Kalakar - 7 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 7

કલાકાર ભાગ – 7

લેખક – મેર મેહુલ

નવ વાગ્યા એટલે વનરાજ અને મિલન નોકરીએ જવા તૈયાર થઈને બહાર નીકળ્યા.

“પેલાં લોકો વહેલાં નીકળી ગયાં ?” મિલને પૂછ્યું.

“હા, જીગરને રીંકુ મળવા આવવાની હતી અને હીમાંશુને કંઇક કામ હતું એટલે એ લોકો આઠ વાગ્યે જતાં રહ્યાં” વનરાજે બાઇક સ્ટાર્ટ કર્યું.

“એ લોકો પર મને ડાઉટ છે. મને ડર લાગે છે. એ લોકો CID સુધી ના પહોંચી જાય તો સારું”

“ડરવાની જરૂર નથી, એને મેં સવારે જ વૉર્નિંગ આપી હતી”

વનરાજનો ફોન રણક્યો એટલે તેણે ગેટ બહાર બાઇક ઉભી રાખી. ‘હોમાંશુનો જ ફોન છે’ કહેતા તેણે ફોન રિસીવ કર્યો.

“આ જેનો ફોન છે, તેનું હેમચંદ્ર સર્કલ પાસે એક્સીડેન્ટ થયું છે”

“શું ?” વનરાજનાં પેટમાં ફાળ પડી.

“હા, તેઓની બાઇક એક ટ્રકનાં અડફેડે આવી ગઈ છે અને બે લોકો બાઇક પર સવાર હતાં”

“હું આવું જ છું, તમે 108 ને બોલાવી તેઓને હોસ્પિટલમાં ખસેડો” વનરાજે ફોન કટ કર્યો.

“બેસ બેસ જલ્દી, જીગરિયાનું એક્સીડેન્ટ થયું છે” વનરાજે હડબડાટીમાં કિક મારી.

મિલન બાઇકમાં બેસવા જતો હતો ત્યાં જ અચાનક એક વેન તેની પાસે આવીને ઉભી રહી. બંને દોસ્તો કંઈ સમજે એ પહેલાં જ વેનમાંથી બે ગોળી છૂટી. એક ગોળી મિલનની ખોપરીની આરપાર થઈ ગઈ અને બીજી ગોળી વનરાજનાં ખભા પાસેથી પસાર થઈ ગઈ. મિલન ત્યાં જ ઢગલો થઈ ગયો. વેનમાંથી બીજી ગોળી ફૂટી પણ ત્યાં સુધીમાં વનરાજે બાઇકને ભગાવી મૂકી હતી. વેને એ બાઈકનો પીછો કર્યો પણ નાના નાના વળાંકો લઈ બાઇક અદ્રશ્ય થઈ ગઈ.

*

“હું જોઉં છું” કહેતાં પલ્લવી નીચે ઉતરી.

“હટો, બધા દૂર હટો, CID” પલ્લવીએ ટોળાને વિખેર્યું.

“કોઈ ઓળખે આ લોકોને ?” પલ્લવીએ પુછ્યું.

“ના બેન” એક વ્યક્તિએ કહ્યું, “તેઓનાં ફોનમાંથી લાસ્ટ ડાયલ પર કૉલ કરીને કોઈ વનરાજ નામનાં વ્યક્તિને જાણ કરી દીધી છે. એ આવે છે અને 108 પણ પહોંચતી જ હશે”

પલ્લવીએ જીગર અને હિમાંશુનું શરીર તપાસ્યું. બંનેની છાતી પર ટ્રકનો ઝોટો ચડી ગયો હતો. બંને મરી ચૂક્યા હતા.

“એક ટ્રકવાળો રોંગ સાઈડમાંથી આવ્યો અને બંનેને હડપેટ લઈને જતો રહ્યો” જેણે આ દ્રશ્ય નજરે જોયું હતું એ વ્યક્તિએ ઘટનાં કહી.

“ ટ્રકનો નંબર લીધો ?” પલ્લવીએ પુછ્યું.

“ હા મેડમ”

“ગુડ, ચાલો હવે રસ્તો ખાલી કરો, બધાં સાઈડમાં થઈ જાઓ” પલ્લવીએ કહ્યું. એમ્બ્યુલન્સ આવી એટલે પલ્લવીએ બાજુમાં પડતાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોતાની જવાબદારી પુરી કરી.

“શું થયું ?” પલ્લવી ગાડી પાસે આવી એટલે મીરાંએ પુછ્યું.

“બે છોકરા પર ટ્રક ચાલી ગયો છે”

પલ્લવીએ દરવાજો ખોલી અંદર બેસી. વિહાને ગાડી ચલાવી. હજી તેઓ સેક્ટર – 5 થી થોડે દુર હતાં ત્યાં એક બાઇક તેની ગાડી સાથે અથડાઈ. એ વનરાજ હતો

“મેડમ બચાવો..બચાવો.. મારી પાછળ ગુંડા પડ્યા છે” વનરાજ ઉભો થઈ પલ્લવી તરફ આવ્યો.

બધાં સચેત થઈ ગયાં. એક વેન પુરવેગે તેઓની પાસેથી પસાર થઈ ગઈ.

“કોણ હતું એ ?, કેમ તારી પાછળ પડ્યા છે ?” પલ્લવી દરવાજો ખોલીને બહાર આવી ગઈ.

“હું તમને બધું જ જણાવીશ, પહેલાં મને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ” વનરાજે હાંફતા હાંફતા કહ્યું.

“પલ્લવી…” અક્ષયે પલ્લવીને ઈશારો કરીને વનરાજને ગાડી બેસરવા કહ્યું. વનરાજ દોડીને પાછળની સાઈડમાંથી અર્ટીગામાં બેસી ગયો.

“હવે બોલ શું થયું ?” અક્ષયે પાછળ ફરીને પુછ્યું.

“મારું નામ વનરાજ છે, હું સેકટર – 5 માં મારાં ચાર દોસ્તો સાથે રહું છું…સૉરી રહેતો હતો. થોડાં સમય પહેલાં અમારી સાથે એક અજુગતી ઘટનાં બની હતી. અમારાં ચારેયના મોબાઈલ પર અજાણ્યા લોકોનાં ફોન આવતાં હતા. તેઓ અમને એક કંપનીનો ડેટા ચોરવા માટે ઑફર આપતાં હતા અને બદલામાં અઢળક રૂપિયા આપવા કહેતાં હતા.

અમારામાં લાલચ આવી ગઈ હતી, અમે લોકોએ તેઓનું કામ કરવા માટે હા પાડી દીધી. તેઓએ તરત જ અમારાં ખાતામાં દસ દસ લાખ રૂપિયા એડવાન્સમાં આપી દીધા. જ્યારે અમને ખબર પડી કે અમારે CIDનો ડેટા ચોરવાનો છે ત્યારે અમે ચોખ્ખી ના પાડી દીધી હતી. એ દિવસ પછી અમને રોજ જુદા જુદા નંબર પરથી મારી નાખવાની ધમકી મળવા લાગી. એકવાર તો અમે ઘરે પહોંચ્યા તો ઘરમાં કોઈ ચાર રાઇફલ રાખી ગયું હતું અને જ્યારે તેઓનો ફોન આવ્યો ત્યારે તેઓએ અમને કહ્યું, જો અમે તેઓનું કામ નહીં કરીએ તો તેઓ અમને ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હામાં ફસાવી દેશે.

નાછુટકે અમારે તમારો ડેટા ચોરવો પડ્યો. મારાં બે દોસ્ત આજે તમારી પાસે આ વાત કરવા આવતાં હતાં તો તેઓને ટ્રકથી ચૂંદી નાખવામાં આવ્યાં. મારી નજર સામે મારાં દોસ્તને તેઓએ ગોળી મારી દીધી અને મને પણ મારી જ નાંખવાના હતાં પણ મારાં નસીબ સારા હતાં કે તમારી ગાડી હું જોઈ ગયો ને બચી ગયો.”

“કોણ હતાં એ લોકો ?” અક્ષયે પુછ્યું.

“સાવંત જવેરી” વનરાજે કહ્યું.

“જે ચાર દોસ્તોને મારવાની વાત હતી એ આ લોકો જ હશે સર” પલ્લવીએ કહ્યું.

“પેલું રેકોર્ડીંગ” અક્ષયે કહ્યું, “વનરાજને સંભળાવો”

પલ્લવીએ રેકોર્ડિંગ શરૂ કર્યું.

“આ જ…આ જ છે સાવંત જવેરી….” વનરાજે રાડ પાડી.

“રેકોર્ડિંગમાં તો કોઈ આને કિરણ કહેતું હતું” પલ્લવીએ અક્ષય સામે જોઇને કહ્યું.

“ના મેડમ, આ જ સાવંત જવેરી છે”

“એનાં વિશે જે જાણતો હોય એ બોલવા મંડ”

“મને એનાં વિશે કશું ખબર નથી, મિલન સાથે તેઓની વાત” વનરાજે ડોકું નીચે કરીને કહ્યું.

“ક્યાં નંબર પરથી કૉલ આવેલો ?”

“હડબડાટીમાં ફોન રોડ પર પડી ગયો, નંબર એમાં હતો”

“એનો ચહેરો તો જોયો હશેને ?”

“ના, માત્ર ફોનમાં જ વાત થતી”

“તો શું ખબર છે તને ?” પલ્લવીનો અવાજ ઊંચો થઈ ગયો.

“મેં કંઈ નથી કર્યું મેડમ, હું દોસ્તોને આવું કરવાની ના જ પાડતો હતો પણ તેઓ સમજ્યા નહિ” વનરાજે ડરતાં ડરતાં કહ્યું.

“ઠીક છે, અમે તને પોલીસ સ્ટેશને ઉતારી જઈએ છીએ. જરૂર પડશે એટલે બોલાવીશું. ત્યાં સુધી તારે જેલમાં રહેવાનું છે”

વનરાજે હકારમાં માથું ધુણાવ્યું.

વનરાજને સેક્ટર – 5 નજીક પડતાં પોલીસ સ્ટેશનમાં કેદ કરી બધાં ઓફિસે પરત ફર્યા. થોડાં સમય પહેલાં અક્ષય પાસે માત્ર માહિતી હતી, ત્યારબાદ ક્રમશઃ એક રેકોર્ડિંગ અને વનરાજ પાસેથી આગળની માહિતી મળી હતી. આટલી માહિતી મળ્યા પછી પણ હજી આ હત્યાઓ કરવા પાછળ કોણ હતું એની કોઈ માહિતી નહોતી મળી.

*

“મને બચાવવા માટે તારો આભાર” વનરાજે કહ્યું.

“ચારમાંથી એકને તો બચાવનું જ હતું, મને તું બધાથી હરામી અને કામનો માણસ લાગ્યો એટલે તને ફોન કર્યો”

“જો સમય રહેતા તે મને ફોન નો કર્યો હોત તો આજે હું પણ મારાં દોસ્તો સાથે પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો હોત. તારાં ફોનને કારણે મારો જીવ પણ બચી ગયો અને ત્રણેય દોસ્તોનાં રૂપિયા પણ મને મળી ગયાં” વનરાજે હસીને કહ્યું.

“તે પણ થોડી મારાં પર ઓછી મહેરબાની કરી છે !, તારાં જ દોસ્તોને ઉકસાવીને CID પાસે મોકલ્યાં, એનાં પર ટ્રક ચલાવી દીધો, એક દોસ્તને ગોળીએ ઠાર કરી દીધો અને CIDને જે રીતે ગુમરાહ કરી છે. મેં તો તને તારાં દોસ્તોને મારવાની વાત કરી હતી, તે તો એક તીરમાં ત્રણ નિશાના લગાવી દીધાં”

“બધું તારાં કારણે જ શક્ય થયું છે, જો તે મારો કોન્ટેકટ ના કર્યો હોત તો આજે પણ હું એ વિસ હજારવાળી નોકરી કરતો હોત પણ અત્યારે હું લાખોપતિ છું, કાલે કરોડોપતિ અને પછી અબજોપતિ બની જઈશ”

“હા પણ હવે ધ્યાન રાખજે, તું પોલીસ સ્ટેશનમાં નથી એ વાતની CID ને જાણ થશે એટલે સીધો શક તારાં પર જશે”

“એની ચિંતા ના કર, મારી પાસે એનો પણ રસ્તો છે”

“થોડાં દિવસ અન્ડરગ્રાઉન્ડ થઈ જજે”

“એ હરામીઓ સાવંત જાવેરીને શોધવામાંથી ઊંચા આવશે તો મારાં વિશે વિચારશેને ?” વનરાજે કહ્યું, “ તારું વિચાર, તારું કૉલ રેકોર્ડિંગ એની પાસે છે, એ લોકો તારાં સુધી ગમે ત્યારે પહોંચી જશે”

“ મારાં સુધી પહોંચવું એટલું આસાન નથી, હું એ બધાનો બાપ છું”

“તારું નામ કિરણ છે ને ?” વનરાજે પુછ્યું.

“ તને કેવી રીતે ખબર પડી ?” સામેથી ફોનમાં અવાજ લથડાયો.

“ CID વાળાને તારું સાચું નામ ખબર છે”

વનરાજ કંઈ બોલે એ પહેલાં કૉલ કટ થઈ ગયો. વનરાજ માટે એ મહત્વનું નહોતું. એક પોલીસ કોન્સ્ટેબલ તેને આલીશાન હોટલમાં ઉતારી ગયો હતો અને ગઈ કાલે તેને ગોવા જવા માટે બે લાખ રૂપિયા મળ્યા હતાં એટલે એ ખુશ હતો

*

“મમ્મી……” ગોપીએ અકળાઈને કહ્યું. છેલ્લી અડધી કલાકથી તેની મમ્મી રસિલાબેન એક જ વાત પર સલાહ આપતી હતી, “તને કેટલીવાર કહ્યું, ગાંધીનગર હું UPSCની તૈયારી કરવા જાઉં છું, છોકરાં સાથે બાઇક પાછળ બેસીને ફરવા માટે નહીં”

“ અહીંયા તું અમારી નજર સામે હતી એટલે તારી ચિંતા ના થતી. ગાંધીનગર જઈશ પછી તને કેવી ફ્રેન્ડ્સ મળશે એ મને થોડી ખબર છે. અને આ તારી ઉંમર છે, ક્યારે પગ લપસી જાય શું ખબર ?”

“મારો પગ લપસશેને તો પાટો બંધાવી લઈશ હો, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તું બસ લાલ ગાડીમાં બેસવાની તૈયારી કરી લે. તારી દીકરી IPS બનીને આવશે એટલે પહેલાં તને એમાં બેસારશે” ગોપીએ રસિલાબેનના ગાલ ખેંચ્યા.

“ હા હવે, મોટા સપનાં જ બતાવીશ કે કરીને પણ બતાવીશ ?”

“પટેલની દીકરી છું, કહીશ પણ અને કરીને પણ બતાવીશ” ગોપીએ ઊંડો શ્વાસ છાતીમાં ભરીને કહ્યું.

“તારાં મમ્મી-પપ્પાનું નામ રોશન કરજે” રસિલાબેનની આંખો ભીની થઈ ગઈ.

“મમ્મી….” ગોપી ફરી અકળાઈ, આ વખતે તેનો અવાજ ધીમો હતો, “તું આમ કરીશ તો મારે નથી જવું”

“નાટક ના કર, જા હવે. પપ્પા રાહ જુએ છે”

“પહેલાં સ્માઇલ કર” ગોપીએ કાલીઘેલી ભાષામાં કહ્યું. ગોપીની આ હરકત જોઈ રસિલાબેનનો ચહેરો ગુલાબ જેમ ખીલી ઉઠ્યો.

“ધેટ્સ માય મમ્મા” ગોપી તેની મમ્મીને ગળે વળગી ગઈ.

“ધ્યાન રાખજે, આછોડુંચો ના ખાતી, છોકરાં પર ઓછું ધ્યાન આપજે અને વાંચવા પર વધુ ધ્યાન આપજે” રસિલાબેને ફરી સલાહ આપવાનું શરૂ કર્યું.

“મમ્મી….” ગોપી હસી, “મને કોઈ છોકરો પસંદ આવશેને એટલે સીધી અહીં બારણે લાવીને તમને સાદ કરીશ અને કહીશ, મમ્મી કળશ લાવો, ઘરજમાઈને લાવી છું”

રસિલાબેન હસી પડ્યા. ગોપી પણ.

“બાય મમ્મી, લવ યુ” ગોપી ફરી રસિલાબેનને ગળે વળગી ગઈ. આ વખતે લાગણી જુદી હતી. થોડીવાર બંને એમ જ બોલ્યાં વિના ઊભાં રહ્યા પછી ગોપીએ બેગ ખભે નાંખી અને બહાર નીકળી ગઈ. બહાર તેનાં પપ્પા રાહ જોતાં હતા. ગોપી ચહેરાને છુપાવતી કારનો દરવાજો ખોલી ઝડપથી અંદર બેસી ગઈ. કદાચ એની આંખો ભીંની હતી.

ગોપીના પપ્પાએ કાર ગાંધીનગર તરફ હંકારી. ગોપી હાલ UPSCની તૈયારી માટે ગાંધીનગર જઇ રહી હતી પણ ગાંધીનગરમાં તેની સાથે એવી ઘટનાઓ ઘટવાની હતી જેની કલ્પના તેણે સપનાં પણ નહિ કરી હોય.

(ક્રમશઃ)

દહીંનું મગજ થઈ ગયું કે મગજનું દહીં થઈ ગયું ?, હાહા, કોઈ કડી નથી મળતીને ?, કિરણ કોણ છે?, ગોપી કોણ છે?, ઓફિસરોની હત્યા કોણ કરે છે?, અને આ બધું શા માટે થાય છે? કંઈ જ ગતાગમ નથી પડતી.

અહીં સુધી જો વાંચી જ લીધું છે તો આગળનો ભાગ જરૂર વાંચજો, કારણ કે અત્યાર સુધીના અડધા રહસ્યો આગળના ભાગમાં ખુલ્લી જશે. તો ભૂલતાં નહિ કલાકારને વાંચવનું.

નવલકથા પસંદ આવતી હોય તો પરિવાર, દોસ્તો, સગા-સંબંધીઓને વાંચવા આગ્રહ કરશો એવી વિનંતી.

- મેર મેહુલ

Contact info. – 9624755226