MOJISTAN - 6 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 6

મોજીસ્તાન (6)


ગામના સરકારી દવાખાને બાબાને ડ્રેસિંગ કરીને પાટો બાંધી આપવામાં આવ્યો. બાબાની અને તભાભાભાની સાવ નામરજી હોવા છતાં ડોક્ટરે દરજી બનીને ટાંકા લીધા હતા અને ધનુરનું ઇન્જેક્શન બાબાને ઊંધો સુવાડીને એના કૂલામાં ઠોકયું હતું. એ વખતે બાબાએ જે બોકાહો ( રાડારાડ) કર્યો એ બંધ કરાવવા નર્સે એનું મોઢું દબાવી દીધું.

તભાભાભા પોતાના પુત્ર પર થઈ રહેલો અત્યાચાર જોઈ શક્યા નહોતા કારણ કે ડોક્ટરે એમને બહાર બેસાડ્યા હતા. નહીંતર ડોકટર એમના શ્રાપનો ભોગ બની જાત ખરા...!


થોડીવારે હબો લોહીવાળું મોઢું લઈને આવ્યો. જાણે કોઈને બચકું ભર્યું હોય એવો એનો દેખાવ હતો. એ આવીને તભાભાભા પાસે પાટલી પર બેઠો.

"મારી દુકાનમાં તમારા બાબલાએ સોપારી ચાવીને કોગળો કર્યો છે.તમારે સાફ કરવું પડશે..નકર હું તમારા બાબલાના ડાબલા તોડી નાખીશ...ચોવી કલાક તમે હાર્યે રે'વાના નથી ઈ હમજી લેજો." હબાએ આગળના તૂટેલા દાંતની જગ્યામાંથી હવા ફૂંકતા કહ્યું.

"હવે જા...જા...અમે શુદ્ધ...અને પવિત્ર આત્મા છીએ...બ્રાહ્મણ છીએ..શાસ્ત્રોના જાણકાર છીએ...અને તું એક તુચ્છ જનાવર છો. તું તો નર્કનો અધિકારી છો.મારા પગમાં પડીને માફી માંગ તો હું તારી સજામાં કંઈક ઘટાડો કરીશ." કહી એ ઊભા થઇ ગયા.


હબો એમના પગમાં નમ્યો નહીં. હબાનો એ રૂઆબ ભાભાને ગમ્યો નહીં.

"હું ભલે નરકમાં પડું...પણ જો મારી દુકાનમાં બગડ્યું તે તમે સાફ નહીં કરો તો હું તમને માફ નહીં કરું...ભાભા, તમારા બાબલાને ડાબલામાં પૂરી રાખશો તોય હું એને મૂકીશ નહીં..અને તમારા સરાપથી ઝૂકીશ નહીં."

ભાભા હવે ભડકયા છતાં એમણે થડકયા વગર કહ્યું, "હે નીચ હબલા...તું તારી તમામ શક્તિને કામે લગાડીશ તો પણ મારા બાબાનું કંઈ બગાડીશ નહીં એ નક્કી છે...તારા વિનાશની વાત પક્કી છે.''

દવાખાનાનો કમ્પાઉન્ડર આ માથાકૂટ થતી જોઈને ત્યાં આવીને હબાને લઈ ગયો. હબાએ મોઢું પહોળું કરીને પડી ગયેલા દાંત બતાવ્યા.

"ભાભા...તમારા બાબલાના બત્રીસે બત્રીસ પાડી દેવાનો છું.આમેય મારે નરકમાં જ જાવાનું છે તો શું ફેર પડવાનો...બાબાને બોખો કરીને નોખો કરી નો નાખું તો હું હબો નહીં."

હબો હજી હેઠો બેસતો નથી એ જોઈને ભાભા, રાડો પાડતા પોતાના પ્રિય પુત્રને લઈને ચાલતા પડ્યા.

*

તખુભાએ ચંચાને બે ઝાપટ મારીને ફરી પાડી દીધો.
''ગોલકીના...હું મારા ઘર હાટુ દુકાને દુકાને રોટલા માંગતો ફરું છું...?"

ચંચો ઊભો થઈને તખુભાના પગમાં પડ્યો.
''બાપુ...જાવા દ્યો...હવે કોય દી' નઈ કરું... તમારી ગૌ છવ....આજથી તમારો ગુલામ છું...આજથી હું તમારી પાલટીમાં."

ચંચો હુકમચંદનો ડાબો હાથ હતો એ તખુભા જાણતા હતા. આ ચંચો હુકમચંદની યોજનાઓ જાણતો જ હોય...તો પોતાને એ કામમાં આવે તેમ હતું. તખુભાએ તરત નિર્ણય લીધો.

"આજ રાત્યે ડેલીએ આવજે...હું પૂછું ઈના સાચા જવાબ દઈશ તો જીવતો રઈશ...નકર હાળા ઠાર મારી નાખીશ."

ચંચાએ બે હાથ જોડીને માથું બાપુના પગમાં નમાવ્યું...એ જાણતો હતો કે તખુભાના હાથમાંથી છટકવું મુશ્કેલ હતું..!

ચંચાની શરણાગતિ જોઈને ત્યાં હાજર હતો એ હુકમચંદનો હજૂરીયો હાલતો થયો.

''બોલ ગોલકીના ચંદુ...હુકમચંદનો પ્લાન શું છે...?" તે દિવસે રાત્રે તખુભાની ડેલીમાં ચંચાને હાજર થવુ પડ્યું હતું. બાપુનો ફોટો વાયરલ કરવા જતાં એને મરવાનો વારો આવ્યો હતો.


"પ્લાન તો હમણે કંઈ હતો નહીં...હશે તો હું તમને તરત કય દેશ." ચંચો હુકમચંદને વફાદાર રહેવા માંગતો હતો પણ તખુભાએ એની ફરતે અજગરની જેમ ભરડો લઈ લીધો હતો. કેટલીક બાતમી એમણે પણ પોતાના માણસો દ્વારા મેળવી હતી.

રવજી- સવજીની સવારી હુકમચંદના ડેલે ગઈ હતી,પછી ગામમાં પાણીની લાઈન નાખવાનો કોન્ટ્રાકટ લેનારા ગંભુ અને માનસંગને પણ બોલાવેલા પણ ડેલીમાં શું ઢફલી કૂટવામાં આવી એ તખુભાને ખબર પડી નહોતી. કંઇક જીભાજોડી થઈ હતી એ વાતની જાણ હતી.

"બેચાર દાડા પહેલા રવો અને સવો હુકમચંદને મળવા આવ્યા'તા...પસી તું ધોડાધોડ ગંભુ અને માનસંગને બોલાવવા જ્યો..પસી સ્હું થયું ઈ બોલ...!"


"હું તો સાનું કે'વા હુકમબાપુના ઘરમાં જ્યો'તો.. અટલે ઈ લોકોએ સ્હું વાતું કરી ઈ ખબર નથી." ચંચો બોલ્યો.

તખુબાપુના એક સાગરીત ઝીણા જાદવે તખુબાપુના ઈશારે ચંચાને લાફો ઠોકી દીધો. ઝીણાની ઝાપટ ભલભલાના પાટલૂન પલાળી દેવા સક્ષમ હતી.

"પોપટની જેમ બોલવા મંડ...નકર આ ઝીણીયો તને મીણીયો કરી દેશે હો...પછી તું બાર્ય તડકે નીકળી નય હકય...તડકો લાગ્યા ભેગો ઓગળવા મંડીશ...ઓલ્યા નાનુને ઓળખશને...? ઈ છાનુંમાનું અમારી વાતું હાંભળવા આયુ'તું." તખુભાએ હુક્કાના ધુમાડા છોડતા કહ્યું.


"રવો કેતો'તો કે લાયનનો કોન્ટ્રાકટ બારોબાર ગંભુને ચીમ દીધો." ચંચાએ ઊંડો શ્વાસ લીધો અને આખો મામલો કહી દીધો.

તખુભાની ડેલીમાં બળતી ટ્યૂબલાઈટ હસી પડી. તખુબાપુના ઢોલિયા નીચે ઊભેલો મીંદડો ચંચાને બીવડાવી રહ્યો હતો અને ઝીણીયો એને દૂધ પીવડાવી રહ્યો હતો.

"ઠીક સે...હવે તું ઉપડ હુકમચંદના ડાયરામાં... આજ નયાં કોણ આવે છે અને સ્હું વાતું થાય છે ઈ કાલ્ય આવીને કે'જે...અને સાબદો રેજે."

ચંચો એનું પડી ગયેલું મોં લઈને ચાલતો થયો... જાણે કોઈએ એને લૂંટી લીધો હોય એમ સાવ પડી ભાંગ્યો હતો.

ચંચાનો મોબાઈલ એને છોડી ગયો હતો. તભાભાભાનો બાબલો સાયકલ તોડી ગયો હતો. બે બદામનો ઝીણીયો ઝાપટ ચોડી ગયો હતો.

** **

"કાં... આં....આં.... આવ્યને....'' ચંચાએ અવાજની દિશામાં જોયું તો ટેમુ એની દુકાનના કાઉન્ટર પાછળથી ડોકું ઊંચું કરીને હસી રહ્યો હતો. એના માથા પર સળગતા બલ્બના પ્રકાશમાં એ થોડો જુદો દેખાઈ રહ્યો હતો. આછા સદરા આરપાર એની ગંજી દેખાતી હતી.

"આવ્ય..ટાઢું પાણીબાણી પી." ટેમુએ ફરી સાદ કર્યો. ચંચાને નવાઈનો પાર રહ્યો નહીં...!


આ ટેમુ કોઈ દિવસ નહીંને આજ એને સાદ પાડીને બોલાવી રહ્યો હતો.અમથુંય આજ એને કોઈ દોસ્તની જરૂર હતી.

ચંચો ટેમુની દુકાનનો ઓટલો ચડ્યો એટલે તરત જ ટેમુએ ટેબલ આપીને બેસાડ્યો. અંદર જઈ ઠંડા પાણીની બોટલ લઈ આવ્યો.

ચંચાને પાણી પીવાથી ખૂબ રાહત થઈ.
બોટલ પકડીને એણે આભારવશ ટેમુ સામે જોયું. ટેમુ કાચિંડાની જેમ ડોકું હલાવીને મંદ-મંદ હસી રહ્યો હતો.

"તો...તખુભાના ચમચા ઝીણાએ તને ધમાર્યો એમને...ચંદુ ચારમીનાર પાટલીબદલવાનો છે એમને." ચંચાનું આશ્ચર્ય બેવડાઈ ગયું!


આ ટાઢિયાને આ બધું કોણે કીધું...?

"પાણી પી પીધું હોય તો બોટલ લાવો હવે." કહી ટેમુએ પાણીની બોટલ પાછી લીધી.

"તને આ બધું કોણે કીધું...? " ચંચો ચકળવકળ થઈ રહ્યો હતો.

"ઈ બધું જાવા દે...તું આપડું એક કામ કરીશ...?" ટેમુએ થોડીવાર વિચારીને કહ્યું.

''ચારમીનાર કોઈ કામ મફતમાં નથી કરતો."
ચંચાએ કહ્યું પણ હવે તો એને પણ રસ પડતો હતો.

''ટેમુ પૈસા ખરચતા નથી ડરતો.કામ થાવું જોવે...બોલ્ય...કરીશ...?"
''કામ બોલ્ય."

"વીજળીને મારી વાત કરવાની છે.'' ટેમુએ હોઠ ઉપર જીભ ફેરવી.

"હેં...?" ચંચાને જાણે કે વીજળીનો ઝટકો લાગ્યો. એ ટેબલ પરથી ઊભો થઈ ગયો.
થોડીવાર પહેલા પીધેલા ટાઢા પાણીથી ટાઢું થયેલું પેટ ગરમ થઇ ગયું.

''શું વાત કરવાની સ...તું ટાઢો ઠીબકા જેવો સો ઈમ ? તારા માથાનો બોથો ટેબલફેનની જેમ આખો દી' ફરે સ ઈમ ? તું લબાડ નંબર વન સો ઈમ ? તારામાં ઉતાવળ નામનું બી નાખવાનું તારા બાપા ભૂલી જ્યા સ ઈમ...?''

પોતાની ઝાંપા વગરની ઝૂંપડીમાં જેના અજવાળાં પાથરવાના અભરખા આ ચંચો સેવતો હતો એ વીજળી વડે આ ટાઢિયો ઉનો થવાની વાત કરતો હતો એ સાંભળીને ચંચાનો મગજ હટ્યો હતો. એ ડોળા કાઢીને ટાઢિયા ટેમુને તાકી રહ્યો જાણે હમણે એને બટકું ભરી લેશે એમ લાગતું હતું..


ચંચો ઓટલા પરથી ઊતરવા અવળું ફર્યો ત્યાં જ જાણે જમીનમાંથી પ્રગટ થયો હોય એમ બાબોકાકો ગલોફામાં સોપારી ઠૂસાવીને ત્યાં ઊભો હતો. એના માથે જાળીદાર ધોળો પાટો બાંધ્યો હતો અને બરાબર માથામાં વચ્ચે રતાશ પડતા પીળા રૂનો પેલ દેખાઈ રહ્યો હતો.

"તેં ચીમ મારો વિડીયો ઉતાર્યો...મારી
હાર્યે સાઇકલ ચીમ ભટકાડી...તું મને સામો જ ચીમ મળ્યો...? સાલ્લા ચંદુડીના...સાલ્લા ગધેડીના...સાલ્લા કૂતરીના...તું એકબાજુ ખહી ચીમ નો જ્યો...હેં...હેં..હેં...?" એમ બરાડા પાડીને બાબાએ ચંચાના બરડામાં જોરથી એક ગડદો ઠોકયો અને એનો એક હાથ પકડીને મરડવા લાગ્યો.

ચંચો બાબાના બળુકા હાથનો ગડદો પડવાથી વાંકો વળી ગયો. એનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો.
હજી બાબો હાથ મરડી રહ્યો હતો.

બાબાના મોંમાં, જે સોપારી એ ભરડી રહ્યો હતી તેનો ભીનો ભૂકો સ્પ્રે થઈને એના મોં પર છંટકાયો હતો. એનો જે હાથ છુટ્ટો હતો એ હાથથી એણે પહેલાં પોતાનું મોં લૂછયું‌...પછી બાબાની ફાંદમાં કોણી મારી. એની કોણી રૂના કોથળાને લાકડીનો ગોદો વાગે એમ બાબાની ફાંદમાં પેસી ગઈ. એ જોઈને બાબાએ બળ વધાર્યું...વાંકા વળેલા ચંચાના ડેબામાં બાબાએ પણ કોણીનો પ્રહાર કર્યો.


બાબો ચોખ્ખા ઘીના લાડવા ખાઈને ઉછર્યો હતો.એના શરીરમાં આખલા જેવું કૌવત હતું. માંગી છાશ અને બાજરાનો રોટલો ખાનાર ચંચો એની ઝીંક ઝીલી શક્યો નહીં. બાબાના કોણી પ્રહારથી એ ઊંધા મોંએ જમીન પર પટકાયો. બળુકો બાબો જમીન પર ઊંધા પડેલા ચંચા પર ચડીને ઊભો રહ્યો.

''ઓ..ય..ઓ..ય..બાપલીયા..મરી..જ્યો..હેઠો ઉતર..હાળા બાબલા તારી જાતના..હું મરી જઈશ." ચંચો રાડો પાડવા લાગ્યો.


એની રાડ સાંભળીને મીઠાલાલ ઘરમાંથી બહાર આવ્યા...એમણે મહીસાસુર મર્દીની માતાની જેમ ચંચા પર ચડીને ઊભેલા બાબાને જોયો.
"અરે..અરે...ઓલ્યો મરી જહે...એ દેવતા
હેઠો ઉતર મારા બાપ." મીઠાલાલે બાબાને ધક્કો માર્યો અને ટેમુડાને ખિજાયા.

"શું ક્યારનો જોઈ રહ્યો છે....આ ગામનો ઉતાર આંય મરી જ્યો હોત તો જવાબ કોણ તારો બાપ આપત...? "

''પણ મરી તો નથી જ્યોને..ખાલી ખોટી રાડ્યું શું કામ પાડો સો.'' કહી ટેમુએ ઓટલા પરથી ઊતરીને ચંચાને ઊભો કરીને ઓટલા પર બેસાડ્યો.

''હવે...વિડીયો ઉતારીશ..? હેં..હેં.. હેં...? હવે મારી હાર્યે ભટકાશ...? હેં.. હેં... હેં...? સાલ્લા...'' કહીને બાબો ફરી ચંચાનો હાથ પકડવા આગળ વધ્યો પણ મીઠાલાલ ખિજાયા.

''અલ્યા..ભાઈ મારી નાખવાનો વિચાર સે...? ગામના લાડવા દાબી દાબીને કોકને સાવ દાબી દેવાય...? જાવ બાબાલાલ જાવ હવે."

''આજ આ મીઠાલાલ નો હોત તો તું હલાલ થઈ જ્યો હોત...મારો વિડીયો ઉતાર્યો...હેં... હેં....હેં.....''

હેં... હેં... હેં.. કરતો બાબો ગયો. રાતના નવ વાગ્યા હતા. ચંચાને ઘણીવારે કળ વળી. હવે હુકમચંદની ડેલીએ જવું કે નહીં એ વિચારતો ચંચો ટેમુની દુકાનના ઓટલે બેઠો હતો.

મીઠાલાલને કોઈનો ફોન આવતા અંદર ચાલ્યા ગયા એટલે ટેમુ ચંચા પાસે આવીને બેઠો.
ફરીવાર એને ઠંડા પાણીની બોટલ આપીને એ બોલ્યો, "તો બોલ્ય, હવે શું વિચાર છે...આપણી વાત વીજળીને કરવી છે...કે બાબાલાને પાછો બોલાવું...?''

ચંચો લાચાર નજરે ટેમુને તાકી રહ્યો.
બળુકા બાબાએ એને પલળેલા કાગડા જેવો કરી મૂકયો હતો અને હવે આ ચંચો દેડકાની જેમ એની બાજુમાં બેસીને ડ્રાંઉ ડ્રાંઉ કરી રહ્યો હતો.

''શું વાત કરવાની સે...ટેમુશેઠ.''ચૂંથાઈ ગયેલો ચંચો બોલ્યો.


''હં... અં... અં... હવે આવ્યો લાઈન ઉપર.‌. મારું માથું ભલે ટેબલફેનના બોથા જેવું હોય...પણ વીજળી મને વા'લી છે...તારે એની પાંહે મારા વખાણ કરવાના કે ટેમુ જેવો છોકરો આ ગામમાં બીજો કોઈ નહીં મળે...કાલ બપોરે એને ખારીસીંગ ને દાળીયા લેવા આવવાનું કે'વાનું છે..મેં બે બે રૂપિયાની વસ્તુ કાઢી રાખી છે...અને ડેરીમિલ્કની એક કેડબરી પણ હું એને ખવડાવવાનો છું...તારા બાપગોતરમાં કોઈએ ખાધી ડેરીમિલ્ક...?હાળા તારું ઝાડું તો જો...શું જોઈને વીજળીનું ઉપરાણું લઈને મારી દુકાને ગુડાણો'તો." કહીને ટેમુએ એના પડખામાં ગોદો માર્યો.

''ચીમ ઊભી રાખી'તી..તે તારા બાપનું છોલાવવા..જા..હવે હુકમચંદકાકાના ઘેર જઈને મારો સંદેશો પોચાડ.જો કાલ્ય બપોરે ઈ વીજળી નહીં આવે તો તું છો ને બાબલો છે...હાલ્ય હવે વે'તીનો પડ્ય.કાલ્ય સાંજે આવજે...બીજો ડોઝ આપીશ...અને તારું મે'નતાણું પણ મળી જશે... ઊઠ.'' ચંચાના પડખામાં વધુ એક ગોદો ઠોકીને ટેમુ કાઉન્ટર કૂદીને કોથળા પર ગોઠવાયો.


ચંચો પાછું ફરીને જોવાય રોકાયો નહીં.
હવે વધુ વખત અહીં થોભવું ખૂબ જોખમી હોવાનું જાણીને, ભાંગેલો ડેબો તાણીને અને બાબાનો મેથીપાક માણીને પગ ઢસડતો ઢસડતો ચાલ્યો ગયો.

*


ભરબજારે બાબા પાછળ હબાની હડીને કારણે જે હાદસો થયો હતો એના બીજા દિવસે હબો તભાભાભાની ઓસરીની જાળીએ આવીને ઊભો રહ્યો.

સવારના પહોરમાં અતિ તુચ્છ માનવ મગતરું પોતાના બારણે આવેલું જોઈ સૂર્યનારાયણને જળની અર્ધ્ય ચડાવી રહેલા તભાભાભા તાડુક્યા,

"સવાર સવારમાં તારું અપશુકનિયાળ ડાચું લઈને શા માટે એક પવિત્ર બ્રાહ્મણનો દિવસ બગાડવા આવ્યો છો...હે નીચ અને દુષ્ટ અધમ આત્મા...તું અત્યારે જ અહીંથી ચાલ્યો જા... નહીંતર હું શિવભક્ત ત્રીજું નેત્ર ખોલીશ તો તું બળીને ભષ્મ થઈ જઈશ...''

તભાભાભાના ખભા પર ખૂંધ નીકળી આવી હતી. એ ગુસ્સે થતા ત્યારે આ ખૂંધ ખંજવાળતા.. કપાળે ચોળેલી ભભૂત ઉપર ચંદનનું ત્રિપુંડ, મોટું કપાળ અને બચેલા તમામ વાળને પોતાની ગાંઠમાં બાંધી રાખતી ચોટલી... માથાથી સહેજ દૂર રહી ખભા તરફ ઢળેલા કાન...બંને નસકોરામાં મોટી આંગળી આરામથી શારડીની જેમ હરફર કરી શકે એટલી જગ્યાવાળું જાડું નાક.. લબડતા ગાલ અને એવા જ લબડતા હોઠ નીચે નાનકડી દાઢી.


આવા ચહેરાના માલિક તભાભાભા ચોરસ ચહેરાવાળા હબા ઉપર હલબલી રહ્યા હતા... પણ એમનો ખોફ હબાના દિલમા ન તો ખલબલી મચાવી શક્યો કે ન તો હબાને હલાવી શકયો.

''તમારે જેટલા નેતર હોય ઈ હંધાય ખોલો અને હાલો મારી હાર્યે...કાલ બપોરે મારી દુકાનમાં સોપારીનો કોગળો કરીને ભાગેલા તમારા બાબલાએ મને બોખો કરી નાખ્યો...એટલેથી ઈ નો ધરાણો...રાત્યે આવીને મારી દુકાનના બંધ તાળાંને પોદળા મારી જ્યો...હવે મારે ચાવી ક્યાં ભરાવવી...? તમેં અતારે ને અતારે મારી દુકાને હાલો...નકર હું તમારા ઘરમાં ઘૂસી જઈશ અને તમને અભડાવી મારીશ...'' હબાએ આગળના પડી ગયેલા દાંતની બખોલ બતાવીને દાંતિયું કર્યું.


તભાભાભાએ અકળાઈને તખુભાને ફોન લગાડ્યો...

(ક્રમશ:)