Kalakar - 3 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 3

કલાકાર ભાગ – 3
લેખક – મેર મેહુલ

“સર તમારાં માટે કૉલ છે” મેહુલનો પી.એ. દરવાજો ખોલી અંદર ઘુસી આવ્યો. મેહુલ જરૂરી મિટિંગમાં હતા. મિટિંગ શરૂ હોય ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ કરે એ તેને જરા પણ ના ગમતું.
“હું મિટિંગમાં છું, થોડીવાર પછી સામેથી કૉલ કરશે એમ કહી દો” મેહુલે પ્રોજેકટ પર જ ધ્યાન રાખી જવાબ આપ્યો.
“એની પાસે A.k.ની માહિતી છે સર”
મેહુલ અટકી ગયા, પ્રોજેકટનું રિમોટ ટેબલ પર રાખી, ‘એક્સક્યુઝ મી જેન્ટલમેન’ કહેતાં, સ્યુટને વ્યવસ્થિત કરતાં મેહુલ દોડીને પી.એ. પાસે આવ્યા અને ફોન આંચકી લીધો.
“કોડ ?” મેહુલે પુછ્યું.
“2689” સામેના છેડેથી જવાબ આવ્યો.
“મી. રોહિત, શું સમાચાર છે?”
“ સર, A.k. પાલિતાણામાં છે”
“ખબર પાક્કી છે ?” મેહુલે ખાત્રી કરવા પુછ્યું.
“હા સર”
“સાંજ સુધી એનાં પર નજર રાખજો, હું આવું છું” કહી મેહુલ ફોન કાપીને પી.એ.નાં હાથમાં પકડાવી દીધો. સાઈઠ વર્ષનાં મેહુલનાં ખરડાય ગયેલાં ચહેરા પર રહસ્યમય સ્મિત ઉપસી આવ્યું. મેહુલ ફરી ટેબલ પર ગયાં અને ટટ્ટાર થઈને કહ્યું, “હવે ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો, એ આવી રહ્યો છે. આપણો હુકમનો એક્કો ફરી એકવાર માફિયાઓની રાતની ઊંઘ હરામ કરવા તૈયાર છે. તમે લોકો જઈ શકો છો. અત્યાર સુધી તમે લોકોએ જે મદદ કરી છે એ બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. આગળ જરૂર પડશે તો તમને હજી હેરાન કરીશ અને મેં કહ્યું એ રીતે બધાં પોતાનું ધ્યાન રાખજો”
મેહુલે હુકમ કર્યો એટલે બધાં ખુરશી પરથી ઊભાં થયાં અને બહાર નિકળી ગયાં. મેહુલે બેલ વગાડી તેનાં પી.એ.ને અંદર બોલાવ્યો.
“મારી વાત પલ્લવી સાથે કરાવો” પી.એ. અંદર આવ્યો એટલે મેહુલે હુકમ કર્યો.
મેહુલના કહેવાથી પી.એ.એ પલ્લવીને ફોન જોડ્યો. પલ્લવી મેહુલની અંગત સલાહકાર હતી. કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં મેહુલ એકવાર પલ્લવીની સલાહ અચૂક લેતાં.
“પલ્લવીબેન લાઇન પર છે” મેહુલનો પી.એ. ફોન હાથમાં પકડાવી બહાર નીકળી ગયો અને દરવાજો બંધ કરી દીધો.
“ક્યાં છે મારી દીકરી ?” મેહુલે વહાલથી પુછ્યું, “તારાં માટે ખુશીનાં સમાચાર છે”
“તમે જે લોકોને શોધવા મોકલ્યાં છે એ જ કામમાં વ્યસ્ત છું” પલ્લવીએ કહ્યું, “બોલોને શું સમાચાર હતા ?”
“એ ક્યાં છે એની ખબર પડી ગઈ છે”
“ઓહ માય ગોડ!, આપણી મહેનત રંગ લાવી એમને અંકલ” પલ્લવી પણ ખુશ થઇ ગઈ.
“હા બેટા, બે વર્ષથી મારાં શરીરનો કોઈ હિસ્સો મારાથી દૂર હતો એવું અનુભવાય રહ્યું હતું. હવે શરીરમાં જીવ આવ્યો એવું લાગે છે”
“અંકલ, એ તમારી વાત માનશે ?” પલ્લવીએ ગંભીર સ્વરે કહ્યું.
“એને માનવી પડશે. આ વખતે હું એની કોઈ દલીલ નહિ ચલાવી લઉં” મેહુલે હળવા ગુસ્સા સાથે કહ્યું.
“ફોન શું કામ કર્યો હતો અંકલ ?”
“ હું કાલે પાલિતાણા જઉં છું, એ પહેલાં તારી પાસેથી થોડી સલાહ લેવાની છે. સાંજ સુધીમાં તું આવી શકે તો આપણે વાત કરી લઈએ”
“સાંજ સુધીમાં નહીં અંકલ અત્યારે જ” દરવાજો ખોલી, ફોન નીચે રાખી રૂમમાં પ્રવેશતાં પલ્લવીએ કહ્યું.
મેહુલ પાછળ ઘૂમ્યા. તેની સામે પલ્લવી ઉભી હતી.
“ તું તો પેલાં લોકોને શોધવા ગઈ હતીને ?”
“કામ ધાર્યા કરતાં સહેલું હતું, તેઓ આપણું કામ કરવા તૈયાર થઈ ગયા છે” પલ્લવીએ હાથમાં રહેલી ફાઇલ મેહુલ તરફ ધરતા કહ્યું, “આ ફાઈલમાં બધી ડિટેઇલ છે, તમે સ્ટડી કરી લેજો”
“એ પછી કરીશું, આપણે અક્ષયને પાછો લાવવાનો છે એ મુદ્દા પર વાત કરવાની છે” મેહુલનાં ચહેરા પર અચાનક ગંભીરતા છવાઈ ગઈ.
“હું અક્ષયને ઓળખતી નથી એટલે એ મારી વાત માની જ જાય એવું હું ના કહી શકું, તમે કહો તો હું તમારી સાથે આવું” પલ્લવીએ કહ્યું.
“તારે તો સાથે આવવાનું છે મારી દીકરી, પણ બે વર્ષ પછી હું તેને જોઇશ. ભાવુક થવાય જશે એનો ડર લાગે છે મને”
“ગુજરાતની સૌથી મોટી ખુફિયા એજન્સીના વડા પણ ભાવુક થાય છે એ વાત મને આજે ખબર પડી” પલ્લવી મેહુલનાં હાથમાં રહેલી ફાઇલ ડ્રોવરમાં રાખી અને અદબવાળી ઉભી રહી.
“અઢાર વર્ષનો હતો ત્યારે મળ્યો હતો મને. પછી દીકરા કરતાં વિશેષ રાખ્યો હતો, ભાવુક કેમ ના થવાય ?”
“તમે એનાં વખાણ કરતાં થાકતા નથી અંકલ, પણ એ કોણ છે એ જણાવતાં જ નથી. મને કહોને કોણ છે અક્ષય ?”
“તારે જાણવું જ છે ને એ કોણ છે ?” મેહુલે કહ્યું, “ તો સાંભળ…
અક્ષય અઢાર વર્ષનો હતો ત્યારે એક સિંગલની બાજુમાં સ્ટંટ કરતાં મેં તેને જોયો હતો. એ પેન્સિલને શાર્પ કરી, ત્રીસ ફૂટનાં અંતરે રાખેલા પાંચ ઇંચના ગોળ નિશાનની બરોબર વચ્ચે પેન્સિલ ખૂંચવી દેતો હતો. આટલું તો ઠીક હતું પણ નજર બીજી દિશામાં રાખી, રમકડાંની અવાજ કરતી ગાડી પર નિશાનો લગાવી એ ગાડીને પર પથ્થર મારી શકતો હતો. એ ગાડીની સાઈઝ કેટલી હતી ખબર છે? માત્ર ત્રણ ઇંચની.
એ આવું બધું ક્યાંથી શીખ્યો એ મેં પૂછ્યું તો માલુમ પડ્યું કે તેને હોલિવૂડ ફિલ્મ જોવાનો ગાંડો શોખ હતો. ફિલ્મમાં આવતાં સ્ટંટ પરથી એ આ બધું શિખતો. મને વિચાર આવ્યો જો આને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે તો તેની જિંદગી પણ સુધરે અને સાથે આપણે પણ લાભ થાય. તેને કાબેલ ઑફિસર બનાવવા મેં પર્સનલ સિલેક્શન લેટર દિલ્લી મોકલ્યો. મને એપૃવલ મળી ગઈ એટલે મેં તેને મારી નજર નીચે ટ્રેન કર્યો.
તેને ટ્રેનિંગ આપતાં સમયે મને તેની આવડત વિશે વધુ ખબર પડી. એ માત્ર નિશાન લગાવવમાં જ હોશિયાર નહોતો. તેનો સ્ટ્રેમિના એટલો જોરદાર હતો કે પહેલાં જ દિવસે તેણે રનિંગમાં પહેલો નંબર લીધો. સાથી ટ્રેનીઓ કરતાં એ જોતામાં જ અલગ તરી આવતો હતો. તેની આંખોમાં મને જુદો વિશ્વાસ દેખાતો. હું ગમે તેટલો મુશ્કેલ ટાસ્ક આપતો એ મિનિટની ગણતરીઓમાં ટાસ્ક પૂરો કરી દેતો.
તેની મહેનત અને આવડતના કારણે એ યંગેસ્ટ CID ઑફિસર બનવાનો દાવેદાર હતો. તેનો લેટર પણ દિલ્લીથી રવાના થઈ ગયો હતો પણ મારાં મગજમાં કંઈક જુદું ચાલતું હતું. જો એની આવડત મીડિયા કે પબ્લિક સામે એક્સપોઝ થાય તો એ દુશ્મનોની નજરે ચડી જાય અને તને ખ્યાલ છે, હુકમનો એક્કો ત્યારે જ રજૂ કરવાનો હોય છે જ્યારે સામે બાદશાહ હોય. મેં તેને અન્ડર કવર એજન્ટ બનાવી દીધો. ધીમે ધીમે તેણે બધાં માફિયાઓનો સફાયો કરી નાંખ્યો. તેણે હજી સુધી મને નિરાશ નથી કર્યો, આજ દિન સુધી મેં સોંપેલાં બધા જ મિશનો તેણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને મને વિશ્વાસ છે, અત્યારે આપણાં પર જે મુસીબતનાં વાદળો ઘેરાય રહ્યા છે એ અક્ષય જ દૂર કરી શકે છે.”
“એ એટલાં કાબેલ એજન્ટ હતાં તો તમે એને જવાની મંજૂરી કેમ આપી ?” પલ્લવીએ પુછ્યું.
“એ પણ લાંબી સ્ટૉરી છે, આજે નહીં પછી ક્યારેક સંભળાવીશ” મેહુલે કહ્યું, “આપણે અત્યારે જ પાલિતાણા જવાનું છે. આપણે ત્યાં પહોંચીએ એ પહેલાં અક્ષય ત્યાંથી જતો રહે એવું હું નથી ઇચ્છતો”
“અક્ષય સરને મળવા હું પણ ઉતાવળી થાઉં છું” પલ્લવીએ કહ્યું, “મારી એક વર્ષની કારકિર્દીમાં તમારી પાસેથી સરના વખાણ સાંભળીને હું પણ તેઓની ફેન થઈ ગઈ છું”
“ તું આ ફાઇલ લોકરમાં રાખી આવ ત્યાં સુધીમાં હું મારું એક અગત્યનું કામ પતાવી આવું”
*
સાંજના સાત વાગ્યાં હતાં. ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું હતું. વાદળોમાં રહેલું થોડુંઘણું પાણી વરસાદનાં ઝાપટાં સ્વરૂપે દિવસમાં એકવાર વરસી જતું હતું. અક્ષય અને બુઝો હસ્તગીરીનાં શિખરે લાંબી પાળી પર બેઠાં હતાં. વાદળોનો ધુમાડો તેઓની નીચેથી પસાર થતો હતો. એકબાજુ વાદળોનો સ્પર્શ કરી રહેલો શેત્રુંજય પર્વત દેખાય રહ્યો હતો તો બીજી બાજુ વિશાળ મેદાનમાં ફેલાયેલી, નવા નિરથી ભરેલી શેત્રુંજી નદી દેખાતી હતી.
અક્ષય મૌન બનીને આ નજારો જોઈ રહ્યો હતો. અક્ષયને એક અઠવાડિયા પહેલાં પોતાનાં જન્મદિવસનાં દિવસે તેની પ્રિયતમાને અહીં મળવાનું હતું. તે દિવસે અક્ષય ના મળી શક્યો એટલે આજે તેને મળવા આવ્યો હતો.તેણે મોબાઈલ હાથમાં લઈ ફરી બીજું રેકોર્ડિંગ શરૂ કર્યું,
“કેવું લાગ્યું ડોગી?, મને ખબર છે તને તારાં દોસ્ત વિના અધૂરું અધૂરું લાગતું હતું એટલે જ મેં પહેલું સરપ્રાઈઝ આ આપ્યું. આનું નામ પણ બુઝો જ રાખજે. પહેલાં બુઝોને તારાથી દૂર કરવા માટે સૉરી.
તને એક વાત કહેવી હતી. તને હસવું આવશે. હું ભગવાનના સંકેતમાં નથી માનતી પણ અત્યારે ઉઠી તો હું ડરી ગઈ, મને ખરાબ સપનું આવ્યું હતું. તને મારાથી કોઈ દૂર લઈ જઈ રહ્યું હતું. હું રડતી હતી. પણ ચિંતા ના કરતો, આઈ એમ ફાઇન.
હું બજાર ગઈ હતી, ત્યાં મને એક જૈન મુનિ મળ્યા હતાં. તેઓની સાથે વાતચીત દરમિયાન મને હસ્તગીરી પર્વત વિશે જાણવા મળ્યું. તેઓ કહેતાં હતાં કે હસ્તગીરી ગુજરાતનું કુલ્લુ-મનાલી છે. મારી ઈચ્છા છે ત્યાં જવાની. મારી ટ્રેનિંગ પુરી થાય પછી આપણે ત્યાં જઈશું. મેં સાંભળ્યું છે ત્યાં એકાંતની પળો માણવાની મજા જ કંઈક અલગ આવે છે. હું એ દિવસે તારો ફેરવીટ ડ્રેસ પહેરીશ. તારું ધ્યાન મારા પરથી હટશે જ નહીં એટલે તું બીજી કોઈને જોઈ જ નહીં શકે.હાહાહા.
સારું મારે મોડું થાય છે. ત્રણ કલાક પછી નવા સરપ્રાઈઝ માટે તૈયાર રહેજે. લવ યુ”
રેકોર્ડિંગ બંધ થઈ ગયું. અક્ષયે છેલ્લી ઘણી મિનિટથી બંધ કરેલી આંખો ખોલી. આજુબાજુનું વાતાવરણ જેવું હતું એવું જ હતું પણ અંદરથી અક્ષયની સ્થિતિ વણસી રહી હતી. આજે તેની પ્રિયતમા તેની સાથે નહોતી. અક્ષય દર વર્ષે પોતાનાં જન્મદિવસનાં દિવસે અહીં આવતો અને બધાં રેકોર્ડિંગ સાંભળતો. તેની પ્રિયતમા તેની પાસે જ બેઠી છે એવું અનુભવતો અને સાંજે ભારે હૈયે ચાલ્યો જતો. આજે પણ અક્ષય એ જ કરવા કરવા આવ્યો હતો. ભલે એ તેની સાથે નહોતી પણ તેણીનો સ્પર્શ અક્ષય મહેસુસ કરી શકતો હતો.
અક્ષયે ત્રીજું રેકોર્ડિંગ શરૂ કર્યું, લોકેટ ગળામાંથી કાઢી હાથમાં લીધું અને ફરી આંખો બંધ કરી.
“ લોકેટ પસંદ આવ્યું?, તને યાદ છે ત્રણ મહિના પહેલાં હું કચ્છ ગઈ હતી. હું આખો દિવસ અંજારની બજારમાં ભટકી ત્યારે મને આ લોકેટ મળ્યું છે. જ્યારે પણ તને મારી યાદ આવે ત્યારે લોકેટ હાથમાં લઈ મને યાદ કરજે. હું તારી સાથે જ મળીશ.
આ રેકોર્ડિંગમાં મારે તને થેંક્યું કહેવું છે. મારી રંગવિહીન જિંદગીમાં તે આટલાં રંગો પુરી દીધાં. તું મારી લાઈફમાં આવ્યો પછી જ હું જીવતા શીખી છું. એ પહેલાં તો હું અરમાન વિનાની જિંદગીમાં બધા પર બોઝો બનીને જીવતી હતી. મારાં માટે તે તારું નામ અને કામ છોડી દીધું. હું એ કોઈ દિવસ નહિ ભૂલી શકું. આઈ લવ યુ અક્કી..આઈ લવ યુ સો મચ”
અક્ષયની પ્રિયતમાએ રડતાં રડતાં રેકોર્ડિંગ બંધ કરી દીધું હતું. અહીં રેકોર્ડિંગ પૂરું થતાં અક્ષયની આંખોમાંથી પણ શ્વેત બિંદુ સરી પડ્યા. પ્રિયતમા વિનાની લાઈફ અક્ષયને અધૂરી લાગવા લાગી. અક્ષયને પાળી પરથી કૂદીને એક પળમાં પોતાની પ્રિયતમા પાસે પહોંચી જવાનું મન થયું. એણે કદાચ એવું કરી પણ લીધું હોત પણ તેને એનું છેલ્લું રેકોર્ડિંગ યાદ આવ્યું. જેમાં તેણે અક્ષયને નવી જિંદગી જીવવાનો રસ્તો બતાવ્યો હતો. અક્ષયે આંસુ લૂછયાં. પાળી પરથી નીચે ઉતરી કાર તરફ આગળ વધ્યો. બુઝો પણ અક્ષય પાછળ પાછળ આવ્યો.
અક્ષય કાર સુધી પહોંચે એ પહેલાં તેની સામે ત્રણ બ્લેક કાર આવીને ઉભી રહી. પહેલી અને છેલ્લી કારનાં દરવાજા ખુલ્યા. એ લોકોને જોતાં વચ્ચેની કારમાં કોણ છે એ અક્ષયની ખબર પડી ગઈ.
થોડીવાર પછી વચ્ચેની કારમાંથી બ્લૅક સ્યુટમાં મેહુલ નીચે ઉતર્યા. બીજા દરવાજેથી પલ્લવી ઉતરી. બંને ચાલીને અક્ષય પાસે આવ્યાં.
“મેં કહ્યું હતુંને, એક દિવસ તને શોધી લઈશ” મેહુલે અક્ષયનાં ખભા પર હાથ મૂકી સ્મિત કર્યું.
“ મેં પણ કહ્યું હતું, મને શોધવાનો અર્થ નહિ રહે” અક્ષયે કહ્યું.
“તે મને એક પ્રોમિસ પણ આપેલું, જ્યારે હું તને શોધી લઈશ ત્યારે હું કહું એ કામ તું કરી આપીશ. તે જ કહ્યું હતુંને કે જ્યારે મારાં સિવાય કોઈ મિશનને અંજામ ન આપી શકે ત્યારે જ મને શોધવા નિકળજો. આજે એ મિશન તને સોંપવા આવ્યો છું”
“ હું હવે એ લાઈફથી દૂર આવી ગયો છું સર, હું હવે પહેલાં જેવો નથી રહ્યો”
“આઈ નૉ, તું હવે પહેલાં જેવો નથી રહ્યો બલ્કે પહેલાં કરતાં પણ વધુ ખૂંખાર બની ગયો છે” મેહુલે ફરી સ્મિત કર્યું, “મારે તારી જરૂર છે A.k.”
“A.k. તો બે વર્ષ પહેલાં જ મરી ચુક્યો છે, હવે માત્ર અક્ષય જીવતો છે”
“મારાં માટે તો તું હજી એ જ A.k. છે જેને મેં પહેલું મિશન સોંપ્યું ત્યારે આ નામ આપ્યું હતું, તારાં અંદરના અક્ષયને થોડા દિવસ માટે આરામ આપ અને ચાલ મારી સાથે”
“નાઇસ ડોગી, તો હવે તું ફરી પૅટ રાખવા લાગ્યો” મેહુલે કહ્યું, “શું નામ છે એનું ?”
“બુઝો” અક્ષયે કહ્યું.
“ઓહહ” મેહુલનો ચહેરો ગંભીર થઈ ગયો, “ ફરી એ જ, તું આવી રીતે કરતો રહીશ તો ભૂતકાળમાં જ રચ્યોપચ્યો રહીશ. ભૂતકાળને યાદ કરવાનો હોય, તેમાં જ ના જીવવાનું હોય”
“મારાં ભૂતકાળની અસર તમારાં મિશન પર નહિ પડે”
“તો તું તૈયાર છે એમને” મેહુલે કહ્યું, “ તારી પાસે એ જ આશા હતી”
“બાય ધ વૅ, આ પલ્લવી છે. મારી સલાહકાર” મેહુલ પોતાનો ચહેરો અક્ષયના કાન પાસે લઈ ગયા, “સિંગલ છે હજી”
(ક્રમશઃ)
મેહુલ કંઈ મુસીબતની વાત કરતાં હતાં?, અક્ષય સાથે ભૂતકાળમાં એવું તો શું થયું હતું કે તેણે પોતાનું કામ છોડી દીધું. અક્ષય આ મિશન હાથમાં લેશે ત્યારે શું નવું થવાનું છે ?, જાણવા વાંચતાં રહો. કલાકાર.
નવલકથા કેવી લાગી એ જરુર જણાવજો. સકારાત્મક મંતવ્યો પ્રેરણા આપે છે અને નકારાત્મક મંતવ્યો ભૂલ સુધારવામાં મદદ કરે છે, માટે મંતવ્યો કૉમેન્ટમાં અવશ્ય લખજો.
- મેર મેહુલ
Contact info - 9624755226

Share

NEW REALESED