Operation Chakravyuh - 1 - 18 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 18

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-18

ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન

સાંજે છ વાગે અર્જુન અને નાયક અનુક્રમે રહેમાની અને હુસેનીનો વેશ ધારણ કરીને પરંપરાગત આરબ વસ્ત્રોમાં સજ્જ થઈ ચેન્ગશિંગ આઈલેન્ડ આવી પહોંચ્યા જ્યાં નુવાન યાંગ લીની ઓફિસ આવેલી હતી.

લીનો ડેવિડ નામક બોડીગાર્ડ અર્જુન અને નાયકને ચેન્ગશિંગ આઈલેન્ડના એ ભાગેથી લીની ઓફિસ સુધી દોરી આવ્યો જ્યાંથી આગળ લીની ઈચ્છા વગર અન્ય લોકોને જવાની સાફ મનાઈ હતી. અર્જુન અને નાયકે પોતાના જોડે એવા અમુક અદ્યતન સ્પાય ગેઝેટ્સ અને તકનીકી સામગ્રી છુપાવીને રાખી હતી, આ વસ્તુઓની મદદથી એ લોકો એ માહિતી મેળવવાની કોશિશ કરવાના હતાં જેની ઉપર ઑપરેશન ચક્રવ્યૂહની સફળતાનો સઘળો મદાર આવેલો હતો.

ઓફિસના ગેટ જોડે ઊભેલો જેકોબ અર્જુન અને નાયકની જડતી લેવાનો જ હતો પણ ડેવિડે એને આમ કરતા રોક્યો. લીના ખાસ મહેમાન હોવાથી અર્જુન અને નાયકને આમ તપાસીને અંદર જવા દેવામાં આવે એ ડેવિડને યોગ્ય ના લાગતા એને આવું કર્યું હતું.

અર્જુન અને નાયક જ્યારે લિફ્ટ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અર્જુને પોતાની બાજ નજરોથી ઓફિસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતી માછલીઓ પેક કરવાની પ્રોસેસને વ્યવસ્થિત રીતે જોઈ લીધી. ઘણી માછલીઓને પેટ ઉપર કટ મારવામાં આવ્યા હતાં એ અર્જુનથી છૂપું ના રહી શક્યું. આ જોઈ અર્જુને એ વાતનું અનુમાન લગાવી લીધું કે માછલીઓનું પેટ ચીરી એની અંદર ડ્રગ્સ છુપાવીને યાંગ લી ડ્રગ્સ સ્મગલિંગ કરતો હોવો જોઈએ

અર્જુને જે ઘડિયાળ પહેરી હતી એ સેન્સર યુકત ઘડિયાળ હતી જેનું ડાયલ એક વાર એન્ટી કલોક વાઈઝ ઘુમાવવા પર એમાં ઓટોમેટિક વીડિયો રેકોર્ડિંગ શરૂ થઈ જતું, જેને ઘડિયાળને કલોકવાઇઝ ઘુમાવી પાછું બંધ કરી શકાતું. આ બધું રેકોર્ડિંગ ઘડિયાળની અંદર એક માઈક્રો મેમરી કાર્ડમાં સંગ્રહ થાય એવી ગોઠવણ હતી.

જેવા અર્જુન અને નાયક ડેવિડની સાથે લિફ્ટમાં આવ્યા એ સાથે જ અર્જુને ખૂબ જ ચીવટથી પોતાની ઘડિયાળનું ડાયલ એન્ટિકલોકવાઈઝ ઘુમાવી રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. લિફ્ટની મદદથી અર્જુન અને નાયક ત્રીજા માળે પહોંચ્યાં, જ્યાં યાંગ લીનું પર્સનલ ચેમ્બર આવેલું હતું.

અર્જુને એ તરફ વધતી વખતે ત્રીજા માળે આવેલી ઓફિસો અને ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ ધ્યાનથી જોઈ લીધાં. લીની પર્સનલ ચેમ્બર બહાર બીજા બે સશસ્ત્ર બોડીગાર્ડ ઊભેલા હતાં, ડેવિડના કહેવાથી એમને અર્જુન અને નાયકને કોઈ રોકટોક વિના ચેમ્બરની અંદર પ્રવેશ આપી દીધો.

"વેલકમ મિસ્ટર હુસેની એન્ડ મિસ્ટર રહેમાની..!' અર્જુન અને નાયકને મીઠો આવકાર આપતા યાંગ લી બોલ્યો. અર્જુને અને નાયકે જોયું કે લીની ચેમ્બર ખૂબ જ હાઈટેક હતી, જેમાં લી બેસે છે ત્યાં સુધી જવા લી દ્વારા મંજૂરી મળવી જરૂરી હતી.

લી અર્જુન અને નાયકને દોરીને કાચનો સ્લાઈડર દરવાજો ધરાવતા પોતાના બેઠક વિભાગમાં લઈ આવ્યો, જ્યાં ટૂંકા કપડામાં સજ્જ બે સુંદર ચાઈનીઝ યુવતીઓ હાથમાં વેલકમ ડ્રિન્ક અને થોડો નાસ્તો લઈને ઊભી હતી.

લી એ પોતાના સીટીંગ ટેબલની નીચે આવેલી એક સ્વીચ દબાવી એ સાથે જ એનું ટેબલ સરકીને દીવાલને અડકી ગયું અને એની જગ્યાએ વર્તુળાકાર ગોઠવેલા લાલ રંગના સોફા ફર્શમાંથી બહાર આવ્યાં, જેની મધ્યમાં એક કાચની ત્રિપાઈ પણ હતી. લીના આગ્રહથી અર્જુન અને નાયકે સોફા પર સ્થાન ગ્રહણ કર્યું.

જેવા એ લોકો સોફામાં બેઠાં એ સાથે જ બંને ચાઈનીઝ યુવતીઓ એમને નાસ્તો અને વાઈન ડ્રિન્ક સર્વ કરીને ત્યાં બનેલા એક દરવાજા તરફ આગળ વધી.

"તો મિસ્ટર હુસેની, તમને શું લાગે છે કે હું મૂર્ખ છું.?" એકદમ શાંત વાતાવરણમાં બોલાયેલા લીના આ શબ્દો સાંભળી અર્જુન અને નાયકને ચારસો ચાલીસ વોલ્ટનો ઝાટકો લાગ્યો. પોતાની પોલ લી આગળ ખૂલી પડી ગઈ હતી, મનમાં આવેલા એવા વિચાર સાથે પણ અર્જુને પોતાની જાતને પૂર્ણ સ્વસ્થ બનાવી રાખી હતી.

"મને એવું લાગતું તો નથી." અર્જુન મનમાં વ્યાપ્ત ડરને કાબૂમાં કરી સ્મિત સાથે લીની વાતનો પ્રત્યુત્તર આપતા બોલ્યો. "પછી તમે જાતે એવું માનો તો ખબર નહીં."

"તમારી જોડે મેં ડ્રગ્સની રકમ એડવાન્સ લીધી; તો યાર હું મૂર્ખ નહીં તો બીજું શું કહેવાઉં.." લી એ કહ્યું. "ખાસ મિત્રો જોડે એડવાન્સ લેવાની વાત સાંભળી ભાઈ મારી ઉપર ગુસ્સે થઈ ગયાં. એમને મને સ્પષ્ટ કહી દીધું કે અત્યારે જ હું તમારા એડવાન્સ આપેલા પૈસા પાછા આપી દઉં."

લીની વાત સાંભળી અર્જુન અને નાયક આશ્ચર્ય સાથે એકબીજાનો ચહેરો તકતા રહી ગયાં. આખરે જિયોન્ગ લોન્ગે લીને આમ કરવા કેમ કહ્યું એ એમના માટે એક કોયડો હતો.

"મિસ્ટર લી, તમારા ભાઈ એટલે જિયોન્ગ લોન્ગ.! અને એમને કહ્યું કે તમારે અમને એડવાન્સ પાછું આપી દેવાનું..પણ આ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ.?" નાયકે હવે વાતની કમાન સંભાળી હતી, કેમકે દરેક વાતચીતમાં અર્જુન જ બોલે તો સામેવાળાને શંકા જવાની શક્યતા પ્રબળ હતી..ભલે રાધાનગરમાં અર્જુન નાયકનો સિનિયર ઓફિસર હતો પણ અહીં તો બંને ભાઈ હતાં, બિઝનેસ પાર્ટનર હતાં.

"તમે દોસ્ત છો તો તમારી આગળ સીધી અને સાફ શબ્દોમાં જ વાત કરીશ.." પોતાના હાથમાં પકડેલાં ગ્લાસમાંથી વાઈનનો એક મોટો ઘૂંટ ભરતા યાંગ લીએ કહ્યું. "તમે ઇચ્છો છો કે તમે મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનો કારોબાર કરો બરાબરને..?"

"હા.." અર્જુન અને નાયકે હકારમાં ડોકું હલાવતા કહ્યું.

"હું અને ભાઈ વર્ષોથી મિડલ ઈસ્ટના દેશોમાં ડ્રગ્સનો વેપાર કરવા માટે ઈચ્છુક છીએ." લી એ કહ્યું. "પણ નસીબજોગે અમને આજસુધી ત્યાં બિઝનેસમાં સફળતા નથી મળી. ત્યાં અમારા નહીંવત કોન્ટેક્ટ અને ત્યાંના આકરા નિયમોને લીધે અમે મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનો બિઝનેસ કરી ના શક્યાં."

"મતલબ કે તમે એવી ઈચ્છા રાખો છો કે અમે તમને મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનો બિઝનેસ કરવામાં મદદ કરીએ.?" અર્જુને લીની વાતનો મર્મ સમજતા પૂછ્યું. "પણ એમાં અમને ફાયદો શું.?"

"પ્રથમ ફાયદો કે તમારે કોઈ મૂડીરોકાણ કરવાનું નથી.." લી એક પ્રોફેશનલ બિઝનેસમેન માફક વાત કરી રહ્યો હતો. "બીજું એ કે તમે ફક્ત સપ્લાયર ચેઈન તૈયાર કરી આપો નફામાં ત્રીસ ટકા ભાગ તમારો."

લી જે પ્રસ્તાવ મૂકી રહ્યો હતો એ ખૂબ જ સારો હતો છતાં અર્જુને એક ધંધાદારી શેખની માફક વર્તતા કહ્યું.

"મને કે મારા ભાઈને આ બિઝનેસ માટે પૈસા રોકવામાં કોઈ નુકશાન દેખાતું નથી..માટે અમને મૂડીરોકાણથી કોઈ વાંધો નથી." અર્જુન પોતાની વાત પૂર્ણ કરે એ પહેલા લી બોલ્યો.

"તો બોલો નફામાં કેટલો ભાગ તમને યોગ્ય રહેશે.?"

"પચાસ ટકા." અર્જુન એક સેકંડ વિચાર્યા વગર બોલી ગયો.

"હમ્મ વધારે છે..લાસ્ટ એન્ડ ફાઇનલ પાંત્રીસ ટકા."

"લાસ્ટ એન્ડ ફાઇનલ ચાલીસ ટકા."

"ડન."

"કોંગ્રેચ્યુલેશન.." અર્જુને લી સાથે હાથ મિલાવતા કહ્યું. આમ કરતી વખતે અર્જુને પોતાની હથેળીની ચામડી પર લગાવેલી એક માઈક્રો કાર્બનની પરત પર લીની હથેળીની છાપ મેળવી લીધી.

"તો પછી બોલો ક્યારે આપણાં બિઝનેસને શરૂ કરવો છે..?" લીએ અર્જુન અને નાયકની તરફ જોઈને પૂછ્યું.

"બસ અમે આવતા વિક દુબઈ પાછા જઈને, ત્યાં સપ્લાયર ચેઈન રેડી કરવાનું કામ આરંભી દઈશું. જેવું કામ પૂરું થઈ જાય એટલે તમને ત્યાંથી કોલ કરીને જણાવી દઈશું." અર્જુને જવાબ આપતા લીને કહ્યું.

"ખૂબ સરસ..!" લી એ કહ્યું. "તો આ ખુશીના અવસર પર એક બીજો જામ થઈ જાય.

આટલું કહી લી એ સોફાની નજીક લગાવેલુ એક બટન દબાવ્યું, અડધી મિનિટમાં શરૂઆતમાં ત્યાં મોજુદ હતી એ બે યુવતીઓમાંથી એક યુવતી હાથમાં વાઈનના ગ્લાસ ભરેલી ટ્રે લઈને ત્યાં આવી. અર્જુન અને નાયકે લીના કહેવાથી એક-એક ગ્લાસ ઉપાડી લીધો.

લીની સાથે અહીંતહીંની વાતો કરતાં-કરતાં અર્જુને એ જાણી લીધું કે જિયોન્ગ લોન્ગે પરમદિવસે અર્જુન અને નાયકને પોતાની ડ્રગ્સ ફેક્ટરી લઈને આવવાનું લીને જણાવી રાખ્યું હતું. લોન્ગ પણ પોતાના માટે પારસમણી સાબિત થનારા બંને શેખને મળવા અતિ ઉત્સાહિત માલુમ પડી રહ્યો હતો.

દોઢેક કલાકની ચર્ચા બાદ અર્જુને થોડું સમજી વિચારીને લીને કહ્યું.

"જોવો એક વાત કહું, ખોટું ના લગાવતા."

"બોલો..બોલો..મિત્રનું ખોટું લાગતું હશે?"

"તમે જો અમને એડવાન્સ પેયમેન્ટ પાછું આપવા ઈચ્છતા જ હોવ તો આજે કરી આપો તો સારું..કેમકે, અમારે કાલે સવારે ક્રૂડ લેવામાં કામ આવે. સાંભળવા મળ્યું છે કે પ્રતિ બેરલ ક્રૂડના ભાવમાં બે ડોલરનો વધારો આવવાનો છે."

"અરે આટલી નાની વાત.." પોતાના ગ્લાસમાં રહેલી વાઈનનો છેલ્લો ઘૂંટ ભરી ગ્લાસને ટેબલ પર મૂકતાં લી બોલ્યો. "ચલો અત્યારે જ હું તમારું પેયમેન્ટ પાછું મોકલાવી આપું." આ લીનો સાતમો ગ્લાસ હતો..અર્જુન અને નાયકે ખૂબ ચાલાકીથી લીને વધુ ને વધુ વાઈન પીવડાવી દીધી હતી, જેથી નશાની હાલતમાં એની જોડે એવું કામ કરાવી શકાય જે ભાનમાં હોવા પર એ કરે જ નહીં.

"મારી સાથે ચલો..!" આટલું કહી લી પોતાના સ્થાનેથી ઊભો થઈ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. અર્જુને અને નાયકે એ વાત ધ્યાનથી નોંધી લીધી કે લી જ્યાં બેસતો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા.

નાયકે ખૂબ સાવચેતી સાથે ટોઇલેટમાં જઈને પોતાના ગોગલ્સ બોક્સમાં ગોઠવેલા સેન્સરનો ઉપયોગ કરી સમગ્ર ઓફિસનાં સીસીટીવી કેમેરા પંદર મિનિટ માટે પુશ કરી દીધાં.. જેથી એ અને અર્જુન આગળ જે કરવાના હતાં એ એકપણ કેમેરામાં કેદ ના થાય.

ત્રીજા માળના દાદરા ઉતરી યાંગ લી બીજા માળે આવેલી પોતાની આઈ.ટી કેબિનમાં આવ્યો..અર્જુન અને નાયક એની સાથે હતાં. લી દ્વારા પોતાની જોડે આવનારા બોડીગાર્ડને પાછળ-પાછળ આવવાની મનાઈ ફરમાવી દેતા એમનામાંથી કોઈ લીની જોડે ના ગયું.

અર્જુન અને નાયક લીની સાથે એની બીજા માળે આવેલી આઈ.ટી ઓફિસ આવ્યાં ત્યારે ત્યાં એક યુવક લેપટોપ પર બેસીને ગેમ રમી રહ્યો હતો, એ વીંગ હતો. લીને અચાનક ત્યાં આવેલો જોઈને વીંગ એના માનમાં પોતાની જગ્યાએથી ઉભો થઈને બોલ્યો.

"ગુડ ઇવનિંગ સર.!"

"યુકાતા, દોજી અને રિમકી ક્યાં છે?"

"સર, એ લોકો તો સાત વાગે નીકળી ગયાં.." જવાબ આપતા વીંગે કહ્યું. "આપણો ઓફિસ ટાઈમ નવ થી સાતનો છે એટલે."

"હમ્મ..તું કેમ નથી ગયો.?"

"બસ હમણા નીકળી જ રહ્યો હતો.."

"થોડું કામ છે એ પૂરું કરીને જજે હવે."

"કોઈ વાંધો નહીં.. બોલોને શું કરવાનું છે.?"

"આજે બપોરે જે બીટકોઈન આપણા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાં એ આવ્યાં હતાં એ એકાઉન્ટમાં પાછા જમા કરાવી દે."

હકારમાં ગરદન હલાવી વીંગે લીએ કહ્યાં મુજબ કામ કરવા જેવી જ લેપટોપના કીબોર્ડ પર આંગળી રાખી એ સાથે જ અર્જુન બોલ્યો.

"મિસ્ટર લી, જો બની શકે તો મારી એક બીજી રિકવેસ્ટ છે એ માન્ય રાખશો."

આ દરમિયાન પોતાને વાઈનનો ભારે નશો થઈ ગયો છે એવી એક્ટિંગ કરતા નાયક એ કોમ્પ્યુટરની સામે માથું ઢાળીને બેસી ગયો હતો જેની સાથે આઈટી કેબિનના બાકીનાં ચારેય લેપટોપ લેન (LAN- લોકલ એરિયા નેટવર્ક. જે કોમ્પ્યુટર લેનમાં જોડાયા હોય એ દરેકની મેમરીને અન્ય લેનમાં જોડાયેલા અન્ય કોમ્પ્યુટર દ્વારા ઍક્સેસ કરી શકાય છે. એ માટે જે-તે ફાઇલ, ફોલ્ડર, કે ડ્રાઈવનું શેરિંગ કરેલું હોવું જોઈએ.) વડે જોડાયેલા હતાં.

નાયક તરફ ધ્યાન આપ્યા વિના નશામાં ગરકાવ યાંગ લીએ અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

"હુસેની, તમારી એક નહીં સો રિકવેસ્ટ હશે તો પણ આ નુવાન યાંગ લી પૂરી કરશે. બોલો હું શું કરી શકું?

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)