Saahasni Safare - 2 books and stories free download online pdf in Gujarati

સાહસની સફરે - 2

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૨ : કાળા ઘોડાના કાળા અસવાર

રૂપા ચાંચિયાઓના હાથમાં પડી છે.

એની સખી સોના પણ પકડાઈ છે.

ચાંચિયા એમને ગુલામ તરીકે વેચવાના છે. દૂર દખ્ખણના દેશમાં લઈ જવાના છે.

એ બધી વાતો વીરસેને શેઠ જયસેનને કરી. શેઠ જયસેન બહાદુએ આદમી હતા. જુવાનીમાં એમણે સાતસાત સાગરની ખેડ કરી હતી. હજુ એમની ખુમારી ઓર જ હતી. એ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘બેટા વીરસેન ! અમે રૂપાને છોડાવવા જઈશું.’

પણ વીરસેન કહે, ‘તમારાથી ન જવાય, પિતાજી ! તમારી મોટી ઉંમર થઈ. તમારે હવે શાંતિ અને આરામનું જીવન ગાળવું જોઈએ. રૂપાને છોડાવવા તો અમે જ જઈશું.’

શેઠ કહે, ‘અમને જવા દો, બેટા ! ચાંચિયાઓ સાથે લડાઈ થઈ જાય ને અમને કાંઈ થઈ જાય તો ય વાંધો નથી. અમે ખર્યું પાન કહેવાઈએ. તમારે તો હજુ આખું જીવન જીવવાનું છે.’

વીરસેન કહે, ‘બાપુ ! રસ્તો કપરો છે. ચાર દિવસમાં તો પહોંચવાનું છે. તમારા વૃદ્ધ દેહથી એ મુસાફરીનો માર નહિ વેઠાય. માટે અમને જવા દો. અમે જુવાન છીએ. આવી દોડાદોડી અમને જ ફાવે.’

શેઠ વિચારમાં પડી ગયા. ઘણી વાર સુધી આંખો બંધ કરીને ધ્યાન ધરી રહ્યા. અંતે આંખો ખોલીને કહે, ‘ભલે વીરસેન ! તમે જાવ. તમે વીર છો, ધીર છો અને બુદ્ધિશાળી છો. તમે જરૂર તમારા કામમાં સફળ થશો. જાવ, ફત્તેહ કરો. પણ કોઈ વિકટ સંકટ ન ઉઠાવશો. અમારી એકની એક દીકરી તો ગઈ છે. એકનો એક દીકરો પણ...’

એટલું કહીને શેઠ અટકી પડ્યા. આગળ બોલાયું નહિ. ગળે ડૂમો ભરાઈ આવ્યો. આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી.

વીરસેન એમની પાસેથી જતો રહ્યો. સામે ઊભો રહે તો શેઠના દુઃખ અને વિલાપનો પાર ન રહે. વીરસેનને જોઈજોઈને એમના મનમાં દુઃખ વધી જાય.

એ તો સીધો ગયો પોતાના ખંડમાં. ત્યાંથી એક હજાર સોનામહોરો લીધી. એક વાંસળીમાં એ મહોરો ભરી લીધી. એ જમાનામાં પાકિટ નહોતાં. લોકો પૈસા વાંસળીમાં ભરીને લઈ જતા. વાંસળી એટલે કપડાની સાંકળી લાંબી થેલી. એમાં એકએક કરીને સોનામહોર ભરાય. પછી એ વાંસળીને કમરે બાંધી ઉપર પછેડીનો કમરબંધ બાંધી લેવાય. વાંસળી પડે નહિ. જતાં-આવતાં લોકોને વાંસળી દેખાય નહિ. પૈસા સલામત રહે, જ્યારે જરૂર પડે ત્યારે વાંસળીના મોંમાંથી એકએક કરીને મહોર બહાર સેરવી શકાય.

વીરસેને વાંસળી કમરે બાંધી લીધી. પછી ઉપર મજબૂત ભેટ બાંધી. ભેટમાં શિરાઝી તલવાર ભરાવી. બબ્બે અણિયાળા જમૈયા ભરાવ્યા. એટલાં શસ્ત્રો સજીને એ ઘરની બહાર નીકળી ઘોડારમાં ગયો. ઘોડારમાં અનેક ઘોડા બાંધેલા હતા. બધાં એકએકથી ચડિયાતા. પણ બધામાં વીરસેનને ગમે એક કાળો ઘોડો. એનું નામ શરગતિ રાખેલું. શર એટલે તીર. ગતિ એટલે ઝડપ. તીરની ઝડપે દોડે એવો એ ઘોડો. એટલે એનું નામ શરગતિ.

વીરસેને શરગતિને પલાણ્યો. પોતે એના પર સવાર થઈ ગયો. અને ચાલી નીકળ્યો. બા-બાપુ સિવાય કોઈને કશી વાત નથી કરી. કોને ખબર, વાત ગામમાં ફેલાયા પછી કોનાય કાને પહોંચે. અને આવડા મોટા નગરમાં ચાંચિયાના જાસૂસો પણ કદાચ રહેતા હોય !

રાતનો વખત હતો. ભેંકાર અંધકાર ચારેકોર પ્રસરેલો હતો. આભમાં તારા ટમટમતા હતા. ધરતી જાણે કાળી પછેડી ઓઢીને સૂતી હતી. કાળાંભમ્મર ઝાડ ભૂતાવળ જેવાં લાગતાં હતાં.

એવી કાળી રાતે વીરસેન ચાલી નીકળ્યો.

શરગતિ શાણો ઘોડો. એને એડી મારવાની જરૂર નહિ. ચાબુક વીંઝવાની જરૂર નહિ. લગામ ખેંચવાની જરૂર નહિ. અસવારના પગ પરથી, પગની હિલચાલ પરથી, હાથના હલનચલનથી, શરીરના વળાંકથી સમજી જાય કે કેવી ઝડપે જવાનું છે. કેવા રસ્તે જવાનું છે. ક્યારે દોડવાનું છે, ક્યારે ચાલવાનું છે, ક્યારે થોભવાનું છે અને ક્યારે કૂદવાનું છે.

શરગતિ સમજી ગયો. વીરસેન ઉતાવળમાં છે. એટલા માટે જ એ ધનુષની પણછની જેમ ટટ્ટાર બેઠો છે. એટલા માટે જ એના પગ આઘાપાછા આઘાપાછા થયા કરે છે.

એટલે શરગતિ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો. પણ થોડી વારમાં વીરસેનની બેસવાની ઢબ બદલાઈ. એ જરાક ઓછો તંગ બનીને, પેગડાં ટટ્ટાર કરીને બેઠો. આ નવી બેસવાની ઢબ પરથી ઘોડો સમજ્યો કે જવાનું દૂર છે. એટલે બહુ ઝડપથી દોડાય નહિ. એમ તડામાર દોડે તો થોડા વખતમાં થાકી જાય. હાંફી જાય. પછી તો દોડવાનું દૂર રહે, ચાલી પણ ન શકાય.

એટલે મધ્યમ ગતિએ શરગતિ દોડવા લાગ્યો...

એમ મુસાફરી કરતાં, થાકતાં, બેસતાં, થોડી ઊંઘ લેતાં, જરા જમતાં ઘોડો ને ઘોડેસવાર ચાલ્યા જાય છે.

બે દિવસ વીતી ગયા છે. ત્રીજા દિવસની સાંજ પડી છે. અંધારાં ઊતરવા માંડ્યાં છે. વનનો મારગ છે. ઝાડી ને ઝાંખરાં છે. જંગલી પશુઓના અવાજો સંભળાય છે. તાજાં જ માળે આવેલાં પક્ષીઓ કલબલ કરે છે.

શરગતિ થાકી ગયો છે. એ ધીમોધીમો ચાલે છે. વીરસેન રાતનો આશરો શોધે છે. ક્યાંય કોઈ ગામ દેખાતું નથી. કોઈ મકાન દેખાતું નથી. ચારેકોર નજર ફેરવે છે.

એટલામાં બાજુની ઝાડીમાં કશોક સંચાર થયો.

સમજુ શરગતિએ કાન માંડ્યા. વીરસેને નજર માંડી. જો ભય જેવું જણાય તો છુપાઈ જવાની કે નાસી છૂટવાની એની તૈયારી હતી. પરંતુ એવી કશી તક જ વીરસેનને મળી નહિ. સાંજના અંધારામાં, અંધારિયાં ઝાંખરાં પાછળથી ચાર ઘોડેસવાર નીકળી આવ્યા. એકે પડકારો કર્યો, ‘ઠહેરો !’

શરગતિની નસેનસ તંગ થઈ ગઈ. એ ભય પારખી ગયો. માલિકનો હુકમ મળે કે તરત પૂરી ઝડપે ભાગવા તૈયાર થઈ ગયો.

પણ માણસ સમજે તે ઘોડો ન સમજે. માણસની બુદ્ધિની તોલે કોઈ પ્રાણીની બુદ્ધિ ન આવે. એટલે જ માણસ સૌ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. એટલે જ માણસનું પ્રાણીસૃષ્ટિ પર રાજ છે.

વીરસેન માણસ હતો. એ પોતાની મુશ્કેલ દશા સમજી ગયો. ભાગવાનો અર્થ નહોતો. શરગતિ થાકેલો હતો. થાકેલો ઘોડો લાંબું દોડી શકે નહિ. દુશ્મનના ઘોડા તાજા હતા. થોડી વારમાં તો એ શરગતિને આંબી જાય.

ભાગવાનું શક્ય નહોતું, તેમ લડવાનું પણ અશક્ય જ હતું. પોતે એકલો હતો. ત્રણ ત્રણ દિવસના સતત પ્રવાસથી શરીર થાકેલું હતું. હાથ-પગ અકડાયેલા હતા. પોતે એકલો હતો. સામે ચાર જણ હતા.

એટલે વીરસેને લડવાનો વિચાર પણ માંડી વાળ્યો. શાણા માણસ એમ જ કરે. જ્યાં ઘા ખાલી જવાનો સંભવ દેખાય ત્યાં ઘા જ ન કરે. જ્યાં હારવાની શક્યતા હોય ત્યાં હરીફાઈ જ ન આદરે.

લડાઈનું પરિણામ તો ખરાબ પણ આવે. કદાચ પોતે ઘાયલ થાય. કદાચ મરાય. તો બહેનીને કોણ છોડાવે ? રૂપા જીવનભર માટે કોઈની ગુલામી કરતી રહે. પણ પોતે જીવતો રહે તો કદાચ છૂટવાનો કોઈ ઉપાય કરી શકે. પછી બહેનને છોડાવવા પણ કીમિયો ગોઠવી શકાય.

ઘડીના પલકારામાં વીરસેનના મનમાં આ બધા વિચાર રમી ગયા. એણે શરગતિને ઊભો રાખી દીધો. પોતાના હાથ તલવારથી દૂર રાખ્યો. લૂંટારાઓને એમ ન થાય કે એ લડવા માગે છે.

ચારે ઘોડેસવાર ધીરે ધીરે આગળ આવ્યા. ચારે જણે કાળા ઘોડા પર સવારી કરી હતી. કાળો વેશ પહેર્યો હતો. કાળી પાઘડીઓ બાંધી હતી. આંખોએ કાળી પટ્ટીઓ બાંધી હતી. એમના વેશ પરથી ચોખ્ખું જણાતું હતું કે એ લૂંટારા હતા. લૂંટારાઓ જ પોતાની આંખે કાળી પટ્ટી બાંધતા હોય છે.

એક લૂંટારો જરા આગળ આવ્યો. કહે, ‘ચાલો અમારી સાથે.’

વીરસેન કહે, ‘ક્યાં ?’

લૂંટારો કહે, ‘અમે લઈ જઈએ ત્યાં.’

વીરસેન કહે, ‘અમે તમારી સાથે નહિ આવીએ. અમારે ઘણી ઉતાવળ છે. જુઓ, અમારી પાસે આ હજાર સોનામહોરો છે. એ તમે લો અને અમને જવા દો.’

એમ કહીને એણે કમરબંધ છોડ્યો. નીચેથી સોનામહોરો ભરેલી વાંસળી છોડી અને લૂંટારા તરફ ફેંકી. લૂંટારાએ ઝીલી લીધી. પણ છતાં એ બોલ્યો, ‘તમને અમે જવા નહિ દઈએ. અમારી સાથે લઈ જઈશું.’ પછી પોતાના સાથીદારોને કહે, ‘સાથીઓ, બાંધી દો આપણા કેદીને.’

લૂંટારાઓએ લાંબાં દોરડાંથી વીરસેનના હાથ પીઠ પાછળ બાંધી દીધા. કમર અને પગ શરગતિના પેટ સાથે બાંધી દીધા. પછી શરગતિની લગામ પકડીને ચાલી નીકળ્યા.

વીરસેન કહે, ‘ભાઈઓ ! અમારી વિનંતી માનો. અમને છોડી દો. અમે તમને હજાર સોનામહોરો તો આપી છે. હવે શું કામ અમને પકડી રાખ્યા છે ? અમારાં બહેનને છોડાવવા અમારે ઘણે દૂર જવાનું છે. મહેરબાની કરો. જવા દો. તમે લૂંટારા છો, તમને લૂંટ મળી ગઈ. હવે મને શા માટે ખોટી કરો છો ?’

પણ લૂંટારાઓએ એની એકે વાત સાંભળી નહિ. એ ચારે તો જાણે કાળા પથ્થરનાં પૂતળાં હોય તેમ આગળ ને આગળ વધતા રહ્યા.

એમ કલાકેક સુધી મજલ ચાલુ રહી, ત્યારે વનની વચ્ચે એક સાંકડું મેદાન દેખાયું. મેદાનમાં થઈને એક નાનકડું ઝરણું વહેતું હતું. એના કિનારે દસબાર તંબૂ તાણેલા હતા. તંબૂઓની પાસે પચાસેક ઘોડા બાંધેલા હતા. એ ઘોડા પણ કાળા હતા અને તંબૂય કાળા હતા.

બધું કાળુંકાળું જોઇને વીરસેન નવાઈમાં ડૂબી ગયો. આ બધા કાળો રંગ જ કેમ પસંદ કરતા હશે, એ એને સમજાયું નહિ. કોઈ અજબ જાતના લૂંટારા હતા, એ લોકો !

એમના કાળા તંબૂઓમાં એક તંબૂ સૌથી મોટો હતો. એની અંદર મોટામોટા દીવા બળતા હતા. લૂંટારાઓએ તે તંબૂ પાસે જઈને ઘોડા થોભાવ્યા. ચારે લૂંટારા નીચે ઊતર્યા. વીરસેનના પગ અને કમરનાં બંધન છોડ્યાં. હાથને પાછલ બાંધેલા જ રાખ્યા. પછી એને ખેંચીને શરગતિ પરથી હેઠો ઉતાર્યો. એક જણ શરગતિને ક્યાંક ઘાસચારાવાળી જગાએ બાંધવા લઈ ગયો. બાકીનાં ત્રણેયે વીરસેનને પકડી રાખીને મોટાં તંબૂમાં દોર્યો.

એ મોટા તંબૂની અંદરનો ભાગ પણ સરસ રીતે શણગારેલો હતો. અંદર રંગરંગીન કાચના ઢાંકણવાળા દીવા બળતા હતા. ભાતભાતનાં હથિયાર સરસ રીતે ગોઠવીને લટકાવેલાં હતાં.

કાળા રેશમની ધજાઓનાં તોરણ ચમકતાં હતાં. મોટામોટા ગાદીતકિયા બિછાવેલા હતા. એ પણ કાળા રેશમનાં જ બનાવેલાં જણાતાં હતાં.

એ બધાં ગાદીતકિયાની વચ્ચે એક ડોસો બેઠો હતો. શરીરે એ ઠિંગુજી જણાતો હતો. ઉંમરે પાકટ હતો. બકરાની દાઢી જેવી નાનકડી એની દાઢી હતી. ઝીણી ચકળવકળ આંખો હતી. નાનું કપાળ હતું. ઊંચા ગાલ હતા. લાંબી મૂછો હતી. એના દેખાવ પરથી એ કોઈ સારો માણસ લાગતો નહોતો. શાણા માણસો સામા માણસને જોતાં જ એની પરીક્ષા કરી લે છે. સામેનાની આંખો પરથી એનો સ્વભાવ પારખી લે છે. વીરસેને પણ આ ડોસાની ઝીણી આંખો જોતાં જ એને પારખી કાઢ્યો. એ વિશ્વાસુ માણસ નહોતો. એના હૃદયમાં નર્યું ઝેર ભર્યું હતું અને એ ઝેર એની ઝીણી આંખોમાં વરતાતું હતું. પણ એના ગાલ ઊંચા હતા. એટલે કે એ કપટબુદ્ધિમાં મામા શકુનિ જેવો પાવરધો હતો.

ડોસો ગાદીતકિયા વચ્ચે આરામથી બેઠોબેઠો હોકલી પીતો હતો. પોતે જાણે ક્યાંકનો રાજા હોય એવો એણે ઠાઠ રાખ્યો હતો. પણ એ ખોટો દેખાવ હતો. એવા ઠાઠને લાયક એ માણસ નહોતો, એટલું સમજી જતાં વીરસેનને વાર લાગી નહિ.

વીરસેન સાચું જ સમજ્યો હતો. કેમકે થોડી વારમાં જ એની ધારણા સાચી પડી. એક લૂંટારાએ ડોસાને પૂછ્યું, ‘સરદાર ક્યાં છે ?’ એટલે વીરસેન સમજી ગયો કે આ ડોસો તો સરદાર નહોતો, પણ સરદારના તંબૂમાં ઘૂસી ગયો હતો !

ડોસો કહે, ‘સરદાર બહાર ગયા છે. અને જતાં જતાં અમને એમની જગાએ મૂકતા ગયા છે.’

લૂંટારો કહે, ‘એ વાત ખોટી છે. અમે આ વાત માનતા નથી. આપણા સરદાર ભૂલ કરે એવા નથી. અને તમને પોતાને ઠેકાણે બેસાડવાની ભૂલ તો એ કરે જ નહિ.’

ડોસો ઊભો થઈ ગયો. બરાડા પાડવા લાગ્યો, ‘તમે અમારું અપમાન કર્યું છે. અમે તમને સજા કરીશું. સરદાર અમને સરદારી કેમ ન સોંપે ? અમારામાં શી ખોટ છે ? હવે તમારું આવી બન્યું સમજો !’

પણ લૂંટારો તો જરાય ગભરાયા વિના કહે, ‘અમને સજા કરવાનો તમને અધિકાર નથી. એટલે તમે બરાડા પાડશો મા. અમે તમારાથી ડરતા નથી. અમારે તો જલદી સરદારનું કામ છે.’

ડોસો ટાઢો પડી ગયો. કોઈ તમને ખોટી રીતે દબાવવા માગે અને તમે ન દબાવ તો એ આપોઆપ ટાઢો પડી જાય છે. એનો જુસ્સો ઠરી જાય છે. ગુસ્સો ગળી જાય છે. ડોસો પણ ઠરી ગયો અને બોલ્યો, ‘સરદારનું એવું શું કામ છે ?’

લૂંટારો કહે, ‘એ અમે સરદારને જ કહીશું. તમને ખબર હોય તો કહો કે સરદાર ક્યાં ગયા. નહિતર અમે કોઈ બીજાને પૂછી જોઈશું.’

એ જ વખતે તંબૂમાં એક જુવાન દાખલ થયો. એણે પણ કાળાં જ કપડાં પહેર્યાં હતાં અને કાળી જ પાઘડી બાંધી હતી.

પણ એ બધા કરતાં જુદો તરી આવતો હતો. ઊંચી પડછંદ એની કાયા હતી. સોહામણો ચહેરો હતો. મોટી તેજીલી આંખો હતી. પાતળી સરખી એની મૂછો હતી. લહેરાતાં ઝુલ્ફાંવાળા એના વાળ હતા. જાણે પરીદેશનો રૂપાળો રાજકુમાર ધરતી પર ઊતરી આવ્યો હોય એવો તેજસ્વી એ દેખાતો હતો.

એનાં કપડાં સાદાં હતાં. કમરબંધમાં એક તલવાર બાંધેલી હતી અને એક છરો ખોસેલો હતો. તે સિવાય એની પાસે બીજાં હથિયાર નહોતાં. પણ વીરસેનને સમજી જતાં વાર ન લાગી કે આ બે હથિયારોથી એ બાવીસ જણને પણ હરાવી દે તેવો હતો.

તંબૂમાં આવતાંની સાથે જ એ કહે, ‘આ બધો શો ઘોંઘાટ આદર્યો છે મારા તંબૂમાં ?’

એનો અવાજ સાંભળતાં જ બધા ચૂપ થઈ ગયા. બધા માથું નીચું ઢાળી ગયા. ઘણી વાર સુધી તો કોઈનામાં બોલવાનાય હોશ રહ્યા નહિ. આપણે કશીક ભૂલ કરતાં પકડાઈએ ત્યારે એવી જ દશા થાય છે. પેલા લૂંટારાઓની પણ એવી જ દશા હતી. એમના સરદારના તંબૂમાં એમણે તકરાર આદરી હતી. હા, પેલો સોહામણો ને બહાદુર જુવાન એમનો સરદાર હતો.

ઘણી વારે વીરસેનને કેદ પકડીને આવેલા પેલા ચારમાંથી એક જણ આગળ આવ્યો. એ કહે, ‘માફ કરો, સરદાર. અમે ભૂલ કરી છે. તમારી ગેરહાજરીમાં આ જગાએ બૂમાબૂમ કરી એ અમારો ગુનો છે. પણ અમને માફ કરો. કારણ કે કોઈ બીજાની દોરવણીથી કે ઉશ્કેરણીથી કોઈ ગુનો કરે તો એને માફ કરી દેવો જોઈએ, એવી ડાહ્યા માણસોની વાણી છે.’

સરદાર કહે, ‘તમે સારી વાત કરી છે. પણ અમને જરા કહો કે તમે કોની ઉશ્કેરણીથી ગુનો કર્યો હતો ?’

લૂંટારાએ પેલા ડોસા તરફ આંગળી ચીંધી. પછી કહે, ‘આ બુઢ્ઢા જાલીમસિંહની ઉશ્કેરણીથી.’

‘કેવી રીતે ?’

‘એ ડોસલો અહીં આપનાં ગાદીતકિયે અઢેલીને બેઠો હતો. અમને કહે કે સરદારે અમારી પોતાની જગાએ નિમણૂક કરી છે. સરદાર ગેરહાજર હોય ત્યારે જાલીમસિંહ સરદાર બને, એવી વાત છે. પણ અમારા માન્યામાં એ વાત આવી નહિ. ત્યારે એ ગુસ્સે થઈ ગયો, અને અમને મારવા દોડ્યો. પણ જૂઠા માણસ કદી હિંમતભર્યું પગલું ભરી શકતા નથી. જાલીમસિંહ અમને દબાવવા માગતો હતો. પણ અમે દબાયા વિના સામે જવાબ દેતા હતા. ત્યાં તમે આવ્યા. આમ, આ વાતમાં અમે ગુનેગાર નથી. છતાં આપ સરદાર છો. આપ અમને જે સજા કરશો તે અમે સહન કરીશું.’

એ વાત ચાલતી હતી ત્યારે વીરસેનની નજર પેલા જાલીમસિંહ પર પડી હતી. એ ડોસો ધીમે રહીને ઊભો થયો. એની ઊંચાઈ ઘણી ઓછી હતી. સાવ ઠીંગુ. અંધારા દરમાં સાપ સરકે, તેમ એ ધીમે ધીમે તંબૂની બહાર સરકી ગયો.

એટલે જ્યારે એને શોધવા માટે સરદારે આસપાસ નજર કરી ત્યારે એ દેખાયો નહિ. આથી એની શોધ પછી કરીશું; હમણાં અહીંનું કામ પતાવીએ, એમ માની એ ગાદી પર બેઠો. પછી કહે, ‘અમે તમને માફ કરી દીધા. ઊલટાનું તમને ઇનામ આપીશું, કેમ કે તમે આપણા સૌથી મોટા શત્રુને પકડ્યો છે. મને અહીં આવતાં આવતાં જ આપણા સાથીઓએ સમાચાર આપ્યા કે તમે આખરે ગુમાનને પકડવામાં સફળ થયા છો. શાબાશ !’

એટલું કહીને સરદાર વીરસેનની સામે લાંબા વખત સુધી તાકી રહ્યો. પછી કહે, ‘ગુમાનસિંહ ! તમને શા માટે પકડવામાં આવ્યા છે, એ તો તમે જાણતા જ હશો !’

વીરસેન નવાઈ પામ્યો. સરદાર પોતાને ગુમાનસિંહ કહીને કેમ બોલાવતો હશે ?

વીરસેન કહે, ‘ભાઈ, મારું નામ ગુમાનસિંહ નથી. હું વીરસેન છું.’

સરદાર એકદમ ગુસ્સામાં આવી ગયો. અડધો ઊભો થઈને રાડ પાડી ઊઠ્યો, ‘ચૂપ, નાલાયક ! મરતાં મરતાં પણ જૂઠું બોલ્યા વિના તને ચાલતું નથી ? અમારી પ્રતિજ્ઞા જગજાહેર છે. તને પકડ્યા પછી એક જ કલાકમાં તને ફાંસીએ ચડાવવો એવું અમે જાહેર કરેલું છે. બરાબર એક કલાક પછી તને અમે ફાંસીએ ચડાવવાના છીએ. એટલા વખત માટે તો સાચું બોલ !’

જ્યારે અણધારી રીતે કશુંક સાંભળવા મળે ત્યારે માણસ ડઘાઈ જાય. સ્તબ્ધ થઈ જાય. ચૂપ થઈ જાય. શું બોલવું તે જ સૂઝે નહિ.

વીરસેનની દશા પણ અત્યારે એવી જ હતી. એને શું બોલવું તે જ સમજાયું નહિ. હા, એ એટલું સમજ્યો ખરો કે આ ગુમાનસિંહ પર આ સરદાર અને એના માણસોને ભારે ગુસ્સો છે. એ પકડાય કે તરત એને ફાંસીએ ચડાવવાની તૈયારી છે !

વીરસેનને સાંજે એક વાર તો મોતની ઝાંખી થઈ હતી. ચાર લૂંટારાઓ સામે એ એકલો આવી ગયો હતો અને લૂંટારાને સોનામહોરો લૂંટવામાં નહિ પરંતુ પ્રાણ લૂંટવામાં રસ હોય એવું લાગ્યું હતું. પણ એ વખતે પોતે લડાઈ વહોરી નહોતી. મોતને નિવાર્યું હતું.

પણ બે કલાકમાં તો મોત ફરી પાછું એનું બિહામણું ડાચું ફાડીને એની સામે આવી ઊભું !

માંડમાંડ જરા કળ વળી ત્યારે વીરસેન કહે, ‘સરદાર ! હું તો એક મુસાફર છું, અને મારે જલદી પણ્યબંદર પહોંચવાનું છે. હું તમારા આ ગુમાનસિંહને ઓળખતો પણ નથી. માટે મહેરબાની કરી મને જવા દો.’

સરદાર ફરીથી ગર્જ્યો, ‘ચૂપ, બદમાશ ! તને છોડી દઉં ? તને ફરી પાછો જુલમ, ક્રૂરતા, ખૂનામરકી આચરવા માટે છૂટો કરું ? એ નહિ બને ! મારી પાસે તારી બનાવટ નહિ ચાલે. તું મુસાફર છે ? હા, મુસાફર ખરો, પણ અત્યારે નહિ. એક કલાક પછી અવશ્ય તું મુસાફર બનશે – નરકનો !’

વીરસેન કહે, ‘અમે બનાવટ કરતા નથી. સાચું કહીએ છીએ. અમારી બહેનને ચાંચિયા ઉપાડી ગયા છે. પણ્યબંદરમાં એને ગુલામ તરીકે વેચવાના છે, એવા અમને ખબર મળ્યા છે. એટલે અમે ત્યાં જવા નીકળ્યા છીએ. કૃપા કરીને અમારી વાત માનો. અમે એક મોટા શેઠના દીકરા છીએ. તમને જોઈતી હોય તો ઘણી સોનામહોરો અમે પાછા ફરીને મોકલાવીશું.’

એ સાંભળીને સરદાર ખડખડાટ હસી પડ્યો. ‘અમારે સોનામહોરો નથી જોઈતી, ગુમાનસિંહ ! અમારે તો અમારી આઝાદી જોઈએ છે.’

પછી સરદારે તાળી પાડીને કહ્યું, ‘લઈ જાવ આ કૂતરાને, અને એક કલાક પછી એને એકાદ ઝાડની ડાળીએ લટકાવી દેજો.’

વીરસેન નિરાશ થઈ ગયો. અહીં તો બધા એને ગુમાનસિંહ જ માનતા હતા. એના પ્રાણ જ હરવા માગતા હતા. કોણ જાણે કોણ હતો આ ગુમાનસિંહ ? શા માટે આ લોકો એના લોહીના આટલા તરસ્યા હતા ?

એવા વિચારો કરતો વીરસેન પેલા લૂંટારાઓનો દોરાયો તંબૂમાંથી બહાર નીકળ્યો.