Saahasni Safare - 5 books and stories free download online pdf in Gujarati

સાહસની સફરે - 5

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૫ : ઝકમન કબુડીબાબા

બહેની રૂપા અને સખી સોનાને છોડાવવાની એક નાવી યુક્તિ વીરસેને ઘડી કાઢી.

જઈને ઊભો રહ્યો એક હકીમને ઘેર.

હકીમસાહેબે પૂછ્યું, ‘કોણ છો ? કેમ આવ્યા છો ?’

વીરસેન કહે, ‘અમે મુસાફર છીએ અને આપની પાસે એક દવા બનાવડાવવા આવ્યા છીએ.’

હકીમ કહે, ‘બોલો, શા દરદની દવા જોઈએ છે ? હા, અમે અરબસ્તાન દેશના બડા હકીમ છીએ. બધાં દરદની દવા અમે જાણીએ છીએ. તમને શાનું દરદ છે ?’

વીરસેન કહે, ‘અમને કશું દરદ નથી. વળી અમે દરદની દવા લેવા આવ્યા નથી. અમારે બીજી જ જાતની વસ્તુ જોઈએ છે. જો આપ એ વસ્તુ આપો તો જીવનભર આપનો ઉપકાર નહિ ભૂલીએ.’

હકીમ કહે, ‘તમે કોઈ અજબ માણસ લાગો છો, પરદેશી ભાઈ ! લોકો વાળ કપાવવા નાયી પાસે જાય છે. જૂતાં સિવડાવવા મોચી પાસે જાય છે. ઘરેણાં ઘડાવવા સોની પાસે જાય છે. મરેલાને દાટવા ઘોરખોદિયા પાસે જાય છે અને દરદની દવા લેવા હકીમ પાસે જાય છે. વગર મફતનું કોઈની પાસે કોઈ જતું નથી. હા, અમે અરબસ્તાનના બડા હકીમ છીએ. અમે કદી તમારા જેવું માણસ દીઠું નથી, જે હકીમની પાસે દવા લેવા નહિ પણ કશુંક બીજું લેવા માટે આવ્યું હોય.’

વીરસેન કહે, ‘હકીમભાઈ ! તમારા ભાઈને કોઈ મારી નાખે તો તમે મરનારની પાછળ જતા નથી. કાજી પાસે જાવ છો. તમારાં નાણાં કોઈ લૂંટી જાય તો કોટવાળ પાસે જાવ છો. છોકરાને કોઈ મારે તો એ મા પાસે રડતું રડતું જાય છે. એમ જેને ઔષધની જરૂર હોય તે હકીમ પાસે જાય છે.’

હકીમ કહે, ‘ત્યારે તો તમારું કોઈ સગુંવહાલું બીમાર હશે. એને માટે ઔષધ લેવા તમે અમારી પાસે આવ્યા હશો. ભલે, ભલે. બોલો, કેવું ઔષધ જોઈએ છે ? હા, અમે દેશ અરબસ્તાનના બડા હકીમ છીએ. જાતજાતની જડીબુટ્ટીઓ અને અલકમલકનાં ઔષધ અમે રાખીએ છીએ.’

વીરસેન કહે, ‘તો અમને એવું ઔષધ આપો કે માણસ બે દિવસ માટે બેભાન થઈ જાય. એનો શ્વાસ પણ ન ચાલે. એ મરી ગયું હોય એમ જ લાગે. પણ એક બીજું ઔષધ એવું આપો કે અમે એના મોંમાં એ ઔષધ રેડીએ એટલે તરત આળસ મરડીને ઊઠે.’

હકીમ કહે, ‘વાહ ભાઈ ! તમારા જેવો ઔષધની પરીક્ષાવાળો માણસ અમને મળ્યો નથી. કોઈ તાવતરિયાની દવા માગે છે. કોઈ તરવારના ઘા રુઝાવવાની દવા લઈ જાય છે. એમાં અમારી વિદ્યાની કસોટી થતી નથી. અમારી દવાની કસોટી થતી નથી ! પણ આજ તમે અઘરું ઔષધ માગ્યું. એ અમને ગમ્યું. અમારી વિદ્યાની કદર થઈ. હા, અમે અરબસ્તાનની જબરીજબરી જડીબુટ્ટીઓ રાખનારા બડા હકીમ છીએ. તમારે જરૂર છે એવી દવા અમે બનાવી આપીશું. એમાં અડધો કલાક લાગશે. અને તમે અમારી કદર કરી છે, એટલે તમારી પાસેથી અમે આ ઔષધના પૈસા નહિ લઈએ. કહ્યું છે કે નાયી નાયીની પાસે બનવાઈ ન લે, ધોબી ધોબીની પાસે ધુલવાઈ ન લે. તેમ અમે વિદ્યાવાન છીએ. તમે વિદ્યાવાન છો. તમારી પાસેથી અમારી વિદ્યાની કશી કિંમત નહિ લઈએ.’

વીરસેન કહે, ‘ભલે, અત્યારે એમ રાખો. પણ જો અમારું કામ સફળ થશે અને અમે સહીસલામત અમારે ઘેર પહોંચીશું તો તમે જિંદગીભર યાદ કરો એવી ચીજ મોકલી આપીશું. હાલ તો અમે જઈએ છીએ. અડધા કલાકમાં પાછા આવીશું.’

એમ કહીને વીરસેન ગયો. ગયો સીધો બજારમાં.

બજારમાં એક કપડાંની દુકાન. ત્યાંથી ઈરાન દેશના હકીમો પહેરે તેવો લાંબો ઝભ્ભો ખરીદ્યો. ઈરાન દેશનું કુરતું ખરીદ્યું. ઈરાની જામો ખરીદ્યો. ઈરાની પાઘડી લીધી. બનાવટી દાઢી લઈને પહેરી. ચમચમતાં ઈરાની જૂતાં પહેર્યાં.

પછી બીજી દુકાને ગયો. ત્યાંથી દવાની બે-ચાર પેટીઓ લીધી. પેટીઓમાં નાની-મોટી ઘણી શીશીઓ મૂકી. એમાં રંગરંગનાં પાણી ભર્યાં. દવા જેવો દેખાવ થઈ ગયો.

એક દુકાનેથી વૈદકની જૂની ચોપડીઓ ખરીદી.

એ પછી એક અડિયલ, ઘરડું, ટાયડું ટટ્ટુ ખરીદ્યું. એ ટટ્ટુની ઉપર પેલી બનાવટી દવાની પેટીઓ લાદી. કપડાં લાદ્યાં. જૂનીપુરાણી વૈદકની ચોપડીઓ લાદી.

એમ કરતાં અડધો કલાક થઈ ગયો.

એક વીશીવાળાને ત્યાં શરગતિને બાંધ્યો. એને સાથે લઈ જાય તો કોઈ ઓળખી પાડે. એ વીશીવાળાને એની સોંપણી કરી. એના ઘાસચારા માટે વીશીવાળાને થોડા પૈસા આપ્યા. થોડા પૈસા પોતે પાછા ફરીને આપવાનું વચન આપ્યું. છતાં ન આવી શકે તો આ જાતવાન ઘોડો કોઈ સમજુ માણસને વેચવાની વાત કરી. દરમિયાનમાં એની સારસંભાળ રાખવાની વિનંતી કરી.

પછી પહોંચ્યો પેલા અરબસ્તાનના હકીમજીને ઘેર.

હકીમજીએ દવાઓ તૈયાર જ રાખી હતી.

કઈ દવા ઊંઘની છે અને કઈ દવા જાગવાની છે, એ હકીમજીએ વીરસેનને સમજાવી દીધું.

એ શીશીઓ ઉપર ખાસ નિશાની કરીને વીરસેન ચાલી નીકળ્યો.

આ વખતે એને ઠાકોર શ્યામસિંહને મહેલે પહોંચતાં પૂરા બે દિવસ લાગ્યા. તીરને વેગે દોડનારો શરગતિ આ વખતે સાથે નહોતો. ઘરડું અડિયલ ટટ્ટુ દોરીને પગે ચાલતાં જવાનું હતું. કારણ કે એ ટટ્ટુની પીઠ ઉપર તો કોઈ મોટા વૈદ્યનો હોય એવો બધો સામાન લાદેલો હતો.

પણ આ વખતે વીરસેન આનંદમાં હતો. કારણ કે આ વખતે એને કોઈ ઓળખી શકે તેમ નહોતું. એવો કુશળ વેશપલટો એણે કર્યો હતો. માથે ઈરાની પાઘડી પહેરી હતી. વાળને પણ ખડી લગાવીને થોડા ધોળા કરી નાખ્યા હતા. ચહેરા પર આછો કાળો રંગ લગાવી દીધો હતો. લાંબી દાઢી પહેરી હતી. દાઢી એવી તો બંધબેસતી આવતી હતી કે સાવ નજીકથી જોનાર પણ પારખી ન શકે કે આ બનાવટી દાઢી છે. વળી એણે લાંબો ડગલો પહેર્યો હતો. પગમાં ઈરાની જૂતાં ચમચમતાં હતાં.

ના. આ વેશમાં એને કોઈ પારખે તેમ નહોતું. એટલે એ આનંદમાં હતો અને ગીત ગાતો જતો :

નામ અમારું ઝકમન કબૂડીબાબા !

દેખી અમને દુઃખદરદ કોઈ ના રહે ખડા !

લાંબી દાઢી, લાંબો ડગલો, જૂતાં લાંબાં !

દેશ ઈરાનના છીએ અમે હકીમજી બડા !

જોયાં અમે મદીના, મક્કા અને કાબા !

નામ અમારું ઝકમન કબૂડીબાબા !

ઈરાન દેશમાં લુકમાન નામના બડા હકીમ થઈ ગયા. આપણા ધન્વન્તરિ કે ચરક કે સુશ્રુત જેટલું ઈરાનમાં લુકમાનનું માન છે. એ હકીમના નામ જેવું જ પોતાનું નામ વીરસેને રાખી દીધું. એ નામને લઈને એક જોડકણું રચી કાઢ્યું અને એ જોડકણું લલકારતો લલકારતો એ ઠાકોર શ્યામસિંહના રહેઠાણ ભણી ચાલ્યો.

આખરે જ્યારે એ ઠાકોર શ્યામસિંહને મહેલે પહોંચ્યો ત્યારે શ્યામસિંહ તો એનું નામ સાંભળીને જ હેબતાઈ ગયો. આવડું મોટું નામ ? તો એ નામવાળો માણસ કેવડો મોટો હશે !

વીરસેન કહે, ‘અગડંબગડં તં ઝઘડં મં તર !’

શ્યામસિંહ કહે, ‘એ શું બોલ્યા, હકીમજી ?’

વીરસેન કહે, ‘અમે ઈરાન દેશના બડા હકીમ. અમે અમારી ભાષામાં કહ્યું કે તમારા શરીરને અગવડ ન થાવ. તમારા શરીરમાં બગાડ ન થાવ. તમારે કદી ઝઘડો ન થાવ. એવો આશીર્વાદ અમે આપ્યો. હા, અમે તો બડા હકીમ !’

શ્યામસિંહ કહે, ‘વાહ, વાહ ! આપ તો ભારે વિદ્વાન લાગો છો. અમારી ભાષામાં જે બોલતાં પાંચ ઘડી લાગે તે એક જ ઘડીમાં બોલી નાખો છો. વાહ, વાહ ! તમારા જેવા વિદ્વાન હકીમનો તો સત્સંગ કરવો જોઈએ. ઝુડીબાબા... અરે ઝકૂડીમનબાબા... માફ કરજો, તમારું મહાન નામ બોલતાં ય અમને તો ફાવતું નથી. પણ બૂડીઝાબા ! આજનો દિવસ અમારા મહેમાન બનો. અમને તમારી મુસાફરીની વાતો કહો.’

વીરસેન કહે, ‘સગડ હિન્દવં તં સં સન્તં !’

શ્યામસિંહ કહે, ‘એ વળી શું ?’

વીરસેન કહે, ‘અમે સગવડભરી જિંદગી છોડીને હિન્દુસ્તાનનાં લોકનાં દુઃખદરદ શાંત કરવા આવ્યા છીએ. તમારાં દુઃખદરદની વાત પણ અમને કહેજો. અમારાથી બનતી મદદ અમે જરૂર કરીશું.’

શ્યામસિંહ કહે : ‘ભલે ભલે. વાહ વાહ ! આપના જેવા વિદ્વાન હકીમ અમારી આટલી ચિંતા કરે છે ! અહોભાગ્ય અમારાં ! આવો, આવો. સાંજનો વખત છે. વાળુવેળા છે. જામી લઈએ.’

વીરસેન કહે, ‘ભલં ખશન્તં. એટલે કે ભલે, આપની ખુશી જોઈ અમે ખુશી થયા છીએ.’

અને પછી એવી જ ખુશખુશાલ રીતે બંને જણા સાથે બેસીને જમ્યા. જમતાં જમતાં વીરસેને પોતાની લાંબી સફરનું બનાવટી અગડંબગડં ઝગડંસમન્તં ચલાવ્યે રાખ્યું. બિચારો શ્યામસિંહ એને મહાવિદ્વાન હકીમ માની બેઠો હતો. એ તો વીરસેનની દરેક વાત સો ટચના સોના જેવી સાચી માનતો હતો. હા, હા અને વાહ, વાહ કર્યે જતો હતો. એ જોઈને વીરસેનને ભારે રમૂજ પડતી હતી. ઘણી વાર એની મૂરખાઈ પર હસી પડવાનું મન થતું હતું. પણ હસવાનો એ પ્રસંગ નહોતો. જીવનમાં ઘણી વાર દુઃખમાં હસતું મોં રાકવું પડે છે. ઘણી વાર ખુશીમાં ગંભીર બની બેસવું પડે છે. વળી, આ શ્યામસિંહ બદમાશ માણસ હતો. આમ મૂરખ હતો, પણ આમ દુષ્ટ હતો. એની સાથે હસી જ ન શકાય.

વીરસેને પણ ગંભીર ચહેરે લકડઝકંતં સમરફકંતં ઝીંક્યે રાખ્યું અને શ્યામસિંહ પર પોતાની હોશિયારીની અને વૈદકવિદ્યાની પાકી છાપ પાડી દીધી.

શ્યામસિંહને એના પર વિશ્વાસ ઠસી ગયો. એ કહે, ‘ઝમબાબા.....અરે...ઊંહ કનડાબા.....ખેર, જવા દો. તમારું મહાન નામ અમારી જીભે નહિ ચડે. અમારી તમને એક નમ્ર અરજ છે.’

વીરસેન કહે, ‘વચનં તરં સલાકં; એટલે કે તમારાં વચન લાખ લાખ રૂપિયાનાં છે. કહો. તમારી શી સેવા કરીએ ?’

શ્યામસિંહે કહે, ‘અમારાં ગુલામોની નાડી જુઓ. એમાં કોઈ માંદુ હોય તો દવા આપો. અમે ઘણા ગુલામો ખરીદીએ છીએ. પણ કોઈ છ મહિનાથી લાંબું જીવતું નથી. કોણ જાણે શો રોગ થઈ આવે છે.’

વીરસેન એકદમ ઊભો થઈ ગયો. પોતાની બહેની રૂપાને અને એની સખી સોનાને મળવાનો આ સરસ મોકો મળી ગયો. ઉત્સાહથી એ બોલ્યો, ‘વંદય કદરં અનકપરખકં ! એટલે કે આ વૈધની જે કદર કરે છે એના રોગદોગની પરખ આ વૈધ બરાબર કરી આપે છે. ચાલો !’

શ્યામસિંહ કહે, ‘ચાલો, ઝબૂકાકા !’

બંને જણ ઊભા થયા. ચાલ્યા. મોટાં મહેલની પાછળ નાનો મહેલ હતો. ગુલામ સ્ત્રીઓ ત્યાં રહેતી. એ મહેલમાં પેઠા. વીરસેને આસપાસ નજર ફેરવવા માંડી. પણ કોઈ દેખાયું નહિ. એણે પૂછ્યું, ‘કતં ગતં સર બલકગણં ? એટલે કે બધી ગુલામ છોકરીઓ ક્યાં છે ?’

શ્યામસિંહે કહે, ‘આપણને આવતા જોયા એટલે સૌ પોતપોતાના ખંડમાં જતાં રહ્યાં છે. અમારા દેશમાં એવી રીવાજ છે કે પુરુષોની સ્ત્રીઓ લાજ કાઢે છે. એમને પોતાનાં મોં બતાવતી નથી.’

વીરસેન કહે, ‘તો હું એમની નાડી કેવી રીતે જોઈશ, અગડ ચકરમં ?’

શ્યામસિંહ કહે, ‘આ ખંડમાં આપણે ઊભા રહીશું. એની દીવાલમાં એક કાણું છે. એ કાણામાંથી છોકરીઓ પોતાનો હાથ બહાર કાઢશે. તમારે એમની નાડી જોઈ લેવાની. અમારે ત્યાં જે કોઈ વૈદ્યો-હકીમો આવે છે એમણે આ જ રીતે છોકરીઓની પરીક્ષા કરવાની હોય છે. એ રીતે વૈદ્ય-હકીમની પણ પરીક્ષા થઈ જાય છે. જો એ કોઈ છોકરીનો રોગ પારખવામાં જૂઠા પડે તો તરત જ અમે એના હાથપગ ભાંગીને એને ગધેડાની પીઠે બાંધીને તગેડી મૂકીએ છીએ.’

વીરસેન મૂંઝાઈ ગયો. આમ થાય તો તો રૂપા કઈ અને કયો એનો હાથ તેની ખબર શી રીતે પડે ? એની સાથે કશી ઇશારત કે વાતચીત ક્યાંથી થાય ? વળી, કોઈ ખરેખર માંદી બીજી છોકરીની તપાસમાં ગફલત થાય તો ઉપાધિ થઈ પડે.

એણે શ્યામસિંહને સમજાવવા મહેનત કરી, પણ ઠાકોર તો કહે કે અમારા દેશનો આ રિવાજ છે એ ન તૂટે. કોઈ પણ પરાયો પુરુષ અમારી સ્ત્રીઓનાં મોં જોઈ ન શકે અને જો કોઈ સ્ત્રી બેશરમ થઈને મોં બતાવવા નીકળે તો અમે એની ગરદન વાઢી નાખીએ.

આખરે વીરસેન કહે, ‘ભલે, સગડ અબડકં બલં નમં તં જલદ જલદ બં ! એટલે કે અમને થોડી અગવડ પડશે. પણ વાંધો નહિ. તમે એક પછી એક છોકરીને બોલાવજો. એનું નામ બોલજો. અમે એની નાડી જોઈને એ નામની છોકરી માટેની દવા તમને આપીશું.’

એટલે શ્યામસિંહે એક પછી એક નામ બોલવા માંડ્યું. દીવાલમાંના પેલાં છિદ્રમાંથી એકએક નાજુક હાથ બહાર લંબાવા લાગ્યો. વીરસેને અગડંબગડં ઝકમનઝકડં કરતાં રંગીન પાણીની દવા આપવા માંડી.

દસ-બાર છોકરીઓની નાડી જોવાઈ ગઈ. ત્યારે શ્યામસિંહે નામ પોકાર્યું : ‘રૂપા !’

વીરસેનનું હૃદય નાચી ઊઠ્યું. બહેની રૂપાનું નામ બોલાયું. હમણાં બહેનનો હાથ પોતાના હાથમાં આવશે.

પેલી દીવાલમાંથી એક નમણો, રૂપાળો હાથ બહાર આવ્યો. લાંબીલાંબી આંગળીઓ, લાલલાલ નખ, જાણે ગુલાબની પાંખડીઓ. કાંડે રૂપાળી નકશીવાળા સોનાના પાટલા પહેરેલ.

એની નાડી જોતાંજોતાં વીરસેન બોલી ઊઠ્યો, ‘સતનં નશનં !’

શ્યામસિંહે ચિંતાતુર અવાજે પૂછ્યું, ‘સતનં નશનં ? એ વળી શું ?’

વીરસેન કહે, ‘એટલે ? સતનં નશનં એટલે સત્યનાશ ! આ ગુલામનો રોગ બહુ ભારે છે.’

શ્યામસિંહ એ સાંભળીને ચિંતામાં પડી ગયો. એ કહે, ‘ઝકાનડાબા ! તમે તો મહા વિદ્વાન છો. એને સાજી કરી શકશો ને ? આ ગુલામને જરૂર સાજી કરો.’

વીરસેન કહે, ‘જરૂર જરૂર. અમે એને જરૂર સાજી કરીશું. હા, અમે છીએ ઝકમન કબૂડીબાબા ! ઈરાન દેશના બડા હકીમ ! અમે આ ચાલ્યા !’

શ્યામસિંહ ગભરાઈ ગયો. કહે, ‘ક્યાં ચાલ્યા, ઝાડીબાબા ?’

વીરસેન કહે, ‘આવા ગંભીર રોગની દવા અમારે ખાસ બનાવવી પડે. અમારાં વૈદકનાં થોથાં ફેંદીફેંદીને એની બનાવટ શોધવી પડે. એ માટે અમારે અમારા ખંડમાં જઈને બેસવું પડશે. એટલે અમે કહ્યું કે અમે દવા તૈયાર કરવા માટે આ ચાલ્યા.’

શ્યામસિંહને જરાક નિરાંત થઈ. હકીમજી ચાલ્યા ન જતા હોય તો વાંધો નહિ. એ બોલ્યો, ‘ભલે ભલે, ઝંડાબાબા ! જલદી જાવ. દવા તૈયાર કરો. બીજી છોકરીઓની દવા આપણે પછી કરીશું. આ છોકરી અમારી સૌથી કીમતી ગુલામ છે. એ તો સાજી થવી જ જોઈએ.’

વીરસેન કહે, ‘એ દવા બનાવીને અમે સવારે આપીશું. ત્યાં સુધી અમારા ખંડમાં અમે રહીશું. પણ યાદ રાખજો, અમને કોઈએ ખલેલ કરવાની નથી !’

વીરસેન પોતાના ખંડમાં ગયો. નવી દવા તો કશી બનાવવાની નહોતી. પણ બહેનને ચિઠ્ઠી લખવાની હતી. એ માટે વખત જોઈતો હતો. એટલે દવા બનાવવાનું બહાનું કાઢ્યું હતું.

પોતાના ઉતારાવાળા ઓરડામાં જઈને એણે બધાં બારીબારણાં બંધ કર્યાં. પેલા જાલીમસિંહ જેવો કોઈ જાસૂસ પોતાને દેખતો તો નથી ને, એની ચોકસાઈ કરી. પછી પોતાના થેલામાંથી કાગળ અને શાહી-કલમ કાઢ્યાં. બહેનીને સંબોધીને એણે ચિઠ્ઠી લખી :

બહેની રૂપા,

અમે તમને છોડાવવા માટે હકીમને વેશે આવ્યા છીએ. તમને છોડાવવાની એક યુક્તિ અમે શોધી કાઢી છે. તમને એક દવા આપીશું. એ દવા કશી ચિંતા રાખ્યા વિના પી જજો. એ દવાની અસરથી તમે પૂરા બે દિવસ સુધી ઘેરી ઊંઘમાં પડી જશો. જાણે તમારું અવસાન થયું હોય એવું જ લાગશે. પણ ડરશો નહિ. અમે તમને પાછાં જગાડીશું. એ માટેની દવા પણ અમારી પાસે છે.

લિ.

તમારો ભાઈ, વીરસેન.

પછી પોતે સૂઈ ગયો. બીજે દિવસે સવારે વહેલો ઊઠ્યો.

પેલી ચિઠ્ઠી પોતાની પાસે રાખી અને હાથમાં પેલી ઊંઘની દવાની શીશી લઈને એ બહાર નીકળ્યો.

ઠાકોર શ્યામસિંહ ચિંતામાં હતો. આમતેમ આંટા મારતો હતો અને ફફડતો હતો. પોતાની સૌથી મોંઘી ગુલામ છોકરીને ગંભીર બીમારી લાગુ પડી હતી. આથી નાણાં ડૂબવાનો ડર લાગી ગયો હતો.

એણે ઝકમન કબૂડીબાબાને એમના ખંડમાંથી બહાર નીકળતા જોયા. તરત જ તે એમની પાસે દોડી ગયો. આતુરતાથી એ કહે, ‘ઝાડીબાબા ! તમારી દવા ચોક્કસ અસર કરશે ને ?’

વીરસેન કહે, ‘તમે અમારા પર વિશ્વાસ રાખો. હા, અમે ઈરાન દેશના બડા હકીમ ઝકમન કબૂડીબાબા છીએ. અમે બધાં દરદ મટાડી દઈએ. સાંભળો :

નામ અમારું ઝકમન કબૂડીબાબા !

દેખી અમને દુઃખદરદ કોઈ ના રહે ખડા !

લાંબી દાઢી, લાંબો ડગલો, જૂતાં લાંબાં !

દેશ ઈરાનના છીએ અમે હકીમજી બડા !

જોયાં અમે મદીના, મક્કા અને કાબા !

નામ અમારું ઝકમન કબૂડીબાબા !

વીરસેનનું આ ગીત સાંભળીને, ઝકમન કબૂડીબાબાની આ પ્રશંસા સાંભળીને શ્યામસિંહ તો પાણીપાણી થઈ ગયો. વળીવળીને સલામો કરીને કહેવા લાગ્યો કે જલદી ચાલો, અમારી ગુલામ છોકરીઓ રાહ જુએ છે.

બંને ગુલામોના મહેલ તરફ ગયા. શ્યામસિંહે બૂમ પાડીને રૂપાને બોલાવી. એનો હાથ બહાર આવ્યો. એની નાડી જોતાં, અગડંબગડં બોલતાં અને દવાની શીશી આપતાં ઝકમન કબૂડીબાબાએ પેલી ચિઠ્ઠી એના સોનાના પાટલા નીચે સરકાવી દીધી. બિચારો શ્યામસિંહ તો ચિંતામાં ને ચિંતામાં આમતેમ આંટા મારતો હતો. હકીમસાહેબ રૂપાને ચિઠ્ઠી-ચપાટી આપશે એવી તો એણે કલ્પના પણ નહિ કરેલી.

આમ વીરસેને રૂપાને ચિઠ્ઠી આપી દીધી. પછી ઠાકોર શ્યામસિંહને કહ્યું, ‘ઠાકોર, અમે હવે બહાર જઈશું.’

ઠાકોર કહે, ‘કાં ?’

વીરસેન કહે, ‘અમે બડા હકીમ છીએ, પણ બડા કાંઈ એમ ને એમ બની જવાતું નથી. બડા બનવા માટે બડી બુદ્ધિ જોઈએ. બડો અભ્યાસ જોઈએ. બડો અનુભવ જોઈએ. નવું જ્ઞાન મેળવવાની અને વિદ્યાભ્યાસ કરવાની કાયમની તૈયારી જોઈએ. અમે હિન્દુસ્તાન દેશમાં પણ અભ્યાસ કરવા જ આવ્યા છીએ. અહીંના વૈદો હોશિયાર છે. એમની પાસે અમે વૈદકવિદ્યા શીખીએ છીએ. આ દેશની વનસ્પતિ બહુ ઉપયોગી છે. એ વનસ્પતિનો અભ્યાસ પણ અમે કરીએ છીએ. એટલે તમારા મહેલની આસપાસ ઊગતી વનસ્પતિનો અભ્યાસ પણ અમે કરીશું.’

શ્યામસિંહ કહે, ‘ભલે જાવ. પણ ક્યાંક ભૂલા ન પડી જતા ! ભોજનવેળા થતાં પાછા આવી જજો, હોં કે મૂડીબાબા !’

વીરસેન એક ઝોળી લઈને બહાર નીકળ્યો.

મહેલની પાછળ મોટું તળાવ છે. એની એને ખબર છે. એ તળાવ ભણી ગયો. તળાવને કાંઠે જઈને ઝકમન કબૂડીબાબાવાળો ડગલો કાઢીને ફેંક્યો તળાવમાં. બનાવટી દાઢી પણ કાઢી નાખી ને તળાવમાં ફેંકી દીધી. માથાના વાળમાંથી ખડી ધોઈ કાઢી. પછી બાજુના એક ઊંચા ઝાડ પર ચડીને શ્યામસિંહના મહેલમાં ચાલતી દોડધામ એ જોવા લાગ્યો.

ઠાકોર શ્યામસિંહના મહેલમાં ખરેખરાની ધમાલ મચી હતી. ઠાકોર આમતેમ દોડતો હતો. બરાડા પાડતો હતો. નોકરોને દોડાવતો હતો. ગુલામોને આમતેમ ફેંકતો હતો. કોઈને ધોલ મારતો હતો ને કોઈને મુક્કા મારતો હતો.

કેમ ? શ્યામસિંહ આટલો બધો ઉશ્કેરાઈ કેમ ગયો હતો ?

પેલી મોંઘા ભાવની છોકરી અચાનક બેભાન બની ગઈ હતી. ઘણી મહેનત કરવા છતાં ભાનમાં આવતી નહોતી. એની હાલત ક્ષણેક્ષણે બગડતી જતી હતી. ઈરાનના હકીમે એને દવા આપી તે પછી તરત જ એની હાલત ખરાબ થવા લાગી હતી.

શ્યામસિંહે બૂમ પાડી, ‘અરે પેલો હકીમ ક્યાં મરી ગયો ? મકાનડાબા કે ઝકાનકાકા ? શું નામ છે એ બદમાશનું ? અલ્યા, શોધી કાઢો એને. તળાવને કિનારે વનસ્પતિ શોધવા ગયો છે.’

સૈનિકો હાંફળાફાંફળા દોડ્યા. તળાવને કાંઠે ચાંપતી તપાસ કરવા લાગ્યા. પણ એમણે એક અચરજ ભાળ્યું.

તરત પાછા આવ્યા. દોડતાદોડતા પાછા આવ્યા.

શ્યામસિંહે ગર્જના કરી, ‘કેમ ? લાવ્યા હકીમને ?’

સૈનિકો નીચું જોઈ ગયા.

શ્યામસિંહ કહે, ‘કેમ બોલતા નથી ?’

એક સૈનિક કહે, ‘મહારાજ ! ગજબ થઈ ગયો !’

‘શો ગજબ થઈ ગયો ?’

‘હકીમજી ડૂબી મૂઆ !’

‘હેં ?’

‘હા, મહારાજ ! અમે એમની દાઢી ને ડગલો તળાવમાં તરતાં જોયાં.’

‘પછી એમને તળાવમાંથી કાઢ્યા તમે ?’

‘હા.’

‘શું તમે હકીમને તળાવમાંથી કાઢ્યા ?’

‘ના, મહારાજ.’

‘ત્યારે શું કાઢ્યું ?’

‘અમે હકીમજીનો ડગલો અને એમની દાઢી, જે તળાવ ઉપર તરતાં હતાં તે તળાવમાંથી બહાર કાઢ્યાં.’

શ્યામસિંહ હસી પડ્યો. ખડખડાટ હસી પડ્યો. બેવડ વળીવળીને હસી પડ્યો.

હસવાનો વખત નહોતો. ગુલામ છોકરીની ગંભીર હાલત હતી. પણ વાત હસવા જેવી જ હતી. હસ્યા વિના ચાલે તેમ જ નહોતું.

માંડમાંડ હસવું ખાળીને શ્યામસિંહ પાછો ગુસ્સે થયો. તળાવેથી પાછા ફરેલા દરેક સૈનિકને એકએક તમાચો મારીને એ કહે, ‘મૂરખના સરદારો ! ડગલો તો શરીરથી અલગ હોય છે, પણ દાઢી અલગ હોય ?’

સૈનિકો કહે, ‘ના.’

‘તો તમારો આ ઝુડીબાબા... અરે ઝમનબાડા... જે હોય તે... એ ડૂબી ગયો અને એની દાઢી કેવી રીતે પાણી પર તરતી રહી ?’

સૈનિકો ચૂપ.

ઠાકોર કહે, ‘નાલાયક ગધેડાઓ ! હવે પાછા એ તળાવમાં જઈને તમે બધા જ ડૂબી મરો ! એ હકીમ બનાવટી હતો. બનાવી ગયો આપણને ! એનો બનાવટી ડગલો ને બનાવટી દાઢી તરતાં રાખીને તમને એ ઉલ્લુ બનાવી ગયો. મારી ગુલામને મરવાની દવા આપીને મને ગધેડો બનાવી ગયો. અહહહ... એવું થાય છે કે એ હકીમનો બચ્ચો હાથમાં આવી જાય ને તો ખરેખર ગધેડો બનીને એને લાતે ને લાતે ફટકારું !’

પણ અફસોસ ! ઠાકોરનો ગુસ્સો નકામો છે. આપણા હકીમસાહેબ તો અત્યારે એક ઊંચા ઝાડ પર બેઠા છે અને તમાશો નિહાળે છે.

એમ કરતાં સાંજ પડી ગઈ.

રૂપાના જીવવાની આશા બધાએ મૂકી દીધી. કારણ કે હવે તો એનું હૃદય પણ એટલું ધીમું ચાલતું હતું કે જાણે બંધ પડી ગયું હોય એવું લાગે છે. શ્વાસ પણ બંધ થઈ ગયો હતો.

આખરે શ્યામસિંહે માથું કૂટ્યું. સૈનિકોને હુકમ કર્યો, ‘લઈ જાવ એને સ્મશાને. જલાવી દો એની લાશને. સાલો હકીમ મારી મોંઘામાં મોંઘી ગુલામડીને મારી ગયો.’

મરેલી દેખાતી રૂપાને સૈનિકોએ એક નનામી સાથે બાંધી. પછી લઈ ચાલ્યા સ્મશાને. સ્મશાન પેલા તળાવને કિનારે જ હતું. પાછળ લાકડાં ભરેલું ગાડું આવ્યું. લાકડાં ખડકાયાં. લાશ એ લાકડાં પર મુકાઇ. એના પર ઘી છંટાયું.

એક સૈનિક સળગતું છાણું લઈને આવ્યો હતો. ત્યાં તો....

‘હૂહૂહૂ....ચી.ચી.ચી.ચી....’

સ્મશાનમાં ચીસો ગર્જી ઊઠી.

સૈનિકોએ આસપાસ નજર કરી. અવાજ પેલી ચિતાની પાછળથી આવતો હતો.

થોડી વારમાં તો ચિતાની ઉપર એક ઓળો ચડી આવ્યો. સમીસાંજના ઝાંખા અજવાળામાં સૈનિકોએ એની સામે જોયું. એના માથાની જગાએ રૂના ગોટા જેવો ગોટો હતો. અને એ ગોટામાંથી ઘેરા, ઘૂંટાયેલા અવાજે ચીચિયારીઓ નીકળતી હતી.

શ્યામસિંહ બદમાશ હતો. બદમાશો હંમેશા વહેમી અને બીકણ હોય. એના સૈનિકો બીકણ હતા. એમણે ઓળાને ભૂત માની લીધું ! અને એ ભાગ્યા. જઈને મહેલમાં ભરાઈ ગયા. શ્યામસિંહને જૂઠી વાત કહી દીધી કે અમે છોકરીને બાળી દીધી છે.

આ બાજુ પોતાના મોંએથી ભૂતઝોળી ઉતારીને વીરસેને પેલી છોકરીને ચિતા પરથી નીચે ઊતારી. પછી પેલું સળગતું છાણું ચિતા પર ફેંક્યું. ચિતા સળગી ઊઠી. મહેલના લોકો ને લાગ્યું કે ચિતા ભડકે બળે છે. એ ભડકાના અજવાળામાં વીરસેને પોતાની બહેનનું મોં જોયું....

અને એની નવાઈનો પાર ન રહ્યો. એની હતાશાનો પણ પાર ન રહ્યો. એણે પોતાના કપાળ ઉપર જોરજોરથી મુક્કીઓ મારીને નિરાશા જાહેર કરવા માંડી.

કેમકે પોતે જે છોકરીને બચાવી હતી એ એની બહેન રૂપા નહોતી......