fanas na ajvade in Gujarati Short Stories by Kiran Patel books and stories PDF | ફાનસ ના અજવાળે

Featured Books
Share

ફાનસ ના અજવાળે

" આજ હું સાંજે પાછો આવું એવું તું ઈચ્છાતી હોય તો તારી છોડી ને દવા પાઈ દેજે, આજ કા'તો તારી છોડી નઈ અને કા'તો હું નઈ. આખા ગામ માં મારી આબરૂ ના ધજાગરા કરી મુક્યા છે. ગામ માં હું કોઈ ને મોઢું દેખાડવા લાયક નથી રિયો."

આટલું બોલી ને બાપુ એમની લાકડી લઇ ને ગાડું જોડી વાડી તરફ ગયા.

9 10 મહિના પેલા ની વાત છે.

અમારું ઘર પેલે થી ઢોર - ઢાખર વાળું ઘર અને આ વખતે વરસાદ ઓછો થવાના કારણે બધા ઢોર ને લઇ ને સવાર થી જ હું અને મારી બા વાડી ભેગા કરીએ. હું તો હજી 13 વર્ષ . પણ મને ઘર ના અને વાડી ના કામ મા નો આવડતું હોય એવું કઈ નઈ. બધું જ નાને થી શીખેલું.

દરરોજ ની એક જ દિનચર્યા. સવારે વેલાં જાગવાનું, બધાનું રાંધવાનું, ઘર ના કામ કરવાના , ગામ ના હવાડે થી પાણી ભરવાનું અને દી ઉગતા ની સાથે જ વાડી ભેગા.

આમ તો મારા ગંગા બા ઘરે જ હોય પણ એમની પણ ઉંમર હતી એટલે એ કઈ વધારે કામ ન કરી શકે. પણ હા જો તમારે ગામ ના કઈ પણ સમાચાર સાંભળવા હોય તો ગમે ત્યારે એમની પાસે જવાનું એમણે આખા ગામ ની પંચાત.

દરરોજ ની જેમ હું અને મારી બા વાડીએ ગયા. અમારી વાડી દૂર હતી અમારું ગામ પૂરું કરી ને પછી એક ગામ આવે અને એ ગામ પછી ની નદી વટી ને અમારી વાડી. એટલે આવવા - જવામાં એકાદ કલાક તો થાય જ. વાડી એ જઈ ને ઢોર નું જ કરવાનું અને વધે એટલા સમય મા વાડીનું જે કઈ કામ હોય એ કરવાનું.

હું ને મારી બા વાતો કરતા કરતા વાડી એ જઈએ. નદી મા ભેંસો ને પાઈ અને નવડાવી પણ ખરી. અને સાંજે પાછા આવીએ.

અમે ત્રણ ભાઈ બેન એમાં હું એક બેન. હું એક હોવા છતાં પણ મારા બાપુ ની આંખ માં કણ ની જેમ ખટકુ. એ મને ક્યારેય પ્રેમ થી ન બોલાવે. એમને મન તો હું સાપ નો ભારો હતી. એટલે એમણે મને નિશાળે પણ ન જવા દીધી. બસ આખો દિવસ ઢોર ભેગા રહી અને ઢોર જેવા થાવ તો સાસરે થી તમારા નામનું કઈ કાગળિયું ન આવે. એવી જ એમની માન્યતા.

મને પણ એ વાત ની ખબર પડી ગઈ એટલે હું પણ બને એટલી ઘર માં ચૂપ થઈ ને બેસુ.

એક દિવસ મારી બા ના પિયર માં એમના કાકી નું મૃત્યુ થયું એટલે એમણે તો કાણે જવું જ પડે.

મને બધું સમજાવી ને સવારે મોકલી અને પછી એ મારા મામા ના ઘેર ગયા.

આખો દિવસ હું વાડી એ એકલી જ હતી એ મારી સિવાય એક બીજા વ્યક્તિ ને પણ ખબર હતી. એટલે એણે પણ મારી એકલતા નો લાભ ઉઠાવ્યો. બપોર સુધી એ સંતાઈ ને જોઈ રહ્યો કે કોઈ આવ્યું કે નઈ અને જ્યારે એને ખબર પડી એટલે એણે મારી એકલતા અને એની હવસ ને કોઈ નામ આપવા ની કોશિશ કરી.

હું રાડો - ચીસો પાડતી રહી પણ ત્યાં કોણ હોય મને બચાવવા વાળું? દૂર દૂર સુધી મારો અવાજ સાંભળવા વાળું કોઈ ન હતું. હું એટલી બધી ગભરાયેલી હતી કે મારો અવાજ પણ બંધ થઈ ગયો. આંખ માંથી આંસુ અને શરીર માંથી રક્ત ટપકવા લાગ્યું.

એ નરાધમ તો એની હવસ ત્યાં મૂકી કપડાં પેહરી ને ચાલતો થયો. મને એનો એ રાક્ષસ જેવો ચેહરો હજી આંખ સામે થી નથી જતો જે ચેહરા થી આશ્લીલ હરકત કરતો અને મને કોઈ ને ન કેહવાની ધમકી આપી રહ્યો હતો .

જો હું કોઈ ને કઈ વાત કરું અને એ મારા બાપુ ને આખા ગામ માં બદનામ કરી ને મને મારી નાખશે એવી એને મને ધમકી આપી હતી.

એટલે મને પણ ડર લાગ્યો કે જો હું કોઈ ને કઈ કહીશ તો એ મારા બાપુ નું નામ બદનામ કરશે. પણ મને એ સમયે એવી ખબર ન હતી કે ૯ મહિના પછી એનું પરિણામ શું આવશે.

બદનામી અને બાપુ ના ડર થી મારી બધી પીડા અને દર્દ બધું ઓગળી ની પી ગઈ અને એવો રડમસ ચેહરો ઘરે લઈ ને જઈશ તો કેટકેટલા સવાલો ઉઠશે એવી બીક થી નદી મા નાહી અને પછી ઘરે ગઈ. ઘરે પોહચી ત્યારે સુર્ય આથમી ગયો એટલે અંધારું હોવાને કારણે કોઈ ને મારું મો ન દેખાયું અને મન નું અંધરુ હોવા ના કારણે કોઈ ને મારી પીડા ન દેખાય.

રાત્રે મે કઈ ખાધું પણ નઈ અને એમ જ સૂઈ ગઈ. બધા ને એવું લાગ્યું કે આજ એકલી હતી અને થાકી ગઈ હોશે એટલે સૂઈ ગઇ. પણ મારા આશું અને મારું રુદન તો મારા ઓશિકા સિવાય કોઈ ને ખબર ન હતી.

બીજા દિવસ થી તો ફરી એનું એ જ કામ શરૂ.

આ વાત ને એક મહિનો વીતી ગયો. હવે તો હું પણ પેલા જેવી થઈ ગઈ હતી. બીજો પણ એક મહિનો વીતી ગયો. પણ મારી તારીખ ન આવી એટલે મે બા ને પ્રશ્ન કર્યો કે આ વખતે મને કેમ તારીખ ન આવી. પણ મારી બા એ ખાસ કઈ ધ્યાન મા ન લીધું અને એ એના કામ મા રચી પચી રહી. એટલે મને પણ એવું લાગ્યું કે કઈ નઈ હોય એવું તો સામાન્ય હશે. પણ મને ગર્ભાવસ્થા વિશે ક્યારેય કોઈ જાણ જ ન હતી.

કામ મા ને કામ મા બીજા બે મહી ના પણ વીતી ગયા. હવે તો મને ચક્કર પણ આવતા અને ઊલ્ટી પણ થતી હતી. પણ મારી બા વાડી ના કામ મા ને કામ મા કઈ ધ્યાન આપે નહિ એને એમ હોતું કે આ બધું અશક્તિ ને કારણે થાય છે. અને મને પણ મન મા એવું જ બેસાડી દીધેલું કે અશક્તિ નું જ છે.

એક વાર મને ઘરે ઊલ્ટી થઈ એટલે મારી ગંગા બા ને મન માં કઈક ફૂટ્યું પણ એમને એમ કે આ છોડી ને કયેય એકલા મૂકતાં નથી એટલે એવું કઈ ન હોય એટલે એમને પણ અશક્તિ હોય એવું ધારી લીધું.

" રીટા, એ રીટાડી, ક્યાં મારી ગઈ. એ છોડી !! મારી ચાદર ક્યાં મૂકી તે ? મને ટાઢ વાય છે એ છોડી. "

પોષ મહિનો હતો અને ટાઢ કે મારું કામ, એવામાં મારી ગંગા બા ને તો જાણે ટાઢ તણી જાતિ હોય એમ કરે. એ ચાદર એમણે એમના બાપા ને આણા મા આપેલી એટલે એ એમના બાપા નું સંભારણું હતું. અને એ ચાદર નો ઓઢે ત્યાં સુધી એમણે ટાઢ નો જાય.

મારું પેટ મારા શરીર ની બહાર આવી ને મને કઈક કે'વા માગતું પણ મને કઈ સમજાયું નહિ. મને એમ કે હમણાં થી ભૂખ વધારે લાગે છે એટલે મારું પેટ વધ્યું છે. એટલે શરમ ના કારણે હું ગંગા બા ની ચાદર ઓઢી ને ફરતી.

મા (મહા ) મહિના મા મારા કાકા ની દીકરી ના લગન હતા. એટલે તો આખું ગામ આવે. મંડવાને આગલે દિવસે ગાણા
ગાવા આવેલી બધી બાયું કઈક વાતો કરતી હતી. એ દિવસે તો અમારા ઘર માં કોઈ એ કઈ ધ્યાન ન આપ્યું.

બીજા દિવસે માંડવામાં આવેલી બધી બાયું અંદરો અંદર કઈક કાનાફૂસી કરતી હતી. બધા મારી બાજુ તાકી તાકી ને જોઈ રહ્યા હતા.અને મને જોઈ ને એક બીજા સામે મો બગડી, આંખો મોટી કરી, હાથ વારે વારે કપાળે અડાડી ને કઈક વાત કરતા હતા.

અને આ બધું મારી ગંગા બા જોઈ રહી હતી.

લગન પૂરા થતાં ની સાથે તો મારું આયુષ્ય પણ પૂરું થવા મા જ આવ્યું હશે. એટલે મારી વાતો આખા ગામમાં થવા લાગી.

" ઓલી રાન્ડ ને કઈક છે. છગનના નો વંશ રાખવા આવી હોય એમ ફરે છે પાછી. કઈ નાક કાન જેવું નથી એનામાં. કયા કાળું મોઢું કરવા ગઈ હસે? એની માં તો ઘડિયેય આઘી કરતી નથી તો ક્યાં ગઈ હશ."

ગામ ની બાયું આવી કેટ કેટલી વાતો કરતી હતી. એક બાય તો એમ પણ બોલી કે મે એને રાતે ગામના કોઈ છોકરા સાથે નદી તરફ જતા જોઈ છે.

અમારા ઘર સિવાય આખા ગામ માં બધા ને આ વાત ની ખબર પડી ગઈ કે મને રઈ ગ્યું છે. અને છઠો મહિનો જાય છે.

પેટ મોટું હોવા ને કારણે હું ચાદર કાઢતી જ નહિ. મને ઘણી પીડા થાય પણ માં કઈ ધ્યાન આપે એમ હતી નઈ અને ગંગા બા ના મોઢા માંથી મારવા સિવાય કઈ શબ્દ નીકળે નઈ. એટલે હું કોઈ ને કઈ કહું નહી.

પણ મારી ગંગા બા પંચાત એટલે કરતી કેમ કે એને મારા તારી કરતા આવડતી અને તોય કોઈ દિવસ કોઈ સાથે ઝગડો ન થાય એવી કળા હતી. કોઈ પાસે થી કઈ વાત કઢાવવી હોય તો એમના ડાબા હાથ નું કામ. પણ એમની ઘર ની છોડી ની જ વાત ન તો જાણી શક્યા કે ન તો કઈ કાઢી શક્યા.

એમની એક સખી કડવી બા સુયાણી હતા.

ગામની બધી બાયું ને અને મને જોઈ ને એમણે લગ્ન ના બીજા જ દિવસે કડવી બા ને ઘરે બોલાવી ને મારી તપાસ કરવાનું નક્કી કર્યું. કડવી બા આવ્યા. અમારા ગંગા બા ડેલા ના ફળિયા મા એમનો ખાટલો રાખતા. પેલા તો એ બેયે કેટલીય વાતો કરી પછી મને બોલાવી.

એમને મારી નસ તપાસી. અને તરત જ એમનો મો નાનું લીંબુ જેવડું થઈ ગયું. મને કઈ સમજાયું નહિ. મને એ ઘર માં મોકલી દીધી.

કાલ સાંજ ની જ વાત છે.

સાંજે હું રસોડા માં રોટલી બનાવતી હતી. મારા બાપુ એ બળદ છોડી ને ખીલે બાંધ્યા અને ગંગા બા પાસે બેઠા. એ ડોશી પણ કડવી બા ગયા ત્યાર ના મારા બાપા ને આવવાની રાહ જોતા હતા.

એ બે મા દીકરા એ કઈક વાતો કરી અને પછી મારા બાપુ ઘર માં જઈ ને મારી મા ને મારવા લાગ્યા. એ તો એના ધ્યાન માં કપડાં સરખા કરતી હતી.

ઘર માં જઈ ને એનો અંબોડો પકડી ને બહાર લાવ્યા અને જેમ મન ફાવે એમ મારવા લાગ્યા. મને કઈ સમજાતું ન હતું. રસોડા માં જાણે ભૂકંપ આવ્યો હોય એમ હું ધ્રુજવા લાગી. કઈ સમજાયું નહિ અને એ વખતે હું કઈ સમજવા માગતી પણ નો'તી. એટલે જઈ ને મારી મા આડી ફરી.

હું આડી ફરી તો મને પણ મારવા લાગ્યા.

" મે તને કિધુ'તુ કે તારી આ માં ક્યારેક મારું નાક કપાવસે. પણ તને તો બવ વહલી. તારી હરે કામ કરે એટલે તને તો ગમે જ ને. મે તને પેલા થી જ ચેતવી હતી ને કે ધ્યાન રાખજે તો આ બધું કેમ કરતા થયું." મને ધક્કો દઈ ને મારી મા પણ રાડો પાડવા લાગ્યા. અમારી ડોશી ગંગા એમ ની એમ જોઈ રહી. કઈ બોલી નહિ.

હું પણ વિચારતી કે આજ મારી મા મને કેમ રોટલા કરાવવા ન આવી. પણ એનું કારણ પણ આ જ હતું. એને પેલે થી જ ખબર હતી કે આજે બેય મા દીકરી નું આવી બનવાનું છે.

હું મારા બાપુ ના પગ પકડી ને વારતી રહી કે રેવાદો મારી મને મારસો નહી તો મારો પણ વારો પડી ગ્યો. મને મારી મા એ મુકાવવા નો પ્રયત્ન કર્યો તો ગંગા ડોશી ત્યાંથી ઉભા થઈ ને આવ્યા અને મારા વાળ જાલી ને મને આઘી લઇ ગયા.

" કયા તારા બાપ નું નાક કપાવી ને આવી છો ? રાંડ , એની કરતા તો તને જન્મ થી દ્દુધ પિતી કરી દીધી હોત તો સારું થાત. હું તો કેતી પણ તારી મા ને બવ શોખ હતો ઘર માં લખમી લેવાનો ."

ગંગા ડોશી મને મારતી અને મારો બાપ મારી મા ને મારતો. આડોશી પાડોશી બધું સંભાળતા પણ એ ક્યાંથી આવે? એમને તો બધું સાંભળવામાં રસ હોય જેથી કાલે બધા ને મરચું મીઠું નાખી ને કહી શકે.

હું કે મારી મા બે માંથી એકેય કય બોલ્યા નહીં. બસ ચૂપ ચાપ મર ખાઈ લીધો. મારી મા તો આવો માર મહિના મા એકાદ વાર તો ખાતી જ . જ્યારે જ્યારે શાક સારું ન હોય, કઈ ઉચા અવાજ બોલાઈ ગ્યું હોય, મારા ભાઈ ને મારી મા થી મરાઈ ગ્યું હોય, ગંગા બા એ કઈ કાન ફુક્યા હોય, એવું તો કેટકેટલું મારી મા ગાળી ને પી જાતિ હતી .

પણ મને એ ખબર પડી ગઈ હતી કે આજ નો માર એ મારા જીવન ની છેલ્લી પીડા હતી. પછી હું બધી પીડા થી મુક્ત થવાની હતી.

માં દીકરો બેય ધરણા એટલે બંન્ને પોત પોતાની પથરી માં પડી ગયા. કોઈ એ કઈ ખાધું પણ નઈ.

ગઇકાલે રાત્રે ઘર ના એક ખૂણા મા હું મારું માથું મારી માં ના ખોળા માં નાખી ને સૂતી હતી અને મારી માં ને જાણે ખબર પાડી ગઈ હતી કે હવે મને એ ક્યારેય વહાલ નહિ કરી શકે એમ એ મને વહાલ કરતી.

ફાનસ ના અજવાળે, એ મારા માથે હાથ ફેરવતી અને હું જે કઈ પણ ભૂતકાળ મા મરી સાથે ઘટિત થયું એ બધું એક પછી એક ઘટના કહેવા લાગી. અવાજ એકદમ બેસી ગયેલો, મો રડમસ અને દુખાવાના કારણે ઊંડા શ્વાસ લઈ ને બોલતી ગઈ અને મારી માં ની આંખો નીતરતી ગઈ.

આ બધું સાંભળ્યા પછી મને છાતી સરસી ચાંપી દીધી અને અવાજ બહાર ન જાય એમ રડી.

" આજ હું સાંજે પાછો આવું એવું તું ઈચ્છાતી હોય તો તારી છોડી ને દવા પાઈ દેજે, આજ કા'તો કરી છોડી નઈ અને કા'તો હું નઈ. આખા ગામ માં મારી આબરૂ ના ધજાગરા કરી મુક્યા છે. ગામ માં હું કોઈ ને મોઢું દેખાડવા લાયક નથી રિયો."
મારા બાપુજીએ જોર થી મારી બા પર રાડો નાખતા હતા.

આ બધું હું ઘર માં સૂતી સૂતી સાંભળતી હતી. મારી મા રસોડા માં બધા ના રોટલા ટીપી ને બનાવતી હતી. ગંગા ડોશી ના હાથ માં માળા હતી અને મારા બાપુ ના વેણ મા એ પણ ભાગ પડાવતા હતા.

પછી મારા બાપુ તો વાડીએ ગયા. મારી મા આખો દિવસ આમ થી આમ ફર્યા કરે એને કોઈ દિશા સૂજતી ન હતી.

મારા અને મારા બાપુ વચ્ચે મારી મા ઘઉં ની જેમ પીસાતી હતી. એને પણ મને સવાર થી બોલાવી ન હતી. હું મા-માં કરતી જાવ તો પણ મને હડસેલો મારી ને મારી સામે મોઢું બગાડવાનો પ્રયત્ન કરે. પણ આખરે હતી તો એ મા જ ને.

આંખો માંથી પાણી નદી જેમ વેહતું હતું. અંદરો અંદર એ બવ મુંઝાતી હતી. પણ એ શું કરે.

"તારા બાપુ ને ઘરે લેતો આવ. એમ કેજે કે તમે કીધુ હતું એ કામ થઈ ગયું છે. અને આજ બપોરે ઘરે રોંઢો છે." મારા ભાઈ ને બોલાવી ને છનામાના કીધુ.

આમ ને આમ કરતાં બપોર થઈ ગઈ.

મે ઘર માં જઈ કપાસ મા છાંટવાની દવા ના બે ઘૂંટડા ભરી ને પી લીધા. અને પછી કામ વળગી. આજ ભેંસ ઘરે હતી એટલે વાસીદું નાખવા જવાનું હતું. હું જાતે તગરી ભરી ને ગઈ.

ઉકરડો ઘર થી દુર પાદર મા હતો. એટલે આવતા વાર લાગી.

ગંગાબા ઘર ની બહાર ઓટી એ પંચાત કરતા હતા.

વાસીદું નાખી ને આવી , તગારું ધોયું. આ બધું કામ તો મે માંડ માંડ પૂરું કર્યું. અને પછી એવું થયું કે હવે ઘર માં જઈ ને આડી પડું.

રસોડા માંથી કઈક બળતું હોય એવું લાગ્યું.

જઈ ને જોવું છું તો મારી જીભ બહાર નીકળી ગઈ. રસોડા માં બધું આઘંપાછું કરી ને વચ્ચે મારી માં સળગતી હતી. કોઈ અવાજ નહિ, કોઈ ઉકરો નહી. આખી મારી નઝર ની સામે સળગી ગઈ. એની અંદર ની ચીસો હું બવ નજીક થી સાંભળતી હતી. એ ધુમાડા માંથી નીકળતી ચીસો એ મને મારી જગ્યા એ થી હલવાં ની મંજુરી ન આપી. એમાં મારી મા ની આખી જિંદગી નો ઉકળાટ, પીડા, દર્દ, સહનશક્તિ, થાક બધું જ વરાળ થઈ ને ઊડતું હતું.

હું જ્યાં હતી ત્યાં જ પડી ગઈ. મારા મોં માંથી ફીણ નીકળી ગયા. જ્યારે હું દેહ છોડવાની તૈયારી માં હતી ત્યારે મારા બાપુ અને ભાઈ મને ડેલા મા આવતા હોય એવું કઈક મને આછું આછું દેખાયું.

મારી મા ની વરાળ અને મારા ફીણ સાથે અમારી કહાની અને મારા બાપુની ચિંતા નીકળી ગઈ.......


~•~•~•~•~•~•~•~