rahasymay tapu upar vasavat.. - 17 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 17

અંધારી ગુફામાં રસ્તો ભટક્યા..
________________________________


થોડા દિવસ અગાઉ થયેલી બરફવર્ષાને કારણે ટાપુ ઉપર હરિયાળી ખુબ જ સુંદર રીતે ખીલી ઉઠી હતી. વૃક્ષોમાં નવી ચેતના ઉમેરાઈ હતી. ઠેર-ઠેર ઘાસ ઉગી નીકળ્યું હતું. બરફ વર્ષા સાથે તોફાન પણ ભારે હતું એટલે ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ધારાશાહી થઈને નીચે પડી ગયા હતા. ભારે વરસાદના કારણે હજુ પણ ઘણી જગ્યાએ નાના મોટા ખાબોચિયામાં પાણી ભરાયેલું પડ્યું હતું. કેપ્ટ્ન અને એમનો આખો કાફલો પેલા અજીબ તીરકામઠાંવાળા જંગલી લોકોની ચુંગાલમાંથી છૂટીને અલ્સ પહાડ તરફ આગળ વધી રહ્યા હતા.

સાંજ ઢળવા આવી હતી. જંગલ ગાઢ હતું એટલે હવે આગળ વધવું હિતાવહ નહોતું. કારણ કે રાત્રી દરમિયાન આ જંગલમાં જંગલી પ્રાણીઓ હોવાનો ડર સૌથી વધારે હતો. અને એનો અનુભવ અગાઉ જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાને થઈ ચુક્યો હતો. એટલે ક્યાંક સુરક્ષિત આશ્રય સ્થાન શોધીને કેપ્ટ્ન હેરીએ રાત્રી પસાર કરવાનું નક્કી કર્યું.

"જ્યોર્જ.. આ જો ચાર ઊંચા વૃક્ષો છે.. એની ઉપર માંચડો તૈયાર કરી દઈએ એટલે આપણે આરામથી રાત ગુજારી શકીએ..' કેપ્ટ્ન સામે રહેલા ચાર ઊંચા વૃક્ષોનું નિરીક્ષણ કરતા બોલ્યા.

જ્યોર્જે ઉપર વૃક્ષો તરફ જોયું. ચારેય વૃક્ષોની મજબૂત ડાળીઓ એકબીજા વૃક્ષની ડાળીઓ સાથે જોડાયેલી હતી.
વળી ડાળીઓ મજબૂત હતી એટલે ખુબ સરસ રીતે માંચડો પણ તૈયાર થઈ શકે એમ હતું.

"હા...સરસ માંચડો તૈયાર થઈ શકશે..' ચારેય વૃક્ષોને જીણવટ પૂર્વક જોઈને જ્યોર્જ બોલ્યો.

"ચાલો જલ્દી કરવું પડશે બધું.. આજે સવારથી જ ઝપાઝપી માં મારું તો શરીર લોથપોથ થઈ ગયું છે.. હવે તો આંખો પણ ઊંઘથી ઘેરાય છે..' પ્રોફેસર ચાલી ચાલીને થાકી ગયા હતા એટલે આટલું બોલીને ત્યાં જ બેસી પડ્યા.

રોકી અને પીટર તો ફિડલને ઊંચકીને ચાલી રહ્યા હતા. બધો કાફલો રોકાયો એટલે એમણે ફિડલને ઝોળા સહીત નીચે મુક્યો અને હાશકારો અનુભવ્યો. ક્રેટી અને એન્જેલા પણ ચાલી ચાલીને થાકી ગઈ હતી એટલે જેવો કાફલો રોકાયો કે બન્ને ત્યાંજ બેસી પડી. માંચડો કેવીરીતે તૈયાર કરવો એ બાબતે આ બન્નેએ કોઈ સુજાવ આપ્યો નહીં.. કારણ કે સવારથી આજે ઝપાઝપી ચાલુ થઈ હતી. હવે માંડ માંડ બધું થાળે પડ્યું હતું. જોન્સન પાસે પાણી ભરેલી મશક હતી.એ બિચારો પણ થાક્યો હતો પણ એ માંચડો તૈયાર કરવામાં જ્યોર્જને મદદ કરવા લાગ્યો.

થોડો થાક ખાઈને બધા ઉભા થયા અને માંચડો તૈયાર કરવા માટે કામે લાગી ગયા. પ્રોફેસર જાડા વેલા તોડી લાવ્યા અને ક્રેટી તથા એન્જેલાએ એ વેલાઓની ખુબ જ સરસ નિસરણી તૈયાર કરી દીધી. કેપ્ટ્ન , જ્યોર્જ , પીટર અને જોન્સન વૃક્ષો ઉપર ચડીને વૃક્ષોની મોટી ડાળીઓ ઉપર નાની ડાળીઓ તથા મુલાયમ વેલાઓ પાથરીને માંચડો તૈયાર કરવા લાગ્યા. રોકી આજુબાજુ જઈને ફળો તથા કંદમૂળ શોધી લાવ્યો અને બધા માટે ભોજન તૈયાર કરવા લાગ્યો. એમની સાથે પેલો જંગલી કેદી હતો એ આ બધું અજીબ નજરે જોઈ રહ્યો હતો. ફિડલ પણ હવે ભાનમાં હતો એ નીચે સૂતો સૂતો બધું જોઈ રહ્યો હતો. પણ એ ઘાયલ હતો એટલે બધાને આ કામમાં મદદરૂપ થઈ શકતો નહોતો એનો એને ખેદ હતો. પેલો ગોરીલો અને ગોરીલાનું બચ્ચું પણ માણસોની આ અજીબ કામગીરીને નવાઈ ભરી નજરે નિહાળી રહ્યા હતા.

લગભગ એકાદ કલાક જેટલું કામ ચાલ્યું ત્યારે માંચડો વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયો. ક્રેટી અને એન્જેલાએ વેલાઓની મદદથી બનાવેલી નિસરણી પણ કેપ્ટ્નને સરસ રીતે માંચડા ઉપર ચડવા માટે ગોઠવી દીધી.

ટાપુ ઉપર હવે ધીમે-ધીમે અંધારાના ઓછાયા ઉતરી રહ્યા હતા. રાત જામવા લાગી હતી. અજવાળું ટાપુ ઉપરથી વિદાય લઈ ચૂક્યું હતું. રોકીએ જમવાનું તૈયાર કરી નાખ્યું હતું. એટલે બધા જમવા બેઠા. પણ આજે બધાને જમવામાં દરરોજના જેવો સ્વાદ લાગ્યો નહીં. કારણ કે દરરોજ જમવાનું ફિડલ બનાવતો હતો અને આજે રોકીએ બનાવ્યું હતું. રોકીએ આજે એક નાનકડા પ્રાણીનો શિકાર કરીને એ પ્રાણીના માંસને અગ્નિમાં શેકીને એની સાથે ફળોના નાના ટુકડાઓની ભેળસેળ કરીને અલગ વાનગી તૈયાર કરી હતી પણ એ ફિડલ જે ખાણું બનાવતો એટલી રસીલી અને સ્વાદિષ્ટ નહોતી.

"ફિડલ હવે દુઃખાવો થાય છે..? જમીને ઉઠ્યા બાદ ફિડલનો ઘા તપાસતા કેપ્ટ્ન બોલ્યા.

"હા.. થાય તો છે.. પણ સહન કરી લઈશ..' ફિડલ કેપ્ટ્ન સામે જોઈને ભરપૂર આત્મવિશ્વાસ સાથે બોલ્યો.

"તીર.. સાથળમાં થોડુંક ઊંડે સુધી ખૂંચી ગયું હતું એટલે થોડાક દિવસ તકલીફ રહેશે.. પછી બધું બરોબર થઈ જશે..' કેપ્ટ્ન ફિડલના ઘા ઉપર વનસ્પતિના પાંદડાઓના રસનો લેપ લગાવતા બોલ્યા.

કેપ્ટ્નને પોતાના માટે આટલી મહેનત કરતા જોઈને એ અહોભાવથી કેપ્ટ્નને તાકી રહ્યો. એને આજે ભાન થયું કે જો કેપ્ટ્ન એમની સાથે ના હોય તો એમના બધાનું અસ્તિત્વ ક્યારે ભૂંસાઈ જાય એની એમને પણ ખબર ના પડે.

જમવાનું પતાવીને બધા માંચડા ઉપર ચડ્યા. પરંતુ એમની સાથે પેલો જંગલી હતો એને માંચડા ઉપર ચડાવતા બધાને બહુજ તકલીફ પડી. એને ઉપર ચડાવવા ઘણા ઉપાયો કર્યા પણ પેલો ડરનો માર્યો ઉપર ચડે નહીં. પછી પીટરે એની યુક્તિની મદદથી માંડ માંડ પેલા જંગલીને માંચડા ઉપર ચડાવ્યો. પહેલા પીટરે વેલાઓ લાવીને એક મજબૂત ઝોળો તૈયાર કર્યો પછી એ ઝોળામાં પેલા જંગલીને હાથ પગ બાંધીને બેસાડ્યો. બીજા કેટલાક વેલાઓને રસ્સી તરીકેનો ઉપયોગ કરી પેલા જંગલી સહીત એ ઝોળાને ઉપર ખેંચી લીધો. પણ જેવો તેઓ એને ઉપર ખેંચવા લાગ્યા કે એ જંગલીએ ડરના માર્યા બૂમબરાડા કરીને આખું જંગલ ગુંજવી નાખ્યું. ક્રેટી અને એન્જેલા તો આ અજીબ ખેલ જોઈ હસી હસીને ગાંડી થઈ ગઈ.

રાત ઘેરી બની રહી હતી. અર્ધ ચંદ્રમા આકાશમાં વિહરી રહ્યો હતો. એની ઝાંખી ઝાંખી ચાંદની ટાપુ ઉપર રેલાઈ રહી હતી. જંગલ ગાઢ હતું એટલે છેક જમીન પ્રદેશ સુધી ચાંદની નું અજવાળું પહોંચી નહોતું. એટલે નમાંચડા ઉપરથી નીચે દેખાઈ રહેલા ઝાડી-ઝાંખરાઓ ભયાનક ભાસી રહ્યા હતા.

સવાર થઈ. રાત વગર મુશ્કેલીએ વહી ગઈ. વહેલી સવારે બધા ઉઠ્યા અને એમની આગળની સફર ચાલુ કરી. સાથે રહેલા આદિવાસી મજૂરો ક્રેટીની હર આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા કારણ કે ક્રેટી એમની રાજકુમારી હતી.

હજુ આકાશમાં સૂર્યનું આગમન થયું નહોતું. છતાં સારા એવા પ્રમાણમાં અજવાળું ટાપુ ઉપર પથરાયેલું હતું. આકાશ માં આછા વાદળાઓ પવન સાથે હરીફાઈ કરી રહ્યા હોય એવીરીતે દોડી રહ્યા હતા. ધીમો વરસાદ થશે એવું પ્રોફેસરને લાગી રહ્યું હતું. ગોરીલો અને એનું બચ્ચું પણ કાફલા સાથે ચાલી રહ્યા હતા. પેલા જંગલી કેદીમાં પણ આજે થોડોક સુધારો આવી ગયો હતો. એના હાથ બાંધેલા હતા છતાં એ બધાને અનુસરીને ચાલી રહ્યો હતો. ખુદ કેપ્ટ્ન અને જ્યોર્જ ફિડલને ઝોળામાં ઊંચકીને ચાલી રહ્યા હતા.

"જ્યોર્જ.. પેલું સસલું તો જો.. રંગીન. ' દૂર કુણા ઘાસને એક રંગબેરંગી સસલું ખાઈ રહ્યું હતું એ જોઈને ક્રેટી આનંદિત સૂરે જ્યોર્જને કહ્યું.

ક્રેટીએ કહ્યું એ તરફ બધાનું ધ્યાન ખેંચાયું. બધાએ થોડેક દૂર આગળ જોયું તો નાના મોટા રંગબેરંગી સસલાઓ નિર્ભય બનીને કુણું ઘાસ ખાઈ રહ્યા હતા.

"જ્યોર્જ એક નાનકડા સસલાના બચ્ચાને લઈ આવને..' ક્રેટી જીદ કરતા બોલી.

"હા.. હમણાં લઈ આવ્યો..' જ્યોર્જ પોતાની વ્હાલી પ્રેમિકાની ઈચ્છાને સ્વીકાર કરતા બોલ્યો.

જ્યોર્જ ચપળતાથી એ સસલાઓના ટોળાં તરફ સરક્યો. સસલા બિચારા નિર્ભર બનીને કુણું ઘાસ ખાવામાં વ્યસ્ત હતા એટલે એમને આ માણસોના બદઇરાદાની ખબર નહોતી. થોડોક નજીક જઈને જ્યોર્જ સસલાના ટોળાં ઉપર કૂદ્યો અને એક નાનકડા સસલાના બચ્ચાને પકડી પાડ્યું. ઓચિંતા હુમલાથી સસલાઓમાં ભાગદોડ મચી ગઈ.

સસલાના બચ્ચાંને પકડીને જ્યોર્જ ક્રેટી પાસે લઈ આવ્યો.
ક્રેટીએ ઝડપથી દોડીને જ્યોર્જના હાથમાંથી સસલાના બચ્ચા ને છીનવી લીધું. અને એના સુંદર હાથો સસલાના બચ્ચાના સુંવાળા શરીર ઉપર ફેરવવા માંડ્યા.

ક્રેટી આમ બચ્ચા ઉપર એના હાથ ફેરવીને રમાડી રહી હતી ત્યાં એક મોટુ સસલું એના પગમાં આવીને આળોટવા લાગ્યું.

"ક્રેટી બેટી.. જો આ સસલી આ બચી બચ્ચાની માઁ છે અને એ નીચે આળોટી રહી છે એની આંખોમાં જો આંસુઓ વહી રહ્યા છે એ તને એના બચ્ચાને છોડી દેવા વીનવી રહી છે.. દયા કરીને છોડી દે આ બચ્ચાને...' કેપ્ટ્ને ક્રેટીના પગ પાસે આળોટતા સસલા તરફ જોઈને ક્રેટીને વિનંતી કરતા કહ્યું.

ક્રેટીએ ધ્યાનથી એ સસલી તરફ જોયું તો ખરેખર એ સસલી ની આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વહી રહ્યો હતો. એક માઁ ની વેદના એની આંખોમાંથી છલકાઈ રહી હતી.. ક્રેટીને થયું કે એક દિવસ એ પણ આવી જ રીતે માઁ બનવાની જ છે અને પોતાના સંતાનને કોઈ પોતાની પાસેથી આવી રીતે છીનવી જાય તો... આ વાતનું સ્મરણ થતાં ક્રેટી ધ્રુજી ઉઠી. અને એણે નીચા નમીને એ સસલી ઉપર પણ પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો. અને એના બચ્ચાને સસલી પાસે છોડી દીધું. પોતાનું બચ્ચું મળી જતાં સસલી ઊંચા ઘાસ તરફ દોડી ગઈ એનું બચ્ચું પણ એની સાથે દોડી ગયું અને બન્ને ઊંચા ઘાસમાં અદ્રશ્ય બની ગયા. બધાએ આ ઘટના નિહાળી એટલે બધાના આંખમાં આંસુ આવી ગયા.

સૂર્યનું હવે આકાશમાં આગમન થઈ ચૂક્યું હતું. ધીમા પ્રવાહે રોશની રેલાવતો સૂર્ય પોતાના નિત્ય ક્રમ પ્રમાણે આકાશમાં આગળ વધી રહ્યો હતો. દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ જઈ રહેલા વાદળાઓ ઉત્તર દિશામાં વરસાદ થવાની વ્યૂરચના ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. કેપ્ટ્ન અને એમના સાથીદારોનો કાફલો આ ગાઢ જંગલમાં ઝડપથી આગળ વધી રહ્યો હતો. કારણ કે વરસાદ કોઈ તાંડવ સર્જે એ પહેલા આ જંગલમાંથી સહી સલામત બહાર નીકળવું જરૂરી હતું.

"પ્રોફેસર સાબ.. આજે કંઈ બોલતા નથી.. ચૂપ કેમ છો.. કંઈક તો બોલો એટલે આપણો રસ્તો જલ્દી કપાય..' કેપ્ટ્ન પોતાની લગોલગ ચાલી રહેલા પ્રોફેસર સામે જોઈને બોલ્યા.

"અરે.. કેપ્ટ્ન શું બોલીએ પેલા જંગલીઓએ આટલા દિવસ એમના ઝુંપડામાં કેદ કરી રાખ્યા એટલે મતિ જ ફરી ગઈ છે શું બોલવું કંઈ સુજતુ નથી..' કેપ્ટ્ન તરફ જોઈને પ્રોફેસર બોલ્યા એમના અવાજમાં તીરકામઠાંવાળા જંગલીઓ પ્રત્યે આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

"હા.. પણ હવે તો આપણે આઝાદ છીએ.. એટલે હવે તમારી મતિને કહો કે ફરે નહીં એક જગ્યાએ સ્થિર થઈને ઉભી રહે..' રોકી હસતા બોલ્યો.. રોકીની ટીખળ સાંભળીને આખો કાફલો હસી પડ્યો.

"જો.. રોકી હવે મારી મતિ સ્થિર થશે.. તો તને લાભ થવાનો છે..' પ્રોફેસર મજાકના મૂડમાં બોલ્યા.

"ઓહહ.. પણ મને લાભ કેવીરીતે.. મને કંઈ સમજાયું નહીં..? પ્રોફેસરની વાત સાંભળીને રોકીએ પ્રશ્ન કર્યો.

"જો.. રોકી જ્યોર્જ અને પીટરે તો એમના માટે એમની પત્નીઓ શોધી લીધી.. પણ તું હજુ બાકી છે.. જો મારી મતિ સ્થિર થાય તો તારા માટે હું એક પત્ની શોધી આપું... પણ મારી મતિ સ્થિર થશે એવું મને લાગતું નથી.. એટલે તારો લાભ થવાની સંભાવના નહિવત છે..' પ્રોફેસરની મજાક સાંભળીને બધા મુક્તમને હસી પડ્યા રોકી બિચારો ઝંખવાણો પડી ગયો એટલે એ નીચું જોઈ ગયો. ક્રેટી અને એન્જેલા તો રોકી સામે જોઈને પેલું સરોવર આવ્યું ત્યાં સુધી હસતી રહી.

અલ્સ પહાડના પાછળના ભાગ સુધી બધા પહોંચી ચુક્યા હતા. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા જયારે કેપ્ટ્ન અને સાથીદારોને શોધવા નીકળ્યા હતા ત્યારે આ સરોવર ઉપર બરફવર્ષાના કારણે બરફના ટુકડાઓ તરી રહ્યા હતા પણ આજે બધું સામાન્ય હતું. બે ટેકરીઓ વચ્ચે આવેલો નીચેથી લાકડી જેવો દેખાતા પુલ ઉપર હવે બરફ નહોતો એટલે એ ઘેરા કથ્થાઈ રંગનો દેખાઈ રહ્યો હતો. બપોર થઈ ચુકી હતી એટલે ટેકરીઓના ટોચના ભાગે જામેલો બરફ ખુબ સરસ રીતે પીગળી રહ્યો હતો. અને એનો જોરદાર ધોધ નીચે પડી રહ્યો હતો.

હવે વધારે સમય બગાડવો એ પોસાય એમ નહોતું એટલે
કેપ્ટ્ન બધા કાફલા સાથે એ અંધારી ગુફામાં પ્રવેશ્યા. બધા એ અંધારી ગુફામાં આગળ વધી રહ્યા હતા. ગુફામાં ગાઢ અંધારું હોવાના કારણે એકબીજાના મુખને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા હતા.

અત્યારે રોકી અને જોન્સન ફિડલને ઝોળા સાથે ઊંચકીને ચાલી રહ્યા હતા. કેપ્ટ્ન પેલા જંગલીને એનો હાથ પકડીને દોરવણી કરી રહ્યા હતા.લગભગ ચાર કલાક ચાલતા રહ્યા તો પણ ગુફાનો સામેનો છેડો આવ્યો નહીં.

"કેપ્ટ્ન..લાગે છે કે આપણે રસ્તો ભટકી ગયા છીએ..' અંધારામાં આગળ વધી રહેલા પ્રોફેસર બોલ્યા.

"હા.. પ્રોફેસર મને પણ એવું લાગી રહ્યું છે.. કારણ કે ગુફાનો રસ્તો ફક્ત બે કલાકનો જ છે અને આપણે સતત ચાર કલાકથી ચાલી રહ્યા છીએ..' કેપ્ટ્ન નિરાશાજનક અવાજે બોલ્યા.

"આપણે પાછા વળી જવું જોઈએ..' ક્રેટી બોલી.. સતત ચાર કલાકથી ચાલી રહેલી ક્રેટીના અવાજમાં ભારોભાર થાક વર્તાઈ રહ્યો હતો.

"મારાથી પણ હવે ચલાતું નથી..' એન્જેલા નંખાઈ ગયેલા અવાજે બોલી.

"જ્યોર્જ શું કરવું છે.. બોલ પાછા વળવું છે..? એકીટસે સામેની દિશામાં તાકી રહેલા જ્યોર્જ તરફ જોઈને કેપ્ટ્ન બોલ્યા.

અહીંયા અંધારું ગાઢ નહોતું.. એટલે એકબીજાને ઓળખી શકતા હતા..

"કેપ્ટ્ન ત્યાં જુઓ..' જ્યોર્જે સામેની દિશામાં આંગળી ચીંધી..

બધાએ એ તરફ જોયું.. તો બધા ચોંકી ગયા.

(ક્રમશ)