Pranaybhang - 25 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 25

પ્રણયભંગ ભાગ – 25

લેખક - મેર મેહુલ

અખિલ ઉપરાઉપરી ચાર સિગરેટ ફૂંકી ગયો હતો.ડૉ. પારેખે જે વાત કહી હતી એ અખિલને માન્યામાં નહોતી આવતી. સિયાએ શા માટે ગર્ભવતી થવાની સલાહ લીધી હશે અને જો એ ગર્ભવતી જ થવા ઇચ્છતી હતી તો ગર્ભપાત કેમ કરાવવા ઇચ્છતી હશે.

અખિલે કડીથી કડી મેળવી,

‘સમાગમ સમયે હું જ પ્રોટેક્શનનો ઉપયોગ કરતો પણ જ્યારે ગોવા ગયાં ત્યારે સિયાએ પ્રોટેક્શન લેવાનું શરૂ કર્યું હતું.એ સમયે સિયાથી કોઈ ભૂલ થઈ હશે અને પોતે ગર્ભવતી થઈ જશે એ ડરથી તેણે ડોક્ટર પાસે ઉલટ તપાસ કરી હશે.એ જ કારણથી તેનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ ગયો હતો,જયારે એ ગર્ભવતી છે એવું માલુમ થયું હશે ત્યારે તેણે મારાથી દૂર થવાનો નિર્ણય કર્યો હશે અને ગર્ભપાત કરાવવાનું નક્કી કરી લીધું હશે’

‘પણ હું ક્યાં સિયાને સ્વીકારવા તૈયાર નહોતો ?’ અખિલે વિચાર્યું.

‘કદાચ એવું પણ બન્યું હોયને, હું તેનો સ્વીકાર નહિ કરું એ ડરથી તેણે મને જણાવ્યું નહિ હોય, ઓહ સિયા…’

અખિલનાં વિચારો પળે પળે બદલાતાં હતાં. થોડાં દિવસો પહેલા જે અખિલ સિયાને ભૂલી જવા તૈયાર હતો એ જ અખિલ અત્યારે સિયાને યાદ કરી લાગણીઓમાં વહેતો હતો.

‘હું સિયાને કોઈપણ સંજોગોમાં શોધીશ’ અખિલે ફરી સંકલ્પ કર્યો. અખિલ ઘર તરફ જવા બાઇક પર બેઠો ત્યાં જ તેનાં મોબાઈલમાં કોઈનો મૅસેજ આવ્યો.અખિલે પોકેટમાંથી મોબાઈલ કાઢી જોયું.

‘મને શોધવાની કોશિશ ના કરતો અખિલ, હું તારાથી ખૂબ દૂર થઈ ગઈ છું’ સિયા.

અખિલ બાઇક પરથી ઉતરી ગયો.તેણે સિયાને કૉલ લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો.સિયા શું જતાવવા માંગતી હતી એ અખિલને નહોતું સમજાતું.છેલ્લાં બે મહિનામાં સિયાનો એક પણ મૅસેજ નહોતો આવ્યો અને આજે જ્યારે અખિલને સિયા વિશે મહત્વની વાત જાણવા મળી એટલે તરત જ સિયાનો મૅસેજ આવ્યો.

અખિલ ચમક્યો, બાઇકને સ્ટેન્ડ કરી એ પવન વેગે ડૉ. પારેખ પાસે પહોંચી ગયો.

“ક્યાં છે એ ?” અખિલે ટેબલ પર હાથ પછાડીને પુછ્યું.

“કોણ, ક્યાં છે ?” ડૉ. પારેખે અજાણ બનતાં કહ્યું.

“સિયા ક્યાં છે?” અખિલ બરાડયો, “સિયાનો કોઈ દિવસ મારામાં મૅસેજ નથી આવ્યો, હું તમને મળીને ગયો એની પાંચ મિનિટમાં એણે મને મૅસેજ કર્યો. તમે જ એને હું મળવા આવ્યો એ વાત સિયાને જણાવી છે ને?”

“હું શા માટે સિયાને જણાવું ?” ડૉ. પારેખે કહ્યું.

“તો સિયાને કેમ ખબર પડી કે હું એને શોધું છું ?” અખિલે ફરીથી બરાડતાં ટેબલ પર હાથ પછાડ્યો.

“એણે મને જણાવવા કહ્યું હતું” ડૉ. પારેખે ગભરાઈને કહ્યું. અખિલનાં આવા વર્તનથી એ સહેમી ગયાં હતાં.

“બીજું શું શું કહ્યું છે એણે ?” અખિલ રીતસરનો ડોકટર પર ત્રાટુક્યો હતો.

“તું મને મળવા આવે એટલે એને જાણ કરવા કહ્યું હતું, બીજું મને કંઈ ખબર નથી”

“એ અત્યારે ક્યાં છે ?” અખિલે પુછ્યું.

“મને નથી ખબર”

“તો તમે એને જાણ કેવી રીતે કરી?”

“9824……. એનો નંબર છે, એમાં કૉલ લગાવીને મેં કહ્યું હતું”

“હું અહીંથી નીકળું પછી એને કૉલ ના કરતાં નહીંતર મારાથી ખરાબ કોઈ નહિ થાય”અખિલ ધમકી આપીને દરવાજા તરફ ચાલ્યો, બે ડગલાં આગળ ચાલી અખિલ અટક્યો અને પાછળ ફરીને કટાક્ષમાં કહ્યું, “બીજીવાર મદદ કરવા બદલ ખુબ ખુબ આભાર”

અખિલ જાણતો હતો, જો એ પોતાનાં નંબર પરથી કૉલ કરશે તો સિયાને ખબર પડી જશે માટે બહાર આવી એણે એક નવું સિમ ખરીદ્યું અને ડોક્ટરે આપેલા નંબર પર કૉલ લગાવ્યો, એક રિંગ પુરી થઈ પણ કૉલ રિસીવ ના થયો.અખિલે બીજીવાર કૉલ લગાવ્યો.બીજીવાર કૉલ રિસીવ થયો.

“હેલ્લો કોણ ?” ચાર મહિના પછી અખિલે સિયાનો અવાજ સાંભળ્યો. અનિચ્છાએ પણ અખિલની આંખો ભરાય ગઈ.

“સિયા…” અખિલ માત્ર એટલું જ બોલી શક્યો.

“અખિલ…” સામે સિયા પણ એટલું જ બોલી.

એક મિનિટ માટે બંને રડતાં રહ્યાં. અખિલનાં મગજમાં ઘણાબધાં સવાલો હતાં જેનાં જવાબ માત્રને માત્ર સિયા પાસે જ હતાં.

“ક્યાં ચાલી ગઈ તું ?” અખિલે રડતાં રડતાં ફરિયાદ કરી, “તારાં વીના મારી શું હાલત થશે એનો પણ વિચાર ના કર્યો?”

“હું તારી ગુન્હેગાર છું અખિલ, મેં તારી સાથે છેતરપિંડી કરી છે” સિયાએ પણ રડતાં રડતાં કહ્યું.

“તે જે કંઈ પણ કર્યું હોય, તું પાછી આવી જા”

“હું નહિ આવી શકું અખિલ, હું નહિ આવી શકું” સિયાનો તૂટક અવાજ અખિલને વધુ રડાવી રહ્યો હતો.

“કેમ નહિ આવી શકે ?” અખિલે ગુસ્સે ભરાયો, “મને ખબર છે તું પ્રેગ્નેન્ટ છે. મેં તને સ્વીકારવાની ના પાડી હોય તો તારી પાસે ન આવવાનું કારણ હોય”

“એવું નથી અખિલ, તું હકીકતથી વાકેફ નથી અને હું નથી ઇચ્છતી, તું હકીકત જાણીને દુઃખ થાય”

“મારે કશું નથી જાણવું, હું તો બસ તને જાણું છું, તારાં વિના નથી રહી શકતો યાર, તું પાછી આવી જા બસ” અખિલ એકને એક વાક્ય વારંવાર દોહરાવતો હતો.

“હું આવીશ” સિયાએ કહ્યું, “પહેલાં તું મને એક પ્રોમિસ આપ”

અખિલ મૌન રહ્યો એટલે સિયાએ વાત આગળ વધારી,

“મને પ્રોમિસ આપ કે જ્યાં સુધી તું મામલતદાર નહિ બની જાય ત્યાં સુધી મને ભૂલી જઈશ, મને શોધવામાં સમય નહિ વેડફે. એકવાર તું મામલતદાર બની જઈશ એટલે હું સામે ચાલીને તારી પાસે આવતી રહીશ”સિયાએ કહ્યું.

“તું પણ પ્રોમિસ આપે છે ને?” અખિલે કહ્યું, “પાછળથી ફરી ના જતી”

“હું મારાં છેલ્લાં શ્વાસ સુધી આ પ્રોમિસ યાદ રાખીશ” સિયાએ કહ્યું.

“એવું ના બોલ, આપણે સિત્તેર વર્ષના થઈએ ત્યારે પણ સાથે જ રહેવાનું છે” અખિલે કહ્યું, “મેં તારા માટે કેટલા સપનાં જોયા હતા, મામલતદાર બનીને તારી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો અને તું કહ્યા વિના ચાલી ગઈ”

“મને માફ કરી દે અખિલ” સિયાનો રડવાનો અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો.

અખિલે પોતાની જાતને સંભાળી, આંસુ લુછી બાઇક પાસે આવ્યો.તેનાં ચહેરા પર આંસુ સાથે સ્મિત હતું.વેરણ રણમાં માણસને જ્યારે મૃગજળ દેખાય અને ચહેરા પર સ્મિત આવે એવું સ્મિત.

*

અખિલે સિયાએ કહેલી વાતની ગાંઠ બાંધી દીધી હતી.પહેલાં અખિલ પોતાનાં માતા-પિતા માટે મામલતદાર બનવા ઇચ્છતો હતો, હવે તેમાં વધુ એક નામ ઉમેરાય ગયું હતું. હા, અખિલ મામલતદાર બનીને સિયાને પામવાના સપનાં જોવા લાગ્યો હતો.

આમ તો એની લાઈફ સિયાનાં આવ્યાં પહેલાં હતી એવી જ થઈ ગઈ હતી પણ તેમાં જૂજ બદલાવ આવ્યા હતાં.પહેલાં અખિલ એકલો રહેતો હતો, હવે અખિલ, સિયા સાથે જે ઘરમાં યાદગાર પળો વિતાવી હતી એ ઘરમાં સિયાની યાદો સાથે રહેતો હતો.પહેલાં અખિલનાં ચહેરા પર વિના કારણે સ્મિત ન આવતું, હવે ક્યારેક સિયા સાથેની ગમ્મતો યાદ કરીને અચાનક હસી પડતો.પહેલાં અખિલ ક્યારેય રડતો નહિ, હવે ઘણીવાર સિયાની યાદમાં એક ખૂણામાં બેસીને કલાકો સુધી….

પ્રેમ તત્વ છે જ એવું, હસતાં માણસને રડાવે છે અને રડતાં માણસને ખડખડાટ હસાવે છે. જેને આજ સુધી કોઈ સમજી નથી શક્યું, જેણે સમજવાની કોશિશ કરી છે એ જ ડૂબી ગયું છે અને લોકો કહે છે પ્રેમમાં તો ડૂબવાની પણ એક અલગ મજા છે.

અખિલ ડૂબી ગયો હતો, સિયાનાં પ્રેમમાં શ્વાસ ન લેવાય એ હદ સુધી ડૂબી ગયો.ગનીમત એ રહી કે સિયાનાં એક પ્રોમિસે તેને હાથ આપ્યો અને અખિલ કાંઠા સુધી પહોંચી ગયો. પણ ક્યાં સુધી અખિલ કાંઠે બેસીને જોયા કરવાનો હતો?, એ સમય તો આવશે જ ને જ્યારે અખિલ ફરી સિયાનાં પ્રેમમાં ડૂબવા તલપાપડ થશે અને ત્યારે જો સિયાએ હાથ ના ઝાલ્યો તો?...

( ક્રમશઃ )