rahasymay tapu upar vasavat.. - 19 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 19

કાળા ઓળાઓ અને વિચિત્ર ચીસો..


______________________________________


તીરકામઠાં વાળા જંગલીઓના સંકજામાંથી છૂટ્યા બાદ કેપ્ટ્ન અને એમના સાથીઓ ગુફામાં ફસાઈ જાય છે ત્યારે પીટર બધાને એની યુક્તિ વડે સફળતા પૂર્વક બહાર નીકાળે છે. એના પછી કેપ્ટ્ન અને એમના સાથીઓ ફરીથી અધૂરા રહેલા નગર નિર્માણનું કામ આગળ વધારે છે.


બરફવર્ષા પછી ટાપુ પરનું વાતાવરણ એકદમ સામાન્ય થઈ ગયું. ક્યારેક વરસાદના ઝાપટા આવી જતાં બાકી વધારે તોફાની વાવાજોડું આવે તેની શક્યતા નહિવત હતી. ગુફામાંથી બહાર નીકળ્યા પછીના બીજા જ દિવસે કેપ્ટ્ન અને એમના સાથીદારોએ નગરનિર્માણનું કામ ચાલુ કરી દીધું હતું. ફિડલના પગમાંનો ઘા હજુ રૂજાયો નહોતો એટલે એ આરામ ઉપર હતો.


પેલા જંગલીઓ બધાને પકડીને લઈ ગયા બાદ બરફવર્ષા થઈ હતી આ દરમિયાન પથ્થર લાવવા માટેની ગાડી ખેંચવા ઉપયોગી બનેલા ઝરખ પ્રાણીઓ પણ ભાગી ગયા હતા. એટલે હવે નવા ઝરખ પ્રાણીઓને પકડવા જરૂરી હતા. કેપ્ટ્ન અને એમના સાથીદારોએ નગરના આદિવાસી મજૂરોની મદદ થી ફરીથી ઝરખ પ્રાણીઓ પકડ્યા હતા.


ઝરખ પ્રાણીઓને પકડ્યા બાદ એમને મજબૂત લાકડાઓની બનાવેલી ગાડીઓ સાથે જોડી દેવામાં આવ્યા. અને ફરીથી ઝરખ પ્રાણીઓ દ્વારા અલ્સ પહાડની ટેકરીની તળેટીઓમાંથી પથ્થરો લાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી.


ઝોમ્બો નદી બન્ને મેદાનોમાંથી વહીને જંગલ પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યાં મેદાનોની એક બાજુ ચીકણી માટી ખુબ મોટા જ પ્રમાણમાં હતી ત્યાંથી ચીકણી માટી લાવી નગર નિર્માણના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. બન્ને મેદાનોમાં બે રાજ્યાશનો બનાવવામાં આવી રહ્યા હતા. કેપ્ટ્ન તેમજ બધા સાથીદારો ખુબ જ મહેનત પૂર્વક આ કામગીરી આગળ વધારી રહ્યા હતા.


જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા પણ જુના નગરથી અહીંયા નવા નગરના નિર્માણની કામગીરીને આગળ ધપાવવા


દરરોજ આવતા હતા. ગુફાની દીવાલ તોડતી વખતે પીટરની આંગળીઓમાં પડેલો ઘાવ પણ હવે રૂઝાઈ રહ્યો હતો. નગર નિર્માણનું કામ પણ ખુબ જ સરસ રીતે આગળ વધી રહ્યું હતું.


ફક્ત બે રાજ્યાશનો બનાવતા એક મહિના કરતા વધારે સમય વીતી ગયો. એક મહિના બાદ ભવ્ય રાજ્યાશનનું નિર્માણ બન્ને મેદાનોમાં થઈ ગયું. નવા નગરના રાજ્યાશનની બાંધણી જુના નગરના રાજ્યાશન કરતા અલગ હતી. જુના નગરના રાજ્યાશનમાં ફક્ત દસ ઓરડાઓ અને બેત્રણ મોટા મકાનો હતા જ્યારે નવા નગરના રાજ્યાશનમાં વીસ કરતા વધારે ઓરડાઓ તથા અન્ય દસ કરતા પણ વધારે મોટા મકાનો બાંધવામાં આવ્યા હતા. ઓરડાઓ વિશાળ અને ભવ્ય હતા. રાજ્યાશનની આજુબાજુ દસ ફૂટ ઊંચી દીવાલ પણ બનાવવામાં આવી હતી. દીવાલની ચારો તરફ હારબંધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.


રાજ્યાશનના નિર્માણ બાદ નગરજનો માટે મકાનો બાંધવાની શરૂઆત કરવામાં આવી. કેપ્ટ્ન અને એમના સાથીદારો રાત દિવસ એક કરીને બધું કામ મહેનત પૂર્વક આગળ વધારી રહ્યા


ક્રેટી અને એન્જેલા પણ બધાને હિંમત આપીને આ કામમાં ખુબ જ મદદ કરી રહી હતી. ધીમે ધીમે નગર નિર્માણનું કામ આગળ વધી રહ્યું હતું.


રાજ્યાશનના નિર્માણ બાદ ક્રેટી અને એન્જેલા પણ જ્યોર્જ અને પીટર સાથે અહીંયા જ રહેતી હતી. કારણ કે જુના નગર થી અહીંયા સુધી આવવામાં તેઓ થાકી જતી હતી. અને અહીંયા રહેવાથી બીજો ફાયદો પણ થતો હતો કે તેઓ રાતે મોડા સુધી નગરનિર્માણના કામમાં સમય આપી શકતી હતી.


નગર નિર્માણ કરવામાં લગભગ બીજો પણ એક મહિનો વીતી ગયો. હવે નગરનિર્માણનું બસ થોડુંક કામ બાકી હતું. એક રાતે પીટર અને એન્જેલા સૂઈ રહ્યા હતા ત્યારે અડધી રાતે એન્જેલા ઝબકીને જાગી બહારની તરફથી ધોધમાર વરસાદ વરસવાનો અવાજ આવી રહ્યો હતો. એન્જેલાએ રાજ્યાશનના એમના શયનખંડની બારીમાંથી બહાર નજર કરી. બહાર ગાઢ અંધારું જામેલું હતું એટલે કંઈ દેખાતું નહોતું. છતાં બહારની તરફથી ધોધમાર વરસાદ પડવાનો અવાજ એના કાનોમાં સ્પષ્ટ રીતે આવી રહ્યો હતો. વરસાદ છે એવું સમજીને એન્જેલા સુવા ગઈ ત્યાં તો નદીના પુલ તરફથી કંઈક ધડાકો થયો હોય એવો અવાજ એના કાનો સાથે અથડાયો.


"પીટર.. ' ધડાકાનો અવાજ સાંભળીને એન્જેલાએ બાજુમાં સૂતેલા પીટરને ઢંઢોળ્યો.


"હં.. હા શું થયું..' પીટર આંખો ચોળીને બેઠા થતાં બોલ્યો.


"નદીના પુલ તરફ કંઈક તૂટવાનો અવાજ આવ્યો..' એન્જેલાના અવાજમાં ડર હતો.


પીટરે બહારની તરફ કાન માંડ્યા. બહાર વરસાદ પડવાનો જોરદાર અવાજ આવી રહ્યો હતો. પછી પથારીમાંથી ઉઠીને શયનખંડની બારી બહાર નજર કરી. બહાર ઘોર અંધારું હતું. રાજ્યાશનનું મકાન બે માળનું હતું પીટર અને એન્જેલાનો શયનખંડ બીજે માળે હતો તેથી બહાર છેક નદી સુધી આરામથી જોઈ શકાતું હતું. પણ ઘોર અંધારું હોવાથી બહારની તરફ કશું જ દેખાઈ રહ્યું નહોતું. ફક્ત જોરદાર વરસાદ પડવાનો અવાજ એમના કાનો સાથે અથડાઈ રહ્યો હતો.


પીટર આવીને પાછો પથારી ઉપર બેઠો.એન્જેલા હજુ પણ ઉભી ઉભી શયનખંડની બારી બહાર તાકી રહી હતી. એની આંખો નદીનો પુલ જોવા માંગતી હતી પણ ઘોર અંધારું હોવાના કારણે પુલ દેખાઈ રહ્યો નહોતો. થોડીવાર સુધી એન્જેલા આવી જ રીતે અંધારાને ઘુરતી રહી. અચાનક બહાર વીજળીનો જોરદાર ચમકારો થયો તરત એન્જેલાની ચપળ આંખો સમક્ષ પુલનું દ્રશ્ય ખડું થયું. વીજળીનું અજવાળું ક્ષણિક હતું છતાં એન્જેલાની ચપળ આંખોએ નોંધી લીધું કે પુલ ઉપર ત્રણ ચાર મહાકાય કાળી આકૃતિઓ.


"પીટર જલ્દી આવ..' એન્જેલાની નજર બારી બહાર હતી અને એણે પીટરને બુમ પાડી.


પીટર ઝડપથી પથારી ઉપરથી ઉભો થયો અને એન્જેલા પાસે આવ્યો એન્જેલાના ખભા ઉપર હાથ રાખીને એ પણ બારી બહાર જોવા લાગ્યો.


"પીટર.. મેં પુલ ઉપર કંઈક જોયું..' એન્જેલા ફરીથી બોલી.


"પુલ ઉપર..? આવા અંધારામાં..! કેવીરીતે જોયું..? પીટરના અવાજમાં નવાઈના ભાવો હતા.


"હમણાં વીજળીનો ચમકારો થયો ત્યારે મને પુલ ઉપર વિશાળ કાળા ઓળા દેખાયા.. ખબર નહીં શું હશે..? એન્જેલા ડરમિશ્રિત અવાજે બોલી.


"તુ આ બાજુ આવ.. હમણાં વીજળી ફરીથી ચમકશે એટલે હું જોઈ લઉં શું છે એ..' પીટરે એન્જેલાને બે હાથથી હળવેથી પાછળ ખેંચી અને એ આગળ ઉભો રહીને બોલ્યો.


એન્જેલા પાછળથી પીટરને ચીપકીને ઉભી રહી. ત્યાં તો ફરીથી વીજળીનો જોરદાર ચમકારો થયો.


"ઓહહ.. આ શું...' પુલ ઉપરનું દ્રશ્ય જોઈને પીટરના મોંઢામાંથી ફક્ત આટલા જ શબ્દો બહાર નીકળ્યા બાકીના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા.


પીટરને પુલ ઉપર છ સાત મહાકાય કાળી આકૃતિઓ દેખાઈ બે કાળા ઓળાઓ પુલ ઉપર આમથી તેમ ફરી રહ્યા હતા. બે ઓળાઓ પુલનું મજબૂત લાકડું જોરથી ખેંચી રહ્યા હોય એવું પીટરને દેખાયું. પણ એ ઓળાઓ કોણ હશે અને પુલના લાકડાઓ આમ કેમ ખેંચી રહ્યા હશે એ પીટરને સમજાયું નહીં. પીટરની પાછળ ઉભેલી એન્જેલાએ પણ આ દ્રશ્ય જોયું હતું. એન્જેલા પણ આ ભયકંર ઓળાઓને જોઈને થથરી ગઈ હતી. એ પાછી આવીને પથારી ઉપર બેસી પડી.


પીટર પણ થોડીવાર બહારની બાજુ જોઈ રહ્યો પછી આવીને એન્જેલાની બાજુમાં બેઠો.


"પીટર શું હશે એ..? એન્જેલાએ પીટરનો હાથ એના હાથમાં લઈને કહ્યું.


પીટર વિચારમગ્ન થઈ ગયો એ ઓળાઓ શું હોઈ શકે એ વિશે અનુમાન અને તર્ક વિતર્ક લગાવવા લાગ્યો.


"બોલને પીટર શું હશે એ..? પીટરે કોઈ જવાબ આપ્યો નહીં એટલે એન્જેલાએ ફરીથી પૂછ્યું.


"મને તો કંઈ જ સમજમાં નથી આવતું.. પણઓળાઓ પુલ ઉપર શું કરી રહ્યા છે.. અને પુલના લાકડાં શા માટે ખેંચી રહ્યા છે એ નથી સમજાતું..' પીટર થોડુંક વિચાર્યા બાદ બોલ્યો.


ત્યાં પુલ તરફથી વિચિત્ર અવાજમાં વેદનાભરી ચીસ સંભળાઈ પીટર ઝડપથી ઉભો થયો અને બારી પાસે ગયો એન્જેલા પણ ઝડપથી ઉભી થઈને પીટરની પાછળ ગઈ.


હવે વરસાદ થોડોક ધીમો પડ્યો હતો અને વીજળીna ચમકારા અને કડાકાઓ વધી રહ્યા હતા. પીટરે ફરીથી વીજળીના અજવાળામાં પુલ તરફ જોયું તો ત્રણ વિશાળ ઓળાઓ પુલ ઉપરથી નદી તરફ જોઈને વિચિત્ર અવાજ કાઢી રહ્યાં હતા જયારે એક કાળો ઓળો પુલનું લાકડું પકડીને નદી તરફ નીચેની બાજુ લબડી રહ્યો હતો.


"એન્જેલા ચાલ જ્યોર્જને જગાડીએ..' પીટરે બારી બાજુથી પોતાની નજર હટાવી અને એન્જેલાનો હાથ પકડતા બોલ્યો.


પીટર ઝડપથી ચાલ્યો.. એન્જેલા પણ પાછળ ઘસેડાઈ. બન્ને એમના શયનખંડની બહાર આવી ક્રેટી અને જ્યોર્જના શયન ખંડ તરફ ઝડપથી ચાલ્યો. હજુ પણ ધીમો અને ઝરમર વરસાદ ચાલુ હતો. વરસાદ ધીમો હતો પણ વીજળીના કડાકાઓ કાળજુ કંપાવી નાખે એવા ભયકંર હતા. ક્રેટી અને એન્જેલાનો શયનખંડ રાજ્યાશનના નીચેના માળે હતો. પીટર અને એન્જેલા ઝડપથી સીડી ઉતરી જમણી તરફ જ્યોર્જના શયનખંડ તરફ વળ્યાં.


પ્રથમ પીટરે જ્યોર્જ અને ક્રેટીના શયનખંડમાં ડોકિયું કર્યું. મશાલના આછા અજવાળામાં ક્રેટી અને જ્યોર્જ એકબીજાને આલિંગનમાં લઈને સૂઈ રહ્યા હતા. પીટરને અંદર જવુ યોગ્ય લાગ્યું નહીં એટલે એણે એન્જેલાને અંદર જઈ ક્રેટીને જગાડવાનો ઇસારો કર્યો.


એન્જેલા અંદર ગઈ અને હળવેકથી ક્રેટીને ઢંઢોળી. પણ બે ત્રણ વાર ઢંઢોળી ત્યારે ક્રેટીએ આંખો ખોલી અને આજુબાજુ જોયું. પોતાના શયનખંડમાં એણે એન્જેલાને જોઈ એટલે એ ચોંકી ગઈ એણે ઝડપથી પોતાના કપડાં વ્યવસ્થિત કર્યા.


"ક્રેટી જ્યોર્જને જગાડને જલ્દી..' એન્જેલા ક્રેટી સામે જોઈને બોલી.


"પણ અડધી રાતે તુ અહીંયા શું કરી રહી છે અને હમણાં જ્યોર્જનું તારે શું કામ છે..' ક્રેટી શંકાશીલ અવાજે બોલી.


ક્રેટી અને એન્જેલાની વાતચીત બહાર ઉભો રહેલો પીટર સાંભળી રહ્યો હતો. વાત આગળ વધે એ પહેલા પીટર અંદર આવ્યો અને જોરથી જ્યોર્જને ઢંઢોળ્યો. પીટરે જ્યોર્જને એટલો જોરથી ઢંઢોળ્યો કે એક જ ઝાટકે જ્યોર્જ બેઠો થઈ ગયો. જ્યોર્જ પણ એન્જેલા અને પીટરને પોતાના શયનખંડ માં જોઈને નવાઈ પામ્યો.


"પીટર... એન્જેલા.. તમે અહીંયા અડધી રાતે..? કંઈ ના સમજાતા ઊંઘમાંથી ઉઠેલો જ્યોર્જ પીટર અને એન્જેલા સામે પ્રશ્નાર્થ નજરે બોલ્યો.


"હા.. કામ જ એવું હતું કે અડધી રાતે તમને બન્નેને ઉઠાડવા પડ્યા. તમે બન્ને ઉપર આવો.. ચાલો જલ્દી..' પીટર જ્યોર્જ સામે જોઈને બોલ્યો અને પછી એન્જેલાનો હાથ પકડીને એના શયનખંડ તરફ જવા લાગ્યો.


"અરે.. પણ કામ શું છે એ તો કહેતો જા..' જ્યોર્જ પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ પીટર એન્જેલાનો હાથ પકડીને જ્યોર્જના શયનખંડની બહાર નીકળી ચુક્યો હતો.


જ્યોર્જ પથારીમાંથી ઉભો થયો.અને કપડાં વ્યવસ્થિત કર્યા. જ્યોર્જને લાગી રહ્યું હતું કે પીટર અને એન્જેલા અડધી રાતે અહીંયા આવ્યા એટલે જરૂર કંઈક અગત્યનું કામ હશે.


"ચાલ વ્હાલી..' ક્રેટીનો હાથ પકડતા જ્યોર્જ બોલ્યો.


"મને ઊંઘ આવે છે..' આખોદિવસથી થાકેલી ક્રેટીનું શરીર હજુ પણ ઊંઘ ઝંખી રહ્યું હતું એટલે ક્રેટી જ્યોર્જ સામે જોઈને ઢીલા અવાજે બોલી.


"અરે. ચાલને જઈ આવીએ..' જ્યોર્જ થોડોક નારાજ થતાં બોલ્યો.


"જા.. તુ જઈ આવ..મને તો બહુ ઊંઘ આવે છે..' આમ કહીને ક્રેટી પથારી ઉપર સૂઈ ગઈ.


"કેવી બકવાસ વાત કરે છે તુ તને એકલી મૂકીને હું કેવીરીતે જાઉં.. ચાલને વ્હાલી..' જ્યોર્જ ક્રેટીના ગાલ ઉપર ચુંબન કરતા બોલ્યો.


"ચાલ હવે તુ પણ નહીં માને..' ક્રેટીના અવાજમાં છલોછલ નારાજગી હતી.


ક્રેટી ઉભી થઈ. જ્યોર્જ એની સામે જોઈને મીઠું હસ્યો. ક્રેટીએ મોંઢા ઉપર બનાવટી ગુસ્સો લાવીને જ્યોર્જની પીઠમાં ધબ્બો માર્યો.


"ચાલ હવે.. વધારે વાર લગાડીશું તો.. પીટર અને એન્જેલા ફરીથી અહીં આપણને બોલાવવા આવી ચડશે..' જ્યોર્જ હસી પડતા બોલ્યો.


જ્યોર્જ હસ્યો એટલે ક્રેટી પણ હસી પડી. પછી બન્ને ચાલ્યા પીટર અને એન્જેલાના શયનખંડ તરફ ચાલ્યા. હજુ તેઓ સીડી ચડી રહ્યા હતા ત્યાં તો વિચિત્ર અને ભંયકર ચીસ સંભળાઈ અને થોડીક જ વારમાં એ ચીસ વીજળીના કડાકાઓમાં ઓગળી ગઈ..


આવી વિચિત્ર ચીસ સાંભળીને ક્રેટી અને જ્યોર્જના પગ ત્યાં જ થંભી ગયા. ક્રેટીએ તો ડરના માર્યા જ્યોર્જને બાથ ભરી લીધી. આ બાજુ જ્યોર્જ અને ક્રેટી આવ્યા નહીં એટલે પીટરને ચિંતા થઈ એટલે એ એના શયનખંડમાંથી બહાર આવ્યો. બહાર આવ્યો ત્યારે એણે જ્યોર્જ અને ક્રેટીને ત્યાં ઉભેલા જોયા. જ્યોર્જ અને ક્રેટીને આમ ઉભા રહેલા જોઈને પીટરને નવાઈ લાગી.


"અરે.. તમે બન્ને હજુ અહીંયા ઉભા છો..? પીટરે એમની તરફ જોઈને બુમ પાડી.


"પીટર તે કંઈ અવાજ સાંભળ્યો..' જ્યોર્જ પીટર તરફ જોઈને બોલ્યો. જ્યોર્જના મોંઢા ઉપર હજુ થોડાંક ડરના ભાવો છવાયેલા હતા.


"હા.. પણ તમે અંદર તો આવો તમને બધું બતાવું.. આ ચીસનો અવાજ કોનો છે એ..' આટલું કહી પીટર ઝડપથી પોતાના શયનખંડ તરફ ચાલ્યો ગયો.


ક્રેટી અને જ્યોર્જે એકબીજા સામે નવાઈભરી આંખે જોયું.


પછી ઝડપથી પીટરના શયનખંડ તરફ ચાલ્યા.


"'પીટર જો.. પેલા બન્ને કાળા ઓળાઓ એકને ખેંચી રહ્યા છે..' જ્યોર્જ અને ક્રેટી પીટરના શયન ખંડમાં પ્રવેશ્યા ત્યારે એમના કાને એન્જેલાનો અવાજ પડ્યો.


"તુ થોડીક આ બાજુ આવ.. ' પીટરે એન્જેલાને કહ્યું અને પછી જ્યોર્જ સામે ફર્યો. "જ્યોર્જ એકવાર પુલ ઉપર તો જો શું થઈ રહ્યું છે ત્યાં..' પીટરે જ્યોર્જને કહ્યું. એન્જેલા બાજુમાં ખસી અને જ્યોર્જે ઝડપથી બારીમાંથી પુલ તરફ નજર કરી.


"ઓહહ આ શું..? જ્યોર્જના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા.


વીજળી ઝબુકતી હતી એટલે એના ચમકારાના અજવાળામાં ક્યારેક-ક્યારેક ક્યારેક પેલા કાળા ઓળાઓ દેખાઈ રહ્યા હતા. પુલ રાજ્યાશન ખાસ્સો દૂર હતો એટલે એ ઓળાઓને ઓળખવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ક્રેટીએ પણ જ્યોર્જની પાછળ છુપાઈને એ ઓળાઓને જોઈ લીધા. નદીના પુલ ઉપરનું આવું અજીબ દ્રશ્ય અને વિચિત્ર કાળજુ કંપાવી નાખે એવી ચીસો સાંભળીને બધાના રુંવાડા પણ બેઠા થઈ જતાં હતા.


"પીટર કેપ્ટ્ન અને પ્રોફેસર પણ પેલા મેદાનના રાજ્યાશનમાં છે નહીંતરઆફત અંગે કંઈક તોડ જરૂર નીકળત.' જ્યોર્જે પીટર તરફ જોતાં નિરાશ અવાજે કહ્યું.


"હા.. એ ઓળાઓ રાત પૂરતા ત્યાં જ રહે તો ઠીક છે.. આ બાજુએ આવ્યા તો મારું તો કાળજુ ફાટી જશે..' ક્રેટી એકદમ રડમસ અવાજે બોલી.


ત્યાં વળી કાળજા કંપાવી નાખે એવી વિચિત્ર ચીસ સંભળાઈ.


એ ચીસ સાંભળીને બધા હલબલી ઉઠ્યા. ક્રેટી તો એટલી ડરી ગઈ કે પીટરને ભેંટી પડી. એન્જેલાએ પણ ડરના માર્યા પોતાના હાથની હથેળી વડે બન્ને કાન દાબી દીધા. પીટરે ઝડપથી બારી બહાર જોયું. તો ત્રણ ચાર કાળા ઓળા પુલ ઉપર નીચે પડેલા એક ઓળાની આસપાસ વીંટળાઈને ઉભા હતા.


"જ્યોર્જ એ તરફથી આવતી ચીસમાં વેદના છે.. નક્કી ત્યાં કંઈક અઘટિત ઘટના આકાર લઈ રહી છે..' પીટરે જ્યોર્જ તરફ જોઈને કહ્યું. પીટરના અવાજમાં ભારો ભાર વિષાદ છવાયેલો હતો.


"ત્યાં.. અઘટિત ઘટના...!! જ્યોર્જના અવાજમાં નવાઈના ભાવો હતા.


"હા.. મને લાગી રહ્યું છે કે.. એ કાળા ઓળાઓ કોઈક પ્રાણીઓના છે.. અને તેઓ પુલ ઉપર કોઈક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે..' પીટર બધા સામે જોઈને બોલ્યો. બધા અવાચક બનીને પીટરની વાત સાંભળી રહ્યા હતા.


ત્યાં ભયાનક કડાકો થયો. અને અનેક વિચિત્ર વેદનાભરી ચીસોથી આજુબાજુનું વાતાવરણ ગુંજી ઉઠ્યું.. પીટરે બહાર જોયું તો વીજળીના ચમકારા બંધ થઈ ચુક્યા હતા એટલે બહાર પુલ તરફ અંધારા સિવાય કંઈ જ દેખાઈ રહ્યું નહોતું.


શું થયું હશે..? બધા એકબીજા સામે ફાટી આંખે જોઈ રહ્યા..


(ક્રમશ)