MOJISTAN - 8 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 8

મોજીસ્તાન - 8

મોજીસ્તાન..! (8)

"જો ભાઈ હબા,જી થિયું ઈ ભૂલી જા...ઈ છોકરું કહેવાય..અને પાસું ગોરનું.. એટલે એક ફરા જાવા દે..તારી દુકાનમાં મૂતરી તો નથ્થ ગિયું ને ? જરીક થૂંક ઉડાડી જયું..અને ઈય તેં તમાકુનો ડબલો સંતાડી દીધો તારે થિયુંને..? સાદી તમાકુનું ડબલું કોય હંતાડતું નથી...તારે હાંકવો પાનનો ગલ્લો ને સાદી તમાકુનું ડબલું સંતાડીને કરવો હલ્લો ઈમ ? ઈ નો હાલે...અને આટલી અમથી વાતમાં તું પોલીસકેસ કરવાની વાતું કરછ...? પોલીસકેસ કંઈ ઇમનીમ થાશે ? ન્યા ફરિયાદ લખાવીશ એટલે તારી જ ઉલટ તપાસ પે'લી થાશે.. આમાં મૂળ વાંક તો તારો જ ગણાય.."

હબાએ સરપંચને ફરિયાદ કરી ત્યારે સરપંચે ઉપર મુજબ ચુકાદો આપ્યો.

"સાલ્લો એક તો મારી દુકાનમાં કોગળો કરી ગ્યો.. ઉપરજાતા મારા બે દાંત તૂટી જ્યાં...અને મારી દુકાનના તાળામાં પોદળો નાંખી ગ્યો તોય વાંક મારો..? ઈ બાબલાનો કંઈ વાંક નઈ ઈમ ?..
આ તે કેવો નિયાય..." હબો માથું ખંજોળતો બેઠો હતો.

"લે..હવે ઉપડ.. તાળું ખોલીને માંડય ધંધો કરવા...આવું તો હાલ્યા કરે..ઈમ કેસ કબાડા નો કરવાના હોય.." હુકમચંદે હુક્કો ગગડાવતા હબાને રજા આપી દીધી.

હબાને બાબાએ ઠમઠોર્યો પછી હબો હાંફળો ફાંફાળો થયો હતો.
બાબાએ એને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો.

"પોલીસમાં ફરિયાદ કરું, હાળાનાં ટાંટિયા ભંગાવી નાખું." એમ બબડતો, કપડાં પરથી ધૂળ ખંખેરતો..હબો ગામની ઊભી બજારે જઈ રહ્યો હતો.

આગળના દિવસે ટેમુની દુકાને બાબાના હાથે લોથારી નખાયેલો ચંચો લંગડાતો લંગડાતો એને સામો મળ્યો.

દુશ્મનનો દુશ્મન દોસ્ત..એ ન્યાયે ચંચાએ હબાની કહાની સાંભળીને એની સાથે હાથ મિલાવ્યા અને સરપંચ પાસે લઈ ગયો, પણ સરપંચે તો ઉલ્ટાનું બાબાની તરફેણમાં ચુકાદો આપીને હબાની હવા જ કાઢી નાખી...!!

હબાની સાથે જ ચંચો પણ બહાર નીકળ્યો.

"હબા...એમ સીધી આંગળીએ ઘી નહીં નીકળે..થોડાક દી' ખમ...ઈ બાબલા અને ટેમુડા બેયનો ઘડો લાડવો કરી નાંખશું..." ચંચાએ હબાના ખભા પર હાથ મૂકીને કહ્યું.

આખરે હબાએ તાળામાંથી માંડ છાણ સાફ કર્યું અને દુકાન ખોલી.
નાનકડા કાઉન્ટર પર થૂંક રગડાઈને સુકાઈ ગયું હતું.

"કેમેરામાં પણ સોખ્ખું દેખાય સે..પણ કોઈ વાત જ હાંભળવા રાજી નથી લ્યો..કેય સે કે સુરેશનો ડબલો સ્હું કામ હંતાડયો..અલ્યા અમારી દુકાનમાં અમે ગમે ઈ હંતાડવી.. એક તો રોજ મફતનું ખાવું...હાળો.. હરામી..."

હબો હજી હળવો પડતો નહોતો.
ચંચાએ એને પાન બનાવવા કહ્યું. પાન બનાવતા બનાવતા પણ એ બબડતો હતો.

ચંચાએ પાનના પાંચ રૂપિયા આપવા માંડ્યા...પણ હબો હવે એના પૈસા થોડો લે...?

દુકાનના બારણાંમાં ઉભડક બેસીને ચંચો પાન ખાતો બેઠો હતો.હબાને હજી કળ વળી નહોતી. આજ સવારથી જ એનો દિવસ ખરાબ ઉગ્યો હતો. બાબલાએ એને બરાબરનો રગદોળ્યો હતો..!

એ જ વખતે બાબો સોપારીનો ડૂચો ગલોફામાં ભરાવીને આવી રહ્યો હતો.
એના માથા પર પાટો બાંધ્યો હતો.

ચંચો એને જોઈ રહ્યો. લાંબી ફ્લાંગ ભરતો બાબો આવીને દુકાનની સામેના ઓટલે બેઠો. એ ઓટલો નગીનદાસ દરજીનો હતો. ઓટલાની ડાબી બાજુ નગીનદાસના ઘરની ખડકી અને જમણી બાજુ કોઈ બીજા ખેડૂતનું ડેલું હતું.

દીવાલને ટેકો દઈ ઉભડક બેઠેલા બાબાને
જોઈ હબો હરકતમાં આવ્યો હતો.

''એ..ચંદુ... સુરેશનો ડબલો લાવ્ય.. આલે બે રૂપિયા.. અમને શું ભિખારી હમજશ..? આ તો અમે બ્રાહ્મણ ઊઠીને તારી દુકાનની તમાકુ ગ્રહણ કરીએ ઈ તારા અહોભાગ્ય કે'વાય..પણ તારા કપાળમાં પુન કમાવાનું હોય તો ને..! હાળો મારી વાંહે ધોડ્યો..? શું કાંદો કાઢ્યો..? બ્રાહ્મણના દીકરાનું લોહી રેડાણું.. આગળના બે દાંત વગર તું કેવો વહરો લાગછ..ઈ અરીસામાં જોયું'તું..? કે પછી નાયા ધોયા વગર જ ધોડ્યો આવ્યો'તો ભાભાને રાવ કરવા..? સાલ્લા બે નંબર જઈનેય હાથ નહીં ધોતા હોય...ગોબરી જાત..."

બાબાએ ફેંકેલો બે રૂપિયાનો સિક્કો હબાના કાઉન્ટર પર અથડાઈને હબાને મોઢા પર વાગ્યો.

હબો પાન કાપવાની કાતર લઈને ઊભો થયો...પણ ચંચાએ એને પકડ્યો.

"રે'વા દે...હબા...ખંહ સે ખંહ...તું શાંતિ રાખ્ય."

"કાપી નાખું હાળાને..હમજે છે સ્હું એના મનમાં..." કહી હબો કાઉન્ટર કૂદીને દુકાનની બહાર નીકળ્યો.

હબાના હાથમાં કાતર જોઈને બાબાએ મૂઠીયું વાળી.

આગળ બાબો ને પાછળ હબો..અને
હબાની પાછળ હબાને ધીરો પાડવા દોડતો ચંચો.. અને આ બધાની પાછળ ઊડતી ધૂળ..!

નગીનદાસ દરજી એકાએક બહાર નીકળ્યો. ઘરની બહાર કાંઈક ગોકીરો થયો હોવાનું એને સંભળાયું હતું. ખડકી બહાર નીકળીને એણે એકબીજાની પાછળ દોડતા ત્રણ જણને જોયા..છેલ્લે દોડતો ચંચો નગીનદાસને દેખાયો.

ઘણા સમયથી એ ચંચાને શોધતો હતો.
કોઈકે નગીનદાસને ભરાવેલું કે આ ચંચો નીના સાથે નયન મેળવવા મથે છે. નીના, નગીનની છોકરી હતી...!!

"તારી જાતનો ચંદીયો...મારા ઘર પાંહે આવીને મારી છોડી હાર્યે લાયન મારછ...
ઊભો રે'જે..તારી હા પાડું." કહીને નગીનદાસે ગઈકાલે જ બરવાળાથી લાવેલો જોડો પગમાંથી કાઢીને ચંચા પાછળ ઘા કર્યો.

કાળો, મોટી આંખો અને લાંબા નાક નીચે બરછટ મૂછો રાખતો નગીન આમ તો ખાસ બળુકો હતો નહીં પણ એક દીકરીનો બાપ દીકરીની રક્ષા કાજે જ્યારે ઘા કરે ત્યારે ભલે એ ઘા જોડાનો હોય તોય નબળો તો ન જ હોય...!

જોડો નગીનના હાથમાંથી ગોફણમાંથી છૂટેલા પથ્થરની જેમ જ વછૂટ્યો..પણ નગીન નિશાન ચૂક્યો હતો. એ જોડો ચંચાને વાગવાને બદલે હબાના માથામાં ઝીંકાયો..હજી આગલા દિવસે આ બાબા પાછળ દોડીને આગળના બે દાંત ગુમાવી ચૂકેલો હબો માથામાં છુટ્ટો જોડો વાગવાથી ચકરાયો..એ જોડાની એડી નીચે લોખંડની નાળ નગીનદાસે ખાસ નખાવી હતી...! એ નાળ તડિંગ કરતી હબાની ખોપરીમાં વાગી.

કાતર સોતો હબો સજ્જડ ઊભો રહી ગયો. આગળ હજુ મૂઠીયું વાળીને બાબો દોડયે જતો હતો. હબાએ પાછું વળીને જોયું તો નગીન એક પગમાં જોડું પહેરીને લંગડાતી ચાલે આવી રહ્યો હતો.

નગીનદાસને હબા સાથે ખાસ સંબંધો હતા નહીં. પાડોશી હોવા છતાં હબો નગીનદાસ માટે હંમેશા હાનિકારક રહ્યો હતો.

કારણ કે નીના સાથે નેન મટકા કરવા માંગતા ગામના યુવાનોને હબાની દુકાનનું પાન પ્રિય હતું...!
નીના પણ ઓછી નહોતી. ખડકી બહાર એ આ બધા યુવાનો આવે ત્યારે સાવરણી લઈને વળવા આવતી. ખુલ્લા ગળાની કુરતીમાં નીનાનું ઝળુંબી રહેલું જોબન જોઈને જુવાનિયાના મોંમાંથી પાનના રસનો રેલો રેલાવા લાગતો.

"વાંદરીના...મોઢા ફાડી ફાડીને તાકી જ રેય સે..." હસતી હસતી નયના ગાળો દેતી. આંખો નચાવતી, કમર હલાવતી અને મોં પર આવતી વાળની લટને ઝટકો મારીને હટાવ્યા કરતી. એની એ અદા ઉપર જ ગામનું યુવાધન ફિદા હતું...! નીનાને આવા ઘીસ પિટિયાઓને લબડાવવાની મજા આવતી..પણ એનું પરિણામ શું આવશે એની એને કદાચ જાણ નહોતી...એની આ અદા જલતી જુવાનીની આગમાં ઘી હોમી રહી હતી..

નગીનદાસ દરેક બાપની જેમ દીકરીની કળાથી બેખબર બાપ હતો. એનો ગુસ્સો અમાપ હતો અને સ્વભાવે એ કાળોતરો સાપ હતો.

હડબડેલા હબાએ નગીનદાસનું જોડું હાથમાં લીધું. એ જોઈને નગીનદાસ તરત બોલ્યો, "હે..હે..હે...હબા...મારે તને નો'તું મારવું..પણ આ ચંદુડીયો ચૂકવી ગયો અને તું ઘામાં આવી જ્યો...લાવ્ય મારું જોડું..."

"તારા તો ટાંટિયા તોડું..! તારું ભાંગી નાખું ભોડું...વાંહે ધોડાવુ તખુભાનું ઘોડું..." કહીને હબાએ નગીનદાસના નાકનું નિશાન લઈને જોડાનો ફેરવીને ઘા કર્યો.

હબો નાનપણથી આંટુકાળ હતો. ભલભલા નિશાન આંટી પાડતો. નગીનદાસ એનું માથું ઝુકાવીને ઘા ચૂકાવવા ઘણું મથ્યો...પણ એ જોડાની એડી પર લગાવેલી ઘોડાની નાળ એના નાક પર ભડિંગ લઈને ભટકાઈ..!

ચંચો એ જોઈને ખડખડ હસી પડ્યો.
પાછળ આવતા જોખમને ઓછું થયેલું જાણીને બાબો પણ ધીમો પડ્યો હતો.
એણે જોયું કે હબો નગીનદાસને જોડો મારી રહ્યો છે..!
નગીનદાસે એક-બે વાર એને ચા પીવડાવેલી એ એને યાદ આવ્યું. એ ચાનો બદલો વળવાનો સમય આવી ગયેલો એને લાગ્યો. એણે રસ્તા પર આજુબાજુ નજર ફેરવી. ગામડાની બજારમાં નાના પથ્થરો અને ગાય ભેંસના પોદળા છૂટથી પડ્યા હોય છે...અને બાબાનું પ્રિય હથિયાર પણ પોદળો જ હતું...!!

નગીનદાસ એના લોહી નીકળતા નાકને પંપાળતો હતો. એની તરફ નજર ફેરવીને હબાએ બાબા તરફ પાછું ફરીને જોયું ત્યાં જ હબાના ચહેરા પર છપાક લઈને પોદળાનો ગળીયો છપાયો....હાથ વડે આંખો પર ચોંટેલો પોદસ હબાએ હેરાન થઈને હટાવ્યો ત્યાં જ બીજો ગળીયો છપાક થયો...પછી એની છાતી પર અને પેટ પર પણ પોદસના પ્રહાર થયા..હબાના હાથમાંથી કાતર પડી ગઈ...ચંચો ખખડતો બંધ થઈને બાબાને જોઈ રહ્યો હતો..એક બે પોદળા હબાથી દૂર પણ પડ્યા હતા...
પણ હબો આંખો ચોળતો ઊભો હતો.

ચંચો હબાએ ખવડાવેલું પાન ચાવી રહયો હતો...બાબાનો માર ગઈકાલે સાંજે જ સહયો હતો...! અને બાબો પોદળાવાળા હાથે હબા તરફ ધસી રહ્યો હતો.

નગીનદાસ પણ દાઝે ભરાયો હતો. પોતે ભૂલથી મરાઈ ગયું હોવાનું હસીને કહ્યું તો પણ હબલાએ કસીને જોડાનો વળતો ઘા કરીને એનું નાક તોડી નાખ્યું હતું.

બાબાએ એને પોદ પ્રહારથી પીછેહઠ કરવા મજબુર કર્યો એ જોઈને નગીનદાસ નાગાઈ ઉપર ઊતરી આવ્યો હતો...એ જોડો લઈને દોડ્યો...હબાના વાળ પકડીને એના મોઢા પર બેચાર ઘા એણે તરત જ કરી લીધા.

"કવ સુ કે મેં જાણી જોઈન તને નથી માર્યો...તોય તું કેમ નો સાર્યો..તારી તો હા પાડું..મારું નાક ભાંગી નાખ્યું...@#$ના..%^&ના..."

હબાએ પોદળાવાળા એક હાથથી નગીનના શર્ટનો કોલર પકડ્યો. બીજા હાથે નગીનદાસને ગાલ પર એક થપ્પડ ઠોકી દીધી...કારણ કે નગીનદાસ ગાળો બોલતો હતો.

"પણ હું તો બાબાલાને મારવા જાતો હતો..તું શું કામ વાંહે ધોડ્યો..અને પાછો મને ગાળ્યું ચીમ દેસ..@#$**..મનેય આવડે સે..." કહી હબાએ ફરી હાથ ઉપાડ્યો.

પણ ત્યાં સુધીમાં બાબો આવી પહોંચ્યો.
હબાનો હાથ બાબાએ પકડી લીધો.

"આજય મારી વાંહે ચીમ ધોડ્યો હેં..હેં...હે...એં... એં...? મફતમાં તમાકુ મેં માગી'તી...હેં..હેં..હેં...એં..એં... સાલ્લા
....હબલીના.."

બાબો બળ કરીને હબાનો હાથ મરડતો હતો. નગીનદાસ જોડો લઈ ફરી ધસી આવ્યો હતો. હવે નગીનદાસે હબાનો બીજો હાથ પકડ્યો હતો. ચંચો હબાની વહારે આવવાને બદલે એના સાજા ટાંગાના સહારે ત્યાંથી સાવ ઠરીને સરી ગયો...પણ જતાં જતાં એ તભાભાભાને ફોન કરી ગયો.

"એ..હેલો...તરભાગોર..તમારો સોકરો હબા હાર્યે બાધ્યો છે..ઝટ ધોડજો..નકર મારી નાખશે.."
ગામલોકો ભેગા થઈ ગયાં. નગીન અને બાબાના બમણા હુમલામાં હારી ગયેલા હબાને બધાએ છોડાવ્યો.

"મને આ નગીનીયાએ જોડો માર્યો.. આ બાબલાએ પોદળો માર્યો..કાલ્ય મારી દુકાનમાં..." હબો લોકો સમક્ષ ન્યાય માટે ભીખ માંગતો હતો.

"મને પોદળામાં પાડી દીધો...જોવો મારા હાથ બગડ્યા..એટલે અમે ઝઘડ્યા..હું નગીનદાસના ઓટલે બેઠો'તો..ત્યાં આ હબો હરામખોર કાતર લઈને મારી વાંહે ધોડ્યો. મને ધક્કો મારીને પોદળામાં પાડ્યો." કહીને બાબાએ પોદળાવાળા હાથ હબાના શર્ટ સાથે લૂછ્યા.

આખરે લોકોએ ન્યાયની અદાલત ચાલુ કર્યા વગર ત્રણેયને છુટા પાડ્યા. બાબાને પોતાના ઘેર લાવી હાથ સાફ કરાવીને નગીનદાસે ચા મૂકાવી.

હબો પોતાની દુકાનમાં પાછો ફર્યો...પણ દુકાનમાં જોઈને એ થીજી ગયો..

બન્યું એવું હતું કે માલિક વગરની દુકાનમાં એક ઉંદર સાગમટે દરમાંથી બહાર આવીને ખોરાક શોધતો હતો.
નગીનદાસના ઘરના મોભારે બેઠેલા મીંદડાએ નાના નાના બાળ મુષકોનું ચુંચું... ચુંચું...ચુંચું...ચુંચું..એવું સમૂહગાન સાંભળીને ડોકું જરાક નમાવ્યું.. એની પીળી ધમરક આંખોમાં ગાંઠિયાની બરણી પર બિરાજીને કંઈક ચાવી રહેલા મુષકરાજ દ્રશ્યમાન થયા.

એ મીંદડા સામે ઘણા દિવસથી મૂષક મહારાજ ચાળા કરીને દુકાનમાં ઘૂસી જતો હતો. હબાની હાજરી હોવાને લીધે મીંદડાને પોતાનો ગુસ્સો પી જવો પડતો હતો. આજ સપરિવાર પિકનિક મનાવી રહેલા મૂષકને એની અદાઓનું ઇનામ આપવાની તક મીંદડાએ ઝડપી લીધી.

મોભારેથી ઊતરીને એ ખડકી ઉપર આવ્યો. મૂષક એને જોવા છતાં નીચેનું જડબું હલાવીને ગાંઠિયાનો આસ્વાદ માણી રહ્યો હતો.

મીંદડાએ છલાંગ મારી. હવામાંથી આવી રહેલા પોતાના કાળને જોઈ મૂષકને સલામત જગ્યા શોધવા દોટ મૂકી. એનું જોઈને એની બીબી બચ્ચાં પણ નાઠા.

મીંદડાએ હબાની દુકાનમાં ઇન્કમટેક્સ ઑફિસરની જેમ ખાંખાંખોળા કરવા માંડ્યાં.

નગીનદાસની ખડકી પાસે બેસીને એના રોટલા ઉપર નિર્ભર કાબરી કૂતરી એ મીંદડાને તીવ્ર ગતિથી હબાની દુકાનમાં ઘૂસતો જોયો...એટલે એ પૂંછડી ટટ્ટાર કરીને દોડી. હબો ક્યારેક એને બિસ્કિટ ખવડાવતો એટલે હબાની ગેરહાજરીમાં એની દુકાનનું ધ્યાન રાખવાની એની ફરજ હતી...એટલે એ પણ મીંદડાનું પગેરું દબાવતી દુકાન તરફ દોડી.

કાબરીને મનોમન પ્રેમ કરતો અને આજ તો "કાબરી, આઈ લવ યુ..ભુંહું ભું હું.." એમ કહી જ દેવાનું મન બનાવીને આવી રહેલા કાળીયા કૂતરાએ કાબરીને હબાની દુકાનમાં ધસી જતી જોઈ.
હવે આ તો કાબરીને ઈમ્પ્રેસ કરવાનું ટાણું ! કાળિયો પણ ભૂંહ..ભૂંહ કરતો કબરીની મદદમાં દોડ્યો.

મૂષક તો પોતાના બાળબચ્ચાં લઈને અમુક ડબલાઓ પાછળ સંતાયો હતો. મીંદડાએ બધું વેરવિખેર કરવા માંડ્યું હતું.

બે મોટા રાજનેતાઓ આવી ચડે અને ઇન્કમટેક્સની રેડ અધૂરી અટકી પડે એમ મીંદડાની મૂષક પ્રાપ્તિ માટેના પ્રયત્નો સ્વબચાવ માટે કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. નગીનદાસના ઓટલે બેસી રહેતી કાબરી સાથે આ મીંદડેશને હાઈ હેલોનો સંબંધ હતો ખરો...
પણ એની સાથે આવેલો કાળિયો કાન ઊંચા કરીને પોતાને પકડવા તલપાપડ હતો...એટલે મીંદડો કૂદીને દિવાલના ગોખલામાં બેસીને શ્વાન યુગલને 'હુંહું...વીંયા..વ...હું..વીંયાવ..." એટલે કે હું અહીં છું, તમે વ્યા જાવ.." એમ સમજાવવા માંડ્યો..!

પણ કૂતરાની જાત..! અને એ પણ પોતાની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા આવેલો કાળુ..! કોઈ વાતે મીંદડેશની વાત માન્યો નહીં.

એટલે દુકાનના કાઉન્ટર પર ચડીને એણે ગોખલામાં બેઠેલા મીંદડેશને પકડવા કૂદકો માર્યો.

હબાની દુકાનની ગાંઠીયાની, ખારીશીંગની,
વટાણાની અને દાળિયાની બરણીઓ કાચની હતી...એ બધી પોતાને માનવપેટ ભરનારી સમજતી હોઈ કૂતરાના પેટ ભરવામાં હીણપત અનુભવી રહી. આ કુતાઓના પગ પોતાને ખોલીને એમના લાંબા મોંથી પોતાની જાત અભડાવે એના કરતાં ફૂટી મરવું સારું...ગામના ઇતિહાસમાં આ સમૂહફૂટણની ઘટનાને સ્થાન અપાવવા એ બધી બરણીઓએ પોતાની જાત ફોડીને ગાંઠીયા, શીંગ, વટાણા અને દાળિયાને મુક્ત કરી દીધા. વર્ષોથી ગુલામીની કેદમાં પોતાનો માનવપેટ પ્રવેશનો ક્યારે વારો આવશે એની રાહે સમય કાપી રહેલા ગાંઠીયા, ખારીશીંગ અને દાળિયા આઝાદીની ખુશીમાં મનફાવે એમ આખી દુકાનમાં ઢોળાઈ પડ્યા.

એ જોઈ તેલનો એક ડબો પણ દાઝે ભરાયો..ઘણા દિવસથી એને આડે પડખે થવાની ઈચ્છા હતી. બિચારો ઊભો ઊભો ખાલી થવાની વાટ જોઈને થાકી ગયો હતો. હબાની દુકાન આગળથી નીકળતી ભંગારની લારીમાં જઈ રહેલા એના જાતભાઈઓ એને બોલાવીને ખખડતા હતા...એને પણ એ લોકો સાથે જવાનું બહુ મન હતું...પણ પોતે ખાલી થાય તો જાયને..!

કળિયાએ એનો પણ ઉદ્ધાર કરી નાખ્યો..!

ગોખલામાં બેઠેલા મીનેશને હવે અહીં અસલામતી દેખાઈ. નારી જાતિને નબળી માનતો મીનેશ કાબરી પર કૂદયો. કાબરી કંઈ સમજે એ પહેલાં એ કાઉન્ટર પર પાણી ભરેલી પાનની ટ્રેમાં ખાબક્યો. નાગરવેલનાં પાન એના શરીરે ચોંટી ગયા..કાબરી ભડકીને કાઉન્ટર પરથી કૂદીને અંદર પડી.

ત્યાં હજી અત્યારે જ કાળિયાએ પેલા તેલના ડબાને આડો પાડીને એની છેલ્લી ઈચ્છા પૂરી કરી હતી.

કાબરી તેલલુહાણ થઈ અને મીંદડો પાનને પોતાના શરીર સાથે ચોંટાડીને દુકાનમાંથી ભાગ્યો.

કાળિયો એનો પીછો કરવા જતાં તેલમાં લપસીને ગડથોળિયું ખાઈને દુકાનમાં ઊભી થવા મથતી કાબરી પર પડ્યો.

કાબરીએ હળવેથી જીભ બહાર કાઢીને કાળીયાના શરીરે ચોંટેલું તેલ ચાટયું...એ જ ક્ષણે કાળિયાના દિલમાંથી પ્રેમનું મોજું બહાર ધસ્યું. કાળિયો હજી આઈ લવ યુ ડિયર કાબુ..એમ કહેવા જાય ત્યાં જ હબો આવી ચડ્યો.
એના શરીરે ચોંટેલો પોદળો ભીમાભાઈના ઘરે ધોવા ગયો ત્યાં સુધીમાં એની દુકાનમાં રમખાણ મચી ગયું હતું...!

પોતાની દુકાનના હાલહવાલ જોઈ એણે બારણાં પાછળ કૂતરા માટે જ મૂકી રાખેલી ડાંગ હાથવગી કરી.

તેલમાં લપસતા કાળીયા અને કાબરીના કાંવકારાથી આખી દુકાન ગાજી ઉઠી. બાબલા અને નગીનદાસ ઉપર ચડેલી દાઝ બિચારી કાબરી અને કાળીયા પર ઊતરી..અને એ દાઝ એટલી તીવ્ર હતી કે બંને શ્વાનોથી ન ઈચ્છવા છતાં હબાની દુકાનમાં જ મળ મૂત્રનું વિસર્જન થઈ ગયું.

ચંચો થોડીવારે મામલો શાંત પડ્યો હશે એમ માનીને હબાને હૈયાધારણ આપવા આવી ચડ્યો. હબાની દુકાનમાં આડેધડ લાકડીઓ વીંઝતા હબાના હાથ ચંચાએ પકડ્યા. તેલ ટપકતા શરીરે બહાર નીકળેલા કાળુ અને કાબી બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બીતાં બીતાં માંડ માંડ બહાર નીકળ્યા..અને મનોમન કાળીયાએ નક્કી કર્યું કે માઈ ગઈ આ કાબરી. આપણે
હવે આ ખાંચામાં કોઈ દી' આવવું નથી.
ભાગ્યમાં હશે તો પાદરમાં પણ ઘણી કૂતરીઓ મળી રહેશે...!!

એ બંનેની હાલત જોઈ મોભારે બેઠેલો મીંદડો બોલ્યો...."મીં.. આં.. ઉં..!"

આ બધામાં હબાની હાલત ગાડી લૂછીને ફેંકી દીધેલા ગાભા જેવી થઈ હતી. દુકાન ખુલ્લી રાખવી કે બંધ કરીને ઘરે જઈને સૂઈ જવું એ હબો નક્કી કરી શકતો નહોતો.

એ વખતે બાબો નગીનદાસના ઘેર છલોછલ ભરેલી ચાની રકાબી
હાથના પંજામાં ગોઠવીને એના રકાબી તરફ ખેંચાયેલા હોઠ તરફ ઉપાડી જતો હતો.

થોડીવારે નગીનદાસ અને બાબો ચાના સબડકા બોલાવતા હતા.

(ક્રમશ:)

Rate & Review

Jainish Dudhat JD

are re, pela chancho, pachi bapu ane have aa habo 🤣🤣🤣🤣🤣🤣

Jignesh Nimavat

Jignesh Nimavat 8 months ago

Neel Sojitra

Neel Sojitra 2 years ago

Bharat Makavan

Bharat Makavan 10 months ago

હબો તેલ વેચતો નથી તો તેલ નો ડબ્બો ઢોરાવો જોઈએ નહીં

Pravin shah

Pravin shah 11 months ago