Let us introduce you to God - 3 in Gujarati Philosophy by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 3

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 3

 
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?
          કોઈ હરણ કે ભેસનું બચ્ચું જન્મ થયાને હજી પાંચ મિનિટ નથી થઈને, સિંહ એને ઉપાડી ખાઈ જાય છે. તમને વિચાર આવશે ઓહો! સિંહે કેવું પાપ કર્યું, કેટલો નિર્દયી છે! એક કુમળા નિર્દોષ જીવને ફાડીને ખાઈ ગયો! શું એને જીવવાનો અધિકાર નથી? પછી તમને એ બચ્ચાનો વિચાર આવશે કે એના કર્મ કેવા હશે કે જીવવા પણ  ના મળ્યું! હકીકત એ છે કે સિંહના શબ્દકોષમાં પાપ, દયા અને પુણ્ય જેવા શબ્દો જ નથી. ખરેખર તો એને એવી કોઈ સમજ જ નથી. એને ભૂખ લાગે એટલે શિકાર શોધે અને મારીને ખાય જાય! બસ એને આટલી જ સમજ છે. સિંહ ભણેલ પણ નથી !  એટલે જ તો જ્યારે મનુષ્ય કોઈ દયાહીન કાર્ય કરે ત્યારે તેને “જાનવર” કે “હેવાન” તરીકે સંબોધવામાં આવતો હોય છે. સિંહ જ્યારે પોતે ઘરડો થશે ત્યારે એજ રીતે બીજા પશુઓનું ભોજન બનશે. તમને એવો પણ વિચાર આવે કે તે બચ્ચું મહિનાઓ એની માના પેટમાં ફક્ત એટલે મોટું થયું કે જન્મતાની સાથે જ સિંહના પરિવારનું ભોજન બને? હા! આપણે સૌ એનર્જીની કેપસ્યૂલ જ તો છીએ. બીજાને કામ પણ આવીએ. 
         પારસી ધર્મમાં શબને જાનવરો માટે છોડી દેવામાં આવે છે. આ પરિપક્વ સમજ છે!! યાર! આ કોરોના પણ એનું જીવન ટકાવવા આવ્યો છે, એ તમારા શરીરનો ઉપયોગ કરે છે, જેમ આપણે ગરીબો, વંચિતો અને નબળા વર્ગનું શોષણ કરીએ છીએ. આ બધા જંગલના નેચરલ ઇવન્ટસ છે. નેચરનો કાયદો છે કે, તમારામાં જીવવાની જેટલી વધુ પ્રબળ ઈચ્છાશક્તિ અને તાકાત એટલું તમે ટકી શકો,  ટુંકમાં, “જીસકી લાઠી ઉસકી ભેસ.” બાકી બીજા બધા નિયમ, કાયદા, કાનૂન તો મનુષ્યની ભેજાની ઉપજ છે. મનુષ્ય જ્યારથી સ્થાયી થયો અને લગ્નવ્યવસ્થા અસ્તિત્વમાં આવી ત્યારથી ઉત્તરોઉત્તર જેમ જેમ જરૂરિયાત ઉપસ્થિત થતી ગઈ તેમ તેમ નિયમો અને નીતિઓ, કાનૂન કાયદા બનતા ગયા.      
       શિવજીનું પૂર્ણ રૂપ ત્યાગ, વૈરાગ્ય, વિનાશકારી અને કલ્યાણકારી છે. સર્વવ્યાપી છે પણ અદ્રશ્ય છે તમારે તાળું ખોલવાનું છે, અસંખ્ય ચાવીઓ છે, પરંતુ એમાં સાચી ચાવી જ નથી. લાખો લોકો ફાંફા મારે છે, પણ કઈ પ્રાપ્ત થતું નથી. પોતાનો અહંકારનો પડદો તોડવો એજ સાચી ચાવી છે. ચારસો વાર ચારધામની જાત્રા કરો પણ ફરક પડવાનો નથી. કારણ કે અંદર લોભ, સ્વાર્થ, ઈર્ષા ભરેલી છે. માત્ર ખિસ્સું ખાલી થશે, સમય અને શક્તિ બગડશે એટલો ફરક પડશે. આપણી ધાર્મિકતા માત્ર મંદિરોના પગથિએ જઈને જ અટકી જાય છે! કૂપમંડુકતાના કારણે જ્ઞાનનું વિસ્તરણ નથી થતું, અસહિષ્ણુતા વધે જાય છે.
          ગાયના શરીરમાં બત્રીસ કરોડ દેવતા છે એવી માન્યતા હિન્દૂ શાસ્રમાં છે. આમાં ગાયની ઉપયોગીતા અને મહત્વસ મજાવવામાં આવ્યું છે. તેના સંરક્ષણની વાત કરી છે. એનું દૂધ, છાણ, મૂત્ર વગેરે માનવજીવન માટે ઉપયોગી છે અને આપણા પૂર્વજો એના ઉપર ખૂબ આધાર રાખતા. આજકાલ ગાયને રાજકારણનું એક એવું હથિયાર બનાવી દીધું છે, જેના થકી ગરીબ ગાયના નામે અમાનુષી અત્યાચાર કરી શકાય છે, કોઈના કિચનમાં ડોકિયું કરવાનો હક મળી જાય છે - "શું ખાય છે લ્યા...સાલા રાક્ષસ..." એમ કરી મોંબ લિંચિંગ આસાન થઈ ગયું છે. The holy cow!!. હિન્દૂ શાસ્ત્ર અને દેવી દેવતાઓના વાહન જુઓ. મોર, હંસ, ઉંદર, સિંહ, વાઘ, ગરુડ, મગર, શિવજીનો નાગ વગેરે....આ પ્રતિકો છે અને પ્રાણીઓને મહત્વ આપી એમને બચાવવા માટેનો સંદેશ છે. એવો સંકેત છે, નહીકે નાગને દૂધ પાવાના ખેલ કરવાના છે. 
              દરેક જાતિ અને પ્રજાતિઓને જોડતી શૃંખલા છે. એકનો નાશ બીજાને નુકસાન. ભૂલ કરી ચીનાઓએ ને આપણે અને આખું વિશ્વ ભોગવી રહ્યા છીએ.  એક વૈજ્ઞાનિકે એમ જણાવ્યું કે પૃથ્વી પરથી કીડીઓને ગાયબ કરો તો માનવજાત ભૂખે મરી જશે!!. યસ, તમારા જીવનમાં આડકતરી રીતે કીડીઓ, ચામાચીડિયા, મધમાખીઓની પણ ખૂબ ખૂબ જરૂર છે!   
          પર્યાવરણ એ મનુષ્ય માટે જીવન છે, ત્યાં પ્રેરણા અને સૌંદર્ય છે. બધું જ ઈકોસિસ્ટમ સાથે સંકળાયેલું છે. આપણા પૂર્વજોએ એ પ્રકૃતિ અને જીવ સૃષ્ટિ સાથે જે સબંધ જોડી આપ્યો હતો તે તો તોડી જ નાખ્યો, વધારામાં એને પણ નષ્ટ કરી નાખવા આતુર છીએ. હૃદયને સ્પંદિત કરે અને મનને  ઉમંગથી ભરી દે એવી પ્રકૃતિ સાથે ચાલો પ્રેમ કરીએ, અને પ્રકૃતિ દ્વારા જ જીવન ટકી રહેતું હોય તો તેને ઈશ્વર માનવામાં કઇ ખોટું છે? 
           Greta Tintin Eleonora Ernman Thunberg એ વિશ્વના નેતાઓને યુનોમાં પર્યાવરણને ખતમ કરવા અંગે વિશ્વનેતાઓને આડે હાથ લીધા હતાં.     
         ચાલો, પાછા મૂળ વાત પર આવીએ કે ભગવાનની જરૂર મનુષ્યને જ શા માટે પડી? આ સાથે એક વૈજ્ઞાનિક તથ્ય પણ તપાસી લઈએ. ઘડીક ભૂલી જાવ કે ભગવાને સૃષ્ટિ બનાવી, જ્યારે રચી ત્યારે ત્યાં આપણે નહોતા! “The Naked Ape” પુસ્તકમાં વિખ્યાત બાયોલોજીસ્ટ ડેસમંડ મોરિસ જણાવે છે કે, “આવા ભગવાન હાજરાહજૂર જોઈ શકાતા નથી તો એમની શોધ શા માટે કરવામાં આવી? તો એનો જવાબ મેળવવા આપણે આદિમાનવ યુગમાં જવું પડશે. આપણે કો-ઓપરેટીવ હંટર્સ (શિકારી ટોળકી) બન્યા તે પહેલાં નાના નાના સમુહોમાં રહેતા હતાં. જે રીતે અત્યારે ચિંમ્પાનજીઓ અને બીજા એપ વાનરો રહે છે. આ દરેક ગ્રુપમાં કે ટોળકીમાં એક મુખીયા નર અવશ્ય હોય છે. આ બોસ ખરા અર્થમાં ગ્રુપલીડર હોય છે, તમે એને ટોળકીનો સરદાર કહી શકો. 
        નિયમ મુજબ ગ્રુપના દરેક મેમ્બરે આ સરદારને ખુશ રાખવો પડતો હોય છે, નહિતર ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડતું હોય છે. આ લીડર-આલ્ફા મેલ પોતાના ગ્રુપને બાહ્ય મુશ્કેલીઓ અને જોખમોથી બચાવવાનું અને અંદરોઅંદરના ઝગડા પતાવી આપવાનું કામ કરતો હોય છે. આમ, સામાન્ય ગ્રૂપ મેમ્બરની આખી જિંદગી આ બોસ- ડોમિનન્ટ મેલની આજુબાજુ ઘુમતી હોય છે. આ બોસનો દરેક રીતે પાવરફુલ રોલ તેને ભગવાન જેવો દરજ્જો આપે છે. સમય જતાં ઉત્ક્રાંતિ આગળ વધી. 
        આવા સમૂહ મોટા થતા ગયા, મેમ્બર વધતા ગયા, જવાબદારીઓ વધી ગઈ, વ્યવસ્થિત આયોજન કરી ઉત્તમ સ્ટ્રેટેજી અપનાવી કુનેહ, ચાલાકીથી સફળતાપૂર્વક શિકાર કરવાનું હતું, નહિતર ભૂખે મરી જવાય!! આમ કો-ઓપરેટિવ અભિગમ અતિશય મહત્વનો બની ગયો. ગ્રુપલીડરની સત્તા ઉપર કાપ મુકાવાનું ચાલુ થઈ ગયું. કારણ કે મોટાભાગના દરેક ગ્રૂપને મેમ્બરની મદદની જરૂર પડવાની હતી. મેમ્બરે મુખીયાથી ડરવાનું નહોતું પણ એને મદદરૂપ થવાનું હતું, બદલામાં મુખીયાએ એમનો સહકાર લેવાનો અને મેમ્બર જેવા બનવાનું હતું અને જૂનો તાનાશાહી વ્યવહાર છોડવાનો હતો, ટૂંકમાં બોસીઝમ ઓછું કરવાનું. આમ આપણા પુર્વજોના શિકારી જુથોમાં એક નવી જ ટાઈપના ગ્રુપલીડરનો જન્મ થયો જે સ્વભાવે વધુ સહિષ્ણુ, સહકારથી કામ કરવાવાળો અને વધુ નમ્ર હતો. જે નવી ટાઈપનું મ્યુચ્યુઅલ - એઇડ ઓર્ગેનાઇઝેશન આકાર લઈ રહ્યું હતું એ માટે આ મહત્વનું પગલું  હતું અને મહત્વનો ફેરફાર હતો. 
           જોકે આનાથી એક નવી સમસ્યા પણ પેદા થઈ ગઈ હતી, સો ટકા સત્તા ધરાવતો રોલ અદ્રશ્ય થવાથી સો ટકા વફાદારી પણ ગાયબ થઈ ગઈ. નવા સામાજિક બદલાવ માટે ભલે જરૂરી હોય પણ મોટી ખાઈ સર્જાઈ ગઈ. એવા ઓલ-પાવરફુલ લીડરની ખોટ પુરવા "ભગવાનની" શોધ થઈ. આ એક પ્રકારની માનસિક જરૂરિયાત હતી. આ પ્રખ્યાત બાયોલોજીસ્ટનું આ પ્રકારનું તાર્કિક સચોટ તારણ છે. આમ જ્યારે સીમિત ઓથોરીટી ધરાવતો લીડર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ ગોડ-ફિગર એક વધારાના ફોર્સ તરીકે કામ આપે છે. લોકો માને છે કે "ઉપરવાળો" નજર રાખી રહ્યો છે, બધાનું ધ્યાન રાખે છે. ટુંકમાં, ફાઇનલી એ જ બધુ કંટ્રોલ કરે છે, એવી માન્યતા પ્રબળ બનતી ગઈ માનવજીવનમાં વિવિધ કારણોસર અગાઉથી જ ભયની હાજરી રહેલી હતી  તેના કારણે આ ભગવાનની હાજરી વધુ મજબૂત રીતે પ્રસ્થાપિત થઈ. અચાનક ભયંકર રોગો ફેલાય, દાવાનળ ફાટી નીકળે, જવાળામુખી, ધરતીકંપ થાય, અનરાધાર વરસાદ, પુર જેવા કાળજું કંમ્પાવી દેનાર અને લાખોની સખ્યામાં જાનમાલની ખુવારી કરતા બનાવો બને ત્યારે તેની પ્રચંડતાના કારણે એવો ખ્યાલ મજબૂત થઈ ગયો કે આવું કરનાર કોઈ પાવરફુલ શક્તિઓ અથવા ભગવાન છે. 
         આજના વૈજ્ઞાનિક યુગમાં પણ આવી ઘટનાઓ પાછળ વૈજ્ઞાનિક આધાર હોવા છતાં ભગવાનના પ્રકોપને જવાબદાર માનવામાં આવે છે. બાધા, આખડી, વ્રત, નારિયેળ ચઢાવવા, પ્રસાદી કરવી, બસો કિલોમીટર પગે ચાલીને ધાર્મિક જગ્યાએ જવું....વગેરે ક્રિયાઓ નારાજ થયેલા ભગવાનને ખુશ કરવા માટે કરવામાં આવે છે. જેમ કે, હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોવિડ 19 વાયરસને  ભગાડવા માટે દીવા, આરતી, થાળી, ઘંટ વગાડવામાં આવ્યા હતા! શીતળાની રસી શોધાઈ એટલે હવે કોઈ શીતળામાની માનતા નથી રાખતું. આમ ભગવાનને ભલું કરનાર અને નારાજ થાય તો નુકશાન કરનાર બન્ને માનવામાં આવે છે. કઈક આવો જ રોલ રાજાઓનો રહેતો. લોકો એને ભગવાન માની દર્શન કરતા, પૂજતા એને ખુશ રાખવા પ્રયત્ન કરતાં, એનાથી ડરતા કે કારાવાસમાં નાંખી દેશે, કોરડા ફટકારવાની સજા કરશે. ભગવાન માટે પણ નારાજ થાય તો નરકમાં નાંખે, ત્યાં ઉકળતા તેલની કડાઈમાં નાંખે, નાગ કરડે, ખરાબ પશુયોનીમાં જન્મ આપે અને જો ખુશ થાય તો સ્વર્ગમાં જવા મળે એવું માનવામાં આવે છે.  
      પ્રથમ દ્રષ્ટિએ નવાઈ લાગે કે ધર્મ આટલો બધો સફળ કેમ થયો હશે. અમુક ગણ્યા ગાંઠયા રેશનાલિસ્ટસ સિવાય લગભગ બધાજ કોઈક ને કોઈક ધર્મમાં માને છે. આપણા જીવનમાં ધર્મની આટલી બધી અસરકારકતા જ બતાવે છે કે સર્વશક્તિમાન, ડોમીનન્ટ લીડરના શરણે રહેવાની આપણી મૂળભૂત વલણ-વૃત્તિ કેટલી બધી તાકાતવર છે! જો કોઈ સભ્ય તાબે ન થાય તો પાવરફુલ બોસ ગ્રૂપ બહાર તગડી મૂકે અને બહાર તો પારાવાર જોખમો, મુશ્કેલીઓની કલ્પનાઓના ડરના કારણે ઘણીવાર ગ્રુપલીડરની જોહુકમી, ખરાબ સ્વભાવ પણ ચલાવી લેવો પડે છે. 
           ધર્મ લોકોના સમૂહને જોડાઈ રહેવાનું અસરકારક સાધન બની ગયું છે. સામાજિક ગઠબંધન ટકી રહે છે. આપણા સાવ અલગ ટાઈપના ઉત્ક્રાંતિના સંજોગો જોતા ડેસમંડ મોરિસ કહે છે કે આપણો આટલો બધો વિકાસ ન થયો હોત. દરેકની સારી અને ખરાબ બાજુ હોય છે એમ બીજી વિચિત્ર માન્યતાઓ પણ જન્મી છે. દા.ત. મૃત્યુ પછીની જિંદગી. ત્યાં આપણે આપણા ભગવાન સાથે મુલાકાત કરીએ. રૂબરૂ અહીં પૃથ્વીલોકમાં ન મળી શકાય એટલે મરણ પછી ત્યાં સ્વર્ગલોકમાં મળવાનું વિચારી લીધું છે. અગ્નિસંસ્કાર, મરણવિધિઓ પણ ખૂબ વૈવિધ્યસભર અને પ્રભાવશાળી બનાવવામાં આવી છે. મૃત્યુભોજ, ગાયના પૂંછડે પાણી રેડવાનું, ગરુડપુરાણ વાંચવાનું, અસ્થી વિસર્જન....કારણ કે આપણે સર્વશક્તિમાન સર્જનહાર પાસે જવાનું છે! આપણા શબને પણ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. કોઈ કચાસ ન રહેવી જોઈએ.
           મોરિસ સાહેબ કહે છે કે, “ધર્મે આમ જોડવાનું કામ તો કર્યું પણ કારણ વગરની પીડાઓ અને ઉપાધિઓ પણ એટલી જ આપી છે.” મીનિંગલેસ  વિધિઓ, કર્મકાંડ, નીતિ નિયમો ઠોકી બેસાડવામાં આવ્યા છે, માણસ જડ અને ગુલામ બની ગયો. સ્વતંત્ર રીતે વિચારી નથી શકતો. ઢોંગી બાબાઓ પણ ભગવાનનો થોડો પાવર પોતાની પાસે છે, એવું એમના અનુયાયીઓને બતાવી છેતરે છે. સાબિતી આપવા હાથ ચાલાકીને ચમત્કારમાં ખપાવે, આશીર્વાદ આપે કે જા તેરે કો લડકા આયેગા, તેરા ભાગ્ય ખુલ જાયેગા...ટૂંકમાં પોતે મીની ગોડ બની જાય. સાહેબ કરતા પટાવાળો વધુ પાવર બતાવે. કોઈ વળી માતાજી લાવી શ્રાપ આપે, આશીર્વાદ આપે...આવી ખામીઓ હોવા છતાં સોસાયટીને તેના વિના ચાલતું નથી. જ્યારે ખૂબ ત્રાસ હોય તો સમાજ રિજેક્ટ પણ કરે છે. પરંતુ થોડા સમય બાદ તે નવા રંગરૂપ લઈ ફરીથી હાજર થઈ જાય છે. ઢબૂડીમાનો દાખલો તાજો જ છે. રજનીશ ગયા ને પાંડુરંગ આવ્યા, એ ગયા એટલે આશારામ, શ્રી શ્રી રવિશંકર, સત્યસાઈબાબા, રામરહીમ...લિસ્ટ લાંબુ છે. બીમારીનો ડર એ ડૉક્ટરોનો વૈભવ, એમ ભગવાનનો ડર એ સાધુઓનો વૈભવ....આપણી એક નબળાઈ કહો કે ખાસિયત છે કે કોઇક સાધુ બાબા કે સ્વામી જોઈએ જ છે. 
          ટુંકમાં ભગવાન કે વ્યક્તિ કોઇકમાં માનવું જ રહ્યું. આપણને એકબીજા સાથે જોડી રાખવા માટે એક કોમન બીલીફની આવશ્યકતા રહેલી છે. એને તમે આસ્થા, શ્રદ્ધા, માન્યતા  એવું કહી શકો. કોઈ એમ દલીલ કરી શકે છે કે આ રીતે તો કોઈપણ "માન્યતા" બોન્ડીગનું કામ આપી શકે. હા ! ચોક્કસ પણ એવું મજબૂત જોડાણ નથી થતું. આવી શ્રદ્ધા, પાવરફુલ હોવાની સાથે ખૂબ પ્રભાવશાળી હોવી જોઈએ. આ કારણે આપણા સામાજિક, સોશિઅલ સ્વભાવ માટે મેળાવડા, ઉત્સવોની ઉજવણીમાં ભાગ લેવો પણ આવશ્યક છે. આવા વૈભવી કાર્યક્રમોની બાદબાકી થઈ જાય તો એક મોટી સાંસ્કૃતિક ગેપ રચાઈ જાય. દા.ત. સમગ્ર ભારત ક્રિકેટ નામની રમતમાં માને છે અને આઈપીએલ કે વર્લ્ડકપમાં ભાવનાત્મક રીતે  એક થઈ જોડાઈ જાય છે. જોકે ધર્મ જેટલું બોન્ડિંગ ન આવે એ પણ હકીકત છે. 
          અમુક પ્રકારની માન્યતા નકામી અને કચરા ટોપલીમાં નાંખવા લાયક હોય છે. તે વિકાસના અવરોધક પણ હોય છે. ઘણીવાર તે આખી કોમ્યુનીટીને જડભરત જેવી બનાવે છે, ક્વોલિટીની રીતે ડેવલપમેન્ટ કરવા નથી દેતી. સામાજિક અને ધાર્મિક કુરિવાજો સમય અને શક્તિ વેડફી નાખે છે. એ માટે હિંસક, અંધ અને કટ્ટર પણ બની જાય છે. એક species - જાતિ તરીકે મુખ્યત્વે આપણે બુદ્ધિશાળી અને કુતૂહુલ પ્રેમી જાનવર છીએ અને જો આ ગુણો પરત્વે એ દિશામાં આપણી માન્યતાઓ વિકસાવીએ તો સૌથી વધુ અને સારો ફાયદો થશે. જેમ કે, જ્ઞાન પ્રાપ્તિ અને વૈજ્ઞાનિક અભિગમમાં શ્રદ્ધા રાખીએ, આપણા મન વિકાસલક્ષી બને, આપણા અનુભવ વિસ્તૃત થાય, કળા, જ્ઞાન વિજ્ઞાનમાં રુચિ વધતી  જાય...જો એવું આપણું જીવન થાય અને આ આજના યુગમાં આપણો નવો ધર્મ બને  તો ભવિષ્ય સુધરી શકે તેમ છે. મહાન વિચારક અને નવલકથાકાર વિકટર હુગો કહે છે કે  "વિકાસ ઈશ્વરનું અગ્રોન્મુખ કદમ છે"  તો પછી દોસ્તો ડેવલપમેન્ટને જ ધર્મ માનવામાં શુ વાંધો છે ?
           "અનુભવ" અને "સમજણ" ને ભગવાન બનાવીએ અને આ ભગવાન વિષેની અજ્ઞાનતા અને મુર્ખતા જોઈ ગુસ્સે થાય એવું વિચારીએ. આપણી સ્કૂલો, યુનિવર્સિટીઓ આ નવા રીલીજીયનના ટ્રેઇનિંગ સેન્ટરો છે...અને આપણાં પુસ્તકાલય, મ્યુઝીયમો, આર્ટ ગેલેરીઓ, થિયેટર્સ, રમતગમતના મેદાનો આપણી કોમ્યુનીટીના નવા પૂજા સ્થળો બને. આપણાં નિવાસસ્થાને પુસ્તકો, વર્તમાનપત્રો, મેગેઝીન્સ, ટીવી વગેરે દ્વારા "પૂજા" કરી શકીએ છીએ. એક રીતે આપણે હજુ પણ મૃત્યુ પછીની લાઈફમાં માનીએ છીએ કે આપણે જે રચનાત્મક કામો  કર્યા હોય તે આપણા મૃત્યુ પછી દુનિયામાં હયાત રહેશે, એ આપણું ઇનામ છે એવું પણ માનીએ છીએ. એના વડે આપણે અમર રહીશું. કિશોરકુમાર, રફી...એમના ગીતો દ્વારા આજે પણ જીવંત છે. કોઈને અંગ ડોનેટ કરો તો પણ તમે અમર રહી શકો. પશ્ચિમી જગતે તો ફાયદા જોઈ આવો આધુનિક વૈજ્ઞાનિક અભિગમમાં વિશ્વાસ રાખતો ધર્મ અપનાવી લીધો છે. દરેક રીતે તેઓ સફળતાની ટોચે પહોંચ્યા છે. આપણે પણ નવો ધર્મ અપનાવવા આગેકૂચ કરી છે. પરંતુ પાખંડની બેડીઓ આગળ વધવા દેતી નથી. આશા રાખીએ કે નવું મંદિર જે બનશે તે જોડવાનું કામ કરશે. ભૂતકાળમાં તોડવાનું કામ કર્યું છે. 
 
To be continued, વધુ આવતા અંકે ભાગ - 4 માં 

Rate & Review

nita

nita 2 years ago