Pranaybhang - 19 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 19

પ્રણયભંગ ભાગ – 19


લેખક - મેર મેહુલ

વડોદરાથી મુંબઈની ફ્લાઇટ હતી, મુંબઈથી ગોવા અને ત્યાંથી ‘ફોર્ચ્યુન મીરામાર’ હોટેલ સુધી ટેક્સી કરવાની હતી. સિયાએ એક દિવસ પહેલાં જ બુકીંગ કરાવી લીધું હતું. સવારે દસ વાગ્યે મુંબઈ જવા ફ્લાઇટ રવાના થઈ. સવા એક કલાકમાં ચારસો કિલોમીટર દૂર મુંબઈ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું.

ગોવા જવા માટે એક વાગ્યાની ફ્લાઇટ હતી એટલે બંને વેઇટિંગ રૂમમાં જઈને બેઠાં.

“તું કોઈ દિવસ ગોવા ગયેલી ?” અખિલે પુછ્યું.

“હા એકવાર” સિયાએ કહ્યું. અખિલે આગળ સવાલ ના કર્યો.

“તું ગયેલો ?” સિયાએ પુછ્યું.

“કાલે રાતે સપનામાં આવ્યો હતો” અખિલે હસીને કહ્યું.

“ચાલ આપણી ફ્લાઈટનું એનાઉન્સમેન્ટ થયું” સિયાએ ઊભાં થતાં કહ્યું.

બંને એક કલાકમાં ગોવા એરપોર્ટ પર પહોંચી ગયાં. સિયાએ કેબ મંગાવી, ફોર્ચ્યુન મીરામાર હોટેલ તરફ જવા કહ્યું.અખિલ રસ્તામાં કાચ બહાર નજર કરતો જતો હતો. વડોદરાની સ્થિતિએ અહીંનું તાપમાન ઓછું હતું. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી એટલે જૂજ માત્રામાં સહેલાણીઓ નજરે ચડતાં હતાં.

ખુલ્લાં રસ્તાઓ પર કેબ પુરવેગે હોટેલ તરફ દોડતી હતી. કેબ સાથે અખિલનાં વિચારો પણ દોડી રહ્યાં હતાં. બંનેએ હોટેલમાં ચૅક-ઇન કર્યું ત્યારે ત્રણ વાગી ગયાં હતાં. ફાઇવ સ્ટાર હોટેલમાં પ્રવેશતાં સાથે જ અખિલનાં હોશ ઉડી ગયાં હતાં, ચાર માળની કાચના પાટેશનવાળી હોટેલની ભાવ્યતાં ગેટમાં પ્રવેશતાં જ આંખે ચોંટતી હતી.અંદર ગાર્ડન, સ્વિમિંગ પુલ, સીનેમાં હૉલ, ગેમિંગ ઝોનથી માંડીને બધી જ વ્યવસ્થા હતી.

એક વ્યક્તિ બંનેને ચોથા માળે રૂમ સુધી છોડી ગયો.

“આલીશાન હોટેલ છે” અખિલે કહ્યું.

“એક કલાક ફિલ્ટર કરીને મેં આ હોટેલ પસંદ કરી છે” સિયાએ કહ્યું, “અહીંથી મીરામાર બીચ નજીક પડે છે, બાલ્કનીમાંથી બહારનો નજારો જોવા જેવો છે.અખિલ દરવાજો ખોલીને બાલ્કનીમાં આવ્યો, ઠંડા પવનનું એક ઝોકું અખિલને સ્પર્શયું. અખિલે બંને હાથ હવામાં ફેલાવ્યા, “અદભુત !”

સિયા પાછળથી અખિલને લપેટાઈ ગઈ, “સાત દિવસ સુધી બહારની દુનિયા ભુલી જવાની છે, આ દુનિયામાં આપણે એવી યાદો કેદ કરવાની છે જે કોઈ દિવસ ભૂલી ના શકીએ”

“તારી સાથે હોઉં ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું” અખિલે સિયાને બહોપાશમાં લેતાં કહ્યું.

“મસ્કા ના માર” સિયાએ મુક્કો માર્યો, “જલ્દી ફ્રેશ થઈ જા, આપણે બીચ પર જઈએ છીએ”

“મને પાંચ મિનિટ આપ, હું દસ મિનિટમાં ફ્રેશ થઈને આવ્યો” અખિલે કહ્યું અને બાથરૂમમાં ઘુસી ગયો.

પણજીમાં સ્થિત મીરામાર બીચ ગોવાના સૌથી વધુ મુલાકાત લીધેલા દરિયાકિનારો છે. જેને 'ગેસપર ડાયસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. બે કિલોમીટર લાંબા મીરામાર દરિયાકિનારાનાં પાણીની સાથે સુંદર સફેદ રેતી છે જે પનામા સિટી બીચ, પેનસકોલા, નીલમ લીલાથી એક્વા બ્લુ સુધી બદલાય છે.મીરામાર ડેડ સેન્ટર છે તેથી તે એકદમ સુંદર છે.

અખિલ અને સિયા સફેદ રેતી પર હાથમાં હાથ રાખીને ચાલતાં હતાં.સાંજ થવા આવી હતી એટલે સૂરજ ક્ષિતિજ રેખા સુધી પહોંચી રહ્યો હતો. આગળ જતાં ગોળ મોટા પથ્થરો હતાં,બંને એ પથ્થરો પર આવીને બેઠાં. સિયાએ સિગરેટ સળગાવી.

“હું અહીં શેખર સાથે આવી હતી” સિયાએ ધીમેથી કહ્યું.

“મને ખબર છે” અખિલે પણ એ જ શાંત અવાજે સિયાને જવાબ આપ્યો.

“એનાં ગયાં પછી મારી લાઈફ વેરાન રણ જેવી બની ગઈ હતી, આપણાં સમાજમાં વિધવાને લોકો જુદી દ્રષ્ટિએ જુએ છે. પતિનાં અવસાન પછી જાણે તેને જીવવાનો હક જ નથી એવી રીતે સફેદ સાડી પહેરાવી દે છે, શણગાર વિના સ્ત્રી અધૂરી હોય છે એ લોકો ભૂલી જાય છે. તેની ઈચ્છાઓને દબાવી દેવામાં આવે છે.

કોઈની સાથે એ હસીને વાતો કરે તો લોકો જુદી જુદી વાતો કરવા લાગે છે, શું પતિનાં અવસાન સાથે સ્ત્રીને કોઈની સાથે વાતો કરવાની પણ સ્વતંત્રતા પણ અવસાન પામે છે?

લોકો સાંત્વના તો આપે છે પણ સાથે તેનાં માથાં પર વિધવાનું એવું લેબલ લગાવી દે છે જે પુરી ઉંમર ભૂંસાતું નથી. પત્નીના અવસાન પછી પતિઓ સાથે કેમ આવું કરવામાં નથી આવતું?, પતિને કેમ સફેદ કપડાં પહેરાવવામાં નથી આવતાં ?, એ કોઈની સાથે હસીને વાતો કરે તો કેમ એને કોઈ પુછતું નથી?,શું આ બીડું સ્ત્રીઓએ જ ઉપડેલું છે ?”

સિયા શ્વાસ લેવા અટકી, “હું સમાજના નિયમોને નથી માનતી, આ મારી લાઈફ છે. હું ઈચ્છું એવી રીતે જીવી શકું. હું વિધવા છું એવું બતાવીને કોઈની પાસેથી સિમ્પથી લેવામાં મને જરાય રસ નથી. હું સફેદ સાડી નથી પહેરતી, લોકોને એવોઇડ નથી કરતી, ઈચ્છાઓને દબાવી રાખવામાં હું નથી માનતી.

હું કોઈને પ્રેમ કેમ ના કરી શકું?, મારામાં લાગણી નથી?, હું માણસ નથી. લોકો કહે છે, સ્ત્રીઓનું હૃદય કોમળ હોય છે, મારી પાસે દિલ નથી?, હું કેમ કોઈની પાસે પ્રેમની આશા ન રાખી શકું ?”

“તું ભાવુક થાય છે સિયા” અખિલે સિયાનાં હાથ પર હાથ રાખ્યો.

“એક વિધવા સ્ત્રી પર શું વિતે છે એ તું નહિ સમજી શકે અખિલ” સિયાએ કહ્યું, “અમને અલગ જ દરજ્જો આપવામાં આવ્યો છે. યુ નૉ વૉટ..,મારી સાસુએ મને શું કહ્યું હતું?, તેણે મને એમ કહ્યું હતું, શેખરની યાદમાં મારે એક સંસ્થા સ્થાપવી જોઈએ. શેખરનાં રૂપિયા મારે એવી સ્ત્રીઓનાં ભલા માટે વાપરવા જોઈએ જે વિધવા થઈ હોય.હું શું કહું છું એ તું સમજે છે?, અમને ઘરમાં પણ પારકા લોકોની જેમ ટ્રીટ કરવામાં આવે છે. અમારે અમારો જુદો સમાજ બનાવવાનો, જુદી દુનિયામાં રહેવાનું કારણ કે અમે તમારાં સમાજ સાથે તો ભળવાના નથી”

“એવું કશું નથી સિયા”

સિયા અખિલની વાતો સાંભળતી જ નહોતી, એ તો પોતાની અંદર રહેલી છેલ્લાં બે વર્ષની ભડાસ બહાર કાઢી રહી હતી.

“એક કિસ્સો કહું તને, એક મહિના પહેલાંનો જ છે.હું સુરતથી કેમ વડોદરા શિફ્ટ થઈ તને ખબર છે ?, હું જ્યાં રહેતી હતી ત્યાં બાજુમાં એક દંપતી રહેવા આવ્યાં હતાં.મારી જેટલી જ ઉંમર હશે બંનેની.

તેઓને મારાં વિશે ખબર પડી એટલે બીજા લોકોની જેમ તેઓએ પણ મને સિમ્પથી આપી.બંને રોજ સાંજે મારાં ઘરે બેસવા આવતાં. મને એક પરિવાર જેવું ફિલ કરાવતાં બંને.

એક દિવસ તેનો પતિ એકલો મારાં ઘરે આવ્યો.તેની પત્ની ઘરે નહોતી એટલે મને તેની સાથે સુવાની ઑફર આપી. શું અમે સરકારી છીએ?, જેનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરી શકે ?

એમાં એ વ્યક્તિની પણ ભૂલ નહોતી, આપણાં સમાજે જ એવું શીખવ્યું છે. જે સ્ત્રીનું કોઈ નથી એને આપણી સમજવી. અરે હું પૂછું છું અમારે કોઈની જરૂર શા માટે છે?, અમે પોતાની જાતને નથી સંભાળી શકતાં?, શા માટે અમારાં પર અહેસાન કરો છો?

સતી પ્રથાનો રિવાજ કારણ વગર બંધ કરવામાં આવ્યો છે, પતિની ચિતા પર બેસીને બળી જઈએ તો આ સમાજનાં થોપેલાં નિયમો તો સહન ન કરવા પડે”

“સિયા” અખિલ ઉભો થઇ સિયા નજીક આવ્યો, “તું શાંત થઈશ હવે ?”

“મને બોલવા દે યાર, છેલ્લાં બે વર્ષથી અંદરથી સળગી રહું છું, સહન કરું છું. કોઈની સામે બોલી નથી શકતી.તું પણ ચૂપ કરાવવા બેઠો છે”કહેતાં સિયાની આંખો ભરાય ગઈ.

“અચ્છા ચાલ બોલ” અખિલ પથ્થર પર બેસી ગયો, “તારી અંદર જેટલી ભડાસ છે એ આજે બધી બહાર કાઢી નાંખ”

સિયાએ આંસુ લૂછયાં, બુઝાઈ ગયેલી સિગરેટ ફરી સળગાવીને એક કશ ખેંચ્યો અને હસી.

“તમે લોકો કેમ હવસનાં ભૂખ્યાં હોવ છો ?” સિયાએ અખિલ પર વાર કર્યો, એ શું બોલી રહી હતી એનું તેને જ ભાન નહોતું, “અમારામાં શું તમને એ એક જ વસ્તુ દેખાય છે?, એ સિવાય પણ ઘણું બધું છે.એકવાર એને બાજુમાં રાખીને જુઓ તો ખરા!, એક સ્ત્રી જયારે કોઈને પોતાનું દિલ આપે છે ત્યારે તેનાં પર સર્વસ્વ લૂંટાવી દે છે. એ બીજાં પુરુષ વિશે વિચાર સુધ્ધાં પણ નથી કરતી અને તમે લોકો?,

તમે લોકો તો દિલને જુદાં જુદાં ભાગોમાં વહેંચી દો છો, સોમવાર માટે પેલી,મંગળવાર માટે બીજી…અરે બાજુમાં સુવાની એટલી જ ઈચ્છા થતી હોય તો પ્રેમ કરવાનું નાટક શા માટે કરો છો?

શરૂઆતમાં એવું વર્તન કરો છો જાણે એની વિના તમે રહી શકશો નહિ અને સેક્સ કર્યા પછી તરત જ કેમ વર્તન બદલાય જાય છે?, પછી તો ધક્કો મારીને એમ કહો છો કે તું તારા રસ્તે અને હું મારાં રસ્તે”

અખિલ મૌન બેઠો હતો, અંદરથી એ પણ ગુસ્સે હતો પણ તેને પોતાનાં ચહેરા એ ભાવ પ્રગટ ન થવા દીધાં.

“હજી એક વાત, આપણો દેશ પુરુષ પ્રધાન નથી રહ્યો એવું લોકો કહે છે.ખરેખર એવું છે અખિલ ?, મેં મારી નજર સામે જોયું છે. એક પિતા એનાં દીકરાને બધી છૂટછાટ આપે છે અને દીકરીને બંધણીમાં રાખે છે.

અમે લોકોએ દીકરી તરીકે જન્મ લીધો એમાં અમારી શું ભૂલ છે?, કેમ દીકરી જન્મે ત્યારે પરિવારમાં પથ્થર આવ્યો એમ કહે છે?, એક તરફ દીકરીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે અને બીજી તરફ એક લક્ષ્મીને ચાર દિવાર વચ્ચે કેદ રાખવામાં આવે છે. શું અમારાં સપના, સપના નથી હોતાં?, અમે વિચારી ના શકીએ? પોતાના માટે શું સારું છે અને શું ખરાબ એ નક્કી નથી કરી શકતાં?

દીકરીઓને માન આપીને જે લોકો પાછળથી હવસની નજરે જુએ છે એ લોકો માટે એક સવાલ છે, તમે કોઈ દિવસ વિચાર્યું છે, જો તમે એક દીકરી સ્વરૂપે જન્મ્યાં હોત અને તમારાં પર આ બધાં નિયમો થોપવામાં આવ્યાં હોત તો તમારી હાલત શું થઈ હોત?

તે સાંભળ્યું જ હશે, એક સ્ત્રી જ્યારે પિરિયડમાં હોય છે ત્યારે તેને એટલું બ્લીડીંગ થાય છે જેટલું એક પુરુષને થાય તો એ મરી જાય છે.તો… લોકો કેમ સમજતાં નથી ?” સિયાએ બરાડીને કહ્યું.

“મારી વાત સાંભળીશ હવે ?” અખિલે ગુસ્સામાં કહ્યું.સિયાએ હકારમાં ડોકું ધુણાવ્યું.

“તું કહે છે એ બધી વાત સાચી છે, પણ બધાં લોકો એવાં નથી હોતાં.જે લોકો સ્ત્રીઓને સમજે છે એ કોઈ દિવસ આવું નથી વિચારતાં.આમ પણ તું જ કહે છે, તું તારાં મનની માલિક છે.તું ઈચ્છે એ કરી શકે છે તો બીજા શું વિચારે છે એ વિચારવાનું છોડ અને વર્તમાનમાં તું શું કરી શકે છે એ વિચાર”

“એ જ કરું છું, પોતાની સ્વતંત્રતા માટે જ હું એકલી રહું છું” સિયા શાંત પડી.

“ચાલ વૉક કરી આવીએ” અખિલ ઉભો થયો, “આપણે ટોપિક બદલવાની જરૂર છે”

“હા ચાલ પણ એક વાત યાદ રાખજે, થોડા દિવસ આ ટોપિકનું પુનરાવર્તન થતું જ રહેવાનું છે”

“મતલબ મારે દર વખતે સહન કરવાનું” અખિલે હસતાં હસતાં કહ્યું.

“અખિલ” સિયાએ આંખો મોટી કરી.

“મજાક કરું છું, તારી વાતો તો હું નિરંતર સાંભળી શકું છું” અખિલે સિયાની આંખો પર આંગળી રાખી, સિયાની આંખો બંધ કરતાં કહ્યું.

“તું મજાનો માણસ છે” સિયાએ બે હાથ ફેલાવી અખિલને હગ કરતાં કહ્યું.

“એ તો હું છું જ” અખિલે સિયાનાં ગાલ ખેંચ્યા. સિયાએ બીજીવાર બુઝાઈ ગયેલી સિગરેટ સળગાવી.

“આજે વારંવાર સિગરેટ બુઝાઈ જાય છે નહીં” સિયાએ હસીને કહ્યું.

“તને સળગેલી જોઈને એ પણ ડરી જતી હશે” અખિલે કહ્યું

અખિલની વાત પર બંને હસી પડ્યા. લાંબા દરિયા કિનારે, ડૂબી ગયેલા સૂરજ બાદનું દ્રશ્ય નિહાળતાં બંને હાથમાં હાથ પરોવી ફરી સફેદ રેતી પર ચાલવા લાગ્યાં.

( ક્રમશઃ )