Kahi aag n lag jaaye - 15 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 15

પ્રકરણ-પંદરમું/૧૫

વૈશાલીબેનના મોઢાંમાં આખો લાડુ મુકતા અર્જુન બોલ્યો,

‘આ શહેરના ટોચના ઉદ્યોગપતિ, કોર્પોરેટ કિંગ, વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, અને મીરાંના બોસ મધુકર વિરાણીના બનવા જઈ રહેલા સાસુજીને મારા વંદન સાથે અભિનંદન.

લાડવા કરતાં તો અર્જુનની લાખ રૂપિયાની વાત સાંભળીને વૈશાલીબેનનું મોઢું ઉઘાડું જ રહી ગયું. થોડીવાર તો સૌની સામે જોતા જ રહ્યા. મીરાંની સામે જોતા જ મીરાં શરમાઈને વૈશાલીબેનના ગળે વળગી પડી.

અતિ ઉત્સાહ અને આનંદના અતિરેક સાથેના ઉદ્દગારમાં વૈશાલીબેનએ મીરાંને પૂછ્યું,

‘મીરાંઆઆઆ..... આ ક્યારે ?’

એ પછી મીરાંએ સ્હેજ શરમાતાં શરમાતાં માલદીવ્સ ટુરની વાત કહી સંભળાવ્યા પછી બોલી,
‘સોરી મમ્મી, પણ મને થોડું કન્યુઝન હતું એટલે અવની સાથે થોડી ડિસ્કશન કરીને પછી તને જાણવું એવું વિચાર્યું.’
‘અરે દીકરા, આ તારી જિંદગીની સૌથી અગત્ય અને મહત્વના નિર્ણય લેવાની ઘડી છે, અને એક નહીં પણ દસ વાર વિચાર્યા પછી અંતિમ મહોર તારે જ મારવાની છે. પણ.. દીકરા મને તો હજુએ માનવામાં નથી આવતું કે.. મધુકર વિરાણી..’ એમ બોલીને વૈશાલીબેનએ તેની બંને હથેળી મીરાંના ગાલ પર મૂકી.

‘અવની.. આ મીરાંને તો શરમાતાં પણ આવડે છે, આલે લે..’
હસતાં હસતાં અર્જુન બોલ્યો.
‘આ સમય કોઈપણ સ્ત્રી માટે શરમ એ સાહજીક શૃંગાર છે, વૈશાલીબેન બોલ્યા
‘અર્જુન તારે ને શરમને બાપા માર્યા વેર છે, એટલે તને નહી સમજાય. ચલ, હવે ઊભો થા. તારે હજુ મને ઘરે ડ્રોપ કરવાની છે.’ અવની બોલી.

‘મીરાં અમે નીકળીએ. ફરી આ રીતે હેરાન કરીશ તો ગમશે.’
અર્જુન બોલ્યો.

‘હું એક બે દિવસમાં સમય કાઢીને તમને કોલ કરું, પછી મળીશું નિરાતે.’ મીરાંએ જવાબ આપ્યો.

‘બાય મીરાં.’ અવનીએ કહ્યું પછી બંને નીકળી ગયા.


મીરાં ફરી વૈશાલીબેનને વળગી પડતાં બોલી,
‘મમ્મી,આજે મને તારા એ શબ્દો યાદ આવે છે.’
‘ક્યાં શબ્દો ?’
‘ઘર એ સ્ત્રીનું અને સ્ત્રી એ ઘરનું ઘરેણું છે. અને સાથે સાથે તે શું જવાબ આપ્યો હતો યાદ છે ?
‘મને તો યાદ છે, પણ તું બોલ.’ હર્ષથી છલકાવા જઈ રહેલી આંખો સાથે વૈશાલી બેનએ કહ્યું.
‘તે એમ કહ્યું હતું મમ્મી, કે...
‘તેનું સાચું અર્થઘટન તો તું જયારે કોઈની પત્ની કે પુત્રવધુ બનીશ ત્યારે તને સમજાશે. સાચું ને ? એમ કહીને મીરાંએ વૈશાલીબેનના ખોળામાં માથું મૂકી દીધું.

આંખોમાં ઝળઝળિયાં સાથે વૈશાલીબેન બોલ્યા,
‘તને તો એક એક શબ્દ યાદ છે, દીકરા. મીરાં આજે મારા હ્રદયના એક એક ધબકારામાં ધન્યતાનો થડકો અનુભવાય છે. એક અનંત આનંદના અનુભૂતિનો અહેસાસ કરી રહી છું. તારી સંમતિની સાથે સાથે મારા સ્વપ્ન પર પણ પૂર્ણવિરામ મુકીને પરિપૂર્ણ થયાની લાગણી અનુભવું છું.’
‘પણ, મમ્મી..?’ બોલતા અટકી ગઈ.
‘પણ શું ? કેમ અટકી ગઈ ?’
‘વિચારું છું, ક્યાંથી વાતની શરૂઆત કરું ? અહીં સુધી આવતાં જિંદગીના દરેક કપરાં ચડ-ઉતાર, વણાંકને આત્મવિશ્વાસથી પાર કરી ચુકી પણ, આ કોઈની જીવનસંગીનીનું
કિરદાર હું કઈ રીતે નિભાવીશ ? ઘર, ગૃહસ્થ જીવન, પતિ પ્રત્યેની ફરજને હું સંતોષકારક ન્યાય આપી શકીશ ?’

‘અરે..પાગલ આ બધું તું સાવ સહજ અને સરળતાથી સમજી, સંભાળી અને સંસારિક જીવનમાં એટલી વ્યસ્ત થઇ જઈશ કે.. સમય જતાં તને જાતે જ આ વાતો પર હસવું આવશે. ચલ હવે હું જાઉં છું મારા બેડરૂમમાં, મારી આંખો ઘેરાઈ રહી છે.’
આટલું બોલી મીરાંના માથા પર હાથ ફેરવી કપાળ પર ચુંબન કરતાં વૈશાલીબેન તેના રૂમ તરફ ચાલવા લાગ્યા.

બેડ પર પડતાં જ મીરાં માટે સંઘરેલા સપનાઓને શણગારતા શણગારતા સુઈ ગયા.

એ પછી ફ્રેશ થઈને મીરાં પણ પડી બેડ પર.

શરુ થયો સ્વ સાથેનો સાક્ષાત્કાર. મારા મનની મનોસ્થિતિને અવનીએ જાણી જોઇને અવગણી હશે કે તેની સમજણ બહાર હશે ? પાશ્ચાત્ય ભૂમિમાંથી પડઘાતા મિહિરના પડઘા તો ક્યારના’યે સમી ગયા હતાં. ‘તું’ અને ‘હું’ માંથી ‘આપણા’ની હુંફની માટે સંવાદોથી સળગાવેલા તાપણા હજુ તો આગ પકડે એ પહેલાં સમય અને શબ્દો થીજી અને સ્વપ્નો સીજી ગયા હતાં. મનગમતી રંગોળીના રંગો રાખ થયા હતાં. રાખ પણ ઉડી ગઈ અને અંતે સ્મૃતિમાં રહી માત્ર રાખની સુગંધ. અને હવે તો આજે એ સુગંધની પણ વિસ્મૃતિ થઇ ગઈ છે. ડર મિહિરનો નથી, મીરાંને ડર મીરાંનો જ છે. મધુકર પાસે શું નથી ? અને મધુકર શું છે ? એકબીજાના અંતિમ જેવા આ બંને સવાલનો જવાબ જાણવાની મથામણના ચક્કરમાં અંતે મીરાં પણ સુઈ ગઈ.


સવારે ઓફીસ જવાના અડધો કલાક પહેલાં તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરતાં કરતાં મીરાં બોલી,
‘મમ્મી આઈ થીંક કે તું અમારા સંબંધ પર ઓફિસીયલી, આઈ મીન સામજિક દ્રષ્ટિ એ આશિર્વાદ સાથે સ્વીકૃતિ આપતાં એક કોલ કરે તો કેવું ?’
હરખના માર્યા મીરાંના મનમાં ફૂંટતા લડ્ડુ વિષે વૈશાલીબેનએ અનુમાન લગાવતાં મજાકમાં પૂછ્યું.
‘કોને કોલ કરું ?’
‘મારા..’ આગળ બોલતા મીરાં શરમાઈ ગઈ.
‘તું પણ શું મમ્મી..મધુકર વિરાણીને બીજા કોને ?’
‘હા, પણ તારા સર ને કે સાજન ને ?” આટલું બોલતા વૈશાલીબેન ખડખડાટ હસવાં લાગ્યા.
‘મમ્મી પ્લીઝ..’
‘હા.. હા.. ઠીક છે કરું છું, શું કહું, કે.. મીરાંના અતિ આગ્રહથી કોલ કર્યો છે એમ ?’
‘મમ્મી.. તું એવું કંઈ ન બોલીશ કે ઓફિસમાં મને તેનો સામનો કરવામાં સંકોચ થાય. મમ્મી પ્લીઝ.’
હસતાં હસતાં વૈશાલીબેનએ કોલ લગાવ્યો મધુકર વિરાણીને.
‘જય શ્રી કૃષ્ણ.’
‘જય શ્રી કૃષ્ણ. કેમ છો ?
‘તમારા બંનેના આ અણધાર્યા આનંદના અતિરેક જેવા શુભ સમચારથી થોડીવાર માટે ધબકારાની ગતિ અનિયંત્રિત થઇ ગઈ હતી પણ લાગે છે કે હવે હંમેશ માટે નિયંત્રિત થઇ ગઈ. મારી જિંદગીનું સો ટચના સોના જેવું સપનું પૂરું કરવા તમે નિમિત બનશો એ વાતના અનુમાનના અણસારનો અંદેશો તો સ્વપ્નમાં પણ ન આવે ને.’
મીરાં સામે મુકેલા પ્રેમ પ્રસ્તાવના પ્રત્યુતરમાં આ રીતે અચનાક તેમના મમ્મી તરફથી સહર્ષ સંમતિ સાથે સ્વીકૃતિનો સંદેશો સાંપડશે એવો તો મધુકરને અંદેશો નહતો. અને પરિવારના એક માત્ર સદસ્ય હોવાથી દરેક સંબંધીની ભૂમિકા તેણે એકલા જ ભજવવાની હતી. એટલે સ્હેજ શરમાતાં મધુકર બોલ્યા,

‘મમ્મી, આ બહુ મોટી વાત કરી દીધી તમે. ઈશ્વરની કૃપાથી બધું જ છે. બસ હવે આપના આશીર્વચન અને આશીર્વાદના અભિલાષી છીએ.’

‘મેં ઈશ્વર પાસે મીરાં માટે ચપટીક પ્રસાદીની માત્રા જેટલા સુખ અને સંતોષની અપેક્ષા રાખી હતી પણ મને શું ખબર કે તેણે મીરાંના ભાગ્યમાં બત્રીસ જાતના પક્વાનના અન્નકૂટનોનો ભોગ લખ્યો હશે.’
હરખના આંસુ સાથે વૈશાલીબેન બોલ્યા.

‘આ તમારી નિસ્વાર્થ આસ્થાની ફલશ્રુતિ છે. ઠીક છે મમ્મી જી, મારે એક અગત્યની મીટીંગમાં પહોંચવાનું છે એટલે જરા ઉતાવળમાં છું. પછી નિરાતે વાત કરીશું.’

‘જી’ વૈશાલીબેને એકાક્ષરી જવાબ આપતાં મધુકરે કોલ કટ કર્યો.

સંબંધની સ્વીકૃતિ કરતાં મધુકરએ ખુશી સાથે રોમાંચ, એ વાતનો અનુભવ્યો કે તેના પિતાજીના નિધન પછી ઘરના કોઈ મોભી કે વડીલ સદસ્ય પાસેથી આવા શબ્દો સાંભળી રહ્યો હતો. તેના પિતાજીને યાદ કરતાં આજે વર્ષો પછી બે ઘડી માટે મધુકરની આંખ ભીની થઈ ગઈ.
‘મમ્મી.. હવે હું ઓફિસે કઈ રીતે જઈશ ? મધુકરનો સામનો કેવી રીતે કરીશ ?’
‘અરે એમાં શું ? જાહેરમાં બોસ અને એકાંતમાં બાલમ ?’
બોલતા વૈશાલીબેન ખુબ હસી પડ્યા.’

અને મીરાં કંઈપણ બોલ્યા વગર ચુપચાપ શરમાતાં ઓફીસે જવા નીકળી ગઈ.

કારમાં બેસતાં જ મીરાંને યાદ આવ્યું એટલે વૈશાલીબેનને કોલ કર્યો,
‘મમ્મી, ચંદ્રકાન્ત અંકલને ગૂડ ન્યુઝ આપી દેજે, હું પછી નિરાંતે તેમની જોડે વાત કરી લઈશ. અને હા, એમને ખાસ કહેજે કે હમણાં આ વાત કોઈની જોડે શેર ન કરે, ઓ.કે.’

‘હા, ઠીક છે.’

થોડીવાર રહીને વૈશાલીબેને કોલ લગાવ્યો ચંદ્રકાન્ત શેઠને,

‘ઓહ્હ.. જય શ્રી કૃષ્ણ બેન. શું વાત છે ખાસ્સા સમય પછી યાદ કર્યા.’
‘શેઠ જે વાત કરવાની છે તેના સૌ પ્રથમ આપ હકદાર છો. એટલે પહેલો ફોન તમને કર્યો છે.’ હરખાતાં વૈશાલીબેન બોલ્યા.
‘હમમમમ.. હરખથી છલકાતા શબ્દો અને ઉમળકા પરથી તો એવું લાગે છે કે મીરાં દીકરીના સગપણની વાત છે. કેમ સાચું ને ?’
‘હા, તમારી વાત સો એ સો ટકા સાચી પણ, સગપણ ક્યાં અને કોની જોડે છે એ વાતનો હરખ આ વાતથી પણ બમણો છે શેઠ.’
‘મીરાં દીકરીની સરખામણીએ તો મુરતિયો દરેક બાબતે ચડિયાતો જ હોવો જોઈએ. કોણ છે એ નસીબદાર ?’
‘નસીબદાર એ નહીં મીરાં છે, એમ કહો શેઠ ?’ વૈશાલીબેન બોલ્યા.
‘પણ હવે મરી નહીં તો બીજું કંઈ, પણ મગનું નામ તો પડો.’ આતુરતાથી શેઠે પૂછ્યું

‘મધુકર વિરાણી.’ વૈશાલીબેન બોલ્યા

‘હેં.....’ આટલું બોલતાં તો ચંદ્રકાન્ત શેઠના આંખના ડોળા અને મોઢું બંને પોહળા થઇ ગયા.
‘જી, હા શેઠ, મધુકર વિરાણીએ મીરાં સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને આપણે સહર્ષ લાગણી સાથે સ્વીકાર કરીને આશિર્વાદ સાથે સંમતિ પણ પાઠવી દીધી.’

એક સેકન્ડ માટે તો શેઠનું હ્રદય ધબકરો ચુકી ગયું. અતિ ઉત્સાહમાં આવીને બોલ્યા.

‘બેન બે મિનીટ શાંતિ રાખો, હું ચકરાવે ચડી ગયો છું. આ છોકરી... ખરેખર.. મારી પાસે શબ્દો નથી. બેન આ તમારા ઈશ્વર પ્રત્યેની નિસ્વાર્થ શ્રદ્ધા અને વ્હાલભર્યા વાત્સ્યલવર્ષાનું ઈશ્વરે વ્યાજ સહિત સાટું વાળી દીધું લ્યો. મારી આટલી જિંદગીમાં આવડી નાની ઉંમરની કોઈ છોકરીને માત્ર તેના અડગ આત્મવિશ્વાસના જોરે અંબર જેવડી ઊંચાઈને આંબતા નથી જોઈ. આજે આ સુખદ સમચાર સાંભળીને હું મીરાં માટે અનહદ ગર્વની લાગણી અનુભવું છું. આપ બન્ને અઢળક અભિનંદનના અધિકારી છો. મીરાંને કહેજો સમય ફાળવી ને મારી જોડે વાત કરે.’


‘આ સફળતા અને સિદ્ધિ પાછળ આપનો ખુબ ફાળો છે શેઠ. તમે તો તેની કારકિર્દીના પાયાના પત્થર છો. તમે તેના પર વિશ્વાસ મુકીને આંગળી ન ઝાલી હોત તો આજે અમે આ દિવસ ન જોયો હોત. અમે બંને આપનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે. રાજપૂત પરિવાર આજીવન આપણું ઋણી રહેશે.’
આટલું બોલતાં વૈશાલીબેનનો અવાજ ગળગળો થઈ ગયો.



લંચ સમય સુધી મધુકર ઓફિસે આવ્યા ન્હતા. સામેથી કોલ કરવો મીરાંને ઉચિત ન લાગ્યું. આશરે ૨:૩૦ વાગ્યાની આસપાસ ઓફીસના લેન્ડલાઈન પર મધુકરનો કોલ આવ્યો.
‘મીરાં, આજ હું ઓફિસે નહીં આવું. ફોરેન ડેલીગેશન સાથે અહીં હોટેલમાં જ મીટીંગ્સની અરેજમેન્ટ કરી છે. ઇન બીટવીન જરૂર પડશે તો હું કોલ કરીશ.’
‘જી, સર.’ ફોન મુક્યા પછી
પછી મનોમન બોલી. હાઇશશશશ........

સવારે ઘરેથી ઓફિસે આવવા નીકળી ત્યારથી એક જ ડર હતો કે મધુકરનો સામે જઈને શું બોલીશ ? જાહેરજીવનમાં એક એવી વ્યક્તિ સાથે સન્માન જનક અંતરની સાથે સાથે શબ્દોનું સંતુલન જાળવવાનું છે કે, જે વ્યક્તિ પર હક્કની કોઈ સીમારેખા નથી. આ કેટલું કઠીન છે ?’


મીરાં સાંજે સાત વાગ્યા બાદ કારમાં ઓફિસેથી નીકળીને ઘર તરફ જઈ રહી હતી ત્યાં જ મધુકરનો કોલ આવ્યો,

‘મીરાં, આપણે ૮:૩૦ હોટેલ ગોલ્ડન સ્ટારમાં ડીનર પર મળીએ છીએ.’
‘યસ, સર.’ આટલા ટૂંકા જવાબ પછી મધુકરે કોલ કટ કર્યો.

મીરાં પણ મનોમન એવું જ વિચારતી હતી કે શક્ય એટલું જલ્દી બન્ને વચ્ચે એક અંગત મુલાકાત જરૂરી હતી.


એ જ સમયે આ તરફ અવની અને અર્જુનનો અનાયાસે રસ્તામાં એકબીજાનો ભેટો થઇ જતાં બન્નેએ અડ્ડા પર જઈને બેસવાનું નક્કી કર્યું, એટલે આવ્યા બન્ને ઈરાની હોટેલ પર.


પાંચ થી દસ મિનીટ આવડી અવળી વાત કર્યા પછી અર્જુન બોલ્યો,

‘હવે લાઈફટાઈમ માટે મીરાંની લાઈફ, સેટેલાઈટની માફક એક એવી ઊંચાઈ એ જઈને સ્થિર થઇ ગઈ છે કે હવે ત્યાં તેના અતીતના પ્રતિબિંબના અંશનું પહોચવું પણ શક્ય નથી.’

‘અર્જુન, આજે આશરે ચાર વર્ષના લાંબા સમયગાળા પછી પણ મીરાં માટે મિહિરના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ચરિત્રચિત્ર વચ્ચે આભ અને ધરા જેટલો તફાવત રહ્યો છે. મિહિર અને મધુકર અત્યંત વિરુધ્ધ દિશાના બે ધ્રુવ. છતાં મીરાં બંનેના ઘનિષ્ઠ સંપર્કમાં આવી ને ? નિયતિએ નિર્ધારિત કરેલા નકશા મુજબ. ગઈકાલે રાત્રે તું બંગલે આવ્યો ત્યારે અમારી વચ્ચે મિહિરના મુદે જ વાત થતી હતી. જો કે મેં જ મિહિરનો ઉલ્લેખ કરીને વાત ઉખેડી હતી. એ જાણવા કે તેની માનસિક મનોસ્થિતિમાં મિહિર ક્યાં મંડરાયેલો છે ?’

‘તેની વાત પરથી તને શું લાગ્યું ?’ ચાઈનો ઘૂંટ ભરતાં અર્જુને પૂછ્યું

‘અર્જુન, જ્યાં સુધી હું મીરાંને ઓળખું છું, ત્યાં સુધી હવે હંમેશ માટે મીરાંના કાન પર મિહિર શબ્દ પણ ન પડે એ જ તેની સ્થિર થવા જઈ રહેલી જિંદગી માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.’

હસતાં હસતાં અર્જુન બોલ્યો,

‘તને શું લાગે છે, દિવસરાત, ભૂખ, તરસ બધું જ ભૂલીને એક આકરા તપ જેવી સાધના કર્યા પછી મેળવેલા પુષ્કળ પ્રસિદ્ધિ, પાવર, પૈસાને મીરાં, મિહિર માટે ગુમાવી દેશે ? હવે મીરાં જિંદગીના હરેક તબ્બકે, મજબુત મનોબળ સાથે એટલી મેચ્યોર થઇ ગઈ છે કે તેણે લાગણી અને લાગણીવેડા વચ્ચેના પાતળી ભેદરેખાની પરખ ખુબ સારી રીતે થઇ ગઈ છે. નાઉ શી ઈઝ ટોટલી પ્રેક્ટીકલ એન્ડ પ્રોફેશનલ. સમજી’

‘અર્જુન, તારા જવાબમાં જ સવાલ છુપાયેલો છે. એ તને અત્યારે નહીં જ સમજાય. કેમ કે વાત ખુબ ઊંડી છે. આઈ વીશ કે મીરાંની મસ્ત મજાની લાઈફજર્નીમાં મઝિલના અંતિમ સુધી મિહિરની મહાભારતના કુરુક્ષેત્રના રણભુમિની રજ ન ઉડે તો જ સારું.’

‘પણ, અવની હવે મીરાંની લાઈફમાં શું ખૂટે છે ?’
‘અર્જુન, જયારે ખૂટશે ત્યારે મીરાંને ખુબ ખૂંચશે. મીરાંનો ડર સાચો છે. મિહિરની તુલનામાં મીરાં સામે એ ખલનાયકનું કદ મોટું છે. સમયાંતરે એ મીરાં પર હાવી ન થઇ જાય તો જ સારું.’

‘તું કોની વાત કરે છે, અવની ?’
‘એ મીરાં રાજપૂતની, જે હવે આપણી નથી રહી. હું મીરાંની પ્રકૃતિથી સંપૂર્ણ રીતે વાકેફ છું. કલ્પના અને ગજા બહારના લક્ષ્ય વીંધવાના અતિરેકની ગતિમાં તે શું ગુમાવી રહી છે, તે પરિસ્થિતિની પ્રતીતિ જયારે તેને થશે ત્યારે ખુબ મોડું થઇ ચુક્યું હશે. તેણે જિંદગીના એક એવા હાઇવે પર એન્ટ્રી લીધી છે, કે જેમાં યુ ર્ટન નથી, અને મનગમતો વિસામો પણ.’

ખુબ મોડે સુધી મીરાં વિષે ચર્ચાનો દોર ચાલ્યાં પછી બંને છુટ્ટા પડ્યા.
આ તરફ ઠીક ૮:૩૦ વાગ્યે સ્વાભવ ગત સમયના ચુસ્ત આગ્રહી મધુકરે નક્કી કેરેલા સમય મુજબ મીરાં મલ્ટી કલર પ્રિન્ટેડ ઓફ સોલ્ડર ઘૂંટણથી થોડી ઊંચાઈ સુધીના વનપીસ ડ્રેસમાં રોજ કરતાં કંઇક વધુ જ કામુક લાગતી હતી. પ્રેમાનંદથી પ્રફુલ્લિત ખુશખુશાલ મનનો થનગનાટ તેની ગેલભરી ચાલમાં દેખાતો હતો. જાણે કે ઉમંગ, ઉલ્લાસ અને ઊર્મિનો શણગાર સજી, હૈયે હરખની હેલી લઈને આનંદોત્સવ ઉજવવા નીકળી હોય.

‘હાઈ’

મીરાંનું વેલકમ કરતાં મીરાંની ચેર સ્હેજ પાછળ ખસેડીને મીરાંને બેસાડતાં મધુકર બોલ્યા. આ જોઈને મીરાંને થોડો ક્ષ્રોભ થયો. મનોમન ઊછળતા ખુશીના મોજાંથી તે તરબતર હતી. બેબાક અને બિન્દાસ મીરાંને સંવાદનો સેતુ બાંધવા આજે શબ્દો શોધવા પડતાં હતા .
‘મેં વધુ રાહ તો નથી જોવડાવી ને ?’ મીરાંએ પૂછ્યું.

‘હું આજે ફૂલ ડે અહીં જ હતો. એટલે જસ્ટ ઘરેથી ચેન્જ કરીને પાંચ મિનીટ પહેલાં જ આવ્યો. મીરાં, થેન્ક્સ ટુ યોર મોમ. આઈ ફીલ રીયલી સો હેપ્પી વીથ ટોક ટુ હર.’
મધુકર બોલ્યો.
‘અરે..મમ્મી તો બેહદ ખુશ છે.’
‘એન્ડ યુ ?’ મધુકરે પૂછ્યું એટલે..
શરમાઈને મીરાંએ નજરો ઢાળી દીધી.
મનોમન બોલી, દુનિયાની નજરે વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છો, નહીં તો અત્યારે તો આ જવાબના વિચાર માત્રથી આખા શરીરમાં એક તોફાની વાવાઝોડું પસાર થઇ ગયું છે.
‘સવાલના યોગ્ય જવાબ માટે સ્થળ ઉચિત નથી. પણ સમય આવ્યે જવાબ આપીશ,’ એવું મીરાં બોલી
મેનુ મીરાંને આપતાં મધુકરે પૂછ્યું,
‘પણ મીરાં, હું તારા મોઢે પ્રપોઝનો રીપ્લાઈ સાંભળવા માંગું છું,’
મધુકરની સામે જોઇને મીરાં બોલી.
‘ઈટ વીલ બી માય પ્રીવિલેજ ટુ બી યોર લાઈફ પાર્ટનર’ પ્રત્યુતર આપ્યા પછી મીરાંને અહેસાસ થયો કે કોણે રીપ્લાઈ આપ્યો ? મીરાં રાજપુત એ કે મધુકર વિરાણીની પર્સનલ આસીસ્ટન્ટએ ? કોણે રીપ્લાઈ આપવો જોઈએ ? સમથીંગ મિસિંગ.
‘વ્હોટ ટુ ઓર્ડર ?” મીરાંએ પૂછ્યું
‘એઝ આઈ નો, યુ નો ઓલ માય ચોઈસીસ.’ મધુકરે જવાબ આપ્યો
‘ઓન્લી એક્સેપ્ટ યુ’ હળવાં હાસ્ય સાથે મીરાંએ જવાબ આપ્યો.

‘સોરી મીરાં, આઈ થીંક, આઈ સ્કીપ વન સ્ટેપ બાય મિસ્ટેક.’
‘વિચ વન ?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.
‘ઇફ યુ લાઈક ટુ શેર યોર્સ પાસ્ટ.’ મધુકર બોલ્યા.
આટલું સાંભળતા, એક સેકન્ડ માટે મીરાં ધબકારો ચુકી ગઈ. પણ બીજી જ પળે તેના અતીતના આંચકાનો લેશમાત્ર અંશ તેના ચહેરા પર પર અંકિત ન થાય, તેની તકેદારી રાખીને સ્મિત સાથે બોલી,
‘માય પાસ્ટ ?’ મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લાં બે વર્ષમાં મેં મારી સ્ટડી, કોલેજ લાઈફ, ફેમીલી અને ચંદ્રકાન્ત શેઠને ત્યાં કરેલા હાર્ડવર્ક વિષેની તમામ બાબત શેર કરી જ છે.બસ, આટલો જ છે મારો પાસ્ટ.’
એ પછી
મીરાંએ મધુકરની પસંદને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપ્યા બાદ મધુકર બોલ્યા,

‘હું એવું ઈચ્છું છું કે આપણા ફર્ધર રીલેશનના ઓફિસિયલ એનાઉન્સમેન્ટ માટે બધુ જ તું પ્લાનિંગ કરે. કેમ, ક્યાં, ક્યારે. કેવી રીતે, કેટલું ? એ તું ડીસાઈડ કરે. બિઝનેશ રીલેટેડ રિલેશન્સ વિષેની પણ તારી પાસે ઇન્ફોર્મેશન છે. બટ મને કોમન અને ઓવર શો ઓફ નહીં જોઈએ. નોટ અબાઉટ મની મેટર, બટ ડુ સમથીંગ લાઈક નેવર બીફોર, યુ અન્ડરસ્ટેન્ડ. ?

‘યસ. પણ સાથે બેસીને પ્લાનિંગ કરીએ તો બેટર રહેશે.’ મીરાંએ જવાબ આપ્યો
‘લેટ્સ સી.’ મધુકર બોલ્યા.

ડીનર ચાલુ કરતાં મધુકરે પૂછ્યું,
‘મીરાં યુ હેવ એની કન્યુઝન ઔર એની ક્વેરી એન્ડ ટર્મ એન્ડ કંડીશન અબાઉટ અવર ફ્યુચર રીલેશનશીપ ?

થોડી હિંમત કરીને મીરાંએ કહ્યું,
‘આઈ વીલ નોટ ચેન્જ માય નેઈમ. મને મીરાં રાજપૂત વિરાણી તરીકે ઓળખાવું ગમશે. એન્ડ સેંકડ થિંગ.... સ્હેજ અટકીને મીરાં બોલી.
‘વ્હોટ અબાઉટ માય ફ્રીડમ ?’
મધુકરને આ સવાલ જરા અનુચિત લાગ્યો છતાં તેને થયું કે પહેલાં સવાલનું વિસ્તારથી સમજી લેવું બહેતર રહેશે. એટલે ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં પૂછ્યું,
‘વ્હોટસ ધ પરફેક્ટ ડેફીનેશન ઓફ ફ્રીડમ ઓન યોર પોઈન્ટ ઓફ વ્યુ ?
સ્હેજ સ્વસ્થાથી મીરાંએ જવાબ આપ્યો,
‘એવી કંઈ બાબત છે કે જે મારે તમને પૂછીને જ કરવી રહી.’
‘નથીંગ એની વન. કોઈપણ નહીં. પણ, તું ક્યાંય પણ જાય, કોઈની જોડે પણ જાય, ગમે ત્યારે જાય તેની મને જાણ હોવી જોઈએ. એમ આઈ રાઈટ ?
‘એઝ ઓલવેય્ઝ યુ આર હન્ડ્રેડ પરસેન્ટ રાઈટ.’ મીરાં બોલી.
ડીનર પૂરું કર્યા પછી ઘણી વાતો કર્યા બાદ ઉભાં થતાં મધુકર બોલ્યા,

‘મીરાં, આવતીકાલે ડીનર માટે મમ્મીને લઈને ઘરે આવ એટલે બાકીના સોશિયલ ઈશ્યુ પર પણ ડિસ્કશન કરી લઈએ.’

‘જી’ આટલા ટૂંકા જવાબ પરથી મધુકરે પૂછ્યું.
‘મીરાં આર યુ કમ્ફર્ટેબલ ?
મધુકરના સવાલથી નવાઈ સાથે મીરાંએ પૂછ્યું
‘ઓહ યસ, કેમ ?
‘આઈ મીન, ટુ નો કે તું કોની જોડે વાત કરે છે ?
થોડીવાર મધુકરની આંખોમાં જોયા પછી મીરાં બોલી.

‘વિથ માય મધુકર.’


.
-વધુ આવતાં અંકે


'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484

©