Saahasni Safare - 3 in Gujarati Adventure Stories by Yeshwant Mehta books and stories PDF | સાહસની સફરે - 3

Featured Books
Categories
Share

સાહસની સફરે - 3

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૩ : કાલુ સરદાર

ન બનવાનું બની ગયું છે.

કાળા ઘોડાના કાળા અસવારો છે.

લાલ આંખોવાળા છે. ગુસ્સાથી ભરેલા છે.

એમણે વીરસેનને કોઈ બીજો માણસ ધારી લીધો છે અને એને મોતની સજા કરી છે.

વીરસેનના સંતાપનો પાર નથી. એ તો શેઠ જયસેનનો દીકરો છે. બહેની રૂપાને ચાંચિયા ઉપાડી ગયા છે. સાથે સખી સોના છે. પણ્યબંદરના ગુલામબજારમાં ચાંચિયાઓ ગુલામ તરીકે એ બંનેને વેચવાના છે. પોતે એમને છોડાવવા નીકળ્યો છે. સમયની કિંમત એક-એક ઘડીની લાખ-લાખ રૂપિયા જેટલી છે.

કાળા અસવાર મળ્યા ત્યારે માનેલું કે થોડો વખત બગડશે. આપણા પૈસા લૂંટાશે. બીજો વાંધો નહિ આવે. આપણે આગળ વધી શકીશું.

પણ વાત વિપરીત થઈ બેઠી. કાળા અસવારોનો સરદાર એને ગુમાનસિંહ માની બેઠો. ગુમાનસિંહ એનો કોઈ દુશ્મન હોવો જોઈએ. એટલે મોતની સજા થઈ. હવે તો મોત જ નક્કી છે. બહેન રૂપા માટે જીવનભરની ગુલામી જ નક્કી છે. પાછા લૂંટારા ઉતાવળા પણ ખૂબ છે. ગુમાનસિંહ પકડાય કે એક જ કલાકમાં એને ફાંસીએ ચડાવવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. નહિ કશી તપાસ કે નહિ કશી પૂછપરછ. બસ, માણસ ગુમાનસિંહ જેવો લાગ્યો કે ઝટ લટકાવો ફાંસીએ !!

પોતાની આવી અવદશાનો વિચાર આવે છે અને વીરસેનની આંખમાંથી આંસુ સરે છે. કાળા અસવારોએ એને બાંધ્યો છે. આજુબાજુ બે કાળા સૈનિક ઉઘાડી તલવારે ચાલે છે. ભાગવાનું બની શકે તેમ નથી.

હેતાળ બહેની યાદ આવે છે.

પ્રેમાળ બાપુ યાદ આવે છે.

- અને વીરસેનની આંખમાંથી આંસુની ધાર ચાલી જાય છે. રસ્તોય દેખાતો નથી. એમાં પાછી કાળી રાત છે.

પણ એકાએક એની આંખનાં આંસુઓના પડદામાંથી એક અજબ દેખાવ દેખાયો.

સામે ત્રણ માણસ ચાલ્યા આવે છે. આજુબાજુ બે કાળા અસવાર છે. બેયના હાથમાં સળગતી મશાલો છે. વચ્ચે એક જુવાન ચાલે છે. જુવાનના હાથ પીઠ પાછળ બંધાયેલા છે. કમરે દોરડું બાંધેલું છે. મશાલોના અજવાળે વચ્ચે ચાલતા જુવાનનું મોં દેખાય છે.

પહેલાં તો આંસુઓની ધારા વચ્ચે એ મોં ઝાંખું ઝાંખું દેખાયું. એ કોણ છે, એ જોવું જોઈએ. પોતાના જેવો જ કોઈ સમદુખિયો હોય તો આશ્વાસનના બે અક્ષર કહેવા જોઈએ. એટલે વીરસેને આંખો ચોળી. મશાલના અજવાળે એને સામે જુવાન દેખાયો. અને એ હબકી ગયો.

કેમ ?

કેમ કે એ જુવાન અદ્દલ પોતાના જેવો હતો ! એટલો જ ઊંચો. એટલો જ પહોળો. એવી જ આંખો. એવું જ નાક. એવા જ હોઠ. એવાં જ કપડાં. એવી જ ઊંચાઈ અને પહોળાઈ. દરેક બાબતમાં બેય જાણ સરખા !

એ સરખાપણું પેલા બે અસવારોએ પણ જોયું. એ પણ નવાઈમાં ડૂબી ગયા. આ શું કહેવાય ?

નવા આવેલા અસવારોમાંથી એક જણ કહે, ‘આપણા કાલુ સરદારે આ ગુમાનસિંહને પકડવાનું કહેલું ને ? અમે એને પકડી પાડ્યો છે.’

વીરસેનની સાથે ચાલતા અસવારો નવાઈમાં ડૂબી ગયા. આ કેવું ! બંને સરખા દેખાતા જુવાન ! દરેક રીતે સરખા ! એમાં સાચો ગુમાનસિંહ કયો ? પોતે પકડ્યો છે તે કે સામો ચાલ્યો આવે છે તે ? એમણે કહ્યું, ‘ગુમાનસિંહને તો અમે પકડ્યો છે.’

પેલા કહે, ‘ના. સાચો ગુમાનસિંહ તો આ છે. એ શિકારે નીકળેલો. પણ એના સાથીઓથી છૂટો પડી ગયો. અમે ત્યાં જ છુપાઈ રહ્યા હતા. અમે ધસી જઈને એને ઘોડા પરથી ગબડાવી પાડ્યો અને ઊભો થાય તે પહેલાં બાંધી લીધો. આ જ ગુમાનસિંહ છે. અમે એને વરસોથી ઓળખીએ છીએ. અમારી ભૂલ ન થાય. વળી, તમે પકડ્યો તે જુવાન એકલો હતો જ્યારે આ તો શિકારી ટોળીની સાથે હતો. અગર નોખો ન પડી ગયો હોત તો અમે પકડી પણ ન શકત !’

સૌ એકબીજાની સામે જોવા લાગ્યા. વારેવાર વીરસેન અને નવા જુવાન સામે પણ જોતા જાય.

આખરે એક જણ કહે, ‘ચાલો કાલુ સરદાર પાસે. એ ખરેખરા ગુમાનસિંહને ઓળખી પાડશે.’

બધા કહે, ‘ચાલો.’

એટલે વીરસેનને એ લોકો વળી પાછા કાલુ સરદારના તંબૂમાં લઈ ગયા. સાથે પેલા નવા પકડાયેલા જુવાનને પણ લઈ લીધો. બંનેને કાલુ સરદાર સમક્ષ ખડા કરી દીધા.

સરખેસરખા બે જુવાનને જોઈને કાલુ સરદારની પણ નવાઈનો પાર ન રહ્યો. એને માટે મોટો કોયડો ઊભો થઈ ગયો. ઘણી વાર વિચાર કરવા છતાં ને બેયને જોવા છતાં એ સાચા ગુમાનસિંહને પારખી શક્યો નહિ.

આખરે એ કહે, ‘હવે તમારા બેમાંથી સાચો ગુમાનસિંહ કયો છે, એ તમે જ કહો.’

નવો આવનાર જુવાન અભિમાનથી કહે, ‘ગુમાનસિંહ હું છું.’

બે માણસ ભલે દેખાવમાં સરખા હોય, ગુણમાં તો કદી સરખા હોતા નથી. શાણા માણસો એવા લોકોને ગુણ પરથી પારખી લે છે. બધાંની વાણી સરખી હોતી નથી. એ વાણી પરથી એ ઓળખાઈ જાય છે.’

કાલુ સરદારે પોતાના સૈનિકોને નિશાની કરી. નિશાની અસલી ગુમાનસિંહને લઈ જવાની હતી.

સૈનિકો ગુમાનસિંહ લઈને જતા રહ્યા. વીરસેન ત્યાં જ ઊભો રહ્યો.

કાલુ સરદારે એકદમ દોડીને પોતાની કમરેથી છરો ખેંચી કાઢ્યો. જલદીજલદી વીરસેનનાં બંધન કાપી નાખ્યાં.

પછી વીરસેનને ખેંચીને પોતાની પાસે બેસાડ્યો. એનો હાથ પોતાના હાથમાં લઈને કહે, ‘માફ કરજો. વીરસેનભાઈ, તમને અમે ઘણા કડવા શબ્દ કહ્યા છે. મોતની સજા પણ ફરમાવી છે. આખરે અમારી ભૂલ સમજાય છે. તમારામાં વિવેક છે. વિવેકથી માણસની કિંમત થાય છે. વિવેક વગરનો માણસ કોડીનો છે. વિવેકી માણસ લાખ રૂપિયાનો છે. હું ભગવાનનો પાડ માનું છું કે અમારે હાથે તમારી હત્યા થતાં માંડ માંડ અટકી ગઈ.’

વીરસેન કહે, ‘સરદાર ! હવે જો આપણી શંકા દૂર થઈ હોય તો અમને જવા દો. અમારે જવાની ઘણી ઉતાવળ છે. અહીં ઘણા કલાક અમે બગાડ્યા છે. હવે જલદી જવું જોઈએ; નહિતર અમારો ફેરો ઠાલો જશે.’

સરદાર કહે, ‘તમને એટલી બધી ઉતાવળ શાની છે, એ અમને કહો. વળી, રાતની વેળા છે. હવે ભોજન કરીને થોડો આરામ કરવો જોઈએ. જે કામે નીકળ્યા હો ત્યાં જવા સવારે રવાના થજો. અત્યારે તો બેસો અને અમને તમારી વાત કરો.’

વીરસેન કહે, ‘અમારી બહેની રૂપા અને સખી સોનાને ચાંચિયા ઉપાડી ગયા છે. એ વાતને ત્રણ દિવસ થયા. પરમ દિવસે પણ્યબંદરે ગુલામોનું બજાર ભરાશે. અમારી બહેનીને ચાંચિયા ત્યાં ગુલામ તરીકે વેચશે. અમે એને છોડાવવા નીકળ્યા છીએ. અમે આ વાત પહેલાં પણ કહી છે. ફરી કહીએ છીએ. અમે સમયની કિંમત ઘણી ઊંચી આંકીએ છીએ. સમય બગાડે છે તે ઘણી વાર જીવન બગાડી બેસે છે.’

કાલુ સરદાર પસ્તાવાથી કહે, ‘તમે આ વાત પહેલાં કહેલી. પણ અમે ગુસ્સાના તોરમાં માનેલી નહિ. એ માટે દિલગીર છીએ. પણ હવે અમારી એક વિનંતી માનો. તમે અને તમારો ઘોડો બંને થાકેલા છો. આજની રાત અહીં અમારી સાથે રહી જાઓ. સવારે હું પોતે તમને મૂકવા આવીશ. પણ્યબંદરે પહોંચવાનો એક ટૂંકો રસ્તો પણ બતાવીશ. તમે પરમ દિવસે પણ્યબંદરે જરૂર પહોંચી જશો.’

વીરસેન કહે, ‘સરદારજી ! તમારો આટલો બધો આગ્રહ છે, તો ભલે, અમે આજની રાત અહીં રહી જઈએ છીએ. સાચા દિલથી કરાયેલો આગ્રહ કદી પાછો ઠેલવો ન જોઈએ, એ અમે જાણીએ છીએ.’

કાલુ સરદાર કહે, ‘તમારો ઘણોઘણો આભાર. તમે હવે અમારા મિત્ર છો. મિત્ર તરીકે અમારી સાથે મિજબાની માણો. અને અમે તમને જે હેરાનગતી આપી એનો થોડોક પસ્તાવો એ રીતે કરી લેવા દો.’

પછી સરદારે તાળી પાડી. તાળી સાંભળતાં જ બે કાળા અસવારો હાજર થયા. નમન કરીને ઊભા રહ્યા. એમને સરદારે કહ્યું, ‘આ ભાઈ આજે અમારા પરમમિત્ર બન્યા છે. એમના માનમાં મોટી મિજબાની ગોઠવો.’

સૈનિકો પાછા નમન કરીને જતાં રહ્યા.

વાતમાં ને વાતમાં વીરસેને પૂછ્યું, ‘સરદાર ! અમને એક વાત સમજાઈ નહિ.’

‘કઈ વાત ?’

‘તમે આ ગુમાનસિંહ પર આટલા બધા ગુસ્સામાં કેમ છો ? એને પકડવા આટલા ઉત્સુક કેમ છો ? એ પકડાયો કે તરત એને ફાંસીની સજા કેમ ફરમાવી ?’

કાલુ સરદાર મરક મરક હસ્યો. હસીને કહે, ‘તમને પહેલેથી માંડીને વાત કરીએ.’

અને કાલુ સરદારે વાત માંડી.

અમારા પ્રદેશનું નામ લાટ દેશ છે. પ્રજાનું નામ લાટ પ્રજા છે. અહીં અમે હજારો વર્ષોથી જીવીએ છીએ. ધરતી રસાળ છે, નર્મદા જેવી વિરાટ નદીઓ ભરીભરી છે. ખેતર લીલાંછમ છે. પ્રજા દરેક વાતે સુખી છે.

અમારા પ્રદેશનો એક જૂનો રિવાજ છે. અહીં કોઈ રાજાનું રાજ થતું નથી. પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ સરદારની ચૂંટણી કરે છે. પ્રતિનિધિઓની સલાહ મુજબ સરદાર રાજ ચલાવે છે.

પણ આજથી દસ વરસ પહેલાં એક ખરાબ બનાવ બની ગયો. એક ગામના મુખીએ બધી સત્તા કબજે કરી લીધી. શેરસિંહ એનું નામ. એ પોતે રાજા બની ગયો. ઘણા પ્રતિનિધિઓને મારી નાખ્યા. ઘણાને દેશનિકાલ કર્યા. ભયંકર જુલમ આદર્યા. આકરા કરવેરા નાખ્યા. વેઠમજૂરી કરવાની ફરજ પાડી.

બે વરસ પહેલાં એ શેરસિંહ મરી ગયો. પણ એનો દીકરો પ્રદેશનો રાજા બની બેઠો. સાપનું બચ્ચું પણ ઝેરી જ હોય. આ દીકરો પણ ઝેરનો ભરેલો કાળ-ઝાળ નીવડ્યો. બાપ કરતાં બેવડો જુલમી સાબિત થયો.

નામ એનું ગુમાનસિંહ.

ગુમાનસિંહના જુલમે તો આખરે માઝા મૂકી દીધી. કોઈનું જીવન સલામત નહિ, કોઈની મિલકત સલામત નહિ.

એના જુલમથી ત્રાસીને અમે પ્રજાજનો એકઠા મળ્યા. ખુલ્લેઆમ તો ગુમાનસિંહની વિરુદ્ધ કશું બોલાય એમ નહોતું. કારણ કે ગામેગામ અને પોળેપોળમાં ગુમાનસિંહે પોતાના ચાડિયા ગોઠવ્યા હતા. આથી એક વનમાં અમે સભા ભરી. સૌની એક જ ફરિયાદ હતી : આ નીચ રાજાને દૂર કરો. પણ અઘરું હતું. કોણ માથે લે ? અંતે બધાએ મળીને મને સરદાર તરીકે ચૂંટી કાઢ્યો. મારે માથે મોટું કામ આવી પડ્યું.

પણ મારા દેશબાંધવો માટે હું કોઈ પણ કામ માથે લેવા તૈયાર છું. આ મારો દેશ છે. એની ધરતીથી મારો દેહ ઘડાયો છે. એની સેવા કરવી એ મારો પહેલો ધર્મ છે. જે માણસ આ ધર્મ બજાવે નહિ એને ધિક્કાર છે.

મેં તરત જ કામ ઉપાડી લીધું. દેશ મરણતોલ દુઃખમાં હતો. દુઃખની નિશાની કાળો રંગ છે. મેં કાળા ઘોડા પર સવારી કરી. કાળો પોશાક પહેર્યો. કાળી પાઘડી બાંધી. ત્યારથી મારું નામ કાલુ સરદાર પડ્યું.

મારી જેમ, દેશની આઝાદી અને પ્રજાના હક માટે લડનારા ઘણા માનવી નીકળી આવ્યા. બધાએ મારી સરદારી સ્વીકારી. બધાએ કાળા ઘોડા લીધા. કાળા વેશ પહેર્યા.

અમે સૌ દેશમાં ફરવા લાગ્યા. ગુમાનસિંહના સૈનિકોને હરાવવા લાગ્યા. એના ખજાના લૂંટવા લાગ્યા.

રાતના અંધારામાં છાપો મારીએ. અંધારામાં ભળી જઈએ.

અમે પ્રતિજ્ઞા કરી હતી કે ગુમાનસિંહનો નાશ કરીશું ત્યારે જ જંપીશું.

એકાએક આજે સવારે મને રાજી થવા જેવા ખબર મળ્યા હતા. ગુમાનસિંહ આ બાજુ શિકારે નીકળ્યો છે, એવા એ ખબર હતા. મેં મારા કાળા અસવારોને દસે દિશામાં ગોઠવી દીધા. કહું કે ગમે તે ભોગે આજે ગુમાનસિંહને ઝડપી લો. એણે વનમાં આવવાની ભૂલ કરી છે. આવી તક ફરી ફરી નહિ મળે. એને પકડવા માટે ચાર સાથીઓની ટુકડી લઈને ઇશાન દિશામાં હું પણ ગયો હતો. બીજી વીસેક ટુકડીઓ ગુમાનસિંહને ઝડપી લેવા ફરતી હતી.

એમાંના ચાર જણે ભૂલથી તમને પકડી પાડ્યા. પણ સારું થયું કે મોકાસર ગુમાનસિંહ પકડાઈ ગયો. તમે છેલ્લી ઘડીએ બચી ગયા.’

સરદારે પોતાની વાત પૂરી કરી. પછી પૂછ્યું, ‘તમારા પ્રદેશમાં કેવી જાતનું રાજ છે ?’

વીરસેન કહે, ‘અમારે ત્યાં રાજાનું રાજ છે. કોઈ સારા રાજા નીકળે. પ્રજા સુખી થાય. કોઈ કોઈ ભૂંડા નીકળે. પ્રજા લૂંટાઈ જાય. પણ અમને તમારા દેશની રીત ગમી. કોઈ રાજા ન હોય, કોઈ ગુલામ ન હોય, એવો દેશ અમને ગમે. અમે તમારા દેશમાં રહેવા આવવાનો વિચાર કરીએ છીએ.’

કાલુ સરદારે વીરસેનનો ખભો થાબડ્યો. કહે, ‘તમને અમારી રીત ગમી છે, એ જાણીને બહુ આનંદ થયો. પણ તમારો અહીં રહેવા આવવાનો વિચાર ન ગમ્યો.’

વીરસેન કહે, ‘કાં ?’

સરદાર કહે, ‘માણસે બીજા દેશને સારો જોઈને ત્યાં દોડવું ન જોઈએ. પોતાના દેશને એટલો સારો બનાવવા મહેનત કરવી જોઈએ. જો આપણને લોકરાજ પસંદ હોય તો રાજાનું રાજ ઉખાડી ફેંકવા માટે લડવું જોઈએ.’

વીરસેન કહે, ‘તમારી વાત સાચી છે. અમે અહીં આવવાનો વિચાર કર્યો તે અમારી ભૂલ હતી. પાછા જઈને અમારા દેશમાં પણ તમારા જેવું રાજતંત્ર શરૂ કરવા મહેનત કરીશું.’

આમ વાતો કરતાં ઘણો વખત વીતી ગયો.

મિજબાની તૈયાર થઈ ગઈ.

સૌ ખુશમિજાજમાં છે. આજે એમનો દુશ્મન પકડાઈ ગયો છે. એમના સરદારને નવો મિત્ર મળ્યો છે.

આનંદ આનંદ થઈ રહ્યો છે.

સૌ રંગેચંગે જમ્યા.

પછી વીરસેન થાક્યોપાક્યો ઊંઘી ગયો.

વહેલી સવારે કાલુ સરદારે એને જગાડ્યો. હાથ-મોં ધોવા પાણી આપ્યું. ગરમ મીઠું દૂધ પાયું. પછી કહ્યું, ‘ચાલો મિત્ર, અમે તમને પેલો ટૂંકો રસ્તો બનાવીએ.’

વીરસેને કાળા ઘોડાઓની લંગારમાંથી શરગતિને સહેલાઈથી શોધી કાઢ્યો. કહો કે શરગતિએ જ એને શોધી કાઢ્યો ! ઘણા વખતથી છૂટા પડેલા પોતાના માલિકને જોતાં જ શરગતિ ખુશીથી હણહણી રહ્યો. નાચી રહ્યો. વીરસેને તરત જ દોડી જઈને શરગતિની પીઠ પર પલાણ નાખ્યું. એના તંગ બાંધ્યા. પછી મુસાફરી શરૂ કરવા એની પીઠે અસવારી કરી.

વીરસેન અને કાલુ સરદાર નીકળી પડ્યા.

થોડે દૂર ગયા, ત્યાં રસ્તા ફંટાયા.

કાલુ સરદાર કહે, ‘આ ડાબી બાજુનો મારગ વધુ ટૂંકો છે. તમે જલદીથી પણ્યબંદર પહોંચી જશો.’

વીરસેન કહે, ‘અમે તમારા ઘણા આભારી છીએ, સરદાર !’

કાલુ સરદાર કહે, ‘આભાર માનવાની કશી જરૂર નથી. ખરી રીતે તો અમારે તમારી માફી માગવી જોઈએ. તમને અમે મોટી મુસીબતમાં મૂકી દીધેલા. અમારે એનો બદલો વાળવો જોઈએ. લો, આ અમારી છરી છે. એના હાથામાં સાચાં મોતી અને પરવાળાં જડેલાં છે. આવી છરી આખા દેશમાં કોઈની પાસે નથી. તમે જ્યારે કોઈ મોટી મુસીબતમાં આવી પડો, ત્યારે આ છરી અમને મોકલાવજો. અમે તરત હાજર થઈ જઈશું. અને આ બે હજાર સોનામહોરો લો. એમાંથી એક હજાર સોનામહોરો તો તમારી પોતાની જ છે. બીજી એક હજાર અમારી ભેટ તરીકે સ્વીકારો. ના ન પાડશો. પારકે પરદેશ જઈએ ત્યારે થોડુંક નાણું સાથે રાખવું સારું. કામ લાગે.’

આમ કહીને, સોનામહોરોની વાંસળી તેમજ એક કોથળી વીરસેન તરફ એણે ઉછાળી. વીરસેને તરત એ ઝીલી લીધી. એ પછી તરત જ કાલુ સરદારે પોતાનો ઘોડો દોડાવી મૂક્યો. કંઈ કેટલીય વાર સુધી વીરસેન એની પાછળ જોઈ રહ્યો.

કેવો વીર પુરુષ ! કેટલો ઉદાર !

વીરસેનને આટલી મોટી ભેટ આપી. પોતાનો અમૂલખ છરો દીધો. પણ વીરસેન એ માટે આભાર માને તે પહેલાં તો જતો રહ્યો !

સાચા વીરપુરુષ એ કહેવાય. સાચા ઉદાર એ કહેવાય.

એવા સાચા માણસને વખાણની જરૂર ન હોય. આભારની જરૂર ન હોય. કોઈની વાહવાહની જરૂર ન હોય.

એ તો પોતાનું કામ કરે. સેવા કરે. મદદ કરે. બદલાની આશા રાખે નહિ.

વીરસેનનું મસ્તક આવા વીરપુરુષને નમન કરી રહ્યું.

સારા માણસનો સંગ ઉત્સાહ પ્રેરે છે. ઉમંગ આપે છે.

વીરસેન પણ બમણા ઉત્સાહથી આગળ ચાલ્યો જાય છે.

શરગતિને ઘણો આરામ મળ્યો છે. એકધારી ગતિએ દોડ્યો જાય છે. પણ્યબંદરનો મારગ કપાતો જાય છે.

બીજે દિવસે બપોરે તો વીરસેન પણ્યબંદરે પહોંચી ગયો. મોટું શહેર. મોટી બજાર. મોટાં મકાન. મોટો દરિયાકાંઠો. ત્યાં મોટાં વહાણ હિલોળા લે.

પણ એ બધું જોવાનો વખત નથી. જલદી ગુલામબજાર શોધવું છે. ત્યાં જઈ બહેનીને છોડાવવી છે. સોનાને છોડાવવી છે.

પૈસા જોઈએ તો પૈસા છે. નહિતર રાજની મદદ તો છે જ.

એટલે રાહદારીઓને પૂછતો જાય છે.

ગુલામબજાર આવી ગયું. ત્યાં જાતજાતનાં લોકો છે. ભયંકર ચાંચિયા છે. એમણે ગુલામો પકડેલા છે.

ગુલામોમાં કોઈ ઈરાનના છે. કોઈ અરબસ્તાનના છે. કોઈ આફ્રિકાના છે. તો કોઈ છેક રોમ અને યૂનાનના પણ છે. પુરુષો છે. સ્ત્રીઓ છે. બાળકો પણ છે.

એમના ભાવ બોલાય છે. હરરાજી થાય છે. સૌથી વધુ કિંમત આપે તે ગુલામને લઈ જાય છે.

ગુલામબજારમાં માનવી જેવાં માનવીને ઢોરની જેમ વેચાતાં જોઈ જોઈને વીરસેનનું લોહી ઊકળે છે. સંતાપ થાય છે. માનવી જેવું માનવી છે. કાંઈ લોઢાનું હથિયાર નથી. લાકડાનું સાજ નથી. માટીનું રમકડું નથી. એનાં તો મૂલ ન થાય.

એવાં માનવી આમ ઊભા બજારે વેચાય ?

એ જુએ છે અને એને લાટ દેશ યાદ આવે છે. ત્યાં સ્વતંત્રતાપ્રેમી પ્રજા યાદ આવે છે. ત્યાંનો બહાદુર કાલુ સરદાર યાદ આવે છે.

મનમાં સંકલ્પ થાય છે : કદીક આ બજાર બંધ કરીશું. માનવી મારફત માનવીનું વેચાણ થતું અટકાવીશું. હું અને કાલુ સરદાર બંને ભેગા મળીને આ લોહીના વેપાર બંધ કરાવીશું.

પણ અત્યારે એવા વિચાર કરવાનો વખત નથી. બહેની રૂપાને શોધવી છે. સખી સોનાને શોધવી છે.

આખું બજાર ઘૂમે છે. પણ બહેની ક્યાંય દેખાતી નથી.

એક વાર ઘૂમ્યો. ન દેખાઈ.

બીજો આંટો માર્યો. બહેનીનો પત્તો નથી.

ત્રીજો, ચોથો ફેરો ખાધો, ક્યાંય રૂપા નથી. ક્યાંય સોના પણ નથી.

આખરે ત્યાં ઊભેલા માણસોને પૂછવા માંડ્યું. બહેનનું અને સોનાનું વર્ણન કર્યું.

એક માણસે ભાળ આપી, ‘તમે કહો છો એવી બે પરદેશી છોકરીઓ અમે જોઈ હતી. ચાંચિયા એમને લાવેલા. પણ એ બંનેનાં કમનસીબ પર અમને રોવું આવે છે.’

વીરસેન કહે, ‘કાં ? એમને કાંઈ અમંગળ તો નથી નડ્યું ને ?’

માણસ કહે, ‘મંગળ-અમંગળ તો શું, રાહુ ને કેતુથીય ભયંકર એક માણસ નડ્યું છે.’

વીરસેન કહે, ‘અમે સમજ્યા નહિ.’

માણસ કહે, ‘એમને અહીંની બાજુના નગરનો ઠાકોર શ્યામસિંહ ખરીદી ગયો છે. એ ઠાકોર ભારે ભૂંડો માણસ છે. એને ઘેર કોઈ ગુલામ છ મહિનાથી વધુ ન જીવે, એવો એ જુલમી છે. નગરની બહાર એનો મહેલ છે. એ મહેલમાં અનેક ગુલામો કેદ રહે છે. મરે એમને બાજુની નદીમાં પધરાવી દે છે. અમને પેલી બિચારી બે છોકરીઓની બહુ દયા આવે છે. કેવી નાજુક ને કેવી રૂપાળી બાળાઓ હતી ! અને કેવા રાક્ષસના હાથમાં જઈ પડી !’

વીરસેનનું એ વેળાનું દુઃખ કહ્યું જાય એમ નથી. આટલી મુશ્કેલી વેઠીને મારમાર કરતો આવ્યો, પણ તોય મોડો પડ્યો !

નિરાશ થઈને દરિયાકાંઠે જઈને બેઠો.

આંખમાંથી આંસુ ખરખર વહી નીકળ્યાં.

રડતાંરડતાં વિચારવા માંડ્યું. દુઃખમાં પણ હિંમત ન હારે અને દુઃખ દૂર કરવાના વિચારો કરે તે બહાદુર માણસ છે.

વીરસેન પણ વિચારોને ઝોલે ચડ્યો.

વિચારે છે તેને લાભ જ થાય છે.

ગમે તેવી આફત આવી હોય, વિચાર કરતાં એનો ઉપાય જડે જ છે.

વીરસેનને પણ એક ઉપાય જડી ગયો. એક આબાદ યુક્તિ હાથ લાગી ગઈ.

એ જલદીજલદી નગરમાં દોડ્યો. પોતાની પાસે નાણાં તો હતાં જ. નાણાં આપીને ચાર માણસને નોકરીએ રાખ્યા. ચાર ઘોડા ખરીદ્યા. સરસ કપડાં ખરીદ્યાં. રાજને શોભે એવો ઠાઠ કર્યો.

પછી જલદીજલદી નીકળી પડ્યો ઠાકોર શ્યામસિંહના મહેલ ભણી. રસ્તો પૂરા ચાર કલાકનો હતો.

છેક સાંજે શ્યામસિંહના મહેલના દરવાજે પહોંચ્યો.

આવા ઠાઠવાળા માણસને જોઈ ઠાકોર પોતે આવકાર આપવા મહેલના દરવાજે આવ્યો હતો. એણે વીરસેનને નમસ્કાર કર્યા. પછી નમ્રતાથી બોલ્યો, ‘પધારો, મહારાજ ગુમાનસિંહ ! અમારા પર આપની મોટી મહેરબાની થઈ. આપ જેવા મહારાજા અમારે આંગણે ક્યાંથી ?’