Operation Chakravyuh - 1 - 13 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 13

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-13

રાવલપિંડી, પાકિસ્તાન

"ભાઈજાન, પેલા મોબાઈલ વાળાના ઘરમાં હમણા ત્રણ લોકો એ એન્ટ્રી લીધી છે..એમનું શું કરવાનું છે?" માધવ,નગમા અને દિલાવરે જેવી બલવિંદરના ઘરમાં એન્ટ્રી લીધી એ સાથે જ એક વ્યક્તિએ ઈકબાલ મસૂદને આ વિષયમાં જાણકારી આપી.

"તાહીર, એ ઘરમાં આપણે જોઈ આવ્યા હતાં પણ આપણને કાંઈ નહોતું મળ્યું." મસૂદનો કકર્ષ અવાજ ફોન કરનારા તાહીરના કાને પડ્યો. "તું એ લોકોને અત્યારે કંઈ ના કરીશ, એમને એ ઘરમાં જે શોધવું હોય એ શોધવા દે. તારે અને મિર્ઝાએ એ લોકોને કોઈ જાતનું નુકશાન પહોંચાડ્યા વિના ચોવીસે કલાક એમનો પીછો કરવાનો છે. એ લોકો ક્યાં જાય છે અને કોને મળે છે એની રજેરજની માહિતી મારે જોઈએ."

"જી ભાઈજાન..એમ જ થશે.!" આટલું કહી તાહીરે લશ્કર એ તોયબાના કમાન્ડર ઈન ચીફ અકબર પાશાના ખાસ માણસ ઈકબાલ મસૂદનો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

બલવિંદરની સાચી ઓળખ મસૂદને થઈ નથી એટલે મસૂદના માણસોએ બલવિંદરના ઘર અને દુકાનની તપાસ નહોતી કરી એવી જે માહિતી દિલાવર જોડે હતી એ ખોટી હતી. દિલાવરથી રહી ગયેલી આ ચૂકનું ભૂંડું પરિણામ એની સાથે નગમા અને માધવે ભોગવવું પડનાર હતું એ નક્કી હતું.

મસૂદના લોકોને હજુ બલવિંદરની સાચી ઓળખ નહોતી મળી પણ એમને એ જાણકારી મળી ગઈ હતી કે મસૂદ પર નજર રાખનાર જે વ્યક્તિએ આત્મહત્યા કરી એ લાઇ નુલ્લાહમાં મોબાઈલની દુકાન ધરાવતો હમીદ અંસારી હતો. હમીદની દુકાન પર પોતે એકવાર મોબાઈલ રીપેર કરાવવા ગયો હતો એ વાતનું સ્મરણ થતા જ મસૂદે એના ઘર અને દુકાન બંનેની તલાશી લેવડાવી હતી.

બંને જગ્યાએથી મસૂદના માણસોને હાથ કોઈ શંકાસ્પદ વસ્તુ ના લાગી છતાં મસૂદે બલવિંદરના ઘર પર ચોવીસે કલાક ધ્યાન રાખવા પોતાની ગેંગના બે ખાસ માણસ તાહીર અને મિર્ઝાને લગાવી દીધા હતાં. મિર્ઝા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતો હોવાથી એને બલવિંદરના ઘરના દરવાજામાં ઓટોમેટિક સેન્સર મૂક્યાં હતાં જે દરવાજો ખોલવા પર ઘરમાં લાગેલા બે સીસીટીવી કેમેરાને એક્ટિવ કરી દેતા.

આ ઉપરાંત એ બંને પોતે પણ બલવિંદર રહેતો એ ઈમારતની સામે આવેલી બીજી ત્રણ મંજીલા ઈમારતના ત્રીજે માળે આવેલા એક મકાનમાં રહેતા, એમને જાણીજોઈને આ મકાન પસંદ કર્યું હતું કેમકે ત્યાંથી બલવિંદરના ઘરની આગળનો ભાગ અને દાદરો સ્પષ્ટ દેખાતો હતો.

પોતે ઈકબાલ મસૂદના ખાસ માણસોની નજરમાં છે એ વાતથી અજાણ નગમા, માધવ અને દિલાવર અત્યારે બલવિંદરનાં ઘરમાં મોજુદ હતાં.

"કોઈ લાઈટ ઓન નહીં કરે." બલવિંદરના ઘરમાં પગ મૂકતા જ દિલાવરે માધવ અને નગમાને સૂચન કર્યું. જેનાં પ્રત્યુત્તરમાં એ બંનેએ પોતાની ગરદન હકારમાં હલાવી.

બલવિંદર જે મકાનમાં રહેતો હતો એ મકાનમાં એક રૂમ, એક રસોડું અને એક દિવાનખંડ હતો. દરેક સામાન્ય વ્યક્તિના ઘરમાં જેટલી જરૂરની વસ્તુઓ હોય એટલી વસ્તુઓ આ મકાનમાં પણ હતી. કોઈ મધ્યમવર્ગીય માણસના ઘરની માફક આ ઘર સજાવેલું હતું.

ઘરમાં પ્રવેશતાં જ દિવાનખંડમાં મક્કા-મદિનાની તસવીર એક વિશાળ ફોટોફ્રેમમાં સજાવેલી હતી. આ તસવીર ઉપરાંત પણ ઘરમાં અમુક એવી વસ્તુઓ રાખવામાં આવી હતી જે જોઈને એવું લાગે કે આ કોઈ મુસ્લિમ બિરાદરનું મકાન છે. ખતના કરાવવા જેવું કામ જે વ્યક્તિ કરી શકતો હોય એ વ્યક્તિ આવી તકેદારી રાખે એમાં કોઈ નવાઈ નહોતી!

દિલાવર, નગમા અને માધવે ઝડપથી ઘરમાં શોધ ચલાવી શકાય એ હેતુથી અલગ-અલગ થઈને ઘરને ફંફોસવાનું શરૂ કર્યું. નગમાએ દિવાનખંડમાં, દિલાવરે રસોડામાં અને માધવે રૂમમાં સર્ચ ઑપરેશન ચાલુ કર્યું.

બલવિંદર પોતાને મળેલી માહિતી ઘરે મૂકેલી એક ડાયરીમાં નોંધતો હતો એવી જાણકારી નગમા અને માધવને આપવામાં આવી હતી જે એમને દિલાવરને પણ આપી. એ ત્રણેય લોકો જોડે હવે પોતાને જે વસ્તુ શોધવાની હતી એ શું હતી એ નક્કી હતું, એ ડાયરીનું મળવું ગુજરાતમાં થનારાં એક મોટા આતંકવાદી હુમલાને રોકવા અતિ આવશ્યક હતું.

મસૂદના માણસોએ બલવિંદરના ઘરની તલાશ લીધા બાદ ઘરમાં મોજુદ બધી વસ્તુઓને એના સ્થાને પુનઃ ગોઠવી દીધી હોવાથી માધવ, નગમા કે દિલાવરને એ વાતનો અણસાર જ ના આવ્યો કે અહીં એમના પહેલા પણ કોઈ આવી ચૂક્યું હતું.

ઘડિયાળના કાંટા ધીમી પણ મક્કમ ગતિએ આગળની તરફ દોડતા રહ્યાં, પણ એ ત્રણમાંથી કોઈના હાથમાં ડાયરી ના આવી. મકાનની લાઈટ બંધ હોવા છતાં તાહીર અને મિર્ઝા સીસીટીવી કેમેરાની મદદથી પોતાના રૂમમાં બેસીને લેપટોપ પર બલવિંદરના ઘરમાં થતી દરેક ગતિવિધિઓ પર ધ્યાન રાખીને બેઠાં હતાં. જો એમને જરાસરખો પણ અંદાજો હોત કે બલવિંદરના ઘરમાં જે ત્રણ વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ રૉ એજન્ટ, એક વ્યક્તિ ઈન્ડિયન પોલીસ ઓફિસર અને એક વ્યક્તિ BLAનો સક્રિય કાર્યકર છે તો એ લોકો તુરંત એમની પર હિચકારો હુમલો કરી બેસત.

ઈકબાલ મસૂદે બલવિંદરની આત્મહત્યા પછી પણ એના મૃતદેહ જોડે જે વસ્તુઓ મળી આવી એની તપાસ કરાવી હતી, પણ એમાં મસૂદને હાથ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી આવી. પોતાની ઉપર નજર રાખનાર મોબાઈલની દુકાન ચલાવતા એક વ્યક્તિ જોડે એવી તે શું માહિતી હતી જેના લીધે એને આત્મહત્યા કરી હતી? એ સવાલનો ઉત્તર મેળવવા જ મસૂદે નગમા, માધવ કે દિલાવર પર હુમલો કરી એમને મારી નાંખવાના બદલે એમની પર નજર રાખવાનો આદેશ તાહીર અને મિર્ઝાને આપ્યો હતો; કેમકે, એ લોકો કોણ છે એ ઓળખ થઈ જાય તો મોબાઈલની દુકાન ચલાવતો હમીદ અંસારી હકીકતમાં કોણ હતો એનો પણ કોયડો ઉકેલાવાની આશા પ્રબળ હતી.

લગભગ અઢી કલાક જેટલી સઘન તપાસ પછી પણ નગમા, માધવ કે દિલાવરને હાથ ડાયરી કે ડાયરી જેવી અન્ય કોઈ વસ્તુ હાથ ના લાગી જેની ઉપર બલવિંદરે ગુપ્ત માહિતી કે સંદેશો લખ્યો હોય.

થાકીહારીને ત્રણેય આખરે મકાનના દીવાનખંડમાં એકત્રિત થયાં.

"મને લાગતું નથી કે અહીં એવી કોઈ ડાયરી છે, જે તમે શોધી રહ્યાં છો." દિલાવરે હતાશ સ્વરે કહ્યું.

"મને પણ એવું લાગે છે." નગમાએ દિલાવરની વાતમાં હામી ભરતા કહ્યું. "શાયદ પોતાના જીવ ઉપર જોખમ હોવાનો અંદાજો બલવિંદરને આવી ગયો હોય અને એને બંને ડાયરીનો નાશ કર્યો હોય."

"બનતા સુધી આવું જ બન્યું હશે.." માધવે કહ્યું. "બાકી આખું ઘર ફેંદી વળ્યા પછી ડાયરી હાથ ના લાગે એ અશક્ય છે."

"રાતના એક વાગવા આવ્યા છે, હવે આપણે નીકળવું જોઈએ." દિલાવરે માધવ અને નગમાને ઉદ્દેશીને કહ્યું.

"હા..ચલો નીકળીએ." નગમાએ નંખાઈ ગયેલા ચહેરે દિવાનખંડમાં મોજુદ મક્કા-મદિનાની તસવીર તરફ જોઈ કહ્યું. "અલ્લાહને ગમ્યું એ ખરું."

અચાનક નગમાની નજર તસવીરની નીચે ઉર્દુમાં લખેલી એક લાઈન પર ગઈ.

اللہ سب کچھ دیتا ہے اگر تم دل سے پوچھو۔

"દિલથી માંગો તો અલ્લાહ બધું જ આપે છે."

નગમાએ ઉર્દુમાં લખેલી એ લાઈનનો ઉચ્ચારણ કરતા કહ્યું.

અચાનક કંઈક ઝબકારો થતા એ તસવીરની નજીક ગઈ અને સાવચેતી સાથે એ ફ્રેમ કરેલી મક્કા-મદિનાની તસવીરને હેઠે ઉતારી. એ તસવીરની પાછળ એક નાનકડું લોકર હતું.

આ લોકરને જોતા જ માધવ, નગમા અને દિલાવરના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

"તમે તો કમાલ જ કરી દીધી." નગમાની તરફ જોઈ દિલાવરે પ્રશંષાના સૂરમાં કહ્યું.

"આ મારી નહીં પણ પરવરદિગારની કમાલ છે જેને મને અંત સમયે આ સુઝાવ્યું." નગમાએ કહ્યું.

"આ લોકર પાસવર્ડથી લોક છે અને આપણી જોડે એવું કોઈ ગેઝેટ પણ નથી જેની મદદથી આ લોકર ખોલી શકાય." માધવે લોકરને ધ્યાનથી જોતા કહ્યું.

ડાયરી જેમાં હોય એવી શક્યતા ધરાવતું લોકર તો હવે મળી ગયું હતું પણ હવે એ લોકરનો પાસવર્ડ શું હશે એ મોટો પ્રશ્ન બની ગયો હતો.

ઘણું વિચાર્યા બાદ એ લોકો નક્કી નહોતાં કરી શક્યા કે આખરે એ લોકરનો પાસવર્ડ શું હશે. કંટાળીને દિલાવરે રિવોલ્વરની મદદથી લોકર તોડવાનો નિર્ણય લઈ લીધો જે યોગ્ય નહોતો, કેમકે એ જે પ્રકારનું લોકર હતું, એવા લોકર રિવોલ્વરની બુલેટથી તૂટે જ નહીં.

મિર્ઝા અને તાહીરે બલવિંદરના ઘરમાં સીસીટીવી કેમેરા તો લગાવ્યા હતાં પણ રેકોર્ડર નહોતું મુક્યું એટલે નગમા, માધવ અને દિલાવર વચ્ચે થતી વાતચીત એમને નહોતી સંભળાઈ રહી. જો એમને વોઇસ રેકોર્ડર મૂક્યું હોત તો અબઘડી જ નગમા અને માધવની પોલ ખૂલી ગઈ હોત. અત્યારે તો એ બંને મસૂદની આજ્ઞાનું પાલન કરતા નગમા, માધવ અને દિલાવરની બધી જ હલચલને જોવામાં મશગુલ હતાં.

"વેઈટ!" દિલાવર રિવોલ્વરમાંથી ગોળી છોડવાનો જ હતો ત્યાં માધવે એને અટકાવ્યો.

"શું થયું..?" માધવના આમ કરવા પર નગમાએ એને ઉદ્દેશીને કહ્યું.

"નગમા, બલવિંદરનો જાસૂસ કોડ શું હતો?"

માધવના આ પ્રશ્ન સાંભળી નગમાએ મગજ પર થોડું જોર આપ્યું અને બોલી.

"ફાઈવ થ્રી સેવન ટુ નાઈન નાઈન."

નગમા બોલતી ગઈ એમ માધવ લોકર પર બનેલા કિપેડ પર નંબર દબાવતો રહ્યો. જેવો માધવે લાસ્ટ ડિજિટ દબાવ્યો એ સાથે જ બીપનો તીણો અવાજ થયો અને લોકરનો દરવાજો ખટાક દઈને સહેજ ખૂલ્યો.

"યસ..વી ડન ઈટ.!" ઉત્સાહિત સ્વરે આટલું માધવે પોતાના જમણા હાથની મુઠ્ઠી ભીંસી લીધી.

"માધવ, ફટાફટ અંદર જો." માધવને ઉદ્દેશીને નગમાએ કહ્યું. "ડાયરી લઈને આપણે અહીંથી જેમ બને એમ જલ્દી નીકળવાનું છે."

નગમાની વાત સાંભળી માધવે દિલાવરે ચાલુ કરેલી મોબાઈલની ફ્લેશ લાઈટના પ્રકાશમાં લોકરનો દરવાજો ખોલી અંદર રહેલી વસ્તુઓ પર નજર નાંખી.

અંદર રહેલી પાંચ-છ વસ્તુઓને એક પછી એક ધ્યાનથી જોઈ લીધા બાદ માધવના મુખેથી આશ્ચર્યાઘાત સાથે સરી પડ્યું.

"એની માં ને..અંદર તો કોઈ ડાયરી જ નથી.!"

**********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)