Let us introduce you to God - 5 books and stories free download online pdf in Gujarati

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 5

 
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?
               મહાભારતમાં ધર્મની વ્યાખ્યા કરતા જણાવે છે કે   "ધારણાત ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતી પ્રજા " અથાર્ત તત્વ , નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને , સમાજને , દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ.  કેટલી  'એવરગ્રીન ' સમજૂતી છે. ગરમ ગરમ શીરા જેવી! આમાં તો સ્પષ્ટ છે કે સમયાંતરે ઘણા બદલાવ આવે, જેમકે અત્યારના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જ આપણને ટકાવી રાખે છે, માટે એ જ આપણો "ધર્મ" છે. 
              કોઈ સમય એવો હોય જ્યારે "યુદ્ધ એજ કલ્યાણ!" મંત્ર અને માર્ગ બની જાય છે,  ત્યારે શાંતિની માળા જપવી નકામી. પાકિસ્તાન સામે ત્રણ યુદ્ધ કરવા પડયા છે, ચીન જોડે અગાઉ એક યુદ્ધ કર્યું હતું અને હવે બીજું બે-ત્રણ મહિનામાં કદાચ કરવું પડે...તો પછી યુદ્ધ ધર્મ બની જાય છે. પછી કાયમ યુદ્ધ ન કરાય, તબલા તૂટી જાય! યુદ્ધ પછી જાપાને અને જર્મનીએ કેટલી બધી પ્રગતિ કરી!!! ત્યારે અહિંસા પરમો ધર્મ બની જાય છે. આમ પણ હવે એજ સાચું છે. હિંસાથી જનજીવન નષ્ટ થઈ રહ્યું છે. 
               બાળક નાનું હોય ત્યાં સુધી એને આપણે ચિત્રકથા, કોમિકબુક, બાળ વાર્તાઓ દ્વારા સમાજનું શિક્ષણ આપીએ છીએ, પ્રાણીઓ, વાહનો વિશે સમજાય એવા સિમ્પલ ચિત્રો અને આકૃતિઓ મારફત જ્ઞાન પીરસીએ છીએ. એમ જે તે સમયે આપણી માનવ સંસ્કૃતિનો વિકાસ બાલ્યવસ્થામાં હતો, લોકોને દુનિયા અને તેમાં કામ કરતી શક્તિઓ વિશે સમજ આપવાની હતી એટલે લોકોને સમજાય એવી સુલભ ભાષામાં રૂપકો આપી સાહિત્યની રચના થઈ હશે એવું અનુમાન છે. નવા નવા ધર્મ/ભગવાન પણ શોધાય છે. નવા નિયમો પણ આવે જ છે.  
           ઈશ્વર માટે જુદા જુદા પ્રદેશો, દેશોમાં અલગ ધર્મને લઈ વિવિધ માન્યતાઓ છે. બધાની થીયરીમાં સામ્યતા એ છે બધાએ તેને સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિમાન અને સર્જનહાર માન્યો છે. ઓગણીસ વીસ નો ફરક હોઈ શકે. એને મળવું હોય તો મળી આવો મને વાંધો નથી!!
           મહદઅંશે બધા એવું માને છે કે પરમાત્મા દયાળુ છે, ભલું જ કરે, મારું તો ભલું જ કરશે.. તો આવા ખોટા વહેમ પાળતા નહિ. એના નિયમ કડક છે, કોઈના માટે ભેદભાવ નથી. એ ગરીબ, તવંગર, નાનો માણહ કે મોટો માણહ , ખરાબ કે સારો, સજ્જન કે દુર્જન...બધાને હડફેટે લઈ શકે છે. એનું અણધાર્યું, આકસ્મિક, ઓચિંતું ભયાનક વર્તન તમને નહિ સમજાય! 
           પૂજા કરો કે ના કરો, મંદિરે જાઓ કે ન જાઓ, પ્રાર્થના કરો કે ન કરો એના અલગથી કોઈ ગુણ/માર્ક્સ મળતા નથી. કર્મોથી તમે નાપાસ કે પાસ થશો. જે વિજ્ઞાન જાણવું ખૂબ જરૂરી છે. જે હરણ ધીમું દોડ્યું એ સિંહણના જડબામાં હશે!  કુદરત એટલી નિષ્ઠુર પણ છે. તમે શાંતિથી ચાલ્યા જાઓ છો ને કોઈ ખટારાવાળો ઠોકી દે છે, તમે મૃત્યુ પણ પામી શકો અથવા એક પગ ગુમાવવો પડે! કયા ભગવાનને પૂછશો કે કેમ આવું થયું? કોઈ વિધવાનો છોકરો પુરમાં તણાઈ ગયો કોણ હિસાબ આપશે? આ આખું તંત્ર સરકાર જેવું છે!  કોઈ જવાબ નહિ આવે, નહિ આપે. બસ, આગે બઢતે રહો... કર્મને દોષ ન આપો, તમે પણ ગિલ્ટી ફિલ ન કરો, અપરાધભાવ ન લાવો. સૃષ્ટિમાં બધા એકબીજાથી જોડાયેલા છે. જુઓ ને! કોરોના છેક ચીનથી તમારી ખબર લેવા પ્લેનમાં બેસીને આવ્યો!  
            આ સૃષ્ટિ, દુનિયા એક બગીચો છે, એમાં રહેલ વૃક્ષો, ફૂલોની મજા લો, રમતગમતના સાધનો રમો,  હિંચકા ખાઓ અથવા સુનમુન બેસી રહો અથવા બીજા આનંદ લે છે તે ઈર્ષાભાવથી જોયે રાખો અથવા બગીચામાં તોફાન કરી બધું તોડી ફોડી નાંખો, અને ગાર્ડનના ચોકીદારને ગાળો આપી ત્યાંથી જતા રહો...તમારી ચોઇસ છે, જેવું કરશો એવું ભોગવશો. 
બીજો દાખલો આપું : એક પપ્પા બાઇક લઈને નીકળે છે અને એના 5 વર્ષના દીકરાને ચક્કર મરાવે છે, બાળકને આનંદ આવી જાય છે, સંતોષ થાય છે, એને એ નથી ખબર કે આ બાઇક કઈ કંપનીનું છે, ક્યાં સિદ્ધાંતથી ચાલે છે...વગેરે. એને તો બસ "રાઈડની" મજા લીધી. મિત્રો, બસ આ જિંદગીની "રાઈડની" મજા લો, ખુશ રહો.  
             ઢોંગી બાબાઓ કે પહોંચેલા સંતો કોઈ તમને ઈશ્વર, ગોડ નહિ બતાવી શકે. નાહક એમની પાછળ સમય ન બગાડો.    ભારતનાં મંદિરોની સમ્રૃધ્ધિથી લલચાઈને આક્રમણખોરો આવ્યા,  તેમણે સહેલાઈથી મંદિરો લૂંટ્યા, તોડ્યાં અને હાજરાહજૂર ગણાતા દેવોના ટુકડેટુકડા કરી નાખ્યા, પણ આ આતંકીઓને  કોઈ નુકસાન ન થયું , ન તો તે ફાટી પડ્યા!  કોઈપણ દેવી દેવતાઓએ ચમત્કાર બતાવી તેમનો નાશ ન કર્યો. અને સિધ્ધિઓને વરેલ ચમત્કારિક ગણાતા સાધુ, અને યોગીઓમાંથી પણ કોઈ તેમની સામે ન થયું. કેદારનાથમાં ફ્લડમાં હજારો તણાઈ ગયા, શુ એ બધાના કર્મો સારા નહોતાં ? બધાજ આસ્થા ધરાવતા હતા, તો પછી કેમ કોઈ બચાવવા ન આવ્યું? ક્યાંથી આવે ! તમે મૂર્તિ બનાવી જ્યાં બેસાડો ત્યાં ભગવાન બેસી જાય એમ !? શુ એ તમારો ગુલામ છે ? આવા અનેક ભયંકર અનુભવો પછી પણ પ્રજાનો ભ્રમ ન ભાંગ્યો એજ નવાઈની વાત લાગે છે. 
         ગણેશ વિસર્જન પછી હજારો મૂર્તિઓ પર બુલડોઝર ફરતું હોય છે, એક કચરા તરીકે ડિસ્કાર્ડ કરવામાં આવેલ હોય છે. કઈક સારી સિસ્ટમ તો ડેવલોપ કરો, ઢીંગલા ઢીંગલીના ખેલ ક્યાં સુધી રમે રાખશો? આજે પણ સેંકડો ઢોંગી બાબાઓ ચમત્કારોની હવા ઊભી કરે છે. પ્રજા એ જ ગાંડી અંધશ્રદ્ધા રાખીને તેમના પગ ધોઈ પીએ છે. "હમ નહિ સુધરેંગે!!"
                 જાતે જ બધુ અનુભવો, મનની લઘુતા છોડશો તો પરમતત્વ અંદર અનુભવાશે. આપ કયા ભગવાનમાં માનો કે નથી  માનવાનો પ્રશ્ન જ ગેરવ્યાજબી છે. એક ધાવણા શિશુ માટે એની માતા જ સર્વસ્વ, જીવનદાયી શક્તિ છે અને  ભગવાન છે. બાળક એની માતા વિશે કશું જાણતું નથી, પણ મા એને ફિડિંગ કરાવે છે. તમે ફલાણા ભગવાનમાં માનો છો, મતલબ એ એક આઈડિયા છે અને તે વાસ્તવિકતા નથી. તમે બાજુમાં બેસેલી વ્યક્તિ વિશે એમ નહિ કહો કે હું એમાં માનું છું કારણકે તે રિયલ છે, સામે દેખાય છે. કોઈ એમ નહિ કહે કે હું સૂર્યમાં માનું છું, એવું કંઈક છે... સાંભળતા જ હસવું આવશે. હકીકતને માનવા ન માનવા સાથે સબંધ જ નથી. હા, તમે ખરેખર અનુભવ્યું હોય તો તમારી વર્તણુક બદલાઈ જશે, અન્યથા માનવા અને ન માનવા સાથે તમારી રિયલ લાઈફ સાથે નજીવો સબંધ છે, કારણ કે આપણે ભગવાનને ડર, આદતવશ, પરંપરાગત કે પેઢી દર પેઢી વારસાગત માનીએ છીએ. 
            આપણા દેશમાં ધાર્મિક પ્રવૃત્તિઓનું ચલણ ખૂબ છે, એવી પ્રવૃતિઓ પાછળ મારા ખ્યાલથી દરેક ફેમિલી વર્ષે દહાડે એવરેજ 3000 થી 5000 રૂપિયા ખર્ચ કરતી હશે, જેમાં બાધા આખડી, તંત્રીકવિધી, ધાર્મિક પ્રવાસ, પૂજા, કથા વગેરે તમામ ખર્ચ ગણી લેવો.  મોટાભાગના લોકો મારા ખ્યાલથી પોતાને મળતા ફાજલ સમયનો વધુમાં વધુ ઉપયોગ આવી ધાર્મિક પ્રવૃતિઓ પાછળ વ્યતીત કરે છે. વિગતે જોઈએ તો :  મંદિરે જવું, કથામાં જવું, આરતીમાં જવું, પ્રવચનમાં જવું, ભજનમાં જવું, ટીવીમાં ભજનો સાંભળવા, સત્સંગમાં જવું, ઉપદેશ સાંભળવા જવું, મોટા ધાર્મિક પ્રસંગે તો અચુક હાજરી આપવી જેમકે ગુરુપૂર્ણિમા, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ.... કોઈ જાણીતા બાપજી પાસે ગાંજો પીવા જવું, નોરતા, ગરબે રમવા જવું, ગરબી જોવા જવું, જગન્નાથ યાત્રામાં જોડાવું,  ધ્યાનની સ્પેશિયલ શિબિરોમાં ભાગ લેવો...હવે આવે ધાર્મિક જાત્રા , કે કહો યાત્રા...સરખું જ છે. 
           આપણે ત્યાં પ્રવાસ પર્યટનોના સ્થળોને ત્યાં મોટું મંદિર બનાવીને ધાર્મિક યાત્રાના સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યું હોય છે, જેમકે ડુંગરો, પહાડો પર મંદિર, ગીચ જંગલોમાં મંદિર.  અથવા તો મંદિરને જ પ્રવાસ પર્યટનનું સ્થળ બનાવે છે, જેમકે ગોકુળ, મથુરા, દ્વારકા, સોમનાથ...આમ કાન પકડો કે તેમ કાન પકડો, સરખું જ છે. સ્પેશિયલ પ્રવાસ પર્યટનના સ્થળો પણ છે જ, પણ ઓછા હશે. જેને નજીકમાં મંદિર હોય તો દર રવિવારે પરિવાર સાથે ફરવાના બહાને ત્યાં જ જવાનું. બહુ નજીક હોય તો રોજ જવાનું ! 20 થી 80 km ની રેન્જમાં મંદિર હોય તો તે આદર્શ ભક્તિભાવ પ્રકટ કરવાનું તેમજ હરવા ફરવાનું સ્થળ બની રહે છે. જોકે આવા સ્થળે રોજ રોજ ન જવાય, પંદર દિવસે કે મહિને શ્રીમતિજી અને બાળકો ઉપાડો લે એટલે જવાનું!
            એક બીજી મસ્ત પણ ધાર્મિક પ્રવૃત્તિ ગણાય છે તે એ કે ચાલીને જવુ. મોટાભાગે નાના નાના દશ થી પચીસ માણસોના કેટલાય સમુહો કોઈ ખાસ ધાર્મિક  પ્રસંગે કોઈ ખાસ ધાર્મિક સ્થળે કે મંદિરે પગપાળા જતા હોય છે. આ પ્રવૃત્તિને " સંઘ લઈને જવું" એવું કહે છે. જોડે ઘણો જરૂરી ઘરવખરીનો સામાન ટ્રેકટર, ગાડું કે લારીમાં હોય છે. હમણાં મજૂરોના એવા જ દ્રશ્યો કોરોનાકાળમાં આપે જોયા હશે, જે સરકારે એમને ઘરભણી- વતનભણી જબરજસ્તીથી યાત્રા કરાવી.  આને "મજબુર કોરોનાજીવબચાઓયાત્રા" કહી શકાય. તો આવી સંઘની યાત્રામાં "માનતા" વાળા પણ હોય છે , એમાં વ્યક્તિને કોઈ ભૂતકાળમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો એ મનોમન કે જાહેરમાં "માનતા" રાખે કે હે મા માડી માતાજી મારું ફલાણું કામ કરી આપજે, એ સમસ્યા દૂર કરજે એટલે હું આળોટતો આળોટતો કે ચાલતો તારા દર્શને આવીશ...હવે ખ્યાલ નથી આવતો કે આ પ્રકારની "ડીલ"માં ભગવાન કે માતાજીને રસ છે કે નહીં!! 
       મારા માનવા મુજબ આવી અસંખ્ય ધાર્મિક પ્રવૃતિઓ દ્વારા શારીરિક કરતા માનસિક તૃપ્તિ સંતોષાય છે. જેમાં છ વલણો મુખ્યત્વે તારવી શકાય છે, 
૧: આસ્થા, શ્રદ્ધા , ભગવાનના દર્શનનો લાભ મળશે. હું ધાર્મિક છું એવી ભાવનાને બળ મળે, પવિત્ર ગણાય એવું કામ કર્યું...
૨ : એક સામુહિક પ્રવૃત્તિનો આનંદ મળે જેમાં  એડવેન્ચરનો આનંદ મળે, રમત ગમત જેવો આનંદ મળે. 
૩: કઈક નવું જાણવા અને જોવા મળે, આમ શોધખોળ કરવાનો આદિયુગનો સ્વભાવ સંતોષાય છે. 
૪ : પરિવારને ક્યાંક બહાર ફરવા લઈ ગયા છીએ એ પણ મનમાં સંતોષ થાય, એક ફરજ બજાવી. 
૫ : સગાઓ, પડોશીઓને ઈર્ષા કરાવવાનો આનંદ મળે! 
૬ : સ્ટેગનન્ટ, સ્થિર અને મોનોટોનસ લાઈફમાંથી ચેન્જ મળે, ખુલ્લી હવાઓ અને જગ્યાઓમાં , પહાડો, નદીઓ, જંગલોમાં ફરવાનો, રખડવાનો અલૌકિક આનંદ મળે.  
આમ આપણા ભારતીય સમાજમાં ધાર્મિકતાના નામ હેઠળ આવી ઇન્ડોર અને આઉટડોર (in door & out door) સામુહિક રીતે કરી શકાય એવી અગણિત પ્રવૃતિઓ છે. અને તેમાં ભરપૂર આનંદ લૂંટે છે. વિદેશોમાં હોય છે તેવું મુક્ત  culture અહીં નથી, અહીં હજાર જાતના ટેબુસ, ગ્રંથીઓ લઈને લોકો ફરે છે. નવપરણિત યુગલને હરવા ફરવા જવું હોય તો મંદિરના નામે પ્રવાસ પર નીકળી જાય. અહીં દશ બાર જણાનો સમૂહ ફરવા નીકળે તો અનેક પ્રશ્નો કરે, પણ સંઘ લઈને અંબાજી જવાનું કહે તો બરાબર જણાય. 
           વિદેશોમાં લોકો ગ્રૂપ એક્ટિવિટી બિન્દાસ રીતે કરી શકે છે, જેમકે હાઈકિંગ(વનવગડામાં પગપાળા પ્રવાસ),સ્કેટિંગ પર્વતારોહણ, સ્કીઇંગ, સાયકલિંગ, કેમ્પઇંગ, ડાન્સિંગ વગેરે.  પશ્ચિમી દેશોમાં સ્પોર્ટ્સ કલબોની સંખ્યા પણ ઘણી હોય છે. આમ ક્રિએટિવ, એન્ડવેન્ચરસ, અને રીક્રીએશનલ એક્ટિવિટીસની વિશાળ રેન્જ હોય છે. આપણે ત્યાં પણ આવી પ્રવૃત્તિઓ થાય છે પરંતુ નહિવત પ્રમાણમાં. લોકો પણ એટલા બધા સાહસિક નથી, ડરપોક અને હજુ શિખાઉ છે. આથી હિન્દુસ્તાનમાં જે "ગેપ" છે, જે શૂન્યતા સર્જાણી છે તેને ધર્મની સાથે વિવિધ આનંદ- પ્રમોદ  અને સાહસ તેમજ ક્રિએટિવિટીની ભૂખને સંતોષે તેવા પ્રકારની એક્ટીવીટીસ સાથે જોડી પુરવામાં આવી છે.  
            દહી હાંડીના ઉત્સવમાં વ્યક્તિઓના સમૂહનો ઊંચો પિરામિડ બનાવે છે-સાહસ;  ગણેશ મહોત્સવમાં વિવિધ આકર્ષક મૂર્તિઓ બનાવે - ક્રિએટિવિટી; ગરબા રમવા- ક્રિએટીવ અંદાજો, અનેક સ્ટાઇલ, વિવિધ પોશાકો, એડવેન્ચર. ધાર્મિક મેળાઓ- શ્રાવણમાં, જન્માષ્ટમીમાં - સામુહિક પ્રવૃત્તિનો આનંદ,  સોશીયલ ગેધરિંગની મજા. રક્ષાબંધન- ફેમિલી ગેધરિંગ, રાખડીઓની વિવિધતા;  ડાયરામાં કિશોર, યુવાનો, પ્રૌઢ, અને વૃદ્ધ સૌ કોઈને મજા આવે છે, ત્યાં પણ અધકચરું ધાર્મિક અને સામાજિક જ્ઞાન જોક્સ અને રમુજી વાતો સાથે પીરસવામાં આવે છે. સામાજિક મેળાવડો તો ખરો જ. યુપી, બિહારમાં તો નાચવાવાળી કલાકારો બોલાવે કોઈ પ્રસંગ હોય તો. 
          આવી કોઓપરેટિવ પ્રવૃત્તિના મૂળિયાં તો આપણા ગુફાયુગના ભૂતકાળમાં છે જ્યારે આપણે નાની નાની ટોળકીઓ બનાવી શિકાર કરવા હોમ- બેઝથી દુર દુર સુધી ચાલીને, દોડીને જતા હતાં. ત્યારે આપણે cooperative hunter હતાં. અત્યારના તમામ વેજિટેરિયન લોકોના પૂર્વજો મજેથી meat ખાતાં હતાં. ત્યારે જરૂરી હતું.
    માનો કે ન માનો ધર્મ સાથે આવી ઇતર પ્રવૃત્તિઓનું જોડાણ, મિશ્રણ એટલું જડબેસલાક છે કે તે છૂટું પણ નહીં પડે અને તેના વિના ચાલે તેમ પણ નથી. રેશનાલિસ્ટ મિત્રો આનો ઈલાજ શોધે તો જ અંધશ્રદ્ધા નિર્મૂલનનું કાર્ય થઈ શકશે. 
        આ રોજિંદી mundane( boring) લાઈફમાંથી મુક્તિ અને રાહત મેળવવા માટે જુદા જુદા પ્રકારની ધાર્મિક, સામાજિક પ્રવૃતિઓ ધીરે ધીરે આપણી જિંદગીનો આવશ્યક ભાગ બની ગયો છે. સાથે ઇકોનોમિક એક્ટિવિટી પણ થાય છે, જેમકે ટ્રાવેલિંગ બિઝનેશ, રાખડીઓ, ગણેશની મૂર્તિઓ, ચણીયા ચોરી વગેરે વેચાય છે, કોઈને રોજીરોટી મળે. યાત્રાધામના બજારો ધમધમતા હોય છે, હો સાહેબ ! 
           આપણું બાળક ગર્ભમાં હોય છે ત્યારથી જ મંદિરે જતું થઈ જાય છે ! જોકે આજના આધુનિક યુગમાં ધર્મથી બિલકુલ અલિપ્ત અને બિલકુલ નવીન કહી શકાય એવી ઘણી પ્રવૃત્તિઓ સમાજમાં આવી ગઈ છે, જેમકે IPL, ક્રિકેટ, ફિફા વર્લ્ડકપ- ફૂટબોલ, હોકી, ટેનિસ ગ્રાન્ડ સ્લેમસ, ઓલમ્પિક, કાર રેસિંગ, હોર્સ રેસિંગ, બોક્સિંગ...ટૂંકમાં રમત ગમતો. એ સિવાય ટીવી, મોબાઈલ, નેટફ્લિક્સ,....પરંતુ જેવી તક મળી કે રામાયણ, મહાભારતની સિરિયલો ટીવીમાં ઘુસાડી દીધી! જનતા પણ ઓળઘોળ થઈ ગઈ! બે કદમ આગળ જવું તો વીસ કદમ પાછળ હટવું!!
        આવી નોન રીલીજીયસ પ્રવૃત્તિઓ સતત રોજ ચાલતી નથી હોતી, અને જો ભગવાન કે ધાર્મિક પ્રવૃત્તિઓની જીવનમાંથી બાદબાકી થઈ જાય તો લોકો વિહવળ, બેચેન, અને પાગલ જેવા બની જાય, સમય કયા કાઢશે? નવું શીખવાનું તો એણે ક્યારનુંયે બંધ કરી દીધું છે. લોકડાઉનમાં બધાને ખ્યાલ આવી ગયો કે સામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો કે બંધ થઈ જાય તો શારીરિક અને માનસિક રીતે માણસ તૂટી જાય છે. સાથે સાથે અત્યારનો એ પણ ધર્મ છે કે "ઘરમાં રહી પોતાને અને બીજાને પણ બચાવો"
     To be continued, (વધુ આવતા અંકે ભાગ - 6 માં)