જુનની વાતમાં કંઈ સમજણ ન પડી એટલે પૂછ્યું.

સ્હેજ હળવું હસતાં અર્જુન બોલ્યો.

‘માત્ર પોલીસ નહીં. ક્રાઈમ બ્રાંચની ચૂંગલમાંથી પણ આબાદ રીતે ક્લિનચીટ મેળવવાની છે. એટલે બધાનાં મોઢાંમાં રૂપિયા ઠુંસવા તો પડશે જ. ખાસ કરીને મીડિયાથી બચવા માટે. કારણ કે અત્યારે મીરાંની ઈમેજથી કિંમતી કઈ જ નથી. પણ મીરાં તારા મિહિર જોડેના આટલાં કન્વર્સેશનની કડીનું કોઈ કનેક્શન મને નથી સમજાતું. એક વાત સીરીયસલી કહી દઉં મીરાં, તું કદાચ અમારાથી તારી કોઈ અંગત વાત છુપાવે એ અમે સમજી અને માની પણ લઈશું. પણ જો પોલીસ ઈન્ટ્રોગેશન દરમિયાન તારું આપેલું સ્ટેટમેન્ટ અને કોલ ડીટેઇલ અથવા કોલ રેકોર્ડીંગ વચ્ચે જો કોઈ તાલમેલ નહીં બેસે, તો બીગ પ્રોબ્લેમ ક્રિએટ થશે. હું તને ડરાવવા નથી માંગતો. પણ આવનારા સમયમાં મને દેખાતી નક્કર વાસ્તવિકતાથી તને સતેજ કરી રહ્યો છું.
૯૯% અમે તને કંઈ જ નહીં થવા દઈએ. પણ જે કંઈ પણ હકીકત હોય, એ તું મામા સામે શબ્દશઃ રજુ કરી દેજે. એટલાં માટે કે પાણી આવતાં પહેલાં મામાને જડબેસલાક અને મજબુત પાળ બાંધવાની ખબર પડે. અને તું, આ સૌ પહેલાં રડવાનું બંધ કર યાર. આ રડવાનો નહીં લડવાનો સમય છે. તું.. તું રડે છે, તેની મને નવાઈ લાગે છે.’

થોડીવાર પછી એક ઊંડો શ્વાસ લઈને મીરાં બોલી,
‘અર્જુન, સૌ પહેલાં તું કોઈપણ ભોગે, તાત્કાલિક ધોરણે આ લટકતી તલવાર જેવી લાશના અગ્નિસંસ્કારની તૈયારી કર. હું તારા મામાની સમક્ષ જે સપૂર્ણ સત્ય છે, કહી સંભળાવીશ. પણ મારી ઈમેજ પર જો કોઈએ આંગળી ચીંધી તો એ આઘાત મારી મમ્મી નહીં જીરવી શકે. અને કઈ પેઢીઓથી જીવ કરતાં પણ વધુ વ્હાલ અને જતનથી જાળવી રાખેલી રાજપૂત ખાનદાનની આબરૂ બે કોડીની થઈ જશે.’

આટલું બોલ્યા પછી મીરાં ધીમે ધીમે તેનાં મન અને મસ્તિષ્કની સાથે સાથે મનોબળને પણ મજબુત કરવામાં આંશિક રીતે સફળ રહી હતી. હાલની વિકટ અને અકળ પરિસ્થિતિને જોતાં છેક ઊંડે સુધી ખુંપેલા ઘાવના લગાવને પંપાળવા કરતાં સંકટ ટાળવાની દિશામાં વિચારવું અત્યંત જરૂરી હતું. મહદ્દઅંશે મૃતપ્રાયઃ અવસ્થામાં જતી રહેલી, મોંઘેરી માયાની મનોકામનાનું મનોમંથન કરીને તેના મરસિયા ગાવાનો કોઈ અર્થ નહતો. અર્જુને ટુ ધ પોઈન્ટ રજુ કરેલાં દરેક મુદ્દાની સંગીન ગંભીરતાને અગ્રીમતા આપવાના ઈરાદાથી મનોમન કચકચાવીને ગાંઠ માર્યા પછી બોલી,
‘અર્જુન, અંધારામાં ભભૂકેલી આગમાં જે બળી ગયું, તેનું આપણે અર્થહીન આંકલન જેવું પોસ્ટમોર્ટમ કરીને કિંમતી સમયનો વ્યર્થમાં વ્યય કરવાં કરતાં, હજુ ભડકે બળતી આગને ઓલવવા અને જે કંઈ બચ્યું છે, તેને આગની આંચ ન આવે એ દિશામાં વિચારવું યોગ્ય રહેશે.’

ઊભાં થતાં અર્જુન બોલ્યો,
‘હવે કોઈ પણ એક વ્યક્તિ અહીં મીરાં પાસે રોકશે. અને હું મામાને ઘરે જવાં નીકળું છું. મીરાં ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈને તૈયાર થઈ જા. હું બોલવું એટલે ફટાફટ તેમના ઘરે આવી જજે. આ બધું જ મામાનાં હાઈકોર્ટ નીકળી જતાં પહેલાં જ નીપટાવવું પડશે.’

‘હું મીરાં જોડે રહું છું.’ અવનિ એવું બોલી.

‘અને પ્લીઝ, હમણાં બે-ચાર દિવસ સુધી સૌ મોબાઈલ હાથવગાં અને ફુલ્લી ચાર્જ રાખજો.’
આટલું બોલીને અર્જુન નીકળ્યો અને સાથે સાથે નિમિત્ત, ઉત્પલ અને શ્વેતા પણ મીરાંને જરૂરી સૂચનાઓ આપીને નીકળ્યા.
એ પછી જેવી અવનિ ડોર ક્લોઝ કરીને ફરી, ત્યાં જ મીરાં તેનાં ગળે વળગીને ચુપચાપ આંસુ સારતી રહી. થોડીવાર સુધી અવનિ વ્હાલથી તેના માથાં અને પીઠ પર તેની હથેળી પસરાવી, એને હૈયાધારણ આપતી રહી. અવનિને ખ્યાલ હતો, મીરાંનું હળવું થયું અત્યંત જરૂરી હતું. એટલે તે પણ એક પણ શબ્દ ઉચાર્યા વગર ભીની આંખે મીરાંને વળગી રહી.


મીરાંનાં મિત્રવર્તુળમાં અર્જુન પછી જો તેની સૌથી વધુ નજીક કોઈ હોય તો તે અવનિ હતી. કયારેક તો મીરાંને ખુદની પઝલ જેવી લાગતી અપરિચિત લાગણીની અનુભૂતિથી જયારે અવનિ, મીરાંને અવગત કરવાતી ત્યારે મીરાં તેણે કહેતી તું મારા પ્રાણ અને પ્રકૃતિની પ્રતિકૃતિ છે.

થોડીવાર પછી અવનીએ પૂછ્યું.
‘કંઈ ખોટું થયું છે મીરાં?’
નીતરતાં આંસુને તેની મુઠ્ઠીથી લુંછતાં કિસ્મત પર હસતાં મીરાંએ જવાબ આપ્યો.
‘જ્યાં વ્યક્તિ જ ખોટી હોય, એથી વધુ તો ખોટું શું હોઈ શકે? ચલ, હવે આપણે ઝડપથી ફ્રેશ થઈ જઈએ. એની ટાઈમ અર્જુનનો કોલ આવી શકે છે.’

એટલું બોલીને તેના બેડરૂમમાં જતી રહી.

ઠીક ૭: ૧૫ એ અર્જુનનો કોલ આવ્યો. ત્યારે બન્ને તૈયાર થઈને બેઠાં હતાં.
‘સાંભળ મીરાં, તું અને અવનિ શક્ય એટલાં જલ્દી નીકળો. એડ્રેસનો મેસેજ તને જસ્ટ સેન્ડ કર્યો છે. અને કદાચ અવનિને લોકેશન ખ્યાલ છે. તમે પહોંચો, એઝ સુન એઝ પોસીબલ.’

‘બસ અમે નીકળીએ જ છીએ.’ મીરાં આટલું બોલી ત્યાં અર્જુને ફોન મુક્યો.
અને બન્ને બાઈક લઈને નીકળી પડ્યાં. અર્જુને આપેલા એડ્રેસ તરફ.’

હજુ પણ મીરાંનું મગજ ધસમસતાં વિનાશક વાવાઝોડાં જેવા વિચારોના વંટોળથી વીંટળાયેલું જ હતું. મીરાંને એવો ભાસ થઇ રહ્યો હતો કે... સાવ જ નિર્દોષ અને માસુમિયતથી સહજભાવે સર્જાયેલા સ્નેહાળ સંજોગોમાં ઉદ્બભવેલી ઝાકળબિંદુ જેવી ઉર્મિઓની કાચી કૂંપળ પર, જાણે કોઈએ ક્રુરતાથી કુહાડીના આડેધડ ઘા ઝીંક્યા પછી જાણે કે સરેઆમ તેનાં ચીરહરણના પાશવી આનંદની લુંટના લુફ્તની સાથે ઉઠતાં તેના આસુરી અટહાસ્યના પડઘા તેના કાનના પડદા ચીરી રહ્યા હતા.

વીસ મીનીટમાં શહેરના પોશ એરિયામાં આવેલાં કેશવલાલના બંગલાની સામે બાઈક પાર્ક કરીને મીરાં અને અવનિ, ગેઈટથી અંદર દાખલ થયાં ત્યાં સામે જ અર્જુન ઊભો હતો. એટલે તેણે નજીક આવીને ધીમેકથી મીરાંને કહ્યું.

‘મામાની સામે તું રૂપિયાની કોઈ વાત ન કરીશ. આપણે સામેથી કોઈ ઓફર કરવાની નથી. એ બધું હું સંભાળી લઈશ. ચલ આવો અંદર.’

ડ્રોઈંગરૂમનું ઈન્ટીરીઅર અને ઈમ્પોર્ટેડ રાચરચીલું જોતાં વેંત જ અસીલને અંદાજો આવી જાય કે કાળો કોટ પહેરીને કિરદાર નિભાવવાની એડવોકેટ સાહેબ કેટલી ફી ઓકાવતાં હશે. થોડીવાર પછી બાજુના રૂમમાંથી અર્જુનના મામાની એન્ટ્રી પડી. તેમને જોઇને એમ જ લાગે કે ઈલેક્ટ્રિકના થાંભલાને જાણે કોઈએ લેંઘો અને ઝબ્ભો પહેરાવી કોઈએ રાસ્તા વચ્ચે ખોડી દીધો હોય. છ ફૂટની હાઈટ અને વજન હશે માંડ પચાસ કિલો.

સોફા પર બેસતાં બોલ્યા,
‘આવો આવો.. બેસો. અર્જુને બધી વાત કરી. બહુ કંઈ ચિંતા કરવા જેવું નથી.’
હજુ કેશવલાલ આગળ કંઈ આગળ બોલવા જાય ત્યાં વચ્ચે અર્જુન બોલ્યો.
‘પણ, મામા ખાસ વાત તો એ છે, કે મીડિયાના કાને આ વાત ન જવી જોઈએ. નહીં તો આને..’

કેશવલાલનો તેના વ્યક્તિત્વથી વિપરીત એવો સ્હેજ પહાડી અને દમદાર અવાજ સાંભળીને મીરાંને થયું કે ટોનમાં તો તાકાત છે.

અર્જુનની વાત અટકાવતાં કેશવલાલ બોલ્યા,
‘અલ્યા, તું આવ્યો ત્યારનો નથી બે મિનીટ શાંતિથી બેસતો, કે મને બેસવાં દેતો. વકીલ તું છું કે હું? બેસને મારા દીકરા જરા શાંતિથી. તું અસ્સલ મારી બેન જેવો છે. ઉત્પાતીયો.’

‘હવે સાંભળો. હું એક ફોન કરી લઉં. પછી મારે ને તમારે શું કરવાનું છે, તેની ચર્ચા કરવાની ખબર પડી જશે.’

સોફા પરથી ઊભા થઈને કમરેથી ઢીલાં પડેલા લેંઘાને સ્હેજ ઉંચો ચડાવ્યા પછી ડાઈનીંગ ટેબલની નજીક ગોઠવેલા ફ્રીજમાંથી પ્લાસ્ટિક રેપરમાં વીંટાળેલું એક્સ્ટ્રા લાર્જ સાઈઝનું પાન કાઢીને મોઢાંમાં ઠુંસ્યા પછી બોલવા માટે બત્રીસી અને ગલોફાં વચ્ચે સાંઠગાંઠ કર્યા પછી, વાતચીત માટે ઈનફ સ્પેસની વ્યવસ્થા કરી કોલ લગાડ્યો, કેદારને.

પંદર મિનીટ કેદાર સાથેની વાતચીત દ્વારા ટોપથી બોટમ સુધીનો ડેટા માઈન્ડમાં સ્ટોર કર્યા પછી, અમૃતરસના આસ્વાદના ફિલ્ટર પછીના વેસ્ટના નિકાલ માટે બહાર ગાર્ડનના એક કોર્નરમાં જઈને તેની અદાથી પિચકારી માર્યા પછી ત્યાં જ ઉભાં ઉભાં ફરી એક બીજો કોલ લગાવ્યો. સૌ કેશવલાલને માત્ર જોઈ શકતા હતાં. સાંભળી નહતા શકતાં. આશરે વીસ મિનીટ વાર્તાલાપ ચાલ્યાં પછી, ફરી એકવાર ઉતરી જતાં લેંઘાની ઢીલાઈને ન્યાય આપતાં સોફા પર આવીને બેસી ગયા.

તેમના ચહેરા પર થોડી પ્રસન્નતા પ્રસરેલી દેખાઈ પણ એ કળવું મુશ્કિલ હતું કે
એ પાનનાં કારણે હતી કે ફોનનાં કારણે. ત્રણેયની સામે એક વાર જોઈને તેના ઘુંટાયેલા સ્વરમાં બોલ્યા,

‘ચોવીસ કલાક. ચોવીસ કલાકમાં તમારી મેટરનું ફૂલ સ્ટોપ આવી જશે. આપણે એક જ વ્યક્તિ જોડે વહીવટ કરવાનો છે. એ બધાને સાચવી લેશે. હવે મીરાં, અત્યારે માની કે તું પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર સામે નિવેદન આપી રહી છે. ચલ સ્ટાર્ટ નાઉ.’

બે-મિનીટ સુધી વિચારીને પછી મીરાં બોલી,
‘બસ, કંઈ ખાસ નહી અંકલ. અમારું જે ફ્રેન્ડસ ગ્રુપ છે એ રીતે તે અમારી સાથે જોડાયેલા. અને અમારાં નાટકની ચર્ચાના કારણે અમારા વચ્ચે ફોન પર વાતચીત થતી. અને અમારાં વચ્ચે એકથી બે વાર કેઝ્યુલી મીટીંગ પણ થયેલી. અને મેં તેમને ગઈકાલે મારે ત્યાં ડીનર માટે પણ ઈન્વાઇટ કરેલા. પણ તે ડીનર માટે આવ્યાં નહતા.’

‘તમે બન્ને જ્યારથી પરિચયમાં આવ્યા, ત્યારથી ગઈકાલ સુધીમાં તમને તેની કોઈ વાત કે બોડી લેન્ગવેજ પરથી કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં?’
કેશવલાલે પૂછ્યું.

‘ના, સ્હેજ પણ નહીં. અને એવી કોઈ વ્યક્તિ અમારી મિત્રતા તો શું, પણ નામથી પણ અમારી જાણ કે કોન્ટેકમાં ન જ હોય. એ વાતથી તો અર્જુન અને અમે સૌ ખૂબ સારી રીતે એલર્ટ છીએ.’ શાંતિથી મીરાંએ જવાબ આપતાં કહ્યું.

‘હવે તું તારું સ્ટેટમેન્ટ ક્યાં આપીશ તારાં ઘરે કે પોલીસ સ્ટેશનમાં?’

‘મામા, તેમના ઘરે પોલીસ આવશે તો તેમના મમ્મીને પણ જાણ થઈ જશે. તો કોઈ બીજો રસ્તો?’

‘પોલીસ સ્ટેશનમાં કંઈ પ્રોબ્લેમ છે?’

‘મામા, એ લાઈફમાં કયારેય આજ દિવસ સુધી કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડી. અને મારે તેને ચડવા પણ નથી દેવી.’ ઊભા થતાં અર્જુન બોલ્યો.

‘અચ્છા ઠીક છે. પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં ઘરે આવીને સ્ટેટમેન્ટ લઈ જશે. એવું ગોઠવી આપીશ. હવે તમારું આ કારણ વગરનું ગૂંચવાયેલું કોકડું મારે આજે કોઈપણ હિસાબે ઉકેલ્યે જ છૂટકો કરવો પડશે. નહીં તો જેટલાં વધુ કૂતરાંઓને ગંધ આવતી જશે એમ વધુ બટકા ભરતાં જશે. હવે અર્જુન તું એક કામ કર. તું આજનો આખો દિવસ મીરાંની જોડે જ રહેજે. હવે તમે નીકળો અને મીરાંનો નંબર મને આપી દે.’
મીરાંનો નંબર આપીને સૌ કેશવલાલનો આભાર માનીને બહાર ગેઇટની બહાર નીકળ્યા. ત્યાં જ મીરાંનો કોલ રણક્યો.

મોબાઈલ હાથમાં લઈને જોયું તો કોઈ અનનોન નંબર હતો..
કોલ રીસીવ કરતાં મીરાં ‘હેલ્લો’ બોલી
બે થી ત્રણ વાર મીરાં હેલ્લો.. હેલ્લો.. બોલતી રહી પણ સામા છેડેથી કોઈ જ રીપ્લાઈ ન જ આવ્યો.

-વધુ આવતાં રવિવારે