Kalakar - 6 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 6

કલાકાર ભાગ – 6
લેખક – મેર મેહુલ

“આજે કેમ વહેલાં ?” વનરાજે પૂછ્યું. જીગર આઠ વાગ્યામાં તૈયાર થઈ રહ્યો હતો. હંમેશા એ આઠ વાગ્યે જાગતો એટલે વનરાજને અજુગતું લાગ્યું.
“રીંકુને મળવા જાઉં છું” જીગરે શર્ટને પેન્ટમાં ખોસતા કહ્યું. રીંકુ જીગરની ગર્લફ્રેન્ડ હતી.
“હજી બે દિવસ પહેલાં જ મળીને આવ્યો છે ને ?” વનરાજે બેડ પરથી જ બાજુમાં પડેલી સિગરેટ હાથમાં લીધી.
“ એણે બોલાવ્યો છે તો ના થોડી પડાય ?” જીગર હળવું હસ્યો. આ તેનું બનાવટી હાસ્ય હતું.
“ જલસા છે તમારે” વનરાજે સિગરેટનો કશ ખેંચીને હાથ હવામાં ફેરવ્યો.
“ તું પણ એક પટાવી લે, ઉંમર નીકળતી જાય છે” જીગરે કાચમાં જ વનરાજ સામે જોઈ આંખ મારી અને વાળ વ્યવસ્થિત કરવામાં લાગી ગયો.
“અમારાથી કોઈ ના પટે, અમે સિંગલ જ સારા”
બીજા રૂમમાંથી હિમાંશુ તૈયાર થઈને જીગરના રૂમમાં પ્રવેશ્યો, “થઈ ગયો તૈયાર ?” હિમાંશુએ પૂછ્યું.
“ઓ ભાઈ, તું ક્યાં જાય છે હવે ?, તારે પણ રીંકુને મળવાનું છે ?” વનરાજે હસીને પુછ્યું.
“એને થોડાં ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના છે અને હું એ બાજુ જ જાઉં છું તો ડ્રોપ કરતો જઈશ”
“સારું” કહેતાં વનરાજે સિગરેટ બુઝાવી ખૂણામાં ફેંકી દીધી ને બેડ પર લાંબો થયો.
જીગર અને હિમાંશુ દરવાજે પહોંચ્યા એટલે વનરાજે તેઓને રોક્યા, “યાદ છે ને કાલની વાત ?, કોઈને કહેતાં નહિ, નહીંતર અમારી સાથે તમે પણ ફસાશો”
જીગરે માત્ર પાછળ જોઈને વનરાજની આંખોમાં જોયું અને ચહેરો ફેરવી લીધો.
“એવી રીતે ધમકી આપે છે જાણે આપણે જ બધી ભૂલ કરી હોય” હિમાંશુ જીગરીની બાઇક પાછળ બેઠો હતો. વનરાજે થોડીવાર પહેલાં જે ધમકી આપી હતી એ સાંભળીને બંને ધૂંધવાયા હતાં.
“થોડીવાર જ છે બસ, હમણાં CID ઑફિસે પહોંચીને બધી વાત કહી દઈએ એટલે એની ખેર નથી”
જીગર અને હિમાંશુ, બંને બહાનું બનાવીને ઘરેથી નીકળ્યાં હતાં. તેઓ કાલે નક્કી કર્યા મુજબ હાલ તેઓની ભૂલ કબુલવા જતાં હતાં.
“ તને એવું નથી લાગતું કે આપણે એકવાર વિચાર કરવો જોઈએ, આપણે એ બંનેને કન્વીન્સ કરી લઈશું. જો આપણે એ બંનેને સાથે નહિ રાખીએ તો તેઓ ગુન્હેગાર ગણાશે અને હું એવું નથી ઇચ્છતો”
“આપણે ક્યાં તેઓની બુરાઈ કરવાની છે ?, આપણે એમ કહીશું કે તેઓ તમારી સામે આવતાં ડરે છે. જ્યારે એ બંનેને આ વાતની ખબર પડશે ત્યારે સરેન્ડર સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. અને તું જાણે જ છે, આપણે ચારેયના હિત માટે જ આ કરીએ છીએ.”
“આપણે પહેલાં એવા ગુન્હેગાર છીએ જે સામે ચાલીને ગુન્હો કબૂલ કરવા જઈ રહ્યા છીએ” હીમાંશુએ હસીને કહ્યું.
“આપણે ગુન્હેગાર નથી, એ અજાણતાં થયેલી ભૂલ છે” જીગરે કહ્યું.
“CIDનો ડેટા ચોરવો એ ગુન્હો ના કહેવાય ?, મને તો એડવેન્ચર લાગ્યું હતું પણ આ તો સાલું….” હિમાંશુ આગળ બોલવા જાય એ પહેલાં એક ટ્રકે પાછળથી ટક્કર મારી. ટ્રક સ્પીડમાં હતો, અચાનક લાગેલી ટક્કરને કારણે જીગરના હાથમાંથી બાઈકનું હેન્ડલ છૂટી ગયું. બંને રોડ પર પછડાયા.પાછળથી આવતાં ટ્રકે બાઇક સાથે તેઓને પણ છુંદી નાંખ્યા.
*
એક્સાઇટમેન્ટ સાથે બધા મિટિંગરૂમમાં પ્રવેશ્યાં હતા. મેહુલે જે રીતે અક્ષયની વાત કરી હતી એ પરથી સૌના માનસપટલ પર અક્ષયની છાપ એક ગંભીર સ્વભાવનાં વ્યક્તિ તરીકે ઉપસી હતી. પણ અંદર તો કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. અંદર અક્ષય ખુરશી પર બેસીને, મોબાઈલમાં કંઈક જોતો જોતો મોટેથી હસી રહ્યો હતો. બધા અંદર આવ્યાં એટલે પોતાની હસી રોકતાં અક્ષયે મોબાઈલને સીધો કરીને લોક કર્યો. બધા ચુપચાપ પોતાની ખુરશીઓ સંભાળીને બેસી ગયાં.
અક્ષય ઉભો થયો, પોતાનો સ્યુટ વ્યવસ્થિત કર્યો અને મંચ પર આવી ગયો.
“ ગુડ મોર્નિંગ બોયઝ એન્ડ ગર્લ્સ, તમે અંદર આવ્યાં ત્યારે હું શા હસી રહ્યો હતો એ જ તમે વિચારો છો ને ?, આઈ નૉ, આવી સ્થિતિમાં હસવું ના જોઈએ બટ વન થિંગ, પ્રોબ્લેમને જેટલી મોટી સમજશો એટલી જ એ મોટી થતી જશે. આપણે જેટલાં ટેન્સ થઈએ, પ્રોબ્લેમને એમાં મજા આવે સો હું ટોમ એન્ડ જૅરી જોઈને રિલેક્સ ફિલ કરતો હતો.આ મિશનને હું મારાં અન્ય મિશન જેમ જ સમજુ છે. કેસ સાફ છે. બદલો લેવાનાં ઈરાદાથી કોઈ આ કરી રહ્યું છે. જેટલાં ઓફિસરોની હત્યા થઈ છે તેઓનાં મિશનની મેં ફાઇલ ચૅક કરી છે. એક મિશન એવું હતું જેમાં બધા જ સાથે હતાં. હું પણ. આપણે કશું જ નથી કરવાનું, દુશ્મનની નજરથી વિચારીશું એટલે કેસ જલ્દી સોલ્વ થશે”
“કેન આઈ સૅ સમથિંગ, સર” પલ્લવીએ હાથ ઊંચો કર્યો. અક્ષયે હાથ વડે ઈશારો કરીને બોલવા કહ્યું.
“તમે જે રીતે આ કેસની લઈ રહ્યા છો એ કેસ એટલો પણ સરળ નથી. તમારા વિશે મેં મેહુલસર પાસેથી ઘણુંબધું સાંભળ્યું છે. તમે બધાં જ કેસને આવી રીતે હેન્ડલ કરો છો પણ આ કેસ વધુ પડતો પેચીદો છે”
“ધીસ ઇસ નૉટ યોર બિઝનેસ” અક્ષયે ઉજ્જડતાં દાખવતાં કહ્યું, “મારે કેસને કેવી રીતે હેન્ડલ કરવો એ મને શીખવવાની જરૂર નથી”
પલ્લવીનો ચહેરો પડી ગયો. તેણે પરાણે ડોકું ધુણાવ્યું અને નીચે જોઈ ગઈ.
“મુદ્દાની વાત પર આવીએ, સેક્ટર -5 માં જે ઓફિસરની હત્યા થઈ છે તેની પાસે કંઈક સબુત હતું. તેણે એ સબુત કોઈ અમિષા નામની છોકરીને આપ્યું છે. આપણે એને શોધવાની છે. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે માટે શરૂઆત અત્યારથી જ કરીશું”
“આપણી ટુકડી બે વિભાગમાં વહેંચાઈ જશે. એકને પલ્લવી લીડ કરશે અને એકને હું. જૈનીત અને વિહાન તમે પલ્લવી સાથે રહેશો અને મીરા તમે મારી સાથે”
“સર, તમને કોઈ મળવા આવ્યું છે” અક્ષય બધાને સમજાવી રહ્યો હતો ત્યાં મેહુલનો પી.એ. અંદર ઘુસી આવ્યો.
“એને કહો હું મિટિંગમાં છું, થોડીવાર રાહ જુએ” અક્ષયે કહ્યું.
“તેની પાસે આ કેસ રિલેટેડ ઇન્ફોર્મેશન છે” પી.એ. એ કહ્યું, “મેહુલસરે તમને ગેસ્ટરૂમમાં જવા કહ્યું છે ”
અક્ષયે હકારમાં માથું ધુણાવ્યું.
“પલ્લવી, મારી સાથે આવ” અક્ષયે કહ્યું. બંને ગેસ્ટ રૂમમાં ગયાં. ત્યાં ત્રીસેક વર્ષની ઉંમરનો એક વ્યક્તિ બેઠો હતો. તેનાં હાથમાં એક બેગ હતું જેને તેણે બે હાથ વડે છાતીએ દબાવીને રાખ્યું હતું.
“યસ, ” પલ્લવીએ તેની પાસે જઈને કહ્યું.
“મારું નામ નવનીત છે, હું સેક્ટર – 5 માં રહું છું. મારી પત્નીનું નામ અમિષા છે. ચાર દિવસ પહેલાં એ જોબ પરથી પરત આવી રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિ તેની એક્ટિવા સામે આવીને ઉભો રહી ગયો. તેણે આ બેગ તેનાં હાથમાં આપ્યું અને તમારાં સુધી પહોંચાડવા કહ્યું હતું” નવનિતે બેગ પલ્લવી તરફ લંબાવીને કહ્યું.
“ચાર દિવસ પહેલાં આ બેગ મળ્યું હતું અને તમે આજે આપવા આવ્યા છો ?” પલ્લવીનાં અવાજમાં ગુસ્સો હતો.
“ જે વ્યક્તિએ આ બેગ આપ્યું હતું તેની હત્યા થયાનાં સમાચાર સાંભળી હું ડરી ગયો હતો. મારી પત્ની પર મુસીબત ના આવે એટલે મેં ચાર દિવસથી તેને ઘરની બહાર નથી નીકળવા દીધી. તેણે ગઈ કાલે મને સમજાવ્યો એટલે હું આ તમને આપવા આવ્યો છું”
“પણ તમને ભાન નથી….” પલ્લવી ગુસ્સે થતી હતી એટલામાં અક્ષયે તેને રોકી, “કામ ડાઉન, એણે પોતાની જવાબદારી અદા કરી દીધી છે.”
“ સાચું કહું છું સાહેબ, મને આના વિશે કંઈ ખબર નથી. અંદર એક હાર્ડડિસ્ક છે અને એ પણ અમે ચૅક નથી કરી” નવનીત પલ્લવીનાં ગુસ્સાથી ડરી ગયો હતો એટલે અક્ષય પાસે ગળગળો થઈ ગયો.
“ઇટ્સ ઓકે, અમે જોઈ લેશું” અક્ષયે કહ્યું, “જરૂર પડશે તો તમને બોલાવીશું, યુ કેન ગો “
પલ્લવીએ હાર્ડડિસ્કને સ્કેન કરી, જેથી પહેલાં જેવી ભૂલ બીજીવાર ન થાય. હાર્ડડિસ્ક સેફ હતી એટલે મયુરનો કોડ નાંખીને હાર્ડડિસ્ક ઓપન કરી.
“આ તો પુરી ખાલી છે સર” પલ્લવીએ અક્ષય તરફ જોઈને કહ્યું.
“એક મિનિટ” કહેતાં અક્ષયે માઉસ હાથમાં લીધું. કીબોર્ડ પર કેટલીક કી દબાવી એટલે મોનિટરમાં એક નોટિફિકેશન આવી. અક્ષયે તેમાં મયુરનો કોડ નાંખ્યો એટલે ડિસ્કમાં એક ફોલ્ડર આવ્યું.
“હવે ?” અક્ષયે સ્માઈલ કરી.
“વાવ…તમે ખરેખર કલાકાર છો” પલ્લવીએ હસીને કહ્યું અને ફોલ્ડર ખોલ્યું. તેમાં એક 2.87 Mb નું એક ઓડિયો રેકોર્ડીંગ હતું.
“ઓપન ઇટ” અક્ષયે કહ્યું. પલ્લવીએ અક્ષયની સુચનાનું પાલન કર્યું.
‘પેલા ચાર છોકરાઓનું શું કરવાનું છે ?” એક વ્યક્તિનો પાતળો અને તિણો અવાજ આવ્યો. અવાજ પરથી એ 30 થી ચાલીસ વચ્ચેની ઉંમરનો લાગતો હતો.
‘બધા મુર્ખને મારી નાંખો’ એક છોકરીનો અવાજ આવ્યો.
‘મેડમ આગળ જતાં એ કામમાં આવશે’
‘જરૂર નથી, બીજા શોધી લેશું. એ લોકો આપણાં માટે ખતરો બની શકે છે. એવું થાય એ પહેલાં મારી નાંખો એને’
‘ઠીક છે, આજે કોને ટાર્ગેટ કરવાનો છે ?’
‘મયુર રાઈચુરા, હું ઈચ્છું છું કે એને દુનિયાની સૌથી ખરાબ મૌત મળે’
‘થઈ જશે, અને પેમેન્ટ ?’
‘મળી જશે, એની ચિંતા ના કરો’
‘તમે જેને શોધો છો એ વ્યક્તિ મળ્યો ?’
‘ના, પણ જલ્દી જ એ સામે આવશે. હું એની જ રાહ જોઉં છું’
‘મારાં લાયક બીજું કોઈ કામ ?’
‘પેલાં ચાર મૂર્ખાઓને ખતમ કરીને ફોન કરો’
‘જરૂર’
કૉલ ડિસ્કનેક્ટ થવાનો અવાજ આવ્યો. પલ્લવીએ અક્ષય સામે જોયું. અક્ષય કંઈક વિચારી રહ્યો હતો. તેણે રેકોર્ડિંગ ફરી શરૂ કર્યું. ફરી કંઈક વિચાર્યું. પંદર મિનિટમાં તેણે ત્રણ વાર હેડફોન લગાવી રેકોર્ડિંગ સાંભળ્યું.
“શું વિચારો છો સર ?”
“કૉલમાં જે વ્યક્તિ વાત કરી રહ્યો છે તેની આસપાસનો અવાજ સાંભળવાની કોશિશ કરતો હતો, તેની બાજુમાં કોઈ સ્ત્રી ધીમેથી બોલી રહી હતી. કદાચ આ વ્યક્તિને બોલવાની સલાહ આપતી હતી. ધ્યાનથી સાંભળ” કહેતાં અક્ષયે હેડફોન પલ્લવીને આપ્યા.
‘એ કોને શોધે છે….કિરણ , પૈસા …. આપશે, તને…ખબર…હવે…એ..નથી….છેલ્લીવાર…કરીશ.”જેવો તૂટક અવાજ પલ્લવીએ સાંભળ્યો. સામાન્ય સ્પીકરમાં આ અવાજ સંભળાય નહિ તેવો અવાજ હેડફોનમાંથી આવી રહ્યો હતો.
“કોઈ કિરણ નામનો વ્યક્તિ છે આ” પલ્લવીએ કહ્યું.
“હા અને જે હત્યા થઈ છે તેની પાછળ આનો જ હાથ છે”
“જો આ કોન્ટ્રાક્ટ કિલર હશે તો આપણાં ખબરીઓને આનાં વિશે ખબર હશે”
“ક્લેવર માઈન્ડ, બધાં ખબરીઓને આનો વોઇસ મોકલી આપ. અને આ લોકો ક્યાં છોકરાની વાત કરતાં હતાં તેનાં વિશે પણ જાણકારી મેળવવા કહી દે”
પલ્લવીએ રેકોર્ડીંગ પોતાનાં મોબાઈલમાં લઈ લીધું અને એક બ્રોડકસ્ટમાં સેન્ડ કર્યું.
“આપણે સેક્ટર – 5 માં જઈએ હવે ?” અક્ષયે કહ્યું, “પેલાં લોકોને પણ બોલાવી લે”
*
“આઈ થિંક તમે સાચા છો, કોઈ બદલો લઈ રહ્યું છે” વિહાને કહ્યું. વિહાન અર્ટિગા ચલાવતો હતો. તેની બાજુમાં અક્ષય બેઠો હતો. પાછળની સીટ પર ક્રમશઃ પલ્લવી, મીરા અને જૈનીત બેઠાં હતાં.
“મને યાદ છે ત્યાં સુધી આ એ જ મિશનમાં થયેલી ભૂલનું પરિણામ છે” અક્ષયે કહ્યું.
“ તમે ભૂલ કરી હતી ?” મીરાંએ પૂછ્યું.
“ના, એક ઑફિસરે. ચાર વર્ષ પહેલાં એક તસ્કરોએ બેન્કમાં હાહાકાર મચાવ્યો હતો. તેઓનાં કારણે બધી બેન્કોમાં તાળાં લાગી ગયાં હતાં. એ લોકો રોજ એક બેન્ક લૂંટતાં અને એ પણ ધોળા દિવસે. બેન્ક લૂંટતાં ત્યાં સુધી તો ઠીક હતું પણ કારણ વિના નિર્દોષ લોકોને પણ મારતાં. તેઓને ઝડપવાનું બીડું અમે લીધું હતું. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તેઓ ઝડપાયા ત્યારે તેઓએ ગોળીબાર શરૂ કરો દીધો હતો. એ બેન્કમાં ત્રીસેક સીટીઝન હાજર હતાં. જ્યારે સામેથી ગોળીબાર થયો ત્યારે અમે વિચાર્યા વિના એ લોકોને ઠાર કરી દીધાં. મિશન પૂરું થયું હતું. પણ….
એક વ્યક્તિ હાથમાં પિસ્તોલ લઈને અમારાં તરફ આવી રહ્યો હતો. તેણે પિસ્તોલ અમારાં પર તાંકી હતી એટલે એક ઑફિસરે તેને વીંધી નાંખ્યો. અમને પાછળથી ખબર પડી કે એ વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે તેની પત્નીએ અમને ધમકી આપી હતી. અમને લોકોને મૌતને ઘાટ ઉતારવાની ધમકી”
“તમે કહો છો એક સ્ત્રી આ બધું કરી રહી છે ?, અને એ પણ તેનાં પતિ માટે ?”
“હું ક્લિયર નથી પણ એ મિશનમાં દસ લોકો હતાં અને અત્યારે બે જ જીવતાં છે. હું અને એક અભિષેક”
“મને લાગે છે ત્યાં સુઘીમાં કોઈ સ્ત્રી આ કારણોથી આટલી હત્યા ના કરે” જૈનીતે કહ્યું.
વિહાને બ્રેક મારી. આગળ રસ્તો જામ હતો. વાહનોની લાંબી કતાર હતી. બાઇક વાળા જ્યાંથી રસ્તો મળે ત્યાંથી આગળ વધવાની કોશિશ કરતાં હતાં.
“શું થયું છે આગળ ?” એક વ્યક્તિ સામેથી ચાલીને આવતો હતો એટલે અક્ષયે પૂછ્યું. અર્ટિગામાં કાચ પર CIDનો લોગો જોઈ એ વ્યક્તિએ કહ્યું, “કોઈ ટ્રકવાળો બે છોકરાને ચેપીને જતો રહ્યો છે સાહેબ”
(ક્રમશઃ)
જે લોકો અક્ષયને મદદરૂપ થવાનાં હતા તેઓનું જ એક્સિડન્ટ થયું છે. CID ટિમ આ વાતથી બેખબર છે. શું થશે ?, તેઓ કંઈ જાણી શકશે ?, કોણ આ બધું કરી રહ્યું છે ?, શા માટે કરી રહ્યું છે ?, જાણવા વાંચતા રહો. કલાકાર.
મંતવ્યો આપવાનું ચૂકશો નહિ…
-મેર મેહુલ
Contact info. - 9624755226