Kalia Thackeray books and stories free download online pdf in Gujarati

કાળિયા ઠાકર

દ્વારકા આમ તો સાવ નાનકડું શહેર છે. પગે ચાલીને આખાય દ્વારકાની પ્રદક્ષિણા તમે કરી શકો. જોકે ચારધામ યાત્રા નુ આ એક ધામ હોવાથી બારેય મહિના આ શહેર ધબકતું રહે છે. રાત્રે બે વાગ્યે પણ તમને અહીં માણસો હરતા ફરતા દેખાય. એકદમ જાગતું શહેર !!

આ દ્વારકાના બજારમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસ માં પોસ્ટ માસ્તર તરીકે મારી બદલી થયેલી. સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 મારી ડ્યુટી રહેતી. કામનું અહીં એટલું બધું દબાણ નહોતું. પ્રસાદના પાર્સલો અને મની ઓર્ડર નું કામ ખાસ રહેતુ.

સવારે જે પણ ટપાલો આવતી અને ટેલીગ્રામ ઉતરતા એ બધા એરીયા પ્રમાણે ગોઠવી ને મારો પોસ્ટમેન જોષી દસ વાગ્યે નીકળી જતો અને બાર વાગે પાછો આવી જતો. સાંજે ત્રણ વાગ્યા પછી એ પટાવાળા નું કામ પણ કરતો અને અને જે પણ ટેલિગ્રામ આવે એની ડિલિવરી કરી આવતો. આ અમારો રોજિંદો ક્રમ હતો.

વાર્તાની શરૂઆત અહીંથી જ થાય છે. છેલ્લા કેટલાક સમયથી દરરોજ સાંજે ખૂબસૂરત પણ ગરીબ દેખાતી એક યુવાન છોકરી નિયમિત પોસ્ટ ઓફિસમાં આવતી અને જોષીને પૂછતી.

" સાહિબ.... મારી કોઇ ટપાલ આવી ?"

ગામડાના માણસો બિચારા પોસ્ટમેન ને પણ સાહેબ કહેતા. કોઈપણ સરકારી નોકરી કરનાર કર્મચારી ભોળા માણસો માટે તો સાહેબ જ કહેવાતો.

"ના સોનલ આજે પણ તારી કોઇ ટપાલ નથી."
અને એ નિરાશ થઈને પાછી જતી.

હું રોજ એને જોતો. ચારથી પાંચ વાગ્યાની આસપાસ રેગ્યુલર પોસ્ટ ઓફિસ આવતી. એક જ સવાલ કરતી અને નિરાશ થઈને પાછી જતી.

સળંગ ત્રણ મહિના સુધી આ છોકરીને મેં જોઈ. એક જ સવાલ અને જોષીનો એનો એ જ જવાબ.

હવે મને ખરેખર કુતૂહલ થયું. આ છોકરી કોની ટપાલની આટલી બધી આતુરતાથી રાહ જુએ છે ? ત્રણ ત્રણ મહિનાથી એક પણ દિવસ એ ચૂકી નથી. હવે તો મારે એને બેસાડીને પૂછવું જ પડશે.

પહેલા તો મેં જોષીને આ સવાલ કર્યો. " અરે જોષી આ છોકરી કોણ છે ? રોજ તને ટપાલ નું પૂછવા આવે છે. "

" અરે સાહેબ એ સોનલ છે. ખારવા કોમની દીકરી છે. એનો બાપ મરી ગયો છે. એક ભાઈ છે અને મા છે. એનો ભાઈ દરિયામાં માછીમારીનો ધંધો કરે છે. એની પોતાની બોટ પણ છે. સોનલ કોઈના પત્રની રાહ જુએ છે. ઝાઝી ખબર તો મને પણ નથી."

અને બીજા દિવસે સોનલ 5 વાગે આવી તો મેં એને અંદર ખુરશીમાં બેસાડી. આ ટાઈમે કંઈ ખાસ કામ હોતું નથી એટલે હું પણ ફ્રી હતો.

" તું કોના પત્રની આટલી બધી રાહ જુએ છે સોનલ ? "

સોનલે એની દેશી ભાષામાં જ મારી સાથે વાત કરી.

" સાહિબ.. મારા ઘરવાળાની. ઈમણે મને કીધું'તું કે એક મહિના પછી પોસ્ટ ઓફિસના સરનામે ટપાલ લખીશ અને તને લેવા આવીશ. તું પોસ્ટ ઓફિસમાં તપાસ કરતી રહેજે. મારી ટપાલ આવે એટલે તું તૈયાર રહેજે. પણ હજુ સુધી ઇમની ટપાલ આવતી નથી "

" પણ એ તને ટપાલ શું કામ લખે ? એ તારો પતિ છે તો તને અહીં રૂબરૂ ના મળી શકે ? "

" ના ઈ તો અહીંથી દુબઇ જ્યા છે. અમે અહીં રુખમણી માતાના મંદિરમાં છાનામાના લગન કરેલા છે. ઈમણે મને હાર પહેરાવ્યો અને મી ઈમને હાર પહેરાવ્યો. એ પછી અહીં કાળીયા ઠાકર (દ્વારકાધીશ) ના મંદિરમાં અમે બંને પગે લાગવા આવ્યા. એક અઠવાડિયા સુધી એ મને રોજ ધર્મશાળામાં બોલાવતા. મીં ઈમનો સંસાર માંડયો. મજૂરીમાં રાતપાળી છે એવું મારી મા ને કહીને હું રાતે પણ ઈમની હારે જ રહેતી. બસ એ પછી થોડા દાડા માં ઈ જતા રહ્યા."

" મને કહ્યું કે મારી ટપાલ મળે એટલે તું તૈયાર રહેજે. હું આવીને તને સીધો દુબઈ લઈ જઈશ. "

" તારી પાસે દુબઇ જવા માટે પાસપોર્ટ છે ?"

" ઈ શું હોય ? મારી પાસે એવું કાંઈ નથી. "

" એક ચોપડી હોય. જેમાં સિક્કો મારીને સરકાર દુબઈ જવા દે. એના વગર તો દુબઈ કઈ રીતે જઈ શકે ? એ તને કઈ રીતે લઈ જાય ?"

' ઈ કહેતા'તા કે ઈમને સરકારમાં પણ બહુ મોટી મોટી ઓળખાણો છે. એટલે ઈ મને લઈ જશે. તમે જે કીધું એવી ચોપડીની જરૂર નહીં પડે ઇમને !!"

" તું અહીં એને કેવી રીતે મળી ? કઈ રીતે ઓળખે એને ?"

" ઈ કંત્રાટી છે.. અહીંયા એમનું કંત્રાટ નું કામ ચાલતું હતું.. ચાર પાંચ મહિના માટે આયેલા. હું ઇમના ત્યાં મજુરી જતી હતી. ઇમને હું ગમી ગઈ. મને કહે કે તું મારી હારે લગન કરીશ ? લગન કરીને હું તને દરિયા પાર દુબઈ લઈ જઈશ. પહેલા તો મીં ના પાડી પણ પછી બળ્યો મને પણ ઇમની હારે પ્રેમ થઈ જ્યો. અમારી ખારવા કોમમા આવા હારા માણસો મળે નહીં. બસ ઈ ગયા પછી કોઈ કાગળ પત્તર નથી. અહીંયા મારો ભઈ પણ મારા લગન માટે ઉતાવળો થઈ જ્યો છે ! હવે એક ભવમાં બે ભવ થોડા કરાય ? કાળીયા ની હામે અમે સોગંદ ખાધાં છે. રુખમણી માતા ની હામે લગન કર્યા છે. બસ ઈમની ટપાલ આઇ જાય એટલે હું દુબઈ જવાની તૈયારી કરું."

" એનું નામ શું છે ? એણે એનું સરનામું તને લખી આપ્યું છે ?"

" ઈમનું નાંમ મારાથી નો દેવાય. પાપ લાગે. ટપાલ આવે એટલે તમે જોઈ લેજો ને ? ઈમાં નાંમ સરનામું બધું લખ્યું હશે. મી તો ઈમને કાંઈ પૂછ્યું નથી . દુબઈ જવાના હતા એટલી વાત કરેલી"

હું આ ભોળી છોકરી ને જોઈ જ રહ્યો ! કેટલું બધું ભોળપણ અને કેટલો બધો વિશ્વાસ !! બિચારી આવી નિર્દોષ છોકરીઓ જ ફસાઈ જતી હોય છે. લગ્નના નામે પેલો એને છેતરી ગયો અને આ અભણ ભોળી છોકરી ને અઠવાડિયા સુધી ભોગવી લીધી.

" સારું હું દુબઈ એ બાબતની તપાસ કરું છું પણ મને એ વાત કર કે એનો કોન્ટ્રાક્ટ ક્યાં ચાલતો હતો ? તું મજૂરીએ કઈ સાઈટ ઉપર જતી હતી ? "

".ગીતામંદિર જવાના રોડ ઉપર એક મોટું સરકારી ગેસ્ટ હાઉસ બનતું ન્યા કણે !!" એણે માહિતી આપી.

એ દિવસે સાંજે જ મેં તપાસ કરી તો ત્યાં એક ગેસ્ટ હાઉસ નવું બનેલું હતું. મેં મેનેજર સાથે વાત કરી. મેનેજર મોટી ઉંમરના હતા.

" મુરબ્બી આ ગેસ્ટ હાઉસનું કન્સ્ટ્રકશન કોણે કરેલું ? તમને કંઈ ખ્યાલ ખરો ? "

" અરે તમે મહેતા સાહેબ !! તમે તો પોસ્ટ માસ્ટર છો ને ? હું ક્યારેક મની ઓર્ડર કરવા આવતો હોઉં છું એટલે તમને ઓળખું છું. હું તો અહિયાં નોકરી કરું છું પણ ઊભા રહો. હું જોઈને કહું " અને એમણે કબાટમાંથી એક ફાઈલ કાઢી જેમાં આ ગેસ્ટ હાઉસની તમામ વિગતો અને નકશો વગેરે હતા.

" આ જુઓ... જામનગરની નાગજીભાઈ એન્ડ કંપની ને આ કામ સોંપેલું. "

" ઓકે... વડીલ આભાર " કહી હું ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો. મારી ઓળખાણ આપી. વિગતવાર બધી વાત સોલંકી સાહેબને કરી.

" આ કામ હવે તમે જ કરી શકો સાહેબ ! મારાથી જેટલું થઈ શકે એટલું મેં કર્યું. એક કુવારી છોકરી ની જિંદગીનો સવાલ છે. લગ્નનું નાટક કરીને ભાગી ગયો. આપણે એને પકડવો જ પડશે. "

" થેન્ક્યુ મહેતા ભાઈ. તમે એક ઉમદા કામ કર્યું છે. હું આજથી જ મારા ચક્રો ચાલુ કરી દઉં છું. પહેલાં તો એ જાણવું પડશે કે દ્વારકાના આ ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટર કોણ હતો ? કારણકે આ કંપની તો મોટી છે એટલે નાના નાના કોન્ટ્રાક્ટરોને અલગ-અલગ શહેરોમાં કે વિસ્તારોમાં કામનો કોન્ટ્રેક્ટ આપી દેવાતો હોય છે. કાલ સુધીમાં તમને ફોન કરી દઉં છું સાહેબ."

બીજા દિવસે સાંજે છ વાગ્યા આસપાસ પોસ્ટ ઓફિસમાં સોલંકી સાહેબ નો ફોન આવી ગયો.

કોઈ પ્રતાપ રાઠોડ નામનો 27 28 વર્ષની ઉંમરનો સબ કોન્ટ્રાક્ટર છે. એણે આ કામ કરેલું. પાંચ મહિના સુધી એ અહીં દ્વારકામાં રહેલો. અત્યારે એનું કામ જામ ખંભાળિયામાં ચાલે છે. કાલે હું એને પકડી લઉં છું. મેં નાગજીભાઈ ની કંપનીમાં પણ કહી દીધું છે કે ભૂલેચૂકે પણ આ વાતની એને જાણ ના થાય નહી તો ભાગી જશે. "

" ભલે સાહેબ...... થેંક્યુ વેરી મચ.... કાલે સોનલની વાત સાંભળીને મને બહુ આઘાત લાગ્યો એટલે આટલું બધું મારે કરવું પડ્યું."

પ્રતાપને એરેસ્ટ કરીને સોલંકી સાહેબ દ્વારકા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા. મને પણ બોલાવી લીધો. એને રિમાન્ડ ઉપર લીધો. બે ચાર તમાચા માર્યા એટલે એણે બધી સાચી વાત કરી દીધી. એ પરણેલો હતો અને એને એક નાનો બાબો પણ હતો. પણ સોનલ એને બહુ જ ગમી ગઈ હતી. ચાર મહિના સુધી એની હિંમત ન ચાલી. પણ કામ પૂરું થવા આવ્યું ત્યારે એણે લગનની વાત કરીને એને ફસાવી દીધી.

આખી રાત એને પોલીસ કસ્ટડીમાં રાખ્યો અને સવારે સોનલ ને બોલાવવામાં આવી.

" તું જેને તારો ઘરવાળો માને છે એ આ પ્રતાપ ને બરાબર ઓળખી લે. એ જામનગર રહે છે. પરણેલો છે અને એક દીકરાનો બાપ પણ છે. તને એણે ફસાવી છે. લગન નું નાટક કરીને તને ભોગવીને કાયમ માટે એ ભાગી ગયો છે. બોલ હવે તારે શું કરવું છે ?"

" સાહેબ હું તો લૂંટાઈ ગઈ આમાં હવે હું શું કહું ? મેં તો રુખમણી માતાની હાજરીમાં લગન કર્યા છે. હવે એક ભવમાં બે ભવ હું નહિ કરું. ઈ મારા ઘરવાળા છે. ઈમને જ પૂછો સાહિબ કે શું કરવું છે. "

" જો સાંભળ સાલા હરામી ... તારી પાસે બે રસ્તા છે. અમે તારી બૈરી ને વાત કરીએ... એ હા પાડતી હોય તો કાયદેસર આની હારે લગન કર. અને નહીં તો સોનલ સાથે સમાધાન કરી લે એટલે કેસ ઊંચો મૂકી દઈએ.

" મારી ઘરવાળી તો મને મારી નાખે સાહેબ.
મારો સાળો પણ મને જીવતો ના રહેવા દે. તમે જ કોઈ રસ્તો કાઢી આપો અને સોનલ ને સમજાવો."

" સોનલ તું જરા બહાર બેસ" સોલંકી સાહેબે સોનલ ને કહ્યું. સોનલ બહાર ગઈ.

" રસ્તો એમનેમ નહીં નીકળે. તને કોર્ટમાં ખેંચી જાઉં તો જેલના સળિયા પાક્કા ! કેટલા વર્ષની પડશે એ કાંઈ નક્કી નહીં. બોલ કેટલા પૈસા ખર્ચી શકે એમ છે ?"

" મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ. મને બચાવી લો. મારા બૈરી-છોકરાં રખડી પડશે. મારી પાસે બહુ મોટી રકમ નથી સાહેબ"

" એ મારે નહીં જોવાનું.... તારે આ પરાક્રમ કરતા પહેલા વિચારવાનું હતું.. આજે જ તને કોર્ટમાં લઈ જાઉં છું. "

" લાખ દોઢ લાખમાં બધુ પતાવી દો સાહેબ અને સોનલ ને તમે જ સમજાવી દો સાહેબ. મને એનાથી છૂટો કરી દો. મારી ભૂલ થઈ ગઈ."

" એટલામાં કાંઈ ન વળે . ઓછા માં ઓછા અઢી લાખ રૂપિયા જોઈશે. 2 લાખ સોનલ ના અને 50000 અમારો ખર્ચો ! મંજૂર હોય તો બોલ નહી તો કોર્ટમાં જવાની તૈયારી કરીએ. "

" મને અઠવાડિયા નો ટાઈમ આપો સાહેબ. હાલ ને હાલ તો મારી પાસે કાંઈ જ નથી. હું ભાગી નહીં જાઉં સાહેબ !! અહીં આવીને આપી જઈશ !! "

" તારું એક સ્ટેટમેન્ટ લઈ લઉં છું કે તેં સોનલ ને ફસાવી હતી અને એના ઉપર એક અઠવાડિયા સુધી લગન ના નામે બળાત્કાર કર્યો હતો. તું પૈસા આપવા આવે એટલે આ સ્ટેટમેન્ટ ફાડી નાખીશું. બરાબર ? "

" જી સાહેબ "

" ઓકે... હવે તું સીધો નીકળી જ જા...... સોનલ ને મળતો નહીં."

એના ગયા પછી સાહેબે સોનલ ને અંદર બોલાવી.

" જો બેટા..... મારી વાત ધ્યાનથી સાંભળ. તારી સાથે ખૂબ જ ખોટું થયું છે એ હું જાણું છું. પણ ભગવાન પણ આ લગ્ન માન્ય નહીં રાખે કારણ કે પ્રતાપ પરણેલો છે. એનાં પાપની સજા એને મળશે... તું નિર્દોષ છે એટલે ભગવાન તને માફ કરી દેશે.... આપણા ત્રણ સિવાય આ વાત કોઈ જાણતું નથી. તું એને ભૂલી જા. તારી સાથે એણે જે રમત રમી છે એનો દંડ ભરવા એ તૈયાર છે.... તારે હવે મજૂરી કામ નહીં કરવું પડે..... મેં એની પાસે દોઢ લાખ રૂપિયા મંગાવ્યા છે એ તું લઈ લે . અઠવાડિયા પછી પોસ્ટ ઓફિસમાં તપાસ કરજે..... ત્યાંથી સમાચાર મળે એટલે પોલીસ સ્ટેશન પૈસા લેવા આવી જજે. તારા કાળીયા ઠાકર પણ આ બધું જાણે છે એટલે તને માફ કરી દેશે. "

" સાહિબ... પૈસા લઈને હું શું કરું ? આટલા પૈસા ક્યાં હાચવું ? અને મારા ભાઈને શું જવાબ દેવો ? "

" એક કામ કર સોનલ... કાલે પોસ્ટ ઓફિસ આવીને એક ફોર્મ ભરી દે એટલે તારું બેંકમાં ખાતું ખોલી દઉં.... આ તમામ પૈસા બેંકમાં રહેશે..... તારે જેટલા પૈસા ની જરૂર પડે એટલા પૈસા પોસ્ટ ઓફિસ આવીને ઉપાડી લેવાના.... કોઈને કંઈ ખબર નહીં પડે. "

" અને ઘરે બેસીને થોડું થોડું ભણવાનું ચાલુ કર. અહીં એક બેન ને હું ઓળખું છું એ તને વાંચતા લખતા શીખવાડી દેશે.... તારે રોજ એક બે કલાક એમના ઘરે જવાનું અને એમનું થોડું ઘણું કામ કરવાનું.... તારે હવે મજૂરી કરવાની જરૂર નથી.... અને ભવિષ્યમાં આવા હરામી લોકો તને છેતરી ન જાય એનું ધ્યાન રાખજે " મેં કહ્યું.

" વાહ મહેતા સાહેબ વાહ !! બહુ સરસ રસ્તો કાઢી આપ્યો તમે તો !! "

સોનલનું બેન્ક એકાઉન્ટ ખુલી ગયું. એક અઠવાડિયા પછી દોઢ લાખ જમા થયા. એક લાખ સોલંકી સાહેબે રાખ્યા. મને એમણે ઓફર કરેલી પણ મેં ચોખ્ખી ના પાડી. કોઈને સુખ વહેચી શકું એનાથી મોટો આનંદ મારા જીવનમાં બીજો કોઈ નથી.

એ પ્રસંગને લગભગ દોઢ વર્ષ થઈ ગયું. વચ્ચે વચ્ચે ક્યારેક સોનલ મને પોસ્ટ ઓફિસ માં મળવા ચોક્કસ આવતી . અને એક દિવસ મારી બદલી રાજકોટ થઈ. સોનલ ને ખબર પડતા એ મને ઓફિસ છૂટવા સમયે ખાસ મળવા આવી. કદાચ જોષીએ જ એને વાત કરી હશે. સોનલ દોઢ વર્ષમાં પૂરી બદલાઈ ગઈ હતી. હવે ઓઢણી ચણીયા ના બદલે એ ડ્રેસ પહેરતી થઇ હતી. ભાષા પણ સુધરી ગઈ હતી.

" સાહેબ તમે જાવ છો ? તમારા વગર હવે અમારું કોણ ? તમે મને હારે ના લઈ જાઓ ? મારી મા તો મરી ગઈ. ભાઈ ના સહારે છું. રઘલો આખો દિવસ દારૂ પીને પડ્યો રહે છે. ક્યારેક મને મારી પણ લે છે. " કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી ગયા.

" અરે સોનલ તું રડવા માંડી ? દ્વારકામાં તારો કાળિયો ઠાકર તો છે જ ને ? એણે જ તો તને બચાવી લીધી"

" ના સાહેબ... મને બચાવનાર તમે જ મારા ભગવાન છો. હું તો રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતી હતી. આજે હું જે પણ કંઈ છું તે તમારા કારણે.... સાહેબ તમારા ઘરની નોકરડી થઈને રહીશ..... તમે મને હારે લઈ જાઓ. આખી જિંદગી તમારી સેવા કરીશ"

" મહેતા સાહેબ.. એક વાત કહું ? હું તો બહુ નાનો માણસ છું. તમે સોનલ ને લઇ જાવ. સોનલ સાચું કહે છે. એનો સમાજ બહુ જ પછાત છે. એનો ભાઈ એના લગન પણ એના જેવા કોઈ ભાઈબંધ જોડે કરશે. તમારી સાથે હશે તો બિચારીની જિંદગી તો સુખી થશે !!" જોષી બોલ્યો.

" સારું તું એક કામ કર. અત્યારે ઘરે જતી રહે અને રાજકોટ આવવાની તૈયારી કર... હું
રાજકોટ જઈ કોઈ સારું મકાન ભાડે રાખી પોસ્ટ ઓફિસ ફોન કરી દઈશ....3 દિવસ પછી પહેલાની જેમ તું રોજ પોસ્ટ ઓફિસમાં જોષીને પૂછવા આવજે કે મારા માટે કોઈ ફોન છે ? "

" શું સાહેબ તમે પણ મને ખીજવો છો !! હું ચાર-પાંચ દિવસ પછી જોષી સાહેબને પૂછી લઈશ. સાહેબ એક વાત કહું ? મારા માટે તો તમે જ મારા કાળીયા ઠાકર છો. " અને એ જતી રહી. છેલ્લા વાક્ય માં મોઘમ રીતે એણે ઘણું બધું કહી દીધું.

સાંજે ઘરે જઈને સોલંકી સાહેબ ને ફોન કર્યો અને કહી દીધું કે હું સોનલ ને મારી સાથે લઈ જાઉં છું. એનો ભાઈ રઘલો કદાચ કોઈ ફરિયાદ કરે તો જરા સંભાળી લેજો"

" તમે બહુ સારું કામ કર્યું છે મહેતા સાહેબ. રઘલા ની ચિંતા ના કરો. છોકરી બિચારી સુખી થશે."

રાજકોટ પહોંચીને ભક્તિનગર સર્કલ બાજુ એક મોટો રુમ લઇ લીધો. જોષીને પોસ્ટ ઓફિસમાં ફોન કરી કહી દીધું કે સોનલને રવિવારે સવારે રાજકોટની ટ્રેનમાં બેસાડી દે અને મને ફોન ઉપર જાણ કરે.

સોનલ સવારે 12 વાગે જ રાજકોટ આવી ગઈ. સ્ટેશન ઉપર હું એને લેવા ગયો. સ્ટેશનથી સીધો સોનલ ને માર્કેટમાં લઈ ગયો અને ઘરમાં પહેરવા જેવા ત્રણ સારા ડ્રેસ અને બહાર જવા માટે બે ભારે ડ્રેસ ખરીદી લીધા. સોનલ તો મારી સામે જોઈ જ રહી.

" હું જે કરું છું તે મને કરવા દે સોનલ ! આજે એક પણ સવાલ તું મને પૂછીશ નહીં. "

રસ્તામાં એક લેડીઝ શોપ માં લઈ જઈ બ્રા પેન્ટી પણ ખરીદી લીધા. ત્યાંથી હું એને ડાઇનિંગ હોલ માં લઈ ગયો. એણે જિંદગીમાં પહેલીવાર આટલું સારું ભોજન ચાખ્યું હતું.

જમીને હું એને મારી રૂમ ઉપર લઈ ગયો. બાથરૂમમાં જઈને વ્યવસ્થિત રીતે માથું ચોળીને નાહી લેવાની મેં એને સૂચના આપી. એ એક આજ્ઞાંકિત છોકરીની જેમ એક પણ સવાલ પૂછ્યા વગર હું જે કહું એનો અમલ કરતી હતી. હું જે પણ કરી રહ્યો હતો એનાથી એને ખૂબ જ આશ્ચર્ય પણ થતું હતું !! બસ એ મારી સામે જોઈ રહેતી.

સાંજે એને હું બ્યુટીપાર્લરમાં લઈ ગયો અને ત્યાં મેડમ ને સૂચના આપી કે આને લેટેસ્ટ લૂક આપવાનો છે . વેક્સિંગ હેર સ્ટાઈલ બધું જ ! છેલ્લે મહેદી પણ મૂકી દેજો ! હું બે અઢી કલાક પછી આવીને લઈ જઈશ.

બ્યુટી પાર્લર માંથી સોનલ બહાર આવી ત્યારે હું પોતે પણ એને ઓળખી ના શક્યો. બ્યુટી ક્વિન ને પણ ટક્કર મારે એવી એ લાગતી હતી. રૂપાળી તો એ પહેલેથી જ હતી એમાં બ્યુટી પાર્લર પછી એનું સૌંદર્ય નિખરી ઉઠ્યું.

આ બધું કરવા પાછળનું કારણ મેં સોનલ સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. સોનલ સાથે લગ્ન કરવા માટે મારી પાસે બે કારણ હતા. એક તો મારી ઉંમર હજુ માત્ર ૨૮ ની હતી. હું હજુ કુંવારો હતો. હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું કાકા કાકી ના ઘરે રહીને મોટો થયેલો. નાનપણમાં બહુ જ દુઃખ સહન કરેલું. એટલે લગ્ન કરવામાં મને હવે કોઈ પૂછનાર નહોતું.

બીજું કારણ એ હતું કે સોનલ સાથે હું એકલો જ રહેવાનો હતો. સોનલ ખૂબ જ રૂપાળી હતી. સાથે રહેતા રહેતા ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મારામાં અને પ્રતાપ માં ફરક શું ? હું પણ ગુનેગાર બની જાઉં ને !! અને માનો કે લગ્ન વગર અમે સાથે રહીએ તો પાડોશીઓ પણ કેવી કેવી વાતો કરે ? એના કરતાં એને પત્ની નો હક્ક આપુ તો એને પણ જિંદગી સલામત લાગે !

બીજા દિવસે સોમવારે સવારે મેં સોનલને ગઈકાલે ખરીદેલો લાલ ડ્રેસ પહેરવાનું કહ્યું. એને લઈને હું સીધો કોર્ટ પહોંચી ગયો. મારા એક જાણીતા વકીલને પણ મેં ફોન કરી દીધો હતો. કોર્ટમાં પહોંચી ને અમે રજીસ્ટર કોર્ટ મેરેજ કરી લીધા. કોર્ટમાંથી સીધા અમે ધારેશ્વર મહાદેવના મંદિરમાં ગયા. સજોડે પગે લાગી આશિર્વાદ લીધા. ત્યાંથી હું એને મારા રૂમ ઉપર લઈ આવ્યો. હવે સોનલ મારી કાયદેસરની પત્ની હતી.

અત્યાર સુધી ચુપ રહેલી સોનલ રૂમમાં આવતાં જ મને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ખૂબ રડી... ખૂબ રડી... મારા પગ પાસે બેસી મારા પગ પકડી લીધા.

" તમારા આ ઋણમાંથી હું ક્યારે છૂટીશ ? તમે તો ઇન્સાન છો કે દેવતા ? "

" ના ડાર્લિંગ..... તારો કાળીયા ઠાકર " કહીને મેં એને પ્રેમથી ઊભી કરી અને આલિંગનમાં લઈ લીધી.

અશ્વિન રાવલ (અમદાવાદ)