Kalakar - 10 PDF free in Classic Stories in Gujarati

કલાકાર - 10

કલાકાર ભાગ – 10

લેખક – મેર મેહુલ

પલ્લવીએ અક્ષયને ફોર્મલ ડિનર માટે ઇન્વાઈટ કર્યો હતો. બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ અને કેસ રિલેટેડ થોડી ચર્ચા થઈ. ડિનર પૂરું કરી અક્ષય સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો. પલ્લવી રૂમમાં આવી એટલે તેની નજર સોફા પર પડી. સોફા પર હાર્ટ શેપવાળું એક લોકેટ હતું.

“સ્યુટ વ્યવસ્થિત કરતાં સમયે હુક ફસાઈને ખુલ્લી ગયો હશે” પલ્લવીએ સ્વગત અનુમાન લગાવ્યું અને લોકેટ હાથમાં લીધું. સોફાની નીચે એક ગોલ્ડન ચેન હતો જે સોફા પરથી સરકીને ફર્શ પર સરી ગયો હતો પલ્લવીએ એ પણ હાથમાં લીધો.

“સરને કૉલ કરું?” પલ્લવીએ વિચાર્યું.

“ના, કાલે જ રૂબરૂ આપી દઈશ” કહેતાં એ લોકેટને મુઠ્ઠીમાં કેદ કરી પલ્લવી ટેબલ તરફ ચાલી. પલ્લવી ટેબલનું ડ્રોવર ખોલી લોકેટ રાખવા જતી હતી એ પહેલાં એક ક્ષણ માટે એ અટકી અને ફરી સોફા પર આવી બેસી ગઈ.

“જોઈએ તો સહી, આ લોકેટમાં કોણ છે ?” કહેતાં પલ્લવીએ હાર્ટ શૅપ લોકેટને ખોલવાની કોશિશ કરી. લોકેટ આસાનીથી ખુલ્લી ગયું. તેની સામે લોકેટમાં બે તસ્વીર હતી. એક તો અક્ષયની જ હતી પણ બીજી તસ્વીર જોઈને પલ્લવી સોફા પરથી ઉભી થઇ ગઇ. અનિચ્છાએ જ તેનાં મોંઢામાંથી શબ્દો સરી પડ્યા, “ઓહ માય ગોડ”

‘આ જ લાંબી સ્ટૉરી છે’ પલ્લવીએ કહ્યું, ‘ધિસ ઇસ અન-એક્સપેક્ટેડ ન્યૂઝ’

*

ભાગ્યોદય હોટેલ નજીક ગજબની ટ્રેજડી રચાઈ હતી. એક ટોળી પોતાની ધૂનમાં મસ્ત બનીને હસીમજાક કરી રહી તો બીજી ટોળી તેઓનાં પર હુમલો કરવાની ફિરાકમાં હતી. બીજી ટોળીનાં લીડરે ઈશારો કરી દીધો હતો. થોડી જ વારમાં અહીં લોહીની નદીઓ વહેવાની હતી, CIDનાં ખબરીઓનો ખાત્મો થવાનો હતો, માહિતીની ચેઇન તૂટવાની હતી.

કિરણે મોકલેલા માણસોએ, ખબરીઓની ટોળી તરફ હથિયાર ઉગાર્યા એ જ સમયે એક વ્યક્તિ પવનવેગે તેઓની પાસે પહોંચી ગયો. એ લોકો કશું સમજે એ પહેલાં બધાં ઢગલો થઈ ગયાં હતા. કોઈ પેટ પકડીને બેઠું હતું, કોઈના કપાળે ઢીમચું થઈ ગયું હતું ને માથામાં તમ્મર ચડી ગઈ હતી. કોઈના હાથનું કાંડુ મારોડાય ગયું હતું તો કોઈનો પગ ઊંધી દિશામાં ફરી ગયો હતો. આ હતી A.K. ની આવડત, કૌશલ્ય, કારીગરી.

અક્ષય જ હતો જે છેલ્લી એક કલાકથી ચાની લારીએ આવીને કાકાને સાવધાન રહેવા કહેતો હતો. સામેની ટોળીમાં જે લોકો હતાં તેમાં વિહાન, જૈનીત અને થોડાં ખબરીઓ હતાં. આ કોઈ ટ્રેપ નહોતું. કિરણનાં માણસોને ફસાવવા સાજીશ નહોતી. આ તો દાવ પર દાવ ખેલાયો હતો. જેમાં કિરણનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું હતું.

અક્ષય રોડનાં એક ખૂણે એક મેલી ચાદર ઓઢીને છુપાયો હતો. બીજી ટોળી આવી એટલે તેને ખબર પડી ગઈ હતી અને જૈનીતને ખબર આપી દીધી હતી. જેવાં પેલાં લોકોએ હુમલો કરવાની તૈયારી કરી એટલે અક્ષય દોડ્યો. અક્ષયની ઓબ્ઝર્વેશન સ્કિલ કાબિલે તારીફ હતી. પહેલાં એ લોકોને ટાર્ગેટ કર્યા જેનાં હાથમાં પિસ્તોલ હતી. બંનેના હાથ મરડી, છાતી પર જોરથી લાત મારી દૂર ફંગોળી દીધાં. બીજી જ સેકેન્ડે રિવોલ્વરને ઊંધી કરી બે લોકોનાં કપાળે વાર કર્યો અને જમીનદોસ્ત કરી દીધાં. બીજાં લોકો કશું સમજે એ પહેલાં અક્ષયે હવામાં ઉછળી બે વ્યક્તિનાં પેટમાં જોરદાર લાત મારી, એ બંને પણ ધૂળ ચાટતા થઈ ગયા. છેલ્લે વધેલા બે લોકોએ અક્ષય પર વાર કરવાની કોશિશ કરી પણ અક્ષય નીચે ઝુકીને બંનેને પગેથી પકડી ઊંધા પાડી દીધાં અને એ જ ક્ષણે તેઓના પર ગોઠણ વાળી પગની દિશા બદલી નાંખી.

આ બધું ગણતરીની સેકેન્ડમાં થયું હતું. એક મિનિટ પહેલાં CIDનાં ખબરીઓનો ખાત્મો કરવાનો મનસૂબો ધરાવતાં માણસો અત્યારે જમીન પર આમતેમ ઢોળાય ગયાં હતાં.

**

ગોપીને ક્યાંય ચેન નહોતું મળતું. તેણે જે વાત સાંભળી હતી એ ભયંકર હતી. એક જ ઝાટકે CIDનાં મૂળ ઉખેડવાની વાત. જો તેણે આ વાત સાંભળી ના હોત અને આ ઘટના ઘટી ગઈ હોત તેને અફસોસ ના થાત પણ પોતે કોઈનો જીવ બચાવી શકે એમ છતાં ચૂપ બેસી રહે એ એનાં સ્વભાવને પોસાય એમ નહોતું. ગોપી નીડર હતી, સ્વભાવે સ્પષ્ટ હતી. અડધી કલાક વિચાર કર્યા પછી તેણે પોતાનો નિર્ણય બદલ્યો. છુપી રીતે ફોનમાં તેણે પેલાં બે છોકરાનાં ફોટા પાડી લીધા અને લાઈબ્રેરીમાંથી નીકળી ગઈ. બહાર આવી તેણે ગૂગલમાંથી CID ઓફિસનું એડ્રેસ લીધું અને ઓટો કરી ઑફિસે પહોંચી ગઈ.

ગોપી ઓફિસે પહોંચી એટલે સિક્યુરિટીએ તેને રોકતાં કહ્યું,

“મેડમ તમે અંદર ના જઈ શકો, અંદર મિટિંગ શરૂ છે”

“તમારી મિટિંગને મારો ગોળી, કોઈ ઓફિસરને બહાર બોલાવો” ગોપીએ હાંફતા હાંફતા કહ્યું.

“તમે ક્યાં ઉદ્દેશથી આવ્યાં છો એ જણાવો પહેલાં, તમારાં કહેવાથી કોઈ ઑફિસર બહાર ના આવે”

“એ બધી વાત હું ઑફિસર સાથે જ કરીશ, તમે બસ એટલું કહેજો કે તમારાં ખબરીઓનો જીવ જોખમમાં છે. તેને બચાવવા હોય તો બધું સાઈડમાં રાખીને બહાર આવે”

ગોપીની વાત સાંભળી સિક્યુરિટી દોડીને અંદર ગયો. થોડીવારમાં ત્રણ લોકો સાથે એ બહાર આવ્યો.

“સર, તમારાં ખબરીઓને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે” જૈનીત પાસે જઈને ગોપીએ કહ્યું. જૈનીતની સાથે મીરાં અને વિહાન હતાં. અક્ષય, પલ્લવી અને મેહુલ મિટિંગરૂમમાં ચર્ચા કરી રહ્યાં હતાં એટલે સિક્યુરિટીએ આ લોકોને બોલાવી લીધાં હતાં.

“જે વાત હોય એ વિસ્તારમાં જણાવો” જૈનિતે કહ્યું.

“મારું નામ ગોપી છે, હું UPSCની તૈયારી કરું છું. આજે જ્યારે હું લાઈબ્રેરીમાં વાંચતી હતી ત્યારે ખુણામાં બે છોકરાં ધીમા અવાજે વાતો કરતાં હતાં. મારે વાંચવામાં ડિસ્ટર્બ થતું હતું એટલે હું તેઓને ‘બહાર જઈને વાત કરવા માટે’ કહેવા જતી હતી. એક છોકરાનાં હાથમાં મેં પિસ્તોલ જોઈ એટલે હું શેલ્ફ પાછળ છુપાઈને તેઓની વાતો સાંભળવા લાગી. કોઈએ તમારાં ખબરીઓને મારવાનો હવાલો આપ્યો છે અને કોઈ A.K.નાં ડરને કારણે તેઓ છેલ્લીવાર આ કામને અંજામ આપવાનાં છે”

“આગળ શું વાતચીત થઈ હતી ?”

“હોટેલ ભાગ્યોદય પાસે જે ચાની લારી છે ત્યાં ખબરીઓ મળે છે અને આજે રાત્રે અગિયાર વાગ્યે તેઓને મૌતને ઘાટ ઊતારવાની વાત થઈ હતી”

“મીરાં” જૈનિતે ઈશારો કર્યો. મીરાં મિટિંગરૂમ તરફ દોડી. એક મિનિટ પછી મીરાં પાછળ ક્રમશઃ પલ્લવી, અક્ષય અને મેહુલ ગોપી તરફ આવ્યાં. ગોપીએ ફરી એ જ ઘટનાં વર્ણવી અને ફોનમાં જે ફોટો હતો એ બતાવ્યો.

“શાબાશ દીકરી, તારી જેમ જો બધાં પોતાની જવાબદારી સમજે તો ક્રાઈમ રેશિયો આપોઆપ નીચે આવી જાય” મેહુલે ગોપીનાં માથે હાથ રાખીને શાબાશી આપી.

“થેંક્યું સર” ગોપીએ સસ્મિત કહ્યું.

“સાત વાગી ગયાં છે, જલ્દી કોઈ પ્લાન બનાવો” મેહુલે કહ્યું.

“પ્લાન ક્લિયર છે, ખબરીઓ સાથે આપણાં ઓફિસરોને રાખી એ લોકોની રાહ જોઈશું, જેવાં એ લોકો એક્શનમાં આવે એટલે એને દબોચી લેશું” અક્ષયે કહ્યું.

“ગુડ. પલ્લવી તું બધા જ ખબરીઓને જાણ કરી દે અને સતર્ક રહેવા જણાવી દે. અક્ષય તું ચાની લારી પર નજર રાખજે. જેમ બને તેમ લોકોની ઓછી ભીડ થાય એવું કરજે. એ એરિયો ગીચતાંવાળો છે એટલે તેઓને ઓળખવામાં મુશ્કેલી આવી શકે છે. વિહાન અને જૈનીત તમે ખબરીઓ સાથે રહેશો. તેઓને હિંમત આપજો અને તેઓની સુરક્ષાની જવાબદારી તમારાં બંનેની. મીરાં, તું પલ્લવીને મદદ કરીશ”

“બધાને પોતાનું કામ સમજાય ગયુને…ચાલો...એક્શનમાં આવો…સાલાઓને છોડવાના નથી” મેહુલે કહ્યું.

“સર, હું કોઈ મદદ કરી શકું ?” બાજુમાં ઉભેલી ગોપીએ પુછ્યું.

“ના, અત્યારે તું ઘરે જા. તારાં મમ્મી-પપ્પા રાહ જોતાં હશે. મદદની જરૂર હશે તો ચોક્કસ તને બોલાવીશું” મેહુલે કહ્યું.

“ઓકે સર” ગોપીએ કહ્યું.

“ચાલ તને ડ્રોપ કરી જાઉં, તારે પણ સતર્ક રહેવાની જરૂર છે” અક્ષયે કહ્યું.

અક્ષય અને ગોપી નીકળી ગયાં. પલ્લવીએ અને મીરાંએ વારાફરતી ખબરીઓને કૉલ કરીને જાણ કરી દીધી. જૈનીત અને વિહાન પણ તેઓને મદદ કરતાં હતાં.

પ્લાન મુજબ પેલાં લોકોની રાહ જોવામાં આવી અને યોગ્ય સમય જોઈ અક્ષય તેઓનાં પર તૂટી પડ્યો.

“ઉઠાવો સાલાઓને” અક્ષયે હુકમ કર્યો.

વિહાન અને જૈનીત આગળ આવ્યાં. બધાને ખસેડીને એક લાઈનમાં કર્યા.

“તમે લોકો શું સમજો છો ?, CID સાથે રમત રમવી એટલી આસાન છે ?” અક્ષયે પિસ્તોલમાં ગોળીઓ ભરતા ભરતા કહ્યું, “લિડર હોય એ હાથ ઊંચો કરો”

લાઈનમાં બેઠેલાં એક વ્યક્તિએ હાથ ઊંચો કર્યો. અક્ષયે તેનાં પગમાં એક ગોળી ચલાવી. દર્દને કારણે પેલો ચિલ્લાઈ ઉઠ્યો.

“જે સવાલ કરું એનાં સાચા જવાબ આપજે નહીંતર આ વખતે નિશાનો તારી ખોપરીનો હશે” અક્ષયે તેનાં માથાં પર પિસ્તોલનું નાળચુ ટેકવીને કહ્યું.

“શું નામ છે તારું ?” અક્ષયે પુછ્યું.

“રાજીવ” પેલાં વ્યક્તિએ દર્દ ભર્યા અવાજે કહ્યું.

“શા માટે આ લોકોને મારવાનો પ્લાન બનાવ્યો હતો ?”

“તમારી સાથે અમારી કોઈ દુશ્મની નથી સાહેબ, અમને તો આ કામ કરવાના બદલામાં રૂપિયા મળે છે” રાજીવે કહ્યું.

“કોણે કહ્યું હતું આ કામ કરવા માટે”

રાજીવ ચૂપ રહ્યો.

“બોલ નહિ તો બધી ગોળી તારાં ભેજામાં ઠાલવી દઈશ”

“એ લોકો મને મારી નાખશે સાહેબ” રાજીવ રડવા જેવો થઈ ગયો હતો.

“નામ નહીં આપે તો હું તને મારી નાખીશ” અક્ષયે દાંત ભીસ્યાં, “બોલે છે કે…” અક્ષયે ટ્રિગર પર આંગળી રાખી.

“બોલું છું સાહેબ, ગોળી ના ચલાવતા” રાજીવ કરગરવા લાગ્યો, “કિરણ નામનાં વ્યક્તિએ અમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો”

“કોણ છે આ કિરણ ?, ક્યાં મળશે ?”

“બંગલો નં – 24, સેક્ટર – 6 રોડ” રાજીવ બધું બકવા લાગ્યો હતો.

“ગુડ” કહેતાં અક્ષયે રિવોલ્વર ઊંઘી કરી ને રાજીવના નાક પર મારી.

“કસ્ટડીમાં લઈ લો આ બધાને” અક્ષયે હુકમ કર્યો. વિહાને કૉલ કરીને પોલીસવેન બોલાવી લીધી.

“થેંક્યુંસર”એક ખબરીએ આવીને કહ્યું, “અમને આજે બચાવી લીધાં તમે”

“તમારાં લોકોને કારણે જ અમને કોઈ પણ માહિતી આસનાથી મળી રહે છે, તમારી સુરક્ષા એ અમારી જવાબદારી છે” અક્ષયે કહ્યું.

“રાઈટ, તમારે જે જાણકારી જોઈએ છે એ મારી પાસે છે. કિરણ વિશે હું બધું જાણું છું. નાના મોટા કોન્ટ્રાક લઈને એ મર્ડર કરાવે છે. તેનું નેટવર્ક જોરદાર છે અને આજ સુધી કોઈના હાથમાં નથી આવ્યો. તમે એની કમજોરી સવિતાને પકડશો એટલે બધું ઓકી નાખશે”

“થેંક્યું, તમે લોકો હવે જાઓ. જરૂર પડશે તો તમારો કોન્ટેકટ કરીશું”

બધાં ખબરી પોતાનાં રસ્તે નીકળી ગયાં.

“હવે શું કરવાનું છે સર ?” જૈનીતે પૂછ્યું.

“આજે રાતે કિરણને દબોચવાનો છે” અક્ષયે કહ્યું, “આગળ શું કરવું એ એની પાસેથી માહિતી મળે પછી જ નક્કો થશે”

(ક્રમશઃ)

દાવ પલટતા વાર નથી લાગતી, એક જ ઘટનામાં ઘણાબધાં રહસ્યો ઉજાગર થઈ ગયાં. કિરણ નામનો શખ્સ આ ઘટનાં પાછળ જવાબદાર છે એ અક્ષયને ખબર પડી ગઈ હતી. આગળ શું થશે ?, અક્ષય શું કિરણને પકડી શકશે ?, વળાંકો ઘણા બધા છે, ધીમેધીમે રહસ્યો પણ ખુલતાં જાય છે. તો વાંચતા રહો. કલાકાર

- મેર મેહુલ

Contact info. 9624755226

Rate & Review

yogesh

yogesh 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 years ago

nisha prajapati

nisha prajapati 3 years ago

Krishna Thobhani

Krishna Thobhani 3 years ago

Niketa

Niketa 3 years ago

Share

NEW REALESED