MOJISTAN - 1 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 1

મોજીસ્તાન - 1

પ્રકરણ 1

ટેમુભાઈ...!

ટેમુભાઈ નામ વાંચીને કોઈને પણ અચરજ થાય એમ તમને પણ થયું હશે.

કહેવાય છે કે એમના જન્મનો ટાઈમ થઈ જવા છતાં એમણે જન્મ લેવામાં ઘણો ટાઈમ લીધેલો એટલે ગામના ગોરે રાશિ જોઈને ટેમુ, ટપુ, ટોડર વગેરે સાવ ન ગમે એવા નામોની યાદી આપેલી.જેમાંથી ટેમુતાતને પ્રથમ નામ ગમેલું.

જન્મ્યા પછી ટેમુએ બધી બાબતમાં ટાઈમ લેવા માંડ્યો હતો.જાણે કે ટાઈમ લેવા જ જન્મ્યો હોય એમ એને કોઈ વાતની ઉતાવળ નહોતી.

રડવાનું શરૂ કરે તો ક્યાંય સુધી મોં ઉઘાડું રાખે. ટેમુમાતાને એમ થાય કે આને કંઈક ખાવું લાગે છે એમ કરી ખોળામાં લે...ત્યારે ભેંકડાનો પ્રથમ સ્વર કાઢીને એ ટેમુ નામધારી બચ્ચું એની મા સામે તાકી રહેતું. મા ફરી ખવડાવવા જાય ત્યાં બીજો સ્વર કાઢે...રડવામાં પણ ટેમુડો ઉતાવળ કરતો નહોતો...!
એની સાથે જન્મેલા બધા બાળકો ચાલતા શીખીને જ્યારે દોડવા મંડ્યા ત્યારે ભાઈ ટેમુ બેસવા શીખ્યો હતો.
ટેમુના પિતા ગામમાં કરિયાણાની હાટડી ધમધોકાર ચલાવતા. દરેક કામની એમને ખાસ ચીવટ અને ઉતાવળ રહેતી. એ ઉતાવળને ઘેર આ આળસ પુત્રરૂપે જન્મી હતી..!
પુત્ર ટેમુ એકદમ ધીરેધીરે મોટો થઈ રહ્યો હતો. પાંચ વર્ષનો થતાં એને દસ વરસ લાગ્યા...! કારણ કે એક વરસ વધવા માટે ટેમુ બે વરસનો ખાસ્સો ટાઈમ લઈ રહ્યો હતો...!

ધોરણ એકમાં એની સાથે નિશાળે ભણવા બેઠેલા છોકરાઓ ત્રીજામાં પહોંચ્યા ત્યારે આ મહાશય એકડો શીખી રહ્યાં હતાં.

જમવા બેસે ત્યારે મોંમાં ભરી રાખેલા કોળિયાને ચાવવાની પણ એને જરાય ઉતાવળ નહોતી.
"હવે મોઢું હલાવ..ઝટ ખાઈ લે." એવો સાદ પાંચમી વખત સાંભળે ત્યારે એનું મોં ચાવવાનું ધીમેધીમે શરૂ કરતું.
એ આળસનો અવતાર હતો એવું તો સાવ નહોતું પણ બધા કામમાં એ સાવ ધીમો હતો. લગભગ ગામના બધા જ છોકરાઓ સાથે ભણી રહ્યાં પછી એને અક્ષરજ્ઞાન આવેલું જોઈ એના બાપ મીઠાલાલે દુકાનનું કામ શીખવવા માંડ્યું હતું.

ટેમુભાઈ ધીમેધીમે જુવાન થયો ત્યાં સુધીમાં એની ધીમાપણાની કીર્તિઓ ગામના સીમાડા વટાવી ચૂકી હતી.

ટેમુનું માથું પાછળના ભાગેથી નાળિયેર જેવું હતું. એના મસ્તિષ્કનો પાછળનો ભાગ જોઈને તમને ટેબલફેન યાદ આવ્યાં વગર રહે નહીં. ટેબલફેનના પાછળના બોથા જેવું જ ટેમુનું માથું હોવાથી જ્યારે એ આજુબાજુમાં બેઠેલા લોકો સામે જોતો ત્યારે તમને એમ લાગે કે ટેબલફેન ફરી રહ્યો છે. ટેમુના અમુક દોસ્તો એને ટેમુ ટેબલફેન પણ કહેતા. ટેમુ સ્કૂલના ક્લાસમાં બેસીને બોર્ડના એક ખૂણેથી બીજા ખૂણા સુધી લખેલું વાક્ય વાંચતો ત્યારે કેટલાક ટીખળીયા એમ કહેતા કે "અલ્યા જો જો પંખો ફરે છે...!"

આ ઉપરાંત દરેક કામમાં ટાઢો હોવાથી ટેમુને "ટાઢું ટબુકલુ" એવું ઉપનામ પણ પ્રાપ્ત થયું હતું...જેને ધારણ કરીને એ જુવાન થયો હતો.

એક દિવસ ગામના સરપંચ હુકમચંદની વીજળી,છાનીમાની ઘરમાંથી નીકળીને ટેમુની દુકાને ખરા બપોરે આવી ચડી.
લાંબો ચોટલો, લંબગોળ આંખો, પાતળી ડોક, ઉગતી યુવાનીથી હરીભરી છાતી, પાતળી કમર અને લાંબા સુડોળ ચરણો લઈને, વાવાઝોડાની માફક આવી ચડેલી વીજળીએ પહેરેલા મોટા ઘેરવાળા ચણિયાએ ધૂળની ડમરી ઉડાડી...!

હુકમચંદની એ દીકરી વીજળી, ટેમુ ટાઢાને જોઈ ગડગડાટ કરીને ચમકી..
"એય...ટેમુડા...લે ઝટ બે રૂપિયાની ખારીશીંગ અને બે રૂપિયાના દાળિયા દે...લે ઝટ...મારા બાપુ મને ભાગ લેતા ભાળી જાહે તો ખિજાશે...!''

ટેમુ છાપાની પસ્તીના કાગળમાં લખેલો એક ફકરો એણે મેળવેલા અક્ષરજ્ઞાનનો ઉપયોગ કરીને વાંચી રહ્યો હતો. એનો એ પ્રયાસ વાટકી વડે ટીપણું ખાલી કરવા જેટલો ધીમો હતો...!

ટેબલફેન એનું માથું ફેરવે એનાથી અડધા ભાગની ઝડપે ટેમુએ વીજળી સામે જોઇને કહ્યું, ''હેં......એં.... એં..... એ....?''
"હેં..શું.. ઝટ દઈને બે રૂપિયાની ખારીશીંગ અને બે રૂપિયાના દાળિયા દે..આલે પાંચ રૂપિયા.."
''કોને.... મને કીધું ?....................
બે રૂપિયાની ખારીશીંગ.............
બે રૂપિયાના દાળિયા.................
કોને તારે જોવે સે...?"
બે વાક્યો વચ્ચે ટેમુ ટાઈમ લેતો.

"આંય તારી સિવાય બીજું કોઈ છે ? અને હું આવી છું તો મારે જ જોતું હોય ને....લે ને ઝટ..."

વીજળીને ઉતાવળ હતી. એના પિતા હુકમચંદનો હુકમ હતો કે ગામમાં ક્યારેય જાવું નહીં અને જાવું તો કોઈની દુકાને ઊભું રહેવું નહીં. ઊભું રહેવું તો ઝટ કામ પતાવીને હાલતું થવું. નકર ટાંટિયા ટૂટી જાહે એટલે વીજળીના ટાંટિયા ધ્રૂજી રહ્યાં હતાં પણ આપણો ટેમુ ટાઈમ લઈને એને નીરખી રહ્યો હતો.
"આમ મોઢું ફાડીને મને શું તાકી રિયો છો...ઝટ લે ને."
હવે આ "ઝટ" નામનો શબ્દ તો એની ડિક્શનરીમાં હતો નહીં. વીજળીના ચહેરા પરથી નજર પણ દરેક કામની જેમ ધીમેધીમે જ હટે એમ હતી. ફરતા ટેબલફેનની અડધી ઝડપે ટેમુએ નજર હટાવીને કહ્યું,
"બેના દાળિયા..અને બેની ખારી શીંગ......અટલે....અટલે... બે ને બે..એ...''
"ચાર થાય...દેતો હોય તો દેને નકર હું જાઉં." વીજળીની મજબૂરી એ હતી કે બીજી દુકાનો એના ઘરથી દૂર હતી અને ત્યાં જવામાં બાપુનો કોઈ બાતમીદાર ભટકાઈ જવાની બીક હતી.
"પણ તો પછી..." ટેમુ હજી એના આસન પરથી હલ્યો પણ નહોતો.
"શું પણ તો પછી...લે ને અલ્યા જલદી આપી દે ને."
"હું ઇમ કવ સુ કે તારે બે રૂપિયાના દાળિયા લેવા સે ને... ?" ટેમુએ પાછો ટેબલફેન વીજળી પર સ્થિર કર્યો.
"અને બે રૂપિયાની ખારીશીંગ."
વીજળીએ હવામાં હાથ વીંજ્યો.
"પણ બે રૂપિયાના દાળિયા કીધાને..." ટેમુએ ધીમેથી મટકું મારીને આંખો બંધ કરી.જાણે કે બંધ આંખે એ વીજળીના રૂપને ધીમેધીમે પી રહ્યો હોય એમ !
"પણ બીજા બે રૂપિયાના દાળિયા."
"તો તું પેલા સોખું કર્ય કે પેલા બે રૂપિયાના દાળિયા દવ કે બીજા બે રૂપિયાના...... ? " ટેમુની બંધ થયેલી આંખો ઉઘડતા હજી ટાઈમ લાગે તેમ હતો...!

વીજળીની અકળામણનો પાર નહોતો.

"અલ્યા મૂરખ...તારી મરજી પડે એમ દે. બેય વાના બે બે રૂપિયાના દે...પણ ઝટ દે...હજી તો ગાદી ઉપરથી હલતોય નથી. મારા બાપા ભાળી જાશે.લે ને ઝટ."
ટેમુએ આટલી વારમાં હજી આંખો ખોલી હતી. હજુ પણ ટેબલફેન વીજળી તરફ મંડાયેલો હતો.
"તું લે ને...લે ને ક્યારની કરછ પણ દેતી તો કાંઈ નથી..તું દેવા આવી સો કે લેવા...?" ટેમુએ આંખો પટપટાવી.
"હે ભગવાન...આ ટાઢા ટબુકલાની દુકાને હું ચ્યાં આવી...હાળો કોઈ વાતમાં હમજતો નથી. અત્યાર સુધીમાં તો ત્રણવાર ત્રીસ વસ્તુ આપી દીધી હોય,મીઠાકાકાએ." કહી વીજળીએ જવા માટે પગ ઉપાડ્યો.

આમ દુકાનનો ચાર રૂપિયાનો વકરો ટેમુની ટાઈમ લેવાની ટેવને લીધે થતા થતા રહી ગયો અને વીજળીને "ક્યાંય લગી" ટેમુની દુકાને ઊભેલી ચંદુ ચારમીનાર જોઈ ગયો.

આ ચંદુ ચારમીનાર, હુકમચંદનો ખાસ પાલતુ કુત્તાઓમાંનો એક હતો. એની ઝાંપા વગરની ઝૂંપડી ગામના ઝાંપે હતી. ચંદુ ચારમીનાર આખો દિવસ પંચાયતમાં બેસીને ગામ આખાની થઈ રહેલી પંચાતમાં ચંચુપાત કર્યા કરતો.

ગામના તલાટી તિકમલાલની ચારમીનાર છાપ સિગારેટનું આખું બોક્ષ ઉઠાવી લેતા એ રંગે હાથ પકડાઈ ગયેલો, ત્યારથી એનું નામ ચંદુ ચારમીનાર પડી ગયેલું...!

આપણે હવે એને ચંચાના ટૂંકા નામથી જ ઓળખીશું.આ ચંચો એક પ્રકારનો સંચો જ હતો અને એની ચાવી હુકમચંદની એકની એક બંડીના છેક અંદરના ખાનામાં હતી...!

ચંચો, વીજળી "ક્યાંય લગી"
(ઘણીવાર સુધી) પેલા ટાઢેશની દુકાને ઊભી હતી એ ચ્યાય જગુનો
(ક્યારનો) ચોરા પાસે આવેલા દેવજી રામાના ડેલા બહારના ઓટલે બેઠો બેઠો જોતો હતો.

પોતાની ઝાંપા વગરની ઝૂંપડી આ વીજળીનો ચમકારોય ખમી શકે એમ ન હોવા છતાં ચંચો મનમાં એ વીજળીના અજવાળાંથી પોતાની ઝૂંપડી ઝગમગાવાના અભરખા સેવતો હતો.(મૂરખ હતો સાવ...!)

"ચીમ નયાંકણે જઈ'તી ? હું ચ્યાંય જગુનો આંય બેઠો બેઠો જોવે સુ...તું ક્યાંય લગી ઇ ટાઢિયા હાર્યે વાતું કરતી'તી...કે'વા દે આજ બાપુને..." ચંચાએ આંખના ડોળા ફરતું થોડુંક હેત વીંટાળીને કાઢ્યા.
"લે...અમારે ખારીસીંગ ને દાળીયા લેવા નો જાવું...? તું બેયહની સાનુમુનો...કોકના ઓટલા ભાંગસ તે જાને જાતો હો ન્યા." વીજળી એમ પાછી ડરે એવી નહોતી.
"ખાર્સિંગને ડાળીયા લેતા આટલી બધી ચીમ વાર લાગી...અને પાસી લાવી તો નય...નક્કી તું ઇ ટાઢિયા હાર્યે વાતું કરવા જ ન્યા ઊભી'તી..
તે હું ઇમ કવ સુ ક એવી તે ચેવીક વાતું ઈ ટેમુ ટેબલફેન કરે સે...તે તું
ચ્યારની નયાં ટીંગાણી'તી‌‌...! જોજે તારા બાપુને કય દવ.."
ચંચા એના સંચામાંથી લીરા કાઢીને વીજળીને વીંટવાની કોશિશ કરતો હતો...વીજળી પણ થોડી ડરી હતી.
વીજળી પર ચંચાની વીજળી પડે એ પહેલાં તખુબાપુ એમની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યા.
ગામના ઉતાર જેવો ચંદુ સરપંચની છોડીને ''વતાવતો" હતો એ જોઈને
તખુબાપુએ ઘોડી ઊભી રાખી.
"ચીમ અલ્યા ફાટ વધી સે...? ગામની જુવાન દીકરુયુંને ઊભી બજારે ઊભી રાખનારો તું સો કોણ બે માથાનો ? આ ગામમાં તખુબાપુ જીવે સે હો...ચીરીને મીઠું ભરી દેશ... હાળા...!"
બાપુએ આંખ લાલ કરી એટલે ચંચાએ ઊભા થઈને એમનો પગ ઝાલ્યો. વીજળીએ તકનો લાભ લઈને ચાલતી પકડી.
"બાપુ...ઇ તો મારી બોન સે. હું તો સરપંસનો ડાબો હાથ સુ..અને આ વઇ જઈ ઇ વીજળી તો મારી બોન જેવી સે..ઈતો હું પુસ્તો'તો કે બાપા ઘરે સે કે નઈ... હે હે હે..." ચંચો ઘડીકમાં વીજળીનો ભાઈ થઈ ગયો.
''તો ઠીક...બાકી બીજું ગમ્મે ઇ કરછ તો હું એકફેરા હંકવી લશ...પણ બોનું દીકરીયુંની સેડતી કરી સે ને તો ચીરીને મીઠું ભરી દશ." કહીને બાપુએ ઘોડીને એડી મારી.
ચંચાની મનની મનમાં રહી ગઈ
એટલે એ ટેમુની દુકાને કંઈક તોડ થશે એમ સમજીને આવ્યો.
ટેમુ ટાઢું પાણી પીને કાઉન્ટર પાછળની ગાદી પર આડો પડ્યો હતો.
"ચીમ અલ્યા...ટેમુડા..આ....."
ચંચો દુકાનનું પગથિયું ચડીને જ્યાં થોડીવાર પહેલા વીજળી ઊભી હતી ત્યાં આવીને ઊભો રહ્યો.
માંદણામાં પડેલા પાડાને દેડકાના અવાજથી પડે એટલો ફેર ટેમુને ચંચાના એ અવાજથી પડ્યો !
ટેબલફેન જેવું એનું માથું એણે ફેરવીને ચંચા ઉપર સ્થિર કર્યું.
પૂરી બે મિનિટ આ ક્રિયા કરતા એને લાગી.
"ચીમ ગામની છોડીયુંને હેરાન કરછ...?" ચંચાએ વીજળીનો કેસ અમુક ખાસ કારણોસર હાથમાં લીધો.
'કોણ..?" ટેમુએ કહ્યું.
''કોણ..તે તું..હું ચ્યાંય જગુનો ચોરેથી જોતો'તો...તેં વીજળીને ક્યાંય લગી આંય ઊભી રાખી'તી.."
"શું જોતો'તો.....અને ચોરેથી શું કામ જોતો'તો.......................
ન્યાથી ચેવુંક દેખાય...................
દેખાય તો હમભળાય નઈ...........
આંય આવતું રે'વાયને.............."
ગાદી ઉપરથી જરીક ડોકું ઊંચું કરીને ટેમુએ દરેક વાક્ય વચ્ચે માફકસરનો ટાઈમ લઈને કહ્યું.
"ઇ હંધિય વાત જાવા દે..પણ તે અમારી વીજળીને ચ્યાંય લગી આંય હું કામ ઊભી રાખી'તી ઈ ક્યે..." આમાં ચંચાને "મારી વીજળી'' કહેવું હતું, તેમ છતાં 'મારી' આગળ પરાણે 'અ' લગાડવો પડ્યો હતો.
"તો જાવા દે...ને...મને આવવા દેવામાં કંઈ રસ નથી...." ટેમુએ કહ્યું.
"શું જાવા દે...?"
''તેં હમણે તો કીધું જે ઈ હંધુય જાવા દે."
"અરે પણ ઈમ નહીં...હું ઈમ પુસુ સુ કે તેં ચીમ વીજળીને ઊભી રાખી'તી ક્યાંય લગી..." ચંચાએ જરાક અવાજ ઊંચો કર્યો.
ટેમુના કાનની સર્કિટ ઊંચા અવાજથી મગજ પર સાઈલન્સનો સંદેશો મોકલી આપતી. ટેમુ એકધારો નજરમાં "રાડ્યું ચીમ પાડસ..?" નો સવાલ આંજીને ચંચાને તાકી રહ્યો.
પોતાના સવાલને હજુ પણ કોઈ આપવા લાયક જવાબ ન મળવાથી ચંચાને ચળ ઉપડી હતી પણ સામો પક્ષ સાવ લક્ષ આપતો નહોતો.
"અલ્યા ટેમુંડા.. ખબર સે ને ઇ કોની છોડી હતી ઈ..? ''
ટેમુએ ટેબલફેન ચંચા ઉપર સ્થિર કર્યો.
"મેં ઈને ઊભું રેવાનું નહોતું કીધું....
હવે તારે શું જોવે છે ઈ ભંહય.."
ચંચાને એની હેસિયત પ્રમાણેનો જવાબ આપીને ટેમુએ જરીક બેઠો થયો.
"તો ઈ આંયા ચ્યાંય લગી શું કામ ઊભી'તી..?"
"...............................કોણ..?"
"વીજળી.."
"...............કોણ વીજળી.......... હમણે આવી'તી ઈ...?"
"હા..."
"....................................ઠીક"
''ઈ ને ચીમ ઊભી રાખી'તી..?"
".................................કોને ?"
"અલ્યા કીધું તો ખરા કે વીજળીને.... હમજતો ચીમ નથી"
".......................... હૂં હમજાવવું
સે તારે...?"
ચંચા હવે થાક્યો.એણે ટેમુ જવાબ આપવામાં ટાઈમ લે છે એ જાણેલું પણ ક્યારેય સામનો થયેલો નહીં. ટેમુના ટાઢા જવાબોથી એ ખીજાયો..
"તારી જાતના..ટેમુડા....તું હમજશ હૂં તારા મનમાં..?"
"...............................કોણ ?"
ટેમુએ પાછું માથું ઊંચક્યું. બરાબર એ જ વખતે ટેમુતાત મીઠાલાલ દુકાનમાં પ્રવેશ્યાં....

(ક્રમશ :)

Rate & Review

Tirthraj Tadvi

Tirthraj Tadvi 1 month ago

Jainish Dudhat JD

Jainish Dudhat JD Matrubharti Verified 2 months ago

bhare kari aa Mr. Temu ae to 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Dhambha

Dhambha 2 months ago

Vaidehi

Vaidehi Matrubharti Verified 6 months ago

Shankarbhai

Shankarbhai 8 months ago