MOJISTAN - 4 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 4

મોજીસ્તાન


પ્રકરણ-4


"બટા...ટેમુ...મને ટાઢું પાણી પા...પસી તું આ બયણીનો તોલ કરજે...લે ઝટ મને તરસ લાગી સે." તખુભાએ બરણીનો ધડો કરતા ટેમુને પ્રેમથી કહ્યું.

"જોવો તમે બોલ્યા ઈમાં હલી જીયું...તમે ઘડીક બેહોને બાપુ...ઈમ કાંય તમારો જીવ વ્યો ની જાય.'' ટેમુએ કાંકરો બદલતા કહ્યું.

"લે ભાઈ જરીક ઉતાવળ કર્ય. મારા વાલા...તમાર જમયને પસ દાડીએ નો જાવું હોય...?" ધમૂડી પણ હવે થાકી હતી.

"ઈમ નો થાય...તોલ તો થાવો જ જોવે ને...! આ તમારી બયણીનું કોણ જાણે ચેટલું વજન સે...!" ટેમુ વારાફરતી પાણકા બદલતો બદલતો બોલ્યો.

તખુભા ટાઢા પાણી માટે અને ધમૂડી પોતાની સલવાયેલી દાડીના બદલામાં તેલ લેવા માટે ટેમુની ટાઢી જાળમાં ફસાયા હતાં. તખુબાપુની ઘોડી કારણ વગરની બજારમાં ત્રણ પગે ઊભી ઊભી હાવળ્યું નાંખતી હતી.ઘરે પડેલા લીલા રજકાનો ભારો એને યાદ આવતો હશે એટલે એ બે-ચાર વખત હણહણી. જાણે બાપુને ઝટ ઘરે જવાનું ના કહેતી હોય...!

એમાં વળી ટેમુની દુકાનના ઓટલા પાસે હજી ગઈ રાત્રે જ ગામના શ્વાન મંડળનો પ્રમુખ નિમાયેલો કાળીયો શ્વાન, આજે નગીનદાસની ખડકી પાસે બેસી રહેતી કાબરીને માંડ માંડ ડેટ પર લાવી શક્યો હતો. ઉન્નમત પૂંછ રાખીને એ આવી ચડ્યો. પોતાના બેડ પર બિછાવેલા ધૂળના ગાદલાને અશ્વ જાતની એક માદા ખૂંદી રહી હતી. એ જોઈ માદાશ્વાન કાબરીનો મગજ ગયો...એટલે કાળુને પૂછ્યા વગર એણે ઘોડીને પડકારી...

"ભું.... ઉં... ઉં.... ભુંભું....."

પોતાની પ્રાણપ્યારી સાથે જે પથારીમાં એણે મોજું કરવાનું મન બનાવ્યું હતું એ પથારીની પથારી આ ઘોડીને કારણે ફરી હતી...એટલે કાળુને પણ ટેમુ અને તખુભાપુને ઓળખતો હોવા છતાં ભસવું પડ્યું.


"ભોંહ....ભોંહ....હહહ...ભુંઉંઉં....."


તખુભાએ જોખાતી બરણી પરથી નજર હટાવીને દૂર ઊભા રહી પોતાની ઘોડીને ઘુરકતા એ શ્વાન દંપતી સામે જોયું...એ વખતે ટેમુનું પણ ધ્યાન ગયું.


"ઊભા રો...બાપુ, એ કૂતરાનું કાયમનું નિવાસસ્થાન છે મારી દુકાનનો આ ઓટલો..તમે મૂંઝાવમાં...હું રોટલો લઈ આવું એ તમે બટકે બટકે નાખજો એટલે એ નઈ ભંહે."

બરણી જોખવાનું પડ્યું મૂકીને ટેમુ ઘરમાં જઈ રોટલો લઈ આવ્યો. બાપુએ એ રોટલો હાથમાં લીધો એ જ વખતે ચંચો સાયકલ લઈને પાછો આવ્યો.

દૂરથી એણે તખુભાને રોટલો લેતા જોયા એ સાથે જ એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તખુભાનો ફોટો પાડી લીધો અને ગામના વોટ્સએપ ગ્રુપમાં ચડાવીને નીચે લખ્યું,


" ઘોડી લઈને ઘર માટે દુકાને દુકાને રોટલા ઉઘરાવતા ભૂતપૂર્વ સરપંચ. મોબાઈલ ખિસ્સામાં મૂકીને તરત જ એણે સાયકલ હંકારી મૂકી.સવારમાં હુકમચંદને ધમૂડીની બરણી લેતા કેમેરામાં કેદ કરીને એક ફોટો તો વાયરલ કરી જ નાખ્યો હતો.

એ ફોટા નીચે ચંચાએ લખ્યું હતું,


''ગરીબોને મફત તેલ અપાવતા આપણા લોકલાડીલા સરપંચશ્રી''


ચંચો મોબાઈલ વાપરવામાં પાવરધો હતો.તખુભા હજી કૂતરાને રોટલાના બટકા નાંખતા હતા. ત્યાં જ ખિસ્સામાં પડેલા મોબાઈલમાં વોટ્સએપ મેસેજ રણક્યો પણ તખુભા આખો દિવસ આવતા રહેતા એવા ફાલતુ મેસેજ પૈકીનો જ કોઈ ફાલતુ મેસેજ હશે એમ સમજીને કાળીયા અને કાબરી એ બંને શ્વાનોને બોલાવવા લાગ્યાં....


"આવ.. આ..વ...આવ...''


કૂતરાં પણ તખુભા જેવા માણસ જોડે સંબંધ સુધરતો હોય તો પોતાની પથારી બગાડી રહેલી તખુભાની ઘોડીને માફ કરી દેવા જાણે તૈયાર હોય એમ પૂંછડી પટપટાવતા ઓટલા પાસે આવીને તખુભાના પગમાં આળોટી પડ્યાં.


ધમૂડીની બરણી હવે ટેમુ સાથે યુદ્ધે ચડી હતી.એને ખ્યાલ આવી ગયો હતો કે આ વેપારી વજન કરવામાં કાચો છે એટલે એ કેમેય કરીને ટેમુને સારતી નહોતી.એ કાંકરા બદલી બદલીને વજનકાંટાને સ્થિર કરવા મથી રહ્યો હતો.



ટેમુ અને બરણી બેમાંથી એકેય નમતું જોખવા તૈયાર નહોતા. ધમૂડીના જમાઈને ભજીયાનું મોડું થતું હતું...બાપુને ટાઢું પાણી પીવું હતું અને ઘોડાને ઘરે જઈને લીલો રજકો ખાવો હતો..પેલા કાળુને એની કાબરીને પોતાની બખોલ બતાવવી હતી,પણ ટેમુ........ટાઢિયો ટેમુ કોઈને છોડતો નહોતો.



આખરે એકાદ કલાક પછી બરણીનો તોલ બરાબર થઈ ગયો.એ દરમ્યાન તખુભા અને ધમૂડીએ અનેક વખત જતા રહેવા માટે ધમપછાડા કર્યા,પણ ટેમુએ બેઉને બાંધી રાખ્યા હતા.તખુભાને ટાઢું પાણી પીવાની લાલચ રાખવા બદલ અને ધમૂડીને અત્યારના પોરમાં આ ટાઢિયાની દુકાને આવવા બદલ પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો..કાબરી પણ જગ્યા નહીં મળવાથી કાળુ સાથે ડેટ કેન્સલ કરીને જતી રહી એટલે કાળુ પણ ઘોડીના મોં આગળ ટાંગ ઊંચી કરીને કાબરીને સમજાવવા એની પાછળ દોડ્યો હતો.


બરણીનું વજન થઈ ગયા પછી ટેમુએ એક વિજેતાની અદાથી તખુભા સામે જોયું..


"જોયુને બાપુ..આખરે બરણીનું પાકું વજન આપણે કરી જ નાખ્યું...હે..હે..હે.."


"હવે ભલો થઈને તું મને ટાઢું પાણી પા..નકર હમણે તારું વજન હું કરી નાખીશ..'' તખુભાએ તીખાશ પકડી હતી.

ટેમુએ એ તીખાશ પારખીને તરત જ

પાણી લેવા અંદર ગયો.દસ મિનિટ પછી ગોળામાંથી કળશ્યો ભરીને એ પાછો આવ્યો.


"બાપુ...માફ કરશો..મને ખબર જ નો રઈ કે ચયારનો પાવર વ્યો જ્યો સે..લ્યો હવે ગોળાના પાણીથી રોડવી લ્યો આજનો દી'... હાંજકનાં પાસા ઘોડું લઈને નીકળો તો આવજોને ઘડીક... હે...ઈ...ને ટાઢું પાણી પીસુ...લ્યો અતાર ગોળાનું ગટગટાવો..." કહીને ટેમુએ પાણી ભરેલો કળશ્યો તખુભાને આપ્યો.



તખુભાને હવે પાણી પીવું કે ન પીવું એ પ્રશ્ન થઈ પડ્યો.એમને આજ ટાઢું પાણી પીવાની ખૂબ ઈચ્છા હતી...પણ આ ડફોળ ટેમુડો...!



તખુભાએ મનમાં ને મનમાં બે-ચાર જોખી જોખીને ટેમુને દીધી.પછી બોલ્યા,"ગોળા તો અમારા ઘરેય એ રિયા...આ તો તેં આગરહ કર્યો અટલે અમે ઘડીક બેઠા.હાળા ડફોળ ટાઢું પાણી નો બળ્યું હોય તો શીદને અમને ખોટી કર્યા.મારી આ ઘોડી પણ હણહણીને થાકી ગઈ."


"હશે...બાપુ...ઈમ આકરા નો થાશો... હાંજે ચોક્કસ આખો જગ ભરીને પાણી રાખી મેલીશ...તમે આવજો...ભેગાભેગી એકાદ લોટી છાશ સોતે મૂકશું ટાઢી થાવા...નો આવો તો આ ઘોડીના સમ છે બાપુ તમને." ટેમુએ એના ટેબલફેન જેવું માથું હલાવીને બાપુને છાશના પ્રલોભનમાં નાખ્યા.


તખુભા, "હવે તારી દુકાનનો ઓટલો ચડે ઈ બીજો હોય." એમ મનમાં બબડતા ઘોડી પર સવાર થઈને પાણી પીધા વગર જ જતા રહ્યાં...!



"લે ભઈ... હવ મન તેલ દે...તમાર જમયને ભજીયાનું મોડું થઈ જયું.. તેં તો જોખવામાં બપોર સડાવ્યા... બિચારા બાપુનેય ખોટી કર્યા."


"હા..હા..લે હવે તારો જ વારો સે." એમ કહી ટેમુ ધમૂડીની બરણી લઈને દુકાનના અંદરના ભાગમાં અલોપ થઈ ગયો.



ધમૂડી લાંબીટૂંકી ડોક કરતી દુકાનના ઓટલે એનો ચોટલો રમાડતી ઊભી હતી.



"ક્યારે તેલ આવે ને ક્યારે હું ભજીયા કરીને મારા ધણીને ખવડાવું...હે ભગવાન અતારમાં હું ચ્યાં આ ટાઢિયાની દુકાને ગુડાણી." એમ નિસાસા નાંખતી હતી.


બરાબર એ જ સમયે ટેમુતાત મીઠાલાલ બહારથી આવી ચડ્યા.

પોતાની દુકાને આવેલી ધમૂડીને જોઈને મીઠાલાલ મીઠાશથી બોલ્યા, "અલી ધમૂડી...તારું ઉધાર બવ વધી જયુંસ. ધરમશીએ પંદર દિવસમાં આપી દેવાનું કીધું'તું...એની માથે બે મહિના વ્યા ગ્યા સે..બે હજાર બાકી સે...ઈ દેવા આવી સો..? બવ હારું કર્યું લ્યો..ઈ તો વેલું મોડું થાય ચયારેક...પણ દેવા આવે ઈને પોગાય..પણ મોઢુંય નો દેખાડે ઈને પસી કોણ ઉધાર દે..હેં..? લે લાવ્ય બે હજાર..." મીઠાલાલે જૂની ઉઘરાણી કરી...!



"પણ...હું તો...હું તો...તમાર જમયને ભજીયા...ટેમુભઈ તેલ લેવા માલિકોર જ્યા સ..." ધમૂડીએ લોચા વાળવા માંડ્યા.


"શું કે'છ...તું...? ટેમુ તેલ લેવા જ્યો...? અમારી દુકાને તેલ તો અમે રાખતા જ નથી...જમયને ભજીયા ખાવા સે ઈમ ? પેલા ગામનું ઉધાર સુકવો...પસી ભજીયા ખાવ... સાનીમાની બે હજાર રૂપિયા લાવ્ય...ગામની દીકરી સો અટલે બાકી દીધું...અમે આંય વળ ખાવી સવી અને તમારે ભજીયા ખાવા સે ઈમ...?"


"મીઠાકાકા...તમે જીમ ફાવે ઈમ નો બોલશો ભૈશાબ...તમારા બે હજાર લયને વ્યા નઈ જાવી. તેલ નો રાખતા હોય તો ના પડાય. કોકની બયણી બપોર હુંધી જોખી સ્હું કામ..? " તેલ નથી રાખતા એમ સાંભળીને ધમૂડીનો મગજ પણ ફાટીને ધુમાડે ગયો.


''કોણે તારી બયણી જોખી...." મીઠાલાલને ટેમુ યાદ આવ્યો. એ હરામખોર વે'લા મોડી દુકાન બંધ કરાવશે એ નક્કી જણાઈ આવતા એમણે રાડ પાડી.


"એ ટેમુડા...ઝટ બાર્ય આવ્ય તો...આ ધમૂડીની બયણી પાસી ગુડય...તારું ડોહુ આપણે ચ્યાં તેલ રાખવી છી..."



મીઠાલાલનો અવાજ અનસુનો રહી ગયો.. ટેમુ, ધમૂડીની બરણી લઈને આવ્યો નહીં એટલે મીઠાલાલ કાઉન્ટર કૂદીને અંદર ગયા.


"ક્યાં ગયો તારો ટાઢા ઠીબકા જેવો ટેમુડો." મીઠાલાલે એમની પત્નીને જોઈને બરાડો પાડ્યો.


"ઈમ રાડ્યું ચીમ પાડો સો...જાણે પાડો ગાંગરતો હોય. મારો સે એટલો તમારોય સે ને. એ ઘરમાં રિયો. કોકની બયણી લઈને ઘરમાં ઘૂસ્યો સે."


મીઠાલાલે ઘરમાં જઈને જોયું તો ટેમુ રસોડામાં દ્રશ્યમાન થયો. રસોડામાં પડેલા તેલના ડબામાંથી પાવળું લઈને એ બરણી ભરી રહ્યો હતો.


"અલ્યા... તું શું કરછ...? આપણે તેલ નથી વેસતા.. ઈ તેલ આપણે ઘરમાં ખાવા માટે રાખ્યું છે અને આમ પાવળે પાવળે સાંજ પડશે તોય બયણી નહીં ભરાય.ઊઠ ઊભો થા...અને પાછું નાખ્ય તેલ ડબામાં." મીઠાલાલ ખારા થઈ ગયા.



''બાપા...આ તેલનો ડબો કેટલાનો આવે...?" ટેમુએ મીઠાલાલના ગુસ્સાની પરવા કર્યા વગર પૂછ્યું


"તું બયણી ખાલી કરીને ઓલી ધમૂડીને પાસી ગુડયને...તારે તેલનો વેપાર નથી કરવાનો." મીઠાલાલ હવે લાલપીળા થતા હતા.


"તે વાંધો નહીં...વેપાર નો કરવો હોય તો હું ચ્યાં પરાણે કવસું. આતો પંદરસો રૂપિયામાં પંદર કિલો તેલ આવે સે એટલે કિલોના સો રૂપિયા થ્યા...હું દોઢસો રૂપિયે કિલો વેસુ તો કિલોએ પસા રૂપિયા નફો થાય...અટલે પસ્સા ટકા... બાપા...પસ્સા ટકાનો ધંધો જાવા નો દેવાય..."



ટેમુની વાત સાંભળીને મીઠાલાલ ઘડીક વિચારમાં પડી ગયા.પછી એકદમ ખિજાઈને બોલ્યા,


''અક્કલના ઓથમીર...ગામ આખાને ખબર્ય સે કે તેલનો ભાવ કિલોનો દોઢસો નો હોય.આ તો આપણે ઘેર ખાવા હારું પંદરસોનો ડબો લાવ્યા સવી...બાકી બારસોનોય આવે. આ તારી હગલી ઘરે જઈને ઓલ્યા ધરમશીને કેહે તો તેલ પાસું દઈ જાશે અને ઈ પણ સો-બસો ગ્રામ કાઢી લઈને.. પસી આવીને કેહે કે આટલું બધું મોંઘું નો પોહાય...લ્યો પાસું...તો મે'નત માથે પડે...તું મને વેપાર નો શીખવાડ્ય મારા દીકરા... ભલો થઈને બયણી પાસી દે.''



મીઠાલાલને તેલના વેપારમાં ઘણા કડવા અનુભવ થયા હતા એટલે એમણે તેલ વેચવાનું બંધ કરેલુ. માંડ ટેમુને સમજાવીને બરણી પેલીને પાછી આપી ત્યારે એ પણ ગરજવા લાગી....


''સવારની હું આવી'તી...પેલા ખબર નો'તી કે તેલ નથી વેસતા.. તેલ નો'તું તો આ બયણી ચીમ તેલવાળી થઈ સે...? અમને હંધિય ખબર પડે સે. આગળનું નામું બાકી સે અટલે તેલ દેવું નથ્થ...મારો અડધો દિ બગાડી નાખ્યો.. નખ્ખોદ જાજો ઓલ્યા ટાઢિયા ટેમુડાનું...મારા હાળાએ બપોર હુંધી બયણી જોખી...પસી કેસે કે તેલ નથી વેસ્તા...તો સોલાવાન મારી બયણી બગાડી...? તમારા બે હજાર બાકી હોય તે લયન કોઈ નય વ્યુ જાય.ગામમાં ઘણીય દુકાનું સે. તમે કાંઈ નવી નવઈનું નથી હાટડું ખોલ્યું... ઘડીક નાનો કાંકરો મૂકે...ને ઘડીક મોટો કાંકરો મૂકે...વાંકો વળી વળીને કાંટો જોવે... જરીક જેટલું આમતેમ હોય તો પાસો કાંકરો બડલાવે....બપોર સડાવી દીધા...બસાડા તખુબાપુ પણ તરસ્યાં જીયા... અને સરપંસ હોતે બીડી બાક્સ લીધા વગર જીયા...આયો મોટો જોખવાવાળો..ઇની માનો હાંઢ..."



મીઠાલાલની દુકાને માણસો ભેગું થઈ ગયું. ધમૂડી ભુરાંટી થઈ હતી.લોકો ''શું થયું... શું થયું..." એમ પૂછવા લાગ્યા.


"થાય શું મારા બાપનું કપાળ...!કોક ગરીબનો દી' નો બગાડી નખાય. તમાર જમયને ભજીયા ખાવા'તા તે હું આંય તેલ લેવા આવી'તી.."


મીઠાલાલે મોં મીઠું રાખીને ધમૂડીને બે-ચાર તીખા વાક્યો અને ભેગા થયેલા લોકોને ખાટામીઠા શબ્દો કહીને રવાના કર્યા. ટાઢિયાને બોથામાં બે ઠપકારી...!!


* * *


તભાગોર ગામમાં ઠીકઠીક કથા વાર્તાઓ કરી લેતા. ધોળા થઈ ગયેલા જેટલા પણ વાળ બચ્યાં હતા એટલાને એમણે ચોટલીમાં બાંધીને કેદ કર્યા હતા. કપાળમાં કુદરતી રીતે ઉપસી આવેલા મોટા ઢીમચા પર ભભૂત લગાવીને, કંકુનો મોટો ચાંદલો કરતા. એમના એ કપાળ નીચેની બખોલમાં બે મોટી આંખો, એ આંખોની વચ્ચેથી ઊગેલું લાંબુ નાક, એ નાકના મોટા ફોયણાં નીચે મોટા મેદાનમાં ઊગેલા ઘાસ જેવી મૂછો અને એ મૂછો નીચે લાંબી મોંફાડને બંધ રાખવાની ફરજ બજાવતા જાડા હોઠ...


છેક કાનની બુટ આગળથી શરૂ થતી શ્વેત દાઢી એમના ફૂલેલા ગાલ પરથી શરૂ થઈને ગળા સુધી વિસ્તરેલી હતી. એમના ડાબા ખભા પાછળ એક ખૂંધ પણ ઊગી હતી.એ ખૂંધ સહિતના એમના મોટી ફાંદવાળા શરીરને ઢાંકી રાખવાની ફરજ એક આછો થઈ ગયેલો મેલો સદરો (ઝભ્ભો) અને એક લાલ પનિયાની ધોતી નિભાવી રહી હતી.


એમના ટૂંકા ગળામાં રુદ્રાક્ષની માળાઓ ઝૂલતી રહેતી. એક કાળા દોરામાં પરોવાયેલું માદળીયું પણ મેલ ખાઈ ખાઈને ગોરના ગળામાંથી છૂટવા હવાતિયાં મારી રહ્યું હતું.


વૈતરણી નદી પાર કરવા ગયેલા આત્માઓ માટે અપાયેલા અનેક ખાટલા, ગાદલા, ગોદડાં વગેરેથી ગોરના ઘરનો અંદરનો ઓરડો હકડેઠઠ હતો. ક્યારેક પોતે પણ આ અંધારા સામે પ્રકાશ પાથરીને એ અંધારાને ઊભી પૂંછડીએ ભગાડશે એવી વ્યર્થ આશા સેવતા ફાનસ પણ એ ઓરડાની ખીંટીએ કેટલાય વર્ષોથી ટીંગાઈ રહ્યા હતા.


એ અંદરના ઓરડામાં જ એક મોટી ચોકડીમાં પેલા વૈતરણી પાર કરવા ગયેલા આત્માઓને પાણી પીવા અપાયેલા ટાઢા માટલા પાણીથી ભરાઈને પડ્યા હતા. એ ચોકડી પાસે લાકડાનું એક પાણીયારું હતું. ગોરના કુટુંબની પ્યાસ બુજાવવાની ફરજ અદા કરતા બે માટીના ઘડા એ પાણીયારા પર પડ્યા હતા.ગોરાણી અત્યંત કામઢા હોવાથી એ બંને ગોળાના તળીયે લીલ વળી ગઈ હતી.


એ ઓરડા આગળ લાંબી પરસાળ (ઓસરી) હતી. એ પરસાળ આગળ લાકડાની જાળી છેક નેવા સુધી લગાવી હતી.એ લાંબી જાળીમાં બંને તરફ એક એક દરવાજો હતો.જેમાંથી ડાબી તરફનો દરવાજો હમેશાં ખુલ્લો અને જમણી તરફનો બંધ રહેતો હતો.


પરસાળમાં આવેલી નાટ સાથે એક લાકડાની ખાટ બાંધવામાં આવતી.એને પાટી વડે ભરવામાં આવી હતી.આ ખાટ પર તભાગોરનો એકનો એક દીકરો આખો દિવસ હીંચકતો રહેતો.


પરસાળના બંધ દરવાજા પાસે તભાભાભાની ઓફિસ હતી.જેમાં એક પ્લાસ્ટિકનું પાથરણું યજમાનો માટે પાથરી રાખવામાં આવતું.


દીવાલ પાસે પાથરેલા ગાદલા પર બિરાજમાન થઈને તભાગોર ગામના અનેક શુભ અને અશુભ પ્રસંગોના શુભ મુર્હૂત જોઈ આપવાનું કામ દક્ષિણા લઈને કરી આપતા.



સત્યનારાયણની કથા,ભાગવત સપ્તાહ, વાસ્તુ,યજ્ઞવિધિ અને નડતા ગ્રહોને શાંત કરવા પડતા મંત્રજાપ અને મૃત્યુ પછીના મોક્ષ માટેની વિધિ વગેરે એમની આવકના મુખ્ય સ્ત્રોત હતા.વળી આ બધી વિધિને કારણે ભેગી થતી અનેક ચીજવસ્તુઓનું વ્યાજબીભાવે તેઓ વેચાણ પણ કરતા.જો કે આ બધી વસ્તુઓ બારોબાર જ વેચાઈ જતી.


મોટી ઉંમરે એમને ત્યાં કોણ જાણે ક્યા દેવની કૃપા થઈ ! તે એક બાબો અને એક બેબીનો જન્મ થયો. એ બેબી તો કહે છે કે તભાગોરનું ખોરડું, પોતાને જીવવા લાયક ન જણાયું હોય એમ તરત જ આંખ મીંચી ગઈ પણ બાબાએ તો કહે છે કે બે-ચાર દિવસ પછી આંખો ખોલેલી એટલે એ બચી ગયેલો.



બાબો મોતને હાથતાળી આપીને હવે એના ભાઈબંધોને હાથતાળી દેતો થઈ ગયો હતો પણ તભાભાભાને મન તો એ જાણે ઘોડિયામાં હીંચકતો નાનો બાબો જ હતો. ગામલોકો તભાગોરના 'ત' પાછળ ત્રણ 'ભા' લગાડીને એમને તભાભાભા કહેતા અને બાર વરસનો થયો હોવા છતાં એમના બાબાને બાબાકાકા કહેતા.



બાબો તભાભાભાને જીવથી પણ વહાલો હતો. બાબાને પીવાની ચા રકાબીમાં રેડીને તભાભાભા ગલોફા ફુલાવીને ફૂંક મારતા. એ ફૂંક સાથે પિતાપ્રેમનું થૂંક પણ ફૂંકતા...! એ ચા ઠરી જાય પછી જાતે જ રકાબી ઊંચકીને બાબાના મોંએ લગાડતા.



બાબો સબડકા બોલાવીને ચા પીતો. ઘરમાં હોય તો કોઈથી ન બીતો પણ ગામમાં નીકળે એટલે કૂતરાના ગલૂડિયાંથી પણ આઘો રહેતો...!


આ બાબો સ્કૂલે જતો ત્યારે તભાભાભા કાયમ મૂકવા જતા. એ ક્રમ બાબો કોલેજમાં આવ્યો ત્યાં સુધી ચાલુ રહ્યો. તભાભાભાને એમનો એકનો એક દીકરો. બાબો એમને એટલો વહાલો હતો કે એમણે બાબાને મોટો થવા જ દીધો નહીં. આખરે બાવીસ વર્ષનો આ બાબો ગામમાં રખડતો રહેતો. ઘરમાં આવેલી સોપારીનો ચૂરો ગલોફામાં ભરીને હબાની પાનમાવાની દુકાને જતો.


બાબા અને હબા વચ્ચે થયેલો એક મોટો અકસ્માત માટે આ તમાકુનો ડબલો જ જવાબદાર હતો...જેને કારણે હબાને આગળના બે દાંત ગુમાવવાનો વારો આવ્યો હતો...!


(ક્રમશ:)


Share

NEW REALESED