Pranaybhang - 29 - last part in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 29 ( અંતિમ ભાગ)

પ્રણયભંગ ભાગ – 29 ( અંતિમ ભાગ)

પ્રણયભંગ ભાગ – 29

લેખક - મેર મેહુલ

(બે વર્ષ પછી)

ચોમાસાની રાત હતી, વરુણ દેવ કોપાયમાન થઈને અનરાધાર વરસી રહ્યા હતા.ચો-તરફ ઘૂંટણસમા પાણી ભરાય ગયાં હતાં. છેલ્લાં એક અઠવાડિયાથી વડોદરા શહેરનું જનજીવન ખોરવાય ગયું હતું, વિશ્વામિત્રી પણ ગાંડી-તુર થઈ હતી, જેને કારણે શહેરમાં પાણી સાથે મગરો પણ ઘુસી આવી હતી. તંત્રએ પણ લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપી હતી.

છેલ્લાં ત્રણ દિવસથી વીજળી તો ગુલ જ હતી પણ અલ્કાપુરી સોસાયટીનું એક ઘર લાઈટોથી ઝળહળી રહ્યું હતું. સોલાર સિસ્ટમ સાથે જનરેટરની સુવિધાથી ઉપલબ્ધ આ ઘર વડોદરાનાં ડભોઇ તાલુકાના મામલતદાર એવા અખિલ સંઘવીનું હતું.

બે વર્ષ પહેલાં જે ઘટના બની હતી ત્યારબાદ અખિલ સાવ બદલાય ગયો હતો. સખત મહેનત અને આવડતને કારણે અખિલે પોતાનું લક્ષ્ય તો હાંસિલ કરી લીધું હતું પણ એક વ્યક્તિને સમજવામાં પોતે નિષ્ફળ રહ્યો હતો જેનું દુઃખ હજી તેને સાલતું હતું.

નિયતીએ અખિલને સમજીને લગ્ન માટે હા પાડી દીધી હતી અને એક વર્ષ પહેલાં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ અખિલે પોતાનાં માતા-પિતાને અહીંયા જ બોલાવી લીધાં હતાં. હાલ તેઓ પોતાનાં વતન ગયાં હતાં અને વરસાદને કારણે બહાર નીકળવું મુશ્કેલ હતું એટલે અત્યારે ઘરમાં અખિલ અને નિયતી એકલા જ હતાં.

મામલતદાર બન્યા પછી અખિલે વાંચનને વધુ સમય આપ્યો હતો, હાલ એ બેઠકરૂમમાં બેસીને ચંદ્રકાંત બક્ષીની ‘બાકી રાત’ નવલકથા વાંચી રહ્યો હતો. આ નવલકથા તેણે અનેકવાર વાંચી હતી, અખિલ પોતાની સ્ટૉરીને આ નવલકથામાં જોતો હતો.

અખિલ વાંચવામાં મગ્ન હતો એ દરમિયાન દરવાજો નૉક થયો. અખિલને આશ્ચર્ય થયું, આટલાં ભયંકર વરસાદમાં કોણ આવી શકે?

અખિલ દરવાજો ખોલવા ઉભો થતો એટલામાં, ‘બેસો હું ખોલું છું’ કહેતાં નિયતી દરવાજા તરફ ચાલી. નિયતીએ દરવાજો ખોલ્યો અને એ જ સમયે એ ઝટકા સાથે બધી લાઈટો બંધ થઈ ગઈ.

“ખરા સમયે જ આ હેરાન કરે છે” કહેતાં નિયતી મેઈન સ્વીચ તરફ ચાલી. અખિલનું ધ્યાન દરવાજા તરફ હતું. અંધારામાં દરવાજા પર એક માનવકૃતિ દૃશ્યમાન થતી હતી પણ એ કોણ હતું એ સ્પષ્ટ જોઈ શકાતું નહોતું. અખિલ અવાજ આપીને ઓળખાણ પૂછી શકતો હતો પણ અખિલ મૌન હતો અને સામેની તરફથી પણ કોઈ પ્રતિસાદ નહોતો મળ્યો.

વીજળીનો એક કડાકો થયો અને સેકેન્ડના છઠ્ઠા ભાગ માટે બધું જ પ્રકાશિત થઈ ગયું. અખિલે જોયું, દરવાજા પર એક વ્યક્તિ ઉભો હતો, તેનાં હાથમાં કંઈક લપેટાયેલું હતું. એ જ સમયે નિયતીએ સ્વિચ ઑન કરી. અખિલ અને દરવાજા પર ઊભેલા વ્યક્તિની આંખો ચાર થઈ. અખિલ સોફા પરથી ઉભો થઇ ગયો.

“કોણ છે અખિલ?” કહેતાં નિયતી દરવાજા તરફ આવી. એ વ્યક્તિને જોઈને નિયતીના પગ પણ થંભી ગયા, “ચિરાગ…!!!”

‘શાહ બંગલા’ માં એકવાર જોયેલો ચહેરો નિયતીના માનસપટલ પર છપાઈ ગયો હતો. ચિરાગ દરવાજા પર હાથમાં એક બાળકને ચાદરમાં લપેટીને ઉભો હતો. ચિરાગનો શર્ટ ઝકળાય ગયો હતો જેનાં કારણે એ કંપી રહ્યો હતો. નિયતીએ ચિરાગને ટુવાલ આપી બાળકને તેડી લીધું.

અખિલ હજી મૌન બનીને બધું જોઈ રહ્યો હતો. માથાં પર ટુવાલ લૂછતાં ચિરાગ અખિલને જોઈ રહ્યો હતો.

“મારાં કપડાં લઈ આવ નિયતી” અખિલે ચિરાગની આંખોમાં જ જોઈને કહ્યું.

“એવી તકલીફ ના ઉઠાવશો બેન” ચિરાગે સંકોચ સાથે કહ્યું. પોતે એ વ્યક્તિ સામે ઉભો હતો જેને બે વર્ષ પહેલાં તેણે બેઇજત કરીને ઘરની બહાર કાઢ્યો હતો. ચિરાગે શર્ટને એક હાથે ઝાપટ્યો. અખિલે નિયતી સામે જોયું એટલે નિયતી અંદર ચાલી ગઈ.

ચિરાગ અખિલ પાસે આવ્યો. અખિલ સાથે આંખો મેળવવાની ચિરાગમાં હિંમત નહોતી છતાં, ચિરાગ પ્રયત્નો કરી રહ્યો હતો. ચિરાગે હિંમત ઝૂંટવી, પોતે જે વાત કરવા માટે આવ્યો હતો એ વાતનો પ્રસ્તાવ મુકવા આગળ વધતો હતો એટલામાં જ નિયતી રૂમમાંથી સફેદ કુર્તુ અને પાયઝામો લઈને આવી.

ચિરાગ આ ઘરમાં પહેલાં રહી ચુકેલો એટલે ઘરના વાસ્તુથી વાકેફ હતો. કપડાં લઈ ચિરાગ બાથરૂમમાં ચાલ્યો ગયો. અખિલ અને નિયતી બંને એકબીજાની સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહ્યા હતા. ચિરાગ અહીં શા માટે આવ્યો હતો એની કોઈને ખબર નહોતી.

આટલાં વરસાદમાં ચિરાગનું એક બાળકને લઈને આવવું બંનેને સમજાતું નહોતું. સિયા ક્યાં હશે એવો વિચાર અખિલનાં મગજમાં આવ્યો પણ હાલ તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. નિયતિએ બાળકને તેડીને ખોળામાં સુવરાવી દિધું અને વહાલથી તેનાં માથે હાથ ફેરવવા લાગી. થોડીવારમાં ચિરાગ કપડાં બદલીને આવ્યો. બાળકને ઢબૂરીને બાજુમાં સુવરાવી નિયતી ચાના ત્રણ કપ લઈ આવી.

“હું વધારે સમય નહી લઉં તમારો” ચિરાગે કહ્યું.

“જો તું સિયા વિશે વાત કરવા આવ્યો હોય તો તને જણાવી દઉં, હું બેશરમ નથી અને હું એને ભૂલી ગયો છું” અખિલે મૌન તોડતા કહ્યું. ચિરાગને એ વાત યાદ આવી ગઇ જ્યારે અખિલ માટે આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યાં હતાં.

“પણ એ નહોતી ભૂલી..” ચિરાગ અટક્યો, ચાનો કપ બાજુમાં રાખી તેણે અખિલ સામે જોયું. ચિરાગની આંખો ભીંની હતી.

“ સિયા તો તને ભૂલી જ ના શકે, તેણે તો તૂટીને તને પ્રેમ કર્યો છે. હું જ તારો ગુન્હેગાર છું. તમારી સાથે જે થયું એમાં મારો જ દોષ છે “

અખિલ મૌન રહીને ચિરાગનાં બોલવાની રાહ જોઇ રહ્યો.

“અમે તને ફસાવ્યો હતો, સિયાનું તારા ઘર સામે રહેવા આવવું, તારી સાથે વાતો કરવી, તારી નજીક આવવું અને સંબંધ બાંધવો બધો અમારાં પ્લાનનો એક હિસ્સો હતો”

જો બે વર્ષ પહેલાંવાળો અખિલ હોત તો અત્યારે ઉશ્કેરાઈ ગયો હોત પણ સમયે અખિલને પરિપક્વ બનાવી દીધો હતો. ચિરાગે આટલી મોટી વાત કહી તો પણ અખિલનાં ચહેરા પર કહેવા પુરતાં પણ હાવભાવ ના બદલાયા. એ શાંતચિત્તે ચિરાગનાં બોલવાની રાહ જોઈ રહ્યો હતો.

ચિરાગે વાત આગળ ધપાવી, “અમારા લગ્ન થયાને સાત વર્ષ થઈ ગયાં હતાં પણ હું પિતા બનવા માટે સક્ષમ નહોતો. સિયા બાળક ઇચ્છતી હતી, પોતાનું બાળક. મેં એને બાળક એડોપ્ટ કરવા સમજાવી પણ પોતે માતૃત્વ ધારણ કરી શકે છે એ જાણીને તેણે બધો દોષ મારાં પર થોપી દીધો.

હું જ દોષી હતોને !, માટે મેં જ તેને આવું કરવા કહ્યું હતું. અમે એવાં છોકરાને શોધતાં હતાં જે એકલો રહેતો હોય, બીજા લોકો સાથે ઓછો મળતો હોય અને એ શોધ તારાં પર આવીને અટકી.

મેં સિયાને બધું સમજાવી દીધું હતું, કેવી રીતે તારી નજીક આવવું, તને વિશ્વાસમાં લેવો અને પોતાનું કામ નીકળી જાય એટલે તને અલવિદા કહી દેવું. ખબર નહિ તારામાં એવું તો શું હતું કે એ તારા પ્રેમમાં પડી ગઈ. એ તો તને બધી હકીકત કહેવા ઇચ્છતી હતી પણ મેં જ તેને ના પાડી હતી. તમે લોકો ગોવા ગયાં ત્યારે હું તેની પાસેથી પળપળની ખબર પુછતો. એ તને હકીકત ના જણાવે એ માટે તેને ધમકાવતો.

તું ગાંધીનગર ગયો ત્યારે એ પૂરો દિવસ રડી હતી. તારા ગયા પછી મેં એને હસતાં નથી જોઈ. તું જ્યારે છેલ્લીવાર અમને મળવા આવ્યો ત્યારે પણ એને સચ્ચાઈ કહેવી હતી પણ મેં જ તેને તારી કસમ આપીને ચૂપ કરાવી દીધી હતી.

અમે તો તારા પાસેથી સંતાન જ ઇચ્છતાં હતાં, જે હું નહોતો આપી શકતો. જે સંતાન માટે એણે આટલી મહેનત કરી હતી તેને જોઈને પણ તેનાં ચહેરા પર સ્મિત નહોતું આવ્યું. રોજ એ તને યાદ કરીને રડતી, તને મળવાની આજીજી કરતી પણ હું કોઈ દિવસ એને ના સમજી શક્યો.

સમય જશે એટલે તને ભૂલી જશે એમ વિચારી હું તેને સતાવતો રહ્યો, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એ મારાથી દૂર થતી ગઈ. છેલ્લે તો તેણે જમવાનું પણ છોડી દીધું હતું. એની છેલ્લી ઈચ્છા હતી કે તમારાં સંતાનને તારાં સુધી હું પહોંચાડું”

ચિરાગે આંસુ લૂછયાં. સોફા પરથી બાળકને તેડી અખિલનાં ખોળામાં આપ્યું, બે હાથ જોડ્યા અને દરવાજો ચીરી બહાર નીકળી ગયો. નિયતી આ બધું જોઈ રહી હતી. સિયાનું નામ ફરી એકવાર તેની લાઈફમાં આવશે એ નિયતી જાણતી જ હતી પણ આવી રીતે આવશે એ તેણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું.

નિયતી ઉભી થઇને દરવાજા પાસે ગઈ. વરસાદ હજી વરસતો જ હતો. તેણે ધીમેથી દરવાજો બંધ કર્યો અને અખિલ તરફ આગળ વધી. ફરી એકવાર વીજળીનો કડાકો થયો, લાઈટો શરૂ-બંધ થઈ. નિયતીએ જોયું, અખિલની આંખોમાં આંસુ હતાં, નજર દરવાજા પર અટકેલી હતી, ખોળામાં એક બાળક સુતું હતું અને બાજુમાં ‘બાકી રાત’ નવલકથા પડી હતી.

“તું રડીશ નહીં અખિલ” નિયતીએ કહ્યું, “ જે સિયાને તું ગુમાવી ચૂક્યો હતો એ તારી જ હતી અને અત્યારે એ તને જોતી હશે તો એટલી જ ઈચ્છા રાખતી હશે કે તેની આખરી નિશાની આ બાળકને તું પિતાનું નામ આપ”

અખિલે કંઈ જવાબ ન આપ્યો એટલે નિયતીએ પોતાની વાત શરૂ રાખી, “હું એને માતાનું નામ આપીશ, આજથી આ બાળક આપણું છે, સગી માં કરતાં પણ વધુ પ્રેમ કરીશ કારણ કે મને આમાં સિયાનો ચહેરો દેખાય છે”

“ નસીબ નસીબની વાત છે અખિલ, જેને માટે તું પાગલ થઈ ગયો હતો એ તારા માટે તારા કરતાં વધુ પાગલ થઈ હતી. વિચાર, તને આટલી તકલીફ થઈ હતી તો એની શું હાલત થઈ હશે. તેણે તો દિલ પર પથ્થર રાખીને બધાં શબ્દો કહ્યા હશે”

અખિલ હજી મૌન હતો.

“બોલને કંઇક અખિલ” નિયતી ચિલ્લાઈને રડવા લાગી, તેની સામે જે દ્રશ્ય હતું એ પોતે સ્વીકાર તૈયાર નહોતી.

“તે મારી સાથે આવું કેમ કર્યું અખિલ ?” નિયતીએ રડતાં રડતાં અખિલની કૉલર પકડી, “જવાબ આપ અખિલ સંઘવી, મારી સાથે તે આવું કેમ કર્યું ?”

પોતે લાખ કોશિશ કરે તો પણ અખિલ જવાબ નહોતો આપવાનો એ વાત નિયતી જાણતી હતી તો પણ એ અખિલ પાસે જવાબ માંગતી હતી પણ અખિલ તો સિયાને શોધવા ક્યારનો નીકળી ગયો એ વાતથી એ અજાણ હતી.

નિયતીએ બાળકને તેડીને છાતીએ ચાંપી દીધું. નિયતીની નજર અખિલની બાજુમાં પડેલી ‘બાકીરાત’ નવલકથા પર ગઈ. નવલકથાની વચ્ચે એક કાગળ રાખેલો હતો. નિયતીએ એ કાગળ લઈને ખોલ્યો, તેમાં અખિલે સિયાનાં વિરહમાં પોતાની વેદના લખી હતી. એ વાંચીને નિયતિ ચોધાર રડી પડી. જે કંઇક આ મુજબ હતી,

‘એક મંજિલના બે મુસાફાર,

ભુલા પડ્યા ત્યારે માલુમ પડ્યુ...

મંજિલની તો ખબર જ હતી,

મજા બસ સફરમાં હતી. ’

‘ તારી યાદોનું તુફાન હજી બાકી છે,

અધુરી છોડેલી વાત હજી બાકી છે,

કદમથી કદમ મેળવીને ચાલીશું,

પ્રણયભંગ પછીની રાત હજી બાકી છે.’

(સમાપ્ત)

- મેર મેહુલ

નવલકથાનાં મંતવ્યો અચુક જણાવશો.

contact info. - 9624755226

Rate & Review

Riddhi Mehta

Riddhi Mehta 1 month ago

Khadut Bhumiputra

Khadut Bhumiputra 2 months ago

HD TRADA

HD TRADA 6 months ago

Rojmala Yagnik

Rojmala Yagnik 2 years ago

Sinu Zala

Sinu Zala 2 years ago