MOJISTAN - 11 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 11

મોજીસ્તાન - 11

મોજીસ્તાન (11)

"કોણ જાણે શુ થાવા બેઠું છે.ગામમાં પાપ વધી રહ્યા છે પાપ.તમારી જેવા માણસને એક ડોબું ગોથું મારે ? આને કળજગ નો કે'વાય તો સ્હું કેવાય ? તખુભા...આ તમારા ગયા ભવના પાપ આંબી ગયા લાગે છે. સત્યનારાયણની કથા કરાવી ઈને કેટલા વરહ થયા..? હાંભરે છે ? સરપંસની ચૂંટણીમાં હાર્યા તોય આંખ નો ઉઘડી...? તમારા જીવતે જીવ એક ગોરના દીકરાનું માથું બજારમાં ફૂટ્યું તોય ભાન નો આવી...? ભગવાન શું લાકડી લયને મારવા આવે ? ઈ ઉપર બેઠો બેઠો નિયાય તોળે સે...મેં તો હાંભળ્યુ છે કે જિંદગીભર હાલી નય હકો ઈ સાચું...? કે' છે કે ઘોડું તો મરી જયું, ઈ સાચું...? અને મેં તો તાં લગણ હાંભળ્યુ સે કે તમારા પગ પણ ભાંગી ગ્યા છે, ઈ હાચુ ? પાંહળા પણ ભાંગી જ્યાં સે, ઈય સાચું...? અમારા એક સગાને બસ આમ જ ડોબાએ ગોથું માર્યું'તું...વાંહ્યલા બેય થાપાનો ભુક્કો જ થઈ જ્યો'તો... તે છ મહિના બિચારો સડ્યો અને અંતે સારું તો નો જ થિયું... દવાદારૂમાં ઘર ધોવાય જીયું ને અંતેય પાસો થીયો...તમારું થાય ઇ ખરું.." તભા ગોરે ડેલીમાં ઢાળેલા ખાટલામાં બેઠક લઈને તમાકુની ડબ્બી કાઢી.

"મૂંગા મરો મા'રાજ...તમે મૂંગા મરો..થાપા તો વાંહે એક ઠેકાણે જ હોય..ઈમાં વાંહ્યલા ને મોયલા નો આવે..ચ્યાંથી તમે આવું બધું હાંભળીને ધોડ્યા આવો સો...
મને કાંય નથી થિયું...આતો જરાક છોલાયો છું...અને ઘોડી તો એ બરવાળે તનકારા કરે સે...અને પગ તો જોવો આ રિયા સાવ સાજાસમાં..કોણે તમને આવા મોં માથા વગરના હમાચાર આપ્યા."
તખુભાએ, ગોર પોતાનો વધુ કચ્ચરઘાણ કાઢે એ પહેલાં એમને અટકાવીને પગ લાંબા કર્યા.

"હા..આ...શ... હવે મારી આંખ્યું ઠરી લ્યો...આ ગામ તો સાલું જેવી હોય એવી વાતું કરે..કોક તો કે'તું કે તખુભા હવે લાંબુ નહીં કાઢે...તે મારા સમ બસ..મેં કીધું કે મોઢું તો જોયાવું...પણ તમે તો સાજા થઈ જાશો એમ લાગે છે...પણ એક કથા કરાવી નાખો.. હમણે તમારી માથે ઘાત હોય ઈમ લાગે છે. ગ્રહદશા માઠી થઈ રહી હોય એવુ મને દેખાય છે.'' ગોરે તમાકુની લંબગોળ ડબ્બીનું એક તરફનું ઢાંકણું ખોલીને એમાંથી તમાકુ અને બીજા છેડાનું ઢાંકણું ખોલી એમાં જામેલો ચૂનો નખથી ખોતરીને હથેળીમાં ઠાલવ્યો.
એ હાથની મુઠ્ઠી અડધી વાળીને એમણે ડબ્બી બંધ કરી. ડબ્બી ઝભ્ભાના ખિસ્સામાં સેરવીને બીજા હાથના અંગૂઠા વડે હથેળીમાં રહેલા તમાકુ અને ચૂનાને મસળતા ઉમેર્યું, "આ તો તમને સાજાસમાં જોયા એટલે કહું છું હો...સો વરસના થાવ... પણ એક કથા હવે કરી નાખો.
ગ્રહદશા તો બદલાણી જ છે તખુભા..."

"તે કથા કરવાની કોણ ના પાડે સ...બાપુ તો ભાગવત સપ્તાહ હોતે બેહારવાના સે...ઈમ કાંય મોળા નો હમજતા. તમતમારે આજનું થાતું હોય તો કાલ્યનું નો કરતા...ચીમ નો બોલ્યા બાપુ..." રઘલા વાળંદે બાપુના પગ દબાવતા કહ્યું.

"અલ્યા ગોલકીના...કથાનું મૂરત કાઢવાનું હોય..ઈમ આજને આજ કથા નો થાય. હાળા ભાનબઠ્ઠીના.. ખબર પડતી નો હોય તો મૂંગો મર્યને..કથા કરવાની હશે તો બાપુ કે'શે.. તું ડાપણ ડોળયા વગર મૂંગીનો બેહને..!'' ઝીણીયાએ રઘલાને ધબ્બો ઠોકતા કહ્યું.

"અલ્યા ભય..આ જીભમાં થોડું હાડકું સે! ચયારેક એકાદો અક્ષર આડોઅવળો થઈ જાય બાપા... પણ હમજનારું તો હમજી જ જાયને..! ગોરબાપા તો હંધુય હમજે સે અટલે હું શું કવ સુ ઈતો ઈ હમજી જ જયા હોયને..!"

રઘલાએ ગોરના હાથમાં ચોળાયેલી તમાકુ તરફ નજર ઠેરવીને ઉમેર્યું, "બે'ક ફોતરાં દ્યો ને મા'રાજ..."

"હાલી શું નીકળ્યો છો..? હું ગોર ઉઠીને તને મારા હાથની ચોળેલી તમાકુ દવ..? ઈ નો બને...પૃથ્વી પાતાળમાં વય જાય." ગોરે ડોળા કાઢીને હથેળીમાં બીજા હાથની ઝાપટ મારીને ચૂનો રઘલા ઉપર ઉડાડયો. તમાકુની ચપટી ભરીને નીચેનો હોઠ ખેંચ્યો. દાંતના મૂળના તમાકુની ઢગલી મૂકીને હોઠ વડે દબાવી. જીભને બે હોઠ વચ્ચે ધકાવીને એકબે ફોતરાંને પૂત્ત પૂત્ત કરીને તખુભા તરફ ઉડાડતા કહ્યું,

"તો બોલો તખુભા..કાલ્યનું ગોઠવી નાખવી...કથા સાંભળવા આવશે ઈ બધા તમારી ખબર પણ કાઢી જાશે..અટલે વારે વારે તમારે બધાને સા પાણી પાવા નય...પરસાદ બનાવી નાખજો. પૂજાપો તો હું લેતો આવીશ.. વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરવા પડશે એટલે હજાર પાંદડા તુલસીના જોશે...શેરડીના ચાર જાડા સાંઠા મંગાવી લેજો..સવજી જીવાની વાડીએ બહુ સારો વાઢ છે. કથા હાટુ માંગશો તો ના નઈ પાડે..લ્યો તારે..કાલ મૂરત પણ સારું જ છે...આમ તો કથા તો ગમે ત્યારે કરાય. ત્રણ મહિને એકવાર કથા કરાવે એને સત્યનારાયણ ભગવાન સોળે કળાએ રાખે, પણ તમે તો કે'દી કથા કરાવી ઈ તો મનેય હાંભરતું નથી."

"કથા તો કરવી જ સે..પણ મેં કીધુ કે થોડાક દી' પસી રાખવી.." તખુભાએ કહ્યું.

''તો મારી હારું થોડાક કરો છો ? આ તો તમારે ગ્રહદશા માઠી છે એટલે જેમ બને એમ જલદી કરો...અને નો કરો તોય મને ક્યાં વાંધો છે..ખાટલામાંથી ઊભા થઈને ઘોડી ઉપર બેહવું હોય તો કથા કરો...આ પગ સાજા કરવા હોય તો કથા કરો. થાપાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
એમાં ઝટ રૂઝ લાવવી હોય તો કથા કરો.બે પાંદડે થાવું હોય તો કથા કરો...સરપંચ થઈને જે કાળા ધોળા કર્યા છે... ઈના પાપમાંથી છૂટવું હોય તો કથા કરો અને...."

"બસ બસ..મા'રાજ...કાલ્ય જ કથા કરી નાખવી સે...આટલા લાભ તો મારાથી શે ખમાશે... લ્યો હવે ટળો આંયથી.. મને ઘડીક આરામ કરવા દ્યો બાપા..ઓય.. ઓય.. અલ્યા ઝીણીયા તું ડોબું તો વેસી જ નાંખજે...મરી જ્યો હું તો..." તખુભાએ કંટાળીને કહ્યું.

"ઠીક લ્યો ત્યારે.. ખબર કાઢવા આવેલા ગોરબાપા દરબારના આંગણેથી ખાલી હાથે જાશે તો પૃથ્વી..." ગોર ઊભા થઈને તખુભાને તાકી રહ્યાં.

"અલ્યા ઝીણીયા..દહ રૂપિયા દે મા'રાજને...નકર ઈ દહ રૂપિયા હાટુ થઈને પૃથ્વીને પાતાળમાં પેહાડી દેશે. આ દાક્તરે ખીલા માર્યા હોય એટલી પીડા થાય છે...પસી તું જા...કાંક નાસ્તો લેતો આવ્ય."

ઝીણીયાએ દસની નોટ કાઢી એટલે ગોર બોલ્યા,
"તખુભા...કળજગ હવે સમરા કાઢી જ્યો છે હો...દસ રૂપિયા સામું તો ભિખારીય જોતા નથી...રે'વા દો હવે તમારાથી દક્ષિણાયુ નઈ દેવાય...નાસ્તો મંગાવ્યો છે ને અમને જાકારો દ્યો છો...? આમાં તમારું કલ્યાણ ક્યાંથી થાય...જા ભાઈ ઝીણા... થોડો વધારે લાવજે..અમારા પેટ ઠારશો તો આ પીડા ઘણી ઓછી થાશે...લે જા ઝટ પસી મારે મોડું થાય છે...ઘેર ઘણા યજમાનો વાટ જોતા હશે,પણ હવે નાસ્તાનું નામ પડ્યું એટલે મારાથી નો જવાય." તભાગોરે ફરીવાર પૂત્ત પૂત્ત કરીને તમાકુના ફોતરાં ઉડાડયા... અને ખાટલામાં પલાંઠી મારીને બેસી ગયા.

"હા..બાપ હા..ભૂલ થઈ મારી. અલ્યા જા ઝટ. મીઠીયાની દુકાનેથી પેંડાને ગાંઠીયા લેતો આવ્ય.'' તખુભાને હવે ગોર પર દાઝ ચડતી હતી.

"મારા માટે ફરાળી ચેવડો લાવજે ભાઈ...આજ મારે એકટાણું છે અને કિલો કિલો બેય વાનું બંધાવતો આવજે. બાબો અને ગોરાણી પણ એકટાણું જ કરે છે..ઈ બિચારા બેય પવીતર ખોળિયા છે. બાપુને ઝટ સુવાણ થઈ જશે..બ્રાહ્મણના આશીર્વાદ ચયાંથી હોય.. હેં...?" કહીને પૂત્ત પૂત્ત કરીને ગોરે ફોતરાં ઉડાડવાનું શરૂ જ રાખ્યું.

જાદવ ઝીણીયો મુંજાઈને ઊભો રહ્યો.

બાપુ માટે એક કિલો પેંડા અને એક કિલો ગાંઠીયા લાવવાના હતા..એમાં આ ગોર મા'રાજ ભળ્યા. ગોર ભળ્યા એનો વાંધો નહોતો પણ એમના માટે પાછો ફરાળી ચેવડો. એમના ઘર માટે કિલો પેંડા અને કિલો ફરાળી ચેવડો પણ લાવવાનો થયો. આ બધું કંઈ મફતમાં નહોતું આવવાનું અને તખુબાપુ તો લઈ આવવાનું જ કહેતા હતા. ક્યારેય એમણે ખિસ્સામાંથી ફદિયું કાઢીને આપ્યું નહોતું. એક બે વખત એ લઈ આવ્યો પછી એણે ડરતા ડરતા બાપુને કહેલું.

"બાપુ...આ તમારા ડાયરાનો ખરચ મારા ડેબે આવ્યો સે હો...તમે મને પસી આલી તો દેશોને..?"

તખુબાપુએ આંખના બે મટકા મારીને કહ્યું'તું,

"તે ડોબું'ય તારું જ હતું ને ઝીણા...? તારા ડોબાએ મને પાડી દીધો...અટલે ખરસ પણ તારા ડેબે જ હોયને..! હજી તો તારે દવાખાનાનો અને ઘોડીનો એમ બેયનો ખરસ દેવો પડશે...તું સગવડ કરી રાખજે. પસી કે'તો નય કે મેં કીધું નો'તું. આ પીડા હું ભોગવું સુ ઈનું તો આપડે પસી હમજી લેશું."

ઝીણીયાએ બીજા જ દિવસે પેલી ભેંસ વેચી નાંખી હતી. તન મન અને ધનથી બાપુની સેવામાં લાગી ગયો હતો, પણ આ ગોરે આવીને કથાનું ડીંડક કર્યું. એ કથા પણ ઝીણીયાના ડેબે જ આવવાની હતી...!

ઝીણીયો મોઢું ઝીણું કરીને ઢીલા પગે બાપુની ડેલીમાંથી બહાર નીકળ્યો. મીઠાલાલની દુકાનના પેંડા અને ફરસાણ વખણાતું. મીઠાલાલ રસોઈયો પણ હતો. ફરતા ગામમાં એની નામના હતી. શુભ પ્રસંગોના જમણવારમાં રસોઈનો ઓર્ડર આ મીઠાલાલને જ મળતા, એટલે દુકાન હવે ટેમુને સંભાળવી પડતી. જાદવ ઝીણીયો તખુબાપુની ડેલીમાંથી નીકળ્યો ત્યારે ટેમુ, ચંચાને ડંડો બતાવી રહ્યો હતો.

જાદવ હવે ટેમુની ઝપટે ચડવા એની દુકાને જઈ રહ્યો હતો.

જાદવ ઝીણીયાના પગમાં ઠામકુંય જોર રહ્યું નહોતું. તખુભાની સેવા કરવામાં ભેંસ તો વેચાઈ ગઈ હતી. હવે ખેતર પણ વેચવું પડશે એવી બીક એને પેસી ગઈ હતી. દવાખાનાનો ખર્ચ, ઘોડીનો ખર્ચ અને તખુભા સાજા થાય ત્યાં સુધીનો ડાયરાનો ખર્ચ એના ડેબે (એની ઉપર) આવ્યો, ત્યાં હવે આ ગોર પણ કથાનું ડીંડક લઈને આવ્યા.

ગામની બજારે વીલું મોં અને ઢીલું શરીર લઈને, એ ટેમુની દુકાન તરફ જઈ રહ્યો હતો. બજારની વચ્ચોવચ વહેતી નીકમાં એ જ વખતે ક્યાંકથી ફદ લઈને મોટો પથ્થર કોઈએ ફેંક્યો. એ નીકના ગંદા પાણીની છાલક જાદવના જીન્સના કપડાં પર ઉડી.

જાદવે તરત પાછું ફરીને જોયું તો ગલોફામાં સોપારીનો ચૂરો ચડાવીને હાથ ઉલાળતો બાબો પાછળ આવી રહ્યો હતો. એના હાથમાં હજી પણ બે મોટા પથ્થર હતા.

"અલ્યા એ...ઈ..ચીમ તોફાન કરછ..? તારો ડોહો આ ખાંદો મારી ઉપર ઉડ્યો.. જો મારું પેન્ટ બગડી જ્યું...આવા સ્હું લખણ સે તારા..." જાદવે ખિજાઈને કહ્યું.

"તો આમ એક બાજુ હાલતો હો તો...અમારે છબછબિયાં નો કરવા..? મને તો બવ મજા આવે છે. જોજે હમણે ચેવી મજા આવે સે..." એમ કહી બાબાએ ફરી પથ્થરનો ઘા કર્યો.

એ પથ્થર પાણીમાં પડે એ પહેલાં કાદવથી બચવા જાદવે ઠેકડો માર્યો. બરાબર એજ વખતે ધોળી ડોશી હાથમાં તેલની બરણી લઈને આવી રહી હતી. એના જમાઈ ધરમશીને અઠવાડિયામાં ત્રણવાર ભજીયા ખાવા પડતા. ધમૂડીને ટેમુએ પજવી હોવાથી તેલ લેવા જવાનું કામ ધોળી ડોશી ઉપર આવેલું. હબાની દુકાનેથી એક કિલો તેલ લઈને એ હળવી હળવી પોતાના ઘરે જઈ રહી હતી.

આછો વાદળી રંગનો સફેદ ટીપકીવાળો સાડલો એણે કરચલીવાળા અને કમરમાંથી વળી ગયેલા શરીર ફરતે વીંટાળ્યો હતો. એના એક હાથમાં બરણી અને બીજા હાથમાં એની ટેકણ લાકડી હતી.

જાદવ ઠેકયો એવો જ ધોળી ડોશી સાથે ભટકાયો. બેઠી દડીના જાડા જાદવનો ધક્કો ધોળી ડોશી ખમી શકી નહીં. તેલથી ભરેલી બરણી અને ટેકણ લાકડી એના હાથમાંથી છટકી ગઈ. ખુલ્લી ગટરમાં વહેતા પાણી પર તરતું તરતું તેલ વહેવા માંડ્યું.

ધોળીડોશી આડા પડખે બજારમાં પડી પડી જાદવાને ભાંડવા લાગી.

"ઓહોય ઓહોય બાપલીયા..હું તો મરી જઈ. વાંઝણી રાંડનો ચયાંથી આંય ગુડાણો. તારું બાપ તેલ ઢોળય જ્યું...ધરમશીને ભજીયા ખાવા'તા...ઊભી કર્ય..
તારી માને ઊભી કર્ય..."

"અલ્યા...પણ મને થોડીક ખબર્ય હતી કે તમે પડી જાહો. આ બાબલો હાળો..ગટરમાં પાણકાના ઘા કરે સે,મારા લૂગડાં બગડ્યા. " જાદવાએ ધોળીડોશીનું બાવડું પકડીને એને ઊભી કરી.

બાબો એક પથ્થર હાથમાં લઈને ખિખિયાટા કરતો ઊભો હતો. જાદવાએ ઠેકીને ધોળી ડોશીને પાડી દીધી અને એનું ઢોળાઈ ગયેલું તેલ જોઈને એ જોર જોરથી હસી રહ્યો હતો.

"તારીજાતના...બાબ્લા..ઊભીનો રે'જે..." કહીને જાદવો બરાબરનો ગુસ્સે થઈને બાબાને મારવા એની તરફ ધસ્યો...પણ ધોળીડોશીએ એનું બાવડું પકડી રાખ્યું હતું.

"ઈમ તું જાતો'તો ચયાંથી..તારું ડોહુ આ તેલ ઢોળય જ્યું ઈ કોણ તારો બાપ દેવરાવશે...? હાલ્ય અતારે ને અતારે મને તેલ દેવરાવ્ય...ધરમશી કેદુનો ભજીયા ભજીયા કરે સે..."

જાદવને, તેલ અપાવવા કરતા બાબાને મેથીપાક આપવો વધુ યોગ્ય જણાયો. તેલ ઢોળાયું એની પાછળ બાબાનો હાથ જ નહીં ખુદ બાબો જ હતો એટલે એણે આંચકો મારીને ધોળીડોશીના હાથમાંથી પોતાનું બાવડું છોડાવ્યું. અને ખીજાયેલા કૂતરાની જેમ એ બાબાની પાછળ દોડ્યો.

બાબો ભાગવામાં પાવરધો હતો. ગબડતા ગડબાની જેમ પોતાને મારવા ધસી આવતા જાદવાને એ આંબવા દે એમ નહોતો.

બાબાએ એના હાથમાં રહેલા છેલ્લા પથ્થરને ગટરમાં ફદ દઈને ફેંકીને યુ-ટર્ન માર્યો.

પથ્થરના ઘાથી ઉડેલો કાદવ આ વખતે જાદવાના પીળા ટી-શર્ટ અને મોં પર પડયો.

સૂકું ઘાસ તણખો પડતાં સળગી ઉઠે એમ જાદવો ગુસ્સાથી સળગી ઉઠ્યો.

બાબાએ મુઠ્ઠીયું વાળીને ચોથા ગેરમાં ગાડી નાખી હતી અને જાદવો પણ એને આંબવા લીવર આપી રહ્યો હતો.

બાબો પોતાનો બચાવ કરવા ખાંચો વળીને રવજીના ઉઘાડા ડેલામાં ઘૂસ્યો. ડેલાની બાજુમાં જ ફરજામાં ગમાણે ભેંસ બાંધી હતી. ડેલાના દરવાજા પાસે બે મહિનાનો નાનકડો પાડો બાંધ્યો હતો.

બાબો દોડીને એ પાડા પાછળ વાંકો વળીને છુપાયો. ગમાણમાં નાખેલો સાહટીયો બુકડાવી રહેલી ભેંસે પોતાના પ્રિય પાડરું પાછળ વાંકો વળેલો મહાકાય માણસ જોયો. પોતાના પુત્રની સલામતી જોખમાઈ રહેલી જોઈને જોરાવર ભેંસ તરત જ બાબાને ગોથું મારવા ધસી.

ભેંસના આંચકાથી એને બાંધી રાખતો ખીલો પણ ખેંચાઈ ગયો.
બાબો ગોથું મારવા આવતી ભેંસ
જોઈને એના પાડરું પાછળથી ભાગ્યો.

પોતાના બાળ ઉપર જાળ પાથરવા આવેલા આવા અજાણ્યા જણને ગોથું મારીને ધૂળ ચાટતો કરવા ખીલો ખેંચીને ધસી આવેલી ભેંસે પણ વેગ વધાર્યો.

રવજીની વહુ આમ તો એના નામ પ્રમાણે મીઠી હતી. એણે ઓસરીમાં સંજવારી કાઢતા કાઢતા આ આખી ઘટના દીઠી હતી.

તભાભાભાના બાબાને એ ઓળખતી હતી એટલે એ ડેલામાં આવીને તરત ભાગ્યો. એને જોઈને ભેંસ ભડકી એટલે એની છાતી થડકી હતી...!

થાંભલી પાસે પડેલું ભેંસ હાંકવાનું લાકડું લઈને મીઠી બાબાને બચાવવા ભેંસની પાછળ દોડી..‌કારણ કે એ ભેંસ મારકણી હતી, બાબાનો જીવ જોખમમાં હતો.

બાબો રવજીની ડેલીમાં ખાંચો વળીને તરત જ ઘૂસી ગયો ત્યારે જાદવો હજી ઊભી બજારમાં દોડ્યો આવતો હતો, એટલે એ જ્યારે ખાંચો વળ્યો ત્યારે આગળની શેરીમાં એને બાબો દેખાયો નહીં. જાદવાની છઠ્ઠી ઇન્દ્રિય સતેજ થઈ...એને રવજીના ડેલામાં બાબલો સંતાયો હોવાની શંકા પડી. પણ એમ કોઈ કણબીના ડેલામાં કામ વગર જવાતું નહીં. અને આ તો પાછું રવજીનું ડેલું...! રવજી અને સવજી બેઉ તખુભાની બેઠકના માણસો હતા...એટલે એની ડેલીમાં ઘૂસી જવામાં જોખમ હતું.

જાદવો અંદર જવું કે નહીં એની ગડમથલમાં ડેલાની સામે જ ઊભો હતો, ત્યાં જ પૂરઝડપે ડેલીમાંથી બાબો બહાર નીકળ્યો..અને એની પાછળ ડોળા કાઢતી ભેંસ પણ ઊંચું પૂછડું લઈને ઓંહક...ઓંહક... કરતી આવી રહી હતી.

જાદવના ચહેરા પર ગારો ન ઉડ્યો હોત તો આવા સંજોગોમાં એ ત્યાં ઊભો પણ રહ્યો ન હોત, કારણ કે એની પોતાની ભેંસના ગોથાનું પરિણામ હજી એ ભોગવી રહ્યો હતો...એટલે તરત જ આ બીજું ગોથું એનાથી ખમી શકાય એમ નહોતું, છતાં બાબાનું અક્ષમ્ય કૃત્ય એનાથી માફ પણ થાય તેમ નહોતું.

જાદવે એક સેકન્ડમાં નિર્ણય લીધો.

ભેંસના ભયથી ભાગેલા બાબલાને રોકી રાખવા અને ભેંસની અડફેટે ચડાવી દેવા એ બાબાને પકડવા ઘસ્યો, પણ ચાલાક અને ચપળ બાબો જાદવની ડાબી બાજુએથી લોંકી મારીને (નીચો નમીને) નીકળી ગયો. જાદવો બિચારો કંઈ સમજે એ પહેલાં ભેંસ એને આંબી ગઈ...!

પોતાના પુત્રની પાછળ પ્રપંચ કરવા આવેલા અજાણ્યા માણસ પ્રત્યેનો ગુસ્સો ગોથું બનીને બીજા માણસને વાગ્યો, એ જોઈ ભેંસ પણ ઝડપથી પાછી વળી.

મીઠીએ આવીને એના ડેબામાં બેચાર સોટા વાળી લીધાં.
''વાલા મુઈ..ન્યા નઈ તારા પાડાને ખાઈ જાય...ખીલો સ્હોતે ખેંહી નાખ્યો લે...
હાલ...હાલ...આમ ગમાણ ભેગી થા..." કહીને મીઠીએ ભેંસને નવા ખીલે બાંધી.

જાદવની રાહ જોઇને થાકેલા તભાભાભા,તખુભાની ડેલીમાંથી ઘેર જવા ઉપડ્યા ત્યારે રસ્તામાં હબાની દુકાને એક નવી ઘટના આકાર લઈ રહી હતી.

(ક્રમશઃ)

Rate & Review

Jainish Dudhat JD

ek pachi ek scene Banta jay 6 ☺️☺️😁😁

Vaidehi

Vaidehi Matrubharti Verified 5 months ago

Vijay

Vijay 8 months ago

Nipa

Nipa 11 months ago

Paresh

Paresh 11 months ago