Pranaybhang - 15 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 15

પ્રણયભંગ ભાગ – 15

લેખક - મેર મેહુલ

“બે વાગ્યાં અખિલ, મને ઊંઘ આવે છે” સિયાએ કંટાળીને કહ્યું. બંને અગાસી પર બેસીને છેલ્લી બે કલાકથી વાતો કરી રહ્યાં હતાં.

“પણ મારે વાતો કરવી છે” અખિલ છેલ્લી અડધી કલાકથી આ વાક્ય બોલતો હતો.

“હું ક્યાંય ચાલી નથી જવાની બકા, આપણે કાલે પણ વાતો કરી શકીએ”

અખિલ સમજવા તૈયાર નહોતો. તેણે સિયાનો હાથ પોતાની બગલમાં દબાવીને રાખ્યો હતો.

“બાવળો થઈ ગયો છે તું” સિયાએ હસીને કહ્યું.

“હા થઈ ગયો છું” અખિલે કહ્યું, “તને પહેલીવાર જોઈ એ દિવસથી બાવળો થઈ ગયો છું”

“શરૂઆતમાં બધા સાથે એવું જ થાય, એકબીજા વિના ગમે નહિ, વાતો કરવાનું મન થાય, એકબીજા વિશે જાણવાની ઈચ્છા થાય પણ સમય જતાં એ જ સંબંધ પર વાંચી લીધેલાં પુસ્તકની જેમ ધૂળ લાગી જાય છે”

“આપણી સાથે એવું નહિ થાય” અખિલે કહ્યું.

“ચાલને હવે સુવા જઈએ” સિયા ઉભી થઇ.અખિલ પણ તેની સાથે ઉભો થયો.દાદરા ઉતરી બંને દરવાજા પાસે આવ્યાં.

“ગુડ નાઈટ” અખિલે કહ્યું.

“એક મિનિટ” સિયાએ અખિલને રોક્યો.

“થેંક્યું” સિયાએ અખિલ પાસે જઈ તેને હગ કરીને કહ્યું, “મારાં જન્મદિવસને યાદગાર બનાવવા માટે”

અખિલે સિયાને ગાઢ આલિંગનમાં જકડી લીધી.

“બેસ બે મિનિટ વાત કરવી છે” સિયાએ કહ્યું.

“હું તો કહું છું વાતો કરવા માટે”કહેતાં અખિલ રૂમમાં આવી, સોફા પર બેસી ગયો.

“હું શું કહું છું” સિયાએ કહ્યું, “હવે તો સાથે રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથીને તને ?”

“વિચારીએ” અખિલે ઢીલો જવાબ આપ્યો.

“અને તું જોબ છોડીને એક્ઝામ પર ધ્યાન આપ,તારે એક્ઝામ ક્લિયર કરવાની જ છે”

“એ બધી કાલે ચર્ચા કરીએ તો નહીં ચાલે ?” અખિલે કહ્યું.

“સારું, ગુડ નાઈટ” સિયાએ કહ્યું અને પોતાનાં ઘર તરફ ચાલી ગઈ.

*

“શું વાંચે છે ?” બીજા દિવસે સવારે સિયા હાથમાં ચાનો કપ લઈને આવી.

“કરન્ટ અફેર” અખિલે ચાનો કપ લઈને કહ્યું, “આ એક જ સબ્જેક્ટ એવો છે જેનાં મુદ્દા બદલાતાં રહે છે”

“થોડીવાર બ્રેક લઈ લે” સિયાએ કહ્યું.

“હવે પછી જ વાંચીશ, આમ પણ આંખો ઘેરાય છે”

“મોડેથી સૂતો હતો તો વહેલાં જાગવાનું કોણે કહ્યું હતું, મોડેથી ન જગાય ?”

“હવે આદત પડી ગઈ છે અને આમ પણ કાલે કંઈ વાંચ્યું નહોતું તો કવર કરતો હતો”

“સારું, હું રેલવે સ્ટેશન જઉં છું, મારો એક કોલેજ ફ્રેન્ડ મળવા આવે છે તો હું ત્યાંથી સીધી ક્લિનિક પર જતી રહીશ અને હા, બપોરે વહેલાં આવજે.સાથે લંચ કરીશું”

“કૉલેજ ફ્રેન્ડ જ છે કે પછી…?” અખિલે આંખો ત્રાંસી કરીને પુછ્યું.

“ચૂપ રહે તું” સિયાએ અખિલનાં ખભે ટપલી મારી.

“સાંભળને, એક મહિના પછી મારી એક્ઝામ છે તો એ પહેલાં આપણે બંને કોઈ સારી જગ્યાએ ફરી આવીએ તો”

“ના, બિલકુલ નહિ” સિયાએ ઘસીને ના પાડી દીધી, “તારી એક્ઝામ પુરી થાય એ પછી તું કહીશ ત્યાં આવીશ પણ એ પહેલાં ક્યાંય નહીં અને મારે મોડું થાય છે, ટ્રેન આવી ગઈ હશે”કહેતાં સિયાએ અખિલને હગ કર્યો અને રેલવે સ્ટેશન જવા નીકળી ગઈ. અખિલે પુસ્તક બાજુમાં રાખ્યું અને ફ્રેશ થવા ચાલ્યો ગયો. સિયાએ બ્રેકફાસ્ટ તૈયાર કરી રાખ્યો હતો એટલે અખિલ તૈયાર થઈ, બ્રેકફાસ્ટ કરીને જોબ પર જતો રહ્યો.

ઉનાળો લગભગ પૂરો થઈ ગયો હતો, વાદળો ધીમે ધીમે કાળા થતાં જતા હતા, ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું હતું. અખિલે એક શૉ-રૂમની વિઝિટ કરી હતી, ત્યાં સુધીમાં બપોર થઈ ગયાં હતાં.આકસ્મિક રીતે આજે લંચમાં નિયતી અખિલ સાથે જોડાય ગઈ હતી.બંને સારી રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયાં.

નિયતી અખિલને પસંદ કરતી હતી પણ એ અખિલને કહી શકતી નહોતી. આજે અખિલની નજીક આવવાનો તેની પાસે સારો અવસર હતો, નિયતી બંને હાથે એ અવસરને લપેટવા તૈયાર હતી.

“શું ચાલશે લંચમાં ?” અખિલે નિયતી માટે ખુરશી ખેંચતાં કહ્યું.

“મારાં માટે એક મૈસુરી ઢોસો” નિયતીએ કહ્યું.

“અરે વાહ, મને પણ ઢોસો પસંદ છે” કહેતાં અખિલે બે ઢોસાનો ઓર્ડર આપ્યો.

“મારાં મમ્મી ટેસ્ટી ઢોસા બનાવે છે” નિયતીએ કહ્યું, “ક્યારેક આવજે ઘરે”

“આવીશ પછી કોઈ દિવસ” અખિલે કહ્યું, “હાલ તો રીડિંગ પર ફોકસ છે”

ઢોસા આવી ગયાં એટલે બંનેએ ઢોસાને ન્યાય આપ્યો.

“તું આજે વધુ ખુશ દેખાય છે મને” નિયતીએ એક બાઈટ મોમાં રાખીને કહ્યું.અખિલને સિયા યાદ આવી ગઈ, આજે સિયાએ બપોરે તેને લંચ માટે બોલાવ્યો હતો.

“ક્યાં ખોવાય ગયો ?” નિયતીએ ચપટી વગાડી અખિલનું ધ્યાનભંગ કર્યું.

“અરે અહીં જ છું, શું કહેતી હતી તું, હું આજે વધુ ખુશ દેખાઉં છું એમ”

“હા, તારો ચહેરો ખીલેલો છે” નિયતીએ હસીને કહ્યું.

“એવું કશું નથી, એ તો અમસ્તા જ”

નિયતીએ અખિલ સામે જોયું, અખિલ નજર ચુરાવતો હતો. એ જોઈ નિયતી ફરી હસી પડી, “અમસ્તા જ કે પછી નવી પાડોશી સાથે આંખો મળી ગઈ છે.તે દિવસે તારી ચિંતા કરતી હતી એ”

“અરે કહ્યું તો સહી, બસ અમસ્તા જ”અખિલે શરમાઈને કહ્યું, “શું તું પણ છોકરીઓની વાતો વચ્ચે લાવે છે”

“આય હાય…જુઓ તો સહી, કેવા ગાલ ગુલાબી થઈ ગયા તારાં”

“એવું કશું નથી નિયતી” અખિલે ચહેરા પર હાવભાવ બદલવાની કોશિશ કરી.

“સાચું એવું નથી ?” નિયતીએ આંખો ત્રાંસી કરીને પુછ્યું.

“હા, એવું કશું જ નથી થયું જે તું વિચારે છે”

“તું રોજ બપોરે મારી સાથે લંચ કરે તો હું માનું”

“લંચ અને એ વાતને શું સંબંધ છે ?” અખિલે ખભા ઉછાળીને પૂછ્યું.

“અરે તું સાત દિવસે એકવાર મળે એમાં મને શું ખબર પડવાની કે એવું કંઈ છે કે નહિ, તું રોજ લંચ કરીશ તો મને ખબર પડશે અને મને કંપની મળી જશે”

“આ સારું છે” અખિલ હસ્યો, “એ પાડોશી સાથે મારી આંખો નથી મળી એ માટે મારે રોજ તારી સાથે હવે લંચ કરવાનો”

“તું કહે તો ડિનર પણ કરીશું અને બ્રેકફાસ્ટ પણ”નિયતીએ આંખ મારી.

“બસ બસ, આપણે લંચ સુધી જ સીમિત રાખીએ”

“હાહા, જોયું ને કેવી રીતે તને જાળમાં ફસાવી લીધો”

“તમારામાં તો બાય બોર્ન આ ટેલેન્ટ હોય છે” અખિલે હસીને કહ્યું, “ભગવાને અમારી સામે જ નથી જોયું”

અખિલની વાત સાંભળી નિયતી હસવા લાગી. નિયતી એક કદમ અખિલની નજીક આવી ગઈ હતી. તેણે ધીમે ધીમે અખિલને વિશ્વાસમાં લેવાનું વિચાર્યું પણ એ નહોતી જાણતી કે તેણે જે વાતનું મજાકમાં અનુમાન લગાવ્યું હતું એ સાચું ઠરી ગયું હશે.

“જમવાનું થઈ ગયું હોય તો નીકળીએ હવે ?” અખિલે બિલ પે કરીને કહ્યું.

“મારે એક હેલ્પ જોઈએ છે” નિયતીએ કહ્યું.

“બોલ શું હેલ્પ જોઈએ છે?”અખિલે પુછ્યું.

નિયતી ગૂંચવાઈ. પોતાની વાત અખિલ સામે કેમ રાખવી એ નિયતીને સમજાતું નહોતું.

“સાંજે કૉલ કરું તો ચાલશે ?” નિયતીએ સંકોચ સાથે પુછ્યું.

“ચાલે જ ને” અખિલે કહ્યું, “બધું ઠીક છે ને ?”

“સાંજે કૉલમાં જ વાત કરીએ”

“ઠીક છે” અખિલે કહ્યું.

“તું ફ્રી હોય તો મને બૅન્ક સુધી છોડી આવીશ ?” નિયતીએ પુછ્યું.

“વેલ, બેન્ક દૂર નથી પણ તારી ઈચ્છા છે તો હું છોડવા આવી શકું છું”

“થેંક્યું” નિયતીએ કહ્યું.

અખિલ નિયતીને બેન્કે ડ્રોપ કરી સિયાનાં ઘર તરફ નિકળ્યો, તેણે સિયાને કૉલ પણ નહોતો કર્યો. સિયા ગુસ્સે થશે એટલે તેને મનાવવા અખિલે સિયા માટે બે મોટી ચોકલેટ લીધી.અખિલ ઘરે પહોંચ્યો ત્યારે બપોરનાં બે થયાં હતાં.

“સૉરી” સિયાએ દરવાજો ખોલ્યો એટલે અખિલે બે કાન પકડીને કહ્યું.

“શું સૉરી, ઘડિયાળમાં નજર કર એકવાર” સિયાએ નાક ફુલાવ્યું.

“ખબર છે બે વાગી ગયાં છે પણ એક કસ્ટમરે ઘરે જમવા બેસારી દીધો એટલે મોડું થઈ ગયું” અખિલ જુઠ્ઠું બોલ્યો, અખિલ કોઈ છોકરી સાથે લંચ કરતો હતો એ વાત સાંભળી સિયા દુઃખી થાય એવું અખિલ નહોતો ઇચ્છતો.

“એક કૉલ કરવામાં કેટલો સમય લાગે ?” સિયાએ ચિડાતાં પુછ્યું.

અખિલનો ચહેરો પડી ગયો, “સૉરી તો કહ્યું”

“ઇટ્સ ઑકે” સિયા નરમ પડી.

“ચાલ હું તને મારાં હાથે ખવરાવું” અખિલ સિયાનો હાથ પકડીને ટેબલ પર લઈ ગયો.

અખિલે સિયાનાં મોંમાં એક બાઈટ રાખીને પૂછ્યું, “મળી તારાં કૉલેજ ફ્રેન્ડને?”

“હા, એ વડોદરામાં જ શિફ્ટ થયો છે” સિયાએ કોળિયો ચાવતાં ચાવતાં જવાબ આપ્યો.

“હેન્ડસમ છે એ ?” અખિલ મજાકના મૂડમાં હતો.

“અરે પુરી કૉલેજનો ક્રશ હતો એ” સિયાએ આંખ મારીને કહ્યું, સાથે ઉમેર્યું, “મારો પણ”

“મેરિડ હશેને ?” અખિલે પુછ્યું.

“મેરિડ નહિ સિંગલ છે” સિયાએ કહ્યું.

“દૂર રહેજે તું એનાથી” અખિલે સંદેહશીલ નજરે સિયા સામે જોયું. સિયા મોટેથી હસવા લાગી.

“તને છોડીને ક્યાંય નથી જવાની” સિયાએ વહાલથી અખિલનાં ગાલ ખેંચ્યા.

“તને ક્યાંય જવા પણ નહીં દઉં” અખિલે પણ સિયાનાં ગાલ ખેંચતાં કહ્યું.

“તું આવી રીતે મને ખવરાવતો હોય તો રોજ મોડો આવજે” સિયાએ કહ્યું.

અખિલ અને સિયા બંને એક સાથે હસી પડ્યા. અખિલે સિયાનું મોં ખોલીને એક કોળિયો સિયાનાં મોંમાં ઠુસી દીધો.

( ક્રમશઃ )