rahasymay tapu upar vasavat.. - 15 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 15

* અણધારી આફત..
* બધા ફસાયા જંગલીઓના હાથમાં..
* કેપ્ટ્ન અને સાથીદારો પણ મળ્યા..

___________________________________________

અડધી રાતે ટાપુ ઉપરના નિર્જન જંગલમાં સાથીદારોની શોધમાં નીકળેલા ચારેય સાહસિકો ઉપર અણધારી આફત આવી પડી. બધાના હાથપગ કોઈકે બાંધી દીધા હતા. અંધારું ગાઢ જામેલું હતું. ક્રેટી જ્યોર્જને મદદ માટે બૂમો પાડી રહી હતી પણ જ્યોર્જ તરફથી કોઈપણ જાતનો પ્રત્યુત્તર મળી રહ્યો નહોતો. થોડીવાર થઈ ત્યાં તો ઘણા બધા જંગલી માણસો ક્રેટીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. ક્રેટી ગાઢ અંધારામાં આવા બિહામણા મોંઢા જોઈને ડરની મારી ધ્રુજી ઉઠી. બે જણાએ ક્રેટીને બન્ને બાવડેથી પકડીને ઉભી કરી અને પછી આગળ લઈ જવા લાગ્યા.

ક્રેટી ધમપછાડા કરવા લાગી પણ પેલા લોકોએ એને છોડી નહીં. મદદ માટે જ્યોર્જને બહુ બૂમો પાડી પણ જ્યોર્જે કોઈ જવાબ આપ્યો નહીં. જ્યોર્જ બિચારો ક્યાંથી જવાબ આપે.. એને તો પહેલાથી જ આ જંગલીઓએ પકડી લીધો હતો. પીટર અને એન્જેલાને પણ આ લોકોએ ઊંઘેલા પકડીને લઈ ગયા હતા. ક્રેટીએ ચીસા-ચીસ કરી મૂકી. એની વેદનાભરી ચીસોથી આજુબાજુનું વાતાવરણ ગમગીન બની ગયું. પણ પેલા લોકો સાવ નિર્દયી હોય એવી રીતે ક્રેટીને ઢસડીને લઈ ગયા. ક્રેટી જવા માંગતી નહોતી છતાં એ લોકો એને પરાણે ખેંચીને લઈ જઈ રહ્યા હતા. રડવાના કારણે ક્રેટીનું રૂપાળું મુખ સુજી ગયું હતું. આંખો લાલ બની ગઈ હતી. રડવાના કારણે આંખોની આસપાસ સુજનના કુંડાળા ઉપસી આવ્યા હતા. વધારે રડવાને કારણે ક્રેટી થોડીવારમાં બેભાન બની ગઈ.

ઝાડ પર ઊંઘી રહેલો જ્યોર્જના દોસ્ત ગોરીલાએ પણ કોઈને બચાવ્યા નહીં. ગોરીલાનો તો પત્તો જ નહોતો ખબર નહીં એ મુશ્કેલીના સમયમાં ક્યાં ચાલ્યો ગયો. જ્યોર્જ , પીટર અને એન્જેલાને તો એ લોકોએ પકડતાની સાથે મોઢું દબાવીને લઈ ગયા હતા. એ જંગલી લોકોની સંખ્યા વધારે હતી જેથી જ્યોર્જ અને પીટર પણ એમના હાથમાંથી છૂટી શક્યા નહીં.
પછી એ ત્રણેયને લઈ જઈને એ લોકોએ મજબૂત ઝુંપડામાં બંધ કરી દીધા. પીટર બહાર નીકળવા માટે ધમપછાડા કરવા લાગ્યો પણ જ્યોર્જે એને ઇસારા વડે સમજાવીને રોક્યો. કારણ કે ક્રેટી એમની સાથે હતી નહીં. આ જંગલી લોકોએ ક્રેટીને બીજા ઝુંપડામાં કેદ કરી હતી. એટલે થોડુંક બુદ્ધિથી કામ લેવું જરૂરી હતું નહિતર એ લોકો ક્રેટીને ગમે તે કરી નાખે એમ હતા.

ઝુંપડાની બહાર સખત પહેરો હતો. જો આ લોકો ભાગવાની કોશિશ કરે તો પેલા જંગલી લોકો એમને તીર વડે ત્યાં જ વીંધી નાખે.એન્જેલાને તો આ કેદમાંથી આઝાદ થવું અશક્ય લાગી રહ્યું હતું. એ વારે ઘડીએ ક્રેટીને યાદ કરીને રડી રહી હતી. એન્જેલાના વેદનાભર્યા ડૂસકાં સાંભળીનેને જ્યોર્જ અને પીટરની આંખમાં પણ આંસુ આવી જતાં હતા. ઝુંપડામાં ઘોર અંધારું હતું. જ્યોર્જની હાલત પણ બહુ ખરાબ હતી. એની પ્રેમિકા ક્રેટીને આ જંગલીઓ ક્યાં લઈ ગયા હશે અને એની સાથે શું કર્યું હશે એ વિચારીને જ્યોર્જની આંખો આંસુઓથી છલકાઈ જતી હતી પણ એ પોતાના દુઃખને બહાર પ્રદર્શિત કરી રહ્યો નહોતો. કારણ કે જો એ આમ હિંમત હારી જાય તો પીટર અને એન્જેલાને સંભાળવા મુશ્કેલ બની જાય.

"પીટર.. ક્રેટીને આ લોકો ક્યાં લઈ ગયા હશે..? એન્જેલા પોતાના ડૂસકાં રોકીને પીટર સામે જોઈને બોલી.

"હિંમત રાખ વ્હાલી.. ક્રેટી પણ આપણી જેમ આજુબાજુ માં જ કોઈક ઝુંપડામાં હોવી જોઈએ..' આમ બોલીને પીટરે એન્જેલાના ગાલ ઉપર વહાલથી હાથ ફેરવ્યા.

ધીમે ધીમે પીટરના હાથ એન્જેલાના ગાલ પરથી સરકીને એન્જેલાના કપડાં સુધી ગયા અને પીટરને એન્જેલાના કપડાં ભીના હોય એવો અહેસાસ થયો.

"વ્હાલી તારા કપડાં... ભીંજાયા કેવીરીતે..? એન્જેલાના કપડાં પેટ સુધી ભીના હતા એટલે પીટરે પ્રશ્ન કર્યો.

પીટરની વાત સાંભળીને એન્જેલા જોરથી રડી પડી. અને ડૂસકાં ભરીને રડતી જ રહી. એન્જેલાનું કરુણ રુદન સાંભળીને પીટરની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા.
એ વહાલથી એન્જેલાના માથા ઉપર હાથ ફેરવીને મૂગું આશ્વાશન આપતો રહ્યો. એન્જેલાને જ્યારથી આ જંગલી લોકોએ પકડી હતી ત્યારથી એ રડતી જ રાહી હતી. રડી રડીને એના આંખમાંથી નીકળેલા આંસુના પ્રવાહે એના પેટ સુધીના કપડાંને ભીંજવી નાખ્યા હતા.

અડધી રાતે કેપ્ટ્ન હેરી કે જેઓને આ જંગલી આદિવાસીઓએ ચાર પાંચ દિવસ પહેલા પકડીને આ ઝુંપડામાં કેદ કરી રાખ્યા હતા. આટલા દિવસથી કેપ્ટ્ન હેરી આ ઝુંપડામાંથી બહાર નીકળી શક્યા નહોતા. તેઓ બહાર નીકળવાની યુક્તિ વિચારી રહ્યા હતા પણ આ અજીબ વેશ અને ના સમજાય એવી ભાષાવાળા જંગલીઓના હાથમાંથી છૂટવા માટે એમની એક પણ તરકીબ કામ નહોતી લાગી રહી. કેપ્ટ્ન હેરીએ ધાર્યું હોત તો એ એકલા તો ક્યારનાય ભાગી છૂટ્યા હોત પણ એમના બીજા સાથીદારો પણ આ જંગલી માણસોના કબજામાં હતા તેથી એમને પણ મુક્ત કરાવવા જરૂરી હતા.એટલે એમણે વિચારેલી ભાગી છૂટવાની યોજનાને પડતી મુકવી પડી હતી. તેઓએ ચાર પાંચ દિવસથી આ ઝુંપડા બહાર પગ નહોતો મુક્યો કારણ કે બહાર ચોંકી પહેરો એટલો બધો સખ્ત હતો કે ત્યાંથી પાંદડું પણ હલી શકે નહી.

દિવસના ચાર પાંચ વખત એક જંગલી માણસ આવીને એમના આગળ એક પથ્થરના વાસણમાં પાણી તેમજ થોડાંક કંદમૂળ અને ફળો મૂકી જતો હતો કેપ્ટ્ન એ ખાઈને આખો દિવસ અહીંથી ભાગી છૂટવાની યુક્તિ વિચારતા પણ એમને કાંઈ સુજતું નહીં. દિવસમાં એકવાર અહીંના આખા જંગલી કબીલાનો મુખી કેપ્ટ્ન પાસે આવીને એની અજીબ ભાષામાં કંઈક બોલી જતો હતો પણ કેપ્ટ્નને એની ભાષામાં કાંઈ જ ખબર પડતી નહોતી એટલે તેઓ જયારે પેલો આવીને બોલવાનું શરૂ કરે ત્યારે એની સામે જોઈને હસ્યાં કરતા. કેપ્ટ્નને હસતા જોઈને પેલો અજીબ જંગલી પગ પછાડીને ચાલ્યો જતો એની સાથે રહેલા એના બે સૈનિકો પણ કેપ્ટ્નને હસતા જોઈને મોઢું ચડાવીને કેપ્ટ્નની સામે તાકી રહેતા.

આજે રાત્રે કેપ્ટ્ન એમના જુના દિવસોની યાદો વાગોળી રહ્યા હતા. કેપ્ટ્ન સ્પેન દેશના સેવિલે નગરના વતની હતા. એમના બાપદાદાઓ અનેક પેઢીઓથી દરિયાખેડૂ હતા. એમનો ધંધો દરિયાઈ માર્ગે એક બંદરથી બીજા બંદરે માલસામાન પહોંચાડવાનો હતો. ક્યારેક તેઓ નવી વસ્તુઓની શોધમાં યુરોપની આસપાસના ટાપુઓ તેમજ એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ તરફ પણ નીકળી પડતા. પહેલા પણ તેઓએ ઘણા ટાપુઓની સફર ખેડી હતી. પણ આ વખતે ભંયકર વાવાઝોડાના કારણે એમનું જહાજ એક ટાપુ સાથે અથડાઈને નાશ પામ્યું હતું. એ ટાપુ ઉપર વનમાનવોનો વસવાટ હતો.. એટલે તેઓ એમના સાથીદારો સાથે એક તરાપો બનાવીને એ વનમાનવ વાળા ટાપુ ઉપરથી આ ટાપુ ઉપર આવે છે.. આ ટાપુ ઉપર એમને એમનાથી વિખુટા પડી ગયેલા સાથીઓ જ્યોર્જ અને પીટર મળે છે.. જ્યોર્જ અને પીટરને આ ટાપુ ઉપરની રાજકુમારી ક્રેટી અને રાજ્યગુરુ વિલ્સનની પુત્રી એન્જેલા સાથે પ્રેમ થઈ જાય છે. શરતો મુજબ પીટર અને જ્યોર્જને એમના પ્રેમને પામવા માટે રાજકુમારી ક્રેટીના નગરજનો માટે અલ્સ પહાડ પાસે આવેલા મેદાનમાં નવું નગર નિર્માણ કરવાનું હોય છે. કેપ્ટ્ન નવું નગર નિર્માણ કરવા માટે જ્યોર્જ અને પીટરને સાથ આપે છે.. હજુ નગર નિર્માણનું કામ ચાલુ થાય છે ત્યાંતો એક દિવસ સવારે આ અજીબ જંગલવાસીઓ તીરકામઠાં સાથે આવીને કેપ્ટ્ન તથા એમના સાથીદારોને બંદી બનાવી લે છે. અને અહીંયા લાવીને ઝુંપડામાં કેદ કરી લે છે.

અડધી રાત થઈ છે કેપ્ટ્ન એમની જૂની યાદોમાં ખોવાયેલા છે. ત્યાં રાતે એ ઝુંપડાનો દરવાજો ખુલે છે. અને કેટલાક જંગલી લોકો કોઈકને ઢસડીને અંદર લઈ આવે છે. ઝુંપડામાં અંધારું હોવાથી એ જંગલીઓ કોને લઈ આવ્યા એ કેપ્ટ્ન જોઈ શકતા નથી. પેલા જંગલીઓ ઢસડીને લઈ આવેલા માણસને ઝુંપડામાં મૂકીને ચાલ્યા જાય છે અને ઝુંપડાનો દરવાજો બંધ થઈ જાય છે. કેપ્ટ્ન ધીમે રહીને પેલા જંગલી લોકો જે માણસને ઝૂંપડીમાં મૂકીને ગયા હોય છે એની પાસે જાય છે. અને ગળામાંથી અવાજ કાઢે છે પણ પેલુ માણસ કોઈપણ જવાબ આપ્યા વગર જાણે મડદું હોય એમ પડ્યું રહે છે. અંધારું હોવાથી એ સ્ત્રી હશે કે પુરુષ એની પણ કેપ્ટ્નને ખબર પડતી નથી. ધીમે રહીને કેપ્ટ્ન એની પાસે બેસે છે અને એના મોંઢા પર કેપ્ટ્ન હાથ મુકે છે પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી. કેપ્ટ્ન ધીમે રહીને પડેલા માણસનો હાથ હાથમાં લઈને એની નાડી ઉપર હાથ મુકે છે. પેલા પડેલા માણસનો હાથ હાથમાં આવતાની સાથે જ કેપ્ટ્ન ચોંકી જાય છે. કારણ કે એ હાથ કોઈક સ્ત્રીનો હતો. એનો શ્વાસ ચાલતો હતો પણ એ સ્ત્રી હમણાં બેભાન અવસ્થામાં હતી. પણ એક સ્ત્રીને આ જંગલી લોકો ક્યાંથી પકડી લાવ્યા હશે એ વિચાર આવતા જ કેપ્ટ્નનું મગજ ચકરાવે ચડી ગયું.

બધા વિચારોને પડતા મૂકીને કેપ્ટ્ન ઝડપથી ઉભા થયા. સાંજે પેલો જંગલી માણસ કેપ્ટ્નને પાણી આપી ગયો હતો એમાંથી થોડુંક પાણી વધ્યું હતું. કેપ્ટ્ન અંધારામાં એ પથ્થરના વાસણને શોધવા લાગ્યા. પણ અંધારું હતું એટલે એ વાસણને શોધવું મુશ્કેલ હતું. કેપ્ટ્ન પાણી માટે એ પથ્થરના વાસણને શોધતા હતા ત્યાં તો કેપ્ટ્નનો પગ એ વાસણ સાથે અથડાયો પણ ચપળ કેપ્ટ્ને ઝડપથી નીચે નમીને એ વાસણને ઊંધુ થતાં પકડી લીધું છતાં એમાંથી અડધું પાણી તો ઢોળાઈ ગયું. પથ્થરના વાસણમાં જેટલું પાણી બચ્યું હતું એ પાણી લઈને કેપ્ટ્ન ઝડપથી બેભાન પડેલી એ સ્ત્રી પાસે આવ્યા અને થોડુંક પાણી એ સ્ત્રીના મોંઢા ઉપર છાંટ્યું. થોડીવાર થઈ ત્યાં તો પેલી સ્ત્રી ભાનમાં આવી. પેલી ભાનમાં આવી કે તરત જ બેઠી થઈને રડવા લાગી. અને એકદમ ઉભી થઈને દોડી. પેલી જેવી દોડી કે કેપ્ટ્ને ઝડપથી એને પકડી પાડી.

"મને... કેમ પકડી છે.. મને છોડી દો... મને મારા જ્યોર્જ પાસે જવા દો..' પેલી સ્ત્રી જોરથી રડી પડતા બોલી. પેલીના મોઢેથી જ્યોર્જનું નામ સાંભળતા જ કેપ્ટ્ન ચોંકી ગયા. પછી એમને લાગ્યું કે આ સ્ત્રીનો અવાજ એમણે ક્યાંક સાંભળેલો છે. પછી એમને યાદ આવ્યું કે આ અવાજ તો ક્રેટીનો છે. વધારે રડવાના કારણે ક્રેટીનો અવાજ બેસી ગયો હતો એટલે કેપ્ટ્ન એને જલ્દી ઓળખી શક્યા નહી.

"અરે.. ક્રેટી બેટી તું અહીંયા.. તું કેવીરીતે આ લોકોના હાથમાં ફસાઈ અને જ્યોર્જ ક્યાં છે..? આ સ્ત્રી ક્રેટી જ છે એવો ખ્યાલ આવતા કેપ્ટ્ને ઘણા બધા સવાલો એકસાથે પૂછી નાખ્યા.

અચાનક કેપ્ટ્ન હેરીનો અવાજ સાંભળતા જ ક્રેટી થંભી ગઈ. અને એ ડૂસકાં ભરવા લાગી.અને ત્યાંજ બેસી પડી.

"પાણી..' ક્રેટીના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો. કારણ કે રડી રડીને ક્રેટીની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. એનું ગળુ તરસથી સુકાઈ ગયું હતું.

હજુ પથ્થરના વાસણમાં થોડુંક પાણી વધ્યું હતું. કેપ્ટ્ને એ વાસણ લાવીને ક્રેટી સામે ધર્યું. ક્રેટી ઝડપથી વાસણમાં રહેલું પાણી પી ગઈ. હવે એને થોડુંક ભાન થવા લાગ્યું.વળી એ રડી પડી. કેપ્ટ્ને વહાલથી ક્રેટીના માથા ઉપર હાથ ફેરવ્યો. ક્રેટી કેપ્ટ્નને ભેંટીને ડૂસકાં ભરવા લાગી. આમ અચાનક કેપ્ટ્ન મળી જવાથી એક દીકરી એક પિતાના સુરક્ષા હેઠળ હોય એટલી સલામતી કેપ્ટ્ન મળી જવાથી ક્રેટીએ અનુભવી.

"ક્રેટી.. બેટા.. હવે રડીશ નહીં હું તારી સાથે છું.. તને કોઈ આંચ નહીં આવવા દઉં..' કેપ્ટ્નની વાત સાંભળીને ક્રેટીના ડૂસકાં ધીમે પડ્યા.

"કેપ્ટ્ન જ્યોર્જ... મારો જ્યોર્જ ક્યાં હશે..? મારે એની પાસે જવુ છે.." ક્રેટી રડતાં-રડતાં બોલી.

"એ પણ સુરક્ષિત હશે..ચિંતા ના કર બધું સારું થશે.. હવે હું તમારી સાથે છું તમને કાંઈ નહીં થવા દઉં..' કેપ્ટ્નના આશ્વાશન ભર્યા શબ્દો સાંભળીને ક્રેટીનું રુદન અટક્યું.

"પણ ક્રેટી આ લોકોએ તને કેવીરીતે પકડી..? કેપ્ટ્ને થોડાંક રોકાઇને આગળ પૂછ્યું.

ક્રેટીએ જ્યારથી તેઓ કેપ્ટ્ન અને સાથીદારોની શોધમાં નીકળ્યા. ત્યાંથી માંડી બરફવર્ષા , અંધારી ગુફા , સુંદર સરોવર , ગોરીલા અને દીપડાની લડાઈ અને એને રાત્રે આ જંગલી લોકોએ કેવીરીતે પકડી ત્યાં સુધીની આખી વાત કેપ્ટ્નને કહી સંભળાવી.

ક્રેટીની વાત સાંભળીને કેપ્ટ્ન ખુદ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ જે ભયાનક સફર ખેડીને કેપ્ટ્ન અને સાથીદારોની શોધમાં નીકળ્યા હતા એ ખરેખર બિરદાવવા લાયક હતી. પછી થોડીવાર કેપ્ટ્ન અને ક્રેટી વાત કરતા રહ્યા. ક્રેટીને આ જંગલીઓ જ્યારથી પકડી હતી ત્યારથી ખુબ થાકી ગઈ હતી એટલે એ કેપ્ટ્ન સાથે વાત કરતા કરતા જ ઊંઘી ગઈ. ક્રેટી ઊંઘી ગઈ એટલે કેપ્ટ્ન પણ આડા પડ્યા અને એમની આંખો પણ ક્યારે મીંચાઈ ગઈ એની એમને પણ ખબર ના પડી.

સવાર પડી ત્યારે બંધ ઝુંપડામાં થોડુંક અજવાળું આવ્યું. કેપ્ટ્ન ઉઠી ગયા હતા. ક્રેટી હજુ ઘસઘસાટ ઊંઘી રહી હતી. દરરોજના ક્રમ મુજબ આજે પણ એક જંગલી માણસ આવીને પાણી અને ફળો તથા ખાવા માટે કંદમૂળ આપી ગયો. થોડીવાર પછી કેપ્ટ્ને ક્રેટીને જગાડી. ક્રેટીએ ઉઠીને મોઢું ધોયું. કેપ્ટ્ને જયારે સવારે ક્રેટીનું મુખ જોયું. રડવાથી ક્રેટીનું રૂપાળું મુખ વિલાઈ ગયું હતું. ક્રેટીના સુંદર અને હસમુખા ચહેરા ઉપર આજે વેદનાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

થોડીવાર થઈ ત્યારે કબીલાનો મુખીયો એના બે સૈનિકો સાથે ઝુંપડામાં દાખલ થયો. પહેલા તો એણે દૂરથી ક્રેટીને ધ્યાનપૂર્વક જોઈ પછી એ ક્રેટીની પાસે આવ્યો. એને પાસે આવતો જોઈને ક્રેટી અંદરથી ધ્રુજી ઉઠી.પણ કેપ્ટ્ન એની સાથે છે એનું સ્મરણ થતાં જ ક્રેટીનો ડર થોડોક ઓછો થયો.
પેલાએ પાસે આવીને ક્રેટીને ઉભા થવાનો ઇસારો કર્યો. ક્રેટી ડરતી ડરતી ઉભી થઈ અને જમીન તરફ પોતાનું મુખ કરીને ઉભી રહી. પછી પેલાએ આજુબાજુ ફરીને ક્રેટીના શરીરને સારી રીતે નીરખ્યું. પછી એ ક્રેટી સામે જોઈને વિચિત્ર રીતે હસી પડ્યો. જંગલી મુખીયાની આ હરકત જોઈને કેપ્ટ્નનું અંગ અંગ ગુસ્સાથી ધ્રજી ઉઠ્યું. પણ એમણે તરત જ ગુસ્સાને કાબુ કરી લીધો. કારણ કે હમણાં ઉતાવળ કરવી એમને યોગ્ય લાગી નહી. પછી પેલાએ કેપ્ટ્ન અને ક્રેટીને પોતાની પાછળ આવવા માટે ઇસારો કર્યો. ક્રેટીએ પહેલા કેપ્ટ્ન સામે જોયું. કેપ્ટ્ને જવા માટે પગ ઉપાડયા એટલે ક્રેટી પણ પાછળ પાછળ ચાલવા લાગી.

બન્નેને એક ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યા. ત્યાં જઈને કેપ્ટ્ન અને ક્રેટીએ જોયું તો જ્યોર્જ , પીટર , ફિડલ , પ્રોફેસર , રોકી , જોન્સન અને બીજા ક્રેટીના નગરવાસી મજૂરો પણ હતા. એન્જેલા પણ હતી પણ એને બધાથી દૂર ઉભી રાખવામાં આવી હતી. કેપ્ટ્નને જોતાં જ બધાના વિલાઈ ગયેલા મોંઢા ઉપર નવી ચમક આવી. જ્યોર્જ અને ક્રેટીએ પણ એકબીજા સામે પ્રેમભરી નજરે જોયું. જ્યોર્જની આંખોમાં ક્રેટીને આ જંગલીઓના હાથમાંથી ના બચાવી શક્યો એનો ખેદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

ક્રેટીને બાંધેલા હાથે એન્જેલા પાસે ઉભી રાખવામાં આવી અને કેપ્ટ્નને જ્યોર્જ અને બીજા સાથીદારો પાસે ઉભા રાખવામાં આવ્યા. પછી પેલો જંગલી મુખીયો ઉભો થયો અને ક્રેટી તથા એન્જેલા પાસે આવ્યો. અને એણે ક્રેટીનો હાથ પકડ્યો આ જોઈને જ્યોર્જ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો. પણ કેપ્ટ્નના ઇસારાથી એણે કાંઈ કર્યું નહીં કારણ કે સામે જ બધા જંગલીઓ તીરકામઠાં લઈને તૈયાર ઉભા હતા. જો કોઈ જરા પણ હલવાની કોશિશ કરે તો તીર વડે ત્યાં જ વીંધી નાખે.

પેલા મુખિયા એ જેવો ક્રેટીનો હાથ પકડ્યો ત્યાં તો. એ જંગલી લોકોના ઝુંપડાઓમાંથી એમના બાળકો અને સ્ત્રીઓનો રડવાનો અવાજ આવ્યો. અને ઝુંપડા તૂટવાનો પણ અવાજ આવ્યો. બધાએ એ બાજુ જોયું તો બધા ધ્રુજી ગયા. પેલા જંગલીઓના હાથમાંથી તીર કામઠા ત્યાંજ પડી ગયા.

(ક્રમશ)