Let us have meeting with the God - 1 books and stories free download online pdf in Gujarati

ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 1

ભાગ 1 : ચાલો, તમને ભગવાન સાથે મુલાકાત કરાવું :
(ભગવાન, God, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?)
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આ એક ખૂબ પ્રચલિત ભજનની પંક્તિ છે અને ખરેખર વાસ્તવિકતા પણ એવી જ છે. ખાલી ભગવાનના નામો જ હજારો નથી પરંતુ એમના વિશેની સમજણ, વ્યાખ્યાઓ પણ અસંખ્ય છે અને અનેક મતમતાંતરો છે. અનેક દેવી દેવતાઓ પણ છે. ઈશ્વર, કે ધર્મની સર્વગ્રાહી વ્યાખ્યા બની શકે નહીં કારણકે દરેક વ્યક્તિની પોતાની માન્યતા, અનુભવ, અને દ્રષ્ટિકોણ મુજબ ભગવાનની વ્યાખ્યા કરે છે. ભારતમાં અસંખ્ય દેવી દેવતાઓમાં, સંપ્રદાયો, આશ્રમો, આધ્યાત્મિક મહાપુરુષોમાં, તેમજ મૂર્તિ પૂજાથી લઇ નિરાકાર ઈશ્વર અને ચાર્વક દર્શન(નિરીશ્વરવાદ) જેવી વિવિધ માન્યતાઓ, શ્રદ્ધા અને ધાર્મિક પરંપરાઓ ધરાવતાં હોઈ હિન્દૂ ધર્મને એક જ વિચારધારામાં સમજાવવો અશક્ય છે અને તે ચેલેન્જીગ કાર્ય છે. ભગવાનના નામે અનેક ધર્મ તો સ્થપાયેલ છે પરંતુ સંપ્રદાયો, પંથોના આંકડાઓ પણ હજારોમાં છે. બધા આમ તો હળીમળીને રહે છે, ભગવાન ભજે છે. પરંતુ કોઈકવાર અંદરોઅંદર એકબીજા સાથે વિવાદ, વિખવાદ અને ઝગડા કરે છે. પછી મોટા સંત રૂબરૂ માફી માંગી લે એટલે બધું શાંત પડી જાય. આખરે બધાએ પોતાની ધર્મના નામે દુકાન ચલાવવાની છે. ભગવાને માફ કર્યા કે નહીં એતો ભગવાનને જ ખબર.
ભૂતકાળમાં ભગવાન અને એના ધર્મોમાં માનનારાઓ વચ્ચે લોહિયાળ જંગો થયાં હતા, હજારોની કતલ થઇ હતી, બધું ધર્મના નામે! ઇસ્લામ વિરુદ્ધ ૧૦૯૬ થી ૧૨૭૧ વચ્ચેના પિરિયડમાં Crusades(ધાર્મિક યુદ્ધો) કરવામાં આવ્યા. વિચારકો, ફિલસુફો, સંતોએ જેમ "પ્રેમ" શબ્દના અનેક અર્થ કાઢયા છે, શાયરો- કવિઓએ આ અનુભૂતિને અનેક રૂપોથી રંગી છે. પરંતુ અસલી પ્રેમ શું છે? એ હજી સુધી કોઈ સમજી શક્યું નથી. પ્રેમમાં ઘણી ગેરસમજણ થતી હોય છે કારણ કે, દરેકે પ્રેમની વ્યાખ્યા પોતાની સમજ, અનુભૂતિ પ્રમાણે કરી અને એના અનેક પ્રકારો પણ સમજાવ્યા છે. જેમ કે, અસલી પ્રેમ, નકલી પ્રેમ, કામચલાઉ પ્રેમ, અમર પ્રેમ, ચીલાચાલુ પ્રેમ, જન્મજન્માનતરનો પ્રેમ, અતૂટ પ્રેમ, બ્રેક-અપવાળો પ્રેમ, ફેસબુક, વોટ્સએપીઓ પ્રેમ!. આવા વિવિધ પ્રકારના પ્રેમ કરતા કરતા બિચારો પામર મનુષ્ય થાકી જાય, કારણ કે પ્રેમની પરિભાષા જ એવા ગૂંચવાડા ઉભા કરે કે સામાન્ય માણસ સમજી જ ન શકે. દા.ત. આખી જિંદગી પરિવાર માટે તનતોડ મહેનત કરનાર પતિને જ્યારે ધર્મપત્ની તોછડાઈથી પ્રશ્ન કરે કે "તમે અમારાં માટે શું કર્યું? મારો તો ભવ બગાડ્યો! પ્રેમના ચક્કરમાં તમારી જોડે લગન કર્યા, નહિ તો પેલા પ્રમોદનું માગું સામેથી આવ્યું હતું, હા પાડી હોત તો આજે મોંઘીદાટ ગાડીઓમાં ફરતી હોત! એ સીએ થઈને ખૂબ કમાય છે, ને તમે બન્યા માસ્તર!!" ત્યારે એ પતિની વેદના કયો સાહિત્યકાર કે કવિ વર્ણવી શકશે!?
મહાન વિચારક વિકટર હુગો કહે છે "What Is Love? I have met in the streets a very poor young man who was in love. His hat was old, his coat worn, the water passed through his shoes and the stars through his soul" બસ, આવી જ કઈક ગેરસમજ છે ભગવાન, ભક્ત અને ભક્તિની દુનિયામાં! આપણને ડગલે ને પગલે વિરોધાભાસી મંતવ્યો જોવા મળશે. સૌ સૌની દુકાનો બજારમાં લઈને માલ વેચવા બેસી ગયા છે. જ્યારે અસલી ભક્તો તો પોતાની અલગ જ અલગારી દુનિયામાં રાચતાં હોય છે. લેભાગુ તત્વોએ ભગવાનને એક કોમોડિટી માર્કેટ બનાવી દીધા છે અને "પાખંડીધર્મ" એના નામે ચાલતો વેપાર છે. "એજન્ટો" ચોતરફ જનતાને ઘેરીને ઉભા છે. સુગરકોટેડ, મધમીઠા પ્રવચનો, ઉપદેશોનો ચેનલો પર ચોવીસ કલાક સતત મારો ચાલતો હોય છે. ટીવી ચેનલો, સોસીયલ મીડિયા માધ્યમ દ્વારા પોતે જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એજ ભગવાન, સંપ્રદાય અને ગુરુઓ જ સર્વોપરી છે એવું સતત પરાણે ઠસાવવાની કોશિષ કરતાં હોય છે અને બીજાના ભગવાનને નીચા દેખાડાય છે. દોસ્તો, એક વાત ખાસ માર્ક કરજો કે દુનિયામાં તમામ ધર્મો, પેટાપંથો, સંપ્રદાય, પોતપોતાના ધર્મ અને ભગવાનને સૌથી શ્રેષ્ઠ બતાવશે. પ્રચાર કરવા મસ્ત ડિઝાઈનમાં બ્રોસર, પેમ્પલેટ અને અન્ય સાધન સામગ્રી ફ્રીમાં વહેચવામાં આવતા હોય છે, કેસેટો, સીડી, નાની બુકલેટો, ધર્મગુરુના ફોટા, ડ્રેસકોડ અને એમના માટે ખાસ રચાયેલી ગુણગાન પુસ્તિકા પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે. એ પાછળનો આશય એવો હોય છે કે "અમારી સંસ્થા, પંથમાં જોડાઈ જાવ તો તમારું ભલું થઈ થશે, તમે આ ભવસાગર તરી જશો અને જોડે અમારું પણ કલ્યાણ થઈ જશે." પરંતુ આજના સ્વાર્થી જમાનામાં કોઈપણ વ્યક્તિ મફત શા માટે જોડાય, અનુયાયીઓ બને? એટલે આ ભગવાનના એજન્ટો, ઢોંગી બાવાઓ, ગુરુઓ લોકોને મોટી મોટી લાલચો આપતા હોય છે. દા.ત. તમે અમારા સંપ્રદાયમાં જોડાવ તો તમને મોક્ષ મળશે, ધંધા- બિઝનેસ વધશે, સુખશાંતિ મળશે અને વૈભવ ભોગવશો. આ બધું પૃથ્વીલોકમાં આજ જન્મમાં મળશે અને મરણ પછી સ્વર્ગમાં સીધી જ એન્ટ્રી મળશે, ત્યાં અપ્સરાઓ નાચતી હશે, મસ્ત વ્યંજનો, ભાવતા ભોજન મળશે. વાહ! જલસા અને મોજ! આવી લાલચો આપે પછી ભોળી, સ્વાર્થી, મુર્ખ, જનતા ભોળવાઈ જ જાય ને! નવાઇ તો એ વાતની છે કે આજ લોકોને તમે પાંચ રૂપિયા માટે પણ છેતરી નહિ શકો! પણ અંધશ્રદ્ધામાં ફસાઇને લાલચમાં આવી ઢોંગી સાધુઓને ધન લૂંટાવી દેશે! આશ્રમો માટે મફત જમીનો આપશે, ગાડીઓ આપશે. પણ અફસોસની વાત કે આજ પૈસા હોસ્પિટલો, સ્કૂલો કે અન્ય નિઃસ્વાર્થ કાર્ય માટે દાનમાં નહિ આપે!
જીવન છે તો સંસારમાં દુઃખ તો રહેવાનું જ છે અને આપણી આજની પરિસ્થિતિ માટે આપણાં ભૂતકાળની ઈચ્છાઓ અને નિર્ણયો જ જવાબદાર છે એમ બુદ્ધે તારણ કાઢ્યું હતું. પરંતુ એજન્ટો દુઃખ દૂર કરવાનું વચન આપે છે અને આશીર્વાદ આપે છે એટલે આવા ગોળરૂપી સાધુઓની આજુબાજુ માખીઓરૂપી ભક્તો, અનુયાયીઓ આંટાફેરા મારતા નજરે ચડે છે. આશારામ નામનો ગોળ જેલમાં ગયો એટલે માખીઓ ઉડી ગઈ. હવે બીજા ગોળની તલાશમાં ફરતી હશે. જુના ભગવાનો કઈ ન આપતા હોય તો લોકો નવા ભગવાન શોધી લે છે, પછી નવા સાધુ બાવા કેમ ન શોધે? અમુક લોકો તો ત્રાસવાદીઓને મનમાં એવું ઠસાવે છે કે, “લોકોને મારી નાંખો, બૉમ્બ નાંખી વિધર્મીને મારી નાંખો, ધર્મનું રક્ષણ કરો તો જન્નતમાં હુરો એટલે પરીઓ મળશે”. એક સંપ્રદાય તો વળી સદેહે સ્વર્ગમાં લઈ જાય છે, કોઈ પંથમાં પાંચ આજ્ઞા પાળો તો મોક્ષ મળે! કોઈ પણ ધર્મ તપાસી જુઓ કેટલાય પેટાધર્મ, સંપ્રદાય, પંથ હશે જ. જેમ કે, ખ્રીસ્તી ધર્મમાં પ્રોટેસ્ટન્ટ, કેથોલિક, ઇસ્લામમાં શિયા અને સુન્ની. તમામ ધર્મમાં એકસુર હોતો નથી, બધાજ અંદરોઅંદર વાદવિવાદમાં સપડાયેલા હોય છે. એક છૂપું કોલ્ડવૉર ચાલતું હોય છે. કારણ કે તેઓ એકબીજાને પ્રતિસ્પર્ધી ગણતા હોય છે. પોતપોતાના અનુયાયીઓ વધારવા ગળાકાપ સ્પર્ધા જેવો માહોલ હોય છે. પોતાની બ્રાન્ચનો ફેલાવો વધે તો ઇન્કમ વધે, જાહોજલાલી વધે એવી લાલચ હોય છે. હવે એ જમાના ગયા કે સાધુઓ ઝૂંપડીમાં પડ્યા રહે અને સદાવ્રત ચલાવતા હોય. ભક્તિની મોજ હોય અને સત્યનું આચરણ હોય.
આજકાલના સેલિબ્રિટી સાધુ બાબા આગળ તો ભલભલા ઉદ્યોગપતિઓ ઝાંખા લાગે! એરકન્ડિશન્ડ આવાસ, મોંઘા મોબાઈલ, ગાડીઓ, ભક્તોની ફૌજ, વૈભવી આશ્રમો, બાગ બગીચા અને પ્રાઇવેટ પ્લેન સુધી બધું સહજ છે. કેમ ન હોય, પારકા પૈસે લહેર કરવાની હોય તો કોણ બાકી મૂકે? પબ્લિકને પણ આવા બાબા સાધુના વૈભવી ઠાઠમાઠથી અંજાઈ જવાનું ગમે છે. બાબાઓ પણ હવે પ્રોફેશનલ થઈ ગયા છે. એમને ભક્તો અને અનુયાયીઓ કઇ રીતે મેળવવા એ તમામ સ્ટંટ અને તરકીબો હસ્તગત કરી લીધી હોય છે. એટલે જ તો મોટા મોટા ધાર્મિક આયોજનો કરે છે, મેળાઓ યોજે છે, મહોત્સવો ગ્રાન્ડ સ્ટાઈલથી ઉજવે છે, ગુરુપૂર્ણિમા વગેરે. આવું બધું જોઈ જનતારૂપી માખીઓ આકર્ષાય છે અને બાબા ખૂબ દાન દક્ષિણા મેળવી લે છે. ઘણી આયુર્વેદિક પ્રોડકટ્સ ચીજવસ્તુઓ, અગરબત્તી, સાબુ, ફોટા, પ્રસાદ, પ્રચાર સામગ્રી વેચી નફો પણ રળી લે છે. દરેક બાવાઓની પાછી પોતાની ફાર્મસી હોય! કેન્સર જેવી જીવલેણ બિમારીઓનો ઈલાજ વગર પરીક્ષણ કરેલી દવાઓ દ્વારા કરી આપવાની ખાત્રીઓ પણ આપતા હોય છે! જનતાને આકર્ષવા માટે એક જોરદાર અન્ય તરકીબ પણ અજમાવે છે, આવા મહોત્સવોમાં મોટા મોટા નેતાઓ, સીએમ, પીએમ, ક્લાસવન અધિકારીઓ, મિનિસ્ટરો, ફિલ્મીસ્ટારો અને ગાયકોને બોલાવે છે. એ લોકો પણ ત્યાં જઈ શીશ નમાવવા આતુર હોય છે. પગે પડવા જાય છે, આશીર્વાદ લેવા જાય છે. કારણ કે એમને પણ લોક માન્યતા, ચાહકો અને પ્રસિદ્ધિ મેળવવી હોય છે. સમાજમાં સારા દેખાવાનો સહેલો રસ્તો જ આ છે. કોઈ સેલિબ્રિટી કે નેતા સાધુના ચરણોમાં જ્યારે માથું નમાવે છે ત્યારે એક કાંકરે બે - ચાર પક્ષીઓ મારે છે. જેમ કે, આવા પ્રસંગ હેડલાઈન સમાચાર બને છે, ટીવી, મીડિયા, ન્યુઝપેપરમાં વારંવાર બતાવવામાં આવે છે, જે જોઈને લોકોને એવું લાગે છે કે આ નેતા કેટલા સદગુણી છે, સારા છે અને ધાર્મિક પણ છે માટે હંમેશ અમારું ભલું કરશે. સીએમ, પીએમ, મિનિસ્ટર કેટલા નમ્ર છે એક સાધુને પગે લાગે છે! ગઈકાલે જ્યારે પી.એમ. સાહેબે રામજી સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે રામજીના, ધર્મના અને એમના પોતાના કરોડો ચાહકો વધી ગયા હશે! આ પીએમ સાહેબ પોતે ખૂબ શ્રદ્ધાળુ અને ધાર્મિક છે, નવરાત્રિમાં ઉપવાસ પણ કરે છે. ધર્મનો સાયકોલોજી સાથે ઘનિષ્ટ સબંધ છે. આવી વર્તણુકનો નેતાજીને ખૂબ ફાયદો થાય છે, એમની ઇમેજ રાતોરાત સુધરી જાય છે અને જે અંતે વોટમાં પરિવર્તિત થાય છે સાથે એમની સત્તા બની રહે છે. તો બીજી બાજુ સાધુ, બાબાને પણ અનેક લાભો મળે છે. જ્યારે કોઈ મોટો નેતા આશ્રમે પધારી પગે લાગી જાય ત્યારે એમની પબ્લિસિટી થાય છે, વધુ પ્રખ્યાત બને છે. વધુ પ્રખ્યાત બનવાથી એમના ફોલોઅર્સ અનેકગણા વધે છે. જનતા એવું લોજીક લગાવે છે કે ચીફ મિનિસ્ટરો સાધુને પગે લાગે છે માટે જરૂરથી એ સાધુ મહાન હશે. પછી એ સાધુના અનુયાયી, સેવક બની જાય છે. અનુયાયીઓ વધવાથી સાધુ મહારાજની ઇન્કમ વધે છે, એ ઇન્કમના જોરે દિવસે દીવસે સેલિબ્રિટી બનતો જાય છે. આશ્રમોની સંખ્યા વીજળી વેગે વધતી જાય છે. મંદિરોની સંખ્યા વધતી જાય. સંપ્રદાયના જ સેકડો જેવા મંદિરો બને, એ બધી શાખાઓ કહેવાય, કલેક્શન સેન્ટરો. અધિકારીઓ શેહમાં આવી મફતના ભાવે સરકારી જમીન ફાળવી આપતા હોય છે. સાધુના કામ માત્ર ફોન કરવાથી થઈ જતા હોય છે. બીજી અનેક સવલતો આ ઢોંગી સાધુઓ મેળવતા હોય છે. આપે માર્ક કર્યું હશે કે સેલિબ્રિટી સાધુઓ હંમેશ સત્તાધારી પક્ષનું પડખું સેવતા જ જોવા મળશે અથવા તો નામી પૈસાદાર ઈસમો સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવતા હશે. ચૂંટણી સમયે તે પક્ષનો પ્રચાર કરે છે. જેમ રાજકારણી કે નેતાઓનું ગુંડાઓ જોડે છુપી સાઠગાંઠ હોય છે તેમ નેતાઓના સાધુ મહારાજો, પોપ્યુલર સંપ્રદાય સાથે જાહેરમાં સબંધ હોય છે. "તું મારી પીઠ ખંજવાળ અને હું તારી પીઠ ખંજવાળું" આ ટાઇપનો સબંધ હોય છે. આવો જ સ્વાર્થમય સબંધ લોકો અને સાધુઓ વચ્ચે હોય છે. ભાગ્યે જ નિઃસ્વાર્થ સબંધ જોવા મળે. ઉચ્ચ કોટીનો દાખલો આપું તો વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ. જે તે પંથ, સંપ્રદાય, ધર્મ કે ભગવાનમાં માનતા લોકો પણ કંઇક ને કંઈક મેળવવા જોડાતાં હોય છે. તેમને મનની શાંતિ, આત્માની ઉન્નતિ, સંપત્તિ, વૈભવ, આનંદ કે મોક્ષ વગેરે મેળવવું હોય છે. અમૂકનો એવો આશય હોય છે કે સમાજમાં એનાથી સારા, ચારિત્ર્યવાન, ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખ થાય, ઓળખાણો વધે, સંબંધો વધે, વગ વધે જેનો આડકતરી રીતે સામાજિક અને આર્થિક મોટો ફાયદો મળતો હોય છે. આમ સાધુઓના ભક્ત બનવામાં પોતાના ધંધાની પણ પ્રગતિ થાય છે. બીજો ફાયદો, આવા મોટા સમુદાયમાં જોડાવાથી સાયકોલોજીકલ રીતે શેફટી ફિલ કરે!!
ધર્મમાં અમૃત છે, પીતા આવડવું જોઈએ. થોડા સમય પહેલા બે ધાર્મિક સમુદાયો સામસામે આવી ગયા હતા. કોને ઝેર પીધું ને કોની લાડુડી મોટી!! પોતપોતાના ઈશ્વર મહાન છે એવું બતાવવાની મગજમારી હતી. હાસ્યાસ્પદ લાગે! ફરીથી એજ સંત ભગવાન વિશે કઈક બોલ્યા, આ વખતે “સોમરસ” કેન્દ્ર સ્થાને હતો! વિવાદ સમાવવા ગયા ને નવો વિવાદ જન્મ્યો. સૌ સૌના ભગવાન પ્રેમથી ભજો, બીજામાં માથું ન મારો. સમાજ એક રંગબેરંગી ચાદર જેવો છે જેમાં અનેક જાતના દોરા ગૂંથાયેલા છે. વિવિધ જાતિઓ, વર્ણો, ધર્મો, સંગઠનો, રીતરિવાજો, માન્યતાઓ, રાજકીય પક્ષનો વિશાળ સમૂહ છે. બધાએ હળીમળીને રહેવાનું છે તો જ પૃથ્વી ગ્રહ પર એક સફળ જાતિ/સ્પીસીસ તરીકે ટકી શકીશું. ધર્મના અને જાતિના નામે ઝગડા નહિ ચાલે. નેતાઓ ઝગડા કરાવશે કારણ કે એમાં એમનો સ્વાર્થ સધાય છે. આ દેશમાં એક મજૂર, સૈનિક, ખેડૂત, દુકાનદાર, અમીર, ગરીબ અને ઉદ્યોગપતિ આખરે માનવ છે અને કુદરતનો અંશ છે. ભલે ઈશ્વર કોઈએ જોયો ન હોય પણ દરેકમાં ઈશ્વરનો અંશ છે.
To be continued .... (વધુ ભાગ - 2 માં)