MOJISTAN - 5 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 5

મોજીસ્તાન - 5

મોજીસ્તાન (5)

પાનના ગલ્લે એવો રિવાજ હતો કે સાદી તમાકુને ચૂનામાં રગદોળીને હોઠમાં ભરવી હોય તો એનો કોઈ ચાર્જ રહેતો નહીં.
બાબાને આ મફતની તમાકુ બરાબર ફાવી ગઈ હતી. તભાભાભા ગોરપદુ કરતા એટલે એમના ઘરમાં સોપારીની તાણ નહોતી. ઘેરથી સોપારીના ચૂરાનો મોટો ફાકડો ભરીને બાબો, હબાની દુકાને આવતો અને સાદી તમાકુનો મોટો ચપટો ભરીને મોંમાં ફાકતો.
બાબો રોજરોજ આવીને હબાનું દેશી તમાકુનો ડબ્બો ખાલી કરી જવા લાગ્યો. આ મફતિયા ગ્રાહકને છંડવાડવા માટે એણે હવે ડબો મૂકવાનું બંધ કરવા માંડ્યું.
બાબો આવીને દુકાનના બારણાને ટેકો દઈને ઉંબરામાં ઉભડક બેઠો. રોજની જગ્યાએ તમાકુનો ડબ્બો હાજર ન હોવાથી બાબો અકળાયો, કારણ કે સોપારીનો ચૂરો ગલોફામાં પલળી જતાં તમાકુનો ફાકડો મારવો જરૂરી હતો. એણે મોં ઊંચું રાખીને સોપારીના પલળેલા ચૂરા અને થૂંકના દ્રાવણમાં પડેલી જીભ હલાવીને હબાને કહ્યું, "ડોબા... ડબ્બો લાવ્ય." એને કહેવું હતું હબા...પણ નીકળી ગયું ડોબા...!
એક તો મફતની તમાકુ ખાવી અને ઉપર જાતા પોતાને ડોબો કહ્યો એટલે હબો ઉશ્કેરાયો.
"આમ હાલતીનો થા...આંય તભાભાભા કંઈ કોથળો ઠલવી નથી જ્યા...તે તું રોજરોજ આવીને મારી તમાકુના ફાકડા મારી જાશ...કોઈ દી' પાંચિયાનોય વકરો કરાવ્યો નથી અને ધોડ્યા જ આવો છો...નીકળ બા'ર મારી દુકાનમાંથી..." કહીને હબાએ સાવરણી ઉગામી.
બાબો ગભરાયો. ઊંચી થયેલી સાવરણી પોતાના મોઢા પર પડવાની ભીતિથી એ ઝટ દઈને ઊભો થયો પણ બીકમાં ને બીકમાં તમાકુનો ડબ્બો માંગવા ખોલેલું મોં બંધ કરવું ભૂલી ગયો.
હબાની દુકાનમાં બારણાંના ઉંબરાનો પહોળો પથ્થર પૂરો થાય એટલે તરત જ વ્હાઈટ સનમાયકાવાળું નાનકડું ટેબલ, એ હબાનું કાઉન્ટર હતું. એ કાઉન્ટરની ફરતી ધાર પર સ્ટીલના બે સળિયાની કઠોડી હતી. પાનમાં નાખવાના વિવિધ મસાલાની ડબલીઓ એ કઠોડી પાસે લાઈનમાં ગોઠવેલી હતી. હબો એ કાઉન્ટર પાસે જ કોથળો પાથરીને એની પર મૂકેલી ગાદી પર બેસતો. કાઉન્ટર તરફ એનું પડખું રહે એમ એ દિવાલના ટેકે બે તકિયા નાખીને બેસતો. એની સામે આ ટેબલના કાટખૂણે બીજા એવા જ નાનકડા ટેબલનું કાઉન્ટર હતું, એની ઉપર ત્રાજવા અને બીજી કેટલીક બરણીઓ પડી હતી...જેમાં ખારીશીંગ, વટાણા અને દાળીયા જેવી ચીજો ભરી હતી.

સાવરણીની બીકે ભાગવા ગયેલા બાબાના ખુલ્લા રહી ગયેલા મોંમાંથી, થૂંકમાં એકરસ થઈ ગયેલા સોપારીના ચૂરાનો મોટો કોગળો હબાના કાઉન્ટર પર બાબાને જાણ કર્યા વગર જ ઢોળાયો. બાબો એ કોગળાને કંટ્રોલમાં લે...લે... એ પહેલાં તો દરમાંથી નીકળેલો સાપ ભાગે એમ સોપારીના રસના કોગળાના રેલા હબાના સફેદ સનમાયકા પર બધી બાજુ રેળાઈ ગયા.

હબાના કાઉન્ટરની દશા જોઈ બાબાએ એનું સાડાપાંચ ફૂટ ઊંચું અને દોઢ ફૂટના ઘેરાવામાં જામેલા શરીરને ચોથા ગેરમાં નાખીને લીવર આપ્યું...

હબો ભાગતા બાબાને પકડવા જલદી સાવરણી લઈને ઉઠ્યો અને કાઉન્ટર ઠેકીને બહાર નીકળ્યો. પાછળ આવતા હબાને જોઈને બાબાએ સ્પીડ વધારી...
ગામની બજારમાં સામેની દિશાએથી ચંચો સાઇકલ લઈને આવી રહ્યો હતો.

વોટ્સએપમાં વિવિધ ફોટા અને વિડીયો વાઇરલ કરવાનો એ શોખીન હતો.
બાબાની પાછળ સાવરણી લઈને દોડી રહેલા હબાનું દ્રશ્ય એને અનુપમ લાગ્યું.
કદાચ આ વિડીયો ઓસ્કાર એવોર્ડ પણ અપાવી શકશે એમ સમજીને એણે ચાલુ સાઈકલે ઉપરના ખિસ્સામાંથી ફોન કાઢીને વિડીયો ઓન કર્યો ત્યાં સુધીમાં પૂરઝડપે આવી રહેલો બાબો એને આંબી ગયો. પોતાનો વિડીયો ઉતારી રહેલા ચંચાને જોઈ એની ગભરામણમાં ગુસ્સો ભળ્યો.
ચંચો કંઈ સમજે એ પહેલાં તો એના હાથમાંથી મોબાઈલ ઝૂંટવાઈ ગયો અને એની સાઈકલનું આગળનું વ્હીલ બાબાના બે પગ વચ્ચે ઘૂસી ગયું પણ નેવું કિલો વજન ત્રીસ-પાંત્રીસ કિલોમીટરની ઝડપે આવ્યું હોવાથી ચંચાની જૂની સાઇકલ એના પ્રવેગના ધક્કાને ખાળી શકી નહીં.
બીજી મિનિટે આ મુજબનું દ્રશ્ય રચાયું.
સાઈકલ ઉલળીને એક તરફ પડી હતી.
તેનું આગળનું વ્હીલ સાવ લંબગોળ થઈ ગયું હતું. હેન્ડલ વળી ગયું હતું. ચંચો ચત્તોપાટ પડ્યો અને એનું માથું બજારની વચ્ચોવચ વહેતી ગંદા પાણીની નીકમાં પડ્યું હતું. બાબો ગલોટિયું ખાઈને એનાથી જરાક આગળ પડ્યો હતો. એના હાથમાંથી છટકીને ચંચાનો એનરોઈડ મોબાઈલ બચુ જેરામના ડેલા બહાર પડેલાં *ચાટણીયા* માં પડ્યો હતો.

બાબાની પાછળ સાવરણી લઈને દોડેલો હબો આગળ થયેલા અકસ્માતને જોવા છતાં પોતાની ગતિને તોડવાની મતિ દાખવી શક્યો નહોતો. એ પણ સાઇકલ સાથે અથડાઈને ચત્તાપાટ પડેલા ચંચા પર ઝીંકાયો હતો. એના હાથમાં સાવરણી હજુ પણ એમ જ પકડેલી હતી જે ગટરની નીકમાં ઝબોળાઈ ગઈ હતી.
આ ઘટના નજરોનજર જોનારા તરત જ દોડ્યાં હતાં. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
બાબાનું માથું બૂરી રીતે જમીન સાથે અથડાયું હોવાથી ફૂટ્યું હતું.એમાંથી લોહી નીકળીને બાબાના ગોળમટોળ ગાલ પર રેલાતું હતું. ચત્તોપાટ પડેલા ચંચાને કમરમાં મૂઢમાર પડવાથી એ ઊભો થઈ શકતો નહોતો. હબાના હોઠમાંથી લોહી નીકળતું હતું. હબાએ મોં ખોલ્યું ત્યારે આગળના બે દાંત મોંમાંથી નીકળીને ચંચાની છાતી પર પડ્યા હતા.

કોઈકે દોડીને તભાભાભાને જાણ કરતા એ ધોતિયાનો છેડો એક હાથમાં પકડીને દોડ્યા હતા. ઘટનાસ્થળ પર આવીને એમણે પોતાના જીવ જેવા બાબાના માથામાંથી નીકળતું લોહી જોયું હતું. એમણે બાબાને ઊભો કર્યાની બીજી જ પળે એમના મોંમાંથી શ્લોકગાન શરૂ થઈ ગયું.

"નખ્ખોદ જજો એનું...જેણે મારા બાબાને પાડી દીધો છે...હું શ્રાપ આપું છું એ માણસને કે સાત દિવસમાં એ બળીને ભસ્મ થઈ જજો..રૌ રૌ નરકમાં એની સાત પેઢી સબડજો... મારા દીકરાને... એક પવિત્ર અને પુણ્ય આત્માને...
અરે પૃથ્વી પરના શ્રેષ્ઠ કુળમાં જન્મેલા બ્રાહ્મણના દીકરાને જેણે ધૂળમાં મેળવ્યો હશે એ જ્યારે જમવા બેહશે ત્યારે એના ખાણામાં કાયમ ધૂળ પડજો..એને કદી સુખ પ્રાપ્ત ન થજો...એની ઉપર હિમાલય જેવડા દુઃખના ડુંગરો તૂટી પડજો......"
એમના મુખમાંથી અવિરત વહેતા શ્રાપની સરવાણી કદાચ હજી આગળ વધત પણ બાબાએ માથે હાથ મૂકીને કણસતા સ્વરે રાડ પાડી....

"ભાભા...આ....મને બવ દુઃખે છે...'' બાબો પણ ગામલોકોની સાથેસાથે તભાગોરને ભાભા જ કહેતો.
હબો પોતાની ઉપર વરસી રહેલા શ્રાપને કારણે તભાભાભાને ડોળા કાઢીને જોઈ રહ્યો હતો. એના આગળના બે દાંત શહીદ થયા હતા અને હજુ રેઢી પડેલી દુકાનના કાઉન્ટર પર બાબાએ કરેલો સોપારીના રસનો કોગળો પણ એને સાફ કરવાનો હતો.આ સંજોગોમાં તભાભાભા કે બાબા પાસે સાફ કરાવી શકાય એમ એને લાગતું નહોતું...છતાં એ તૂટેલા દાંત હાથમાં લઈ માંડ ઊભા થઈને એ બોલ્યો,

"તભાભાભા...જરીક મોઢું હંભાળીન બોલો...તમારા સોકરાને પુસો આ ચીમ બન્યું...ઈ... મારી દુકાનમાં રોજ તમાકુ ખાવા ગુડાય છે."

''અસત્ય...એકદમ જૂઠ...મારો પુત્ર પવિત્ર આત્મા છે. બ્રાહ્મણબાળ છે એ કદી તમાકુને હાથ તો શું સામું પણ ન જોવે એની મને ગળા સુધી નહીં..માથું ડૂબી જાય ત્યાં સુધી ખાતરી છે...મારા પુત્ર ઉપર આવો અવિચારી આક્ષેપ મૂકનાર હે હબલા... તારું તો નખ્ખોદ ગયું જ સમજ...'' તભાભાભા ફરી ગર્જયા.
લોકટોળું તમાશો જોવા એકઠું થયું હતું. કોઈ ચંચાની સંભાળ લેતું નહોતું.

એવામાં તખુભા ઘોડી લઈને ત્યાંથી નીકળ્યા.
ગામની ઊભી બજારે થયેલો ડખો જોઈ તેમણે ઘોડી ઊભી રાખી અને મામલામાં ઊંડા ઊતરવા ઘોડી પરથી નીચે ઉતર્યાં.
એમને જોઈને તભાભાભાને નવું બળ મળ્યું.

"જુઓ બાપુ, તમને ખબર આપું...મારા દીકરાનું માથું ફોડી નાખ્યું છે, તમે સરપંચ હતા તે સારું હતું. આજ અમે બ્રાહ્મણો સલામત નથી, અમારા છોકરા સલામત નથી. સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારે ત્યાં એક પવિત્ર આત્માએ આ બાબાના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો છે...જે આગળ જતાં આખા ગામનો મોક્ષ કરાવવામાં નિમિત્ત બનશે.તમારા સૌના લાખ ચોરાશી ફેરા ટળી જશે..."
"અરે બાપુ, આ બાબલો ઓછીનો નથી..રોજ ગલોફામાં સોપારીનો ચૂરો ભરીને આવે છે અને મારી દુકાનેથી તમાકુનો ફાકડો મારે છે...આજ મેં ના પાડી તો મારી દુકાનમાં કોગળો કરીને ભાગ્યો...હું વાંહે થ્યો...ઈમાં આ ચંચો સાઇકલ લઈને આવતો'તો ઈની હાર્યે ભટકાણો... એમાં હુંય પડયો તે જોવો મારા બે દાંત ટૂટી જ્યા..." હબો હજી ચંચા પાસે જ બેઠો હતો.
"આ બધી લપ મૂકો. પેલા દવાખાના ભેગા થાવ. એ ગોરભા...તમે તમારા પવિત્ર આત્માને લઈને ઉપડો. બજાર વસાળે ડખો કરવાનો નથી." તખુભાએ મામલો થાળે પડતા કહ્યું.
એ સાંભળીને ગોર બાબાનું બાવડું પકડીને દવાખાને ઉપડ્યા. હબો પણ હળવેથી ઉઠ્યો. દુકાનનું કાઉન્ટર સબુત તરીકે રાખવાનું હોવાથી સાફ કર્યા વગર જ એણે દુકાન બંધ કરીને દવાખાને ચાલ્યો.
બાપુએ ગટરમાં પડેલા ચંચાને ઊભો કર્યો. એની છાતીની પાંસળીઓ ખરાબ રીતે ભીંસાઈ હતી. માંડમાંડ ઊભા થઈને એણે પોતાનો મોબાઈલ શોધવા માંડ્યો.
થોડીવારે બચુ જેરામના ડેલા પાસે પડેલા કૂતરાના ચાટણીયામાં ભરેલી કઢીમાં અડધો ડૂબેલો એનો મોબાઈલ મળી આવ્યો.
"બાપુ, આવડો આ ચાલુ સાઈકલે મોબાઈલમાં શૂટિંગ ઉતારતો'તો.... ઈમાં બાબા હાર્યે ભટકાણો. આ ચંચો બધાના ફોટા અને વિડીયા ઉતારીને વોટ્સએપમાં મૂકે છે. તમારો રોટલાવાળો ફોટો આણે જ કાલ્ય ગામના ગ્રુપમાં મેલ્યો'તો"
એક જણે બાપુને ચંચાની ફરિયાદ કરી.
તખુભાને એ ફોટો યાદ આવ્યો.
પોતે ટેમુડાની દુકાને ટાઢું પાણી પીવા બેઠા હતા ત્યારે કૂતરાં ઘોડીને ભસતાં હોવાથી ટેમુએ ઘરમાં જઈ, કૂતરાને નાંખવા રોટલો લાવી દીધેલો. એ રોટલો પોતે લીધો એ જ ક્ષણે કોઈએ એમનો ફોટો પાડી લીધો હતો. એ ફોટા નીચે જે લખેલું એ વાંચીને એમનો ગુસ્સો આસમાનની ઓલીપા વયો ગયેલો...!

તખુભા, બે દિવસથી આ કાળા કામ કરનાર ચંચાને શોધતા હતા. એને ભડાકે દેવાનો વિચાર એમણે માંડ રોકી રાખ્યો હતો, પણ ફડાકે દીધા વગર તો એ છોડવાના જ નહોતા...!
ચંચો પોતાનો તૂટેલો અને ચાટણીયામાં ભરેલી કઢીમાં ડૂબેલો મોબાઈલ જોઈને રડી પડ્યો. એની સાઇકલ પણ હતી નહોતી થઈને પડી હતી. બાબા નામના બુલડોઝર સાથે ભટકાઈને એ સાઈકલ ચાલી શકવા સક્ષમ રહી નહોતી.
ચંચો આ બે આઘાતમાંથી બહાર આવે એ પહેલાં એના જડબાં ઉપર બે અડબોથ પડી.
"ગોલકીના હાળા...તને ફોટા પાડવાનો બવ સોખ સે નઈ..? હું ગામમાં રોટલા માંગતો ફરું સુ..? ભીખમંગો હમજ્યો મને ? મારો ફોટો પાડીને હોટસેપ કર્યો..?"
તખુબાપુ ગુસ્સાથી સળગી ઉઠ્યાં હતા.

"ભૂલ થઈ જઈ.. બાપુ. હવે કોય દી ફોટા નઈ પાડું.. તમે તો માઈ બાપ સવો..મૂકી દ્યો બાપુ...તમારી ગા સવ.." ચંચો બે હાથ જોડીને બાપુને કરગરતો હતો.
બજાર વચ્ચે બાપુની ઘોડી, એક બાજુ બગડેલી હાલતમાં પડેલી ચંચાની સાઇકલ, ભેગા થયેલા આઠ-દસ માણસો, ચંચો અને ચંચાનો કાંઠલો પકડીને એને ધોકાવતા બાપુ..!

હબાની દુકાન આ જમેલાથી થોડે દુર હતી. એની દુકાનની બરાબર સામે જ નગીનદાસ દરજી રહેતો હતો. હબાની દુકાનની સામેની દીવાલે નગીનદાસના ઘરનો લાંબો ઓટલો અને થોડે છેટે એની ખડકી હતી. આ ખડકીની બહાર નગીનદાસના વધેલા રોટલા ખાઈને બેસી રહેતી કાબરીએ ગઈકાલવાળી ઘોડીને પોતાની તરફ આવતી જોઈ.
એ આખી બજાર આ કાબરીના તાબામાં આવતી હોઈ કાબરી પૂંછડી ટટ્ટાર કરીને બેઠી થઈ. ગઈકાલે પોતાના દોસ્ત સાથે ડેટિંગની મજા આ ઘોડીને કારણે બગડી હતી એ એને યાદ આવ્યું હોય એમ એ ઘોડીને ભસવા લાગી.

તખુભા બાપુની ઘોડીને ભસી શકે એવું કૂતરું ગામમાં ન હોવા છતાં આ બે કાંકરાની (કારણ કે કૂતરી હોવાથી બે બદામની કહેવું વધુ પડતું છે ! ) કાબરી કૂતરી પોતાને ભસતી હતી એ જોઈ ઘોડીએ પણ મિજાજ ગુમાવ્યો.
કાબરીને થોડી નજીક આવવા દઈ ઘોડીએ અવળું ફરીને પાછળના પગની લાત કાબરીના જડબાં પર ઝીંકવા પાછળનો પગ હવામાં વીંજ્યો પણ કાબરી ચતુર હતી. કદાચ ભૂતકાળમાં ઘોડાઓ સાથે લડવાનો એને અનુભવ હોય એમ એણે ઘોડીનો ઘા ચૂકાવ્યો.

કાબરીએ ભસવાનો અવાજ મોટો કર્યો. તખુભા ચંચાને ઢીબવામાં વ્યસ્ત હતા એ તકનો લાભ કાબરી લેવા માંગતી હોય એમ એણે દોડીને ઘોડીના પગે બટકું ભરી લીધું..
ઘોડીએ ફરી પગ હવામાં વીંજ્યો.
પગે ચોંટેલી કાબરી ઉલળીને ગટરના પાણીમાં પડી. કાદવ અને ગંદા પાણીની છાલક ઉડી. ચંચાને ધોલ થપાટ કરતા તખુભાનો ઉજળો- દૂધ જેવો ઝભ્ભો ગોબરા પાણીથી બગડ્યો.ઘોડીએ
હણહણીને ઊભી બજારે દોટ મૂકી. કાબરીએ પણ કાદવમાંથી ઊભી થઈને આખા શરીરે ચોંટેલો કાદવ ખંખેરવા શરીર ઝટકાવ્યું. ફરીવાર ગંદુ પાણી અને કાદવ ઉડ્યો.

ભાગેલી ઘોડી પાછળ કાબરીએ દોટ મૂકી. એ જોઈને તખુભાએ પણ ચંચાને "તને તો હું પછી જોઈ લઈશ.." કહીને કાબરી પાછળ ઉતાવળે ચાલ્યા.

ભેગા થયેલા માણસોમાંથી કેટલાકે ચંચાને અને એની સાઈકલને ઊભી કરી. ચંચો લંગડાતે પગે સાઈકલને ઢસડતો ઢસડતો ચાલ્યો ગયો.

તખુભાએ બજારમાં પડેલો એક પથ્થર ઉપાડીને કાબરીનું નિશાન લીધું. કાબરી, પોતાની પાછળ આવતા ભયને પારખીને ઝડપ વધારીને એક ઉઘાડા ડેલામાં ઘુસી ગઈ.તખુભાના હાથમાંથી વછુટેલો પાણો ફદ લઈને ફરી કાદવમાં પડયો.

'પોતે સરપંચ હતા ત્યારે ખુલ્લી ગટર હટાવીને ગામમાં ગટરલાઈન નાખવાની યોજના આવી હતી. જે અમલમાં મૂકી હોત તો આજ મોંઢા અને કપડાં ઉપર કાદવ ન ચોંટેત...કેટલીક જગ્યાએ ભૂંગળા નખાવીને યોજનાના રૂપિયા, પંચાયતના સભ્યો ગળચાવી ગયા હતા એ એમને યાદ આવ્યું.ગામના સારા કામ માટે આવેલા સરકારી રૂપિયા ખાતા એમનો શુદ્ધ ક્ષત્રિય આત્મા ડંખતો. પણ બધાનો સાથ જાળવી રાખવા મને કમને એમને ભ્રષ્ટાચારમાં ભાગીદાર થવું પડતું. તખુભાએ દોડીને ઘોડી તો ઊભી રાખી પણ ગામની આ ગંદકી આજ મોં પર લિપાઈ હતી અને એના માટે પોતે જ જવાબદાર હોવાનો અફસોસ પણ થઈ રહ્યો હતો.

'હાળું....બજારની વસ્સોવસ હાલી જાતી આ ગટર રોજ કેટલા માણહના લૂગડાં બગાડતી હસે. આ ગોબરા પાણીમાં મછરીયા પેદા થાતા હસે. તાવ આવીને ચેટલા જણા માંદા પડતા હસે.
હાળું સરકારના થોડાક રૂપિયા ભલે ખાઈ જાવી પણ થોડાક ગામ હાટું પણ વાપરવા પડે...ગટરના રૂપિયા સરકારે પાસ કર્યા'તા..પણ પંસાયત ગટર સ્હોતે ખાઈ ગઈ. હુંય ભેગો જ હતોને..! આજ આ ગટરનું પાણી મારા મોઢા ઉપર અને ગારો મારા લૂગડાં ઉપર સોટ્યો સે ઈ સ્હું સે..? ઇ ગટર જ ગાંગરી ગાંગરીને કેસે કે.....તખુભા,મને મારો મારગ તમે નથી દીધો એટલે હુંય તમારો મારગ તમને નઈ દવ.
થોડીક બીક તો ઠાકરની રાખો.. આજ તો ખાલી લૂગડાં જ બગડ્યા સે..પણ કોક દી એવો આવશે તેદી તમને આખાને આખા હું ગળી જઈશ.'

તખુભાને પોતાની વિરુદ્ધમાં થઈ રહેલી તપાસની નોટિસ યાદ આવી. ગટર યોજનામાં થયેલા ગફલાનો તાગ મેળવવા કોઈકે મામલતદારને અરજી કરી હતી.

'હુકમચંદે પણ પાણીની લાઈનમાં ગફલું કર્યું જ હસે.. જેટલા સરપંસ થાય ઈ હંધાય ખાય...! ગરાન્ટ પાસ કરે ઈ નેતા લગી બધાય હાળા ભૂખ્યા ડાંસ..! કોઈને ગામનું કે દેસનું હારું નથી કરવું...દેસમાં ભલે ગટરું વે'તી હોય માણહના મોઢા ઉપર ભલે ગારો ઉડતો હોય...મસ્સર કયડીને ભલે બસારુ ગરીબ માણહ દવાખાનામાં ધોડતું હોય..પણ આ ભૂખ્યાં ડાંસ નેતાના પેટ કોય દી' નય ભરાય તે નય જ ભરાય..જે દી' મારી ઘોડ્યે મોઢું કાળુમસ થાસે તેદી હળાવની આંખ્યું ઉઘડસે..!'

તખુભા મનોમન આવા વિચારો કરતા હતા. ઘોડી ઉપર બેસવાનું પણ એ ભૂલી ગયા હતા. મોઢા પર ચોટેલો કાદવ એમને સાફ કરવાનું મન નહોતું થતું.

'મારી આંખ્યું ઉઘડી સે...? જો મારી આંખ્યું ઉઘડી હોય તો હું દરબારનો દીકરો સવ..ખોટું કરવું નઈ ને ખોટુ થાવા દેવું નઈ.. ભલેને હું સરપંસ નથી રિયો..પણ હવે ગામનું ભલું કરવું...'

'પણ ખોટું કરી નાખ્યું સે ઈનું સ્હું...? આખી ગટર હું પી જ્યો સુ..ગારો ખઈ જ્યો સુ.. જેટલો ગારો બાર્ય સોટ્યો સે ઈની કરતા તો જાજો માલિકોર ખદબદે સે..હું કાંય ઇમનીમ સૂટણી હાર્યો ? ગામ ભલે કાંય કે'તું નથી પણ હમજે સે હંધુય.બધાને બધી જ ખબર સે...ઊંઘી જયેલું માણહ પથારી પલાળે ઈ તો જાણે હમજયા..પણ આતો જાગતા હોય ઈય.'


ભૂતપૂર્વ સરપંચ તરીકે ભ્રષ્ટાચાર
સામે આંખ આડા કાન કરવા બદલ તખુભાને આજ પસ્તાવો થઈ રહ્યો હતો. ગટરની ગંદકી ઘોડી અને કાબરી કૂતરી વચ્ચે ખેલાયેલા જંગને કારણે એમના ચહેરા સુધી પહોંચી હતી.
આજ પંચાયતના કાળા કામ બદલ કોઈએ મોઢા પર કાળો રગડો ચોપડી દીધો હોય એવું તખુભા અનુભવી રહ્યા હતા.

મનોમન પશ્ચાતાપ કરવાનો નિર્ણય કરીને તખુભાએ મોઢું લૂછી નાખ્યું અને ઘોડી પર ચડીને પોતાના ઘરે ગયા.

ગામના સરકારી દવાખાનામાં પોતાના બાબાનું ફૂટેલું માથું લઈને ગયેલા તભાભાભા અને આગળના બે તૂટેલા દાંત લઈને આવેલા હબા વચ્ચે તણખાં ઝરવાના બાકી હતા...!
(ક્રમશ:)

[ ચાટણીયો*
ગામડામાં દરેક ઘરની બહાર કૂતરાઓ માટે પથ્થરમાંથી બનાવેલી એક કુંડી જેવું હોય છે. જેમાં કૂતરાને ખાવા માટે રોટલા વગેરે નાખવામાં આવતા હોય છે.]

વાચક મિત્રો.....

મારી આ હાસ્યનોવેલ લગભગ 200 થી વધુ વાચકો વાંચી રહ્યા છે. પરંતુ પ્રતિભાવો માત્ર 25 થી 30 જેટલા જ આવી રહ્યા છે.
આપના પ્રતિભાવો વગર તો હું કેમ આગળ વધીશ..વાર્તા વિશે પણ કંઈક લખો..કંઈક સૂચન કરો...
અને કોઈપણ સમાજ કે વ્યક્તિની હાંસી ઉડાવવાનો કે કોઈની લાગણી દુભવવાનો મારો કોઈ ઈરાદો ક્યારેય રહ્યો નથી. આ વાર્તાથી જો કોઈને કાંઈ દુઃખ લાગે તો મને મેસેજ કરશો..
હું આશા રાખું કે વાંચનાર દરેક વ્યક્તિ પ્રતિભાવ પણ લખે..જો આપ કંઈ લખી ન શકો એમ હોવ તો રેટિંગ 5 સ્ટાર (* * * * *) કે આપને યોગ્ય લાગે એ મુજબ ચોક્કસ આપશો..
આપનો આભારી..
ભરત ચકલાસિયા.

Rate & Review

Jainish Dudhat JD

Jainish Dudhat JD Matrubharti Verified 2 months ago

hasya thi bharpur rahyo aa bhag 🤣🤣🤣🤣🤣 bicharo chancho 🤣🤣🤣🤣🤣🤣

Nipa

Nipa 3 months ago

Vaidehi

Vaidehi Matrubharti Verified 5 months ago

Shankarbhai

Shankarbhai 8 months ago

Vijay

Vijay 8 months ago