Saahasni Safare - 4 books and stories free download online pdf in Gujarati

સાહસની સફરે - 4

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૪ : મોતના મહેલમાં

ઠાકોર શ્યામસિંહ.

નાનકડું એનું રાજ.

મોટો એનો મહેલ.

પ્રજાને લૂંટે.

લૂંટીને ધણ ભેગું કરે.

એમાંથી મોટાં મહેલ બંધાવે.

સાહ્યબી કરે. ગુલામો ખરીદે. એશઆરામથી રહે.

જેવું નામ એવા ગુણ. રંગે કાળો. ઊંચો. તગડો. હબસી જેવો લાગે.

એને ઘેર મહેમાન પધાર્યા. લાટદેશના રાજા ગુમાનસિંહ પધાર્યા. ભાવથી આવકાર આપ્યો.

જેવો પોતે નીચ છે, એવો જ ગુમાનસિંહ છે. દુનિયામાં સદા સરખેસરખા વચ્ચે દોસ્તી બંધાય. સારા માણસની દોસ્તી સારા સાથે બંધાય. બૂરાની બૂરા સાથે.

પણ આ ગુમાનસિંહ કાંઇ સાચો ગુમાનસિંહ નથી. આ તો વીરસેન છે. એનો ચહેરોમહોરો ગુમાનસિંહ જેવો છે. ઉંમર ગુમાનસિંહ જેટલી જ છે. બદલ્યા બદલાઈ જાય તેવા છે. અને લાટના કાલુ સરદારને ત્યાં બદલાઈ જ ગયા હતા ને ? એ પરથી તો વીરસેનને આ યુક્તિ જડી છે. એને ખાતરી છે કે સાચો ગુમાનસિંહ પકડાઈ ગયો એ વાતની હજુ અહીં કોઈને ખબર પડી નહિ હોય. એ દરમિયાનમાં ગુમાનસિંહનું રૂપ ધરીને બને એટલો લાભ લઈ લઉં.

શ્યામસિંહે બપોરના વખતે ગુલામ તરીકે બે છોકરીઓ ખરીદી છે. એ છે રૂપા અને સોના. વીરસેન એમને છોડાવવા આવ્યો છે.

શ્યામસિંહ ભયંકર માણસ છે. એના મહેલમાં પેસવું એટલે સિંહની બોડમાં પેસવા બરાબર છે. ઓળખાઈ જાય તો મોત છે.

પણ વીરસેન બહાદુર છે. બહાદુરો મોતથી ડરતા નથી.

વીરસેન ચતુર છે. ચતુર માણસો ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકે છે.

એ તો ગુમાનસિંહ બનીને શ્યામસિંહના મહેલમાં ગયો. એક મોટાં ખંડમાં સૌ બેઠા. શ્યામસિંહ તો એની આગતાસ્વાગતા કરવામાં અરધોઅરધો થઈ જાય છે. પાણી માગે ત્યાં દૂધ હાજર કરે છે. ગુમાનસિંહ મોટો માણસ છે. લાટ દેશનો રાજા છે. એના તરફથી લાભ થાય તેમ છે.

એ વીરસેનને પૂછે છે, ‘ગુમાનસિંહજી ! આજે અમારા પર કેવી રોતે મહેરબાની થઈ ? અમારે આંગણે શા હેતુથી પધાર્યા છો ?’

ગુમાનસિંહના વેશમાં વીરસેન કહે, ‘અમારા રાજમાં એક મોટો સરદાર ઊભો થયો છે. એનું નામ કાલુ સરદાર છે. એની સામે લડવા અમને તમારી મદદની જરૂર છે. એથી મદદ માગવા માટે આવ્યા અમે છીએ.’

લુચ્ચાઈથી હસીને શ્યામસિંહ કહે, ‘હા, હા, અમે જરૂર મદદ કરવા તૈયાર છીએ. તમારા કાલુ સરદાર જેવા કાંઇ કેટલાક કાલુ સરદારોને અમે પૂરા કરી નાખ્યા છે. પણ કહો કે મદદના બદલામાં અમને શું મળશે ?’

વીરસેન કહે, ‘અમારા દેશના દસ સારામાં સારા ગામ તમને બક્ષિસમાં આપીશું.’

શ્યામસિંહ કહે, ‘ભલે. અમારા સારામાં સારા લડવૈયા લઈને અમે તમારા રાજમાં આવી પહોચીશું. હમણાં તો આપ આરામ કરો.’

વીરસેન કહે, ‘હા, ઘણી લાંબી મુસાફરી કરી છે. હવે આરામ કરીએ.’

શ્યામસિંહે તાળી પાડીને એક ગુલામને બોલાવ્યો. ગુલામ વીરસિંહને માનભેર એક ખંડમાં લઈ ગયો. ખંડમાં સરસ ગાદીતકિયા બિછાવેલા હતા. બારીઓ પર રંગરંગીન રેશમનાં પડદા લટકતા હતા.

વીરસેને ગુલામને પાછો મોકલી દીધો. પછી એક ગાદી પર બેઠો. વિચારવા લાગ્યો. ઠાકોર શ્યામસિંહના મહેલમાં તો આવી ગયા છીએ. પણ મહેલ ઘણો મોટો છે. એમાં રૂપા-સોનાને ક્યાં રાખ્યાં હશે એની ખબર નથી. એમને કેમ છોડાવવાં એનો હજુ વિચાર કર્યો નથી.

પણ ચિંતા નહિ. કોઈક ઉપાય જરૂર જડી આવશે.

એમ વિચાર કરતો વીરસેન બેઠો છે. આસપાસ નજર ફેરવે છે.

એટલામાં ખંડની બહાર કોઈનાં પગલાં સંભળાયાં.

વીરસેન સાવધ બની ગયો. નજર બારણાં પર નોંધી રાખી. હાથ તલવાર પર મૂકી રાખ્યો.

બારણા પરનો પડદો ખસ્યો.

એક નીચકડો માણસ ખંડમાં આવ્યો. એણે આ દેશનાં કપડાં પહેર્યા હતાં. મોં પર કાળી રેખાઓ પડી ગઈ હતી. એનો ચહેરો જાણીતો લાગતો હતો.

એ ખંડમાં આવીને થોડી ક્ષણો સુધી શાંત ઊભો રહ્યો.

એકાએક વીરસેને એને ઓળખ્યો. એ બોલી પડ્યો, ‘જાલીમસિંહ ! તું અહીં ક્યાંથી ?’

હા, એ જાલીમસિંહ. જેણે કાલુ સરદારનું સ્થાન લીધું હતું તે જાલીમસિંહ !

એ કહે, ‘હા, હા, હું જાલીમસિંહ. કાલુ સરદારે મને કાઢી મૂક્યો છે. કારણ કે હું ગુમાનસિંહનો માણસ છું. એનો જાસૂસ છું. ગુમાનસિંહે મને કાલુ સરદાર પર જાસૂસી કરવા મોકલ્યો હતો. પણ હું પકડાઈ ગયો. એણે મને કાઢી મૂક્યો.

પછી ખડખડાટ હસીને બોલ્યો, ‘કુદરત પણ કેવી કમાલ કરે છે ! મારા નસીબમાં એણે ગુમાનસિંહની સેવા કરવાનું જ લખ્યું છે. એટલે એક ગુમાનસિંહ ફાંસીએ લટક્યો તો બીજો ગુમાનસિંહ મારી પાછળ પાછળ જ આવી લાગ્યો.’

વીરસેન કહે, ‘કયો બીજો ગુમાનસિંહ ?’

જાલીમસિંહ કહે, ‘એ બીજો ગુમાનસિંહ અમારી સામે જ ઊભો છે. અને અમે એની સેવા કરવા તૈયાર છીએ. અમને ખબર છે કે તું ગુમાનસિંહનું રૂપ લઈને અહીં આવ્યો છે, છોકરા ! બોલ, અમને તારા સેવક તરીકે રાખીશ કે નહિ ?’

વીરસેન કહે, ‘અમારે કોઈ સેવકની જરૂર નથી.’

જાલીમસિંહ કહે, ‘તારે સેવકની જરૂર હોય કે નહિ, અમારે પગારની જરૂર છે. કાલુ સરદારે તને પૈસા આપ્યા જ હશે. એ પૈસા અમને આપી દે.’

વીરસેન કહે, ‘એ પૈસા અમે તને નહિ આપીએ.’

જાલીમસિંહ કહે, ‘એ પૈસા તારે અમને આપવા જ પડશે. કારણ કે તારા જાનની ચાવી અત્યારે અમારા હાથમાં છે. આ મહેલ બહુ મોટો છે. એની દીવાલો ઘણી ઊંચી છે. દરવાજા બંધ છે. તું ક્યાંય નીકળી જઈ શકશે નહિ. અમે એકથી દસ ગણીએ ત્યાં સુધીમાં પૈસા અને કાલુ સરદારનો છરો અમને આપી દે. નહિતર અમે બૂમાબૂમ કરીશું. તું દગાબાજ છે એમ જાહેર કરીશું. ઠાકોર શ્યામસિંહ અને એના સૈનિકો તને ખતમ કરી નાખશે.’

વીરસેન કહે, ‘પણ તું અહીં આવ્યો કેવી રીતે એ તો કહે !’

જાલીમસિંહ કહે, ‘ઠાકોર શ્યામસિંહ અને ગુમાનસિંહ જૂના મિત્રો છે. એટલે જ્યારે ગુમાનસિંહનું મોત થયું અને કાળા અસવારોને ખબર પડી કે અમે ગુમાનસિંહના જાસૂસ છીએ, ત્યારે અમે અહીં નાસી આવ્યા. આવીને આરામ કરતા હતા. માઠા સમાચાર હજુ હવે અમે ઠાકોરને આપવાના હતા. એટલામાં અમારી બારીમાંથી તને આવતો જોયો. એટલે થયું કે ચાલો, બીજો ગુમાનસિંહ આવી ગયો. એની સેવામાં જઈ પહોંચીએ.’

વીરસેન કહે, ‘અમારે એવી સેવા જોઈતી નથી.’

જાલીમસિંહ કહે, ‘તો અમે બૂમ મારવા તૈયાર છીએ. જો, અમે એકથી દસ ગણવા માંડીએ છીએ. એટલામાં તું હા કે ના કહી દે. એક...’

જાલીમસિંહે ગણવા માંડ્યું.

‘બે...’

વીરસેન ઊંડા વિચારમાં પડી ગયો. હવે શું થાય ? જો પકડાય તો મોત નક્કી છે. છૂટવાનો કોઈ ઉપાય શોધવો જોઈએ. આ બદમાશ ઠીંગુને ચૂપ કરવો જોઈએ.

જાલીમસિંહ ગણતો હતો :

‘ત્રણ...’

જાલીમસિંહ ગણે છે. એના ચહેરા પર રાક્ષસી આનંદ છે. વીરસેનને કેવો ફસાવી દીધો છે ! કેવો સાણસામાં સપડાવ્યો છે ! છટકી શકે એમ નથી. પૈસા આપ્યા વિના છૂટકો નથી.

જાલીમસિંહ ગણે છે :

‘ચાર...’

ક્ષણેક્ષણની કિંમત છે. કશોક ઉપાય જલદી શોધી કાઢવો જોઈએ.

‘પાંચ...’

વીરસેનની નજર આજુબાજુ ઘૂમે છે. ખંડનું રાચરચીલું જુએ છે. કશાકનો ઉપયોગ કરીને આ બદમાશ ઠીંગુને ચૂપ કરવાનો ઉપાય શોધે છે.

- અને જાલીમસિંહ તો ગણતો જાય છે : ‘છ...’

વીરસેન આસપાસ નજર કરે છે અને એના મનમાં એક યોજના ઘડાતી જાય છે.

જાલીમસિંહની ગણતરી આગળ ચાલે છે : ‘સાત...’

વીરસેનની યોજના પાકી થતી જાય છે. બુદ્ધિનું કામ છે. તાકાતનું કામ છે.

‘આઠ...’

વીરસેન ગાદી-તકિયે બેઠો છે. શરીરની નસેનસ તંગ થઈ ગઈ છે. હાથ-પગના સ્નાયુ ખેંચાઈને તૈયાર થઈ ગયા છે. સિંહે જાણે હરણા પર તરાપ મારવાની તૈયારી કરી છે.

‘નવ...’

જાલીમસિંહ નવ બોલ્યો. જલદીજલદી દસ બોલવા જતો હતો. પછી જલદીજલદી બૂમ મારવા જતો હતો.

એ બોલવા ગયો...

‘દ...’

પણ પૂરું બોલાયું નહિ.

કેમ કે એ જ ક્ષણે વીરસેને વાઘના જેવો કૂદકો માર્યો. એક તકિયો ઉઠાવ્યો. ભીમસેનની ગદાની જેમ એ તકિયો ફેંક્યો. તાકીને મારેલો તકિયો. પાછળ વીરસેનની તાકાત. એ તકિયો વાગતાં જ જાલીમસિંહ ગડથોલું ખાઈ ગયો. વીરસેન તકિયાની પાછળ ને પાછળ જ તીરની જેમ છૂટ્યો. કૂદી પડ્યો ઠીંગુ જાલીમસિંહ ઉપર અને દાબી દીધો એને. એક હાથ એના મોં પર રાખી દીધો. બીજા હાથે એને દબાવી રાખ્યો. પછી ખેંચીને ઊભો કર્યો. ખંડની દીવાલ પાસે લઈ ગયો. લઈ જઈને માથું પછાડ્યું દીવાલ સાથે. બહુ જોરથી માથું પછડાય તો ખોપરી તૂટી જાય. માણસ મરી જાય. વીરસેન એને મારી નાખવા માગતો નથી. એ તો એને ચૂપ કરવા મથે છે. પોતે નાસી છૂટવા માગે છે. એટલે ઓછા જોરથી જાલીમસિંહનું માથું ભીંત સાથે પછાડ્યું છે. માથાની પાછળના ભાગમાં નાનું મગજ છે. નાનાં મગજના હુકમથી માણસ હલનચલન કરે છે. શરીરમાં સ્નાયુ બે જાતના છે. એક તો સ્વતંત્ર સ્નાયુઓ – જે પોતાની મેળે કામ કરે છે. હૃદયના સ્નાયુઓ, ફેફસાંના સ્નાયુઓ બધા સ્વતંત્ર સ્નાયુઓ છે. આપણે જાગતા ન હોઈએ ત્યારે પણ એ કામ કર્યા કરે છે. બાકીના બધા સ્નાયુઓ નાનાં મગજના અંકુશમાં રહે છે. પણ જો નાનું મગજ કામ કરતું અટકી જાય તો એ સ્નાયુઓ કામ ન કરે. હાથ-પગ ન હાલે. જીભ ન બોલે. આંખ ન જુએ. એ નાનાં મગજને ધક્કો લાગે તો માણસના સ્નાયુઓ કામ કરતા અટકી જાય. માણસ બેભાન બની જાય.

વીરસેન આ વાત જાણે છે. એટલે એણે જાલીમસિંહને બેભાન બનાવી દીધો. પછી એને ત્યાં જ નાખી દઈને પોતે બહાર નીકળ્યો. ઘોડારમાં ગયો. શરગતિએ એને જોતાં જ હણહણાટી કરી.

વીરસેને શરગતિને પલાણ્યો. પછી એના પર સવારી કરી. બહાર નીકળ્યો. મહેલને દરવાજે આવ્યો. દરવાજાના સંત્રીએ એને પડકાર્યો, ‘કોણ છે ?’

વીરસેન કહે, ‘રાજા ગુમાનસિંહ.’

સંત્રી કહે, ‘અત્યારે કેમ નીકળ્યા છો ?’

વીરસેન કહે, ‘ફરવા જવું છે.’

સંત્રી કહે, ‘રાતે બહાર નીકળવાની મનાઈ છે.’

વીરસેન કહે, ‘અમે રાજા છીએ. અમને કોઈ મનાઈ કરી શકે નહિ.’

સંત્રી કહે, ‘અમે અમારી ફરજ બજાવીએ છીએ. ફરજ સૌને માટે સરખી છે. રાજા હોય કે રંક હોય, અમે અત્યારે કોઈને બહાર નીકળવા નહિ દઈએ. મહેમાનો માટે પણ અહીં રાતે બહાર નીકળવાની મનાઈ છે. જાવ, જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાવ, અને સૂઈ જાવ.’

હવે શું થાય ?

વીરસેન વિચારમાં પડી ગયો. સમય થોડો છે. ઘડી વારમાં તો જાલીમસિંહ ભાનમાં આવે. તરત બૂમાબૂમ મચાવી મૂકે.

એમ વિચાર કરે છે ત્યાં જ મહેલમાં ગોકીરો સંભળાયો. ‘દગો ! દગો !’ના બરાડા સંભળાયા. લોકો દોડાદોડ કરવા લાગ્યા. એમાં ઠીંગુ જાલીમસિંહનો અવાજ સૌથી ઊંચો સંભળાતો હતો. એના શરીરના પ્રમાણમાં એનો અવાજ ખરેખર ખૂબ જ બુલંદ હતો !

વીરસેન સમજી ગયો. જાલીમસિંહ જાગ્યો છે. ભાનમાં આવ્યો છે. હવે હમણાં ઠાકોરના બધા સૈનિકો દોડશે. ભાગવું ભારે પડશે.

એક જ ઉપાય હતો. મહેલની ઊંચી દીવાલ કૂદીને જવું પડે.

એટલે વીરસેને શરગતિને વાળ્યો. મહેલની પાછળના ભાગમાં દોડાવ્યો. દરવાજાનો સંત્રી એની પાછળ પાછળ દોડ્યો. બૂમો પાડવા લાગ્યો.

શરગતિ જાતવાન પ્રાણી છે. માલિકની ઉતાવળ સમજે છે. એની મુશ્કેલી જાણે છે.

મુશ્કેલીના વખતે જાણે એ અસવારની સાથે એકાકાર થઈ જાય છે. માલિકના મન સાથે એનું મન એક થઈ જાય છે. માલિકના દેહ સાથે એનો દેહ જોડાઈ જાય છે. એ પછી એની લગામ ખેંચવાની જરૂર નથી પડતી. એડી દાબવાની જરૂર નથી પડતી. એ માલિકની ઈચ્છા મુજબ વર્તે છે.

શરગતિ દોડ્યો જાય છે.

વીરસેન બોલ્યે જાય છે : ‘દોડ, શરગતિ, દોડ ! ઝડપથી દોડ, અને કૂદકો માર ! પેલી દીવાલ કૂદી જવાની છે ! ધ્યાન રાખ ! ધ્યાનથી દોડ !’

પાછળનો ગોકીરો વધી ગયો. ‘મારો-મારો-પકડો-પકડો’ના અવાજો વધી ગયા.

શરગતિ આખી સ્થિતિનો પાર પામી ગયો.

દોડ્યો.

કૂદ્યો.

હવામાં ફંગોળાયો.

ઘડીભર તો મહેલની પંદર હાથ ઊંચી દીવાલ બંનેની સામે ધસતી દેખાઈ.

પણ બીજી જ ઘડીએ દીવાલ નીચેથી પસાર થઈ ગઈ !

વીરસેન બોલ્યો, ‘શાબાશ, શરગતિ !’

ઘોડો ને અસવાર ઘણી વાર સુધી જાણે હવામાં તરતા રહ્યા.

પછી પડ્યા. નીચે તળાવ હતું. ઊંડાં પાણીમાં બંને ગરક થઈ ગયા. પણ તરત બહાર આવ્યા. શરગતિ તરવા લાગ્યો. તરતોતરતો ઘણો આગળ નીકળી ગયો. મહેલમાં ભેગા થયેલા માણસો આ ઘોડા અને આ ઘોડેસવારનો અજબ કૂદકો જોઈ રહ્યા.

ઘોડા અને ઘોડેસવારની આ અજબ સાહસિકતા જોઈને એ બધા હેબતાઈ ગયા. શું કરવું ને શું ના કરવું એની સુધબુધ કોઈને ન રહી.

જ્યારે મહેલવાસીઓ આમ નવાઈના સાગરમાં ડૂબકાં ખાતા હતા ત્યારે વીરસેન અને શરગતિ મજેથી બહારના તળાવમાં તરતા હતા.

તરતાતરતા સામે કાંઠે બહાર નીકળ્યા.

કિનારે આવીને એણે કપડાં નીચોવ્યાં. વળી પાછાં એ કપડાં પહેરી લીધાં.

પછી પાછી દોડ શરૂ કરી. ઠાકોર શ્યામસિંહના સૈનિકો પાછળ દોડવાના જ હતા, એની ખાતરી હતી. એટલે વીરસેન ભાગી નીકળ્યો. શરગતિએ ગાઉ ઉપર ગાઉ કાપવા માંડ્યા. પકડાવાનો ભય જ નહોતો. શરગતિને કોઈ આંબી શકે તેમ નહોતું. છતાં સાવધ રહેવું જરૂરી હતું. હજુ તો કામની શરૂઆત જ હતી. એટલામાં તો જીવ બચાવીને ભાગવાની વેળા આવી હતી !

સવારમાં તો વીરસેન પણ્યબંદરે પહોંચી ગયો.

જઈને પાછો દરિયાકાંઠે બેઠો. વિચારવા લાગ્યો. એક યુક્તિ તો નિષ્ફળ ગઈ. બહેની રૂપા ન છૂટી. સખી સોના હજુ કેદ રહી. પોતે ભાગવું પડ્યું.

ચતુરાઈ એળે ગઈ. પેલો નીચ જાલીમસિંહ ટપકી ન પડ્યો હોત તો જરૂર યુક્તિ સફળ થાત. પોતે કોઈક બહાને સોના-રૂપાને છોડાવીને પોતાની સાથે લઈ જઈ શકત.

ખેર. બનવાનું હતું તે બની ગયું. શૂરા માણસો ગઈ ગુજરી યાદ કરીને બેસી રહેતા નથી.

વીરસેને પણ એક નવી યુક્તિ ગોઠવી કાઢી.

નગરમાં એક હકીમનું ઘર શોધી કાઢ્યું. એ હકીમને ઘેર જઈને પોતે ઊભો રહ્યો.