Kalakar - 5 PDF free in Classic Stories in Gujarati

કલાકાર - 5

કલાકાર ભાગ – 5
લેખક – મેર મેહુલ

મેહુલ પર મુસીબત આવી હતી, CIDનાં ઓફિસરો પર મુસીબત આવી હતી. કોઈ અજાણ્યો દુશ્મન એક એક કરીને ઓફિસરોની હત્યા કરી રહ્યો હતો. મેહુલે તેને પકડવા માટે અક્ષયની મદદ લીધી હતી. મેહુલનાં મતે અક્ષય સિવાય કોઈ આ કામ કરી શકે એમ નહોતું. મેહુલે અક્ષયને એક ટિમ સોંપી, જેમાં તેણે પસંદ કરેલા નવા વ્યક્તિઓ હતાં. તેઓ ઑફિસર તો નહોતાં પણ આ કામમાં અક્ષયને મદદ કરી શકે એવા જરૂર હતા.
***
“મારે કશું નથી સાંભળવું, હું આ હાર્ડડિસ્ક ઑફિસે આપવા જાઉં છું” અમિષા રાડો પાડતી હતી. છેલ્લી એક કલાકથી તેનો પતિને તેને સમજાવી રહ્યો હતો.
“તું સમજતી કેમ નથી ?, જેણે તને આ ડિસ્ક આપી છે એને મારી નાખવામાં આવ્યો છે. હવે એ લોકો તને પણ શોધતાં હશે. અને આ ડિસ્કમાં શું છે એ પણ આપણને નથી ખબર. કેવી રીતે હું તને જવા દઉં ?”
“ હું એ જ કહું છું, આ ડિસ્ક માટે એ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમાં કશુંક તો ખાસ હશેને અને પુરી લાઈફ તમે મને ઘરમાં પુરીને તો નહીં રાખી શકોને ?”
“મને એ નથી ખબર, બસ હું અત્યારે તને ઘરની બહાર નહિ જવા દઉં”
“હું ના જઈ શકું તો તમે તો જઈ જ શકો છો ને ?” અમિષાએ કહ્યું, “આ ડિસ્ક CIDની ઑફિસ સુધી પહોંચાડી દો બસ”
“હા ઇ થઈ શકે, પણ જ્યાં સુધી હું શ્યોર ના થઇ જાઉં કે તું સેફ છે ત્યાં સુધી તારે ઘરની બહાર પગ નથી મુકવાનો”
***
“કોઈ A.k. નામનાં વ્યક્તિને આ કેસ સોંપવામાં આવ્યો છે, હવે આપણી ખેર નહિ” જિગરે કાંપતા અવાજે કહ્યું.ગાંધીનગરનાં સેક્ટર – 5 માં જીગર તેનાં ત્રણ દોસ્તો વનરાજ, મિલન અને હિમાંશુ સાથે એક રૂમ ભાડે રાખીને રહેતો હતો. બધા જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતાં હતાં. ચાર દોસ્તોમાં જીગર સૌથી હિંમતવાળો હતો. એ નાની અમથી વાતમાં પણ સામેના વ્યક્તિ પર હાથ ઉપાડી લેતો. પણ હાલ તેનો ચહેરો ગંભીર હતો. તેઓએ જે કર્યું હતું એ માફીને લાયક નહોતું.
“ ચિલ બ્રો, એ કશું નહીં કરી શકે” વનરાજ ખુરશી પર ટેકો આપીને રિલેક્સ થયો. વનરાજ રાજકોટથી અમદાવાદ કરવા આવેલો. ભણવાનું પૂરું થયા પછી દોસ્તો સાથે તેને ગાંધીનગરમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું. વનરાજ સ્વભાવે જિદ્દી અને કોઈનું ન માનવાવાળો હતો. એને પોતાનો જ કક્કો સાચો લાગતો, કોઈપણ વાતમાં એ પોતાનું જ ધાર્યું કરતો જેને કારણે તેનાં દોસ્તો તેને મર્યાદામાં રહીને જ સલાહ આપતાં. જીગર આ વાતને લઈને જેટલો સીરીયસ હતો, વનરાજ એટલો જ રિલેક્સ હતો.
“તે એનાં વિશે નથી સાંભળ્યું ?” હીમાંશુએ એવી રીતે પુછ્યું જાણે A.k. નાં કિસ્સા જગજાહેર થયેલાં હોય. ચાર દોસ્તોમાં હિમાંશુ સૌથી હોશિયાર હતો, ભણવામાં પણ અને સમજવામાં પણ. એ કોઈ પણ વાતને ધ્યાનથી સાંભળતો અને આઉટ ઓફ બોક્સ જઈને જ નિર્ણય લેતો. હિમાંશુ ગાંધીનગરનો જ હતો જ્યારે બીજા ત્રણ દોસ્તો જૉબના કારણે ગાંધીનગરમાં હતાં. હિમાંશુનાં પપ્પા બિઝનેસમેન હતાં. હિમાંશુ તેનાં દોસ્તો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા અહીં રહેતો હતો.
“એને આપણા વિશે ખબર નથીને !” મિલને કહ્યું, “અને તને આ બોરિંગ લાઈફ પસંદ હોય તો તું હજી કવીટ કરી શકે છે. અમને પંદર હજારવાળી નોકરીમાં જરાય રસ નથી. અમારે કરોડપતિ બનવું છે. એશો-આરામની જિંદગી જોઈતી છે. આવો મોકો બધાને નથી મળતો. લક્ષ્મી સામે ચાલીને આવે છે તો શું કામ પત્તર ફાડે છે?”
મિલન, નાની નાની વાતોમાં ગુસ્સે થવા વાળો વ્યક્તિ. એ પણ વનરાજની જેમ જ ભાવનગરથી અમદાવાદ આવેલો અને પછી જોબના કારણે અહીં હતો. આ ચારેય દોસ્તો એન્જિનિયરીંગમાં સાથે હતા અને ત્યારબાદ પણ તેઓએ સાથે રહેવા માટે એક જ શહેરમાં જૉબ પ્લેસમેન્ટ મેળવ્યું હતું.
“ શોર્ટકટ હંમેશા પ્રૉબ્લેમ ક્રિએટ કરે છે ખબર છે ને!, જલ્દી રૂપિયા કમાવવામાં એટલા આંધળા ના બની જાઓ કે જીવ ગુમાવવાનો વારો આવે. આપણાં કારણે આઠ લોકોનાં જીવ ગયાં છે. કોઈને વાતની ખબર પડશે તો ફાંસી થશે. એનાં કરતાં બેટર ઇ જ રહેશે કે આપણે સામેથી બધું કહી દઈએ. એટલીસ્ટ સજા તો ઓછી થશે” હીમાંશુએ વનરાજ અને મિલનને સમજાવતા કહ્યું. મિલન અને વનરાજ સમજવા તૈયાર નહોતાં. વનરાજે ગુસ્સે થતાં હિમાંશુ પર નિશાનો તાંક્યો, “તારાં પપ્પા પાસે અઢળક રૂપિયા છે, ઘરનો ધંધો છે, બોવ બધી પ્રોપર્ટી છે અને અમારાં બાપા પાસે ?, બે-ચાર વિઘા પાણી વગરની જમીન છે, ગામડે કાચા મકાન છે. ખિસ્સામાં રૂપિયા ના હોય ત્યારે શું વિતે એ તું નહિ સમજી શકે”
“આમાં પપ્પાની વાત જ ક્યાં આવી ?, માની લે, આપણને આમાંથી કરોડો મળ્યાં તો પણ ઘરે જ્યારે આ વાત પહોંચશે ત્યારે તેઓ આપણને સ્વીકારી શકશે ?, દેશદ્રોહીઓને સ્વીકારશે ?”
“તારી ફિલોસોફી તારી પાસે રાખ, અમને ના સમજાવ અને આપણે જ્યારે આ કામ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તું ક્યાં ગયો હતો. ત્યારે તો એડવેન્ચર છે..એડવેન્ચર છે..એમ કહીને ખુશ થતો હતો” મિલને પણ વનરાજનાં સુરમાં સુર પરોવ્યો.
“ત્યારે આપણને ખબર નહોતી કે આપણે અપરાધ કરીએ છીએ. આપણને છેતરવામાં આવ્યા છે. તો ભલાઈ એમાં જ છે કે આપણે આપણી ભુલ કબૂલી લેવી જોઈએ” જીગર, હિમાંશુ તરફ બોલી રહ્યો હતો.
“ ચાલો તમારી વાત અમે માની લઈએ” વનરાજે કહ્યું, “પણ શું કહીશું ?, જેણે આપણને આ કામ સોંપ્યું હતું એ તો મરી ગયો છે. એ લોકો આપણી વાત સમજશે?, સમજવાની વાત તો દૂર રહી, સાંભળશે પણ નહીં. એ લોકોને ખબર પડશે કે આપણે તેઓનો ડેટા ચોરી કરીને અજાણ્યા શખ્સોને આપી દીધો છે, જેનાં નામ સુધ્ધા આપણે નથી ખબર. ત્યારે આપણે શું જવાબ આપીશું ?, એનાં કરતાં આપણાં માટે સારું એ જ રહેશે કે મુંગા રહીએ. આમ પણ જેને આપણને આ કામ સોંપ્યું હતું એ તો મરી ગયો છે. રૂપિયા આપણાં બેન્ક એકાઉન્ટમાં આવી ગયા છે. બધું ભૂલી જાઓને”
“તું સમજતો નથી, A.k. એવો વ્યક્તિ છે જે વર્ષો જુનાં રહસ્યોને ઉજાગર કરી શકે છે, આ તો એક મહિના પહેલાની વાત છે. આપણને પકડવા એનાં માટે ચપટી વગાડવા જેવું કામ છે” જીગર રીતસરનો ધ્રુજી રહ્યો હતો.
જીગર શા માટે આટલું બધું ઓવરરીએક્ટ કરતો હતો એ કોઈને સમજાતું નહોતું. જીગર તો જિગરો ફાડિયો હતો. ગમે તેવા માણસને ધૂળ ચટાવી દે એવી તેનામાં તાકાત હતી તો કેમ એ એક વ્યક્તિથી આટલો ડરી રહ્યો હતો.
“ તમે લોકો જે રીતે મારી સામે જુઓ છો એ હું સમજી શકું છું. હું કોઈથી ડરતો નથી પણ આ વ્યક્તિ વિશે તમે જાણશો તો જ મારી પરિસ્થિતિ સમજી શકશો. તમને લોકોને યાદ છે આપણે ડેટા ચોરી કર્યો પછી હાર્ડડિસ્ક મારી પાસે હતી. એ રાત્રે હું એમાં રહેલી માહિતી ચૅક કરતો હતો. આઈ નૉ, આપણને પરમિશન નહોતી પણ આપણે જે કામ કર્યું હતું એ લીગલ નહોતું. અંદર શું છે એ આપણે જાણતા જ હતાં પણ મારી ક્યુરિયોસિટી કંઈક બીજું જ કહેતી હતી. મને અંદરથી એવું લાગી રહ્યું હતું કે અંદર એવું કંઈક છે જે આપણે જાણવા જેવું છે. એ રાતે મેં હાર્ડડિસ્ક ચૅક કરી હતી. તેમાં આપણને કહેવામાં આવ્યું હતું એ જ માહિતી હતી પણ એક ફાઇલ એવી હતી જે આપણી જાણ બહારની હતી. તેમાં કેટલાક એવા લોકોની માહિતી હતી જે કોઈને ખબર નહોતી. હું પણ તમને એ જણાવી ના શકું. મને એવું લાગી રહ્યું છે કે આપણે જે સમયે આપણે ડેટા ચોરી રહ્યાં હતાં ત્યારે તેની સાથે કોઈનું કોમ્પ્યુટર કનેક્ટ હતું. એ કોમ્પ્યુટરની પણ થોડી ફાઈલો આવી ગઈ હતી. હું જે લોકોની વાત કરું છું એમાં A.k. નું પણ નામ હતું અને હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ જાણીને તમારાં પગ નીચેથી જમીન સરકી જશે.” જીગર શ્વાસ લેવા અટક્યો. બધાનું ધ્યાન જીગરનાં ચહેરા પર હતું. જીગરનો ચહેરો વારંવાર એક્સપ્રેશન બદલી રહ્યો હતો, “A.k. માફિયાઓનો યમરાજ છે. બે વર્ષ પહેલાં તેનાં નામથી ઇલીગલ કામ કરતાં લોકો પણ સુધરીને શરીફ બની ગયાં હતાં. આજ સુધી એની નજરે જે લોકો ચડ્યા છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું એટલે જ કહું છું, આપણે એની નજરે આવીએ એ પહેલાં સામેથી તેને હકીકત જણાવી દઈએ. આમ પણ આપણે અજાણતાં એ ભૂલ કરી હતી. આપણી ભૂલનું આ પરિણામ આવશે એવી ખબર હોત તો આપણે આવું કરેત ?”
“ મોડું થઈ ગયું છે જીગિયા” વનરાજ સોફ્ટ અવાજે બોલ્યો, “ન્યૂઝ ચેનલ જોઈ છે ને?, જેણે પેલાં આઠ ઓફિસરનું મર્ડર કર્યું છે તેને CID પાગલોની જેમ શોધી રહી છે. ઉપરથી ચેનલવાળાઓએ વાતમાં એટલો મસાલો ભેળવ્યો છે કે આપણે કસૂરવાર નહિ હોઈએ તો પણ આપણને જ દોષી ગણશે. મીડિયાએ તેઓના પર એટલું પ્રેશર આપેલું છે કે લોકોને બતાવવા એ લોકો સાચું શું છે એ પણ નહીં જુવે”
“ અને આપણે સચ્ચાઈ નહિ જણાવીએ તો બીજા ઓફિસરો પણ પોતાનો જીવ ગુમાવશે. અને કદાચ આપણે પણ એનો શિકાર બની શકીએ. તમે બંને જાણો જ છો કે CIDનાં એક રીશ્વતખોર ઓફિસરે એ લોકોને ડેટા આપીને ડિલ કરી હતી અને તેઓએ પહેલાં તેને જ માર્યો હતો. હવે જો આ ડેટા જેની પાસે અને એ આવી રીતે હત્યા કરે છે તો એની શું ગેરેન્ટી છે કે એ આપણને નહિ મારે ?”
“ અમે કોઈથી ડરતાં નથી, જે થશે એ જોયું જશે” વનરાજ ઉભો થઇ ગયો. તેણે જીગર અને હિમાંશુને આંગળી વડે ઈશારો કરી, ધમકી આપતાં ઉમેર્યું, “તમે બંને ડરપોક છો અને જો બંનેમાંથી કોઈએ આ વાત CIDને કહેવાનું વિચાર્યું તો….”
વનરાજે ચપટી વગાડી અને રૂમની બહાર નીકળી ગયો.
“આ વનરાજને એનો ઈગો વચ્ચે આવે છે, બાકી એની પણ ફાટી ગઈ છે “વનરાજ અને મિલન બહાર ગયાં એટલે હીમાંશુએ કહ્યું.
“દોસ્ત છે એટલે જવા દીધો, નહીંતર કોણ ડરપોક છે એ દેખાડી દેત” જિગરે મુઠ્ઠીવાળીને દાંત ભીસ્યાં.
“તું એની જેવો કેમ થાય છે ?” હીમાંશુએ જીગરને શાંત પાડતાં કહ્યું, “ વિનાશ સમયે બુદ્ધિનો પહેલાં નાશ થાય છે. આ લોકો પોતાને જેમ્સ બોન્ડ સમજે છે પણ એ પ્યાદા બનીને કામ કરી રહ્યાં હતાં એ નથી જાણતા”
“મેં સાંભળ્યું છે એ લોકોએ વનરાજનો કોન્ટેકટ કર્યો હતો, તેઓને હજી કોઈ માહિતી જોઈએ છે અને એનાં બદલામાં વનરાજને દસ લાખ આપવાની ઑફર આપી હતી” જિગરે કહ્યું, “એ બંને આપણાથી આ વાત છુપાવે છે પણ એને નથી ખબર મારું નેટવર્ક એનાં કરતાં સ્ટ્રોંગ છે”
“છોડને એ વાત, આપણે આ ભૂલનું શું કરવું છે એ બોલ” હીમાંશુએ પુછ્યું.
“કરવાનું શું હોય, આપણે જે ભૂલ કરી છે એ સ્વીકારી લેવાની. હું આ બંને જેટલો મૂર્ખ નથી”
“તો કાલે આપણે બંને CID ઓફિસે જઈને બધું જ કહી દઈશું”
“ હા, પણ કાલ સુધી આ બંનેને ખબર ના પડવી જોઈએ, નહીંતર મારે બોલવાનું થઈ જશે”
“તું ચિલ કર, એને કોણ કહેવા જવાનું છે”
હીમાંશુએ જીગરના ખભા પર હાથ રાખીને આંખો પલકાવી.
“હું રીંકુ સાથે વાત કરી આવું” કહેતાં જીગર ફોન હાથમાં લઈ બહાર નીકળી ગયો.
ચાર દોસ્તોએ શું ભૂલ કરી હતી ?, તેઓને ડેટા ચોરી કરવા કોણે કહ્યું હતું ?, આવનારો સમય બધાની લાઈફમાં તુફાન લઈને આવવાનો હતો. જેની અત્યારે કોઈને કલ્પના પણ નહોતી, સપનામાં પણ નહીં.
***
મેહુલે બહાર નીકળીને બધાં સાથે વાત કરી હતી. ‘અક્ષય ઓછું બોલે છે અને બિનજરૂરી વાતો એની સામે નહિ કરવાની, કોઈ પ્રશ્ન હોય તો બેજિજક પૂછી લેવાનો એ યોગ્ય જવાબ આપશે’ કહી મેહુલ પોતાની ઑફિસમાં ચાલ્યાં ગયા હતાં.
અંદર પ્રવેશ્યાં ત્યારે સૌનાં મગજમાં ઘણાબધાં સવાલો હતાં. આમ તો પલ્લવીએ બધાને કેસ વિશે માહિતી આપી જ દીધી હતી પણ અક્ષય બધાને કેવી રીતે ટ્રીટ કરશે એ જાણવા બધા ઉત્સુક હતા. ખાસ કરીને પલ્લવી, જેણે છેલ્લાં એક વર્ષથી મેહુલનાં મોઢે અક્ષયના ભારોભાર વખાણ સાંભળ્યા હતાં.
બધા અંદર પ્રવેશ્યાં ત્યારે તેઓને એક મોટો ઝટકો લાગ્યો. તેઓએ એવું દ્રશ્ય જોયું જેનાં વિશે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું.
શું હતું અંદર ???
(ક્રમશઃ)
શું હતું અંદર ? , સૌએ એવું તો શું જોયું ?,
જીગર અને હિમાંશુ શું કરશે ?, તેઓ પોતાની ભૂલ કબૂલ કરવા આવશે ? અને આવશે તો શું થશે? જાણવા વાંચતા રહો, કલાકાર.
- મેર મેહુલ
Contact info. 9624755226

Share

NEW REALESED